ઉત્તર પ્રદેશની ચૂંટણીઃ ભાજપ, એસપી, અને બીએસપી માટે અનામત બેઠકો જીતવી મહત્ત્વની કેમ છે?
- લેેખક, અભિનવ ગોયલ
- પદ, બીબીસી સંવાદદાતા
ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં દરેક રાજકીય પાર્ટી માટે અનામત બેઠકોને ઘણી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. એનું કારણ એ છે કે છેલ્લી ત્રણ વિધાનસભા ચૂંટણીમાં જે પાર્ટી આ સીટો પર દાવ જીતી છે, એ જ પાર્ટીની સરકાર બની છે.

ઇમેજ સ્રોત, Getty Images
આ વખતની ચૂંટણીમાં પણ રાજ્યની 86 અનામત બેઠકો પર દરેક રાજકીય દળ પોતપોતાનાં સમીકરણો નક્કી કરવામાં વ્યસ્ત છે. પરંતુ સવાલ એ છે કે ઉત્તર પ્રદેશની અનામત સીટોનાં પરિણામનો ઇતિહાસ પુનરાવર્તિત થશે કે કેમ?
આ વખતની વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની કુલ 86 અનામત બેઠકોમાંથી 84 બેઠકો અનુસૂચિત જાતિઓ માટે છે. તો 2 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. આ બંને બેઠકો રાજ્યના દક્ષિણ-પૂર્વીય જિલ્લા સોનભદ્રની દુદ્ધી અને ઓબરાની છે.
આ બેઠકો માટે અત્યાર સુધીમાં લગભગ બધા રાજકીય પક્ષોએ પોતપોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.

સામાન્ય જાતિઓના મત અહીં નિર્ણાયક હોય છે

ઇમેજ સ્રોત, Getty Images
આમ જોવા જાઓ તો, અનામત સીટો માટે રાજકીય પક્ષોની રણનીતિ સામાન્ય સીટો કરતાં જુદી હોય છે, કેમ કે, આ સીટો પરના ઉમેદવાર ભલે અનુસૂચિત જાતિના હોય છે, પરંતુ લગભગ બધી જાતિઓના મતથી હાર-જીત નક્કી થાય છે.
આ વિશે વરિષ્ઠ પત્રકાર રામદત્ત ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, "અનામત બેઠકો પર બધા ઉમેદવારો અનુસૂચિત જાતિના હોય છે. એ જોતાં અનુસૂચિત જાતિઓના વોટ અહીં વહેંચાઈ જાય છે. એ સ્થિતિમાં ઉપલી જાતિઓના વોટ નિર્ણાયક બની જાય છે. પહેલાં એવું જોવા મળ્યું છે કે જે પાર્ટીની લહેર હોય, અનામત બેઠકો પર બીજી જાતિઓના વોટ પણ એ જ પાર્ટીના ખાતામાં પડે છે."
આવી સ્થિતિમાં અનામત સીટો પર બિન-અનુસૂચિત જાતિઓના મતોની બાબતે રાજકીય પાર્ટીઓની રણનીતિ થોડી જુદી હોય છે. તેઓ ઉમેદવારોની પસંદગીમાં એ વાતનું ખાસ ધ્યાન રાખે છે કે પોતાની જાતિ ઉપરાંત બીજી જાતિઓમાં એમનો કેટલો પ્રભાવ છે.
વરિષ્ઠ પત્રકાર યોગેશ મિશ્રએ જણાવ્યું કે, "અનામત સીટો પર સવર્ણ જાતિના વોટોનું વલણ જ ઉમેદવારની હાર કે જીત નક્કી કરે છે. એવું જોવા મળ્યું છે કે અનામત બેઠકો પર ઉપલી જાતિઓના મતદાતાઓ પાસે વિકલ્પ ઓછા હોય છે. એમના માટે ઉમેદવાર કરતાં પાર્ટી વધારે મહત્ત્વની હોય છે, જ્યારે સામાન્ય સીટો પર એવું નથી હોતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

અનામત બેઠકો નક્કી કરે છે કોની બનશે સરકાર!

ઇમેજ સ્રોત, Getty Images + BBC
છેલ્લી ત્રણ વિધાનસભા ચૂંટણીમાં અનામત સીટોનાં પરિણામોએ સરકાર બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આંકડા પણ આ વાતના પુરાવા છે.
2007માં રાજ્ય વિધાનસભાની 89 અનામત સીટોમાંથી 61 બેઠકો પર બહુજન સમાજ પાર્ટીએ જીત હાંસલ કરી હતી. અને રાજ્યની કુલ 403 સીટોમાંથી બસપાએ ત્યારે 206 સીટો પર જીત મેળવીને જરૂરી બહુમત સાથે પોતાના દમ પર સરકાર બનાવી હતી.
2012માં આ સ્થિતિ સમાજવાદી પાર્ટીના પક્ષમાં પલટાઈ ગઈ. એ ચૂંટણીમાં સપાએ કુલ 85 અનામત બેઠકોમાંથી 58 પર વિજય મેળવ્યો હતો. બીજી તરફ રાજ્યમાં કુલ 224 સીટો જીતીને સ્પષ્ટ બહુમત મેળવીને સપાની સાઇકલ લખનૌના સિંહાસને જઈ પહોંચી હતી.
2017ની વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો, અનામત સીટોએ ત્યારે પણ ઇતિહાસનું પુનરાવર્તન કર્યું હતું. એ ચૂંટણીમાં અનામત બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લહેરાયો હતો.
2017માં ભાજપે રાજ્યની કુલ 86 અનામત બેઠકોમાંથી 70 સીટો પર જીત મેળવી હતી અને ભાજપ રાજ્યમાં સરકાર બનાવવામાં કામિયાબ થયો હતો. એ ચૂંટણીમાં બીજેપીએ 309 સીટો પર વિજય હાંસલ કર્યો હતો.
આ આંકડાથી લાગે છે કે જે પાર્ટીએ અનામત સીટો પર મોટી લીડ મેળવી એણે જ લખનૌની સત્તા પર આસાન જમાવ્યું છે.

અનામત બેઠકો પર મહિલા ઉમેદવારોની સ્થિતિ

ઇમેજ સ્રોત, Hindustan Times
જોકે આ સીટો પર નજર નાખવાથી વધુ એક મહત્ત્વપૂર્ણ વાત સામે આવે છે. તે એ કે છેલ્લી ત્રણ ચૂંટણીઓમાં એવું જોવા મળ્યું છે કે અનામત સીટો પર મહિલા ઉમેદવારોના પક્ષમાં ખૂબ ઓછાં પરિણામ મળ્યાં છે.
વર્ષ 2007માં અનામત સીટો પર 8 મહિલાઓને સફળતા મળી હતી. તો, 2012માં માત્ર 12 અને 2017ની ચૂંટણીમાં 11 મહિલાઓએ જ જીત નોંધાવી હતી. આ રીતે, અનામત બેઠકો પર જીત મેળવનાર લગભગ 90 ટકા ઉમેદવાર પુરુષ રહ્યા છે.

આ ચૂંટણીમાં આ સીટો માટે શી છે રણનીતિ?

ઇમેજ સ્રોત, Getty Images
અનામત સીટો પર ટક્કર આપવા માટે બધી પાર્ટીઓ પોતપોતાની રણનીતિ તૈયાર કરી રહી છે. ખાસ કરીને બહુજન સમાજ પાર્ટીને આ સીટો પર મોટી આશા છે.
વરિષ્ઠ પત્રકાર રામદત્ત ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, "માયાવતી અનામત સીટો પર ખાસ ધ્યાન આપી રહ્યાં છે. એમણે પાર્ટીના વરિષ્ઠ નેતા સતીશચંદ્ર મિશ્રને અનામત સીટોવાળા વિસ્તારોની મુલાકાતે મોકલ્યા છે. પ્રયત્ન એવો કરાઈ રહ્યો છે કે અનુસૂચિત જાતિના મતો સિવાય ઉપલી જાતિના મતદાતાઓને પણ પોતાના તરફ કરી શકાય, ખાસ કરીને બ્રાહ્મણ સમુદાયને."
બીજી બાજુ, બીજેપી પણ અનામત સીટો માટે જાતિઓના ગણિતને નજરઅંદાજ નથી કરતી. હિન્દુ-મુસ્લિમ મતદાતાઓના ધ્રુવીકરણમાં અનુસૂચિત જાતિના વોટ ક્યાંક છટકી ન જાય એ માટે ઉમેદવારોની પસંદગીથી માંડીને બીજી જાતિઓના મતદાતાઓને પણ સંગઠિત કરાઈ રહ્યા છે.
વરિષ્ઠ પત્રકાર યોગેશ મિશ્રએ જણાવ્યું કે, "અનામત સીટો પર ઍન્ટિ-ઇન્કમ્બન્સીનો સીધો પ્રભાવ પડે છે. દરેક વિધાનસભા ચૂંટણીમાં જોવા મળ્યું છે કે અનામત સીટો પર સરકારવિરોધી લહેર રહી છે. એ જોતાં, બીજેપી સામે આ સીટો પર જીત પુનરાવર્તિત કરવી એ સૌથી મોટો પડકાર છે."
તો, સમાજવાદી પાર્ટી પણ આ સીટો પર પોતાની લીડ જાળવી રાખવા માટે કોઈ કસર નથી છોડતી.

કઈ રીતે નક્કી થાય છે અનામત બેઠકો?

ઇમેજ સ્રોત, Getty Images
લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1950ની કલમ 7 અનુસાર દરેક રાજ્યની વિધાનસભામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓની સીટોની સંખ્યા નક્કી કરવામાં આવે છે.
મતવિસ્તારોના સીમાંકન આદેશ, 1976 અનુસાર 2004માં અનુસૂચિત જાતિઓ માટે ઉત્તર પ્રદેશમાં 89 વિધાનસભા સીટો અનામત રાખવામાં આવી હતી. પરંતુ સીમાંકન આદેશ, 2008માં આ સંખ્યા ઘટાડીને 85 કરી દેવામાં આવી છે.
2012ની વિધાનસભા ચૂંટણી પછી સંસદમાં વટહુકમ દ્વારા સીમાંકન આદેશમાં સુધારો કરવામાં આવ્યો. એ મુજબ, ઉત્તર પ્રદેશમાં અનુસૂચિત જાતિઓ માટે 84 અને અનુસૂચિત જનજાતિઓ માટે 2 બેઠકો અનામત નક્કી કરવામાં આવી.
વરિષ્ઠ પત્રકાર યોગેશ મિશ્રએ જણાવ્યું કે, "ચૂંટણીમાં અનુસૂચિત જાતિઓ, જનજાતિઓને એમનું પ્રતિનિધિત્વ મળે એ માટે બંધારણમાં એની જોગવાઈ કરવામાં આવી. ઉદાહરણ તરીકે, હરદોઈ વિધાનસભા સીટ લઈએ. આ સીટ માટે લગભગ 55 હજાર બ્રાહ્મણ, 50 હજાર રાજપૂત, 40થી 50 હજાર વૈશ્ય અને લગભગ 1 લાખ દલિત મતદાતાઓ છે. એ જોતાં, આ સીટ અનામત થવી જોઈતી હતી, પરંતુ એવું નથી કરાયું."
એનું કારણ જણાવતાં મિશ્રએ કહ્યું કે, "વસતિના આધારે કોઈ પણ સીટને અનામત કક્ષામાં મૂકવી એ એકમાત્ર માપદંડ નથી. અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓની અનામત બેઠક નક્કી કરવા માટે ઘણી ફૉર્મ્યુલા ઉપયોગમાં લેવાય છે, જેમાંની વસતિ પણ એક છે."
એમ તો કઈ સીટ અનામત કક્ષામાં જશે અને કઈ નહીં, એમાં સમયસમયાંતરે પરિવર્તન થતું રહે છે.




આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













