કમલ હાસન : “જો અખંડ ભારતની વાત કરાય છે તો મારે અખંડ દ્રવિડવાદ વિશે કેમ વાત ન કરવી જોઈએ?”

ઇમેજ સ્રોત, TWITTER@IKAMALHAASAN
- લેેખક, મુરલીધરન કાશી વિશ્વનાથ
- પદ, બીબીસી સંવાદદાતા
તામિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર હવે પૂર્ણ થવાની તૈયારીમાં છે.
મક્કલ નિધિ મૈયમ પાર્ટીના નેતા કમલ હાસન જોરશોરથી પોતાના પ્રચાર અભિયાનમાં વ્યસ્ત છે.
તાજેતરમાં જ તેમના પગની સર્જરી કરવામાં આવી છે અને તેઓ હજુ સંપૂર્ણપણે રિકવર નથી થયા. આમ છતાં તેમણે ચૂંટણીના પ્રચાર અભિયાનમાં કોઈ કાપ નથી મુક્યો.
ચૂંટણીની વ્યસ્તતા વચ્ચે તેમણે બીબીસી સાથે વિધાનસભા ચૂંટણી, દ્રવિડ પક્ષો, બ્રાહ્મણો અને બિન-બ્રાહ્મણોના મુદ્દે લાંબી વાતચીત કરી હતી.


ઇમેજ સ્રોત, TWITTER@IKAMALHAASAN
સવાલઃ તમે આખા રાજ્યનો પ્રવાસ કર્યો છે. તમને કેવો માહોલ દેખાય છે?
જવાબઃ દરેક જગ્યાએ લોકો રસ દર્શાવી રહ્યા છે અને અમારું સ્વાગત કરે છે. આ સમર્થન મતમાં રૂપાંતરિત થવું જોઈએ. આ રમતમાં જેટલાં નાણાં ખર્ચવામાં આવે છે તેના વચ્ચે દરેક સ્થિતિમાં લોકતંત્રની જીત થવી જોઈએ.
સવાલઃ તમને શું લાગે છે? આ ચૂંટણીના મુખ્ય મુદ્દા કયા છે?
જવાબઃ મુદ્દા મોટા ભાગે સામાન્ય છે. લોકો પાસે પાયાની સુવિધાઓનો પણ અભાવ છે. મને આ અંગે આશ્ચર્ય થાય છે. કેટલો બધો સ્વાર્થ રહેલો છે. તે લોકોએ જનતાને બહુ સમજી વિચારીને ગરીબીમાં રાખ્યા છે. એવું લાગે છે કે તેમણે ગરીબીને કોઈ સંગ્રહાલયમાં રાખવા લાયક કલાત્મક ચીજની જેમ સંભાળીને રાખી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સવાલઃ પરંતુ સામાજિક કલ્યાણના માપદંડમાં તામિલનાડુ ભારતીય રાજ્યોની યાદીમાં સૌથી આગળ છે...?
જવાબઃ શક્ય છે કે અમારી સરખામણી બાકીના ભારત સાથે થવી ન જોઈએ. આપણે આપણી તુલના વિકસિત દેશો સાથે કરવી જોઈએ. ત્યારે જ આપણે વિકાસ કરી શકીશું. આપણે બંગાળના દુષ્કાળના સમય સાથે આપણી સરખામણી કરતા રહીશું તો આપણને આપણી સ્થિતિ સારી જણાશે. શું બિહાર સાથે તુલના કરીને આપણે આપણી જાતને સારી સ્થિતિમાં માનીએ તે યોગ્ય ગણાય? તેઓ કહે છે કે આપણી પાસે ઘણી હૉસ્પિટલો છે. તે હૉસ્પિટલો કામ નથી કરતી. સૌ કોઈ જાણે છે કે આ સરકાર કયો ઉદ્યોગ આશ્ચર્યજનક રીતે ચલાવે છે, તે છે ટીએસએમસીએલ (તામિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કૉર્પોરેશન લિમિટેડ). તેઓ તે જ રસ અને સફળતાની સાથે બધા વિભાગોને ચલાવે તો તામિલનાડુને નંબર વન સ્ટેટ બનવાની તક મળશે.

ઇમેજ સ્રોત, TWITTER@IKAMALHAASAN
સવાલઃ શું તમને લાગે છે તામિલનાડુ સરકારની મશીનરી સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે?
જવાબઃ આ નિષ્ફળતા કરતાં પણ આગળ છે. તે સંપૂર્ણપણે ભ્રષ્ટાચારમાં લપેટાયેલી છે. મશીનરી ફેલ નથી થઈ, તેને નિષ્ક્રિય કરી દેવાઈ છે. તેનું સૌથી મોટું કારણ છે 30 ટકા કમિશન. તામિલનાડુની હાલત આઇસીયુમાં દાખલ થયેલા દર્દી જેવી છે.
સવાલઃ તમે સતત ભ્રષ્ટાચાર વિશે બોલી રહ્યા છો. સાથે સાથે તમે એવો આરોપ પણ મૂકો છે કે લોકો નોટના બદલે વોટનો સોદો કરે છે. આવી સ્થિતિમાં પરિવર્તન લાવવું કેટલી હદે શક્ય છે?
જવાબઃ જો નેતા ઇમાનદાર હશે તો તેઓ ઝરણાની જેમ ફેલાઈ જશે અને બધા ખડક તેમાં ડૂબી જશે.
સવાલઃ મક્કલ નિધિ મૈયમ પાર્ટીનો સવાલ છે ત્યાં સુધી આ તમારી બીજી ચૂંટણી છે. મક્કલ નિધિ મૈયમ પાર્ટી માટે આ ચૂંટણી કેટલી મહત્ત્વની છે?
જવાબઃ બધા એવું કહે છે કે મારા વગર તામિલનાડુની રાજનીતિની કલ્પના પણ ન કરી શકાય. કેટલાક લોકો ખુશી અને ઉત્સાહમાં એવો દાવો પણ કરે છે કે તેઓ પહેલેથી ચૂંટણી જીતી ચૂક્યાં છે. મારા હિસાબે જીત માત્ર ચૂંટણી જીતવા સુધી સિમિત નથી હોતી. લક્ષ્યોને પાંચ વર્ષમાં પ્રાપ્ત કરવા એ અસલી જીત છે. આ દૃષ્ટિએ કહું તો મેં હજુ જીતની દિશામાં આગેકૂચ શરૂ પણ નથી કરી.

ઇમેજ સ્રોત, TWITTER@IKAMALHAASAN
સવાલ: તમે આ ચૂંટણી ખરેખર જીતી જશો તો તમારું આગામી પગલું શું હશે? શું તમે અભિયાન ચાલુ રાખશો? શું તમે લોકોના વિરોધને આગળ લઈ જશો?
જવાબઃ મારા ઉમેદવારોની પોતાની પ્રૉફેશનલ જવાબદારીઓ હોવા છતાં તેઓ ચૂંટણી લડી રહ્યા છે. હું પણ તેમની જેમ જ છું. હું સિનેમા માટે સમય કાઢીશ પરંતુ તેને ઓછો સમય મળશે. મને સારા એવા રૂપિયા મળી જાય છે પરંતુ મને વધારે કામની જરૂર નથી. પરંતુ તે કરવું એ ખોટી વાત નથી. ખરાબ લોકો જ્યારે રાજકારણમાં આવે અને તેને સંપૂર્ણપણે અપનાવી લે ત્યારે જે લોકો પાસે પહેલેથી કામ છે અને તેઓ રાજકારણ માટે સમય આપે છે તેમના માટે આ જ અસલી સમાજસેવા છે.
સવાલઃ પર્યાવરણ અંગે એમએનએનની અલગ શાખા છે. તમે તમારા ચૂંટણી ઘોષણાપત્રમાં કહ્યું છે કે તમે ખેતીમાં જિનેટિકલી મૉડિફાઈડ પેદાશને સમર્થન આપશો. પરંતુ પર્યાવરણવિદ્ જિનેટિકલી મૉડિફાઈડ ઊપજનો ઉગ્ર વિરોધ કરે છે...
જવાબઃ વિજ્ઞાન અને ખેતી બે અલગ ચીજ હોઈ શકે છે પરંતુ તેનો સમન્વય કરવો જોઈએ. લોકોની સાથે મળીને આપણે આ દિશામાં પરિવર્તન લાવવાની જરૂર છે. અમે જે ચૂંટણીઢંઢેરામાં લખ્યું છે તે પથ્થરની રેખા નથી. તેના અંગે ચર્ચા થઈ શકે છે અને તેમાં ફેરફાર પણ કરી શકાય છે.

ઇમેજ સ્રોત, TWITTER@IKAMALHAASAN
સવાલઃ લાંબા સમયથી તામિલનાડુમાં બે ભાષાની નીતિ છે. તમે તમારા ચૂંટણીઢંઢેરામાં બે ભાષા અને ત્રણ ભાષા રાખવાની નીતિની વાત કરી છે. ભાષાકીય શિક્ષણ અંગે એમએનએમની નીતિ શું છે?
જવાબઃ અન્નાદુરાઈ (અન્ના)એ જે કહ્યું હતું તે જ અમારી નીતિ છે. તેમણે ત્રણ ભાષાની નીતિને ટેકો આપ્યો હતો. મારા હિસાબે હવે આપણે તે નીતિને અપનાવીએ તે સમય આવી ગયો છે.
સવાલઃ તો આ મામલે તમે અન્નાનાં પદચિહ્નો પર ચાલશો..
જવાબઃ હું મારી જાતને આધુનિક સમયનો રાજનેતા માનું છું. હું તેની જ પસંદગી કરું તો વધુ સારું છે. કોઈ પણ મામલે આપણે એવી જિદ્દ ન કરી શકીએ કે આપણે માત્ર એક જ રસ્તો અપનાવવો છે.
સવાલઃ તમે દક્ષિણ કોવઈથી ચૂંટણી લડી રહ્યા છો. તમે આ જ વિધાનસભા ક્ષેત્રને શા માટે પસંદ કર્યું? શું તમને અહીંના મુદ્દા વિશે જાણકારી છે?
જવાબઃ હા, બિલકુલ. હું જાણું છું કે આ વિધાનસભા ક્ષેત્ર એક સારું ઉદાહરણ છે. રાજ્યમાં જેટલી પણ સમસ્યાઓ છે તે આ વિધાનસભા ક્ષેત્રમાં દેખાય છે. આ વિધાનસભા ક્ષેત્ર દરેક રીતે યોગ્ય છે. તે માન્ચેસ્ટર બનવાની ક્ષમતા ધરાવે છે. અહીં ધાર્મિક સદ્ભાવના એક મોટો પડકાર છે અને હું તેના પર કામ કરવા માંગું છું. એક કારણ એ પણ છે કે ભાજપને ભરોસો છે કે તે અહીની બેઠક જીતશે. મારી પણ એવી જિદ્દ છે કે હું તેમને અહીં ચોક્કસ પરાજય આપીશ

ઇમેજ સ્રોત, TWITTER@IKAMALHAASAN
સવાલઃ થોડા દિવસો અગાઉ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અહીં આવ્યા હતા ત્યારે અહીં વિવાદ થયો હતો. તમે તેનો વિરોધ કર્યો હતો. પરંતુ તમારા ચૂંટણીપ્રચારના કેન્દ્રમાં ભાજપ વિરોધી સ્ટેન્ડ સામેલ નથી.
જવાબઃ તેમનો વિરોધ જ્યાં જરૂર હોય ત્યાં જ કરવામાં આવે તે પૂરતું રહેશે. વડા પ્રધાન તરીકે હું મોદીજીને સન્માન આપું છું. પરંતુ તેમના કેટલાંક પગલાં દેશહિતમાં નહીં હોય તો હું તેમનો વિરોધ કરીશ. પછી તેઓ દેશના વડા પ્રધાન હોય કે બીજા કોઈ હોદ્દેદાર. વિરોધપક્ષનો અર્થ થાય છે લોકતાંત્રિક પદ્ધતિ અપનાવીને વિરોધ કરવો. હું કોઈ નક્સલવાદી નથી જે બંદૂક પકડીને બધે ઘુમ્યા કરે. મને લોકતાંત્રિક પ્રક્રિયા પર પૂરેપૂરો ભરોસો છે.
સવાલઃ સામાન્ય લોકોને જ્યારે તકલીફ પડે ત્યારે રાજકીય પાર્ટીઓ વિરોધ કરે છે. શું તમારી રાજનીતિમાં વિરોધ માટે કોઈ અવકાશ છે?
જવાબઃ ગાંધીજીના નેતૃત્વમાં વિરોધ થાય તો તેનું સ્વરૂપ અલગ હશે, તેઓ અસહયોગ આંદોલન કરશે. વિદ્યાર્થીઓ બસમાં બેઠા હોય ત્યારે બસોને તોડવાને અને આગ ચાંપવાને, સરકારી કચેરીઓને સળગાવવાને અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાને વિરોધ તરીકે ગણાવો તો અમે તેનો સંપૂર્ણ ઇનકાર કરીએ છે. પક્ષની કોઈ વ્યક્તિ આ પ્રકારે કામ કરે તો તેને પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવશે.
સવાલઃ એમએનએમ દ્રવિડ વિચારધારાને કેટલું સમર્થન આપે છે? શું તમારો પક્ષ આ વિચારધારાથી અલગ રીતે પણ વિચારે છે?
જવાબઃ આ મામલે બંનેમાં ફરક છે. મધ્યાહ્ન ભોજન એક સારી યોજના હતી, ભલે પછી આ યોજના એમજીઆરે શરૂ કરી હોય કે પછી કામરાજે શરૂ કરી હોય. અનામતની વાત કરીએ તો એક પણ તમિળ નાગરિક વંચિત હોય ત્યાં સુધી તેની જરૂરિયાત રહેશે.

ઇમેજ સ્રોત, TWITTER@IKAMALHAASAN
સવાલઃ છેલ્લાં 100 વર્ષમાં તામિલનાડુનું રાજકારણ જોવામાં આવે તો તે બ્રાહ્મણો અને બિન-બ્રાહ્મણો વચ્ચે વહેંચાયેલ છે. તમને શું લાગે છે, આગળ પણ આ ચાલુ રહેવું જોઈએ?
જવાબઃ ના. વાસ્તવમાં આ મુદ્દે સરળતાથી ઉકેલી શકાય તેમ છે. જાતિને આ રીતે બે ભાગમાં વહેંચી ન શકાય. શું બધા બિન-બ્રાહ્મણો હળીમળીને રહે છે? ના. સમાજમાં ઊંચનીચ છે અને દરેક સ્તર પર સમસ્યા હાજર છે. આપણે સમાજના દરેક સ્તરે આ અસમાનતા પર હુમલો કરીને તેને ખતમ કરવી પડશે.
સવાલઃ શું તમને લાગે છે કે હાલના સમયમાં બ્રાહ્મણોને નિશાન બનાવવામાં આવે છે?
જવાબઃ અમે બ્રાહ્મણવાદમાં વિશ્વાસ ધરાવતા લોકોનો વિરોધ કરીએ છીએ. પરંતુ બ્રાહ્મણોનો વિરોધ કરીને તમે તેને નહીં સમજી શકો. હું જાતિના આધારે કોઈની ઓળખ કરવા નથી માંગતો.
સવાલઃ લગભગ 50 વર્ષથી રાજ્યમાં દ્રવિડ રાજકીય પાર્ટીઓ સત્તા પર રહી છે. સમાજ અને રાજ્ય પ્રત્યે તેમના યોગદાન વિશે તમારા શું વિચાર છે?
જવાબઃ તેમની વિચારધારાને જોઈને કહી શકાય કે તેમની પાસે જે યોગદાનની અપેક્ષા હતી તે ઠીકઠાક રહ્યું છે. સમયને ધ્યાનમાં લેતા તે પાર્ટીઓનો ઉદ્ભવ મહત્ત્વપૂર્ણ હતો. પરંતુ હવે તેમની વિદાય પણ એટલી જ જરૂરી છે કારણ કે હવે તેઓ ભ્રષ્ટ થઈ ચૂકી છે.
સવાલઃ પેરિયાર, અન્નાદુરાઈ અને રાજાજીની વિચારધારાથી તમે કેટલા સહમત છો?
જવાબઃ મેં અગાઉ કહ્યું હતું તેમ હવે જે સમય આવ્યો છે તેમાં તે જરૂરી થઈ ગયું છે. આપણે નિધિ કચ્ચી, દ્રવિડ મુન્નેત્ર કઝગમથી શરૂઆત કરવી પડશે. તેમણે આદિ દ્રવિડાર નામે એક શબ્દ બનાવ્યો છે અને તેઓ ઇચ્છતા હતા કે આ શબ્દ રાજનીતિનો હિસ્સો બની જાય. આ વાત દેશ આઝાદ થયો તે પહેલાંની છે. તે વખતે નિધિ કચ્ચીમાં તમિળ લોકો હતા, તથા મલયાલમ અને કન્નડ ભાષા બોલનારા લોકો સામેલ હતા. મને લાગે છે કે આખા દક્ષિણ ભારતમાં આવું હોવું જોઈએ. દ્રવિડવાદ સમગ્ર દેશમાં છે. તેને ત્રણ પરિવારોની વચ્ચે મર્યાદિત રાખીને ન જોઈ શકાય.
સવાલ: શું તમે આ વિચારધારાને આખા ભારતમાં ફેલાવવા માંગો છો?
જવાબઃ કેમ નહીં. દ્રવિડવાદ માત્ર એક વિચારધારા નથી. તે આપણી ભૌગોલિક સ્થિતિ દર્શાવે છે અને તે આપણા જીવનનો મહત્ત્વનો હિસ્સો છે. તે સમગ્ર દેશમાં છે, પછી તે મોહેંજો દડોની વાત હોય કે પછી હડપ્પાની. તેઓ અખંડ ભારતની વાત કરી શકતા હોય તો શું હું અખંડ દ્રવિડવાદની વાત ન કરી શકું?



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












