ધંધૂકા મર્ડર કેસ : દિલ્હીથી પકડાયેલા મૌલવી કમર ગની વિશે તેમના સહકર્મી શું કહે છે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હીથી
25 જાન્યુઆરીએ ગુજરાતના ધંધૂકામાં 'વિવાદિત સોશિયલ મીડિયા' પોસ્ટ બાબતે થયેલ હત્યાના તાર દિલ્હી સુધી પહોંચ્યા છે.
આ બનાવના મુખ્ય આરોપી શબ્બીર, ઇમ્તિયાઝ અને મૌલવી અય્યૂબ બાદ દિલ્હી પોલીસ સાથે મળીને ગુજરાત ઍન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉડની ટીમે દિલ્હીમાંથી વધુ એક મૌલવી કમર ગની અબ્બાસની ધરપકડ કરાઈ હતી.
ગુજરાત ATSના તપાસાધિકારી ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ બી. એસ. ચાવડાએ આ વાતની બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આ પુષ્ટિ કરી હતી.

ઇમેજ સ્રોત, Sachin Pithhva
તેમણે આગળ વાત કરતાં જણાવ્યું હતું કે, "મૌલવી કમર ગની અબ્બાસની આ સમગ્ર ઘટનામાં શી સંડોવણી હતી અને તેમની ભૂમિકા અંગે હજુ તેમને પ્રશ્નો પૂછાય ત્યારે ખુલાસો થશે."
અમદાવાદના સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપના પોલીસ ઇન્સ્પેક્ટર બી. બી. વાળાએ આ કેસ અંગે વધુ ખુલાસા કરતાં કહ્યું હતું કે, "મૌલવી અયુબ, શબ્બીર અને ઇમ્તિયાઝની પૂછપરછ બાદ પોલીસે હત્યા કરવા માટે ઉપયોગમાં લેવાયેલ હથિયાર અને બાઇક સંતાડેલી જગ્યાએથી કબજે કર્યાં છે."
તેઓ આ કેસ અંગે વધુ માહિતી આપતાં કહે છે કે, "આ કેસમાં પાકિસ્તાનના કેટલાક ઉશ્કેરણીભર્યાં ભાષણો કરનાર લોકોના વીડિયો જોઈ, એકમેક સાથે શૅર કરી તેમને આ ઘટનાને અંજામ આપવા માટે ઉશ્કેરાયા હતા."
ધંધૂકા કિશન ભરવાડ મર્ડર કેસમાં ગોળી ચલાવવાનો જેમની પર આરોપ છે તે શબ્બીરની ઉશ્કેરણીના આરોપમાં દિલ્હીથી પકડાયેલા મૌલવી કમર ગની અબ્બાસ (જેઓ દિલ્હીસ્થિત સંસ્થા તહરીક ફરોઘ-એ-ઇસ્લામના રાષ્ટ્રીય પ્રમુખ છે)ના સહકર્મીઓનો સાથે મૌલવીની માનસિકતા અંગે વાત જાણવા બીબીસી ગુજરાતીએ સંપર્ક કર્યો હતો.

ઇમેજ સ્રોત, video grab
આ સંસ્થાના કો-ઑર્ડિનેટર અકીલ અહમદ ફૈઝી મૌલવી કમર ગની અને પોતાની સંસ્થા વિશે વાત કરતાં કહે છે કે, "અમારી સંસ્થા કોઈ પણ પ્રકારની હિંસાની પરવાનગી કોઈનેય આપતી નથી. આ સંસ્થાના મેમ્બરશિપ કાર્ડમાં પણ લખાયેલું હોય છે કે જો કોઈ પણ સભ્ય કોઈ ગેરકાયદેસર કામ કરે છે તો તેની સાથે અમારી સંસ્થાને લેવાદેવા નહીં રહે. મૌલવી કમર ગની પણ જેવો તેમના પર આરોપ છે તેવો મિજાજ ધરાવતા નહોતા. જો રેકર્ડ તપાસવામાં આવે તો તેઓ ધર્મ પ્રત્યે અનાદર પ્રકટ કરનારને ન બક્ષવાની વાત જે કરે છે, તેનો અર્થ એ છે કે અમે આવા લોકો સામે કાનૂની કાર્યવાહી જરૂર કરીશું. તેઓ હિંસાને સમર્થન કરનાર વ્યક્તિ પણ નહોતી. અમને ન્યાયપ્રણાલી પર ભરોસો છે. તપાસમાં જે પણ સામે આવશે તે જોઈશું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નોંધનીય છે કે આ સમગ્ર મામલે અગાઉ શબ્બીર, ઇમ્તિયાઝ, અમદાવાદના મૌલવી અયૂબની ધરપકડ કરાઈ હતી.
જે બાદ મૌલવી અયૂબને હથિયાર અને કારતૂસ પૂરાં પાડનાર અઝીમ બશીરભાઈ સમા અને ત્યાર બાદ દિલ્હીથી મૌલવી કમર ગનીની ધરપકડ કરાઈ હતી.
નોંધનીય છે કે સ્થાનિક સમાચરપત્રો અનુસાર મૌલવી કમર ગની અને અઝીમ સમાના હાલ સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અને તેઓ પોલીસ કસ્ટડીમાં છે.

આખો મામલો શું છે?
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર મૃતકના પિતરાઈ ભાઈ ભૌમિક ભરવાડના નિવેદન અનુસાર કિશનની હત્યા 15 દિવસ અગાઉ તેમણે કરેલી એક ધાર્મિક સોશિયલ મીડિયા પોસ્ટ સાથે સંબંધિત છે.
મૃતકના પિતરાઈ ભાઈના જણાવ્યાનુસાર 'અન્ય ધર્મ'ના કેટલાક લોકો ભરવાડની સોશિયલ મીડિયા પોસ્ટના કારણે દુ:ખી હતા. જે અંગે તેમણે પોલીસ ફરિયાદ પણ કરી હતી.
તેમનું કહેવું હતું કે, "મૃતકે આના કારણે પોલીસની કાર્યવાહીનો પણ સામનો કરવો પડ્યો અને તેમણે એ પોસ્ટ માટે માફી પણ માગી લીધી હતી."
"તેમ છતાં કિશનની ધંધૂકા ખાતે મોઢવાડા વિસ્તારમાં 25 જાન્યુઆરીના રોજ સાંજે સાડા પાંચ વાગ્યે બે બાઇકસવારોએ ગોળી મારી હત્યા કરી દીધી હતી."

સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
બીબીસી ગુજરાતીએ મૃતકના પિતા શિવાભાઈ ભરવાડ સાથે સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, "સોશિયલ મીડિયા પર ચાલી રહેલી વાતો પ્રમાણે મારા પુત્રની હત્યા કરનારા લોકો તેની સોશિયલ મીડિયા પર ભગવાન શ્રીકૃષ્ણને લગતી પોસ્ટને કારણે વ્યથિત હતા. તેને વારંવાર ધમકીઓ પણ આપવામાં આવી રહી હતી. અંતે તેની 25મી તારીખે હત્યા પણ કરાવી દેવાઈ. અમને પોલીસે આરોપીઓ પર કડક કાર્યવાહી કરવાની બાંહેધરી આપી છે."
શિવા ભરવાડ આગળ વાત કરતાં કહે છે કે, "સોશિયલ મીડિયા પર શું ચાલે છે તેની તો મને ખબર નથી. પરંતુ મારા દીકરાને મુસ્લિમોએ એણે મૂકેલી ઉપરોક્ત પોસ્ટને લઈને અદાવત રાખીને મારી નાખ્યો છે."
કિશનનાં પરિવારજનો અને હિંદુ સંગઠનો આ સમગ્ર ઘટનાને 'ષડ્યંત્ર' ગણાવી રહ્યાં છે.
કિશન ભરવાડનાં માતાએ સ્થાનિક મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, "મારા દીકરાને ખોટી રીતે મારવામાં આવ્યો છે. પહેલાં એનાથી માફી મગાવી. અને પછી એને દગાથી મારી નાખ્યો."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
કંઈક આવું જ નિવેદન કિશનનાં બહેને પણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, "મારા ભાઈને પીઠ પર ઘા કરીને ખોટી રીતે એ લોકોએ માર્યો છે. અમે ભાઈ વગરનાં થઈ ગયાં. હવે અમે શું કરીશું."
આ સિવાય અમદાવાદ ગ્રામ્યના એસ. પી. વીરેન્દ્ર યાદવે પણ પત્રકારો સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, "શબ્બીર અન્ય લોકો સાથે મળીને કિશનની હત્યા માટે ઘણા સમયથી આયોજન કરી રહ્યો હતો."
તેમણે એવું પણ જણાવ્યું હતું કે, "કિશનની વિવાદિત ધાર્મિક પોસ્ટ બાબતે તેના પર થયેલ કેસ બાદ તેને જામીન મળ્યા જે બાદ શાંતિ સમિતિની મિટિંગમાં કિશન અને મુસ્લિમ સમાજના ફરિયાદીઓ વચ્ચે સમાધાન થયું હતું. પરંતુ શબ્બીરને આ સમાધાન માન્ય નહોતું."
તેમજ વિશ્વ હિંદુ પરિષદના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂતે પણ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કિશનના મર્ડરની ઘટનાને 'મુસ્લિમ સમાજના આરોપીઓ દ્વારા ઘડાયેલ કાવતરું ગણાવ્યું હતું.'
નોંધનીય છે કે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કિશનના પિતા શિવાભાઈ ભરવાડે પણ કહ્યું હતું કે, "મને કોઈ વસ્તુની ખબર નથી. હું માત્ર એટલું જાણું છું કે મારા દીકારની હત્યા મુસ્લિમોએ કરી હતી."

બોલીવૂડમાં મર્ડર કેસના પડઘા
બીજી તરફ કિશન ભરવાડના મૃત્યુના પડઘા બોલીવૂડમાં પણ પડ્યા છે.
પોતાનાં વિવાદિત નિવેદનો માટે જાણીતાં અભિનેત્રી કંગના રનૌતે આ કેસ અંગે ફેસબુક પર પોસ્ટ લખી હતી.
કંગનાએ લખ્યું હતું કે, "કિશન ભરવાડના મૃત્યુનું કાવતરું એક ફેસબુક પોસ્ટને ધ્યાને લઈને મસ્જિદ અને મૌલવી દ્વારા રચવામાં આવ્યું હતું."
"કારણ કે તેમને લાગ્યું કે ઈશ્વરને તેમની પોસ્ટ નથી ગમી. ઈશ્વરના નામે થતી હત્યાઓ રોકાવી જોઈએ."
"સરકારે આવી હત્યાના આરોપીઓ સામે કડક પગલાં લેવાં જોઈએ. કિશન 27 વર્ષના હતા અને તેમને એક બે માસની દીકરી હતી."
"તેમને તેમની પોસ્ટ ડિલીટ કરવા અને તે બદલ માફી માગવા કહેવામાં આવ્યું અને તેમણે એવું કર્યું પણ ખરું. તેમ છતાં ચાર લોકો મળીને નિર્દયતાથી તેમનું ખૂન કર્યું."
"તેઓ શહીદથી ઓછા નથી. તેઓ બધાની આઝાદી માટે મૃત્યુ પામ્યા, આવા લોકો જ છે જેના કારણે આ દેશ અફઘાનિસ્તાન બનતા અટક્યો છે... તેમનાં વિધવાને પેન્શન મળવી જોઈએ. ઓમ શાંતિ."

ષડયંત્રનો આરોપ અને એટીએસની તપાસ

ઇમેજ સ્રોત, Sachin Pithhva
ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટર પર જણાવ્યું હતું કે ધંધૂકા કિશન ભરવાડ મર્ડર કેસની તપાસ ઍન્ટ-ટેરરિસ્ટ સ્ક્વૉડ (ATS)ને સોંપવામાં આવી છે.
આ ઘટના બાદ રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પરિવારની મુલાકાત લેવા પહોંચ્યા હતા. તેમણે સમગ્ર ઘટનામાં પીડિત પરિવારને ઝડપી ન્યાય અપાવવાની બાંહેધરી આપી હતી.
ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પત્રકારો સાથેની વાતચીતમાં કિશન ભરવાડની મૃત્યુ વિશે સૂચક નિવેદન આપતાં કહ્યું હતું કે, "પોલીસતપાસ પછી ખબર પડી છે કે ગોળીબાર કરનાર યુવાનોને કોઈ સામાન્ય વ્યક્તિએ નહીં પરંતુ એક મૌલવીએ રિવોલ્વર અને કારતૂસની વ્યવસ્થા કરી આપી હતી. જેના કારણે 20 દિવસની બાળકીના પિતાની હત્યા કરવામાં આરોપીઓ સફળ રહ્યા."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
તેમણે આ સમગ્ર ઘટનાને એક ષડ્યંત્ર ગણાવી હતી.
અમદાવાદ ગ્રામ્યના એસ. પી. વીરેન્દ્ર યાદવે આ મામલે શરૂઆતી પોલીસ કાર્યવાહી અંગે માહિતી આપતાં કહ્યું હતું કે, "આ ગુનામાં બે આરોપીઓ શબ્બીર અને ઇમ્તિયાઝની ધરપકડ કરાઈ છે. બંને આરોપીઓએ પૅશન બાઇક પર કિશન પર હુમલો કર્યો હતો. શબ્બીરના હાથમાં બંદૂક હતી જ્યારે ઇમ્તિયાઝ બાઇક ચલાવી રહ્યો હતો."
તેમણે આગળ સમગ્ર ઘટના અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, "6 જાન્યુઆરીના રોજ કિશને ધાર્મિક લાગણીઓને દુભાવી શકે તેવી પોસ્ટ ફેસબુક પર મૂકી હતી. જે અંગે તેમના પર 9 તારીખે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે અંતર્ગત તેમના પર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. પરંતુ આ કાર્યવાહીથી આરોપીઓને સંતોષ નહોતો. તેમણે આયોજનબદ્ધ રીતે આ પોસ્ટને ધ્યાને રાખીને જ હત્યાનું કાવતરું ઘડીને તેને અંજામ આપ્યો હતો."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













