અમદાવાદ: 'મારે નવમો મહિનો ચાલે છે, હવે હું ક્યાં જઈશ?' નવા વાડજના ઘરવિહોણા લોકોની વ્યથા

- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા

- અમદવાદમાં જૂના વાડજ વિસ્તારમાં રામાપીર ટેકરા ખાતે આવેલ એક વસાહતમાં ‘ગરીબો’નાં મકાન તોડી મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા તોડી પાડવાનો મામલો સામે આવ્યો હતો
- અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનનો દાવો છે કે તેમણે મકાન ધરાવનાર લોકોને યોગ્ય વળતર અને લાભ આપી પુનર્વિકાસના હેતુસર આ મકાન તોડ્યાં છે
- કેટલાક સ્થાનિકો આ કાર્યવાહીનો વિરોધ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આના માટે તેમણે સંમતિ વ્યક્ત નહોતી કરી

તૂટેલો દરવાજો અને તૂટેલી બારીઓ વચ્ચે ઈંટોના કાટમાળ પર બેસીને નાથીબહેન પોતાના ભાગ્ય પર રડી રહ્યાં છે. પોતાનાં લગ્ન બાદ જે મકાનમાં તેઓ આવ્યાં અને પોતાનાં પાંચ બાળકોને જન્મ આપ્યો, તે મકાન આજે કાટમાળમાં ફેરવાઈ ચૂક્યું છે. પોતાના માથે હાથ મૂકીને રડવા સિવાય તેમની પાસે બીજો કોઈ જ વિકલ્પ દેખાતો નહોતો.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે માત્ર એટલું જ કીધું કે, "હવે હું શું કરીશ. હું મારા પરિવારને લઈને ક્યાં જઈશ. અમે બધા તો હવે સાવ રસ્તા પર આવી ચૂક્યાં છીએ."
નાથીબહેનની જેમ જ, અમદાવાદના જૂના વાડજ વિસ્તારના રામાપીરના ટેકરા પર રહેતા અનેક પરિવારની આવી જ પરિસ્થિતિ છે.
અનેક લોકો પોતાની ઘરવખરી લઈને રસ્તા પર બેઠા છે. જેમનાં ઘર છે, તેમાં લાઇટ નથી, ગટરનાં કનેક્શન તૂટી ચૂક્યાં છે. એક સમયે જ્યાં લોકોનાં ઘર હતાં, ત્યાં હવે માત્ર કાટમાળ બચ્યો છે.
આ વાતની જાણ થતાં વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પણ સ્થળ પર પહોંચ્યા હતા. આ મામલે તેમણે ટ્વીટ કરીને સરકાર પર કેટલાક આરોપ લગાવ્યા હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ

વિકાસના નામે ગરીબોનો ભોગ?

અમદાવાદ શહેરને દેશમાં સૌથી ઝડપથી વિકસિત થતા શહેર તરીકે આગળ મૂકવામાં આવે છે, તો બીજી બાજુ અનેક લોકોનો એવો આરોપ છે કે આ વિકાસની પ્રક્રિયામાં તેમનો ભોગ લેવાઈ રહ્યો છે.
વાડજ વિસ્તારના આ દલિત વસાહતની આવી જ કંઈક પરિસ્થિતિ છે, જેમાં આશરે દસ હજારથી વધુ પરિવારો હાલમાં રસ્તા પર આવી ગયા છે, કારણ કે મ્યુનિસિપલ કૉર્પોરેશને રામાપીરના ટેકરા વિસ્તારમાંથી દબાણ ખસેડવાનું કામ કર્યું છે.
લોકોના આરોપો છે કે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને સ્લમ રી-ડેવલપમૅન્ટ હેઠળ ગેરરીતિ આચરી છે, બીજી બાજુ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનનું કહેવું છે કે "લોકોએ વિકાસમાં કામમાં સહભાગી થવું જોઈએ, કારણ કે અહીં રહેતા મોટા ભાગના લોકોને સરકારે તેમના મકાનની કિંમત આપી દીધી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રામપીરના ટેકરા પર રહેતા લોકોએ પોતાની વ્યથા જણાવી હતી.
ભાવના રાવત કહે છે, "મારા પેટમાં નવ મહિનાનો ગર્ભ છે, મારું મકાન તોડી દીધું છે. જો અમને બીજી કોઈ પણ સારી વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે તો અમે અહીંથી જવા માટે તૈયાર છીએ. હાલમાં તો હાલત એવી છે કે મારા ગર્ભમાં બાળક લઈને મારે દરદર ભટકવું પડી રહ્યું છે."
તો સુમિત્રાબહેન પ્રજાપતિ કહે છે, "મારાં બાળકો હાલમાં દસમા ધોરણમાં છે, તેમની બોર્ડની પરીક્ષાની તૈયારીઓ ચાલી રહી છે. આવામાં મને ધમકીઓ મળી રહી છે કે જો હું ચેક લઈને મારું મકાન ખાલી નહીં કરું તો મારું મકાન તોડી પાડવામાં આવશે. હું મારાં બાળકોને લઈને ક્યાં જઈશ તે ચિંતા મને સતાવી રહી છે."
રમીલાબહેન રાવત કહે છે, "જે મકાનો તોડ્યાં નથી, તેમાં લાઇટ, પાણી ગટરનું કનેક્શન કાપી નાંખ્યું છે, એવામાં અમારે અહીંયાં કેવી રીતે રહેવું. અમે દલિત હોવાથી આખા વિસ્તારમાં અમને કોઈ મકાન પણ ભાડે આપતું નથી. અમારે રસ્તા પર રહેવા સિવાય બીજો કોઈ જ વિકલ્પ નથી."

અમદાવાદ કૉર્પોરેશનની શું છે યોજના?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મ્યુનિસિપલ કૉર્પોરેશન પરના આરોપોનું ખંડન કરતાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન હિતેશ બારોટે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, "હજી સુધી મ્યુનિસિપલ કૉર્પોરેશન આશરે 45 કરોડ રૂપિયા, તેવા લોકોને ભાડાપેટે ચૂકવી દીધા છે, જેમણે પોતાનું મકાન ખાલી કર્યું છે."
"અમે આ વિસ્તારમાં 8,000 જેટલાં મકાનો બનાવી રહ્યાં છીએ અને આ તમામ લોકોને તે મકાનો મળશે, જેથી તેમની સારી પ્રગતિ થાય, પરંતુ અમુક લોકોને કારણે હાલમાં દબાણ ખસેડવાના કામમાં તકલીફ પડી રહી છે."
સ્લમ રી-ડેવલપમૅન્ટ પ્રોજેક્ટ હેઠળ, રામાપીરના ટેકરાના વિસ્તારનો વિકાસ કરવાની અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની યોજના છે અને આ યોજના હેઠળ અહીંના લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપીને આ જમીન પરથી દબાણ ખસેડવાની એએમસીની યોજના છે.
જોકે આ માટેની પ્રક્રિયા છેલ્લાં અમુક વર્ષોથી ચાલી રહી છે, પરંતુ ઘણા લોકોએ આ યોજનામાં ભાગીદાર બનવાનો ઇન્કાર કરી દીધો હતો અને પોતાની જગ્યા છોડી ન હતી. જોકે મંગળવારના રોજ એએમસીએ આ તમામ મકાનો તોડવાની શરૂઆત કરી હતી.
બારોટને જ્યારે બીબીસી ગુજરાતીએ પૂછ્યું કે, જે લોકોએ ભાગીદારી સ્વીકારી નથી, તેવા લોકોનાં મકાનો કેમ તોડવામાં આવી રહ્યાં છે, તો તેમણે કહ્યું કે એવા માત્ર 25 જેટલા જ પરિવારો છે અને તેમનાં મકાનો તોડવામાં આવ્યાં નથી.

લોકોએ અન્ય જગ્યાએ જવાનો કેમ ઇનકાર કર્યો?

ઇમેજ સ્રોત, @jigneshmevani80
બીબીસી ગુજરાતીએ આ સ્થળની મુલાકાત લીધી હતી અને અહીંના લોકો સાથે વાત કરી હતી. પોતાનાં મકાનો ન તૂટે તે માટે આ લોકો ઘણા સમયથી એએમસી સાથે ચર્ચા કરી રહ્યા છે, પરંતુ વાત તેમની તરફેણમાં ન રહી.
આખી પરિસ્થિતિનો ચિતાર આપતા એક આગેવાન અને વકીલ નરેશ પરમાર બીબીસી ગુજરાતીને કહે છે કે, "એએમસીની આ સ્કીમમાં ઘણા લોકોએ ભીગીદાર થવાની ના પાડી દીધી છે, કારણ કે સરકાર અમને જે આપી રહી છે, તેનાથી અમને બિલકુલ સંતોષ નથી."
"મકાનની સામે નાનાં મકાનો અને પૈસા આપવાની પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર, આ તમામ વાતોથી પરેશાન થઈને ઘણા લોકોએ સરકારી સહાય કે ચેક લેવાની ના પાડી દીધી હતી, ઉપરાંત પણ તેમનાં મકાનો તોડી પાડવામાં આવી રહ્યાં છે."
ખેમીબહેન નામનાં એક મહિલાનો પરિવાર આવો જ એક પરિવાર છે કે જેમણે ચેક લેવાનો ઇનકાર કર્યો છે, પરંતુ તેમનું ઘર તોડી પાડ્યું.
બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે કે, "મંગળવારે સવારે કોઈ પણ પ્રકારની નોટિસ કે વૉર્નિંગ આપ્યા વગર મારા મકાન પર બુલડોઝર ફેરવી દીધું છે, અમે ચેક લીધો નથી, પરંતુ તેમ છતાંય અમે હવે ઘર વિનાના થઈ ગયા છીએ."
વકીલ નરેશ પરમારે વધુમાં કહ્યું કે "અમે અનેક વખત મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં રજૂઆતો કરી છે કે જે લોકોને ચેક આપી દીધા હોય તેવા લોકોની યાદી બહાર પાડવામાં આવે, પરંતુ તેવી કોઈ જ યાદી હજી સુધી અમારી પાસે નથી, જેનો સીધો અર્થ થાય છે કે આ આખી પ્રક્રિયામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે."
જોકે આ વિશે જ્યારે હિતેશ બારોટ સાથે વાત કરી તો તેમણે આ આરોપોનું ખંડન કરતા કહ્યું હતું કે "એક, બે નહીં પરંતુ ત્રણ-ત્રણ એજન્સીઓ આખી પ્રક્રિયામાં કામ કરી રહી છે. કોઈ પણ ભ્રષ્ટાચાર થયો હોય તે શક્ય જ નથી.

















