આઝાદી પહેલાં ઊઠેલો ખાલિસ્તાનનો વિચાર, ભિંડરેવાલાથી અમૃતપાલ સિંહ સુધી કેવી રીતે સરકારોનાં ગળાની ફાંસ રહ્યો છે

ઇમેજ સ્રોત, Getty Images
પંજાબ પોલીસ પાછલા શનિવારથી ‘વારિસ પંજાબ દે’ સંગઠનના પ્રમુખ અમૃતપાલસિંહની ધરપકડ કરવા માટે વ્યાપક અભિયાન ચલાવી રહી છે.
30 વર્ષીય અમૃતપાલને રાષ્ટ્રીય અખબારોમાં ‘ખાલિસ્તાની માગણી ઉઠાવનારા અને અળગાવવાદી નેતા’ ગણાવવામાં આવી રહ્યા છે.
પાછલા છ-સાત માસથી તેમનું નામ ચર્ચામાં છે.
ફેબ્રુઆરી 2023માં અમૃતપાલસિંહના એક સાથીદારની પંજાબ પોલીસે એક મામલામાં ધરપકડ કરતાં તેમના સમર્થકોએ કથિતપણે તેમના સાથીદારને છોડાવાની માગ સાથે પોલીસ બૅરિકેડ તોડીને પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો, સમર્થકોના હાથમાં કથિતપણે ગુરુગ્રંથસાહેબ હતું, એવું કહેવાઈ રહ્યું હતું કે અમૃતપાલસિંહના સમર્થકો બંદૂકો અને હથિયારો સાથે પોલીસ સ્ટેશને આવી ગયા હતા.
એવો પણ આરોપ મુકાઈ રહ્યો છે કે અમૃતપાલસિંહે ગૃહમંત્રી અમિત શાહને ‘ઇંદિરા ગાંધી જેવા હાલ’ થવાની ધમકી આપી હતી.
અમૃતપાલસિંહે આ ઘટના બાદ ઘણાં મીડિયા સંસ્થાનને ઇન્ટરવ્યૂ આપ્યા હતા, જેમાં તેમના પર ‘ખાલિસ્તાન સમર્થક નિવેદનો’ કરવાનો આરોપ મુકાયો હતો.
આ બાદથી ખાલિસ્તાનને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે.

ખાલિસ્તાનની ચળવળ શું છે?
ખાલિસ્તાન ચળવળ એ ખાલિસ્તાન નામનો એક અલગ દેશ મેળવવા માટેની ચળવળ છે. આ ચળવળનો હેતુ ભારત અને પાકિસ્તાનના શીખો માટે અલગ દેશ બનાવવાનો છે. સમય સાથે આ ચળવળનો ચહેરો બદલાયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્ષ 1984 અને 1986માં ક્રમાનુસાર ઑપરેશન બ્લૂ સ્ટાર અને ઑપરેશન બ્લૅક થંડર વડે આ ચળવળને ડામવા માટેના પ્રયાસો કરાયા હતા. જોકે શીખોનાં કેટલાંક જૂથ આ ચળવળને હજુ સમર્થન આપે છે. ખાસ કરીને કૅનેડા, ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયામાં રહેલા કેટલાક લોકો આ ચળવળ સાથે સંવેદના વ્યક્ત કરે છે.

ચળવળનાં મૂળ
1940માં મુસ્લિમ લીગના લાહોર અધિવેશનમાં મુસ્લિમો માટે સ્વતંત્ર પાકિસ્તાનની માગણીનો ઠરાવ મંજૂર કરાયો હતો.
આ દરમિયાન ભારત અને પાકિસ્તાન બંનેમાં શીખોને અલગ જગ્યા નહીં મળે તેવી ભાવના પેદા થઈ. તેથી શીખોને પણ પોતાના અલગ દેશ માટેનો વિચાર આવ્યો.
તે બાદ માર્ચ, 1940માં વીરસિંઘ ભટ્ટી નામની એક વ્યક્તિએ પ્રથમ વખત સ્વતંત્ર ખાલિસ્તાનનો વિચાર મૂક્યો.
પરંતુ મહાત્મા ગાંધીએ ભારતના શીખ સમુદાયને અર્ધ-સ્વાયત્તતા અપાશે તેવું વચન આપ્યું હતું. પંડિત જવાહરલાલ નહેરુએ પણ વર્ષ 1946માં કોલકાતા (તે વખતે કલકત્તા) ખાતે મળેલી ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટી મિટિંગમાં આ વિચાર જાળવી રાખ્યો. તેથી સ્વતંત્ર ખાલિસ્તાન માટેનો મુદ્દો પાછળ ધકેલી દેવાયો.
પરંતુ એ જ વર્ષે જ્યારે નહેરુ પોતાની વાતથી પાછા હઠી ગયા ત્યારે શીખ સમુદાયમાં નારાજગી જોવા મળી.
એ સમયે જ એક હિંદુ દેશમાં તેમની સાથે યોગ્ય વ્યવહાર નહીં કરાય તેવો ભય શીખોના મનમાં બેસી ગયો.

સ્વતંત્રતા પછીના બનાવો
1966માં પંજાબ બનાવાયું, તે બાદ અકાલીદળના નેતાઓએ ખાલિસ્તાન માટે માગ ઉઠાવી. ઇંગ્લૅન્ડથી ચરણસિંહ પંથીએ અને ડૉ. જગજિતસિંહ ચૌહાણે 70ના દાયકામાં આ માગ ફરી ઉઠાવી.
ડૉ. ચૌહાણ 70ના દાયકામાં બ્રિટનમાં રહેતા અને અમેરિકા અને પાકિસ્તાનની નિયમિત મુલાકાત લેતા. તે બાદ 1978માં ખાલિસ્તાનની માગણી ઉઠાવવા માટે કેટલાક યુવાનોએ દલ ખાલસા નામના સંગઠનની શરૂઆત કરી.
ઇતિહાસકાર ડૉ. ગુરબચનસિંહ અનુસાર વર્ષ 1955માં સરકારે અમૃતસરના સુવર્ણ મંદિર પાસે સ્વતંત્ર પંજાબી સૂબા માટે પ્રદર્શન કરી રહેલા કેટલાક યુવાનો સામે પોલીસ મોકલી કાર્યવાહી કરી.

આનંદપુર સાહિબનો ઠરાવ

ઇમેજ સ્રોત, Getty Images
1973માં આનંદપુર સાહિબ શીરમોણિ અકાલી દળે શીખ ધર્મને અલગ ધર્મ તરીકે માન્યતા આપવા માટે ઠરાવ પસાર કર્યો. આ દરમિયાન જ સરકાર સામે હિંદુ ધર્મથી અલગ શીખ ધર્મને માન્યતા આપવા માટે માગણી મુકાઈ.
એવી પણ માગણી કરાઈ કે ભારતના બંધારણમાં કેન્દ્ર-રાજ્ય વચ્ચેના સંબંધો અંગે ફેરવિચારણા કરીને રાજ્યને વધુ સત્તા આપવામાં આવે.

કઈ સંસ્થાઓનો હતો ટેકો?

ઇમેજ સ્રોત, Getty Images
નીચે દર્શાવેલી સંસ્થાઓ ખાલિસ્તાની ચળવળને ટેકો આપે છે :
બબ્બર ખાલસા (આંતરરાષ્ટ્રીય), ઇન્ટરનેશનલ શીખ યૂથ ફેડરેશન, ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ, ઑલ ઇન્ડિયા શીખ સ્ટુડન્ટ ફેડરેશન, ભીંડરાવાલા ટાઇગર ફોર્સ ઑફ ખાલિસ્તાન, ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સ, ખાલિસ્તાન લિબરેશન ફોર્સ, ખાલિસ્તાન લિબરેશન આર્મી, દશમેશ રેજિમૅન્ટ, શહીદ ખાલસા ફોર્સ જેવી સંસ્થાઓ ખાલિસ્તાનની ટેકેદાર સંસ્થાઓ હતી. જોકે આ સંસ્થાઓ હાલ હયાત નથી.

જરનૈલસિંહ ભીંડરાવાલે

ઇમેજ સ્રોત, SATPAL DANISH
1970ના દાયકામાં જરનૈલસિંહ ભિંડરાવાલેએ સ્વતંત્ર ખાલિસ્તાનની ચળવળને ફરીથી ઊભી કરી. તેઓ યુવાનોમાં ઘણા લોકપ્રિય હતા. તેમણે તાત્કાલિક પોતાનો કૅમ્પ સુવર્ણ મંદિર ખાતે ખસેડી દીધો.
70 અને 80ના દાયકામાં પંજાબમાં બનતી હિંસક ઘટનાઓમાં વધારો જોવા મળ્યો. એવું કહેવાઈ રહ્યું હતું કે આ વધારા પાછળ ભિંડરાવાલા જવાબદાર હતા.
પંજાબ કેસરી અખબારના સંપાદક લાલા જગત નારાયણની હત્યા અને નિરંકારી સમાજના લોકો પરના હુમલા સહિતની ઘટનાઓને કારણે પંજાબ અસ્થિરતાના આરે હતું.
માર્ક ટલીના પુસ્તક ‘અમૃતસર : ઇંદિરા ગાંધીઝ લાસ્ટ બૅટલ’માં કરાયેલા ઉલ્લેખ અનુસાર શીખો અને હિંદુઓ વચ્ચે સુલેહના પ્રયત્નો કરનારાઓ પર પણ હુમલા કરાતા.

ઑપરેશન બ્લૂ સ્ટાર

ઇમેજ સ્રોત, RAVINDER SINGH ROBIN/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભિંડરાવાલે અને તેમના સાથીદારો સુવર્ણમંદિરમાં છુપાયેલા હતા ત્યારે હરમિંદર સાહિબ પરિસર પર ભારતીય સેનાએ કાર્યવાહી કરી હતી, જેને ઑપરેશર બ્લૂ સ્ટાર નામ અપાયું હતું.
ઑપરેશન બ્લૂ સ્ટારના કમાન્ડર મેજર જનરલ કે એસ બ્રારનું કહેવું હતું કે તેમને મળેલી માહિતી પ્રમાણે કટ્ટરવાદીઓ થોડા જ દિવસોમાં અલગ ખાલિસ્તાનની રચનાની જાહેરાત કરવાના હતા તેથી ઑપરેશન તાત્કાલિક કરવું જરૂરી હતું.
વર્ષ 1982માં ભિંડરાવાલે ચોક મહેતા ગુરુદ્વારા છોડીને સુવર્ણ મંદિર પરિસરમાં ગુરુ નાનક નિવાસ અને ત્યારપછી શીખોના સર્વોચ્ચ ધાર્મિક સંસ્થા અકાલ તખ્તમાંથી પણ પોતાના વિચારો વ્યક્ત કરવા લાગ્યા.
એપ્રિલ 1983માં પંજાબ પોલીસના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ એ. એસ. અટવાલને હરિમંદિર સાહેબ પરિસરમાં જાહેરમાં સેંકડો સુરક્ષા કર્મચારીઓની હાજરીમાં ઠાર મારવામાં આવ્યા.
તેઓ મંદિરમાં માથું ટેકવીને બહાર આવી રહ્યા હતા ત્યારે જ ગોળીબાર થયો હતો. ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ કે. પી. એસ. ગિલની તપાસમાં જાણવા મળ્યું કે અટવાલના મૃત્યુ પછી બે કલાક સુધી તેમનો મૃતદેહ પડ્યો રહ્યો હતો.
પોલીસનું મનોબળ આટલી હદે નબળું પડી ગયું હતું. થોડા દિવસો પછી પંજાબ રોડવેઝની એક બસમાં ઘૂસીને બંદૂકધારીઓએ હિંદુ મુસાફરોને અલગ પાડીને ઠાર માર્યા. ત્યારબાદ ઇંદિરા ગાંધી સરકારે પંજાબમાંથી દરબારા સિંહની કૉંગ્રેસ સરકારને બરખાસ્ત કરી દીધી અને રાષ્ટ્રપતિશાસન લાદવામાં આવ્યું.
1984માં ઑપરેશન બ્લૂ સ્ટાર કરવામાં આવ્યું તેનાથી ત્રણ મહિના પહેલા પંજાબમાં વિવિધ હિંસક ઘટનાઓમાં 298 લોકો માર્યા ગયા હતા.
ઑપરેશન બ્લૂ સ્ટાર અગાઉ ઇંદિરા ગાંધી સરકાર અને અકાલી નેતાઓ વચ્ચે ત્રણ વખત વાતચીત થઈ હોવાનું કહેવાય છે. છેલ્લે ફેબ્રુઆરી 1984માં હરિયાણામાં શીખો વિરુદ્ધ હિંસા થઈ ત્યારે વાતચીત પડી ભાંગી.
પહેલી જૂને સુવર્ણ મંદિર પરિસર અને તેની બહાર તહેનાત સીપીઆરએફ વચ્ચે ગોળીબાર થયો હતો. સુવર્ણમંદિર પરિસરમાં હથિયારોથી સજ્જ જરનૈલસિંહ, કોર્ટ માર્શલ થયેલા મેજર જનરલ સુભેગ સિંહ અને શીખ સ્ટુડન્ટ ફેડરેશનના લડવૈયાઓએ ચારેબાજુએ મોરચાબંધી કરી હતી.
ત્રીજી જૂને ગુરુ અર્જુન દેવનો શહીદીદિવસ હતો તેથી બીજી જૂનથી જ પરિસરમાં હજારો શ્રદ્ધાળુઓએ આવવાનું શરૂ કરી દીધું હતું.
આવી સ્થિતિમાં સરકારે સુવર્ણ મંદિરમાં સૈન્ય કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો. તે અગાઉ પંજાબ આવતી-જતી તમામ ટ્રેનો અને બસો બંધ કરવામાં આવી, ફોન કનેક્શન બંધ કરાયાં, વિદેશી મીડિયાને રાજ્યમાંથી બહાર કાઢી નાખવામાં આવ્યું.
3 જૂને સાંજે ભારતીય સેનાએ સુવર્ણ મંદિર પરિસરને ઘેરી લીધું અને ચોથી જૂને ગોળીબાર શરૂ કર્યો. સૈન્ય કમાન્ડર કે. એસ. બ્રારના જણાવ્યા મુજબ કટ્ટરવાદીઓએ એવો જોરદાર મુકાબલો કર્યો કે પાંચમી જૂને સેનાએ બખ્તરબંધ ગાડીઓ અને ટેન્કનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો.
તે પછી થયેલા જંગમાં બંને તરફે ભારે ખુવારી થઈ અને અકાલ તખ્તને ભારે નુકસાન થયું. ભારત સરકારના શ્વેતપત્ર પ્રમાણે આ કાર્યવાહીમાં 83 સૈનિકો માર્યા ગયા હતા અને 493 ઉગ્રવાદીઓનાં મૃત્યુ થયાં હતાં.
સરકારે 1592 ઉગ્રવાદીઓની ધરપકડ કરી હતી. જોકે આ આંકડા વિવાદાસ્પદ છે અને વાસ્તવિક મૃત્યુઆંક ઘણો મોટો હોવાનું માનવામાં આવે છે.

ઇંદિરા ગાંધીની હત્યા

ઇમેજ સ્રોત, AAP GETTY
ઑપરેશન બ્લૂ સ્ટારની પ્રતિક્રિયાના ભાગરૂપે ભારતનાં એ સમયનાં વડાં પ્રધાન ઇંદિરા ગાંધીની 31 ઑક્ટોબર 1984ના રોજ તેમના નિવાસસ્થાને હત્યા કરાઈ હતી. તેમના શીખ અંગરક્ષકોએ જ તેમની હત્યા કરી હતી.
વડાં પ્રધાનની હત્યા બાદ દિલ્હીમાં તોફાનો ફાટી નીકળ્યાં જેમાં હજારો શીખોનું મોત થયું. આ ઘટનાને કારણે શીખ અને હિંદુ સમાજ વચ્ચેનું અંતર વધી ગયું.
એક દાયકા બાદ માત્ર પંજાબમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ‘શીખ ઉગ્રવાદી પ્રવૃત્તિઓને’ કારણે અસ્થિરતા સર્જાઈ હતી. ઇંદિરા ગાંધીની હત્યા બાદ બનેલા બનાવોમાં થયેલાં મૃત્યુ બાબતે 12 વર્ષ સુધી કોઈ કાર્યવાહી નહોતી કરાઈ.
આના કારણે શીખ સમાજમાં એ સમયની કેન્દ્ર સરકાર માટે રોષની લાગણી જન્મી.
વર્ષ 1985માં ઍ ઇન્ડિયાનું વિમાન એઆઈ – 182ને આયર્લૅન્ડ પરથી પસાર થતી વખતે બૉમ્બથી ઉડાડી દેવાયું. આ ઘટના પાછળ ‘શીખ ઉગ્રવાદીઓ’નો હાથ હોવાનું મનાય છે. સમગ્ર દેશમાં રેલવેના પાટા ઉખાડી નાખવાની ઘટના, બસો અને ટ્રેનો પર હુમલા જેવી ઘટનાઓ બની રહી હતી.

અમૃતપાલસિંહ

પાછલા અમુક દિવસોની વાત કરીએ તો આ દરમિયાન અમૃતપાલસિંહનું નામ પંજાબના રાજકારણમાં ખૂબ ચર્ચામાં છે.
તેમને ખાલિસ્તાનના સમર્થક ગણાવવામાં આવે છે.
ગત વર્ષે મૃત્યુ પામેલા ઍક્ટર-ઍક્ટિવિસ્ટ દીપસિંહ સિદ્ધુએ ‘વારિસ પંજાબ દે’ નામના સંગઠનની સ્થાપના કરી હતી. તેમના મૃત્યુ બાદ સંગઠનની જવાબદારી 29 વર્ષીય અમૃતપાલસિંહ પર આવી પડી હતી.
આ જવાબદારી સંભાળવા માટે તેમણે દુબઈથી પાછા ફરવું પડ્યું.
દીપસિંહ સિદ્ધુ ખેડૂત આંદોલન સમયે ચર્ચામાં આવ્યા હતા. જે બાદ તેમનું એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું.
અમૃતપાલસિંહે એક ઇન્ટરવ્યૂમાં પોતાના વિશે આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે તેમનું બાળપણ અમૃતસરના ગામ જાદુખેડામાં પસાર થયું છે. ફેબ્રુઆરી, 2023માં બાબા બકાલા ખાતે તેમનાં લગ્ન થયાં હતાં.
તેમણે પ્રાઇવસીનો હવાલો આપતાં પોતાનાં પરિવાર અને પત્ની વિશે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.
તેમની સાથેની વાતચીત અનુસાર તેઓ આરબ દેશમાં નોકરીની શોધમાં ગયા હતા.
હવે તેઓ ફરાર છે અને પોલીસ તેમની શોધ કરી રહી છે. અમૃતપાલસિંહના કારણે ખાલિસ્તાનનો મુદ્દો ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે.

હાલની સ્થિતિ
અમૃતપાલસિંહને ઘણા લોકો ભિંડરાવાલે 2.0 પણ ગણાવી રહ્યા છે.
ઑપરેશન બ્લૂ સ્ટાર બાદ ખાલિસ્તાનની ચળવળ ધીમી પડી હતી. પરંતુ અમૃતપાલસિંહ પાછા ચર્ચામાં આવ્યા બાદ આ ચળવળ ફરી એક વાર ચર્ચાઈ રહી છે.
પંજાબ પોલીસના મુખ્યમથક પર ગ્રેનેડ હુમલા જેવા બનાવોને હવે આ ચળવળ સાથે સાંકળવામાં આવી રહ્યા છે.
પાછલા અમુક સમયથી પંજાબમાં ખાલિસ્તાની-સમર્થક દેખાવો વધી રહ્યા છે.
આ સિવાય કૅનેડા અને યુકે ખાતેના ભારતીય હાઇ કમિશનની ઑફિસો સામે ખાલિસ્તાન-સમર્થક પ્રદર્શનો યોજાયાં હતાં.
બીબીસી સાથેની મુલાકાતમાં અમૃતપાલસિંહે કહ્યું હતું કે તેમને ભારતના બંધારણ પર વિશ્વાસ નથી.














