મહારાજા હરિસિંહ : જમ્મુ-કાશ્મીરના અંતિમ ડોગરા રાજા, જેમણે દલિતો માટે મંદિરનાં દ્વાર ખોલ્યાં

ઇમેજ સ્રોત, KEYSTONE-FRANCE/GAMMA-KEYSTONE VIA GETTY IMAGES)
- લેેખક, અશોકકુમાર પાંડે
- પદ, બીબીસી હિન્દી માટે
જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ આખરે મહારાજા હરસિંહની જયંતીના દિવસને રજા જાહેર કરવાની ડોગરા સંગઠનોની લાંબા સમયની માગણીને સંતાષી છે.
મનોજ સિંહાએ એમને 'મહાન શિક્ષણવિદ્, પ્રગતિશીલ વિચારક, સમાજસુધારક અને અગ્રણી આદર્શ વ્યક્તિત્વ' કહ્યા છે. હરિસિંહ અને ડોગરા શાસન વિશેનો જમ્મુ અને ખીણના લોકોનો મત હંમેશા જુદો જુદો રહ્યો છે. જેમાં, જમ્મુના લોકો માટે ડોગરાવંશના છેલ્લા શાસક એમની ગુમાવેલી આન, બાન અને શાનના પ્રતીક છે, તો ખીણના ઘણા બધા લોકો ડોગરા શાસકોને ઉત્પીડનના પ્રતીકરૂપે જુએ છે.
1846માં સોબરાંવ ખાતે થયેલા બ્રિટિશ-શીખયુદ્ધમાં પંજાબની મહારાણીએ ગુલાબસિંહને સેનાપતિ નિયુક્ત કર્યા હતા, પરંતુ યુદ્ધથી અળગાં રહીને તેમણે અંગ્રેજોની મદદ કરી, ત્યાર બાદ 'અમૃતસર સંધિ'માં 75 લાખ નાનકશાહી રૂપિયા આપીને એમણે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ પર શાસન કરવાનો અધિકાર પ્રાપ્ત કર્યો હતો. ખીણમાં ઘણી વાર આ સંધિને 'અમૃતસર બૈનામા' (અમૃતસર વેચાણખત)ના નામે ઓળખવામાં આવે છે.
આની પહેલાંના ઇતિહાસમાં કાશ્મીર ખીણનો પ્રભાવ વધારે રહ્યો હતો અને જમ્મુના રાજા કાં તો ખીણને અધીન રહ્યા અથવા તો એમને નજરાણું (ખંડણી) આપતા રહ્યા હતા. જમ્મુના રાજા ગુલાબસિંહ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના મહારાજા બનતાંની સાથે જ આ સમીકરણ બદલાઈ ગયું હતું. શાસન પર આવ્યા પછી ગુલાબસિંહની નીતિઓએ આ વર્ચસ્વને જે રીતે સ્થાપિત કર્યું એનાથી ખીણના મુસલમાનોને પરાધીન હોવાનો ભાવ અનુભવાયો.
હરિસિંહ જમ્મુ-કાશ્મીરના શાસક કઈ રીતે બન્યા એની કથા પણ ઘણી રસપ્રદ છે પરંતુ પહેલાં જાણીએ હરિસિંહની ધરોહર.

સંક્ષિપ્તમાં: મહારાજા હરિસિંહ: જમ્મુ-કાશ્મીરના અંતિમ ડોગરા રાજા, જેમણે દલિતો માટે મંદિરનાં દ્વાર ખોલ્યાં

- હરિસિંહ વાસ્તવમાં મહારાજા પ્રતાપસિંહના ભત્રીજા હતા અને એમના કાકા એમને ઉત્તરાધિકારી બનાવવા નહોતા માગતા
- હરિસિંહના સત્તા પર આવતા જ રાજપૂતો રાજ્યના વિભિન્ન વિભાગોના પ્રમુખ બની ગયા અને 60 ટકાથી વધારે ગૅઝેટેડ પદો પર ડોગરાઓનો કબજો થઈ ગયો
- એમણે ઑક્ટોબર 1932માં રાજ્યનાં બધાં મંદિરોનાં દ્વાર દલિતો માટે ખોલી દીધાં અને એ એટલો બધો ક્રાંતિકારી નિર્ણય હતો કે રઘુનાથ મંદિરના મુખ્ય પૂજારીએ એના વિરોધમાં રાજીનામું આપી દીધું હતું
- હરિસિંહ ચમચાગીરીના એટલા વિરોધી હતા કે એમણે એક વાર્ષિક 'ખુશામદી ટટ્ટુ' અવૉર્ડ દર વર્ષે બંધ દરબારમાં 'સૌથી મોટા ચમચાને' ટટ્ટુની પ્રતિમા સાથે આપવાનું શરૂ કર્યું હતું
- પોતાના રાજ્યાભિષેક સમારોહમાં એમણે જમ્મુ અને કાશ્મીર ખીણમાં 50-50 તથા ગિલગિટ અને લદ્દાખમાં 10-10 સ્કૂલ શરૂ કરવાનું એલાન કર્યું અને એના નિર્માણ માટે વન વિભાગ તરફથી મફત લાકડાં અપાશે તેવી જાહેરાત કરી હતી
- એમણે ખેડૂતોની હાલત સુધારવા માટે 'કૃષિ રાહત અધિનિયમ' બનાવીને ખેડૂતોને શાહુકારોની ચુંગાલમાંથી છોડાવવામાં મદદ કરી
- શૈક્ષણિક રીતે અત્યંત પછાત રાજ્યમાં એમણે ફરજિયાત શિક્ષણ માટે નિયમ બનાવ્યા, બધાને માટે બાળકોને શાળાએ મોકલવાનું ફરજિયાત કરી દીધું; તેથી આવી સ્કૂલોને લોકો 'જબરી સ્કૂલ' પણ કહેવા લાગ્યા
- કાશ્મીર ખીણમાં અસંતોષ ઊભર્યો ત્યારે મહારાજાની મદદ કરવાના બદલે બ્રિટિશ હુકૂમતે પોતાને મુસલમાનોના હિતેચ્છુરૂપે રજૂ કર્યા
- હરિસિંહે અંગ્રેજો સાથે નહીં, ભારત અને પાકિસ્તાન સાથે ડીલ કરવાની હતી અને એમણે એક માર્ગ કાઢ્યો 'સ્ટૅન્ડ સ્ટિલ' સમજૂતીનો
- હરિસિંહના ગુણ-અવગુણોથી ભરેલા ચરિત્રનો સંપૂર્ણ ચિતાર મેળવવા વાંચો આ અહેવાલ...


ઘણી બાબતોમાં અન્ય રાજાઓ કરતાં અલગ હતા હરિસિંહ

ઇમેજ સ્રોત, KEYSTONE-FRANCE/GAMMA-KEYSTONE VIA GETTY IMAGES
1925માં જ્યારે હરિસિંહ ગાદીએ બેઠા ત્યારે શરૂઆત શાનદાર હતી. રાજગાદીએ બેઠા પછી જે પ્રકારની જાહેરાતો એમણે કરી એને સાચે જ ક્રાંતિકારી કહી શકાય.
'ધ ટ્રેજડી ઑફ કાશ્મીર'માં ઇતિહાસકાર એચએલ સક્સેનાએ નોંધ્યું છે કે પોતાના પહેલા સંબોધનમાં મહારાજા હરિસિંહે કહ્યું, "હું એક હિન્દુ છું પરંતુ પોતાની જનતાના શાસકના રૂપમાં મારો એક જ ધર્મ છે - ન્યાય. તેઓ ઇદના આયોજનમાં પણ સામેલ થયા અને 1928માં શ્રીનગર જ્યારે પૂરમાં ડૂબી ગયું ત્યારે તેઓ એની મુલાકાતે ગયા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જમ્મુ-કાશ્મીર સરકારમાં મંત્રી રહેલા જૉર્જ ઍડવર્ડ વેકફીલ્ડનો આધાર ટાંકીને એમવાય સર્રાફે પોતાના પુસ્તક 'કાશ્મીરી ફાઇટ્સ ફૉર ફ્રીડમ'માં નોંધ્યું છે કે પોતાના શાસનના પ્રારંભિક દોરમાં તેઓ ચમચાગીરીના એટલા વિરોધી હતા કે એમણે એક વાર્ષિક ઉપાધિ આપવાનું નક્કી કર્યું હતું, જેનું નામ 'ખુશામદી ટટ્ટુ' અવૉર્ડ હતું.
જેમાં દર વર્ષે બંધ દરબારમાં 'સૌથી મોટા ચમચાને' ટટ્ટુની પ્રતિમા અપાતી હતી.
એટલું જ નહીં, પોતાના રાજ્યાભિષેક સમારોહમાં એમણે જે ઘોષણાઓ કરી હતી તે સાચે જ આધુનિકીકરણની દિશામાં માંડેલાં કદમ હતી. જેમકે, જમ્મુ અને કાશ્મીર ખીણમાં 50-50 તથા ગિલગિટ અને લદ્દાખમાં 10-10 સ્કૂલ શરૂ કરવાનું એલાન કર્યું અને એના નિર્માણ માટે વન વિભાગ તરફથી મફત લાકડાં અપાશે તેવી જાહેરાત કરી.
જમ્મુ અને ખીણમાં ત્રણ ત્રણ ફરતાં દવાખાનાં ખોલવાં, ટેક્નિકલ શિક્ષણનું વિસ્તરણ કરવું, શ્રીનગરમાં એક હૉસ્પિટલ શરૂ કરવી, પીવાના પાણીની વ્યવસ્થા કરવી - એમનાં ઘણાં મોટાં પગલાંમાં સામેલ હતાં.
એમણે છોકરાઓ માટે લગ્નની ઓછામાં ઓછી વયમર્યાદા 18 અને છોકરીઓ માટે 14 વર્ષ કરી દીધી, એની સાથે જ એમણે બાળકોના રસીકરણની વ્યવસ્થા પણ કરાવી.
એમણે ખેડૂતોની હાલત સુધારવા માટે 'કૃષિ રાહત અધિનિયમ' બનાવ્યો, જેણે ખેડૂતોને શાહુકારોની ચુંગાલમાંથી છોડાવવામાં મદદ કરી. શૈક્ષણિક રીતે અત્યંત પછાત રાજ્યમાં એમણે ફરજિયાત શિક્ષણ માટે નિયમ બનાવ્યા, બધાને માટે બાળકોને શાળાએ મોકલવાનું ફરજિયાત કરી દીધું; તેથી આવી સ્કૂલોને લોકો 'જબરી સ્કૂલ' પણ કહેવા લાગ્યા.
પરંતુ, સૌથી વધારે ક્રાંતિકારી ઘોષણા તો એમણે ઑક્ટોબર 1932માં કરી, જેમાં, રાજ્યનાં બધાં મંદિરોનાં દ્વાર દલિતો માટે ખોલી દીધાં. આ ઘોષણા ગાંધીના અસ્પૃશ્યતાવિરોધી આંદોલન કરતાં ઘણી વહેલી થઈ હતી અને કદાચ દેશમાં આવો પહેલો પ્રયાસ હતો.
એ સમયે કોલ્હાપુરના શાહૂજી મહારાજ સિવાય આ રીતે વિચારનારા ભાગ્યે જ બીજા કોઈ રાજા હતા. એ એટલો બધો ક્રાંતિકારી નિર્ણય હતો કે રઘુનાથ મંદિરના મુખ્ય પૂજારીએ એના વિરોધમાં રાજીનામું આપી દીધું હતું.

રાજ્ય ઉત્તરાધિકાર કાયદો અર્થાત્ 35Aની દિશામાં પગલું

ઇમેજ સ્રોત, Getty Images
કાશ્મીરમાં લાંબા સમયથી માગ થઈ રહી હતી કે રાજ્યમાં નોકરીઓ અને જમીન ખરીદીને રાજ્યના નાગરિકો માટે અનામતની કક્ષામાં મૂકી દેવાય. વાસ્તવમાં, અંગ્રેજ રેસિડન્ટની નિયુક્તિ પછીથી જ રાજ્યમાં બહારના અધિકારીઓની ભરતી આવી ગઈ હતી.
1889માં ફારસીની જગ્યાએ ઉર્દૂને રાજભાષા બનાવી દેવાઈ અને સરકારી નોકરીઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા નિયુક્તિઓ થવા લાગી.
ફારસી 13મી-14મી સદીથી જ કાશ્મીરી પંડિતોની ભાષા બની ગઈ હતી અને આ નિર્ણયે એક જ ઝાટકે એક તરફ કાશ્મીરી પંડિતો અને મુસલમાનોની નોકરીની સંભાવનાને ખતમ કરી દીધી, તો બીજી તરફ, પંજાબીઓ માટે નોકરીનાં દ્વાર ખોલી દીધાં, જ્યાં ઉર્દૂ પહેલાંથી જ રાજભાષા હતી.
1925માં હરિસિંહ જ્યારે રાજા બન્યા ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલતી રહી.
1909માં કાશ્મીરના રેસિડન્ટ સર ફ્રાંસિસ યંગહસબન્ડે લખ્યું હતું, "રાજ્યના કર્મચારીઓની એ ખાસ પ્રવૃત્તિ છે કે કાશ્મીર કાશ્મીરીઓ માટે નહીં, અંગ્રેજો માટે તો થોડુંક ઓછું, પરંતુ પંજાબીઓ અને અન્ય ભારતીયો માટે સંપૂર્ણપણે આરક્ષિત કરી દેવાય."
આવા માહોલના કારણે ત્યાં 'કાશ્મીર કાશ્મીરીઓ માટે'ની માગ થવા લાગી. ખરું જોતાં કાશ્મીરી પંડિતો ભણેલા-ગણેલા અને નોકરીઓના દાવેદાર હતા તેથી સૌથી પહેલાં આ માગણી એમણે શરૂ કરી. 1912માં જેવોતેવો નિયમ જરૂર બન્યો, જેમાં નાગરિક હોવા સંબંધે એક મંજૂરીપત્રને અનિવાર્ય બનાવી દેવાયો, પરંતુ એની ખાસ કશી અસર ન થઈ.
મહારાજા હરિસિંહે આ સમસ્યા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું અને એમના જ શાસનકાળમાં 31 જાન્યુઆરી, 1927એ એક મજબૂત 'રાજ્ય ઉત્તરાધિકારી કાયદો' બન્યો, જેમાં મહારાજા ગુલાબસિંહ સત્તા પર આવ્યા તે પહેલાંથી રાજ્યમાં રહેતા લોકોને રાજ્યના નાગરિક ઘોષિત કરવામાં આવ્યા.
બહારના લોકો માટે કાશ્મીરમાં જમીન (ખેતી કે બિનખેતી, બંને) ખરીદવા સામે પ્રતિબંધ મૂકી દીધો, એમનાં નોકરી મેળવવી, ઇજાફો મેળવવો અને કેટલીક બાબતોમાં સરકારી કૉન્ટ્રાક્ટ મળવા સામે પ્રતિબંધ લાગુ કરી દીધો.
ત્યાર બાદ, બહારના લોકો માટે કાશ્મીરમાં નોકરી મેળવવી કે સંપત્તિ ખરીદવી પ્રભાવક રીતે અટકી ગયું, સમય જતાં આ જ કાયદો કલમ 35Aનો આધાર બન્યો.
જાણીતા કાશ્મીરી ઇતિહાસકાર પ્રેમનાથ બજાજે લખ્યું છે, "જોકે રાજ્ય નાગરિકતાની પરિભાષા સ્વીકારી લીધા પછી દમિત જનતાની આશા-અપેક્ષાઓને એક હદ સુધી તો પૂરી કરી પરંતુ એ બાબતનાં લક્ષણ દેખાવા લાગ્યાં કે આ બધી સમસ્યાનો હલ ના હોઈ શકે."
"એ વાતમાં બેમત નથી કે રાજ્ય નાગરિકતાનો કાયદો પાસ કરીને મહારાજા હરિસિંહે બહારના લોકોનો ભ્રષ્ટાચાર અને ભાઈ-ભત્રીજાવાદ ખતમ કરી નાખ્યો હતો."
પરંતુ એમના સત્તા પર આવતાં જ એક પ્રકારે રાજપૂત કુલીન તંત્ર સ્થાપિત થઈ ગયું. રાજપૂતો રાજ્યના વિભિન્ન વિભાગોના પ્રમુખ બની ગયા. સેના પૂર્ણરૂપે ડોગરાઓ, ખાસ કરીને રાજપૂતો માટે અનામત કરી દેવાઈ અને 60 ટકાથી વધારે ગૅઝેટેડ પદો પર ડોગરાઓનો કબજો થઈ ગયો.
આ ઉપરાંત, જ્યારે મુસ્લિમ વિદ્યાર્થીઓ ભણી-ગણીને આ નોકરીઓમાં પોતાના હક્કની માગ કરવા લાગ્યા ત્યારે પંડિતો માટે પણ કમ્પિટિશન ઊભી થઈ ગઈ.
કાશ્મીરમાં નોકરીઓનો આ વિવાદ આગળ જતાં બંને સમુદાય માટે તણાવનું મોટું કારણ બન્યો અને 1930ના દાયકામાં હિંસક બનાવો પછી મુસ્લિમ રાજકારણનો જે આરંભ થયો તે કાશ્મીર માટે યુગનિર્માણ જેવો સાબિત થયો.
શેખ અબ્દુલ્લા આ જ રાજકારણમાંથી ઊપસ્યા હતા પરંતુ આગળ જતાં એમણે કૉંગ્રેસના પ્રભાવમાં સેક્યુલર નૅશનલ કૉન્ફરન્સની સ્થાપના કરી અને કાશ્મીર પરના ડોગરા-બ્રિટિશ શાસનમાંથી કાશ્મીરને આઝાદ કરાવવાની લડાઈનો શંખનાદ કર્યો.

શાનદાર શરૂઆત પછી કદમ માર્ગ ભૂલ્યાં

ઇમેજ સ્રોત, HORACE ABRAHAMS/KEYSTONE/GETTY IMAGES
ગાંધીએ એક જગ્યાએ લખ્યું છે, "દરેક ભારતીય રાજા પોતાના રાજ્યમાં હિટલર છે. તે પોતાની જનતાને કાયદાની કશી દરકાર કર્યા વગર ગોળી મારી શકે છે. હિટલર પાસે પણ આનાથી વધારે અધિકાર નથી." તો હરિસિંહ પણ પોતાના સમય કરતાં કેટલા આગળ જઈ શકતા હતા?
ત્રીસીના દાયકામાં જ્યારે આંદોલન જલદ બન્યું ત્યારે હરિસિંહે પણ એ જ નીતિઓ અપનાવી જે કોઈ પણ નિરંકુશ રાજા અપનાવે છે.
આની પહેલાં ગોળમેજી પરિષદમાં આ યુવા મહારાજાએ જે રીતે ભારતીયો માટે બ્રિટિશ કૉમનવેલ્થ ઑફ નૅશન્સમાં સમાન અધિકારની માગ કરી હતી અને રાજાઓને એક ઑલ ઇન્ડિયા ફેડરેશનમાં સામેલ થવાની અપિલ કરી હતી, એનાથી બ્રિટિશ સરકાર નારાજ હતી.
ગિલગિટ પરના નિયંત્રણની બાબતમાં પણ મહારાજાનું વલણ અંગ્રેજ સરકારને મુશ્કેલીમાં મૂકનારું હતું, એ કારણે જ્યારે કાશ્મીર ખીણમાં અસંતોષ ઊભર્યો ત્યારે મહારાજાની મદદ કરવાના બદલે બ્રિટિશ હુકૂમતે પોતાને મુસલમાનોના હિતેચ્છુરૂપે રજૂ કર્યા અને તકનો ફાયદો લઈને કેવળ તત્કાલીન મુખ્ય મંત્રી હરિકૃષ્ણ કૌલની જગ્યાએ એક બ્રિટિશ અધિકારી કૅલ્વિનને કાશ્મીરના મુખ્યમંત્રી જ નિયુક્ત ના કરાવ્યા બલકે ત્રણ મુખ્ય મંત્રાલયો - ગૃહ, આવક અને પોલીસ - પણ બ્રિટિશ આઇસીએસ અધિકારીઓને સોંપી દીધાં.
પરિસ્થિતિ એવી ઊભી થઈ કે મહારાજાએ, ગિલગિટ સ્કાઉટનું વેતન મહારાજાના ખજાનામાંથી થતું હોવા છતાં, ગિલગિટનું નિયંત્રણ અંગ્રેજોને 60 વર્ષની લીઝ પર સોંપી દીધું.
આ તબક્કે કાશ્મીરમાં હરિસિંહે કેવળ પોતાની લોકપ્રિયતા જ ન ખોઈ બલકે એમની વહીવટી ક્ષમતાઓને પણ સતત પડકારોનો સામનો કરવો પડ્યો. 1930ના દાયકાની મંદીથી તબાહ કાશ્મીરી ઉદ્યોગોને તેઓ કદી સ્થિર ન કરી શક્યા અને આવકનો એક મોટો સ્રોત શૉલ ઉદ્યોગ પડી ભાંગ્યો.
1946માં જ્યારે શેખ અબ્દુલ્લાએ ભારત છોડોની જેમ કાશ્મીર છોડો આંદોલનની શરૂઆત કરી ત્યારે આ ટક્કર ચરમ પર પહોંચી ગઈ. 'અમૃતસર બૈનામા તોડ દો, કાશ્મીર હમારા છોડ દો' એ સૂત્ર મહારાજા કઈ રીતે સહન કરી શકે?
હરિસિંહ અને કાશ્મીર ખીણ વચ્ચે વધતા અંતરની ચર્ચા આગળ જતાં કરીશું પરંતુ એ જાણવું પણ રસપ્રદ છે કે હરિસિંહ સીધા રસ્તે સિંહાસન સુધી નહોતા પહોંચ્યા.

રાજ્યાભિષેક સુધીની સફર

ઇમેજ સ્રોત, Getty Images
ગુલાબસિંહ અને રણબીરસિંહ પછી જમ્મુ-કાશ્મીરની ગાદી પર મહારાજા પ્રતાપસિંહ બેઠા. હરિસિંહ વાસ્તવમાં મહારાજા પ્રતાપસિંહના ભત્રીજા હતા અને એમના કાકા એમને ઉત્તરાધિકારી બનાવવા નહોતા માગતા, પરંતુ અંગ્રેજોએ એમના ભાઈ અમરસિંહના મૃત્યુ પછી હરિસિંહને શાસક તરીકે તૈયાર કર્યા હતા.
આ કામ માટે સૈન્ય અધિકારી મેજર એચકે બારને એમના વાલી (ગાર્ડિયન) નિયુક્ત કરવામાં આવ્યા હતા અને અંગ્રેજી રીતે શિક્ષા-દીક્ષા આપવામાં આવી હતી. પ્રારંભિક શિક્ષણ અજમેરની મેયો કૉલેજમાંથી મેળવ્યા પછી એમને દહેરાદૂનની ઇમ્પિરિયલ કૅડેટ કોરમાં સૈન્ય પ્રશિક્ષણ માટે મોકલવામાં આવ્યા.
જ્યારે આ તાલીમ પૂરી થઈ ત્યારે સમય પ્રથમ વિશ્વયુદ્ધનો હતો અને એમને પ્રાંતીય સેનાના કમાન્ડર-ઇન-ચીફ નિયુક્ત કરવામાં આવ્યા. એમની જવાબદારી સેનાને તાલીમ આપવાની હતી અને ઘણા મોરચે એમણે શાનદાર દેખાવ કર્યો.
જોકે, રાજગાદીએ બેઠાનાં ચાર વર્ષ પહેલાં, 1921માં એક યુવા પ્રિન્સ તરીકે જ્યારે તેઓ બ્રિટન ગયા તો ત્યાં તેઓ બ્લૅકમેલરોની ચુંગાલમાં સપડાયા, સેક્સ સ્કૅન્ડલના કારણે એમની ખાસ્સી એવી બદનામી થઈ, આ કેસને રફેદફે કરવા સરકારી ખજાનામાંથી એક સારી એવી રકમની ચુકવણી કરવામાં આવી.
આ ઘટનાએ એમની કરિયર પર જાણે કે બ્રેક મારી અને થોડા સમય માટે એમને રાજકાજનાં કામથી દૂર રાખવામાં આવ્યા. જોકે, બીજા જ વર્ષે જ્યારે પ્રતાપસિંહને પૂર્ણપણે વહીવટી અધિકાર મળ્યા તો હરિસિંહને શાસનમાં મહત્ત્વપૂર્ણ સ્થાન અપાયું.
મહારાજા પ્રતાપસિંહના નેતૃત્વમાં એક પ્રશાસક તરીકે હરિસિંહનું પ્રદર્શન અસાધારણ હતું. પોતાની કુશળતાથી એમણે રાજ્યમાં આવી રહેલી દુકાળની સ્થિતિને અટકાવી. ડોગરાવંશના પહેલા આધુનિક શિક્ષિત હરિસિંહ ન તો સાંપ્રદાયિક હતા કે ન રૂઢિવાદી.

ભારતની આઝાદી પછી

ઇમેજ સ્રોત, Getty Images
15 ઑગસ્ટ, 1947એ ભારત જ્યારે આઝાદ થયું તેની સાથે પાકિસ્તાન અને જમ્મુ-કાશ્મીર પણ આઝાદ થઈ ગયાં. હવે હરિસિંહને અંગ્રેજો નહીં, ભારત અને પાકિસ્તાન સાથે ડીલ કરવાની હતી. એમણે એક માર્ગ કાઢ્યો 'સ્ટૅન્ડ સ્ટિલ' સમજૂતીનો. એટલે કે, જે જેવા છે, તેવા રહે.
જિન્ના (ઝીણા) માટે મુસ્લિમબહુલ કાશ્મીરનો પાકિસ્તાનમાં વિલય પ્રતિષ્ઠાનો સવાલ હતો. 'સ્ટૅન્ડ સ્ટિલ' સમજૂતીની તક ઝડપીને પહેલાં નાકાબંધી કરવામાં આવી અને પછી કબીલાવાસીઓની આડમાં પાકિસ્તાની સેના મોકલી દેવામાં આવી, જેનો હેતુ કાશ્મીર પર કબજો કરવાનો હતો.
સૈન્ય-પ્રશિક્ષિત મહારાજા યુદ્ધમાં પાછા ન પડ્યા પરંતુ ઝડપથી સમજી ગયા કે કાશ્મીરની સીમિત સેનાથી પાકિસ્તાનનો સામનો કરવો સંભવ નથી. હવે બે જ રસ્તા હતા એમની પાસે - ભારત પાસે સહાયની માગ અથવા પાકિસ્તાન સમક્ષ સમર્પણ.
ભારત વિલય વિના સહાય મોકલવા તૈયાર નહોતું તો 26 ઑક્ટોબર, 1947એ બે મહિનાની આઝાદી પછી આખરે મહારાજા હરિસિંહે ભારતમાં જોડાવાના વિલયપત્ર પર હસ્તાક્ષર કરી દીધા અને આઝાદ ડોગરિસ્તાનનું એમનું સ્વપ્ન હંમેશ માટે ખતમ થઈ ગયું.
ડોગરાવંશના છેલ્લા શાસકનો કાશ્મીરમાં આ છેલ્લો દિવસ હતો. 26 ઑક્ટોબરે તેઓ શ્રીનગરથી જમ્મુ આવી ગયા. તેઓ પોતાની સાથે 48 મિલિટરી ટ્રકોમાં પોતાનો કીમતી સામાન લઈ આવ્યા, જેમાં હીરા-ઝવેરાતથી માંડીને પેન્ટિંગ્સ અને ગાલીચા વગેરે ઘણું સામેલ હતું.
આ રીતે 1846માં ગુલાબસિંહના જમ્મુથી શ્રીનગર જતાંની સાથે શરૂ થયેલી ડોગરાવંશની સફર આ વાપસીની સાથે પોતાના અંતિમ પડાવે પહોંચી ગઈ. કદાચ એમને અનુભૂતિ હતી કે હવે શ્રીનગરમાં શાસકરૂપે જવાનું નહીં થાય, તેથી તેઓ પોતાની સાથે પરિવાર, સંબંધીઓ, ધનસંપત્તિ અને કીમતી સામાન લઈ આવેલા.
તો પણ તેઓ ક્યારેય શ્રીનગર પાછા ન ગયા અને 20 જૂન, 1949એ જ્યારે એમને સત્તા પરથી ઔપચારિક રીતે હટાવી દેવાયા તો તેઓ મુંબઈ જતા રહ્યા, જ્યાં એમના ઘણા બધા મિત્રો અને ગમતા રેસકોર્સ હતા.
ડોગરારાજની સમાપ્તિ અને શેખ અબ્દુલ્લાના નેતૃત્વમાં બનેલી નવી વ્યવસ્થામાં રાજ્યના રાજકારણમાં ખીણનું વર્ચસ્વ ફરી સ્થાપિત થઈ ગયું. ડોગરા સમાજ માટે આ પોતાના પ્રભુત્વની સમાપ્તિ જેવું હતું. જમીન સુધારણા કાયદા અંતર્ગત જમીનોના અધિકારો ગુમાવ્યા બાદ એમના માટે શેખ અબ્દુલ્લા સાથે શત્રુતા અને ડોગરા શાસનના અચ્છે દિનોની યાદો જ રહી ગઈ હતી.
હરિસિંહના જન્મદિવસે રજાની માગ એ જ ભાવનાની અભિવ્યક્તિ છે જેને નવા સીમાંકન અને કલમ 370ની સમાપ્તિએ ફરીથી આશા જન્માવી છે. ભારતીય જનતા પક્ષ અને જનસંઘે જમ્મુ અને ખીણ વચ્ચેના આ દ્વંદ્વનો હંમેશા ઉપયોગ કર્યો છે અને એને આશા છે કે આ પગલાથી તે જમ્મુમાં પોતાની પકડ જાળવી રાખવામાં સફળ થશે.
કર્ણસિંહે આત્મકથા 'હેયર એપરેન્ટ'માં પોતાના પિતા મહારાજા હરિસિંહ વિશે એક રસપ્રદ ટિપ્પણી કરી છે જે મહારાજાની દુવિધાઓને દર્શાવે છે.
કર્ણસિંહે લખ્યું છે, "એ સમયે ભારતમાં ચાર મુખ્ય શક્તિઓ હતી અને એમની સાથે મારા પિતાના સંબંધ દુશ્મનીના હતા. એક તરફ બ્રિટિશ હતા, પરંતુ તેઓ (હરિસિંહ) એટલા દેશભક્ત હતા કે અંગ્રેજો સાથે કોઈ ગુપ્ત સોદાબાજી નહોતા કરી શકતા."
"બીજી તરફ, કૉંગ્રેસ હતી, જેની સાથે મારા પિતાના વેરનું મુખ્ય કારણ જવાહરલાલ નેહરુ અને શેખ અબ્દુલ્લાના નજીકના સંબંધો હતું. પછી મોહમ્મદ અલી જિન્ના (ઝીણા)ના નેતૃત્વવાળી ઇન્ડિયન મુસ્લિમ લીગ હતી."
"જોકે, લીગે રજવાડાંના નિર્ણયના અધિકારનું સમર્થન કર્યુ હતું, પરંતુ મારા પિતા એટલા હિન્દુ હતા કે લીગના આક્રમક મુસ્લિમ સામ્પ્રદાયિક વલણને સહન કરી શકે એમ નહોતા, અને છેલ્લે શેખ અબ્દુલ્લાના નેતૃત્વવાળી નૅશનલ કૉન્ફરન્સ હતી, જેની સાથે મારા પિતાના સંબંધો દાયકાઓથી શત્રુતાપૂર્ણ હતા, કેમ કે તેઓ એને પોતાની સત્તા અને ડોગરા શાસન માટે સૌથી મોટું જોખમ માનતા હતા."
"પરિણામે જ્યારે નિર્ણય કરવાનો સમય આવ્યો ત્યારે બધી અસરકર્તા શક્તિઓ એમના વિરોધમાં હતી."
આ જ એ ઐતિહાસિક પરિસ્થિતિઓ હતી જેમાં હરિસિંહ પોતાની તમામ પ્રગતિશીલતાઓ છતાં ઇતિહાસના નેપથ્યમાં જતા રહ્યા અને 26 એપ્રિલ, 1961એ મુંબઈમાં લગભગ ગુમનામ રીતે એમનું મૃત્યુ થયું.
(લેખકે 'કશ્મીરનામા', 'કશ્મીર ઔર કશ્મીરી પંડિત' અને 'ઉસને ગાંધી કો ક્યોં મારા' જેવાં ઘણાં ચર્ચિત પુસ્તકો લખ્યાં છે.)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














