દલપતરામની 120 કિમીની કપરી યાત્રા, 20 રૂપિયાનો પગાર અને શરૂ થઈ ગામડાં ખૂંદવાની કહાણી

- લેેખક, સુરેશ ગવાણિયા
- પદ, બીબીસી ગુજરાતી
'જ્યારે અમદાવાદ વસ્યું નહોતું ત્યારે આ ઠેકાણે આસપાસ ઝાડી હતી. એને આસ્તોડિયું અથવા આસાવલી નામ હતું. તેમાં આસો ભીલ રહેતો હતો. તેની એક દીકરી ગુર્જરકુંવરી નામે હતી. તે બહુ રૂપાળી હતી. એ સમે હાલના માણેકચોકને ઠેકાણે સાભ્રમતી નદી વહેતી હતી. ત્યાં તે બાઈ હંમેશાં પાણી ભરવા આવતી હતી. એવામાં પાટણના પાદશાહ અહમદશાહનો રાવત પાદશાહનો ઘોડો લઈને પાણી પાવા આવ્યો. અને ગુર્જરકુંવરી સાથે મેળાપ થયો. પછી તે રાવત દરરોજ તે ઘોડો લઈને પાટણથી એક રાતમાં આવીને ગુર્જરકુંવરીને મળીને તે જ રાતમાં પાછો જાય.
એ વાત પાદશાહના જાણવામાં આવી. પછી પાદશાહે આવીને પોતાના નામથી એહમદાવાદ શહેર સંવત 1467માં વસાવ્યું. અને ગુર્જરકુંવરીને પાદશાહે પોતાના મહેલમાં રાખી. તે સમે માણેકનાથ બાવો નદીને કાંઠે રહેતો હતો. અને પાદશાહે કોટ ચણવા માંડ્યો; ને આખા દહાડામાં કોટ ચણાય તે વખતે પેલો બાવો ગોદડીમાં દોરા ભરે, પછી રાતે પેલા દોરા કાઢી નાંખે, એટલે પેલો ચણેલો કોટ બધો પડી જાય. તે વાતની પાદશાહને ખબર પડી ત્યારે પાદશાહે વિનંતી કરી. ત્યારે બાવે કહ્યું કે મારું નામ કાંઈ રાખે તો વસાવા દઉં. પછી તેના નામનો માણેક બુરજો ચણાવ્યો, તથા ચોકનું નામ માણેકચોક રાખ્યું.' (લખાવનાર- અમદાવાદના કાળીદાસ અને વાઘજી)
અમદાવાદ શહેરના વસવાટની આ વાત કવિ દલપતરામ ડાહ્યાભાઈ લિખિત 'ગુજરાતના કેટલાએક ઐતિહાસિક પ્રસંગો અને વાર્તાઓ' પુસ્તકમાં વણાઈ છે.
વર્ષ 2023માં ગુજરાતમાં અંગ્રેજી માધ્યમની શાળામાં ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.
જ્ઞાનપીઠ પુરસ્કૃત કવિ રઘુવીર ચૌધરી, રતિલાલ બોરીસાગર, મનસુખ સલ્લા સહિતના સાહિત્યકારોએ સરકારમાં રજૂઆત કરી હતી.
તેમનું કહેવું હતું કે આ અંગે પરિપત્ર તો બન્યો છે, પણ કાયદો નથી બન્યો માટે કાયદો જો બનાવવામાં આવે તો ગુજરાતી ભાષાને ફરજિયાત ભણાવવી પડે. અને એ રીતે પ્રાથમિક શાળામાં ગુજરાતી ભાષા ભણાવવા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
પણ જ્યારે દેશ આઝાદ નહોતો થયો અને ગુજરાતમાં અંગ્રેજોનું શાસન હતું એ સમયે દલપતરામે પણ આ ચિંતા વ્યક્ત કરી હતી અને વડોદરાના મહારાજા સામે ગુજરાતી ભાષાનું મહિમાગાન કર્યું હતું.
ખંડેરાવના દરબારમાં દલપતરામ ગયા ત્યારે તેમણે શી રજૂઆત કરી હતી એ તેમની કવિતામાં પણ ઝીલાઈ છે. એ પ્રસંગને તેમણે કવિતાના માધ્યમથી મહારાજા સમક્ષ મૂક્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ પ્રસંગે શું થયું હતું એની વિગતે ચર્ચા કરતાં પહેલાં દલપતરામ અંગે થોડું જાણી લઈએ.

બંદા બેઠા માંચીએ...

ઇમેજ સ્રોત, JIGAR BHATT/BBC
દલપતરામે 'સત્સંગ'ની દીક્ષા લીધી તે પહેલાં કવિતા કરવાના સંસ્કાર મેળવી લીધા હતા. તેમના ઘર સામે ચોકઠામાં ચાંદની રાતે રેંટિયો કાંતતી ડોશીઓ શેરીનાં છોકરાંવને વાર્તા સંભળાવતી. છોકરાં વાર્તા સાંભળ્યા પછી એકબીજાંને ઉખાણાં પૂછતાં. આ રમતમાં 10 વર્ષીય દલપતરામને મજા પડતી.
થતું એવું કે કોઈને ન આવડે એ ઉખાણું દલપતરામ ઉકેલી નાખતા અને નવાં ઉખાણાં પણ બનાવતા. આ પ્રકારનાં જોડકણાં હડૂલા કહેવાતાં.
દલપતરામના પુત્ર અને ચરિત્રકાર કવિ ન્હાનાલાલ હડૂલાની સમજૂતી આપતાં નોંધે છે કે, 'હડૂલો એટલે હડુડુડુડુ કરતો છોડેલો કાવ્યગોળો. એને ન હોય મોં કે ન હોય માથું. અન્ત્યાનુપ્રાસ મળે, પાદપૂર્તિ સચોટ સચવાય, કલ્પનાને ધમધમ કરતી જગાડે એવી સાખી તે હડૂલો.' એક ઉદાહરણ તરીકે-
સાગ ઉપર કાગ બેઠો, રથે બેઠાં રાણી
બંદા બેઠા માંચીએ ને દુનિયા ડહોળે પાણી!
દલપતરામનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ (21 જાન્યુઆરી, 1820)માં થયો હતો. તેમના પિતા ડાહ્યાભાઈ જામનગરથી વઢવાણ આવીને વસ્યા હતા. તેમના પિતા ડાહ્યાભાઈ ત્રંબક ત્રવાડી વેદપાઠી, કર્મકાંડી બ્રાહ્મણ હતા.
સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારમાં ઉછરેલા દલપતરાતનો આઠ વર્ષની વયે યજ્ઞોપવીત-સંસ્કાર અને વેદાભ્યાસનો આરંભ થયો. ઇતિહાસમાં એ વાત નોંધાઈ છે અને અનેક સાહિત્યકારોએ પણ ઉલ્લેખ કરેલો છે કે તેમના પિતાનો સ્વભાવ ઉગ્ર હતો.
એક વાર એવું થયેલું કે દલપતરામથી મંત્રોચ્ચારમાં દોષ થયો અને એનાથી ગુસ્સે થયેલા તેમના પિતાએ તેમને શિક્ષા કરી હતી. આ ઘટનાથી દલપતરામ ઘરેથી ભાગી ગયા હતા. એવું કહેવાતું કે તેમને બાવા ઉપાડી ગયા હતા પણ લોકોએ તેમને મુક્ત કરાવીને અને પછી તેમના મામાને ઘરે લાવ્યા હતા.
પિતા સાથે હવે રહેવાય એમ ન હોવાથી તેમનાં માતા પુત્રો સાથે બરવાડા (પિયર)માં જઈને વસ્યાં હતાં. દરમિયાન કહેવાય છે કે દલપતરામને સહજાનંદસ્વામીનાં પ્રત્યક્ષ દર્શન થયાં હતાં. 14 વર્ષની વયે ભૂમાનંદસ્વામીના પ્રભાવથી દલપતરામે સ્વામીનારાયણ સંપ્રદાયની કંઠી બાંધી હતી. આ વાતથી તેમનાં માતાપિતાને બહુ આઘાત લાગ્યો હતો.
પિતાને તો એવો આઘાત લાગ્યો કે તેઓ સંન્યાસી બની ગયા. દલપતરામ જ્યારે 24 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું.

ગુજરાતી વાણી રાણીનો વકીલ

ઇમેજ સ્રોત, JIGAR BHATT/BBC
ગુજરાતી ભાષાનું મહિમાગાન અને તેને સ્થાન અપાવવામાં દલપતરામની વડોદરા મુલાકાત ઇતિહાસનું એક નોંધપાત્ર પાનું છે. આ મુલાકાત 1863માં થઈ હતી.
આ એ સમયની વાત છે જ્યારે વડોદરામાં ખંડેરાવ મહારાજનું શાસન હતું અને શિક્ષણનો પ્રચારપ્રસાર ઓછો હતો. અને ગુજરાતમાં (વડોદરા) મરાઠી ભાષાનું બહુ મહત્ત્વ હતું અને વાત ગુજરાતી ભાષાપ્રેમી દલપતરામને ખૂંચતી હતી. પણ આટલેથી ન અટક્યા અને વાત મૂળ સુધી પહોંચાડી.
દલપતરામે વડોદરામાં પગ મૂક્યો અને તેમનો સત્કાર થયો અને આવવાનો હેતુ પૂછ્યો.
કવિને પૂછવામાં આવ્યું-
સુણિને ભૂપે પૂછિયું, ધરી પ્રેમ ભરપૂર;
કોણ તમે છો? ને વળી શી ઇચ્છા છે ઉર?
અને વડોદરાના રાજદરબારમાં કવિનો શબ્દ ગૂંજી ઊઠ્યો, દલપતરામે પોતાની ઇચ્છા પ્રગટ કરી.
ગિરા ગુજરાતી તણા પીયરની ગાદી પામી
મુખ્ય તો મરાઠી માની, દેખી દુખી દિલ છું.
પોતાની ભાષાભાવના આગળ વધારતા દલપતરામે એક સ્વપ્નવાર્તા ઘડી અને માંડણી કરી-
'એક સુંદર ભૂમિ હતી, ને મહીં એક સુશોભિત બાગ હતો. કોક અવસરને સમે કવિ એ બાગમાં ફરવાને ગયો. બાગ રસાળ હતો; પણ એ હસતી હરિયાળીમાં વૈદર્ભીના જેવી વલવલતી કો વિલપતી વનિતાને દીઠી. એને અલંકાર ન્હોતા; વેશ વરવો હતો; આક્રન્દ કીધે ચક્ષુ રાતાં ચોળ હતાં. કલ્પાન્ત સાંભળીને કવિજન કને ગયો ને પૂછ્યું: દેવી જેવાં દીસો છો? આપ કોણ છો? અને આ કરુણ કલ્પાન્તનું કારણ શું? સુન્દરી બોલી; વિશ્વવિખ્યાત ગિર્વાણ વાણીની હું કુંવરી, ને ગુજરાત મ્હારૂં વતન, મ્હારા પીયરનો પ્રતાપ માણે છે તે રાજને મ્હને તરછોડી છે ને શૉકને સન્માની છે. મ્હારે ધા ક્યાં જઈને નાખવી? કવિએ આશ્વાસન દીધું કે હે માતા! તું શોચીશ મા; ને મ્હારી સંગાથે રાજદરબારમાં ચાલ.'
દલપતરામની અપીલમાં મીઠપભર્યાં મર્મબાણ હતાં. સ્વપ્નવાર્તા થકી તેમણે તો ગુજરાતીની વાત કરવી હતી. આખરે તેઓ બોલ્યા-
કોઈ કરે અન્યાય, તો કહિયે જ્યાં શુભ રાય;
પણ કહિયે એ ક્યાં જઈ, રાય કરે અન્યાય?
છો રાજા ગુજરાતના, લઈ તેનું ધનધાન,
ભાષા માનિ મરાઠિને દ્યો છો મોટું માન.
ગુજરાતી ભાષાના જાણીતા કવિ-વિવેચક ચન્દ્રકાન્ત ટોપીવાળા લખે છે, 'દલપતરામ વડોદરામાં જનસુધાર માટે વિદ્યાખાતું સ્થપાય, પુસ્તકાલયો ખૂલે, એવું કશુંક ઇચ્છતા હતા. ખંડેરાવ મહારાજ દરબારમાં સાંભળેલી દલપતરામકવિતાથી પ્રસન્ન તો થયા, પરંતુ દલપતરામે ઇચ્છ્યુ હતું એવું કોઈ પરિણામ આવી શક્યું નહીં.'

સાબરમતીના કાંઠે ફૉર્બ્સ અને દલપતરામનું મિલન

ઇમેજ સ્રોત, kavidalpatram.com
દલપતરામ જ્યારે અમદાવાદથી પાછા વતન ફર્યા ત્યારે 'ગુજરાતના ઇતિહાસમાં મહત્ત્વનું એવું એક કામ' તેમની રાહ જોતું હતું.
દલપતરામના સાહિત્યસર્જનમાં અંગ્રેજ અધિકારી અને ગુજરાતી ભાષાપ્રેમી એલેકઝાન્ડર કિનલોક ફૉર્બ્સનું મોટું યોગદાન હતું. ભાષાસાહિત્યની સેવા માટે તેમણે દલપતરામને પ્રેરણા આપી હતી. જોકે એ પણ એક સંયોગ હતો કે દલપતરામને ફૉર્બ્સ મળ્યા અને તેની કડીરૂપ ભૂમિકા ભજવી હતી ભોળાનાથ સારાભાઈએ. ભોળનાથ સારાભાઈએ દલપતરામને પિંગળગુરુ માન્યા હતા.
એલેકઝાન્ડર કિનલોક ફૉર્બ્સ મૂળે સ્કૉટલૅન્ડ હતા અને સંજોગવશાત તેમણે 1843માં ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીની નોકરી સ્વીકારી હતી.
ગુજરાતી ભાષાપ્રેમી ફૉર્બ્સને એક એવા માણસની શોધ હતી જે પોતાને ગુજરાતી ભાષા અને સાહિત્યનો પરિચય કરાવે અને પ્રાચીન હસ્તપ્રતો મેળવીને તેમાંની ઐતિહાસિક સામગ્રી સંકલિત કરી આપે. તેમણે અમદાવાદના વીસનગરા નાગર કવિ ઉત્તમરામજીને બોલાવ્યા, પછી વીજાપુરથી એક બારોટ કવિરાજને તેડાવ્યા, નડિયાદથી કવિ રણછોડ બારોટને પણ તેડાવ્યા, પણ સંતોષ ન થયો. તેમણે અનેક મદદનીશોને અજમાવી જોયા હતા પણ એમને સંતોષ નહોતો અને એ રીતે તેમની મદદનીશની શોધ આગળ ચાલી.
એવામાં ભોળાનાથ સારાભાઈએ તેમના પિંગળગુરુ દલપતરામના નામની ફૉર્બ્સને ભલામણ કરી. પણ દલપતરામ એ સમયે અમદાવાદમાં નહોતા. તેઓ અમદાવાદમાં સંસ્કૃતનો અભ્યાસ કરીને પોતાના વતન વઢવાણ ચાલ્યા ગયા હતા.
ફૉર્બ્સે ભોળાનાથની વાત માની અને દલપતરામને કાગળ લખ્યો અને એ લઈને એક માણસ મોકલ્યો. એમાં લખ્યું- 'એક સાહેબને કવિતાનો શોખ છે, કવિતા ભણવી છે, કવિને પાસે રાખવા છે, માટે આ વાંચીને તરત આવશો.' શરૂમાં દલપતરામને લાગ્યું કે સાહેબ શું? ને આપણે શું? આખરે જવા રાજી થયા.
અને એ રીતે એક કાઠિયાવાડી જુવાનડાએ વઢવાણથી લીમડી, ધોળકા અને અમદાવાદની વાટ પકડી. લીમડામાં તેમને એક શાહુકાર શેઠ મલીચંદ જેચંદનો ભેટો થયો અને બંને સહયારી યાત્રા શરૂ કરી. એ રીતે દલપતરામ પોતાના વતન વઢવાણથી છેક અમદાવાદ પહોંચ્યા હતા. એટલે તેમણે અંદાજે 120 કિલોમીટરની યાત્રા ખેડી હતી.
ઇતિહાસમાં એ નોંધાયું છે કે અમદાવાદની સાબરમતી નદીના કાંઠે ચાંદાસૂરજના મહેલમાં ભોળાનાથ સારાભાઈ દલપતરામને ફૉર્બ્સ પાસે લઈ ગયા. એ સમયે દલપતરામે રાજદરબારી રીતે વ્રજ ભાષામાં કવિતા ગાઈ સંભળાવી અને ફૉર્બ્સ પ્રસન્ન થઈ ગયા. તેમને લાગ્યું કે એમને જે મદદનીશની જરૂર છે એ આ જ છે.
વાત આગળ ચાલી અને છેવટે આવી પગારની વાત. 'દલપતરામ પગાર કેટલો લેશે' એ અપેક્ષા જાણી તો દલપતરામે ફૉર્બ્સ સામે બસો રૂપિયા માગ્યા. આ સાંભળીને ફૉર્બ્સને જાણે કે ફાળ પડી, કેમ કે ફૉર્બ્સને પણ એ સમયે સાતસો રૂપિયાનો પગાર મળતો હતો અને દલપતરામનો પણ એમના પગારમાંથી પગાર કરવાનો હતો.
પણ જ્યારે પગારની ચોખવટ થઈ ત્યારે ખબર પડી કે દલપતરામે બસો રૂપિયા વાર્ષિક પગાર કહ્યો હતો અને પછી છેવટે રૂપિયા વીસનો પગાર નક્કી થયો. એ સમયે વીસ રૂપિયાનું મૂલ્ય પણ મોટું હતું એ સમજી શકાય તેવી વાત છે. આમ વીસ રૂપિયાની નોકરીએ દલપતરામે નોકરી સ્વીકારી અને ગુજરાતનાં ગામડાં ખૂંદવાનું બીડું ઝડપ્યું.

વીસ રૂપિયાના પગારે જ્યારે 'રાસમાળા'નો મણકો પરોવાયો

ઇમેજ સ્રોત, JIGAR BHATT/BBC
પછી દલપતરામે ગુજરાતનાં ગામડાં ખૂંદવાનું શરૂ કર્યું અને અનેક લોકોને મળ્યા, અનેક હસ્તપ્રતો એકઠી કરી. અમદાવાદથી લીમડી, ધ્રાંગધ્રા, મૂળી, વઢવાણ, સુરત વગેરેથી જ્યાંથી મળે એ વાર્તાપ્રસંગો-ઇતિહાસ એકઠાં કર્યાં. એ પ્રતો તેઓ ફૉર્બ્સને આપતા રહ્યા, ભણાવતા રહ્યા અને એ રીતે ફૉર્બ્સ 'રાસમાળા' તૈયાર કરતા રહ્યા.
ટોપીવાળા નોંધે છે, 'રાસમાળાની સામગ્રી 1853 લગભગ તૈયાર થઈ પછી ત્રણ વર્ષ બાદ ગુજરાતની સંસ્કૃતિ અને એના ઇતિહાસને રજૂ કરતી રાસમાળા વિલાયતથી 1856માં પ્રકાશિત થઈ. 1869માં રણછોડભાઈ ઉદયરામે એનું ગુજરાતીમાં ભાષાતંર કર્યું.'
દલપતરામ અને ફૉર્બ્સનો એક પ્રસંગ પણ ઉલ્લેખનીય છે.
ફૉર્બ્સે જણાવ્યું કે 'તમારી માતૃભૂમિ ગુજરાત છે. તમારી માતૃભાષા ગુજરાતી છે. ગુજરાતીમાં કવિતા કરો છો તો ગુજરાતીઓ તરત સમજે છે.' ને એમ ફૉર્બ્સે દલપતરામને ગુજરાતી કવિ કર્યા. દલપતરામે સામે એવું જ ઋણ અદા કર્યું. ફૉર્બ્સ તો માનતા હતા કે કચ્છી બોલી છે, એવી ગુજરાતી પણ સાહિત્યગિરા નથી, માત્ર બોલી છે. વાણિયાના ચોપડા લખવાના કામમાં જ આવે. એમની આ માન્યતાઓ સામે દલપતરામે ગુજરાતી સાહિત્યપ્રતો અને ગ્રંથોના ભંડાર ખોલી આપ્યા.

પ્રાચીન અને અર્વાચીનના સેતુ દલપતરામ

ઇમેજ સ્રોત, JIGAR BHATT/BBC
મધ્યકાલીન યુગના છેલ્લા કવિ દયારામને ગણવામાં આવે છે અને દયારામનું જ્યારે અવસાન (1852) થયું ત્યારે અંગ્રેજ શાસન ગુજરાતમાં સ્થપાયાને 34 વર્ષ થઈ ચૂક્યાં હતાં. એ સમયે દલપતરામ 32 વર્ષના હતા અને કવિ નર્મદની ઉંમર 18 વર્ષની હતી.
ઇતિહાસમાં કાળક્રમની દૃષ્ટિએ દલપતરામ પહેલાં આવે છે, પણ કવિ નર્મદ 'અર્વાચીનમાં આદ્ય' ગણાય છે. વિવેચકો-અવલોકનકારોનાં તેમનાં પોતપોતાનાં મતો પણ છે. કેટલાક નર્મદને તો કેટલાક દલપતરામને 'પ્રથમ' માનવા પ્રેરાયા છે. એવું પણ માનવામાં આવે છે કે નર્મદના સાહિત્યસર્જનમાં દલપતરામે નાખેલાં મૂળની અસર પણ જણાય છે.
અર્વાચીન કવિતામાં સુન્દરમ લખે છે, 'એ બંને (દલપતરામ અને નર્મદ) કવિઓની કવિતાના પ્રથમ પ્રૌઢ વિવેચક નવલરામ નર્મદના પક્ષપાતથી હો કે સરતચૂકથી હો આ બે કવિઓનો ઉલ્લેખ ઊલટા ક્રમમાં કરે છે. પરંતુ ઐતિહાસિક ન્યાયે અર્વાચીન કવિતામાં દલપતરામનું સ્થાન પહેલું છે અને નર્મદનું તેની પછીનું છે. દલપતરામ પ્રાચીન અને અર્વાચીન વચ્ચેના સેતુ જેવા છે. તેમનો એક પગ પ્રાચીન કાળમાં અને બીજો અર્વાચીન કાળમાં છે. તેમનું કાવ્યમાનસ જૂની મધ્યકાલીન ભાખાપ્રણાલીની કાવ્યભાવનાથી ઘડાયેલું છે. નર્મદાશંકરમાં પ્રાચીન કાવ્ય સાથે અનુસંધાન છે, પરંતુ તેનું કાવ્યમાનસ તેથી નિરાળી ઢબનું છે, અર્વાચીન કહેવાય તેવા કાવ્યસંસ્કારોવાળું છે. તેની કવિતાના બંને પગ અર્વાચીનતામાં છે.'
તો નિરંજન ભગત પણ લખે છે કે દલપતરામ મધ્યયુગ અને અર્વાચીન યુગ વચ્ચે, પૂર્વ અને પશ્ચિમ વચ્ચે સેતુરૂપ હતા. રોમૅન્ટિક અભિનિવેશમાં કોઈએ નર્મદને 'અર્વાચીનોમાં આદ્ય' કહ્યા હોય તો ભલે, પણ વાસ્તવમાં તો 'અર્વાચીનોમાં આદ્ય' તો હતા દલપતરામ. ઉલ્લેખનીય છે કે કનૈયાલાલ મુનશીએ 'અર્વાચીનોમાં આદ્ય નર્મદ' એવું પુસ્તક લખ્યું છે.
તો ટોપીવાળા પણ કહે છે, 'નર્મદના મહિમાગાનના અતિરેકમાં દલપતરામનું મહત્ત્વ આપણે ચૂકી ગયા છીએ અથવા ખૂબ ઓછું આંક્યું છે. આશ્ચર્યની વાત તો એ છે કે દુર્ગારામ મહેતા કરતાં અનેકગણું વધારે અને વિવિધ ગદ્યસ્વરૂપોમાં દલપતરામનું કામ રહ્યું હોવા છતાં નર્મદની પૂર્વે દુર્ગારામને જ આગળ ધરવામાં આવે છે અને દલપતરામને વીસરવામાં આવે છે.

શેરસટ્ટાની ગરબી
ઇતિહાસમાં એ પણ વાત નોંધાઈ છે કે દલપતરામે પૈસાની લોભલાલચમાં શૅરબજારમાં ઝંપલાવ્યું હતું. એમાં એમને મોટું નુકસાન થયું હતું. એમનું હાજાપટેલની પોળનું મકાન, જીવનભરની મૂડી વગેરે ગયાં અને મોટું દેવું હતું. એમના પુત્ર ન્હાનાલાલે પણ આને દલપતરામની 'અજોડ ભૂલ' ગણાવી હતી અને વિસ્તારથી ઉલ્લેખ કર્યો હતો.
જોકે એમના મિત્ર ફૉર્બ્સે તેમને મદદ કરીને એ રીતે દલપતરામને દેવામાં મુક્ત કરાવ્યા હતા. આ ઘટના બાદ દલપતરામે 'શૅરસટ્ટાની ગરબીઓ' પણ રચી હતી.
દલપતરામે ગાયું છે-
શેરે તો લૂંટ્યાં શ્હેર, સહિયર શું કરિયે?
દેશ આખે દવ લાગ્યો.

સંદર્ભ:
- સાઠીના સાહિત્યનું દિગ્દર્શન- ડાહ્યાભાઈ દેરાસરી
- ગુજરાતના કેટલાએક ઐતિહાસિક પ્રસંગો અને વાર્તાઓ- કવિ દલપતરામ ડાહ્યાભાઈ
- નરસિંહથી ન્હાનાલાલ- નિરંજન ભગત
- ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ
- કવીશ્વર દલપતરામ- ન્હાનાલાલ દલપતરામ
- અર્વાચીન કવિતા- સુંદરમ
- ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ- ગુજરાતી સાહિત્ય પરિષદ

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













