કાશ્મીર : સામાન્ય લોકોની ગાડીઓ સેનાની ડ્યૂટી શા માટે અને કેવી રીતે કરી રહી છે?

કાશ્મીર
    • લેેખક, કીર્તિ દુબે
    • પદ, બીબીસી સંવાદદાતા

ગયા અઠવાડિયે ફરી એક વખત એજાઝ અહમદે કોર્ટ જવું પડ્યું. બે વર્ષથી એજાઝ અહમદ પોતાની કાર માટે એટલી વખત કોર્ટના ચક્કર લગાવી ચૂક્યા છે કે હવે તેઓ તેની ગણતરી પણ ભૂલી ગયા છે.

શ્રીનગરથી આશરે 50 કિલોમિટર દૂર ચરમપંથના ગઢ મનાતા દક્ષિણ કાશ્મીરનો શોપિયા જિલ્લો અને તે જિલ્લાનું રેશિનગરી ગામ.

39 વર્ષના એજાઝ અહમદ આ ગામમાં રહે છે અને વ્યવસાયે ખેડૂત છે. છેલ્લાં બે વર્ષથી તેમની મારુતિ એસ્ટાર કારના દસ્તાવેજ (આરસી) કોર્ટમાં જપ્ત છે.

કારણ એ છે કે તેમની ગાડીનો ઉપયોગ સેનાએ ઍન્કાઉન્ટરમાં કર્યો હતો. તપાસ બાદ જાણવા મળ્યું કે તે ઍન્કાઉન્ટર નકલી હતું.

એ ઍન્કાઉન્ટરનો ઉલ્લેખ અમે આગળ કરીશું પણ કાશ્મીરમાં સુરક્ષાબળ સામાન્ય લોકોની ગાડીઓનો ઉપયોગ કરે છે.

દક્ષિણ કાશ્મીરના લોકો જણાવે છે કે એજાઝ અહમદ આવા એકલા નથી, સેના ઘણી વખત સામાન્ય નાગરિકોની ગાડીનો ઉપયોગ કરે છે.

ઘણા સ્થાનિક લોકો આરોપ લગાવે છે કે તેમની ગાડી પરાણે લઈ લેવામાં આવે છે.

બીબીસીએ આ મામલે ભારતીય સેનાનો પક્ષ જાણવા માટે સેનાના જનસંપર્ક અધિકારીને એક વિસ્તૃત ઇમેઇલ લખ્યો.

કાશ્મીર

બીબીસીના ઇમેઇલનો જવાબ આપતાં ભારતીય સેનાએ કહ્યું, "આતંકવાદવિરોધી પ્રવૃત્તિઓ માટે સેના જરૂર પડતાં સિવિલ ગાડીઓને સૈનિકોની મૂવમૅન્ટ માટે વાપરે છે અને તેમને ભાડે લેવામાં આવે છે. સેના સામાન્ય નાગરિકો પાસેથી બળજબરીપૂર્વક ગાડી લે છે એ વાત કહેવી એક પ્રોપેગૅન્ડા સમાન છે, કેટલાક લોકો પોતાનાં હિતો માટે સેનાની નકારાત્મક છબિ રજૂ કરવાના ઇરાદાથી આવું કહી રહ્યા છે. દાયકાઓથી સેના નિ:સ્વાર્થ ભાવે પોતાની સેવા આપી રહી છે અને જો કોઈ વ્યક્તિને કોઈ તકલીફ હોય તો એ આર્મી કે પોલીસના હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકે છે."

બીબીસીએ શોપિયાં, પુલવામા અને કુલગામનાં કુલ 15 ગામોની મુલાકાત લીધી અને આ ગામડાંમાં લોકોએ અમને જણાવ્યું કે આર્મી કૅમ્પ સામાન્ય નાગરિકોની ખાનગી ગાડી લઈ લે છે, જ્યારે સેના ગાડી માગે છે તો કોઈ વ્યક્તિ ના પાડતી નથી. ઘણા લોકો તેનું કારણ ડર હોવાનું જણાવે છે.

line
લાઇન

કાશ્મીરમાં સામાન્ય લોકોની ગાડીઓનો કેમ ઉપયોગ કરી રહી છે સેના?

લાઇન
  • કાશ્મીરમાં સુરક્ષાબળ સામાન્ય લોકોની ગાડીઓનો ઉપયોગ કરે છે
  • ઘણા સ્થાનિક લોકો આરોપ લગાવે છે કે તેમની ગાડી પરાણે લઈ લેવામાં આવે છે
  • સેનાએ જવાબમાં કબૂલ્યું કે 'આતંકવાદી પ્રવૃત્તિઓ' સામે સેનાને જરૂર પડતાં સૈનિકોની મૂવમૅન્ટ માટે સિવિલ ગાડીઓ ભાડે લેવાય છે
  • સેનાએ પરાણે ગાડીઓ લઈ જવાતી હોવાની વાતને એક પ્રૉપેગૅન્ડા ગણાવી છે
  • બીબીસીએ શોપિયાં, પુલવામા અને કુલગામનાં કુલ 15 ગામોની મુલાકાત લીધી અને આ ગામડાંમાં લોકોએ અમને જણાવ્યું કે આર્મી કૅમ્પ સામાન્ય નાગરિકોની ખાનગી ગાડી લઈ લે છે

નકલી ઍન્કાઉન્ટરનો મામલો અને સિવિલ ગાડીનો ઉપયોગ

કાશ્મીર

વર્ષ 2020માં શોપિયાંના અમશિપુરા ગામમાં જમ્મુના ત્રણ મજૂરોને 'ખતરનાક આતંકવાદી' ગણાવીને કરાવવામાં આવેલું ઍન્કાઉન્ટર હાલના સમયનું સૌથી ચર્ચિત ફૅક ઍન્કાઉન્ટર રહ્યું છે.

18 જુલાઈ 2020ના રોજ સેનાએ જણાવ્યું કે 62 રાષ્ટ્રીય રાઇફલ્સે "ત્રણ આતંકવાદીઓને ઍન્કાઉન્ટરમાં માર્યા છે."

આ ઘટનાના એક મહિનાની અંદર જ જમ્મુના રાજૌરીમાં રહેતા ત્રણ પરિવારોએ પોતાના પરિવારજનોના ગુમ થવાનો રિપોર્ટ નોંધાવ્યો હતો.

પરિવારજનોએ જણાવ્યું કે અંતમિ વખત આ ત્રણેયે પોતાના પરિવાર સાથે 17 જુલાઈ 2020ના રોજ ફોન પર વાત કરી હતી, એટલે કે અમશિપુરામાં થયેલા ઍન્કાઉન્ટરના એક દિવસ પહેલાં.

ત્યાર બાદ કેસની તપાસ થઈ અને એ જાણવા મળ્યું કે આ ફૅક ઍન્કાઉન્ટર હતું. એ ઍન્કાઉન્ટરમાં જે કૅપ્ટન સામેલ હતા તેમની વિરુદ્ધ આ વર્ષે એપ્રિલમાં કોર્ટ માર્શલની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

બીબીસીએ આ મામલાની ચાર્જશીટ વાંચી અને આ રીતે અમને જાણવા મળ્યું કે આ ઍન્કાઉન્ટરમાં એજાઝ અહમદની કારનો સેનામાં ઉપયોગ થયો હતો. એજાઝ અહમદની કારના દસ્તાવેજ ફૅક ઍન્કાઉન્ટરનાં બે વર્ષ બાદ પણ કોર્ટમાં જપ્ત છે.

line

ગાડી ડ્યૂટી પર આપવી એ સામાન્ય બાબત

કાશ્મીર

કાશ્મીરમાં ટાટા સુમો લોકો માટે સવારીનું એક મહત્ત્વનું સાધન છે. તેમને સર્વિસ સુમો કહેવામાં આવે છે અને દરેક વિસ્તારમાં આવી સુમો મળશે. અમને તપાસમાં ખબર પડી કે આ સુમો સ્ટેન્ડો પરથી ગાડીઓ તે વિસ્તારના આર્મી કૅમ્પમાં મોકલવામાં આવે છે. તેને સામાન્ય બોલચાલની ભાષામાં 'ગાડીને ડ્યૂટી પર આપવી' કહેવામાં આવે છે.

આ ગાડીઓનો ઉપયોગ ઍન્કાઉન્ટર, ચરમપંથ-વિરોધી ઑપરેશનમાં સરપ્રાઇઝ ફૅક્ટર તરીકે પણ કરવામાં આવે છે. રાત્રે પેટ્રોલિંગ દરમિયાન પણ આવી ગાડીઓનો ઉપયોગ થાય છે. કોર્ટમાં જજની સામે નોંધવામાં આવેલા નિવેદનમાં એજાઝ અહમદે જણાવ્યું છે, "17 જુલાઈ 2020ની રાત્રે આઠ વાગ્યા હતા. દરવાજો જોરથી ખટખટાવવા અવાજ આવ્યો. હું બહાર નીકળ્યો તો સેનાના લોકોએ કહ્યું કે ગાડીની ચાવી આપો. અમે ચાવી આપી તો કહેવામાં આવ્યું કે કાલે કૅમ્પ પર આવીને ગાડી લઈ જજો. આગામી દિવસે સવારે ગાડી લેવા ગયો તો કહેવામાં આવ્યું કે તમારી ગાડી ઍન્કાઉન્ટર પર ગઈ છે. સાંજે લેવા આવજો. સાંજે ગયો તો કહેવામાં આવ્યું કે સવારે આવજો. આગામી દિવસે સવારે ગયો તો ચાવી આપી અને કહ્યું કે ગાડી ત્યાં જ ઍન્કાઉન્ટર સાઇટ પર એટલે કે અમશિપુરામાં પડી છે. હું બીજી એક ગાડી લઈ ગયો અને તેની સાથે બાંધીને પોતાની ગાડી સીધો કારની વર્કશોપ પર લઈ ગયો. ત્યાં ગાડી ઠીક કરાવી અને ઘરે લઈને આવ્યો."

એજાઝ અહમદ સાથે નજીકનો સંબંધ રાખનારી એક વ્યક્તિએ પોતાનું નામ જાહેર ન કરવાની શરતે બીબીસીને જણાવ્યું, "ઘટનાના સાડા ત્રણ મહિના બાદ સપ્ટેમ્બર 2020માં પોલીસ આવી. શોપિયાંના એસપી રાત્રે સાડા અગિયાર વાગ્યે આવ્યા અને અમને બોલાવ્યા. તે સમયે અમે લોકો ઊંઘી રહ્યા હતા. તેઓ ત્યારે આવ્યા જ્યારે ફૅક ઍન્કાઉન્ટરની વાત સામે આવી ગઈ હતી. તેમણે કહ્યું કે તમારી જે ગાડીનો ઉપયોગ થયો છે તે અમને આપી દો. અમારે ગાડી પોલીસને આપવી પડી. આ ગાડી ચાર મહિના સુધી હીરપુરા પોલીસ સ્ટેશનમાં બંધ રહી. ચાર મહિના બાદ ગાડી પરત આપી તો તે સંપૂર્ણપણે ખરાબ થઈ ગઈ હતી. ત્યારબાદ પણ એજાઝ અહમદને કહેવામાં આવ્યું કે ગાડીના દસ્તાવેજ પછી મળશે."

બીબીસીએ હીરપુરા પોલીસ સ્ટેશનના વર્તમાન એસએચઓ સાથે જ્યારે આ વિશે વાત કરવાનો પ્રયાસ કર્યો તો તેમણે ના પાડી દીધી.

આજે પણ અહમદ કોર્ટમાં હાજરી નોંધાવવા જાય છે. તે ગાડી હવે ચાલતી નથી. પરંતુ ગાડીનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ એટલે કે આરસી નથી, એટલે તેને વેચી પણ શકતા નથી. હવે એ કાર એમ જ ભંગારની દુકાન પર રાખી છે. એજાઝ અહમદ કહે છે, "જ્યાં સુધી કેસ ચાલશે ત્યાં સુધી આરસી નહીં મળે, મારી ગાડી ફસાઈ ગઈ છે."

છેલ્લાં બે વર્ષથી દરેક તારીખ પર એજાઝે કોર્ટ જવું પડે છે કેમ કે ફૅક ઍન્કાફન્ટરમાં તેમની ગાડીનો ઉપયોગ થયો હતો. એજાઝે ગાડી છોડાવવા માટે વકીલને પણ દસ-12 હજાર રૂપિયા આપ્યા છે. તેમના નજીકના સંબંધીનું કહેવું છે કે "કોઈ વકીલ એજાઝ અહમદનો કેસ લડવા તૈયાર ન હતા. બધા કહેતા હતા કે ગાડી તો બંધ જ રહેશે. ઈશ્વરનો આભાર વ્યક્ત કરો કે તમને બંધ કર્યા નથી. તમે તો માંડ માંડ બચી ગયા કે તે લોકો તમને ડ્રાઇવર બનાવીને લઈ ન ગયા."

line

ગાડીમાં ધડાકાની ઘટના

કાશ્મીર
ઇમેજ કૅપ્શન, ટાટા 207, જેમાં 2 જૂન 2022ના રોજ ધડાકો થયો હતો

આ બીજી ઘટના છે અને એ પણ શોપિયાંની જ.

20 વર્ષના યુવાન મિન્હાઝુલ્લા વાત કરતાં કરતાં પોતાના બંને હાથોથી મોઢું ઢાકી લે છે અને પછી ધીમા અવાજે કહે છે - "બધું મનમાં રહી ગયું છે, જતું જ નથી."

આ વર્ષે જૂનમાં મિન્હાઝુલ્લાને આઠ દિવસ સુધી સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપની કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા, તેમનું કહેવું છે કે તેમની સાથે ખૂબ બળજબરી કરવામાં આવી હતી.

આ વર્ષે 2 જૂનના રોજ શોપિયાંમાં એક ખાનગી નંબરવાળી ગાડીમાં આઈઈડી બ્લાસ્ટ થયો હતો જેમાં સેનાના એક જવાનનું મૃત્યુ થયું હતું અને બે લોકો ઘાયલ થયા હતા. શોપિયાં પોલીસે નિવેદનમાં કહ્યું હતું કે આ ગાડી એક સ્થાનિક વ્યક્તિ પાસેથી ભાડે લેવામાં આવી હતી.

આ ટાટા 207 લોડિંગ ગાડી ગામના રહેવાસી મોહમ્મદ અલ્તાફની હતી જેને તેમના 20 વર્ષના દીકરા મિન્હાઝુલ્લા ચલાવતા હતા.

અમે અલ્તાફના ઘરે પહોંચ્યા. રૂમમાં ઊંઘી રહેલા અલ્તાફ અમારો પરિચય જાણીને થોડા ડરી ગયા. થોડી મિનિટ અમારી સાથે વાત કર્યા બાદ તેઓ જણાવે છે કે એક જૂનના રોજ આશરે સાંજે ચાર વાગ્યા હશે જ્યારે તેમના દીકરા મિન્હાઝુલ્લાને ટૅક્સી સ્ટેન્ડ પરથી ફોન આવ્યો કે આજે તેમણે કૅમ્પમાં ગાડી ડ્યૂટી પર દેવી પડશે. ત્યારબાદ મિન્હાઝુલ્લા સદૌ ગામના કૅમ્પમાં પોતાની ગાડી આપીને આવ્યા. એક જૂનના રોજ મોડી રાત્રે આશરે સાડા ત્રણ કલાકે આ ગાડીમાં આઈઈડી એટલે ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સ્પ્લોસિવ ડિવાઇસનો બ્લાસ્ટ થયો. આઈઈડી એક પ્રકારનો બૉમ્બ હોય છે જે સેનાના બૉમ્બથી અલગ હોય છે અને તેને કામચલાઉ રીતે બનાવવામાં આવે છે. ચરમપંથી સમૂહ આ પ્રકારના બૉમ્બનો ઉપયોગ કરે છે. આ બ્લાસ્ટમાં એક જવાનનું મૃત્યુ થઈ ગયું અને બે ઘાયલ થયા હતા.

કાશ્મીર
ઇમેજ કૅપ્શન, દક્ષિણ કાશ્મીરના એક ઘર પર સેના દ્વારા કરવામાં આવેલું માર્કિંગ

સવારે પાંચ કલાકે સેના અલ્તાફના ઘરે આવી અને અહીંથી પાંચ લોકો - મિન્હાઝુલ્લા, રાકીબ, બિલાલ, સય્યાર અને મિલાયતને ઉઠાવીને સદૌ આર્મી કૅમ્પ લઈ ગઈ. ત્યારબાદ તેમને ગાગરનમાં સ્થિત સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપના કૅમ્પમાં રાખવામાં આવ્યા.

મિન્હાઝ એ ગાડીના ડ્રાઇવર હતા એટલે તેમને આઠ દિવસ સુધી એસઓજી કૅમ્પમાં રાખવામાં આવ્યા. ત્યાં તેમના કાકા અને ભાઈનું કહેવું છે કે તેમને એક મહિના સુધી એસઓજી કૅમ્પમાં કસ્ટડીમાં પૂછપરછ માટે રાખવામાં આવ્યા અને પછી તેમને છોડવામાં આવ્યા.

બે જૂનના રોજ આઈઈડી બ્લાસ્ટ બાદ શોપિયાંનાં પોલીસ અધીક્ષક તનુશ્રીએ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું, "જે ખાનગી ગાડીમાં આઈઈડી બ્લાસ્ટ થયો તે ગાડી સેનાએ ભાડે લીધી હતી."

પરંતુ અલ્તાફ, તેમના દીકરા અને ગાડીના ડ્રાઇવર મિન્હાઝુલ્લા જણાવે છે કે આ ગાડી ભાડે લેવામાં આવી ન હતી પરંતુ 1 જૂનના રોજ સદૌ કૅમ્પમાં ગાડી આપવા માટે કહેવામાં આવ્યું હતું. કેમ કે દક્ષિણ કાશ્મીરનાં ગામડાં આ સેનાના કૅમ્પનું ગાડી લેવું સામાન્ય બાબત છે. એટલે અલ્તાફ અને મિન્હાઝ પ્રમાણે, તેમણે ગાડી કૅમ્પમાં દેતા પહેલાં કોઈ સવાલ ન પૂછ્યા.

આ ગાડી આજે પણ હીરપુરા પોલીસ સ્ટેશનમાં જપ્ત છે. અલ્તાફનું કહેવું છે કે તેમને ન તો ગાડીના પૈસા મળ્યા ન કોઈ પ્રકારની મદદ કરવામાં આવી.

અલ્તાફે જાતે પણ આ મામલે કોઈ ફરિયાદ કે એફઆઈઆર નોંધાવી નથી. તેઓ કહે છે, "તેમણે મારા જ ઘરના પાંચ લોકોને ઉઠાવી લીધા, બસ મને અને મારા વૃદ્ધ બાપને છોડી દીધા. તો તમે જ કહો કે હું મારા દીકરાને છોડાવવા જાત કે ગાડી માટે કહેત, અને જાત તો પણ ક્યાં ?"

અલ્તાફ જણાવે છે કે જૂનમાં ઘટેલી આ ઘટના બાદ સદૌ કૅમ્પે છેલ્લા ચાર મહિનાથી આ ગામમાંથી સામાન્ય લોકોની ગાડી લીધી નથી. પરંતુ તે પહેલાં તેમની પાસે ત્રણ ટાટા 207 લોડિંગ ગાડી હતી જે વારાફરતી આર્મી કૅમ્પ પર જતી હતી.

line

'ભાડાની ગાડી'

કાશ્મીર
ઇમેજ કૅપ્શન, શૌકત અહમદ મીરની ગાડી, જેમાં 14 ઍપ્રિલ 2022ના રોજ ઍક્સિડન્ટ થતા સેનાનાં ત્રણ જવાનોનું મૃત્યુ થયું હતું

જે બે કિસ્સાઓનો અમે ઉલ્લેખ કર્યો છે તેમાં સુરક્ષાબળોએ પોતે એ વાત કહી છે કે તેમણે પોતાની કાર્યવાહીઓ માટે સામાન્ય નાગરિકોની ગાડીઓનો ઉપયોગ કર્યો છે.

કાયદાકીય દસ્તાવેજ જેમ કે ચાર્જશીટ અને સેનાની પ્રેસ રિલીઝથી એ પણ સ્પષ્ટ થાય છે કે સેના સામાન્ય લોકોની ખાનગી ગાડીઓનો ઉપયોગ કરે છે, જોકે, આ પ્રેસ કૉન્ફરન્સ અને દસ્તાવેજોમાં તેમને 'હાયર્ડ વ્હીકલ' એટલે ભાડે લેવામાં આવેલી ગાડી કહેવામાં આવી છે.

પરંતુ સ્થાનિક લોકો જેમની ગાડીઓ લેવામાં આવી, તેઓ કહે છે કે તેમની ગાડીઓ ભાડે નથી લેવામાં આવતી, પણ તેમને 'ડ્યૂટી આપવી' પડે છે.

બીબીસીએ આ મામલે દક્ષિણ કાશ્મીરના એક વરિષ્ઠ પોલીસ અધિકારી સાથે વાત કરી. જ્યારે મેં તેમને પૂછ્યું કે "આશરે આખા વિસ્તારમાં સેના લોકોની ગાડી લે છે, શું આ વાત પોલીસ જાણે છે?" તેના પર તેમણે કહ્યું, "હા, આ અહીં લાંબા સમયથી થઈ રહ્યું છે. અમને જ નહીં, બધાને ખબર છે, પરંતુ પહેલાં એ જેટલું વધારે થતું, તેનાથી થોડું ઓછું છે. પણ થાય છે. એ તો કહી શકાતું નથી કે નથી થઈ રહ્યું. પરંતુ હાલ થયેલા આઈઈડી બ્લાસ્ટની ઘટના બાદ એ ઓછું થયું છે."

તેઓ આગળ કહે છે, "પહેલા મિલિટન્ટ ઑપરેશનમાં સિવિલિયનની ગાડીઓ સરપ્રાઇઝ ફૅક્ટર હોતી, પરંતુ હવે તે પણ નથી રહ્યું. આર્મીના લોકો સામાન્ય લોકોની ગાડીઓ માત્ર ઑપરેશન જ નહી, તેના સિવાય પણ લે છે અને અમારો પ્રયાસ છે કે તે ન થાય. પરંતુ તે એકદમ તો બંધ નહીં થાય."

દક્ષિણ કાશ્મીરનાં ઘરો પર અમને નંબર લખાયેલા જોવા મળ્યા, જ્યારે અમે તેના વિશે સ્થાનિક પત્રકારો અને લોકો સાથે વાત કરી તો જાણવા મળ્યું કે આ નંબર આર્મી ઘરો પર લખે છે. આ સંખ્યા એ ઘરની ઓળખ છે અને કયા નંબરના ઘરમાં કેટલા લોકો રહે છે, કેટલાં મહિલા, પુરુષ અને બાળકો છે. ઘરમાં કેટલી અને કઈ ગાડીઓ છે તે બધાનો હિસાબ તે વિસ્તારના આર્મી કૅમ્પ પાસે હોય છે. તેને અહીં લોકો 'આર્મીનું સેન્સસ' કહે છે.

line

સેના કઈ સ્થિતિમાં કરી શકે છે ગાડીઓનો ઉપયોગ?

કાશ્મીર
ઇમેજ કૅપ્શન, શૌકત મીર

બીબીસીએ એક નિવૃત્ત મેજર જનરલ સાથે વાત કરીને એ સમજવાનો પ્રયાસ કર્યો કે લોકોની ગાડી સેના શું આ રીતે ઉપયોગમાં લઈ શકે છે?

પોતાનું નામ જાહેર ન કરવાની શરતે તેમણે જણાવ્યું કે "સામાન્ય લોકોની ગાડી સેના ભાડે લઈ શકે છે. તે ગમે તે કામ માટે લઈ શકાય છે. તેના માટે આજથી 20 વર્ષ પહેલાં નીતિઓ સેનામાં જ બનાવવામાં આવી હતી. પરંતુ એ જરૂરી છે કે તેના માટે દરેક દિવસનું ભાડું ગાડીના માલિકને આપવામાં આવે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ કામ બળજબરીપૂર્વક ન થવું જોઈએ."

તેઓ કહે છે, "કાશ્મીરમાં ઘણી વખત સુરક્ષાનાં કારણોસર સામાન્ય લોકોની ખાનગી ગાડી ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે કોઈ ઑપરેશન સાઇટ પર સેના જઈ રહી છે અને ચરમપંથી ત્યાં છુપાયેલા છે તો આર્મીની ગાડીની મૂવમૅન્ટ જોઈને કોઈ પણ તેમને તેની જાણકારી આપી શકે છે. પરંતુ જો તે સામાન્ય નંબર પ્લૅટવાળી ગાડી હશે તો સેના માટે સફળતાની સાથે કૉર્ડન કરવું સહેલું થઈ જાય છે."

સંરક્ષણવિભાગના એક સૂત્રે પણ બીબીસી સાથે વાતચીતમાં કહ્યું કે સેના સામાન્ય નાગરિકોની ગાડીઓનો ઉપયોગ કરે છે. પરંતુ તેના બદલે પેટ્રોલ-ડીઝલ આપવામાં આવે છે. એ પ્રયાસ હોય છે કે એક મહિનામાં કોઈ એક વ્યક્તિની ગાડી એક વખત જ લેવામાં આવે.

વીડિયો કૅપ્શન, પહાડો પર પાણી પહોંચાડવાના પડકાર – COVER STORY

જોકે, બીબીસી સાથે વાતચીતમાં કેટલાક લોકોએ એ માન્યું કે તેમને ગાડી જેટલી દૂર ચાલી હોય છે, તેના પ્રમાણે સેનાના કૅમ્પમાંથી પેટ્રોલ-ડીઝલ મળે છે. પરંતુ મોટાભાગના લોકોએ કહ્યું કે આવું દર વખતે થતું નથી.

પહાડો પર બનેલા કાચા રસ્તાને પાર કરીને અમે શોપિયાંના હીરપુરા ગામ પહોંચ્યાં. આ ગામના શૌકત અહમદ મીરની સવારી ટાટા સૂમો ગાડી આ વર્ષે એપ્રિલમાં ચૌગામ આર્મી કૅમ્પે લીધી હતી.

16 એપ્રિલના રોજ ભારતીય સેનાએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે 14 એપ્રિલના રોજ ઍન્કાઉન્ટર સ્થળ પર જતાં ગાડી પલટી ગઈ અને આ દુર્ઘટનામાં સેનાના બે જમાદાર અને એક સૂબેદારનું મૃત્યુ થઈ ગયું હતં. આ ગાડી શૌકત અહમદ મીરની હતી.

જ્યારે અમે શૌકતના ઘરે પહોંચ્યા તો ગભરાયેલા અવાજમાં તેઓ કહે છે, "અમારે કંઈ કહેવું નથી. અમારી કારનો અકસ્માત થયો, પરંતુ અમારા દીકરાની ધરપકડ કરવામાં આવી નથી. અમારે તો સેનાને ગાડી આપવાની હોય છે. અહીંથી ગાડી લેતા હતા. પરંતુ જ્યારથી આ અકસ્માત થયો છે ત્યારથી અમારી પાસેથી ગાડી લેવામાં આવી નથી. પરંતુ નીચેનાં ગામોમાંથી નાની ગાડી લે છે. જો સેનાને જરૂર હોય તો અમારે ગાડી દેવી જ પડશે."

શૌકત અમને જણાવે છે, "ઍક્સિડન્ટના આશરે દોઢ-બે મહિના બાદ સેનાએ મને બે લાખ 90 હજાર રૂપિયા આપ્યા. ગાડીનું સમારકામ કરાવવામાં મને ત્રણ લાખ 10 હજાર રૂપિયાનો ખર્ચ થયો. ત્યાર બાદથી અમારા વિસ્તારમાંથી ગાડી લેવામાં આવી નથી, પરંતુ આ પહેલાં તો જ્યારે ગાડી માગવામાં આવતી, અમારે દેવી પડતી હતી."

અત્યાર સુધી અમે જેટલા પણ લોકોને આ 15 ગામોમાં મળ્યા, તેમાંથી શૌકત પહેલી એવી વ્યક્તિ હતા જેમણે અમને કહ્યું કે તેમને નુકસાનના બદલામાં મદદ મળી. પરંતુ તેની સાથે તેમણે એ વાત પણ કહી કે આ પહેલી વખત નથી કે જ્યારે તેમણે કૅમ્પમાં ગાડી આપી હોય. આ પહેલાં જ્યારે પણ ગાડી માગવામાં આવતી હતી તો તેમણે પોતે તેમની ગાડી કૅમ્પ સુધી પહોંચાડવી પડતી હતી.

આ કહાણી માત્ર એક જિલ્લાની નથી પરંતુ આખા દક્ષિણી કાશ્મીરના શોપિયાં, પુલવામા અને કુલગામ જિલ્લાની પણ છે જ્યાં સેનાના કૅમ્પ આ જ રીતે લોકો પાસેથી ગાડીઓ લે છે. પોલીસ-તંત્ર, સેનાના અધિકારીઓને પણ તેની જાણકારી છે જેમણે નામ ન છાપવાની શરતે અમારી સાથે વાત કરી, પરંતુ એ વાત સાચી છે કે આ વિશે કોઈ ખુલ્લામાં વાત કરવા માગતું નથી.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન