‘બીડી બનાવતા એ પટ્ટેલ’ જેમની મહેનતે તેમને અમેરિકામાં ન્યાયાધીશ બનાવી દીધા

ઇમેજ સ્રોત, SURENDRAN K PATTEL

- સુરેન્દ્રન બાળપણમાં કાચી તમાકુને પાંદડામાં લપેટીને તૈયાર કરવામાં આવતી બીડી બનાવતા હતા
- સુરેન્દ્રનની નિમણૂક ટેક્સાસ રાજ્યની ફૉર્ટ બેન્ડ કાઉન્ટીમાં 240મી જ્યુડિશિયલ ડિસ્ટ્રીક્ટ કોર્ટના ન્યાયાધીશ તરીકે કરવામાં આવી
- પરીક્ષામાં સારા માર્ક ન મેળવી શકવાને કારણે સુરેન્દ્રને કિશોર વયે જ અભ્યાસ છોડવો પડ્યો હતો
- ડેમોક્રેટિક પાર્ટી તરફથી ન્યાયમૂર્તિના પદની ચૂંટણી લડવાનો નિર્ણય સુરેન્દ્રને કર્યો

ભારતીય મૂળના વકીલ સુરેન્દ્રન. કે. પટ્ટેલે ગયા સપ્તાહે અમેરિકામાં જિલ્લા કોર્ટના ન્યાયમૂર્તિ તરીકે સોગંદ લીધા, ત્યારે તેમની પ્રેરણાદાયક જીવનયાત્રા ભારતમાં ચર્ચાનો વિષય બની છે. એક સમયે ભારતમાં હાથે વણેલી બીડી બનાવતા સુરેન્દ્રન અમેરિકામાં ન્યાયાધીશના પદ સુધી કઈ રીતે પહોંચ્યા તેની કથા બીબીસી હિન્દીના ઇમરાન કુરેશી જણાવે છે.
દક્ષિણ ભારતના કેરળ રાજ્યના મૂળ વતની, 51 વર્ષીય સુરેન્દ્રનની નિમણૂક ટેક્સસ રાજ્યની ફૉર્ટ બૅન્ડ કાઉન્ટીમાં 240મી જ્યુડિશિયલ ડિસ્ટ્રીક્ટ કોર્ટના ન્યાયાધીશ તરીકે કરવામાં આવી છે.
તેઓ અમેરિકાના નાગરિક બન્યાના પાંચ વર્ષ પછી ગત પહેલી જાન્યુઆરીએ તેમણે ન્યાયમૂર્તિ તરીકે સોગંદ લીધા હતા. સુરેન્દ્રન પટ્ટેલ કહે છે કે, “મારી જીવનયાત્રા આકરી મહેનત, દૃઢનિશ્ચય અને પારાવાર સંઘર્ષસભર રહી છે, પરંતુ મારા જીવનના દરેક તબક્કે ઘણા લોકોએ મને ટેકો આપ્યો છે અને મદદ કરી છે.”
તેમનું બાળપણ અત્યંત ગરીબીમાં પસાર થયું હતું. તેમના માતા-પિતા મજૂરી કરતાં હતાં અને તેમને મળતા મામૂલી વેતનમાંથી છ બાળકો સાથે તેમના પરિવારનું ગુજરાન ચાલતું હતું.
સુરેન્દ્રન બાળપણમાં, કાચી તમાકુને પાંદડામાં લપેટીને તૈયાર કરવામાં આવતી બીડી બનાવતા હતા, “જેથી અમને દિવસમાં ત્રણ વખત ભોજન મળી રહે.”
સુરેન્દ્રન ઉમેરે છે કે, “હું અને મારી મોટી બહેન મોડી સાત સુધી આ કામ કરતા હતા.”
પરીક્ષામાં સારા માર્ક ન મેળવી શકવાને કારણે સુરેન્દ્રને કિશોર વયમાં અભ્યાસ છોડવો પડ્યો હતો. તેમના સૌથી મોટાં બહેન, પંદર મહિનાની પુત્રીને છોડીને અવસાન પામ્યાં પછી સુરેન્દ્રને જીવનમાં બનતું લગભગ બધું જ સ્વીકારી લીધું હતું.
એ ઘટના બાબતે વધુ વિગત આપવાનો ઇનકાર કરતાં તેમણે બીબીસીને કહ્યું હતું કે, “તેને આપઘાતની ઘટના ગણાવવામાં આવી હતી, પરંતુ તેમાં ન્યાય થયો ન હતો એવું હું માનતો રહ્યો છું. એ બાબત આજે પણ મને રંજાડે છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એ દુર્ઘટનાએ તેમને પોતાનું ભવિષ્ય ફરી નિર્ધારિત કરવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે ફરી શાળામાં પ્રવેશ મેળવ્યો હતો અને સખત અભ્યાસ કર્યો હતો. તેઓ કૉલેજમાં બે વર્ષ પ્રી-ડિગ્રી કોર્સ કરતા હતા, ત્યારે તેમણે ઘણીવાર ક્લાસમાં હાજરી આપવાનું છોડવું પડતું હતું, કારણ કે તેમને બીજું કામ પણ કરવું પડતું હતું.
કૉલેજમાં પહેલા વર્ષમાં, વર્ગમાં ઓછી હાજરીને કારણે તમે પરીક્ષા નહીં આપી શકો એવું શિક્ષકોએ જણાવ્યું, ત્યારે સુરેન્દ્રને તેમને આજીજી કરવી પડી હતી.
સુરેન્દ્રન કહે છે કે, “હું મારી નાણાકીય પરિસ્થિતિને કારણે વર્ગમાં હાજરી આપી શકતો નથી એવું હું તેમને જણાવવા ઇચ્છતો ન હતો, કારણ કે મારે તેમની સહાનુભૂતિ જોઇતી ન હતી.”
શિક્ષકોએ તેમને વધુ એક તક આપી હતી. સુરેન્દ્રન પાસે કામ કરવા સિવાયનો બીજો કોઈ વિકલ્પ ન હતો, એ વાત શિક્ષકોને થોડા સમય પછી સુરેન્દ્રનના મિત્રો મારફત જાણવા મળી હતી.
પરીક્ષાનું પરિણામ આવ્યું, ત્યારે ક્લાસમાં બીજો ક્રમાંક મેળવીને સુરેન્દ્રને બધાને આશ્ચર્યચકિત કરી મૂક્યા હતા. તેમણે કાયદા ક્ષેત્રે કારકિર્દી ઘડવાનું નક્કી કરી લીધું હતું. તેઓ કહે છે કે, “હું બીજું કશું જ કરવા ઇચ્છતો ન હતો. મને કાયદા પ્રત્યે પ્રચુર લગાવ છે.”

આર્થિક સ્થિતિ સુરેન્દ્રન સામે કાયમ પડકાર સર્જતી હતી

ઇમેજ સ્રોત, SURENDRAN K PATTEL
આર્થિક સ્થિતિ સુરેન્દ્રન સામે કાયમ પડકાર સર્જતી રહી હતી, પરંતુ જીવનમાં મળેલા લોકોએ તેમને ઉદાર હાથે મદદ કરી હતી.
એ પૈકીના એક કેરળમાં હોટેલ ચલાવતા શ્રીમાન ઉત્તુપ હતા.
સુરેન્દ્રન કહે છે કે, “મેં તેમને કહેલું કે તમે મને નોકરી નહીં આપો, તો મારે ભણવાનું બંધ કરવું પડશે. તેમણે મને તેમની હોટેલમાં હાઉસકીપિંગ કર્મચારી તરીકે નોકરી આપી હતી.”
શ્રીમાન ઉત્તુપના મૃત્યુ પર્યંત એ સંબંધ યથાવત રહ્યો હતો.
સુરેન્દ્રન કહે છે કે, “હું જજ બન્યાના સમાચાર પ્રકાશિત થયા પછી શ્રીમાન ઉત્તુપના ભાઈ મૅન્યુઅલે મને ફોન કર્યો હતો.”
કાયદાનો અભ્યાસ કરતાં પહેલાં સુરેન્દ્રને 1992માં પોલિટિકલ સાયન્સની ડિગ્રી મેળવી હતી. ચાર વર્ષ પછી તેમને વકીલ પી અપ્પુકુટ્ટમને ત્યાં નોકરી મળી હતી અને તેમણે કેરળના કાસરગોડ જિલ્લાના હોસદુર્ગ ગામમાં કામકાજ શરૂ કર્યું હતું.
પી અપ્પુકુટ્ટમે બીબીસીને કહ્યું હતું કે, “સુરેન્દ્રન એટલા ઉત્સાહી હતા કે મને તેમનામાં ભરોસો બંધાયો હતો. મેં તેમને તમામ પ્રકારના દીવાની કેસ સોંપી દીધા હતા, કારણ કે તેઓ એ કામ કરવા સક્ષમ હતા.”
સુરેન્દ્રને, તેમનાં પત્ની શુભાને દિલ્હીની એક હૉસ્પિટલમાં નોકરી ન મળી ત્યાં સુધી પી અપ્પુકુટ્ટમ સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. સુરેન્દ્રન તેમની પત્નીની કારકિર્દીમાં આડખીલી બનવા ઇચ્છતા ન હતા. તેથી પત્નીના પગલે દિલ્હી આવ્યા હતા.
દિલ્હી આવ્યા પછી તેમણે સુપ્રીમ કોર્ટના એક વકીલને ત્યાં થોડા મહિના કામ કર્યું હતું. એ પછી તેઓએ અને તેમનાં પત્નીએ અમેરિકાની વાટ પકડી હતી.
સુરેન્દ્રન કહે છે કે, “હું મારો વ્યવસાય છોડવા રાજી ન હતો, પરંતુ હું શુભાને અનુસર્યો હતો. શુભા વિના, હું આજે છું તે બની શક્યો ન હોત.”

સુરેન્દ્રને ન્યાયમૂર્તિના પદની ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો

ઇમેજ સ્રોત, SURENDRAN K PATTEL
પટ્ટેલ દંપતી 2007માં ટેક્સસ પહોંચ્યું હતું. પોતે ટેક્સસમાં વકીલાતની પરીક્ષા આપી શકે છે એવું સમજાયું તે પહેલાં સુધી સુરેન્દ્રને કરિયાણાની એક દુકાનમાં થોડો સમય કામ કર્યું હતું. તેમણે પરીક્ષા આપી હતી અને ઇન્ટરનેશનલ લૉમાં ડિગ્રી મેળવી હતી.
ડૅમોક્રેટિક પાર્ટી તરફથી ન્યાયમૂર્તિના પદની ચૂંટણી લડવાનો નિર્ણય સુરેન્દ્રને કર્યો, ત્યારે તેમને કેટલાક કડવા અનુભવ થયા હતા. દાખલા તરીકે, ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના ભારતીય ઉચ્ચારની મજાક ઉડાવવામાં આવી હતી.
સુરેન્દ્રન કહે છે કે, “મને તેનાથી દુઃખ થયું ન હતું. ચૂંટણી પ્રચારમાં ક્યારેક ગલીચ બની શકે છે. મને લાગે છે કે તમે અમેરિકામાં કેટલા વર્ષોથી છો તેનાથી કોઈ ફરક પડતો નથી. તમે સમુદાયની કેટલી સેવા કરો છો તે મહત્ત્વનું છે.”
પોતાની અમેરિકા યાત્રા ફળદાયક રહી હોવાનું જણાવતાં સુરેન્દ્રન કહે છે કે, “મને 2017માં જ અમેરિકાનું નાગરિકત્વ મળ્યું હતું અને 2022માં હું ચૂંટણી જીત્યો. બીજા કોઈ દેશમાં આવું બની શકે એવું હું માનતો નથી.”
તેમનો વિજય અંગત કારણસર પણ ખાસ છે. સુરેન્દ્રન ટેક્સસમાં પ્રેક્ટિસ કરતા હતા, ત્યારે વરિષ્ઠ વકીલ ગ્લેન્ડેન. બી. એડમ્સ સાથે તેમને ગાઢ સંબંધ બંધાયો હતો.
એડમ્સનું અવસાન થયું, ત્યારે તેમનાં પત્ની રોઝેલી એડમ્સે તેમના પતિના કોફીનને ખાંધ આપવા સુરેન્દ્રનને જણાવ્યુ હતું.
ગયા બુધવારે સુરેન્દ્રને નવી ભૂમિકાની શરૂઆત કરી, ત્યારે “એ જ રોઝેલી એડમ્સે કોર્ટરૂમમાં ન્યાયાધીશ તરીકે મારા પદગ્રહણ વખતે મને ન્યાયમૂર્તિનો ઝભ્ભો (રોબ) પહેરાવ્યો હતો.”














