પ્રભુલાલ દ્વિવેદી : જેમના નાટકના ગીત પરોઢ સુધી વન્સમોર થતા તે ગુજરાતી 'નાટ્યમહર્ષિ' કોણ છે?

    • લેેખક, હિંમત કાતરિયા
    • પદ, બીબીસી ગુજરાતી

'સન 1914-15ના અરસામાં રઘુનાથ બ્રહ્મભટ્ટનાં બેએક નાટકો સફળ થયાં હતાં ત્યારે તેઓ કાઠિયાવાડથી નાટકલેખક તરીકે કંપનીમાં જોડાવા આવેલા એક યુવકને કંપનીમાલિક મૂળજી આશારામ ઓઝાને મળવા લઈ ગયા.'

'એ વખતના નાટક કંપનીના માલિકો એટલે કે જાણે રજવાડું ચલાવતા હોય એવા. કંપનીના 75-80 માણસો એક રસોડે જમે. તેઓ બીજે ક્યાંય જઈ ન શકે.'

પ્રભુલાલ

ઇમેજ સ્રોત, prabhulaldwivedi.com

'એ જમાનામાં નાટક કંપનીના માલિકોની એટલી બધી જોહુકમી હતી કે વાત ન પૂછો. કંપનીમાલિકે રઘુનાથને એક બાજુ લઈ જઈને કહ્યું કે આપણે એને નોકરીએ નથી રાખવો. અઠવાડિયું એમને રોકી રાખીશું અને પછી રજા આપીશું. પગાર માગશે તો બે રૂપિયા આપીને રવાના કરીશું.'

'એ વખતે જયદ્રથ વધ વિષય ઉપર નાટક લખાઈ રહ્યું હતું. નાટક લખવા માટે એક મુનશી રૂમ રહેતો. દરેક કવિ નાટક લખી લાવે પછી માલિકને રુચે તે પ્રમાણે દરેકના નાટકમાંથી અંશો લઈને એક આખું નાટક તૈયાર કરે. કાઠિયાવાડમાંથી આવેલા નવયુવકને પણ એક અંક અને ગીત લખવા આપ્યું.'

'નાટકનો એ અંક મૂળજીભાઈ પોતે લખવાના હતા, રઘુનાથ બ્રહ્મભટ્ટ લખવાના હતા અને ત્રીજા લેખક તરીકે નવયુવકને કામ સોંપ્યું.'

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

'યુવકે રઘુનાથ બ્રહ્મભટ્ટને કહ્યું કે તેઓ ખ્યાતિપ્રાપ્ત લેખક હોઈ અને પોતે નવોદિત હોઈ મામલો સંભાળી લેવા કહ્યું. પરંતુ બીજે દિવસે માલિકે રઘુનાથ બ્રહ્મભટ્ટને બોલાવીને કહ્યું કે આપણે મહેનત કરીને નવો લેખક તૈયાર કરીએ અને એવામાં બીજી કંપની તેને લઈ જાય. વળી આપણે લેખકના ખર્ચા પોસાય નહીં, આપણે આ યુવકને વિદાય કરીએ.'

'નવયુવકને રાખવાની 'ના' પાડી. તેમણે કહ્યું કે હું અહીં એક ટંક પણ જમીશ નહીં. પણ મારી પાસે ટિકિટના પણ પૈસા નથી હું કેવી રીતે જઈશ. રઘુનાથે 50 રૂપિયા ભેગા કરીને તેમને આપ્યા. તેમણે અમદાવાદ જવાના ટિકિટના પૈસા ઉપરાંત બે રૂપિયા વધારાના લઈ અને બાકીના પૈસા પાછા આપી દીધા.'

એ રિજેક્ટ થયેલા નવોદિત લેખક અને પછીથી 'નાટ્યમહર્ષિ' તરીકે પ્રતિષ્ઠિત પામેલા પ્રભુલાલ દ્વિવેદી.

ઉપરનાં સંસ્મરણો રઘુનાથ બ્રહ્મભટ્ટના પૌત્ર સેક્સોલૉજિસ્ટ ડૉ. રાજશેખર બ્રહ્મભટ્ટ બીબીસી ગુજરાતી સાથે વાગોળે છે.

line

લેખક બનવા એન્જિનિયર તરીકેની નોકરી છોડી

પ્રભુલાલ

ઇમેજ સ્રોત, prabhulaldwivedi.com

15 નવેમ્બર 1892ના રોજ સૌરાષ્ટ્રના વીરપુરમાં જન્મેલા પ્રભુલાલ દ્વિવેદીએ 60 જેટલાં નાટકો, 22 ફિલ્મોની પટકથાઓ અને 1500 જેટલાં ગીતો લખીને 31 ડિસેમ્બર 1962ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. 1961માં રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદના હસ્તે તેમને ભારતના શ્રેષ્ઠ નાટ્યકારનો ઍવૉર્ડ મળ્યો હતો.

તેમના દાદા પ્રેમજી હીરજી વીરપુર સ્ટેટના દીવાન હતા. તેમના પિતા દયારામભાઈ વહીવટકાર અને સરસ્વતિના ઉપાસક હતા. તેઓ બાળકોને ભાગવતપુરાણ, ઉપનિષદોમાંથી કથાઓ કહેતા. પ્રભુલાલ એ પુરાણકથાઓનાં દ્દશ્યોની પોતાની આગવી રીતે કલ્પના કરતાં, જે તેમના લખાણમાં પ્રતિબિંબિત થાય છે.

દરરોજ 10 કિલોમીટર ચાલીને જેતપુર શાળાએ જતા. 17 વર્ષની વયે પ્રભુલાલે મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાનો અભ્યાસક્રમ પૂરો કર્યો અને 12 રૂપિયાના પગારે કરાંચીના એક વર્કશૉપમાં કામ શરૂ કર્યું.

પ્રભુલાલનો ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત અને બંગાળી સાહિત્યનો ઊંડો અભ્યાસ હતો. પહેલું નાટક 'સંગીત લીલાવતી' જોવા માટે ટિકિટના પાંચ આના ભેગા કરવા હકીકતે તેમણે તેમના પ્રિય એવાં કેટલાંક પુસ્તકો વેચી નાખ્યાં હતાં.

પ્રભુલાલ તેમનું દરેક સર્જન દિવ્ય પ્રેરણાને આધીન ગણાવતા. કદાચ એટલે જ તેમણે યુવાવસ્થામાં જ જોખમી નિર્ણય લીધો. નોકરીને તિલાંજલિ આપીને તેમણે લેખક બનવાનો સંકલ્પ લીધો.

અલબત્ત, સામે મોટો પડકાર આવ્યો, કેમ કે પ્રભુલાલને નાટકો લખવાં અને ભજવવા હતાં, જ્યારે પ્રભુલાલના પરિવારમાં ડ્રામા કંપનીમાં કામ કરવું એ એક કલંક હતું. પરિવારે તેમનો બહિષ્કાર કર્યો.

તેમણે લખેલું પહેલું નાટક "દેવી વત્સલા"નું મંચન થયું ત્યારે તેમના પરિવારને ખબર પડી કે પ્રભુલાલ તો લેખક છે, અભિનેતા નથી. પરિવારે તેમને ઘરે પાછા ફરવા વિનંતી કરી. તેમની પ્રથમ મોટી કમાણી સાથે, પ્રભુલાલે તેમના પિતાને યાત્રા કરાવી.

line

'આંધળા-બહેરા પણ નાટકને સમજી અને માણી શકવા જોઈએ'

પ્રભુલાલ

ઇમેજ સ્રોત, prabhulaldwivedi.com

કરાચી છોડીને તેઓ અમદાવાદ આવ્યા અને વ્યાવસાયિક નાટકલેખન તરફ વળ્યા.

તેમણે નાટકલેખનમાં એક સિદ્ધાંત રાખ્યો હતો, ભાષા સરળ હોવી જોઈએ, આંધળા અને બહેરા પણ નાટકને સમજી અને માણી શકવા જોઈએ.

1917માં તેમનાં નાટક "અહલ્યાબાઈ" અને "વીર કૃણાલ" સુરતમાં ભજવાયાં, તે દરમિયાન તેઓ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટને મળ્યા. પ્રભુલાલે જીવનભર રસકવિને મોટા ભાઈની જેમ માન આપ્યું.

મુંબઈમાં 1918માં "શંકરાચાર્ય" અને 1920માં "અરુણોદય" ભજવાયાં અને પ્રશંસા મેળવી. પછી તેમણે પાછું વળીને જોયું નથી. 1924માં ભજવાયેલું "માલવપતિ" સતત ત્રણ વર્ષ સુધી હીટ રહ્યું.

આ નાટકે 'શ્રી લક્ષ્મીકાંત નાટક સમાજ'નું પણ ભાગ્ય બદલી નાખ્યું. આ નાટકનાં ગીતો, "હૃદયના શુદ્ધ પ્રેમી" અને "એકસરખા દિવસ સુખના કોઈના જાતા નથી" આજે એક સદીના વહાણા વાઈ ગયા પછી પણ લોકપ્રિય છે.

1928માં તેઓ 'દેશી નાટક સમાજ'માં જોડાયા. તેમનું નાટક "સત્તાનો મદ"ના લોકપ્રિય ગીત "ભરી બેડા ને હું તો નાજુકડી નાર" એટલું લોકપ્રિય થયું કે એ જમાનામાં તેની એક લાખથી વધુ ગ્રામોફોન રેકૉર્ડ નકલો વેચાઈ અને કીર્તિમાન રચાયો. 1938માં ભજવાયેલા તેમના નાટક "વડીલોના વાંકે"ને મહાકાવ્યનો દરજ્જો મળ્યો.

રઘુનાથ બ્રહ્મભટ્ટ અને પ્રભુલાલ દ્વિવેદીએ વર્ષો સુધી લેખક બેલડી તરીકે સાથે કામ કર્યું છે.

ડૉ. રાજશેખર બ્રહ્મભટ્ટ કહે છે, "જેમ કે દાદા એક પંક્તિ લખે કે પ્રેમતત્ત્વ કોઈ અજબ સનાતન વિરલ પ્રેમીજન જાણે રે... તો બીજી પંક્તિ પ્રભુલાલ લખે કે 'ભ્રમર અને કળીઓની ભાષા કોઈ રસજ્ઞાની પિછાણે રે', આવી રીતે વીસેક પંક્તિઓનું ગીત લખે. તેમાંથી આઠેક પંક્તિ પસંદ કરવામાં આવે, પરંતુ જીવનમાં ક્યારેય મારું-તારું કર્યું નથી. બેઉ મા-જણ્યા ભાઈની જેમ રહ્યા.'

"એકના નાટકમાં બીજાં ગીતો લખે, બીજાના નાટકમાં પહેલા ગીતો લખે કે બંને સાથે મળીને નાટક લખે, આ પ્રકારે વર્ષો સુધી આ બેલડીએ રંગભૂમિ પર રાજ કર્યું છે."

line

'એમના નાટકની ટિકિટો નહોતી મળતી'

નાટક

ઇમેજ સ્રોત, prabhulaldwivedi.com

મુંબઈમાં રહેતા વરિષ્ઠ ગુજરાતી સાહિત્યકાર 85 વર્ષીય દિનકર જોશી બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, "મારા પિતા પ્રભુલાલ દ્વિવેદીનાં નાટકો નિયમિત જોતાં. એમના નાટકની ટિકિટો મળતી નહોતી. પિતાજી પ્રભુલાલના નાટકની ટિકિટો મેળવવા માટે મહેનત કરતા."

"તે વખતે અમારી બાળક અવસ્થા હતી અને પિતાજી સાથે 'વડીલોના વાંકે' અને 'શંભુ મેળો' વગેરે નાટક જોયાનું યાદ છે. પ્રભુલાલ દ્વિવેદીના પુત્ર વિનાયક મારી સાથે બૅન્કમાં કામ કરતા."

1942માં નાટ્યમહર્ષિ પ્રભુલાલના 51મા વર્ષમાં પ્રવેશ પર નાટકમંડળીઓ દ્વારા તેમના "વનપ્રવેશ"ને ભવ્ય રીતે ઊજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ કોમી રમખાણોને કારણે શહેરમાં કર્ફ્યૂ લાગ્યો અને કાર્યક્રમ લટકી ગયો. પ્રભુલાલે નાટકની તરાહ બદલી નાખી. સાડા પાંચ કલાકના નાટકને બદલે, અઢી કલાકના નાટકનો આવિષ્કાર કર્યો.

ષષ્ટિપૂર્તિ પછી નિવૃત્તિ માટે તેઓ રાજકોટમાં સ્થળાંતરિત થયા. જોકે નિવૃત્ત જીવન બહુ લાંબું ચાલ્યું નહીં, કારણ કે 'દેશી નાટક સમાજ'એ તેમને મુંબઈ પાછા ફરવા અને તેમની સાથે કામ કરવાની ફરજ પાડી.

પ્રભુલાલ યુવાવસ્થામાં જ વિધુર થયા અને છેક 1927 સુધી વિધુર રહ્યા. 1927માં 'એક અબળા' નાટક ભજવાયું અને તેમના પિતાએ દમયંતીબહેન સાથે લગ્ન કરવા સમજાવ્યા. તેમનું નાટક 'વડીલોના વાંકે' ભજવાયું. આ નાટક એક અભણ સ્ત્રી સાથે લગ્ન કરનાર વિદ્વાન વ્યક્તિ વિશે હતું. તેમને પાંચ બાળકો હતાં.

મુંબઈમાં રહેતા વરિષ્ઠ ગુજરાતી કવિ 83 વર્ષીય અનિલ જોશી બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, "પ્રભુલાલ દ્વિવેદીનું નામ ઘણું સાંભળેલું, ભાંગવાડીમાં નાટકો ભજવાતાં, પણ મારે મુંબઈમાં આવ્યે 50 વરસ જેટલાં થયાં અને એ વખતે જૂની રંગભૂમિ અસ્ત થઈ ગઈ હતી. આધુનિક નાટકો સાથે એ જૂની રંગભૂમિની પરંપરા જ નષ્ટ થઈ ગઈ છે."

line

'માલવપતિ' નાટકના 5000 શો

પ્રભુલાલ કલાકારો સાથે

ઇમેજ સ્રોત, prabhulaldwivedi.com

ઇમેજ કૅપ્શન, પ્રભુલાલ કલાકારો સાથે

મુંબઈમાં કવિ પ્રભુલાલ વાલકેશ્વરમાં શેઠ લક્ષ્મીદાસ કલ્યાણજીના પાડોશમાં રહેતા હતા અને બંને અંગત મિત્રો બની ગયા હતા.

પ્રભુલાલે સન 1916થી 1945ના સમયગાળામાં દેવી વત્સલાથી શરૂ કરીને અહિલ્યાબાઈ, શંકરાચાર્ય, માલવપતિ, અરુણોદય, પૃથ્વીરાજ, સિરાજુદૌલા, શાલિવાહન સહિતનાં 35 નાટકો લખ્યાં. જેમાંથી સૌ પહેલું નાટક દેવી વત્સલા કરાચીમાં ભજવાયું હતું.

ત્રણ નાટકો સુરતમાં અને બાકીનાં તમામ મુંબઈમાં ભજવાયાં હતાં. 1946 પછીથી તેમણે 21 ટૂંકા નાટકોની રચના કરી અને મુંબઈમાં ભજવાયાં. તેમનું છેલ્લુ નાટક સંત સમ્રાટ પ્રગટ ન થઈ શક્યું.

તેમનાં નાટક માલવપતિ, પૃથ્વીરાજ, વડીલોના વાંકે અને સંપતિ માટેના એક હજાર કરતાં વધુ શો થયા. એમાંય માલવપતિ અને વડીલોના વાંકેના તો 5000 જેટલા શો થયા.

line

રૉયલ્ટીની શરૂઆત

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

લેખકના અધિકારો માટેની લડતનો એક કિસ્સો ટાંકતા ડૉ. રાજશેખર બ્રહ્મભટ્ટ કહે છે, "તે કાળે કોઈ લેખકની મંજૂરી વગર જ તેમના સર્જનનો બેરોકટોક ઉપયોગ થતો હતો. એક વાર પ્રભુલાલ દ્વિવેદી, રઘુનાથ બ્રહ્મભટ્ટ અને ઝવેરચંદ મેઘાણીએ આની સામે બાંયો ચડાવી. રેડિયો અને ગ્રામોફોન કંપનીએ માફી માગી અને તે દિવસથી રેડિયોમાં જેટલી વાર ગીત વાગે ત્યારે ગીતકારને રૉયલ્ટી આપવાનું ચલણ શરૂ થયું."

ડૉ. રાજશેખર બ્રહ્મભટ્ટ કહે છે, "પ્રભુલાલ દ્વિવેદી અને રઘુનાથ બ્રહ્મભટ્ટનાં ગીતો અતિ સુંદર છે પરંતુ તેમને પાઠયપુસ્તકોમાં સ્થાન કેમ નથી મળતું તેની નવાઈ લાગે છે."

કવિ પ્રભુલાલે ફિલ્મ માટે પણ ગીતો લખ્યાં છે. જેમાં 1976માં રિલીઝ થયેલું ગુજરાતી ફિલ્મ 'માલવપતિ મુંજ'નું ગીત.

'એકસરખા દિવસ સુખના કોઈના જાતા નથી,

એથી જ શાણા સાહેબીથી લેશ ફુલાતા નથી'

આ ગીતને મન્ના ડે એ ગાયું છે. વડીલોના વાંકે નાટક માટે તેમણે સાત દાયકા પહેલાં લખેલું આ ગીત...

મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા

જોતી'તી વ્હાલાની વાટ રે...

અલબેલા કાજે ઉજાગરો

77 વર્ષીય ડૉ. રાજશેખર બ્રહ્મભટ્ટ કહે છે, "તે વખતે નાટકમાં ગીતો વધુ અને સંવાદો ઓછા રહેતા. ગીતો શરૂ થાય ત્યારે ઓડિયન્સમાં લાઇટો થાય. ક્યારેક લેખક પણ ઓડિયન્સમાં બેઠા હોય. વન્સમોર વખતે ક્યારેક લેખક પણ બે નવી પક્તિઓ તત્કાલ રચીને ઉમેરી દે."

"કેટલીક વાર વન્સમોરમાં એક ગીત એક કલાક સુધી રિપીટ થાય. પ્રભુલાલનું ગીત 'મીઠા લાગ્યા મને આજના ઉજાગરા...' બહુ વન્સમોર થતું. ભાંગવાડીમાં ભજવાતા નાટકમાં વન્સમોર એટલી વાર થતું કે ક્યારેક પરોઢ થઈ જતા કલાકારો થિયેટરમાંથી બહાર નીકળીને દાતણ કરતા ઘરે જાય."

નાટ્યકર્મી સ્વ. દિનકર ભોજકે ગુજરાતી વિશ્વકોશમાં પ્રભુલાલનો પરિચય આપતા લખ્યું હતું, 'આજે પણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વ્યવસાયી ફરતી મંડળીઓ પ્રભુલાલના નાટકો ફેરફાર સાથે ભજવે છે. એમના સમકાલીન અને અનુગામી નાટ્યકારોએ એમનું અનુકરણ કરીને એમને ગુરુ તરીકે માન્યા છે.'

તેમનું માલવપતિ નાટકનું ગીત 'હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછાં છે, ન પરવા માનની તોયે બધા સન્માન ઓછાં છે' નાટકમાં અશરફખાનના અભિનય અને દર્દીલા ઘૂંટાયેલા ગળેથી ગવાતું ત્યારે 'વન્સમોર'ની તાળીઓ અને સિટીઓથી ભાંગવાડીનું પ્રિન્સેસ થિયેટર ગૂંજી ઊઠતું.'

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો