હરિસિંહ નલવા : એ શીખ સેનાપતિ જેના નામ માત્રથી અફઘાનો ધ્રૂજી જતા

હરીસિંહ

ઇમેજ સ્રોત, SGPC

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

26 જાન્યુઆરી અને 15 ઑગસ્ટના રાષ્ટ્રીય તહેવારો પર દેશભરમાં સાર્વજનિકસ્થળો, શાળાઓ, કૉલેજોમાં, સાંસ્કૃત્તિકકાર્યક્રમો વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં 'ભારત કુમાર' તરીકે વિખ્યાત મનોજ કુમારની ફિલ્મ 'ઉપકાર'નું ગીત 'મેરે દેશ કી ધરતી સોના ઉગલે...' અચૂક વાગે. એ ગીતની એક કડી છે :

રંગ હરા હૈ હરિ સિંહ નલવે સે,

રંગ લાલ હૈ લાલ બહાદુર સે,

રંગ બના બસંતી ભગત સિંહ,

રંગ અમન કા વીર જવાહર સે.

લાલ બહાદુર શાસ્ત્રી, ભગતસિંહ અને જવાહરલાલ નહેરુના નામ તો ઓળખાય જાય, પરંતુ હરિસિંહ નલવા કોણ હતા? 'ગૂગલ ગુરુ' ન હતા, એ સમયમાં આ સવાલ વર્ષો સુધી મગજમાં રમતો રહ્યો અને આસપાસના લોકો આ કૌતુકને શાંત કરવામાં નિષ્ફળ રહ્યા હતા.

ફિલ્મ 'શોલે'ના પાત્ર ગબ્બરસિંહ સાથે સંકળાયેલો એક સંવાદ વાસ્તવિક જીવનમાં હરિસિંહ સાથે જોડાયેલો છે. પૌરાણિકપાત્રોમાં 'નળ-દમયંતી' તરીકે વિખ્યાત નળરાજા સાથે તેમનો શું સંબંધ હતો? મહારાજા રણજિતસિંહ દ્વારા સ્થાપિત ખાલસા સામ્રાજ્યમાં તેમનો શું ફાળો હતો? તેમનું મૃત્યુ કેવી રીતે થયું હતું?

ગ્રે લાઇન

નાનપણમાં નોંધારા

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ, 1

સરદાર હરિસિંહની અટક 'નલવા' ન હતી, પરંતુ આ શબ્દ તેમના નામ સાથે જોડાવા પાછળનો ઇતિહાસ છે. 'ધ કૅમ્પેન્સ ઑફ જનરલ હરિસિંહ નલવા'માં ડૉ. ગુરબચ્ચનસિંહ નય્યર લખે (પેજનંબર 77-78) છે:

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હરિસિંહનો જન્મ ગુજરાનવાલા (હાલના પાકિસ્તાનમાં) વર્ષ 1791માં થયો હતો. તેઓ ઉપ્પલ ખત્રી હતા. શીખોની 12 મિસલોમાંથી એક એવી ‘સકરચકયા’ સાથે જોડાયેલા હતા. હરિસિંહના દાદા હરદાસસિંહ અને પિતા ગુરદયાળસિંહે સકરચકયા માટે લડાઈઓ લડી હતી.

હરિસિંહના પિતાએ મહારાજા રણજિતસિંહના દાદા ચરથસિંહ તથા પિતા મહાસિંહ સાથે મળીને લડાઈઓ લડી હતી. આના બદલામાં તેમને એક ગામની જાગીર આપવામાં આવી હતી. માત્ર સાત વર્ષની ઉંમરે હરિસિંહના પિતાનું મૃત્યુ થયું હતું.

મામાના ઘરે જ તેમની ફારસી ભાષાની તાલીમ થઈ, જે મોઘલકાળમાં પ્રચલિત સરકારી ભાષા હતી. આ સિવાય ગુરુવાણી પણ શીખ્યા. આગામી આઠ વર્ષમાં તેઓ તીરંદાજી અને ઘોડેશ્વારી શીખ્યા. મામાના ઘરે નવરાશના સમયમાં તેઓ ઘોડેશ્વારી કરતા.

મહારાજા દ્વારા દરવર્ષે વસંત પંચમીનો મેળો ભરાતો, જેમાં હરિસિંહે તેમની તેમની તલવારબાજી, તીરંદાજી અને ઘોડેશ્વારીથી કરતબો દેખાડીને મહારાજાને પ્રભાવિત કર્યા હતા. મહારાજાએ 13 વર્ષની ઉંમરે હરિસિંહને 800 ઘોડેશ્વાર અને પાયદળનું નેતૃત્વ આપ્યું હતું. એ પહેલાં અમુક વર્ષો સુધી તેઓ મહારાજા રણજિતસિંહના વ્યક્તિગત સહાયક 'ખિદમતદાર' તરીકે પણ રહ્યા હતા. જેઓ અંગરક્ષક પણ હતા.

ગ્રે લાઇન

નળ રાજા અને નલવાનું કનેક્શન

હરિસિંહ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બાબા-એ-ખૈબર

1804માં હરિસિંહ ટીનઍજર હતા ત્યારે વાઘે તેમના ઉપર હુમલો કર્યો હતો. હરિસિંહે હાથેથી તેનો સામનો કર્યો હતો અને તેને મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો.

વર્તમાન સમયના હરિયાણા, પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 'ઢોલા'નું મંચન કરવામાં આવે છે, જે સ્થાનિકોમાં 'નળપુરાણ' તરીકે પણ ઓળખાય છે. જેમાં એક કથા આવે છે કે નળરાજા (નળ-દમયંતીથી પ્રસિદ્ધ) જ્યારે નાના હતા, ત્યારે વાઘે તેમના અને તેમના પિતા ઉપર હુમલો કર્યો હતો. નળે વાઘને મારી નાખ્યો.

નળરાજા ગરીબ અને જરૂરિયાત પ્રત્યે કૂણું વલણ ધરાવતા હતા. સરદાર હરિસિંહની પણ આવી જ વૃત્તિ હતી, એટલે પણ તેમની સરખામણી નળ રાજા સાથે કરવામાં આવતી હતી.

જ્યારે મહારાજા રણજિતસિંહે આ ઘટના સાંભળી ત્યારે તેમણે કહ્યું હતું, 'વાહ મેરે રાજા નલ, વાહ.' એ એ પછી તેમના નામ સાથે 'નલવા' જોડાઈ ગયું હતું.

આ સિવાય હરિસિંહના નામ સાથે વધુ એક ઉપમા જોડાઈ ગઈ, 'વાઘમાર'. મતબલ કે જેણે વાઘને માર્યો હોય. ઑસ્ટ્રિયન મુસાફર હ્યુગરની ભારતયાત્રા દરમિયાન ખુદર હરિસિંહે તેમના જીવનમાં બનેલી વાઘને મારવાની ઘટનાની પુષ્ટિ કરી હતી. ડૉ. નય્યર (પેજનંબર 78) લખે છે કે એટલું જ નહીં, પોતાના જીવનની એ ઘટનાની એક પૉટ્રેઇટ પણ સરદારે તેમને આપ્યું હતું.

મહારાજા રણજિતસિંહ વિશે ગહન અભ્યાસ કરનારા અંગ્રેજ અધિકારી સર લૅપલ ગ્રિફિન તેમના પુસ્તક (પેજનંબર 84) 'રણજિતસિંહ'માં લખે છે કે અમરસિંહ મજીઠિયા ઝાડ સોંસરવું તીર પાર કરી શકતા અને હરિસિંહ નલવાએ તલવારના ઝાટકે વાઘને મારી નાખ્યો હતો.

હરિસિંહ નલવા

'જનરલોના જનરલ'

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ, 2

રણજિતસિંહની સેનામાં રશિયન, ફ્રેન્ચ, અંગ્રેજ, ઇટાલિયન, જર્મન, ગ્રીક, ઑસ્ટ્રિયન એમ અલગ-અલગ યુરોપિયન સૈન્ય અધિકારીઓ હતા, જેઓ અલગ-અલગ પ્રકારની સેવાઓ આપતા. આ સિવાય સ્થાનિક યુદ્ધળામાં નિપુણ નિહંગો અને ધર્મને કાજે લડનારા અકાલીઓ પણ હતા. જોકે, તેમને નોંધપાત્ર વિજય તો તેમના નિયમિત શીખ સૈનિકોએ જ અપાવ્યા હતા. હરિસિંહે માત્ર 16 વર્ષની ઉંમરે કસૂરની પહેલી લડાઈ લડી હતી. કસૂરના નવાબે મહારાજા રણજિતસિંહના આધિપત્યને પડકાર્યું હતું.

રામગઢિયા મિસલના સીધી લીટીના વારસદાર અને ભારતીય સેનામાંથી કર્નલ તરીકે નિવૃત્ત થનારા ઇકબાલ સિંહ તેમના પુસ્તક 'ધ ક્વેસ્ટ ફ્રૉમ ધ પાસ્ટ'માં લખે છે, '10 ફેબ્રુઆરી, 1807ના મહારાજા રણજિતસિંહની સેનાએ કસૂર ઉપર ચઢાઈ કરી હતી. આ દળનું નેતૃત્વ જોધસિંહ રામગઢિયા કરી રહ્યા હાત. હરિસિંહ નલવાએ 16 વર્ષની ઉંમરે તેમની પહેલી લડાઈ લડી હતી. '

આ અભિયાન સફળ રહ્યું. એક મહિનાની ઘેરાબંધી પછી નવાબે શસ્ત્ર હેઠાં મૂક્યા અને રણજિતસિંહનું આધિપત્ય સ્વીકાર્યું. રામગઢિયાને હાથી ભેંટમાં આપવામાં આવ્યો, જ્યારે નલવાની સેવાઓની પણ નોંધ લેવામાં આવી.

આગામી 30 વર્ષ સુધી તેમણે એક પછી એક લડાઈઓ લડી અને ઉત્તરમાં જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, અને તિબેટની સીમાઓ સુધી શાસનને વિસ્તાર્યું. હાલના પાકિસ્તાનના પેશાવર સુધી પહોંચ હતી.

લડાયકવૃત્તિ, વ્યૂહરચના, સૈન્યસફળતા અને નેતૃત્વક્ષમતાને કારણે સૈન્યઇતિહાસમાં હરિસિંહનો ઉલ્લેખ 'ખાલસા સામ્રાજ્યના મુરાત' તરીકે થાય છે. ફ્રૅન્ચ સૈન્ય અધિકારી જોઆચીમ મુરાતનો ઉલ્લેખ 'જનરલોના જનરલ' તરીકે થાય છે. બંને સમકાલીન હતા.

શીખ જનરલ જેનાંથી અફઘાનો ધ્રૂજતા

શોલેના સંવાદ સાથે સંબંધ

હરિસિંહ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ખૈબરઘાટના રસ્તે આવતા હુમલાખોરોને અટકાવવા હરિસિંહ નલવાએ જામરૂદ સહિત અનેક કિલ્લાઓનું નિર્માણ કરાવડાવ્યું હતું

ઈ.સ. 1000થી 19મી સદીની શરૂઆત સુધી (વર્તમાન સમયના) ભારત ઉપર જે કોઈ હુમલા થયા, તે બધા આક્રમણકારો ખૈબર ઘાટથી થઈને ભારતમાં આવ્યા હતા અને અહીં લૂંટફાટ મચાવી કે પોતાના સામ્રાજ્ય સ્થાપ્યા હતા.

ખૈબર પ્રાંતમાં યુસૂફજઈ, અફ્રિદી, દુર્રાની, સહિત અનેક પઠાણોનો આ વિસ્તાર પર દબદબો હતો. આ વિસ્તારમાં ખાલસા સામ્રાજ્યની સ્થાપના કરવાની જવાબદારી મહારાજા રણજિતસિંહે તેમના વિશ્વાસુ જનરલ હરિસિંહને સોંપી હતી. જેને નલવાએ પૂરી કરી હતી.

ફિલ્મ 'શોલે'માં ગબ્બરસિંહ કહે છે કે, 'અહીંથી 50-50 કોશ દૂર, જ્યારે કોઈ બાળક ઊંઘતું નથી, ત્યારે તેની માતા કહે છે કે ઊંઘી જા, નહીંતર ગબ્બરસિંહ આવી જશે.' કંઇક આવો જ ભય ખૈબર પખ્તૂનખ્વાના પઠાણોમાં સરદાર હરિસિંહ નલવાના નામનો હતો.

પાકિસ્તાની પત્રકાર માજિદ શેખ 'ધ ડૉન'માં લખે છે કે 'નાનપણમાં હરિસિંહ નલવા વિશે મેં મારા પિતાના મોઢેથી સાંભળ્યું હતું. મારા પિતા નાના હતા ત્યારે યુસૂફજઈ માતાઓ તેમના સંતાનોને સૂવડાવવા માટે કહેતી 'ચૂપ સા, હરિ રાઘલે.' મતલબ કે ચૂપચાપ સૂઈ જા, નહીંતર હરિસિંહ આવી જશે.'

જનરલ હરીસિંહ

સારાગઢી પહેલાં જમરૂદ

હરિસિંહ

ઇમેજ સ્રોત, SGPC

ઇમેજ કૅપ્શન, જમરૂદનો કિલ્લો

વિશ્વના સૈન્યઇતિહાસમાં 'અનેક સામે એક'ની લડાઈની ચર્ચા આવે એટલે સારાગઢીની લડાઈનો ઉલ્લેખ થાય. જેમાં અંગ્રેજો વતી લડતા 21 શીખ સૈનિકોએ હજારો પશ્તુન પઠાણોનો છેલ્લા શ્વાસ સુધી મુકાબલો કર્યો હતો અને તેમને રોકી રાખ્યા હતા.

અક્ષય કુમાર અભિનિત ફિલ્મ 'કેસરી'માં '36 શીખ'ના આ શૌર્યનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જોકે, એ પહેલાં શીખ સૈન્યઇતિહાસમાં જમરૂદની લડાઈનો ઉલ્લેખ આવે છે. જેમાં હરિસિંહ નલવા અને તેમના સૈનિકોની સંખ્યા સેંકડોમાં હોવા છતાં દોસ્ત મોહમ્મદખાનના હજારો સૈનિકોનો સામનો કર્યો હતો અને મૃત્યુને વર્યા હતા.

પેશાવરથી 11 માઇલ ઉત્તરમાં ખૈબર ઘાટ પર નજર રાખી શકાય તે માટે નલવાએ પાણીમાં તરતા જહાજના આકારના કિલ્લાનું નિર્માણકાર્ય (હાલના બાબા-એ-ખૈબર પાસે) વર્ષ 1836માં કરાવડાવ્યું હતું. નૉર્થ-ઇસ્ટ ફ્રન્ટિયરમાં શીખ સામ્રાજ્યકાળમાં અનેક કિલ્લાઓનું નિર્માણ કરવામાં આવ્યું, જેથી કરીને હુમલાઓને અટકાવી શકાય.

કાબુલના અમીર દોસ્તખાનને લાગતું હતું કે જો શીખો તેમાં સફળ થઈ જશે, તો ભવિષ્યમાં કાબુલ ઉપર પણ આક્રમણ કરી શકે છે. જોકે, શીખોએ કાબુલ પહોંચતા પહેલાં 1500 ફૂટ ઊંચા પર્વત, ગુફાઓની ભૂલભલામણી અને કેટલાંક સ્થળોએ માત્ર અમુક મીટરની પહોળાઈ ધરાવતા કુખ્યાત રાજમાર્ગને પાર કરવો પડ્યો હોત, જ્યાંથી દુશ્મનો ગમે ત્યારે હુમલો કરી શકે તેમ હતા.

1837માં રણજિતસિંહના પૌત્ર નોનિહાલ સિંહનાં લગ્ન અમૃતસરમાં આયોજિત કરવામાં આવ્યાં હતાં. આ ખૂબ જ ભવ્ય આયોજન હતું, જેમાં અંગ્રેજ અધિકારીઓ, કાબુલના અમીર દોસ્ત મોહમ્મદખાન સહિત શીખ સામ્રાજ્યના અગ્રણી સેનાનાયકો અને સૈનિકોને બોલાવવામાં આવ્યા હતા.

શાહી લગ્નની તકનો લાભ લઈને દોસ્ત મોહમ્મદખાનના પાંચ દીકરાઓએ જમરૂદના કિલ્લા ઉપર હુમલો કર્યો, જ્યાં લગભગ 600 શીખ સૈનિક તહેનાત હતા. હરિસિંહ પેશાવરનો કિલ્લો સંભાળી રહ્યા હતા. તેઓ જમરૂદની સહાયે દોડી ગયા. બીજી બાજુ, લાહોરથી પણ પૂરક ટુકડીઓ રવાના કરવામાં આવી.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

YouTube કન્ટેન્ટ પૂર્ણ

કર્નલ (રિટાયર્ડ) ઇકબાલસિંહ તેમના પુસ્તકમાં (પેજનંબર 210-211) લખે છેકે હરિસિંહ નલવા આવે છે એવા સમાચાર માત્રથી જમરૂદની ઘેરાબંધી કરી રહેલી અફઘાન છાવણીઓમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ. હરિસિંહના આગમનને પગલે કિલ્લામાંથી શીખ સૈનિકો બહાર નીકળ્યા અને અફઘાનોને પ્રારંભિક ખુંવારીનો સામનો કરવો પડ્યો, પરંતુ પૂરકદળોના આગમનથી શીખોએ કિલ્લામાં ભરાઈ જવું પડ્યું.

ખુદ જનરલ નલવા પણ ઘાયલ થયા હતા. તેમણે પોતાના 'સેકન્ડ-ઇન-કમાન્ડ' મહાન મીરપુરિયાને સૂચના આપી હતી કે લાહોરથી પૂરકદળો ન આવે ત્યાં સુધી તેમના મૃત્યુના સમાચાર બહાર ન આવવા જોઈએ.

કહેવાય છે કે ચાર દિવસ સુધી જનરલ નલવાનાં કપડાં શીખ સૈનિકો જોઈ શકે તેમ સૂકવવામાં આવ્યાં હતાં, જેથી કરીને તેમનું મનોબળ જળવાઈ રહે. બીજી બાજુ, સળિયાના ટેકે ગઢની રાંગ પર તેમના દેહને એવી રીતે ગોઠવવામાં આવતો કે અફઘાનો તેમને જોઈ શકે અને નિરીક્ષણ કરતા હોય એવી આભા ઊભી થાય.

લાહોરથી ટુકડીઓના આગમન બાદ અફઘાનોએ પીછેહઠ કરી. પત્રકાર ખુશવંત સિંહ તેમના પુસ્તક 'ધ શીખ્સ'માં લખે છે કે આ ઘેરો સાત દિવસ સુધી ચાલ્યો હતો.

અવતારસિંહ સંધુ તેમના પુસ્તક 'જનરલ હરિસિંહ નલવા'માં (પેજનંબર 88) પર લખે છે કે જમરૂદની લડાઈને 'અનિર્ણયિત' ગણી શકાય. કાબુલમાં દોસ્ત મોહમ્મદખાનના દીકરાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેરને શણગારવામાં આવ્યું હતું અને મિજબાનીઓ કરવામાં આવી હતી. આ લડાઈમાં શીખ જનરલ નલવાનું મૃત્યુ થયું હતું.

બીજી બાજુ, અફઘાનોએ પીછેહઠ કરી હતી અને કિલ્લો જાળવી રાખ્યો હોવાથી શીખોને માટે તે વિજયની બાબત હતી.

શીખ જનરલ

સફળ સૈનિક, નિષ્ફળ શાસક?

સર ગ્રિફિન તેમના પુસ્તક 'રણજિતસિંહ'માં લખે છે કે મહારાજાના જનરલ નલવાએ તમામ મુશ્કેલ અભિયાનોમાં ભાગ લીધો હતો. ઈ.સ. 1818માં મુલતાનને તાબે કરવામાં તેમણે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. 1819માં તેમને કાશ્મીર ઉપર આક્રમણનું નેતૃત્વ કર્યું અને આગળ જતાં તેમને કાશ્મીરના ગવર્નર પણ બનાવવામાં આવ્યા હતા, પરંતુ વહીવટી બાબતમાં તેઓ કુશળ ન હતા. તેઓ એટલા બધા અપ્રિય થઈ ગયા હતા કે મહારાજે તેમને હઠાવવા પડ્યા હતા.

જમરૂદની લડાઈમાં નલવાના મૃત્યુ પછી તેમને આપવામાં આવેલી જાગીરો પાછી લઈ લેવામાં આવી હતી અને તેમના ચાર દીકરાઓએ પ્રમાણમાં દરિદ્રતામાં જીવન કાઢ્યું હોવાનું ગ્રિફિન તેમના પુસ્તક નોંધે છે.

નલવાના મૃત્યુના બે વર્ષ બાદ મહારાજા રણજિતસિંહનું અવસાન થયું અને મહારાજાના અવસાનનાં 10 વર્ષ બાદ સમગ્ર પંજાબ કંપની સરકારના તાબા હેઠળ આવી ગયું.

ભારતીય સેનાના રિટાયર્ડ જનરલ જે. જે. સિંહ, તેમના પુસ્તક 'અ સૉલ્જર્સ જનરલ – એન ઑટોબાયૉગ્રાફી'માં (પ્રકરણ 1.3) લખે છે કે શીખ શાસનકાળ દરમિયાન હુમલાખોરોના માર્ગ બંધ થઈ જવાથી કેટલાક દાયકા સુધી પંજાબમાં શાંતિ રહી. અંગ્રેજો સાથેના યુદ્ધ પછી શીખો સામ્રાજ્ય ઉપર નિયંત્રણો વધ્યાં.

શીખ શાસકોમાં શાસન કરવાની ક્ષમતા ન હતી, આંતરિક કાવાદાવા અને એકતાના અભાવે 1849માં પંજાબ અંગ્રેજોના (બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની) તાબા હેઠળ આવી ગયું. અંગ્રેજોએ શીખ લડવૈયાઓનો ઉપયોગ થઈ શકે તે માટે તેમને પોતાની તરફ કરી લીધા.

નલવાના મૃત્યુ પછી દાયકાઓ સુધી તેમનો ભય રહેવા પામ્યો હતો, જે ભારત-પાકિસ્તાનના વિભાજન સમયે પણ જોવા મળ્યો હતો.

હાલના પાકિસ્તાનના સિયાલકોટમાં જન્મેલા પત્રાકર કુલદીપ નય્યર તેમના પુસ્તક 'બિયૉન્ડ ધ લાઇન્સ- ઍન ઑટોબાયૉગ્રાફી'માં (પેજનંબર 30-31) વિભાજન વખતે શીખો અને મુસ્લિમો વચ્ચે થયેલી હિંસા વિશે પોતાનો મત વ્યક્ત કરતા લખે છે કે, મોઘલશાસક ઔરંગઝેબ દ્વારા કરવામાં આવેલા અત્યાચારોને શીખો ભૂલ્યા ન હતા કે તેમને માફ કર્યા ન હતા. સામાપક્ષે મહારાજા રણજિતસિંહ અને હરિસિંહ નલવાની શીખસેના દ્વારા આચરવામાં આવેલા હત્યાકાંડોને ભૂલ્યા ન હતા.

શીખ જનરલ

આરંભ ત્યાં જ અંત

હરિસિંહ

ઇમેજ સ્રોત, SGPC

ઇમેજ કૅપ્શન, હરિસિંહની હવેલી

નલવાએ તેમની છેલ્લી લડાઈ લડી, ત્યારે મંગલસિંહ રામગઢિયા તેમની કમાન હેઠળ હતા. જેઓ જોધસિંહ રામગઢિયાના ભત્રીજા હતા. નલવાએ તેમના જીવનની પહેલી લડાઈ જોધસિંહના નેતૃત્વમાં જ લડી હતી.

નલવાના મૃત્યુ પછી શીખોએ ક્યારેય કાબુલ તરફ સામ્રાજ્ય વિસ્તારનો વિચાર કર્યો ન હતો. અંગ્રેજોના હાથમાં પંજાબ આવ્યું, તે પછી અફઘાન-બ્રિટિશ યુદ્ધ થયા. બ્રિટિશ સરકારે ખૈબર ઘાટનો રસ્તો ખુલ્લો રાખવા માટે વાર્ષિક સવા લાખ રૂપિયાનું વર્ષાસન નક્કી કર્યું હતું, જે અફ્રિદીઓને મળતું હતું.

હાલમાં પાકિસ્તાનની તેના પાડોશી દેશ અફઘાનિસ્તાન સાથેની જે સરહદ (દુરંદ રેખા) છે તે નલવા અને શીખ સામ્રાજ્યને કારણ જ ગણી શકાય.

પ્રચલિત કહાણી મુજબ લાહોરના એક અખાડામાં (હાલ ત્યાં અતિક સ્ટેડિયમ છે) યુવાવસ્થામાં નલવાએ પોતાનાથી મોટી ઉંમરના અને વધુ શક્તિશાળી પહેલવાનને હરાવીને મહારાજા રણજિતસિંહનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.

જમરૂદની લડાઈમાં મૃત્યુનો આભાસ થતાં હરિસિંહ નલવાએ પોતાની રાખ એ અખાડાની માટીમાં ભેળવી દેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જ્યાંથી તેમની વીરતાની કહાણી શરૂ થઈ હતી, ત્યાં જ તેમણે અંત ઇચ્છ્યો હતો.

રેડ લાઇન
રેડ લાઇન