પ્રજાસત્તાક દિન: આ વર્ષથી શું નવું કરશે મોદી સરકાર? નીરજ ચોપરા અને જનરલ બિપિન રાવત સન્માનિત, સવજી ધોળકિયા સહિત ગુજરાતથી સાતને પદ્મ પુરસ્કાર

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકાર દ્વારા પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે.

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી, જાહેરસેવા, વેપારઉદ્યોગ, સમાજસેવા, શિક્ષણ, સાહિત્ય અને રમતગમત ક્ષેત્રે અજોડ પ્રદાન આપનારા 128 નાગરિકોને આ પુરસ્કાર આપવામાં આવ્યા છે. જેમાં ચાર પદ્મ વિભૂષણ, 17 પદ્મભૂષણ તથા 107 પદ્મશ્રીનો સમાવેશ થાય છે.

દેશના પ્રથમ સીડીએસ (ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ) જનરલ બિપીન રાવત

ઇમેજ સ્રોત, Hindustan Times

ઇમેજ કૅપ્શન, દેશના પ્રથમ સીડીએસ (ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ) જનરલ બિપીન રાવતને મરણોપરાંત પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવશે.

ગુજરાતમાંથી એક પદ્મભૂષણ તથા છ અન્યોને પદ્મશ્રી પુરસ્કાર મળ્યા છે. કૉંગ્રેસના નેતા ગુલામ નબિ આઝાદ તથા ડાબેરી નેતા બાસુ ભટ્ટાચાર્યને પદ્મ ભૂષણ પુરસ્કાર જાહેર કરવામાં આવ્યા છે.

હેલિકૉપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામનારા દેશના પ્રથમ સીડીએસ (ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ) જનરલ બિપીન રાવત તથા રામમંદિર નિર્માણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા યુપીના પૂર્વ મુખ્ય મંત્રી કલ્યાણસિંહને મરણોપરાંત પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવશે.

દેવેન્દ્ર ઝઝરિયા (પદ્મ ભૂષણ) ઉપરાંત ઑલિમ્પિયન નિરજ ચોપરા તથા બોલિવૂડના ગાયક સોનુ નિગમને પણ પદ્મશ્રી જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર

સવજી ધોળકિયા

ઇમેજ સ્રોત, Twitter/Savji Dholakia

ઇમેજ કૅપ્શન, પોતાના કર્મચારીઓને ઘર, કાર અને બીજી લહાણીઓ કરવા બદલ ચર્ચામાં રહેતા મૂળ સૌરાષ્ટ્રના અને સુરતના હીરા ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયાએ કેટલાક સામાજિક કાર્યો માટે પણ પ્રદાન આપ્યું છે.

પ્રભા અત્રે (મહારાષ્ટ્ર)ને પદ્મવિભૂષણની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય દેશના પ્રથમ સીડીએસ જનરલ બિપીન રાવત, યુપીના પૂર્વ મુખ્ય મંત્રી કલ્યાણસિંહ તથા યુપીના રાધેશ્યામ ખેમકાને મરણોપરાંત પદ્મવિભૂષણની જાહેરાત રવામાં આવી છે.

સ્વામી સચ્ચીદાનંદને સાહિત્ય અને શિક્ષણક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન આપવા બદલ પદ્મ ભૂષણ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય ડૉ. લતા દેસાઈ (આરોગ્ય), કૉગ્રેસના નેતા માલજીભાઈ દેસાઈ (જાહેરસેવા), જયંતકુમાર વ્યાસ (વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી), સવજીભાઈ ધોળકિયા (સામાજિક કાર્યો) અને રમિલાબેન ગામિત (સામાજિક કાર્ય) માટે પદ્મશ્રીની જાહેરાત કરવામાં આવી છે.

પોતાના કર્મચારીઓને ઘર, કાર અને બીજી લહાણીઓ કરવા બદલ ચર્ચામાં રહેતા મૂળ સૌરાષ્ટ્રના અને સુરતના હીરા ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયાએ કેટલાક સામાજિક કાર્યો માટે પણ પ્રદાન આપ્યું છે.

આ સિવાય ખલીલ ધનતેજવીને મરણોપરાંત પદ્મશ્રીની જાહેરાત કરવામાં આવી છે. તેમને સાહિત્યક્ષેત્રે આપવામાં આવેલા પ્રદાન બદલ આ પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો છે.

ગુજરાત કૅડરના આઈએએસ (ઇન્ડિયન ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસ)ના ગુરૂપ્રસાદ મોહપાત્રાને મરણોપરાંત પદ્મશ્રી જાહેર કરવામાં આવ્યો છે.

કૉંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ તથા વરિષ્ઠ ડાબેરી નેતા બુદ્ધદેવ ભટ્ટાચાર્યને આપવામાં આવે છે. માઇક્રોસૉફ્ટના સત્યનારાયણ નદેલા તથા ગુગલના સુંદર પિચાઈને પદ્મભૂષણની જાહેરાત કરવામાં આવી છે.

દેશમાં કોવિડશિલ્ડનું નિર્માણ કરતી સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયાના સાયરસ પુનાવાલાને પણ પદ્મભૂષણ જાહેર કરવામાં આવ્યો છે.

ચાણક્ય સિરીયલના નિર્માતા તથા અભિનેતા ચંદ્રપ્રકાશ દ્વિવેદી, ગાયક સોનુ નિગમને પણ પદ્મશ્રીની જાહેરાત કરવામાં આવી છે.

ખલીલ ધનતેજવી

ઇમેજ સ્રોત, ketan majmudar dooto

ઇમેજ કૅપ્શન, ખલીલ ધનતેજવીને મરણોપરાંત પદ્મશ્રીની જાહેરાત કરવામાં આવી છે. તેમને સાહિત્યક્ષેત્રે આપવામાં આવેલા પ્રદાન બદલ આ પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો છે.

પદ્મવિભૂષણએ ભારતરત્ન પછી બીજો સર્વોચ્ચ નાગરિક સન્માન છે. જ્યારે પદ્મભૂષણ ત્રીજા અને પદ્મશ્રી ચોથા ક્રમાંકનો નાગરિક પુરસ્કાર છે. ભારતરત્ન તથા પદ્મવિભૂષણ 1954થી આપવામાં આવે છે, જ્યારે પદ્મ ભૂષણ અને પદ્મશ્રી 1955થી દર વર્ષે આપવામાં આવે છે.

આ માટે દેશભરમાંથી રાજ્ય સરકારો દ્વારા ભલામણો મોકલવામાં આવે છે. ઑનલાઇન ભલામણો પણ મંગાવવામાં આવે છે. દરવર્ષે વડા પ્રધાન દ્વારા દર વર્ષે કમિટીની નિમણૂક કરવામાં આવે છે, જેનું ગઠન વડા પ્રધાન દ્વારા કરવામાં આવે છે.

કૅબિનેટ સચિવ આ સમિતિની અધ્યક્ષતા કરે છે. આ સિવાય ગૃહસચિવ, રાષ્ટ્રપતિના સચિવ ઉપરાંત ચારથી છ અન્ય સભ્ય નિમવામાં આવે છે. આ ભલામણો વડા પ્રધાન તથા રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી માટે મોકલવામાં આવે છે.

રાષ્ટ્રપતિ દ્વારા દર વર્ષે આ નામો ઉપર મંજૂરીની મહોર મારવામાં આવે છે. કોઈ પણ વ્યવસાય, જાતિ, લિંગ, ધર્મ કે વંશના ભેદભાવ દ્વારા આ પુરસ્કાર આપવામાં આ છે. સામાન્ય રીતે મરણોપરાંત પુરસ્કારોની જાહેરાત કરવામાં નથી આવતી, પરંતુ અપવાદરૂપ સંજોગોમાં આપવામાં પણ આવે છે.

દર વર્ષે (મરણોપરાંત, વિદેશીઓ, બિનનિવાસી ભારતીયો, અને ભારતીય મૂળના નાગરિકોને બાકાત કરતા) 120થી વધુ આપી ન શકાય તથા ભારતરત્ન માટે ત્રણની ટોચમર્યાદા રાખવામાં આવી છે.

આ સિવાય જો બે વ્યક્તિને સંયુક્ત રીતે પદ્મપુરસ્કાર આપવામાં આવે તો પણ તેની ગણના એક પુરસ્કાર તરીકે જ કરવામાં આવે છે. સામાન્ય રીતે દર વર્ષે માર્ચથી એપ્રિલ મહિનામાં આ પુરસ્કાર એનાયત થાય છે.

line

આ વર્ષે ગણતંત્ર દિવસની ઉજવણીમાં શું નવું?

ગણતંત્ર દિવસની તૈયારી કરી રહેલા જવાનો

ઇમેજ સ્રોત, SAJJAD HUSSAIN

ઇમેજ કૅપ્શન, સૌથી મોટું પરિવર્તન એ આવ્યું છે કે ચાલુ વર્ષથી દર વર્ષે પ્રજાસત્તાક દિવસનો કાર્યક્રમ આઠ દિવસ ચાલશે.

સ્વતંત્રતાના 75મા વર્ષે ગણતંત્ર દિવસની ઊજવણીમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકાર દ્વારા 'આઝાદીનો અમૃત મહોત્સવ' ઊજવવામાં આવી રહ્યો છે અને એટલે જ ગણતંત્ર દિવસને વિશિષ્ટ બનાવવા માટે તમામ પ્રકારના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

સૌથી મોટું પરિવર્તન એ આવ્યું છે કે ચાલુ વર્ષથી દર વર્ષે પ્રજાસત્તાક દિવસનો કાર્યક્રમ આઠ દિવસ ચાલશે.

રાષ્ટ્રીય તહેવારની ઊજવણી હવે તા. 24મી જાન્યુઆરીના બદલે એક દિવસ વહેલાં સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતીથી શરૂ થશે અને તે ગાંધીજીની પુણ્યતિથિ (શહીદ દિવસ) એટલે કે 30મી જાન્યુઆરી સુધી ચાલશે.

પરિવર્તનનો પ્રવાહ

પરેડની શરૂઆત પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમર જવાન જ્યોતિ જવાને બદલે નેશનલ વૉર મૅમોરિયલ જશે.

ઇમેજ સ્રોત, TAUSEEF MUSTAFA

ઇમેજ કૅપ્શન, પરેડની શરૂઆત પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમર જવાન જ્યોતિ જવાને બદલે નેશનલ વૉર મૅમોરિયલ જશે.

1. ચાલુ વર્ષે મુખ્ય પરેડમાં 'શહીદોને શત શત નમન' કાર્યક્રમ એનસીસી (નેશનલ કૅડેટ કૉર) કૅડેટ દ્વારા રજૂ કરવામાં આવશે. વાયુદળના 75 વિમાન તથા હેલિકૉપ્ટર ફ્લાઇ પાસ્ટ કરશે. 'વંદે માતરમ્ નૃત્ય પ્રતિયોગિતા' દ્વારા દેશભરમાંથી ચૂંટાયેલા 480 કલાકાર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે. તા. 29મી જાન્યુઆરીએ 'બિટિંગ ધ રિટ્રીટ' પરેડ દરમિયાન ભારતમાં નિર્મિત એક હજાર ડ્રોન ભાગ લેશે.

2. હવેથી પરેડનો સમય સવારે 10 વાગ્યાના બદલે 10.30 વાગ્યાનો રહેશે. ગણતંત્ર દિવસ દરમિયાન શિયાળો હોવાને કારણે ધુમ્મસ રહે છે. જે થોડું ઓછું થઈ જાય અને પરેડ જોવા આવતા લોકોને પણ સવલત રહે.

3. કોરોનાને કારણે દર્શકોની સંખ્યામાં જંગી ઘટાડો નોંધાયો છે એટલે કેન્દ્ર સરકાર દ્વારા તેની વેબસાઇટ પર રજિસ્ટ્રેશનની સવલત આપવામાં આવી છે. લોકો આ સાઇટ ઉપર પરેડમાં ભાગ લેનારી ટુકડીઓના પ્રદર્શનને વોટ પણ કરી શકે છે.

4. ચાલુ વર્ષે બે ડોઝ લઈ ચુકેલા પુખ્તોને તથા એક ડોઝ લેનારા સગીરોને જ કાર્યક્રમમાં સામેલ થવાની મંજૂરી આપવામાં આવી છે. 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સામેલ થવાની મંજૂરી આપવામાં નથી આવી.

5. ડ્રાઇવર, રીક્ષાચાલક, શ્રમિક, સફાઈ કર્મચારી જેવા સમાજના નબળા તબક્કા તથા ફ્રન્ટલાઇન હેલ્થવર્કર પરેડને જોઈ શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

6. પરેડની શરૂઆત પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમર જવાન જ્યોતિ જવાને બદલે નેશનલ વૉર મૅમોરિયલ જશે.

7. ચાલુ વર્ષે ગણતંત્ર દિવસની પરેડમાં 12 રાજ્યના (અને કેન્દ્રશાસિત પ્રદેશ) ઉપરાંત નવ કેન્દ્રીય મંત્રાલયોના ટૅબ્લો પ્રદર્શિત કરવામાં આવશે.

line

ભારતમાં ભ્રષ્ટાચાર કેટલો ? ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલે બહાર પાડ્યો અહેવાલ

ભ્રષ્ટાચારની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સંસ્થાનું કહેવું છે કે વિશ્વમાં માનવ અધિકારો તથા લોકશાહી જોખમમાં છે.

ભ્રષ્ટાચાર અને પારદર્શકતા ક્ષેત્રે કામ કરતી દુનિયાની વિખ્યાત સંસ્થા 'ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ' દ્વારા મંગળવારે 'કરપ્શન પર્સેપ્શન ઇન્ડેક્સ' રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં દુનિયાના 180 દેશમાં પ્રવર્તમાન ભ્રષ્ટાચાર અંગે છણાવાટ કરવામાં આવી છે.

ટ્વિટર રિપોર્ટ મૂકતાની સાથે સંસ્થાએ સરકારોને સંબોધતા લખ્યું, "મીડિયા સંસ્થાઓ તથા એનજીઓ (નૉન-ગવર્નમેન્ટ ઑર્ગેનાઇઝેશન, સ્વૈચ્છિક સંસ્થાઓ)ને બંધ કરવાથી, માનવઅધિકાર માટે લડનારાઓ તથા ખોટા કામોનો વિરોધ કરવાથી, નેતાઓ તથા પત્રકારોની જાસૂસી કરવાથી તમારા દેશનો કરપ્શન પર્સેપ્શન ઇન્ડેક્સ સુધરશે નથી. તમારે આનાથી વિપરીત પ્રયાસ કરવા પડશે."

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

આ યાદીમાં ભારતનો ક્રમ એક અંક ઉપર આવ્યો છે અને તે 85મા ક્રમાંક પર પહોંચ્યું છે.

જોકે, 100 અંકમાંથી મળતા ગુણમાં કોઈ ફેરફાર નથી થયો અને તે 40 જ રહેવા પામ્યો છે. ભારત સરકાર પર મીડિયા તથા એનજીઓ ઉપર નિયંત્રણો લાદવાના તથા પત્રકારો ઉપરાંત અન્ય હસ્તીઓની જાસૂસી કરવાના આરોપ લાગતા રહે છે.

પાડોશી દેશ પાકિસ્તાનનું રેન્કિંગ ઘટ્યું છે, જે 124થી ગગડીને 140 ઉપર પહોંચી ગયું છે.

વિશ્વના ટોપ-5 દેશમાં અનુક્રમે ડેનમાર્ક, ફિનલૅન્ડ, ન્યૂઝીલૅન્ડ, નૉર્વે તથા સિંગાપોરનો સમાવેશ થાય છે.

આ યાદીમાં સુડાનને સૌથી નીચે મૂકવામાં આવ્યું છે. સીરિયા, સોમાલિયા,વેનેઝુએલા તથા યમનનો સમાવેશ તળિયાના દેશોમાં થાય છે.

સંસ્થાનું કહેવું છે કે, "કોરોનાને કારણે ભ્રષ્ટાચારમાં કોઈ ફેરફાર નથી આવ્યો અને તે અગાઉની જેમ જ પ્રવર્તમાન છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, તમામ પ્રકારના વાયદા અને ચર્ચા છતાં છેલ્લા એક દાયકા દરમિયાન દુનિયાના 131 દેશોએ ભ્રષ્ટાચારને પહોંચી વળવાની દિશામાં ખાસ પ્રગતિ નથી કરી."

સંસ્થાનું કહેવું છે કે "વિશ્વમાં માનવ અધિકારો તથા લોકશાહી જોખમમાં છે. આ રિપોર્ટ મુજબ, દુનિયાના બે તૃતીયાંશ દેશોને 50 ટકા કરતાં ઓછા અંક મળ્યા છે."

line

ભાજપમાં સામેલ થયેલા આરપીએન સિંહે કહ્યું- 'કૉંગ્રેસ ન પહેલાં જેવી પાર્ટી છે, ન તો તેના વિચારો એ રહ્યા'

આરપીએન સિંહ ભાજપમાં જોડાયા ત્યારે

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, આરપીએન સિંહ કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા

ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ પૂર્વ કેન્દ્રીય મંત્રી આરપીએન સિંહે કહ્યું છે કે તેમણે કૉંગ્રેસ પાર્ટીમાં બહુ મહેનત સાથે કામ કર્યું પરંતુ કૉંગ્રેસ હવે પહેલાં જેવી પાર્ટી નથી રહી અને ન તો તેની વિચારસરણ પહેલાં જેવી છે.

તેમણે ભાજપમાં સામેલ થયા પછી પ્રેસ કૉન્ફરન્સમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વનાં વખાણ કર્યાં અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અમિત શાહનો પણ આભાર વ્યક્ત કર્યો.

તેમણે કહ્યું કે લોકો બહુ પહેલાથી કહેતા હતા કે તમે ભાજપમાં કેમ નથી જતા. આરપીએન સિંહે કહ્યું કે, "ભલે મોડા પડ્યા પણ સાચા ઠેકાણે પહોંચી ગયા."

તેમણે યુપીની યોગી સરકારનાં વખાણ કર્યાં અને કહ્યું કે ડબલ એન્જિનની સરકારે સારું કામ કર્યું છે.

આ અવસર દિલ્હીના ભાજપ મુખ્યાલયમાં ભાજપના યુપી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, અનુરાગ ઠાકુર, ઉત્તર પ્રદેશના ઉપમુખ્ય મંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, ઉત્તર પ્રદેશ ભાજપના અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહ પણ હાજર હતા.

line

અમેરિકા-કૅનેડા બોર્ડર પરથી વધુ ત્રણ ભારતીય પરિવારો લાપતા

પ્રતીકાત્મક તસવીર
ઇમેજ કૅપ્શન, બરફમાંથી મૃતદેહો શોધવાની પોલીસની કવાયતની તસવીર

કૅનેડાની પોલીસને ગત બુધવારે અમેરિકાની સરહદ નજીક આવેલા વિશાળ મેદાનમાં એક નવજાત સહિત ચારના મૃતદેહ મળ્યા છે.

અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે, આ તમામનાં મૃત્યુ બુધવારે -35 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને ઠંડી હવામાં ઠરી જવાથી થયાં હતાં.

જોકે, લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસાડવા માટેની ઘટનાની તપાસ દરમિયાન અનેક ખુલાસાઓ સામે આવી રહ્યાં છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, મૃતક પટેલ પરિવાર જે એજન્ટ મારફતે ત્યાં ગયો હતો. તે એજન્ટે છેલ્લા ત્રણ વર્ષમાં દસ ભારતીય પરિવારોને બોર્ડર પાર કરાવી હતી.

જોકે, આ દસ પરિવારો પૈકી ત્રણ પરિવારો હજુ સુધી લાપતા છે અને તેમનો પરિવાર સાથે કોઈ સંપર્ક પણ થયો નથી.

ઉલ્લેખનીય ગાંધીનગરનાં કલોલ તાલુકામાં આવેલા ડીંગુચા ગામે રહેતા જગદિશ પટેલ, તેમના પત્ની અને બે બાળકોનાં મૃતદેહ ગત બુધવારે કૅનેડિયન પોલીસને મળી આવ્યા હતા. જોકે, આ બાબતે ગુજરાત સરકાર કે ભારત સરકાર તરફથી ઓળખ અંગેની પુષ્ટિ કરાઈ નથી.

આ ઘટના બાદ લોકોને ગેરકાયદેસર રીતે ભારતમાંથી વિદેશ મોકલનાર લોકોને શોધવા વિરુદ્ધ સીઆઈડી ક્રાઇમે તપાસ શરૂ કરી દીધી છે.

ગત ગુરુવારે જારી કરાયેલા નિવેદનમાં મિનેસોટામાં અમેરિકાના ફેડરલ અધિકારીઓએ ફ્લોરિડાના રહેવાસી સ્ટિવ શૅન્ડ નામની 47 વર્ષીય વ્યક્તિ સામે માનવતસ્કરીનો ગુનો દાખલ કર્યો હતો.

અધિકારીઓએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, શૅન્ડ બૉર્ડરના ગ્રામીણ વિસ્તારમાં 15 પૅસેન્જરવાળી વાન ડ્રાઇવ કરતા પકડાયા હતા. તેમની પાસે ભોજન અને પાણી પણ હતાં. તેમની સાથે મળી આવેલા બે મુસાફરો દસ્તાવેજ વગરના ભારતીયો હતા.

આ તમામ લોકોને જ્યારે બૉર્ડર પેટ્રોલ સ્ટેશને લઈ જવાઈ રહ્યા હતા, ત્યારે અમેરિકાના એજન્ટોને ભારતીય નાગરિકોનો એક સમૂહ અચાનક મળી આવ્યો. જેમણે એજન્ટોને જણાવ્યું કે તેઓ 11 કલાકથી ચાલી રહ્યા છે અને કોઈ તેમને લેવા આવે તેની રાહ જોઈ રહ્યા છે.

આ વ્યક્તિઓ પૈકી એકની બૅગમાં બાળકનાં કપડાં, રમકડાં અને દવા હતી. તેમણે કહ્યું કે તેઓ આ સામાન ચાર વ્યક્તિના પરિવાર માટે લઈને ચાલી રહ્યા હતા, પરંતુ રાત્રે તેઓ વિખૂટા પડી ગયા હતા.

આ ચાર લોકો બાદમાં જગદીશ પટેલ અને તેમનો પરિવાર હોવાનું સામે આવ્યું હતું. જોકે, સત્તાવાર રીતે હજી આ પરિવાર લાપતા છે અને તેમની ઓળખ અંગે સરકારે કોઈ પુષ્ટિ કરી નથી.

line

રાજ્યમાં બે દિવસમાં 10 હજાર કોરોના કેસ ઘટ્યા

રાજ્યમાં સોમવારે કોરોનાથી 25 દર્દીઓનાં મૃત્યુ નીપજ્યાં છે. આ આંકડો 29 મે 2021 બાદ સૌથી વધારે જોવા મળ્યો હતો.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાજ્યમાં સોમવારે કોરોનાથી 25 દર્દીઓનાં મૃત્યુ નીપજ્યાં છે. આ આંકડો 29 મે 2021 બાદ સૌથી વધારે જોવા મળ્યો હતો. તસવીર પ્રતીકાત્મક

ગુજરાતમાં દૈનિક કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા બે દિવસમાં દૈનિક કોરોના કેસની સંખ્યામાં દસ હજાર સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, ગત 22 જાન્યુઆરીએ રાજ્યમાં 23,150 નવા કેસ નોંધાયા હતા. જેનાં બે દિવસ પછી એટલે કે સોમવારે 13,805 નવા કેસ નોંધાયા હતા.

જોકે, રાજ્યમાં સોમવારે કોરોનાથી 25 દર્દીઓનાં મૃત્યુ નીપજ્યાં છે. આ આંકડો 29 મે 2021 બાદ સૌથી વધારે જોવા મળ્યો હતો.

જ્યારે સાપ્તાહિક પૉઝિટિવિટી રેટ (ટીપીઆર) માં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેનું કારણ છે કે 12 જિલ્લાઓમાં ટીપીઆર 10 ટકાથી વધારે છે. જ્યારે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં તે 20 ટકાથી વધારે છે.

line

યુક્રેન સંકટ: અમેરિકન સૈનિકો હાઈ ઍલર્ટ પર

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

પૅન્ટાગનનું કહેવું છે કે યુક્રેનની સીમા પર વધી રહેલા તણાવને જોતા યુદ્ધ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર અંદાજે 8,500 સૈનિકોને હાઈ ઍલર્ટ પર રાખવામાં આવ્યા છે.

આ સૈનિકો શૉર્ટ નોટિસ પર તહેનાતી માટે તૈયાર છે.

જોકે, એક તરફ જ્યાં અમેરિકા યુદ્ધ માટે દરેક રીતે તૈયારી કરી રહ્યું છે, ત્યાં જ રશિયા ઘણા સમયથી દાવો કરતું આવે છે કે તેમની યુક્રેન પર આક્રમણ કરવાની કોઈ યોજના નથી.

રશિયાએ દાવો કર્યો હોવા છતાંય યુક્રેનની સીમાઓ પર અંદાજે એક લાખ રશિયન સૈનિકો તહેનાત છે.

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને સોમવારે પોતાના યુરોપીયન સહયોગી દેશો સાથે વીડિયો કૉન્ફરન્સિંગનાં માધ્યમથી વાત કરી હતી.

પશ્ચિમી દેશોએ યુક્રેન મામલે રશિયા વિરુદ્ધ એક રણનીતિનું પાલન કરવાનો નિર્ણય કર્યો છે.

જોકે, પૅન્ટાગને એ પણ સ્પષ્ટતા કરી છે કે, હાઈ ઍલર્ટ પર રાખવામાં આવેલા આ સૈનિકોની તહેનાતીને લઈને કોઈ નિર્ણય કરાયો નથી.

નેટોનાં કેટલાક સભ્ય દેશો જેવા કે ડેનમાર્ક, સ્પેન, ફ્રાન્સ તેમજ નૅધરલૅન્ડ્સ આ ક્ષેત્રમાં રક્ષાતંત્રને મજબૂત કરવા માટે પૂર્વ યુરોપમાં ફાઇટર જેટ સહિતની સામગ્રીઓ મોકલવાનું વિચારી રહ્યાં છે.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો