ગણતંત્રદિવસની પરેડ માટે બંગાળ-કેરળની ઝાંખીઓ મોદી સરકારે કેમ સ્વીકારી નહીં?
- લેેખક, પ્રભાકર મણિ તિવારી અને ઇમરાન કુરેશી
- પદ, બીબીસી હિન્દી માટે
26 જાન્યુઆરીએ ગણતંત્રદિવસ પરેડને લઈને કેટલીક ઝાંખીઓને મંજૂરી ન મળતાં કેન્દ્ર સરકાર અને સંબંધિત રાજ્યો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો સિલસિલો શરૂ થઈ ગયો છે.
સૌથી વધુ વાંધો પશ્ચિમ બંગાળ અને તામિલનાડુનાં મુખ્ય મંત્રીઓએ દર્શાવ્યો હતો. આ સિવાય કેરળે પણ ગંભીર આરોપો લગાવ્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images
આ એવાં રાજ્યો છે જ્યાં ભાજપની સરકાર નથી. કેન્દ્ર સરકારના આ નિર્ણયને સંબંધિત રાજ્યોનાં વડાઓએ રાજકીય ગણાવ્યો છે.
જે રાજ્યોની ઝાંખીઓને મંજૂરી નથી મળી તેમાંથી બે રાજ્યોનાં મુખ્ય મંત્રીઓ (પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી અને તામિલનાડુના મુખ્ય મંત્રી એમ.કે. સ્ટાલિન) એ વડા પ્રધાન મોદીને પત્ર લખીને અસંતોષ વ્યક્ત કર્યો છે.
બીજી બાજુ કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે ઝાંખીઓની પસંદગીનો નિર્ણય વિશેષજ્ઞોની સમિતિ કેટલાંક ધારાધોરણોને આધારે કરે છે. સમિતિએ યોગ્ય પ્રક્રિયા અને વિચાર બાદ જ કેટલાંક રાજ્યોની ઝાંખીઓને મંજૂરી આપી નથી.

કઈ રીતે વિશેષજ્ઞો કરે છે ઝાંખીઓની પસંદગી

ઇમેજ સ્રોત, Getty Images
કેન્દ્રની વિશેષજ્ઞ પૅનલ (જેમાં કળા, સંસ્કૃતિ, ચિત્રકળા, મૂર્તિકળા, સંગીત, વાસ્તુકળા, નૃત્યકળા અને સંબંધિત ક્ષેત્રોના નામાંકિત લોકો હોય) એ 12 ઝાંખીઓની પસંદગી કરી છે.
સંરક્ષણમંત્રાલયે રાજ્યોને જણાવ્યું કે આ વર્ષે ગણતંત્રદિવસ પરેડ માટે ઝાંખીઓ ભારત @75-સ્વતંત્રતાસંગ્રામ, વિચાર@ 75, ઉપલબ્ધિઓ@ 75, ઍક્શન@ 75 અને સંકલ્પ@ 75 વિષયો પર હોવી જોઈએ.
તામિલનાડુના સંદર્ભમાં વિશેષજ્ઞ પૅનલ સાથે ત્રણ વખત રાજ્યના પ્રસ્તાવ પર ચર્ચા થઈ હતી. જ્યારે પશ્ચિમ બંગાળના મામલે મુખ્ય મંત્રીએ આરોપ લગાવ્યો છે કે તેમના રાજ્યના પ્રસ્તાવને વગર કોઈ કારણે રદ કરી દેવાયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક અધિકારીએ જણાવ્યું કે કેરળના સમાજસુધારક શ્રીનારાયણ ગુરુની ઝાંખીના પ્રસ્તાવને પાંચમી વખતની મુલાકાતમાં મૌખિક રીતે મંજૂરી મળી હતી, પરંતુ સંરક્ષણમંત્રાલયના સ્તર પર તેને મંજૂરી મળી ન હતી.
આ પહેલાં કેરળની ઝાંખી વર્ષ 2018 અને 2021માં સ્વીકાર કરવામાં આવી હતી. તામિલનાડુની 2016, 2017, 2019, 2020 અને 2021માં અને પશ્ચિમ બંગાળની ઝાંખીને 2016, 2017, 2019 અને 2021માં મંજૂરી આપવામાં આવી હતી.

પશ્ચિમ બંગાળની ઝાંખી

ઇમેજ સ્રોત, Getty Images
ગણતંત્રદિવસ સમારોહ નિમિત્તે થનારી પરેડમાં પશ્ચિમ બંગાળની ઝાંખીને સામેલ ન કરવાના નિર્ણય પર રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. મુખ્ય મંત્રી મમતા બેનરજીએ વડા પ્રધાન મોદીને મોકલેલા બે પાનાંના પત્રમાં આને બંગાળના લોકોનું અપમાન અને સ્વાધીનતાસંગ્રામમાં તેમની ભૂમિકાના અસ્વીકાર ગણાવ્યાં છે.
આ ઉપરાંત ભાજપ નેતા અને મેઘાલયનાં ભૂતપૂર્વ રાજ્યપાલ તથાગત રાયે પણ ટ્વીટ કરીને વડા પ્રધાનને આ નિર્ણય પર પુનર્વિચાર કરવાની અપીલ કરી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ આ મુદ્દે સંરક્ષણમંત્રી રાજનાથસિંહને પત્ર લખ્યો છે.
આ વચ્ચે સંરક્ષણમંત્રી રાજનાથસિંહે એક પત્ર લખીને પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીને જણાવ્યું કે શા માટે બંગાળની ઝાંખીને પરેડમાં સામેલ કરવામાં આવી નથી.
રાજનાથસિંહે પત્રમાં લખ્યું કે, "16 જાન્યુઆરી 2022ના રોજ મળેલા આપના પત્ર સંદર્ભે સૂચિત કરવામાં આવે છે કે દેશની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝજીનું યોગદાન પ્રત્યેક નાગરિક માટે અવિસ્મરણીય છે, જેથી વડા પ્રધાને તેમનો જન્મદિન 23 જાન્યુઆરીને પરાક્રમદિવસ તરીકે જાહેર કર્યો છે. હવે ગણતંત્રદિવસનો સમારોહ 23 જાન્યુઆરીથી શરૂ થઈને 30 જાન્યુઆરી સુધી ચાલશે."
"આપને વિશ્વાસ અપાવવા માગું છું કે, ગણતંત્રદિવસ પરેડમાં ભાગ લેનારી ઝાંખીઓની પસંદગી પારદર્શી રીતે થાય છે. કળા, સંસ્કૃતિ, સંગીત અને નૃત્યવિદ્યાઓના પ્રખ્યાત વિદ્વાનોની સમિતિ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રસ્તાવોનું વિવિધ તબક્કામાં મૂલ્યાંકન કરીને પસંદગી કરતી હોય છે. આ વખતે 29 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રસ્તાવોમાંથી 12 પ્રસ્તાવોની મંજૂરી મળી છે."
જોકે, મમતા બેનરજીએ આ નિર્ણય પર આશ્ચર્યનો ભાવ પ્રગટ કર્યો છે.
વડા પ્રધાનને મોકલેલા પત્રમાં તેમણે આ નિર્ણય પર પુનર્વિચાર કરવાની અપીલ કરી છે.
તેમણે લખ્યું છે, "આ નિર્ણયથી રાજ્યના લોકોને દુઃખ થશે. ઝાંખી રદ કરવાનું કોઈ કારણ પણ જણાવાયું નથી."
મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે પ્રસ્તાવિત ઝાંખી નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મા જયંતિવર્ષ પર તેમના અને આઝાદ હિન્દ ફોજના યોગદાનની સ્મૃતિમાં બનાવવામાં આવી છે.
મમતા બેનરજીએ પત્રમાં લખ્યું છે કે પશ્ચિમ બંગાળના લોકો કેન્દ્ર સરકારના આ નિર્ણયથી દુઃખી છે. આ જાણીને આશ્ચર્ય થાય છે કે અહીંના બહાદુર સ્વતંત્રતાસેનાનીઓના યોગદાનને ગણતંત્રદિવસ સમારોહમાં કોઈ સ્થાન મળ્યું નથી.
રાજ્ય સરકાર પ્રમાણે, ઝાંખીમાં સ્વાધીનતાઆંદોલનમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અને અરવિંદ ઘોષથી લઈને બિરસા મુંડાની ભૂમિકા પણ દર્શાવાની હતી.
મુખ્ય મંત્રીએ પત્રમાં લખ્યું છે કે, "બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે રાષ્ટ્રવાદનો પહેલો મંત્ર 'વંદે માતરમ્' લખ્યો હતો."
"રમેશચંદ્ર દત્તે બ્રિટિશ સરકારની નીતિઓની ટીકા કરતો લેખ લખ્યો હતો. સુરેન્દ્રનાથ બંદોપાધ્યાયે પ્રથમ રાષ્ટ્રીય રાજકીય સંગઠન ઇન્ડિયન ઍસોસિયેશનની સ્થાપના કરી હતી. ઝાંખીને અનુમતિ ન આપવી એ ઇતિહાસનો અસ્વીકાર કરવા બરાબર છે."
જર્મનીમાં રહેતાં નેતાજીનાં પુત્રી અનીતા બોઝ ફાફે પ્રેસ ટ્રસ્ટ સાથેની વાતચીતમાં આરોપ લગાવ્યો છે કે નેતાજીની વિરાસતનો રાજકીય કારણોસર આંશિક રીતે દુરોપયોગ કરવામાં આવ્યો છે.
અનીતાએ કહ્યું, "મને નથી ખબર કે ઝાંખીને શા માટે સામેલ કરાઈ નથી. તેની પાછળ કોઈ કારણ હોઈ શકે છે. આપણે એ કલ્પના ન કરી શકીએ કે આ વર્ષે જ્યારે મારા પિતા 125 વર્ષના થઈ રહ્યા છે, ત્યારે તેમની ઝાંખી સામેલ નથી કરવામાં આવી રહી."
આ પહેલાં પણ વર્ષ 2021માં ગણતંત્રદિવસ પરેડમાં કેન્દ્ર સરકારે કન્યાશ્રી, સબુજ સાથી, જલ ધરો, જલ ભરો જેવી વિવિધ વિકાસપરિયોજનાઓ આધારિત ઝાંખીનો પશ્ચિમ બંગાળ સરકારનો પ્રસ્તાવ રદ કર્યો હતો.
તે સમયે પણ આ મુદ્દે ભાજપ અને તૃણમૂલ વચ્ચે આરોપ-પ્રત્યારોપ લાંબા સમય સુધી ચાલ્યા હતા. આ વખતે પણ આ મુદ્દે સતત વિવાદ ચાલી રહ્યો છે.

તામિલનાડુનો શું આરોપ છે?

ઇમેજ સ્રોત, Getty Images
રાજ્યના મુખ્ય મંત્રી સ્ટાલિને પોતાના પત્રમાં લખ્યું છે કે પહેલાં સમિતિએ તામિલનાડુની પ્રસ્તાવિત ઝાંખીના વિષય પર સંતુષ્ટિ જાહેર કરી હતી.
આ પ્રસ્તાવિત ડિઝાઇનમાં સ્વતંત્રતાસંગ્રામ દરમિયાન તામિલનાડુના સ્વતંત્રતાસેનાનીઓને દર્શાવવામાં આવ્યા હતા.
આ ડિઝાઇનમાં જાણીતા સ્વતંત્રતાસેનાની વી.ઓ. ચિદંબરનારને દર્શાવાયા હતા.
ચિદંબરનારે અંગ્રેજોનો સામનો કરવા માટે વર્ષ 1906માં સ્વદેશ સ્ટીમ નૅવિગેશન કંપનીની સ્થાપના કરી હતી. જોકે, બાદમાં તેમના પર રાજદ્રોહનો કેસ લગાવીને તેમને જેલમાં મોકલી દેવાયા હતા.
આ સિવાય સુબ્રમણ્યમ ભારતીને પણ આ ડિઝાઇનમાં દર્શાવવામાં આવ્યા હતા.
સુબ્રમણ્યમ ભારતીએ આઝાદીની લડાઈ દરમિયાન દેશભક્તિનાં ગીતોથી અને લેખોથી લોકોમાં દેશભક્તિની જ્યોત પ્રગટાવવાનું કામ કર્યું હતું.
આ પ્રસ્તાવિત ઝાંખીમાં ઘોડા પર સવાર, હાથમાં તલવાર સાથેની રાણી વેલુ નચિયારની પ્રતિમાને પણ સ્થાન આપવામાં આવ્યું હતું.
તેમને 'વીરમંગઈ' એટલે કે બહાદુર મહિલા તરીકે પ્રેરક માનવામાં આવે છે. આ ઝાંખીમાં ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે બાથ ભીડનારા મરુધુપંધિયાર ભાઈઓની પ્રતિમાને પણ સામેલ કરવામાં આવી હતી.
તામિલનાડુના મુખ્ય મંત્રીએ પોતાના પત્રમાં લખ્યું છે કે, "તામિલનાડુની ઝાંખીને મંજૂરી ન મળતાં લોકોની ભાવનાઓને આઘાત લાગશે. તેમની દેશભક્તિને ઠેસ પહોંચશે. કમિટીએ નજરઅંદાજ કરવું યોગ્ય સમજ્યું અને રાજ્ય દ્વારા પ્રસ્તાવિત તમામ સાત ડિઝાઇન્સને રદ કરી દેવાઈ. આ અસ્વીકાર્ય છે. આ અહીંના લોકો માટે ગંભીર ચિંતાનો વિષય છે."
ડીએમકે પાર્ટીના પ્રવક્તા અન્નાદુરાઈ સરવનને બીબીસીને જણાવ્યું કે, "જ્યારે અમે વ્યક્તિત્વની વાત કરીએ છે તો તેઓ અમારી આઝાદીની લડાઈનાં પ્રતીકો છે. કેન્દ્ર સરકાર કોઈ પણ કારણો આપી રહી છે કે પ્રસ્તાવિત ઝાંખી ત્રીજા રાઉન્ડને પાર ન કરી શકી."
તેમણે વધુમાં કહ્યું કે, "અમને શંકા છે કે કેન્દ્ર સરકાર દક્ષિણ ભારતના મહાન લોકો અને અહીંનાં સાંસ્કૃતિક પ્રતીકોને આગળ વધવા દેવા માગતી નથી. કારણ કે તેની પાછળ એક આખો ઇતિહાસ છે. કેન્દ્ર સંસ્કૃત અને હિંદીને તો આગળ વધારવા માગે છે પણ સાથે સાથે તામિલને દબાવવા માગે છે."

કેરળનો વિરોધ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
કેરળનો આ સંદર્ભે કંઈક અલગ અનુભવ છે. કેરળની ટીમને કહેવામાં આવ્યું કે તે પોતાની ઝાંખીની થીમને આદિ શંકરાચાર્ય પર આધારિત થીમ સાથે બદલી લે.
એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું, "અમને એ થીમ સાથે કોઈ વાંધો ન હતો, પરંતુ તેઓ એક નેશનલ ફીગર છે. એવામાં કેરળની ટીમે કહ્યું હતું કે મહાન સમાજસુધારક અને અસ્પૃશ્યતા વિરુદ્ધ લડાઈ લડનારા શ્રીનારાયણ ગુરુને ઝાંખીમાં રાજ્યની તરફથી દર્શાવવામાં આવે."
આ અધિકારીએ જણાવ્યું કે શરૂઆતના ચાર તબક્કાની ચર્ચામાં આ વિષય પર ચર્ચા કરવામાં આવી.
તેમના પ્રમાણે, "વિશેષજ્ઞોની પૅનલને પણ તેમની પ્રસ્તાવિત ડિઝાઇન પસંદ આવી હતી. અમે જે ડિઝાઇન રજૂ કરી હતી તેમાં શ્રીનારાયણ ગુરુની સામે વધુ એક મૂર્તિ હતી અને પાછળનાં ભાગમાં જટાયુ, પૃથ્વી દર્શાવાયાં હતાં. આ અમારા રાજ્યની ધરોહર છે."
આ અધિકારી અનુસાર, "ફાઇનલ રાઉન્ડમાં ખુદ જ્યૂરીએ અમને શ્રીનારાયણ ગુરુની પ્રતિમાવાળી ડિઝાઇન સાથે ઝાંખી તૈયાર કરવાનું કહ્યું. જોકે, તેમણે કેટલાંક સૂચનો પણ કર્યાં હતાં, પરંતુ અમને બાદમાં ખબર પડી કે અંતિમ નિર્ણય માત્ર જ્યૂરીનો હોતો નથી."
"અન્ય રાજ્યોના અનુભવોનેથી તે સ્પષ્ટ થઈ જાય છે. ફાઇનલ લિસ્ટ સંરક્ષણમંત્રી પાસે જાય છે. જેઓ તેના પર ચર્ચાની અધ્યક્ષતા કરે છે. આ એક રાજકીય નિર્ણય છે."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












