લદ્દાખના સરહદી વિસ્તારો મુશ્કેલીમાં કેમ અને ચીનની શરતો સામે ઝુકવા ભારત મજબૂર?

ભારત ચીન લદ્દાખ વિવાદ
ઇમેજ કૅપ્શન, સિવાંગે જણાવ્યું કે હવે તેમણે એવા વિસ્તારોમાં જવું પડશે જ્યાં ઘાસ નથી
    • લેેખક, શકીલ અખ્તર
    • પદ, બીબીસી સંવાદદાતા, લેહ

ચીનની સીમા સાથે જોડાયેલ પૂર્વ લદ્દાખના ચોશૂલ ગામથી અંદાજે 30 કિલોમિટર અને બૉર્ડરથી ગણતરીના કિલોમિટર દૂર પહાડોમાં વણજારા લોકોનો એક પરિવાર કૅમ્પ લગાવીને રહે છે.

તેમણે પથ્થરોમાંથી દીવાલ બનાવી છે, જેમાં બાંધેલાં સેંકડો ઘેટાં ચરવા જવા માટે ઉતાવળાં છે. નજીકમાં જ 50-60 યાક ઘાસ ચરી રહ્યાં છે. પરંતુ પરિવારના મોભી સિવાંગ નોરબો ઘણા દુ:ખી છે.

ઑક્ટોબરના અંતથી અહીં બરફ પડવાનો શરૂ થઈ જશે અને નવેમ્બર આવતા સુધીમાં તાપમાન માઇનસ 35થી માઇનસ 40 ડિગ્રી સુધી પહોંચી જશે.

આગામી છ મહિના સુધી આ સમગ્ર વિસ્તાર બરફની ચાદરમાં ઢંકાયેલો રહેશે. શિયાળામાં નોરબો જેવા વણજારા લોકો પોતાના ઢોર સાથે સામેની બાજુના પહાડો પર ચાલ્યા જશે.

સિવાંગે જણાવ્યું કે હવે તેમણે એવા વિસ્તારોમાં જવું પડશે જ્યાં ઘાસ નથી.

તેઓ કહે છે, "અમે જે પહાડો પર જતા હતા ત્યાં શિયાળામાં ઘાસ ખુબ સારું થાય છે. અમે ત્યાં ઘણા મહિનાઓ સુધી રહ્યા. ભારતીય સેના અમને ત્યાં જવા દેતી નથી. તેઓ અમને પાછા લાવે છે. અમે તેમને કહીએ છીએ કે અમે ચીનના વિસ્તારોમાં નહીં જઈએ પણ એ માનતી જ નથી. અમે ઘણી મુશ્કેલીમાં છીએ. અમને ખબર નથી કે તેઓ અમને કેમ ત્યાં જવા દેતી

નથી."

પૂર્વ લદ્દાખમાં 70 ટકા વણજારા લોકો રહે છે. તેમનું જીવન યાક અને ઘેટાં પર આધારિત છે. ઊંચા પહાડો વચ્ચેના કેટલાક કિલોમિટરના સરહદી વિસ્તારમાં સદીઓથી તેઓ ડઝનબંધ નાનાં ગામડાંમાં વસવાટ કરે છે.

આ વિસ્તાર સાડા ત્રણ હજારથી પાંચ હજાર મીટરની ઊંચાઈ પર આવેલો છે. અહીં જીવન ખૂબ મુશકેલ છે, કારણ કે તે ચીન સરહદ એટલે કે એલએસી પર સ્થિત છે.

line

સ્થળ પરની હકીકત

ભારત ચીન લદ્દાખ વિવાદ

આ એક શાંતિપૂર્ણ વિસ્તાર રહ્યો છે, પરંતુ જૂન 2020માં ગલવાન ખીણમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચેની લોહિયાળ અથડામણ બાદ અહીંની પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે.

હાલમાં બંને દેશોના હજારો સશસ્ત્ર સૈનિકો સરહદી વિસ્તારોમાં ડોરબાક, ગલવાન, પૅંગોંગ ત્સો, ડેપસાંગ, હૉટ સ્પ્રિંગ, ગોગરા, ચોશૂલ, ચોમૂર અને ડેમચોક જેવા વિસ્તારોમાં એકબીજા સામે તહેનાત છે.

ઘણી જગ્યાએ બંને સેનાઓ વચ્ચે ઘણું ઓછું અંતર છે.

આ વિસ્તારમાં ભારે સાવધાની રાખવામાં આવી રહી છે. લેહથી લઈને પૅંગોંગ, ચોશૂલ, ચોમુર, ડેમચોક, ડેપસાંગ અને હૉટ સ્પ્રિંગ સુધી દરેક જગ્યાએ ભારતીય સેના દ્વારા ચોકીઓ તેમજ કૅન્ટોનમૅન્ટની સ્થાપના કરવામાં આવી છે.

એક સ્થાનિક રહેવાસી સિવાંગ ગેસ્ટુએ બીબીસીને કહ્યું, "અગાઉ ભારતીય સેના મોટી સંખ્યામાં તહેનાત નહોતી પરંતુ ગલવાન સંઘર્ષ બાદ મોટી સંખ્યામાં ભારતીય દળો સરહદ પર આવી ગયાં છે. સૈનિકો, સૈન્યવાહનો તેમજ શસ્ત્રો પણ વારંવાર અહીંથી સરહદ સુધી જતાં નજરે પડી રહ્યાં છે."

line

શું કહે છે સ્થાનિકો?

ભારત ચીન લદ્દાખ વિવાદ
ઇમેજ કૅપ્શન, ચોશૂલ ગામના સરપંચ સેરંગ દુલકર

ચોશૂલ ગામના સરપંચ સેરંગ દુલકર કહે છે કે ગલવાન સંઘર્ષ બાદ સ્થાનિક રહેવાસીઓની મુશ્કેલી ઘણી વધી ગઈ છે.

ગામના છોકરા-છોકરીઓ મોટાભાગે સૈન્ય માટે કુલી તરીકે કામ કરે છે અને બાંધકામના કામમાં રોકાયેલાં રહે છે, પરંતુ પશુઓ પર નિર્ભર રહેતા વિચરતી જાતિના લોકોની પરેશાની વધી છે.

તેમણે કહ્યું, "ગલવાન સંઘર્ષ પહેલાં સરહદ પર કોઈ સમસ્યા ન હતી. જ્યાં સંઘર્ષ થયો હતો, ત્યાં પણ અમારા લોકો પશુઓ સાથે પર્વતો પર સરહદ પાર કરી લેતા હતા. સેના હવે ત્યાં જવા દેતી નથી. સેનાના પ્રતિબંધોના કારણે શિયાળામાં ઘાસની ઘણી સમસ્યા થઈ છે. સંઘર્ષ પહેલાં અહીં 1700 પશુઓ હતા. હવે તે ઘટીને 1100થી 1200 થઈ ગયા છે. બે વર્ષમાં આટલો ઘટાડો થયો છે. અહીંના લોકો ઘણા પરેશાન છે."

આ વાતથી સ્પષ્ટ અંદાજ આવે છે કે ચીન કેવા મૂડમાં છે.

ચોશૂલના ચૂંટાયેલા કાઉન્સિલર કોંચોક સ્ટેનજેનનું કહેવું છે કે 2020ની ઘટના ઘણી મોટી હતી. 1962 બાદ પહેલી વખત અહીંના લોકોએ મોટી સંખ્યામાં સૈનિકોનું આગમન જોયું છે. સીમા પર ચીન સાથે આ પ્રકારનું ઘર્ષણ પહેલાં ક્યારેય થયું નહોતું.

ચોશૂલ પાસે પહાડોમાં દરેક જગ્યાએ સેના જોવા મળે છે. તેઓ કહે છે કે પહેલાં માત્ર ડેમચોક અને ચોમૂર વિસ્તારમાં ચીની સેનાનું સ્ટ્રક્ચર હતું.

પણ હવે તેમણે દરેક જગ્યાએ સૈન્ય સ્ટ્રક્ચર ઊભા કરી દીધાં છે. પૂર્વ લદ્દાખમાં જ્યાં-જ્યાં સીમા છે, ચીને ત્યાં 5જી ટાવર લગાવી દીધા છે. એટલું જ નહીં, તેમણે પૅંગોંગ લેક પર પણ બે પુલ પણ બાંધી દીધા દીધા છે. ચીને 2020 બાદથી આ વિસ્તારમાં સૈન્ય-નિર્માણકાર્ય વધારી દીધું છે.

ભારત ચીન લદ્દાખ વિવાદ
ઇમેજ કૅપ્શન, લેહના પૂર્વ કાર્યકારી કાઉન્સિલર મોહમ્મદ શફી લાસો

લેહના પૂર્વ કાર્યકારી કાઉન્સિલર મોહમ્મદ શફી લાસો કહે છે, "લદ્દાખ બે આંતરરાષ્ટ્રીય સીમાઓથી ઘેરાયેલું છે. પશ્ચિમમાં પાકિસ્તાન અને પૂર્વમાં ચીન. વર્ષ 1962 બાદ ચીને પહેલી વખત આ વિસ્તારમાં આટલી બધી આક્રમકતા દેખાડી છે."

તેમણે આગળ કહ્યું, "તેમણે આ ઘૂસણખોરીમાં અમારા ઘણા સીમાડાના વિસ્તારો પર કબજો જમાવી લીધો છે. પહેલા તેમણે પોતાના ભરવાડોને અમારા વિસ્તારમાં મોકલીને ગોચર જમીનો પર કબજો કરી લીધો હતો પરંતુ 2020માં તેમણે ગલવાન, ડેપસાંગ સહિતના વિસ્તારોમાં ઘૂસણખોરી કરી. ત્યાર બાદ તેમણે પૅંગોંગ ત્સોમાં એટલો બધો હસ્તક્ષેપ કર્યો, એટલી બધી જમીન હડપી લીધી કે તે બાજુથી તેમની રોશની દેખાય છે."

line

ચીનની નારાજગી

ભારત ચીન લદ્દાખ વિવાદ

ઇમેજ સ્રોત, TAUSEEF MUSTAFA/GETTY IMAGES

ભારતનો નવો નકશો અક્સાઈ ચીન લદ્દાખનો ભાગ હોવાનું દર્શાવતો હોવાથી ચીન નારાજ થયું હતું.

14 જૂન, 2020ના રોજ ગલવાન ખીણમાં એક નિયમિત પૅટ્રોલિંગ દરમિયાન ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયો હતો. જેમાં 20 ભારતીય સૈનિકો માર્યા ગયા હતા.

ચીને પણ ચાર સૈનિકો માર્યા ગયા હોવાની વાત સ્વીકારી હતી. જોકે, ભારત દાવો કરે છે કે ચીનના વધારે સૈનિકો માર્યા ગયા હતા.

આ પહેલાં એપ્રિલમાં પણ સામાન્ય સંઘર્ષ થયો હતો. તે વખતે ચીની સેના એલએસી પર પોતાની પોઝિશનથી આગળ વધી ગઈ હતી અને ભારતીય નિયંત્રિત ક્ષેત્રમાં ઘૂસી ગઈ હતી, જ્યાંથી એ પાછી ફરી નથી.

ભારત-ચીન સંઘર્ષ પર હાલમાં જ પ્રકાશિત પુસ્તક 'ધ લાસ્ટ વૉર'ના લેખક પ્રવીણ સાહનીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "મને લાગે છે કે ચીને આમ એટલા માટે કર્યું કારણ કે તેને એ વાત સ્વીકાર્ય નહોતી કે ભારતે નવા નકશામાં લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ ગણાવ્યો અને અક્સાઈ ચીનના કેટલાક ભાગને પોતાનો ભાગ દર્શાવ્યો. "

"1959થી એ તેમની ક્લેમ લાઇન હતી. તક જોઈને તેઓ એક-બે જગ્યાને બાદ કરતાં તમામ જગ્યાએ આવીને બેસી ગયા હતા. હવે તેઓ ત્યાંથી પાછા નહીં જાય. આપણી પાસે હાલ એટલી સૈન્યશક્તિ નથી કે તેમને ત્યાંથી ભગાવી શકીએ."

ભારત ચીન લદ્દાખ વિવાદ
ઇમેજ કૅપ્શન, ગ્રોમે દોરજીની ફરિયાદ છે કે સરકારે સીમાડાના વિસ્તારમાં રહેતા લોકોને સુવિધા આપી નથી

ચોમૂર પણ એક સીમાડાનો વિસ્તાર છે. ત્યાંના પૂર્વ કાઉન્સિલર ગ્રોમે દોરજીની ફરિયાદ છે કે સરકારે સીમાડાના વિસ્તારમાં રહેનારા લોકોને સુવિધા આપી નથી.

તેમનું કહેવું હતું, "ચીન તરફ વધારે સુવિધા છે. અમારી તરફ નથી. ચોમૂર ઝીરો બૉર્ડર છે. અહીં મોબાઇલ ટાવર સુદ્ધા નથી. ચીન પોતાના ભરવાડોને ઘણી સુવિધાઓ આપે છે. અહીં માત્ર નામ પૂરતી સુવિધાઓ મળે છે. ચોમૂરની સામે જે પહાડ છે, ચીન 2013 બાદથી ત્યાં સુધી આવી ગયું છે અને વાતચીત બાદ પણ ત્યાંથી પાછું હઠ્યું નથી. અમે એ બાજું પશુઓ ચરાવવા જવા માગીએ છીએ પરંતુ ભારતીય સેના અમને ત્યાં જવા દેતી નથી."

line

ચીનની શરતો પર ડિસ-ઍન્ગેજમેન્ટ?

ભારત ચીન લદ્દાખ વિવાદ
ઇમેજ કૅપ્શન, દોરબોકમાં ભારતીય સેનાનો કૅમ્પ

વિશેષજ્ઞોના અનુમાન મુજબ, પૂર્વ લદ્દાખના આ ઊંચા પહાડોમાં ચીને 60 હજારથી વધુ સૈનિકો તહેનાત કર્યા છે. આ અનુમાન ભારતીય સૈનિકો માટે પણ છે. રોજની સેંકડો સૈન્યટ્રકો લેહથી સીમાડાના વિસ્તારોમાં સૈનિકો માટે જરૂરી સામાન પહોંચાડે છે.

બીબીસીએ ભારતીય સેના પાસેથી ચીન અને ભારતીય સૈનિકોની તહેનાતી વિશે જાણકારી મેળવવા ઈમેલના માધ્યમથી સંપર્ક કર્યો હતો, પરંતુ કોઈ જવાબ આવ્યો નથી.

તાજેતરમાં હૉટ સ્પ્રિંગ વિસ્તારમાં બંને દેશોની સેનાઓએ વર્તમાન સ્થિતિથી સમાન સ્તર પર બંને બાજુ સૈનિકો પાછા હઠાવવાનો નિર્ણય લીધો હતો.

ચીનના મામલાના વિશેષજ્ઞ પ્રવીણ સાહનીનું કહેવું છે, "આ ડિસ-ઍન્ગેજમેન્ટ ચીનની શરતો પર થઈ રહ્યું છે. "

"ભારત અને ચીને 10 સપ્ટૅમ્બર 2020ના રોજ મૉસ્કોમાં ગલવાન ખીણના સંઘર્ષ બાદ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા, જે અંતર્ગત નક્કી થઈ ગયું છે કે બંને દેશો માત્ર ડિસ-ઍન્ગેજમેન્ટ કરશે અને તે ચીનની શરતો મુજબ થશે."

તેમના અનુસાર, એ પણ નક્કી થઈ ગયું છે કે ચીન એપ્રિલ 2020ની સ્થિતિ એટલે કે ભારતીય જમીન પર કબજો કરતાં પહેલાંની સ્થિતિ પર નહીં જાય. તેમાં ત્રીજી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે જે 'લાઇન ઑફ ઍક્ચ્યુઅલ કંટ્રોલ' છે, તેનું નામ બદલીને બૉર્ડર એરિયા કરી દેવામાં આવશે.

પ્રવીણ સાહની કહે છે, "આ સમગ્ર બૉર્ડર એરિયા આપણા વિસ્તારમાં હશે. ભારત આ સંયુક્ત ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરી ચૂક્યું છે. આપણા વડા પ્રધાન 19 જૂન 2020ના રોજ કહી ચૂક્યા છે કે આપણા વિસ્તારમાં ન તો કોઈ આવ્યું છે, ન તો કોઈ હાજર છે. પૂર્વ લદ્દાખમાં આટલા મોટા પાયે સેના તહેનાત કરવાનો હવે માત્ર એક ઉદ્દેશ છે કે ચીન સેના વધારે આગળ ન આવે."

આ વિસ્તાર ઘણો શાંતિપૂર્ણ વિસ્તાર હતો. વર્ષ 2020માં ગલવાન ખીણ સંઘર્ષ બાદથી સમગ્ર પૂર્વ લદ્દાખ તણાવગ્રસ્ત પરિસ્થિતિમાં છે.

હજારો સૈનિક પહેલેથી તહેનાત છે. હવે તેમાં વધારો થઈ રહ્યો છે. તણાવના આ માહોલ વચ્ચે નાનો-મોટો વિવાદ પણ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન