પદ્મ પુરસ્કાર : દાયકાઓ સુધી ગરીબોની સેવા માટે જીવન ખર્ચી નાખનાર ગુજરાતીઓ ડૉ લતા દેસાઈ અને માલજી દેસાઈ કોણ છે?

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી ગુજરાતી

હાલમાંજ કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી જેમાં ગુજરાતમાંથી સાત નાગરિકોની પસંદગી કરવામાં આવી છે.

અમેરિકા છોડી ગુજરાતનાં આદિવાસી ગામડાંમાં સેવા માટે ઉંમર પસાર કરી નાખનાર સમાજસેવિકા ડૉ. લતા દેસાઈ

ઇમેજ સ્રોત, SEWA RURAL

ઇમેજ કૅપ્શન, અમેરિકા છોડી ગુજરાતનાં આદિવાસી ગામડાંમાં સેવા માટે ઉંમર પસાર કરી નાખનાર સમાજસેવિકા ડૉ. લતા દેસાઈ

ગુજરાતથી ડૉ. લતા દેસાઈ (આરોગ્ય), કૉંગ્રેસના નેતા માલજીભાઈ દેસાઈ (જાહેરસેવા), જયંતકુમાર વ્યાસ (વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી), સવજીભાઈ ધોળકિયા (સામાજિક કાર્યો) અને રમિલાબેન ગામિત (સામાજિક કાર્ય) માટે પદ્મશ્રીની જાહેરાત કરવામાં આવી છે.

પદ્મ પુરસ્કાર માટે જેમને પસંદ કરવામાં આવ્યાં તેમાં આરોગ્ય ક્ષેત્રે કામ કરનારાં ડૉ લતા દેસાઈની જેમ જ કૉંગ્રેસના નેતા રહેલા માલજી દેસાઈ પણ ગાંધીના વિચારોથી પ્રેરિત રહ્યા છે. બંને સમાજમાં આરોગ્ય તથા શિક્ષણક્ષેત્રે તેમના કામ માટે સન્માનિત કરવામાં આવશે.

બાળરોગ નિષ્ણાત ડૉ લતા દેસાઈ સેવા રૂરલ સંસ્થાનાં સ્થાપક – સંચાલક છે.

તેઓ આઠેક વર્ષ અમેરિકામાં હતાં. છેવાડાનાં માણસ માટે કંઈક કરવાની ભાવના તેમને સેવાના ક્ષેત્રમાં ખેંચી લાવી હતી. 40 વર્ષથી તેઓ આદિવાસી ક્ષેત્રમાં કામ કરે છે.

લતા દેસાઈ તેમજ તેમના પતિ દ્વારા 1980માં સોસાયટી ફૉર એજ્યુકેશન, વેલ્ફૅર ઍન્ડ ઍક્શન – રૂરલ (સેવા – રૂરલ) ની સ્થાપના ભરૂચ જિલ્લાના આદિવાસી પ્રદેશના ઝઘડિયા ગામમાં કરવામાં આવી હતી.

જ્યાં તેઓ નિરંતરપણે આરોગ્ય, મહિલા સશક્તિકરણ, શિક્ષણ અને ગરીબી નાબૂદીના ક્ષેત્રમાં કામ કરતાં રહ્યાં છે.

1980માં ગ્રામજનોએ સ્થાનિક પ્રસૂતિગૃહ સેવા રૂરલને સોંપી તેમનું કામ શરૂ કર્યું હતું. ત્યાર બાદ આદિવાસી ગરીબ લોકોની સેવા કરવાનાં કામમાં પ્રતિબદ્ધ યુવાન-યુવતીઓ તેમની સાથે જોડાયાં હતાં.

પદ્મશ્રી એનાયત થયાની જાહેરાત થયા બાદ લતાબહેને એક નિવેદનમાં કહ્યું હતું કે, “હું દૃઢપણ માનું છું કે આ સન્માન ખરેખર તો ગ્રામવિકાસને વરેલી અમારી સેવા રૂરલ સંસ્થા અને શારદા મહિલા વિકાસ સોસાયટી થકી છેવાડાના માણસ સુધી પહોંચવાના અમારા કામના પ્રતીકરૂપે મને મળી રહ્યો છે."

ડૉ. લતા દેસાઈ અને તેમના પતિ ડૉ. અનિલ દેસાઈ

ઇમેજ સ્રોત, SEWA RURAL

ઇમેજ કૅપ્શન, ડૉ. લતા દેસાઈ અને તેમના પતિ ડૉ. અનિલ દેસાઈ

ડૉ. લતા દેસાઈનો જન્મ આઠમી ઑગસ્ટ, 1941ના રોજ થયો હતો.

લતા દેસાઈના પરિવાર અનુસાર તેઓ 1965માં અમદાવાદની બી.જે. મેડિકલ કૉલેજમાંથી સ્નાતક થયાં હતાં. તેમના પતિ ડૉ. અનિલને મેડિકલ કૉલેજમાં મળ્યાં હતાં.

1965ના યુદ્ધ પછી તરત જ ભારતીય સૈન્યની વિનંતીથી લતાબહેન અને ડૉ. અનિલની દેશની સેવા કરવાની ઇચ્છા જાગી અને બંને સેનામાં જોડાયાં હતાં. જ્યાં તેઓએ દોઢ વર્ષ સુધી કૅપ્ટન/મેડિકલ ઑફિસર તરીકે સેવા આપી હતી.

ડૉ. લતા અને અનિલ અનુક્રમે બાળરોગ અને જનરલ સર્જરીમાં પોસ્ટ-ગ્રૅજ્યુએશન પૂર્ણ કરવા કૉલેજમાં પાછાં ગયાં હતાં. ત્યાર બાદ, તેઓ ઉચ્ચ અભ્યાસ માટે યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (યુએસએ) ગયાં અને ત્યાં 1971 થી 1979 ની વચ્ચે રહ્યાં.

1980માં દેશની સેવા કરવાની ભાવના સાથે તેઓ યુએસએથી પાછા ફર્યાં અને પતિ અનિલભાઈ સાથે સ્વૈચ્છિક સંસ્થા 'સેવા રૂરલ' શરૂ કરી હતી.

line

ગાંધી અને વિવેકાનંદનાં જીવનમાંથી પ્રેરણા મળી

આદિવાસી વિસ્તારોમાં સેવા આપતાં પસાર કરી રહ્યાં છે જીવન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આદિવાસી વિસ્તારોમાં સેવા આપતાં પસાર કરી રહ્યાં છે જીવન

લતાબહેન ગાંધીજી અને સ્વામી વિવેદાનંદને પોતાના આદર્શ માને છે. સંસ્થાની શરૂઆત એક નાની હૉસ્પિટલથી થઈ હતી, બાદમાં આઉટરીચ આરોગ્ય સેવાઓ અને પછી મહિલાઓ અને યુવાનો માટે શૈક્ષણિક અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓ ઉમેરાયા. કાર્ય કદ અને પ્રતિષ્ઠામાં વધ્યું.

સંસ્થાને વિશ્વ આરોગ્ય સંસ્થા – વર્લ્ડ હેલ્થ ઑર્ગનાઇઝેશન(WHO) તરફથી 1985માં સાસાકાવા હેલ્થ પુરસ્કાર મળ્યો હતો.

ગુજરાત સરકાર દ્વારા 1989માં સેવા-રૂરલને સંપૂર્ણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આપવામાં આવ્યું હતું. આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસને લક્ષ્યમાં રાખીને, સેવા રૂરલે આરોગ્ય ઉપરાંત કૌશલ્ય વિકાસ, શિક્ષણ અને મહિલા સશક્તિકરણ જેવા કાર્યક્રમો પણ અમલમાં મૂક્યા છે.

સેવા રૂરલ પાસે 300 ફુલટાઇમ કર્મચારીઓ છે. સેવા રૂરલને ગ્રેટ પ્લૅસ ટુ વર્ક સંસ્થા દ્વારા "મહિલાઓ માટે કામ કરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ" તરીકે માન્યતા આપવામાં આવી છે.

આદિવાસી વિસ્તારમાં સેવા રૂરલનાં કામ જોઈએ તો, 250 ખાટલાની ધર્માદા હૉસ્પિટલ આસપાસના ગામડાંને માતા અને બાળ સંભાળ, આંખની સંભાળ, બિનચેપી રોગો અને સામાન્ય શસ્ત્રક્રિયા(ઑપરેશનો)ની સેવા આપે છે. કન્સલ્ટન્ટ સહિત 25 તબીબોની ટીમ ઝઘડિયા ગામમાં રહે છે. દર વર્ષે બે લાખ દર્દીઓ હૉસ્પિટલની સેવાઓનો લાભ લે છે.

સેવા રૂરલની ભગિની સંસ્થા શારદા મહિલા વિકાસ સોસાયટી (SMVS) છે. જેના દ્વારા મહિલા સશક્તિકરણ, સખી મંડળો વગેરે કાર્યરત્ છે. 40 વર્ષમાં સેવા રૂરલને 35થી વધુ ખિતાબ-સન્માન મળ્યાં છે.

શિક્ષણ અને સાહિત્ય સાથે સંકળાયેલાં ભરૂચનાં મીનળ દવેએ લતાબહેનને પદ્મશ્રી જાહેર થતાં સોશિયલ મીડિયા ફેસબુક પર એક પોસ્ટ મૂકી હતી.

જેમાં લખ્યું છે કે, "અમેરિકાની વૈભવી જીવનશૈલી ત્યજીને અનેક અભાવો વચ્ચે સેવા રૂરલની શરૂઆત કરી ત્યારે ન ફંડ હતું, ન સુવિધાઓ હતી. હતી હૈયે હામ અને સેવાની શુદ્ધ ભાવના. પરિણામે સહાય મળતી ગઈ, આરોગ્યની સાથે સ્થાનિક સ્તરે પર રોજગારી મળી શકે એના પ્રયત્નો શરૂ થયા."

"બહેનોને સ્વમાનભેર જીવી શકાય એ માટે તાલિમી કાર્યક્રમો આરંભ્યા."

"કિશોર કિશોરીઓ માટેના વિવિધ કૅમ્પની સાથે બાળકો માટે ટ્યુટોરિયલ્સ શરૂ કર્યા. નેત્ર રોગથી શરૂ કરીને તમામ પ્રકારની આરોગ્ય સુવિધા મળી શકે એવી અદ્યતન હૉસ્પિટલ અને એટલા જ નિષ્ણાત ડૉક્ટરો , અહીંની જ નર્સિંગ સ્કૂલમાં તૈયાર થયેલ સહાયક સ્ટાફ અને સેવાભાવી સાથીઓની ટીમને કારણે સેવા રૂરલ કામ કરવા માટેના ઉત્તમ સ્થળનો પુરસ્કાર સતત જીતતી રહી છે."

line

માલજી દેસાઈએ જીવનનાં છ દાયકા શિક્ષણ અને સેવામાં ખર્ચી નાખ્યા

માલજી દેસાઈએ શિક્ષણ - સેવાના ક્ષેત્રે તો કામ કર્યું છે ઉપરાંત, તેઓ 1975માં ચાણસમા તાલુકા પંચાયતનાં પ્રમુખ થયા હતા.

ઇમેજ સ્રોત, Maalji Desai

ઇમેજ કૅપ્શન, માલજી દેસાઈએ શિક્ષણ - સેવાના ક્ષેત્રે તો કામ કર્યું છે ઉપરાંત, તેઓ 1975માં ચાણસમા તાલુકા પંચાયતનાં પ્રમુખ થયા હતા.

ઉત્તર ગુજરાતના ગાંધીવિચારને વરેલા માલજી દેસાઈને પદ્મશ્રી સન્માન જાહેર થયું છે. 1938માં ચાણસમાના લણવા ગામે જન્મેલા માલજી દેસાઈ 1953-1954માં કૉંગ્રેસના સેવાદળમાં જોડાયા ત્યારથી જ જાહેર જીવનમાં છે.

મોટાભાઈના હુલામણા નામે જાણીતા માલજીભાઈએ ઉતર ગુજરાતમાં પછાત વર્ગના છાત્રાલયો, આશ્રમશાળાઓ, સર્વોદય, સહકારી સેવાઓ બુનિયાદી શિક્ષણ વિદ્યાલયો તેમજ ખાદી-ગ્રામોદ્યોગ એમ વિવિધ ક્ષેત્રે કામ કર્યું છે.

ખાસ કરીને વંચિત અને પછાત વર્ગનાં બાળકોનાં શિક્ષણ માટે તેમણે જે હાઇસ્કૂલો રચી તેની નોંધ વિશેષ લેવાય છે.

બીબીસી સાથે વાત કરતાં માલજીભાઈ કહે છે કે, "1964માં અમે ગાંધી આશ્રમ ભીલિયા ટ્રસ્ટની સ્થાપના કરી. 1966માં અમે ભીલીયામાં સ્કૂલ શરૂ કરી હતી. ધીમે-ધીમે સ્કૂલો વધતી ગઈ."

"1980 સુધીમાં અમે 25-30 હાઈસ્કૂલો ઊભી કરી દીધી હતી. હાલ અમારા વિસ્તારમાં ગાંધીઆશ્રમ દ્વારા દસેક હાઈસ્કૂલ કાર્યરત છે. બાકીની સ્કૂલો અમે જુદા-જુદા સ્થાનિક ટ્રસ્ટોને સંચાલનમાં આપી દીધી છે."

"શિક્ષણનું કામ મોટા પાયે થયું છે. આજે પણ અઢી હજાર બાળકો અમારા શિક્ષણનાં કેન્દ્રોમાં અભ્યાસ કરી રહ્યાં છે. તમામ શાળા ગ્રામ્ય વિસ્તારમાં છે."

પદ્મશ્રી સન્માન માટે તેમનું નામ જાહેર થયું છે, એના વિશે શું કહેશો?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

એ સવાલના જવાબમાં તેઓ કહે છે કે, "જેમણે મને જાહેરજીવનમાં આગળ વધવા માટે મદદ કરી તેમનો આભારી છું. જ્યારે જાહેર જીવનમાં આવ્યો ત્યારે કોઈ ખિતાબ - સન્માન વગેરેની અપેક્ષા નહોતી. જાહેર જીવનમાં કામ કરતા ગયા. સાચું કામ હોય એટલે લોકોને અનુભવ થાય. સરકાર અને અધિકારીઓની મદદ પણ મળતી ગઈ."

તમારી જેમ જાહેરજીવનમાં પ્રવેશવા માગતા યુવાઓને તમે શું કહેશો? એ સવાલના જવાબમાં માલજી દેસાઈ કહે છે કે, "જાહેરજીવનની જડીબુટ્ટી એ છે કે કેશ અને કૅરેક્ટર એટલે કે પૈસા અને ચારિત્ર્યનો વ્યવહાર બરાબર હોવો જોઈએ. મેં મારા જીવનમાં આ બાબતને અનુસરી છે. જેને લીધે લોકોનો સહયોગ સાંપડ્યો છે અને ઈચ્છ્યું તે મુજબ કામ થઈ શક્યું છે. મને પદ્મશ્રી જાહેર થયો એ માટે ભારત સરકારનો આભાર માનું છું કે મારા કામની નોંધ લેવાઈ."

line

કૉંગ્રેસી હોવા છતાં ભાજપ અને જનતા દળે પણ તેમને ખૂબ આદર આપ્યો

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

માલજી દેસાઈએ શિક્ષણ - સેવાના ક્ષેત્રે તો કામ કર્યું છે ઉપરાંત, તેઓ 1975માં ચાણસમા તાલુકા પંચાયતનાં પ્રમુખ થયા હતા.

રાજ્યના જળસંપત્તી નિગમના ચૅરમૅન તરીકે પણ માતબર સેવા આપી હતી. અને કૉંગ્રેસના ધારાસભ્ય પણ હતા.

1981થી 90 સુધી તેઓ રાજ્યના જળસંપતી નિગમના ચૅરમૅન હતા.

માધવસિંહ સોલંકી, ચીમનભાઈ પટેલ અને અમરસિંહ સોલંકીની સરકારમાં તેમણે કામ કર્યું હતું.

કૉંગ્રેસી હોવા છતાં તેમને દરેક પક્ષ અને સરકારે આદર આપ્યો છે.

માલજી દેસાઈ કહે છે કે, "માધવસિંહ સોલંકી રાજ્યના મુખ્ય મંત્રી હતા ત્યારે તેમણે મને જળસંપતી નિગમનો ચૅરમૅન બનાવ્યો હતો. નિગમના ચૅરમૅનની ત્રણ વર્ષની ટર્મ પૂરી થઈ એટલે અમરસિંહ ચૌધરીની સરકાર આવી. તેમણે મને વધુ ત્રણ વર્ષ ચૅરમૅન તરીકે રાખ્યો હતો. એ પછી ચીમનભાઈ પટેલની ભાજપ અને જનતા દળની સંયુક્ત સરકાર રચાઈ હતી. એ વખતે છ-આઠ મહિનાની મારી મુદ્દત બાકી હતી ત્યારે હું રાજીનામું આપવા ગયો હતો. ચીમનભાઈએ મને કહ્યું કે કેમ, ઘરે જવાની ઉતાવળ છે?

ત્યારે મેં કહ્યું કે હું તો કૉંગ્રેસ પક્ષની સરકાર દ્વારા આ જગ્યા પર નિમણૂક પામ્યો હતો. હવે કૉંગ્રેસની સરકાર નથી. સરકાર બદલાઈ ગઈ છે, તેથી મારી નૈતિક ફરજ છે કે રાજીનામું આપી દેવું જોઈએ. ચીમનભાઈએ કહ્યું કે, ના માલજીભાઈ હું તમને કહીશ કે તમારે ક્યારે જવાનું છે. એ વખતે કેશુભાઈ પટેલ જળસંપત્તી અને સિંચાઈ ખાતાના પ્રધાન હતા, છતાં તેમણે મારો છથી આઠ મહિનાનો પીરિયડ પૂરો થવા દીધો હતો. મુદ્દત પૂરી થયા પછી જ એ સ્થાન પર તેમણે બીજી નિમણૂક કરી હતી."

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો