‘હું નાસ્તિક છું’ એટલે ભાજપના કાર્યકરોએ ‘પરાણે’ મંદિરે લઈ જઈ ‘માફી મગાવી’ : દલિત શિક્ષકની વ્યથા

ઇમેજ સ્રોત, UGC
- લેેખક, પ્રવીણ શુભમ
- પદ, બીબીસી માટે
તેલંગાણામાં હિન્દુત્વવાદી સંગઠનો તથા ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ના કાર્યકરો દ્વારા એક નાસ્તિક દલિત શિક્ષક પાસેથી ‘બળજબરીથી માફી’ મગાવવાની ઘટના બાબતે વિવાદ સર્જાયો છે.
મલ્લામારી મલ્લિકાર્જુન નામની આ દલિત વ્યક્તિ નિઝામાબાદ જિલ્લાની કોટાગિરિ હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.
આ વર્ષની બીજી જાન્યુઆરીએ હિન્દુ સમાજના અને ભાજપના કેટલાક કાર્યકરો કોટાગિરિ હાઇસ્કૂલ બહાર વિરોધપ્રદર્શન કર્યું હતું. તેમનું કહેવું હતું કે મલ્લિકાર્જુન શાળામાં હિન્દુ દેવી-દેવતાઓ વિરુદ્ધના પાઠ ભણાવી રહ્યા છે. તેમણે મલ્લિકાર્જુન પાસેથી માફીની માગણી કરી હતી.
માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ, મલ્લિકાર્જુનને ‘બળજબરીથી’ નજીકના હનુમાન મંદિરે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમણે પૂજા કરી હતી અને તેમની પાસે ‘બળજબરીથી’ માફી મંગાવવામાં આવી હતી.

વિવાદનું મૂળ કારણ શું છે?
કોઝાગિરિ તેલંગાણા અને મહારાષ્ટ્રની સીમા પર નિઝામાબાદ જિલ્લામાં આવેલો અંતરિયાળ વિસ્તાર છે. સંયુક્ત આંધ્ર પ્રદેશના પ્રથમ દલિત મુખ્ય મંત્રી દામોદરન સંજીવૈયાએ કોઝાગિરિ જિલ્લા પરિષદ સ્કૂલનું શિલારોપણ કર્યું હતું.
મલ્લિકાર્જુન દલિત સમુદાયના છે અને તેઓ છેલ્લાં ચાર વર્ષથી આ સ્કૂલમાં તેલુગુ શિક્ષક તરીકે ફરજ બજાવે છે.
ઑગસ્ટ, 2022માં કેટલાક યુવકો કોટાગિરિ હાઇસ્કૂલમાં ગણેશોત્સવ માટે ફાળો એકત્ર કરવા આવ્યા હતા, પરંતુ નાસ્તિક મલ્લિકાર્જુને ફાળો આપવાનો ઇનકાર કર્યો હતો.
મલ્લિકાર્જુને તે યુવકોને કહ્યું હતું કે, “હું નાસ્તિક છું. નાસ્તિક માણસ ભગવાનમાં માને નહીં. હું માનું છું કે ભગવાન જેવું કશું નથી.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમણે એ યુવકોને ઉદાહરણ આપતાં કહ્યું હતું કે, “જેમને સરસ્વતીમાં શ્રદ્ધા હોય તેમને જ વાંચતા આવડે એવું નથી. અમેરિકા જેવા દેશમાં કોઈને સરસ્વતી દેવીમાં શ્રદ્ધા નથી તો શું એ લોકો શિક્ષિત નથી?”
એ ઘટનાના થોડા મહિના પછી ગત બીજી જાન્યુઆરીએ હિન્દુત્વવાદી જૂથોના કેટલાક સભ્યો કોટાગિરિ હાઇસ્કૂલમાં ગયા હતા અને મલ્લિકાર્જુન પાસેથી માફીની માગણી કરી હતી.
સ્કૂલના હેડમાસ્તર અને મંડલ શિક્ષણ અધિકારીએ એ લોકોને સમજાવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એ કાર્યકરો સ્કૂલની સામે બેસી ગયા હતા અને મલ્લિકાર્જુન વિરોધી સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે મલ્લિકાર્જુન સ્કૂલમાં વિદ્યાર્થીઓને હિન્દુ ધર્મ તથા હિન્દુ દેવી-દેવતાઓ વિરુદ્ધના પાઠ ભણાવી રહ્યા છે.
તેના અનુસંધાને મલ્લિકાર્જુને સ્કૂલ સમક્ષ હિન્દુ સમુદાયની માફી માગી હતી. એ પછી મલ્લિકાર્જુનને ‘જય શ્રીરામ’ સૂત્રોચ્ચાર કરતાં લોકોના ટોળા સાથે કોટાગિરિના હનુમાન મંદિરે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં મલ્લિકાર્જુને માફી માગી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.
અત્રે એ નોંધવું જરૂરી છે કે આ બધું પોલીસની હાજરીમાં થયું હતું.

દલિત-નાસ્તિક શિક્ષકને તેલંગાણામાં હિંદુત્વવાદી સંગઠનો દ્વારા મંદિરે લઈ જવાયાનો મામલો

- તેલંગાણાના નિઝામાબાદ જિલ્લાના કોટાગિરિ હાઇસ્કૂલમાં દલિત-નાસ્તિક શિક્ષકને ‘પરાણે’ મંદિર લઈ જવાનો મામલો સામે આવ્યો
- આ ઘટનાના પીડિત શિક્ષકે દાવો કર્યો છે કે તેમને ‘બળજબરીપૂર્વક મંદિરે લઈ જવાયા’ હતા
- હિંદુત્વવાદી સંગઠનોનો દાવો છે કે શિક્ષક ‘શાળામાં હિંદુ ધર્મવિરોધી પાઠ’ ભણાવે છે
- શિક્ષકને ‘પરાણે’ મંદિર લઈ જવાની ઘટના બની ત્યારે ‘પોલીસ અને શિક્ષણ અધિકારી હાજર હતા’
- પરંતુ આ મામલે શિક્ષણસંઘ દ્વારા કેમ કશું નહોતું કરાયું? શું છે સમગ્ર મામલો? જાણો

‘ગામ બહાર નહીં જવાની ધમકી’

ઇમેજ સ્રોત, UGC
આ વિવાદની તપાસ કરવા બીબીસીએ કોટાગિરિ હાઇસ્કૂલની મુલાકાત લીધી હતી.
મલ્લિકાર્જુને જણાવ્યું હતું કે તેમને તેમની મરજી વિરુદ્ધ માફી માગવાની ફરજ પાડવામાં આવી હતી.
મલ્લિકાર્જુને બીબીસીને કહ્યું હતું કે, “મને કહેવામાં આવ્યું હતું કે હું માફી નહીં માગું તો સ્કૂલની બહાર નીકળી નહીં શકું. તેઓ મારા પર ગમે તે ક્ષણે હુમલો કરવા તૈયાર હતા. હું વિવાદ વધારવા ઇચ્છતો ન હતો એટલે મેં માફી માગી લીધી હતી. મેં ખરેખર કંઈ ખોટું કર્યું નથી, પરંતુ સંજોગોએ મને માફી માગવાની ફરજ પાડી હતી.”
તેમણે ઉમેર્યું હતું કે, “હું ભગવાનમાં માનતો નથી, એવું મેં તેમને કહ્યું એટલે તેઓ મને હનુમાન મંદિરે લઈ ગયા હતા. તેમણે મને મંદિરમાં જવાની અને માફી માગવાની ફરજ પાડી હતી. તેમણે ત્યાં ભજન કર્યાં હતાં. મેં એવું ક્યારેય કહ્યું નથી કે કોઈ પ્રાર્થના ન કરવી જોઈએ કે સરસ્વતીની પૂજા ન કરવી જોઈએ. ક્લાસની વાત છોડો, ક્લાસની બહાર પણ એવું ક્યારેય કહ્યું નથી.”

‘હિન્દુત્વવિરોધી ભાવના વધી રહી છે’

ભાજપના નેતાઓ જણાવે છે કે મલ્લિકાર્જુને હિન્દુ દેવી-દેવતાઓ વિરુદ્ધ કૉમેન્ટ કરી હોવાના વીડિયો આજે પણ બહાર આવી રહ્યા છે. તેથી અમે તેમની પાસે માફીની માગણી કરી હતી.
ભાજપના કોટાગિરિ મંડલના નેતા કપુગંડલા શ્રીનિવાસે બીબીસીને કહ્યું હતું કે, “અમે ચિંતિત છીએ, કારણ કે મલ્લિકાર્જુન સ્કૂલમાં વિદ્યાર્થીઓને હિન્દુ દેવી-દેવતાઓ વિરુદ્ધના પાઠ ભણાવતા હતા. તેમની પાસે બળજબરીથી માફી મંગાવી નથી. તેઓ સ્વેચ્છાએ હનુમાન મંદિરે આવ્યા હતા.”
“કોઈ શિક્ષક હિન્દુ દેવી-દેવતાઓ વિરુદ્ધના પાઠ વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવી શકે? દેશની અનેક સ્કૂલોમાં શિક્ષકો તથા લોકો સરસ્વતી દેવીની મૂર્તિની પૂજા કરે છે. મલ્લિકાર્જુને સરસ્વતી દેવીનું અપમાન કર્યું હોવાના પુરાવા અમારી પાસે છે.”
“હવે ખ્રિસ્તી મિશનરીઓ સ્કૂલોમાં પ્રવેશી રહ્યા છે. આવા શિક્ષકો હશે તો શું થશે? જે રાજ્યમાં હિન્દુ દેવી-દેવતાઓ, અયપ્પા સ્વામી અને સરસ્વતીની પૂજા થાય છે એ રાજ્યમાં આવું બની રહ્યું છે. અહીંના ભૈરી નરેશ અને રાજેશ નામના શિક્ષકો પણ છે. બધાના વીડિયો બહાર આવી રહ્યા છે. મલ્લિકાર્જુનનો વીડિયો પણ બહાર આવ્યો હતો. તેથી અમે તેમની માફી ઇચ્છતા હતા.”
“અમે તેમને કહેલું કે તમે ઈશ્વર વિરુદ્ધ બોલ્યા છો એટલે તમારે ઈશ્વર સામે માફી માગવી જોઈએ. તેઓ સહમત થયા હતા. અમે તેમને ફરજ પાડી નથી.”

સ્કૂલના હેડમાસ્તરનું શું કહેવું છે?

કોટાગિરિ હાઇસ્કૂલમાં 600થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આશરે 30 શિક્ષકો ત્યાં ફરજ બજાવે છે.
હાઇસ્કૂલના હેડમાસ્તર શિવલિંગ ગલપ્પાએ બીબીસીને કહ્યું હતું કે, “અમારી સ્કૂલમાં હિન્દુ દેવી-દેવતાના અપમાનના પાઠ ભણાવવામાં આવતા નથી. મલ્લિકાર્જુને પણ વિદ્યાર્થીઓને આવું કશું કહ્યું ન હતું. મેં વર્ગના વિદ્યાર્થીઓને પૂછ્યું હતું. આવું કશું જ બન્યું નથી.”
“અમારે ત્યાં તેલુગુ, ઉર્દૂ અને ઇંગ્લિશ મીડિયમમાં શિક્ષણ આપવામાં આવે છે. વિવિધ સમુદાયનાં બાળકો અહીં અભ્યાસ કરે છે. ધર્મ બાબતે ક્યારેય ચર્ચા થતી નથી. આ બહુ કમનસીબ ઘટના છે. તે બનવી જોઈતી ન હતી, પરંતુ બની છે.”
સ્કૂલના એક શિક્ષકને મંડલ શિક્ષણ અધિકારીની હાજરીમાં મંદિરે બળજબરીથી લઈ જવામાં આવ્યા હતા તેથી કેટલાક શિક્ષકોએ ચિંતા વ્યક્ત કરી હતી.
કોટાગિરિ હાઇસ્કૂલમાં કામ કરતા ગોપાલ કાલેએ કહ્યું હતું કે, “હેડમાસ્તર અને મંડલ શિક્ષણ અધિકારી એ વખતે હાજર હતા. તેમને ફરિયાદ કરીને જરૂરી પગલાં લેવાની માગણી કરી શકાઈ હોત. એવા કોઈ પ્રયાસ કર્યા વિના કાયદો પોતાના હાથમાં લઈને એક શિક્ષક સાથે આવો વ્યવહાર કરવાનું કૃત્ય ઘૃણાસ્પદ છે.”
કોટાગિરિ મંડલ વિદ્યાધિકારી નાગનાથે બીબીસીને કહ્યું હતું કે, “શિક્ષકને મંદિરે લઈ જવાના કૃત્યને અમે યોગ્ય ગણાવતા નથી, પરંતુ તેઓ બહુ રોષે ભરાયેલા હતા. તેમને પોલીસ દૂર લઈ ગઈ હતી. અમે પણ તેમની પાછળ ગયા હતા. અમને તે ગમ્યું નથી. આ ઘટના બાબતે મને તથા જિલ્લા શિક્ષણ અધિકારીને રિપોર્ટ આપવાનો આદેશ હેડમાસ્તરને આપવામાં આવ્યો છે.”

વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેવી રીતે વિકસાવી શકાય?

ભારતીય બંધારણમાં જણાવ્યા અનુસાર, લોકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવાની શરૂઆત વિદ્યાર્થી અવસ્થાથી જ થવી જોઈએ. કોઠારી પંચના જણાવ્યા મુજબ, દેશનું ભાવિ વર્ગખંડોમાં ઘડાતું હોય છે. બાળકો આવતીકાલના નાગરિકો છે. તેથી વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ ધરાવતા વિદ્યાર્થીઓને વિકાસની સારી તક મળે છે.
દલિત સમુદાયના લોકો શિક્ષિત છે, પરંતુ તેમણે સામાજિક આદર મેળવવા સંઘર્ષ કરવો પડે છે. આ સમુદાયના કોઈ શિક્ષકનું અપમાન કરવામાં આવતું હોય તો જિલ્લાના સત્તાવાળાઓએ તેનું સન્માન જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનાં પગલાં લેવાં જોઈએ. ઘટનાના મૂક પ્રેક્ષક બની રહેલી પોલીસ અને શિક્ષણવિભાગના અધિકારીઓ સામે અત્યાચારની ફરિયાદ નોંધવી જોઈએ.
ઇન્ડિયન એથિઈસ્ટ સોસાયટીના રાષ્ટ્રીય પ્રમુખ જી ડી સારૈયાએ કહ્યું હતું કે, “નાસ્તિક વ્યક્તિને ભગવાનમાં શ્રદ્ધા ભલે ન હોય, પરંતુ તે લોકોનું કલ્યાણ જરૂર ઇચ્છતા હોય છે.”

શિક્ષક દલિત છે એટલે શિક્ષકસંગઠનો ચૂપ છે?
કોટાગિરિમાં બનેલી આ ઘટનાની શિક્ષકસંગઠનો ટીકા કરી રહ્યાં છે.
તેલંગાણા એસસી-એસટી ઉપાધ્યાય સંગમના રાજ્ય પ્રમુખ કોંગલા વેંકટે આક્ષેપ કર્યો હતો કે મલ્લિકાર્જુન દલિત હોવાથી પીઆરટીયુ જેવાં મોટાં શિક્ષકસંગઠનોએ તેમની પડખે ઊભાં રહ્યાં નથી. 50થી વધુ શિક્ષકસંગઠનોએ આ બાબતે એક અવાજે વિરોધ કેમ કર્યો નથી, એવો સવાલ તેમણે કર્યો હતો.
પીઆરટીયુ, તેલંગાણા રાજ્ય પ્રમુખ શ્રીપાલ રેડ્ડીએ આ આક્ષેપ બાબતે કહ્યું હતું કે, “આ ઘટના બહુ મોડેથી પ્રકાશમાં આવી હતી. શરૂઆતમાં એવું જાણવા મળ્યું હતું કે મલ્લિકાર્જુને સ્વેચ્છાએ માફી માગી હતી. બાદમાં મલ્લિકાર્જુને પોતે હકીકત જાહેર કરી ત્યારે અમે એક અખબારી નિવેદન બહાર પાડીને ઘટનાને વખોડી કાઢી હતી. બધા અખબારોમાં તે નિવેદન પ્રકાશિત થયું હતું. અમારી એક જ જ્ઞાતિ છે કે અમે શિક્ષકો છીએ. અમારા સંગઠનમાં કોઈ જ્ઞાતિવાદ નથી. આ ઘટના બાબતે કાયદેસરનાં પગલાં લેવાવાં જોઈએ.”
વિધાનપરિષદના ભૂતપૂર્વ સભ્ય પથુરી સુધાકર રેડ્ડીએ બીબીસીને કહ્યું હતું કે, “શિક્ષકસંઘમાં જ્ઞાતિ જેવું કશું જ નથી. તમામ સમુદાયના શિક્ષકો તેના સભ્યો છે. તેમાં કોઈની સાથે ભેદભાવ પણ થતો નથી. કોટાગિરિ હાઇસ્કૂલે આ ઘટના બાબતે પહેલ નહીં કરી હોય. કદાચ યોગ્ય પ્રતિસાદ નહીં મળ્યો હોય.”
જોકે, પોતાની ઓળખ જાહેર ન કરવા ઇચ્છતા ઉત્તર તેલંગાણા જિલ્લાના વરિષ્ઠ શિક્ષકસંઘના એક નેતાએ બીબીસીને જણાવ્યું હતું કે સંગઠનના રાજ્યપ્રમુખ અને મંત્રી જેવાં મહત્ત્વનાં પદો માટે લોકોની પસંદગીમાં જ્ઞાતિગત ભેદભાવ કરવામાં આવે છે.

બન્ને જૂથ સામે ફરિયાદ
કોટાગિરિ પોલીસે આ વિવાદ સાથે સંકળાયેલાં બન્ને જૂથ સામે ફરિયાદ નોંધી છે.
કોટાગિરિના પોલીસ અધિકારી એસ એસ મછેન્દર રેડ્ડીએ જણાવ્યું હતું કે, “મલ્લિકાર્જુનની ફરિયાદને આધારે અમે ભારતીય દંડ સંહિતાની કલમક્રમાંક 353 અને એસસી-એસટી એટ્રોસિટીઝ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. બીજી તરફ કમ્પોન્ડિયા શ્રીનિવાસ નામની વ્યક્તિએ એવી ફરિયાદ દાખલ કરી છે કે મલ્લિકાર્જુને હિન્દુ દેવી-દેવતાઓ માટે અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ સંદર્ભે અમે મલ્લિકાર્જુન સામે પણ કેસ નોંધ્યો છે.”














