સાત મહિના પહેલાં દાઢી પણ ન રાખનારા અમૃતપાલ સિંહ શીખ સંગઠન ‘વારિસ પંજાબ દે’ના વડા કેવી રીતે બની ગયા?

ઇમેજ સ્રોત, THEWARISPANJABDE/INSTAGRAM
- લેેખક, અવતાર સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
શીખ ધર્મપ્રચારક અમૃતપાલ સિંહ વિશે, તેમની શીખ લોકો માટે અલગ ખાલિસ્તાનની માગણીને છેલ્લા ઘણા મહિનાથી ચર્ચા થઈ રહી છે અને તેમની ટીકા પણ કરવામાં આવી રહી છે.
આશરે ત્રીસેક વર્ષની વયના અમૃતપાલ સિંહ ‘વારિસ પંજાબ દે’ નામના સંગઠનના વડા છે. આ સંગઠનની સ્થાપના ફિલ્મ અભિનેતા અને કર્મશીલ દીપ સિંહ સિદ્ધુએ કરી હતી, જે ખેડૂતોએ દિલ્હી બહાર કરેલા આંદોલનને લીધે જાણીતા થયા હતા.
પંજાબ પોલીસ 18 માર્ચથી અમૃતપાલ સિંહ અને તેના સાથીઓને શોધી રહી છે. અમૃતપાલ સિંહ અને તેમના સશસ્ત્ર સાથીઓએ, પોલીસ દ્વારા અટકાયતમાં લેવામાં આવેલા તેમના એક અન્ય સાથીની મુક્તિના માગણી સાથે અમૃતસરના અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો.
એ પછી અમૃતપાલ સિંહ રાષ્ટ્રીય સ્તરે સમાચારમાં ચમક્યા હતા. તેમણે પોલીસ સ્ટેશનમાં કલાકો સુધી અડિંગો જમાવ્યો હતો, જ્યારે પોલીસ લાચારીથી બધું જોતી રહી હતી. આખરે અમૃતપાલ સિંહે તેમના સાથીનો છૂટકારો કરાવ્યો હતો.
દુબઈમાં લગભગ એક દાયકો ગાળ્યા પછી અમૃતપાલ ગયા વર્ષે પંજાબ પરત આવ્યા હતા અને અમૃતસંચાર નામે શીખો માટે દીક્ષાનું કામ શરૂ કર્યું હતું. તેમણે માદક પદાર્થો વિરુદ્ધ ચળવળ પણ શરૂ કરી હતી.

- 'વારિસ પંજાબ દે' સંગઠનના વડા અમૃતપાલ સિંહે પંજાબના અજનાલામાં પોલીસ સ્ટેશનને સશસ્ત્ર સાથીઓ સાથે ઘેરીને ભારે હોબાળા વચ્ચે પોતાના એક સાથીને છોડાવી લીધો હતો
- આ ઘટના બાદ પંજાબ પોલીસે તેમના વિરુદ્ધ મોટી કાર્યવાહી શરૂ કરી છે અને અત્યાર સુધીમાં તેમના 100થી વધુ સમર્થકોની ધરપકડ કરી છે
- પોલીસે અમૃતપાલ સિંહને શોધવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું છે. દેશવિદેશમાં તેમના વિરુદ્ધ થઈ રહેલી કાર્યવાહીની ચર્ચા થઈ રહી છે
- 'વારિસ પંજાબ દે' ખાલિસ્તાનની ચળવળને ઉત્તેજન આપતું જૂથ બની ગયું છે, પરંતુ બે વર્ષ પહેલાં ભાગ્યે જ સાંભળવા મળતું આ જૂથ આટલા ટૂંકા ગાળામાં આટલું આક્રમક કેવી રીતે બની ગયું?

‘વારિસ પંજાબ દે’ની સ્થાપના કેવી રીતે થઈ?

કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં પંજાબ અને અન્ય રાજ્યોના ખેડૂતોએ દિલ્હીમાં કરેલા આંદોલનમાં અભિનેતા તથા કર્મશીલ સંદીપ સિંહ ઉર્ફે દીપ સિદ્ધુએ સક્રિય રીતે ભાગ લીધો હતો.
અલબત, તેમની વિચારધારા અલગ હતી અને માત્ર ખેતી પૂરતી મર્યાદિત ન હતી. પંજાબ અને ખેતી વિશેની મુદ્દાઓ ઉઠાવવા માટે દીપ સિદ્ધુ એ 2021માં પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલાં ‘વારિસ પંજાબ દે’ની સ્થાપના કરી હતી. આ સંગઠનમાં થોડા યુવાનો જોડાયા છે, પરંતુ તે પ્રભાવશાળી સંગઠન બની શક્યું નથી.
ખેડૂતોએ કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી તરફ કૂચ કરી ત્યારે પણ દીપ સિદ્ધુએ દિલ્હી સુધી મોરચો સંભાળ્યો હતો અને “આ લડાઈ ફક્ત આપણી ખેતી માટે જ નહીં, પરંતુ આપણી ભાવિ પેઢી માટેની પણ છે,” એવું સુત્ર આપીને જાણીતા થયા હતા. તેમણે સંઘીય માળખાની અને રાજ્યો માટે વધુ સત્તાની માગણી કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ સમયે દીપ સિદ્ધુ સાથે સંકળાયેલા અજયપાલ સિંહ બ્રારે કહ્યું હતું કે “ખેડૂતોનું આંદોલન ચાલતું હતું ત્યારે સિદ્ધુએ પંજાબ અને ખેતી માટે કામ કરવાનો નિર્ણય લીધો હતો. તેઓ પંજાબમાં ઉદ્યોગો પણ લાવવા ઇચ્છતા હતા. ખેડૂતોનું આંદોલન પૂર્ણ થયું પછી અમારા રસ્તા અલગ થઈ ગયા હતા, પરંતુ સિદ્ધુએ તેનું સંગઠન ચાલુ રાખ્યું હતું.”
રાજકીય વિવેચક અને ભૂતપૂર્વ કર્મશીલ માલવિંદર સિંહ માલીએ કહ્યું હતું કે “પોતાનું સંગઠન બિન-રાજકીય હોવાની જાહેરાત દીપ સિદ્ધુએ કરી હતી. તેનું કામ શીખોમાં શિક્ષણને પ્રોત્સાહિત કરવાનું, શીખ સિદ્ધાંતો, શીખ ફિલસૂફીના પ્રચારનું અને તંદુરસ્તી માટે શીખ યુવાનોને જીમ ભણી વાળવાનું હશે. એ ઉપરાંત આ સંગઠન ચૂંટણીમાં ભાગ લેશે નહીં, એવું પણ સિદ્ધુએ જણાવ્યું હતું, પરંતુ દીપ સિદ્ધુએ પંજાબ વિધાનસભાની 2022ની ચૂંટણીમાં સિમરનજીત સિંહ માનને અમરગઢ બેઠક માટે ટેકો આપ્યો હતો. અલબત, માન એ ચૂંટણી હારી ગયા હતા.”

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
2022ની 15 ફેબ્રુઆરીએ એક કાર અકસ્માતમાં મૃત્યુ પામેલા દીપ સિદ્ધુની વય 37 વર્ષ હતી.
દીપ સિદ્ધુ પંજાબમાં સક્રિય હતા ત્યારે દુબઈમાં પોતાના સગાની એક ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરતા અમૃતપાલ સિંહ તેના સંપર્કમાં હતા. એ સમયે તેઓ દાઢી રાખતા ન હતા.
અમૃતપાલ સિંહ ઑગસ્ટ, 2022માં ભારત પાછા ફર્યા હતા. એ પાછા ફર્યા ત્યારે તેમનો દેખાવ બદલાઈ ગયો હતો. તેઓ હવે ક્લિન શેવન નહોતા. દાઢી રાખતા હતા અને શ્રદ્ધાળુ શીખની માફક લાંબા વાળનો આગ્રહ રાખતા હતા. તેમણે શીખ ધર્મના સિદ્ધાંતોને અક્ષરસઃ અનુસરવાની દીક્ષા પણ લીધી હતી.
અમૃતપાલ સિંહની નિમણૂંક ‘વારિસ પંજાબ દે’ના વડા તરીકે કરવા માટે સપ્ટેમ્બર, 2022માં રોડે ગામમાં એક ઔપચારિક સમારંભ યોજવામાં આવ્યો હતો. રોડે ગામ અલગાવવાદી શીખ નેતા જરનૈલ સિંહ ભિંડરાવાલેનું પૈતૃક ગામ છે. જરનૈલ સિંહ ઓપરેશન બ્લુસ્ટારમાં માર્યા ગયા હતા. શીખોના પવિત્રતમ સુવર્ણ મંદિરમાંથી અલગાવવાદીઓને હઠાવવા માટે ઓપરેશન બ્લુસ્ટાર નામે લશ્કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
દીપ સિદ્ધુ અને અમૃતપાલ સિંહ વચ્ચે મૂળભૂત ફરક એ છે કે અમૃતપાલ શીખો માટે ખાલિસ્તાનની માગણી ખુલ્લેઆમ કરે છે, પરંતુ દીપ સિદ્ધુએ ક્યારેય એવું કહ્યું ન હતું.
દીપ સિદ્ધુએ તેમનાં ભાષણોમાં રાજ્યો માટે વધુ સત્તાની હિમાયત કરી હતી અને જરનૈલસિંહ ભિંડરાવાલેને હીરો ગણાવ્યા હતા.
આંદોલનના માર્ગથી ભટકી ગયેલા ખેડૂતોના એક જૂથે 2021ની 26 જાન્યુઆરીએ નવી દિલ્હીના લાલ કિલ્લામાં ધસી જઈને ત્યાંથી રાષ્ટ્રધ્વજ ઉતારીને તેના સ્થાને શીખ ઝંડો ફરકાવ્યો ત્યારે દીપ સિદ્ધુ ત્યાં જોવા મળ્યા હતા.
એ પછી પોલીસ અને વિરોધ પ્રદર્શનકર્તાઓ વચ્ચે હિંસા થઈ હતી. એ ઘટના પછી ફેબ્રુઆરીમાં દિલ્હી પોલીસે દીપ સિદ્ધુની ધરપકડ કરી હતી.
બે સપ્તાહ પછી જામીન પર મુક્ત થઈને બહાર આવ્યા પછી દીપ સિદ્ધુ ફરીથી સામાજિક તથા રાજકીય પ્રવૃતિમાં સક્રિય થયા હતા.

પંજાબમાં 'વારિસ પંજાબ દે'માં અમૃતપાલ સિંહનો ઉદય

ઇમેજ સ્રોત, SANDHUAMRIT1984/INSTAGRAM
અમૃતપાલ સિંહનો જન્મ તથા ઉછેર અમૃતસરના જલ્લુ ખેરા ગામમાં થયો છે. તેઓ ગામમાં જ ભણ્યા હતા અને નાની ઉંમરે કાકાની ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરવા દુબઈ ગયા હતા. ગયા વર્ષે પાછા ફર્યા બાદ તેમણે ફેબ્રુઆરીમાં લગ્ન કર્યાં હતાં.
દુબઈથી પાછા ફર્યા બાદ તેઓ શીખ યુવાનોને ધર્મ દીક્ષા આપવાનું કામ કરી રહ્યા છે અને વ્યસન વિરોધી ઝૂંબેશ સક્રિય રીતે ચલાવી રહ્યા છે. તેમના પર અનેક આક્ષેપો પણ થયા છે.
ખ્રિસ્તી મિશનરીઓ વિરુદ્ધના તથા કેન્દ્ર સરકાર વિરુદ્ધના આક્રમક ભાષણો તેમજ વારંવાર ખાલિસ્તાનની માગણીને કારણે કેટલાક બેરોજગાર યુવાનો અમૃતપાલ સિંહ ભણી આકર્ષાયા છે, પરંતુ એ સંખ્યા બહુ મોટી નથી.
થોડા સમય પહેલાં એક યુવકને માર મારવા બદલ અમૃતપાલ તથા તેમના સાથીઓ વિરુદ્ધ એક પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.
અમૃતપાલે તેનો વારંવાર ઇન્કાર કર્યો હોવા છતાં પોલીસે તેમના એક સાથીને અટકાયતમાં લીધો હતો. તે પોલીસ ફરિયાદ રદ કરાવવા અને અટકાયતમાં લેવાયેલા સાથીને છોડાવવા અમૃતપાલ અને તેમના સાથીઓએ લાઠી, બંદૂક, તલવાર જેવા શસ્ત્રો સાથે અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો.
કેટલાક યુવાનો અને ખાસ કરીને બેરોજગાર યુવાનો ‘વારિસ પંજાબ દે’ ભણી શા માટે આકર્ષાય છે તેના કારણ સમજવા મુશ્કેલ છે.
પંજાબ 1980 અને 1990ના દાયકામાં વ્યાપક હિંસાનું સાક્ષી બન્યું છે. સુવર્ણ મંદિર સંકુલમાં લશ્કરી કાર્યવાહી અને એ પછી તત્કાલીન વડાં પ્રધાન ઇંદિરા ગાંધીની હત્યાને પગલે નવી દિલ્હી અને અન્યત્ર શીખોનો નરસંહાર થયો હતો.
એ પછી પંજાબમાં લગભગ એક દાયકા સુધી અલગાવવાદી પ્રવૃત્તિ ચાલતી રહી હતી. શીખ માનસ પરના એક ઘા હજુ રૂઝાયા નથી. એ સમયની કથાઓ સાંભળીને મોટા થયેલા શીખ યુવાનો શીખ સમાજમાં કટ્ટરપંથી ઉપદેશ આપતા લોકોનું નિશાન આસાનીથી બની જાય છે.
અમૃતપાલ સિંહ હાલ ફરાર છે અને તેની 150થી વધુ કથિત સાથીઓની પોલીસે ધરપકડ કરી છે ત્યારે સવાલ થાય કે ‘વારિસ પંજાબ દે’ સંગઠન સરકારની સુરક્ષા એજન્સીઓની ચાંપતી નજર હેઠળ તેનું કામકાજ આગળ ધપાવી શકશે?

















