રમીલાબહેન ગામિત : પદ્મશ્રીથી સન્માનિત ગુજરાતનાં દસ ધોરણ પાસ આદિવાસી મહિલા કોણ છે?
- લેેખક, હિંમત કાતરિયા
- પદ, બીબીસી ગુજરાતી
ગણતંત્રદિનની પૂર્વસંધ્યાએ કેન્દ્ર સરકાર દ્વારા પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી, જેમાં પદ્મશ્રી સન્માનિતોની યાદીમાં એક નામ ગુજરાતના આદિવાસી વિસ્તાર સોનગઢ તાલુકાના ટાપરવાડા ગામનાં 53 વર્ષીય રમીલાબહેન રાયસિંગભાઈ ગામિતનું પણ છે.
વિજ્ઞાન અને ટેકનૉલૉજી, જાહેરસેવા, વેપારઉદ્યોગ, સમાજસેવા, શિક્ષણ, સાહિત્ય અને રમતગમત ક્ષેત્રે અજોડ પ્રદાન આપનારા 128 નાગરિકોને આ પુરસ્કાર આપવામાં આવ્યા છે. જેમાં ચાર પદ્મવિભૂષણ, 17 પદ્મભૂષણ તથા 107 પદ્મશ્રીનો સમાવેશ થાય છે.

ઇમેજ સ્રોત, Ramilaben Gamit
ગુજરાતમાંથી એક પદ્મભૂષણ તથા છ અન્યોને પદ્મશ્રી પુરસ્કારની જાહેરાત થઈ છે.
પદ્મશ્રી સન્માનવિજેતા સોનગઢ તાલુકાના ટાપરવાડા ગામનાં 53 વર્ષીય રમીલાબહેન રાયસિંગભાઈ ગામિતનું યોગદાન અનેક ક્ષેત્રે રહ્યું છે, પરંતુ તેમાં સૌથી મોટી કામગીરી આદિવાસી ગામડાંને જાહેરમાં શૌચમુક્ત બનાવવાની રહી છે.

ગાંઠના ખર્ચે શૌચાલય બનાવ્યાં

ઇમેજ સ્રોત, Ramilaben Gamit
તેમણે અત્યાર સુધીમાં તાપી જિલ્લામાં કુલ 700 જેટલાં શૌચાલયો બંધાવી આપ્યાં છે અને હવે જાહેર શૌચાલય બનાવી રહ્યાં છે.
રમીલાબહેન બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, "સ્વચ્છ ભારત મિશનમાંથી એક શૌચાલય બાંધવાના 12 હજાર રૂપિયા આપવામાં આવતા હતા. આ રકમ ઓછી પડતાં મારા પૈસા ઉમેરીને મેં સારાં શૌચાલય બનાવી આપ્યાં છે."
"અમારા વિસ્તારમાં કોટવાળિયા અને ભીલ જાતિની વસ્તી વધારે છે. ઘરમાં શૌચાલય બનાવવા સામે તેમણે વિરોધ નોંધાવ્યો અને કહ્યું કે અમે ઘરમાં મળત્યાગ નહીં કરીએ. અમે બહાર જ શૌચક્રિયા કરીશું. ત્યારે મેં તેમને સમજાવ્યા કે બહાર શૌચ કરવાથી ગંદકી અને એમાંથી રોગચાળો ફેલાય."
તેઓ પોતાની વાત આગળ વધારતાં કહે છે કે, "અમારી ગ્રામપંચાયત ઘણી મોટી છે. તેમાં નવ ગામોનો સમાવેશ થાય છે. મેં ગામે-ગામ અને ઘરે-ઘરે જઈને લોકોને શૌચાલય બાંધવા માટે સમજાવ્યા હતા અને એ રીતે કુલ 700 શૌચાલય બાંધવામાં સફળતા મળી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રમીલાબહેને 2017માં વડા પ્રધાનના હાથે 'સ્વચ્છ શક્તિ'નો રાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યો હતો.
રમીલાબહેન કહે છે, "મને 'સ્વચ્છ શક્તિ' સન્માન મળ્યું ત્યારે મારા હાથે અમારા વિસ્તારમાં 312 શૌચાલય બંધાયાં હતાં. શૌચાલય બનાવવાની સાથે મહિલા સશક્તીકરણનાં ઘણાં કાર્ય હું કરી રહી હતી. 2014થી હું સમાજસેવામાં લાગી છું. તે સન્માન મેળવનાર મહિલાઓની યાદીમાં હું એકમાત્ર આદિવાસી મહિલા હતી."

પશુપાલનને કારણે આદિવાસી બાળકો વિજ્ઞાનપ્રવાહમાં ભણતા થયા

ઇમેજ સ્રોત, Ramilaben Gamit
અલબત્ત, મહિલા સશક્તીકરણ ક્ષેત્રે પણ તેમનું યોગદાન જરીકેય કમ નથી. રમીલાબહેને આદિવાસી વિસ્તારમાં મહિલા સશક્તીકરણનું મોટું કામ કર્યું છે.
તેમણે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અંતર્ગત અનેક સખીમંડળની બહેનોને આત્મનિર્ભર બનાવવામાં સાથ આપ્યો છે. આદિવાસી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા મુદ્રા લોન, સખીમંડળની લોન મેળવવામાં સહાયરૂપ થયાં છે. મહિલાઓને કડિયાકામ શીખવ્યું છે. વિધવાને સહાય અપાવવામાં મદદ કરી છે.
રમીલાબહેન કહે છે, "અમારા વિસ્તારમાં ઘણી વિધવા અભણ અને ગરીબ મહિલાઓ છે. તેમને મેં સ્વખર્ચે દસ્તાવેજો કઢાવી આપ્યા છે અને તાપી જિલ્લાની 100 જેટલી વિધવાને સહાય માટેનાં ફૉર્મ ભરાવીને મહિને 1250 રૂપિયાની સહાય ચાલુ કરાવવામાં મદદ કરી છે."
રમીલાબહેને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા વિવિધ પ્રોજેક્ટ ચલાવ્યા છે.
તેઓ કહે છે, "અમારા આદિવાસી વિસ્તારમાં ખેતી સાવ ટૂંકી. ત્રણ-ચાર ક્યારી જમીનથી કેવી રીતે પરિવારનું ગુજરાન ચાલે? આથી, મેં મહિલાઓને પશુપાલનની તાલીમ અને લોન અપાવીને તેમને પશુપાલન કરતા કર્યા છે."
"એક વખતે પશુપાલનની સમજ નહીં ધરાવતો અમારો સમાજ, આજે આખો વિસ્તાર પશુપાલન કરતો થયો છે. આ કારણે મહિલા સ્વનિર્ભર થતાં અમારા વિસ્તારમાં શિક્ષણનું સ્તર ઘણું સુધર્યું છે અને તમે આજે અહીં, અમારાં આદિવાસી બાળકોને વિજ્ઞાનપ્રવાહમાં ભણતાં જોઈ શકો છો."

આદિવાસી મહિલાઓને કડિયાકામ શીખવ્યું

ઇમેજ સ્રોત, Ramilaben Gamit
રમીલાબહેને આદિવાસી મહિલાઓને કડિયાકામ શીખવ્યું છે અને કડિયાકામ શીખેલી મહિલાઓને એક સિમેન્ટ કંપની દ્વારા કડિયાકામની કીટ વિતરીત કરવામાં આવી છે.
તેઓ કહે છે કે 50 જેટલી મહિલાઓ કડિયાકામ કરીને તેમના પરિવારનો નિર્વાહ ચલાવે છે."
રમીલાબહેને તેમની પંચાયત વિસ્તારની બહેનોનાં 162 જેટલા સ્વ-સહાય જૂથ બનાવ્યાં છે.
તેઓ કહે છે, "બહેનો આ જૂથમાં મહિને 100 રૂપિયા બચત તરીકે જમા કરે છે. મારો વિસ્તાર ખેતી અને પશુપાલન ઉપર આધારિત છે એટલે બહેનોને નાણાંની અગવડ રહે છે, આ બચતમાંથી અમે તત્કાલ સહાય પેટે પશુધન ખરીદવા, બાળકોની શાળાની ફી ભરવા, બીમારીમાં સારવાર વગેરે માટે પાંચ-દસ હજાર સુધીની રકમ આપીએ છીએ. સરકારે અમને સાત લાખ રૂપિયા આપ્યા તેનો પણ અમે આવી સહાયમાં ઉપયોગ કરીએ છીએ."

'રક્તદાન માટે રાત્રે એક-બે વાગ્યે ફોન આવે'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
રમીલાબહેને કુષ્ઠરોગ, ચર્મરોગ, ક્ષય, હાથીપગો જેવા રોગો સામે લોકજાગૃતિ લાવવાનું કામ કર્યું છે અને આ માટે 40 કરતાં વધુ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. કુપોષિત બાળકોની માસિક દેખભાળના કાર્યક્રમો કર્યા છે.
આદિવાસી સમાજનાં બાળકોમાં સિકલ સેલ એનિમિયાનું પ્રમાણ વધારે હોઈ આ બાળકોને વારંવાર બ્લડ ટ્રાન્સફ્યુઝન (લોહી ચડાવવું)ની જરૂર પડે છે. જે માટે રમીલાબહેને ગ્રામ્ય સ્તરે 30 જેટલી રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે.
તેઓ કહે છે, "સુરત, માંડવી, નવસારી અને તાપીમાં અમારા રક્તદાતાઓનાં ગ્રૂપ છે. કોઈને પણ તત્કાલ રક્તની જરૂર પડે તો તે અમે પૂરો પાડીએ છીએ. પ્રસૂતિ કે અકસ્માતમાં રક્તસ્ત્રાવને કારણે રાતે એક-બે વાગ્યે પણ લોહીની જરૂરિયાતના ફોન આવે છે અને અમે તેની આપૂર્તિ કરવાનો પ્રયાસ કરીએ છીએ."
તેઓ ઉમેરે છે, "કોરોનાની બીજી લહેર વખતે મારા પરિવારજનો કોરોનાથી સંક્રમિત થયા હતા તો પણ હું જિલ્લા સ્તરના અધિકારીઓ અને રેફરલ હૉસ્પિટલના તબીબો સાથે સંકલનથી સંક્રમિતોની સારવાર માટે પ્રયત્નશીલ હતી."
"કુપોષિત બાળકો માટે બિસ્કિટ, શીરો, ફળો વગેરે મારા ખર્ચે આંગણવાડીમાં જઈને વિતરણ કરું છું."

'નાનપણથી હું ગામમાં આવતાં મહેમાનોની સેવા કરતી'
તમે સમાજસેવાનાં કામમાં કેટલાં વર્ષથી સક્રિય છો?
પ્રશ્નના જવાબમાં રમીલાબહેન કહે છે, "પ્રગટ રીતે હું સ્વચ્છ ભારત મિશન સાથે 2014થી સમાજસેવામાં સક્રિય છું. જોકે નાનપણથી જ મને અન્યોની સેવા કરવામાં આનંદ આવતો હતો."
"ગામમાં આવતા પાદરી, મહેમાનોને રસોઈ બનાવીને જમાડવા, તેમનાં કપડાં, વાસણ ધોવાં વગેરે કામો હું નાનપણથી કરતી આવી છું. નાણાંના અભાવે હું દસ ધોરણથી આગળ ન ભણી શકી તેથી મેં સેવામાં મન પરોવ્યું હતું."
તમારી કામગીરીને લઈને તમારે લોકોનો ઇર્ષાભાવ સહન કરવો પડે છે? પ્રશ્નના જવાબમાં રમીલાબહેન કહે છે, "હા, હું એક પક્ષની વિચારધારામાં માનું છું તેથી અમુક લોકો મારો વિરોધ કરે છે. મારે ઘણું સાંભળવું પડે છે પણ હું તેમના તરફ ધ્યાન નહીં આપતાં મારા કામ ઉપર જ ધ્યાન આપું છું."

રમીલાબહેન દોરડાખેંચની ટીમનાં કપ્તાન પણ છે

ઇમેજ સ્રોત, Ramilaben Gamit
તેઓ સ્પૉર્ટ્સના ક્ષેત્રે પણ સક્રિય છે. તેઓ કહે છે, "મેં દોરડાખેંચની રમત માટે મારા ગામના 40 વર્ષથી ઉપરના અને 40 વર્ષથી નીચેના મહિલા અને પુરુષોની ટીમો બનાવી છે. અમારા ગામની દોરડાખેંચની ટીમ રાજ્યકક્ષાએ રમી આવી છે. દોરડાખેંચની એક મહિલા ટીમના હું પોતે એક કપ્તાન ખેલાડી છું."
તેમણે મહિલાઓની સુરક્ષા માટે ગુજરાત સરકારની ‘181 અભયમ સેવા’ સાથે જોડાઈને પારિવારિક ઝઘડા, મહિલા ઉત્પીડનને ડામવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે.
રમીલાબહેને આદિવાસી સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધા અને વહેમોને દૂર કરવા ગામોમાં ફળિયે-ફળિયે સામાજિક બેઠકોનું આયોજન કરીને જનજાગૃતિના કાર્યક્રમો કર્યા છે.
ટાપરવાડા ગામના વડીલ અને નિવૃત્ત આચાર્ય રામજીભાઈ પટેલ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, "રમીલાબહેન અમારા ફળિયે જ રહેતા અને હું તેમને નાનપણથી ઓળખું. પહેલેથી તેમનો સેવાભાવી સ્વભાવ. આજે અમારા ગામમાં 80 ટકા લોકો નિર્વ્યસની છે તેમાં રમીલાબહેનનું મોટું યોગદાન છે."

અન્ય કયા ગુજરાતીઓને સન્માન અપાયાં?

ઇમેજ સ્રોત, KETAN MAJMUDAR DOOTO
સ્વામી સચ્ચીદાનંદને સાહિત્ય અને શિક્ષણક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન આપવા બદલ પદ્મભૂષણ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
આ સિવાય ડૉ. લતા દેસાઈ (આરોગ્ય), કૉગ્રેસના નેતા માલજીભાઈ દેસાઈ (જાહેરસેવા), જયંતકુમાર વ્યાસ (વિજ્ઞાન અને ટેકનૉલૉજી), સવજીભાઈ ધોળકિયા (સામાજિક કાર્યો) અને રમીલાબહેન ગામિતને (સામાજિક કાર્ય) પદ્મશ્રીની જાહેરાત કરવામાં આવી છે.
પોતાના કર્મચારીઓને ઘર, કાર અને બીજી લહાણીઓ કરવા બદલ ચર્ચામાં રહેતા મૂળ સૌરાષ્ટ્રના અને સુરતના હીરા ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયાએ કેટલાંક સામાજિક કાર્યો માટે પણ પ્રદાન આપ્યું છે.
આ સિવાય ખલીલ ધનતેજવીને મરણોપરાંત પદ્મશ્રીની જાહેરાત કરવામાં આવી છે. તેમને સાહિત્યક્ષેત્રે આપવામાં આવેલા પ્રદાન બદલ આ પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો છે.
ગુજરાત કૅડરના આઈએએસ (ઇન્ડિયન ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસ)ના ગુરુપ્રસાદ મહાપાત્રાને મરણોપરાંત પદ્મશ્રી જાહેર કરવામાં આવ્યો છે.

કેવી રીતે પદ્મપુરસ્કારો માટે પસંદગી થાય છે?
પદ્મવિભૂષણએ ભારતરત્ન પછી બીજું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. જ્યારે પદ્મભૂષણ ત્રીજા અને પદ્મશ્રી ચોથા ક્રમાંકનો નાગરિક પુરસ્કાર છે. ભારતરત્ન તથા પદ્મવિભૂષણ 1954થી આપવામાં આવે છે, જ્યારે પદ્મભૂષણ અને પદ્મશ્રી 1955થી દર વર્ષે આપવામાં આવે છે.
આ માટે દેશભરમાંથી રાજ્ય સરકારો દ્વારા ભલામણો મોકલવામાં આવે છે. ઑનલાઇન ભલામણો પણ મંગાવવામાં આવે છે. દર વર્ષે વડા પ્રધાન દ્વારા દર વર્ષે કમિટીની નિમણૂક કરવામાં આવે છે, જેનું ગઠન વડા પ્રધાન દ્વારા કરવામાં આવે છે.
કૅબિનેટ સચિવ આ સમિતિની અધ્યક્ષતા કરે છે. આ સિવાય ગૃહસચિવ, રાષ્ટ્રપતિના સચિવ ઉપરાંત ચારથી છ અન્ય સભ્ય નિમવામાં આવે છે. આ ભલામણો વડા પ્રધાન તથા રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી માટે મોકલવામાં આવે છે.
રાષ્ટ્રપતિ દ્વારા દર વર્ષે આ નામો ઉપર મંજૂરીની મહોર મારવામાં આવે છે. કોઈ પણ વ્યવસાય, જાતિ, લિંગ, ધર્મ કે વંશના ભેદભાવ દ્વારા આ પુરસ્કાર આપવામાં આવે છે.
સામાન્ય રીતે મરણોપરાંત પુરસ્કારોની જાહેરાત કરવામાં નથી આવતી, પરંતુ અપવાદરૂપ સંજોગોમાં આપવામાં પણ આવે છે.
દર વર્ષે (મરણોપરાંત, વિદેશીઓ, બિનનિવાસી ભારતીયો, અને ભારતીય મૂળના નાગરિકોને બાકાત કરતા) 120થી વધુ આપી ન શકાય તથા ભારતરત્ન માટે ત્રણની ટોચમર્યાદા રાખવામાં આવી છે.
આ સિવાય જો બે વ્યક્તિને સંયુક્ત રીતે પદ્મપુરસ્કાર આપવામાં આવે તો પણ તેની ગણના એક પુરસ્કાર તરીકે જ કરવામાં આવે છે. સામાન્ય રીતે દર વર્ષે માર્ચથી એપ્રિલ મહિનામાં આ પુરસ્કાર એનાયત થાય છે.
- પોરબંદરનો ડબલ મર્ડર કેસ રાજકીય હત્યા કે ગૅંગવૉરની ચેતવણી?
- કૅનેડામાં થીજી જવાથી મોત : ગુજરાતનો પરિવાર કઈ રીતે ત્યાં સુધી પહોંચ્યો હતો?
- ભારત-ચીન તણાવની વચ્ચે અરુણાચલ પ્રદેશનાં ગામડાંમાં કેવી સ્થિતિ છે?
- ગણતંત્રદિવસની પરેડ માટે બંગાળ-કેરળની ઝાંખીઓ મોદી સરકારે કેમ સ્વીકારી નહીં?
- અયોધ્યાઃ ‘અમને બધાને અહીં દાટી દો અને અમારી જમીન લઈ લો’
- સોશિયલ મીડિયા પર મુસલમાનો અને મહિલાઓ વિરુદ્ધ કેવી રીતે નફરત ફેલાવાઈ રહી છે? - BBC Investigation


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















