પોલીસ ગ્રે-પેડ આંદોલન : 'નોકરી'માં માતા ગુમાવી હવે કૅન્સરગ્રસ્ત બાપ ગુમાવવા નથી માગતો, ગુજરાતના કૉન્સ્ટેબલની વ્યથા

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"કોરોનામાં લોકોની સેવા કરી, પોલીસની નોકરી કરતાં ક્યાંકથી હું કોરોનાનો ચેપ લઈને આવ્યો હોઈશ. એટલે જ મારી માને કોરોના થયો. તેમને અંતે ના હૉસ્પિટલમાં પથારી મળી, ના ઑક્સિજન. અને આ અભાવમાં જ મેં મારી મા ગુમાવી."

"હવે પિતાને કૅન્સર થયું છે ત્યારે હું નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ માગું છું. તેવા સમયે પોલીસ આંદોલનના નામે મારી સામે શિસ્તભંગનાં પગલાં લઈ બદલી કરે છે, મને નોકરીમાંથી છૂટા પણ નથી કરતા."

નિવૃત્ત PSIના પુત્ર પોલીસ કૉન્સ્ટેબલ નરેન્દ્રસિંહ પરમારની વ્યથાના પડઘા તેમના આ શબ્દોમાં પડે છે.

કૅન્સરગ્રસ્ત પિતા સાથે પોલીસકર્મી નરેન્દ્રસિંહ પરમાર

ઇમેજ સ્રોત, Julie Rupali/Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, કૅન્સરગ્રસ્ત પિતા સાથે પોલીસકર્મી નરેન્દ્રસિંહ પરમાર

નરેન્દ્રસિંહ પરમાર હિંમતનગરના જાદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, કોરોનાની બીજી લહેરમાં તેમણે પોતાનાં માતા જશીબા પરમારને કોરોનામાં ગુમાવ્યાં હતાં.

નરેન્દ્રસિંહ પરમાર બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં પોતાની પારિવારિક પૃષ્ઠભૂમિ અંગે જણાવતાં કહે છે કે, "મારા પિતાએ ઘરમાં છોકરાઓ પર ધ્યાન આપવાને બદલે પોતાની નોકરી સંભાળી એમના માટે ઘર કરતાં વધુ અગત્યનું લોકોની સેવા કરવાનું હતું. જ્યારે મારી માતાએ ઘર સંભાળ્યું."

"છોકરાઓને મોટા કર્યા, મારા પિતા પ્રામાણિક પોલીસ કર્મચારી હતા એટલે અમે અમારું નાનપણ પણ પોલીસ ક્વાર્ટરમાં પસાર કર્યું, મારા પિતા મારા માટે આદર્શ છે એટલે મેં પણ પોલીસમાં નોકરી કરવાનું નક્કી કર્યું અને 2001માં હું પોલીસમાં જોડાયો."

line

'કોરોનામાં કરી અવિરત સેવા'

પોલીસકર્મી નરેન્દ્રસિંહ પરમાર પોલીસ ગ્રેડ-પે આંદોલન સમયે આંદોલનકારી પોલીસપરિવારોની સેવા કરી હતી

ઇમેજ સ્રોત, Julie Rupali/Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, પોલીસકર્મી નરેન્દ્રસિંહ પરમાર પોલીસ ગ્રેડ-પે આંદોલન સમયે આંદોલનકારી પોલીસપરિવારોની સેવા કરી હતી

નરેન્દ્રસિંહ કહે છે કે હું નોકરી કરતો હતો ત્યારે મારા પિતા નિવૃત્ત થયા એટલે એમની અને મારી માતાની ઇચ્છા પ્રમાણે અમે હિંમતનગર આવ્યાં અને મેં મારી બદલી પણ અમદાવાદથી હિંમતનગર કરાવી.

"અહીં બધું સારું હતું . કોરોનામાં મારા પિતા કોયસિંઘ અને મારી માતા જશીબા મને ફરજિયાત નોકરીએ મોકલતા. જે સમયે લૉકડાઉનમાં લોકો બાળકો સાથે ચાલતાં ચાલતાં રાજસ્થાન જતા હતા ત્યારે મારું હૃદય કંપી ઊઠ્યું. મારી માતા અને અમારા રાજપૂત સમાજના લોકોએ ભેગા થઈ અનાજ એકઠું કર્યું અને બાળકો સાથે રાજસ્થાન તરફ ચાલતા જતા ગરીબ લોકોને જમવાનું આપ્યું."

"મારો પરિવાર એ સમયે લોકોને ભોજન આપવા જતો હું પણ નોકરી પત્યા પછી લોકોની મદદે જતો હતો .લોકો અમને કહેતા કે તમને કોરોના થશે પણ મારી માતા જશીબા કહેતાં કે માતાજીના આશીર્વાદથી કઈ થવાનું નથી અને કંઈ ના થયું."

નરેન્દ્રસિંહ આગળ કહે છે કે કોરોનાની બીજી લહેર આવી ત્યારે તેઓ નોકરી પર હતા ઘરબાર જોયા વગર કામ કરતા. એ સમયે એમનાં માતાપિતા ઉંમરલાયક હોવાથી ઘરની બહાર પણ જતાં નહોતાં. માત્ર તેઓ પોલીસની નોકરી માટે જતા.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

"ભગવાન જાણે ક્યાંથી કોરોનાનો ચેપ મારી માતાને લાગ્યો, એ વખતે હૉસ્પિટલમાં ક્યાંય જગ્યા નહોતી, ઑક્સિજન મળતો ન હતો, રેમડેસિવિર મળતી ન હતી લોકોને મદદ કરનાર હું લાચાર હતો, પોલીસવાળા તરીકે ઘણા લોકોને મદદ કરી હતી. હૉસ્પિટલમાં દાખલ કરાવ્યા હોય, ઓક્સિજન અપાવ્યો હોય પણ મારી માતા માટે હું કંઈ ના કરી શક્યો."

"ઓક્સિજનની જરૂર હતી અને 12 કલાકે ખાનગી જગ્યાએથી વ્યવસ્થા થઈ એ પહેલાં મારી માતાએ દેહ છોડી દીધો, મારું મન પોલીસની નોકરીમાંથી ઊઠી ગયું, મેં નક્કી કર્યું કે લોકોની સેવા કરવી. એટલે મેં 23 મે 2021ના દિવસે સ્વૈચ્છિક નિવૃત્તિની માગણી કરી મારી માતાના નામે ટ્રસ્ટ બનાવી સેવા કરવાનું શરૂ કર્યું.”

એ સમયે તેમના ઉપરી અધિકારીએ તેમને કહ્યું કે તમારી માતાના અવસાન પછી મન વ્યગ્ર છે એટલે ડિસેમ્બર 2021માં સ્વૈચ્છિક નિવૃત્તિની તારીખ રાખવી.

તેમણે પણ વાત માની લીધી. નોકરીની સાથોસાથ તેઓ લોકોની સેવાનું કામ કરતા હતા. આ સમય દરમિયાન દુર્ભાગ્યે તેમના પિતાને આંતરડાનું કૅન્સર ડિટેકટ થયું .

line

'પોલીસ આંદોલનને સમર્થનની મળી સજા'

અમદાવાદ

ઇમેજ સ્રોત, Julie Rupali/Bhargav Parikh

તેમણે પોલીસ આંદોલનમાં ભાગ લેવા બદલ પોતાની સાથે થઈ રહેલા અળખામણા વર્તન અંગે વાત કરતાં કહ્યું કે માતાને ગુમાવ્યાં પછી તેઓ તેમના પિતાને ગુમાવવા માગતા ન હતા તેથી તેમણે તેમની સારવાર અમદાવાદમાં શરૂ કરાવી.

નરેન્દ્રસિંહ એ સમયે પોતે ભજવેલી ભૂમિકા અને પોતાની સાથે થઈ રહેલા વર્તન અંગે વાત કરતાં કહે છે કે, "એ સમયે પોલીસનું ગ્રેડ-પેનું આંદોલન શરૂ થયું, પોલીસ કર્મચારીઓની વેદના હું જાણતો હતો એટલે મેં એમને સમર્થન આપ્યું."

"પોલીસ આંદોલન ના કરી શકે એટલે એમની પત્નીઓ બાળકો સાથે ગાંધીનગરમાં ધરણા પર બેઠી હતી. મેં એમના ભોજનની વ્યવસ્થા કરી. કારણકે પોલીસનો કોઈ પણ કર્મચારી મારો પરિવાર હતો."

"મને પોલીસ આંદોલનમાં જોડાવવાની સજા મળી, સરકારે આંદોલનકારીઓ સામે પગલાં નહીં લેવાની બાંહેધરી છતાં મારી બદલી પોરબંદર કરી દેવામાં આવી અને મારી સ્વૈચ્છિક નિવૃત્તિની અરજી નકારી દેવાઈ."

તેઓ પોતે વેઠવી પડી રહેલી મુશ્કેલીઓ અંગે વાત કરતાં કહે છે કે, "મેં મારા પિતાની સારવાર માટે રજા માગી તો મને પરેશાન કરવામાં આવે છે. જાતભાતના કેસ કરવામાં આવે છે."

"મેં સોશિયલ મીડિયા પર મારી વાત મૂકી તો નવો કેસ કરવામાં આવ્યો. આજીવન પોલીસની સેવા કરનાર મારા પિતાને કૅન્સરની બીમારી હોવા છતાં મને એમની સેવા કરવા નથી મળતી. મારે નોકરી કરવી નથી છતાં મેં પોલીસ આંદોલનમાં મારા પોલીસભાઈઓને મદદ કરી એની મને સજા મળી રહી છે."

line

અન્ય આંદોલનકારી પોલીસની પણ થઈ દુર્દશા?

અમદાવાદ

ઇમેજ સ્રોત, Julie Rupali/Bhargav Parikh

આવી જ ફરિયાદ અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં કૉન્સ્ટેબલ તરીકે કામ કરતાં નીલમ મકવાણાએ સોશિયલ મીડિયાનો આશરો લઈને કરી છે, પરંતુ સોશિયલ મીડિયા પર આવ્યા પછી એમની બદલી થઈ ગઈ છે જેના કારણે તેમણે પોતાની તકલીફ વિશે વાત કરવાનો ઇનકાર કર્યો હતો.

તો આવી જ રીતે ઉત્તર ગુજરાતમાં પોલીસ આંદોલનમાં આગેવાન તરીકે કામ કરનાર એક કૉન્સ્ટેબલની બદલી અચાનક કચ્છના નાનકડા ગામમાં કરવામાં આવી છે.

એમનાં પત્ની બીમાર છે, પરંતુ બાળકના ભણતરને કારણે એમને પોતાની પાસે બોલાવી શકે એમ નથી.

આ પોલીસ કર્મચારીએ પોતાનું નામ જાહેર નહીં કરવાની શરતે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "ગ્રેડ-પે આંદોલનમાં વૉટ્સઍપ ગ્રૂપમાં આંદોલન ચલાવ્યું. આંદોલનમાં સક્રિય હતો એટલે મારી બદલી કચ્છના ગામડામાં કરવામાં આવી છે. જ્યાં મોબાઇલનું નેટવર્ક પણ નથી આવતું."

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

"19,500 રૂપિયાના પગારમાં મારે અહીં કચ્છમાં રહેવાનું અને મારા બાળકના ભણતરનો ખર્ચ કાઢવાનો તેમજ મારી પત્નીની બીમારીનો ખર્ચ ઉઠાવવાનો. કેવી રીતે જીવવું ખબર નથી પડતી?"

"મારી જેમ 16 પોલીસ કૉન્સ્ટેબલની આવી રીતે બદલીઓ કરાઈ છે એનું કારણ એ જ છે કે અમે બધાએ પોલીસ ગ્રેડ-પે આંદોલનમાં ભાગ લીધો હતો, આંદોલનકારી પોલીસ કૉન્સ્ટેબલોની જે હાલત થઈ છે એ જોયા પછી કોઈ પોલીસ કર્મચારી હવે અમને ન્યાય અપાવવા આગળ આવવા તૈયાર નથી. અન્યાયનો ભોગ બનનાર લોકોના હકની માગ ઉઠાવનાર પોલીસને પોતાનો હક માગવાનો અધિકાર નથી?"

આ સમગ્ર વિવાદ અંગે બીબીસી ગુજરાતીએ ગુજરાતના પોલીસવડા આશિષ ભાટિયાનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું કે પોલીસ શિસ્તબદ્ધ કૅડર છે. એમને એમના ફોરમમાં પોતાના પ્રશ્નોની રજૂઆત કરવી જોઈએ.

"એમની સમસ્યા માટે ગૃહવિભાગ સંવેદનશીલ છે, ગૃહમંત્રી સહિત દરેક લોકોએ એમના પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી છે. ગ્રેડ-પેના મામલાનું નિરાકરણ લાવવા સમિતિની રચના કરવામાં આવી છે જેમના રિપોર્ટના આધારે કાર્યવાહી થઈ રહી છે. ત્યારે આ પ્રકારે સોશિયલ મીડિયામાં પોલીસના બીજા કર્મચારીઓને ઉશ્કેરનાર સામે ખાતાકીય પગલાં લેવાયાં છે."

આશિષ ભાટિયાના કહેવા અનુસાર, પોલીસની બદલીની જે વાત છે તે તો રૂટિન કાર્યવાહી છે. કોઈ પૂર્વગ્રહથી કાર્યવાહી કરવામાં નથી આવી. શિસ્તભંગ કરનાર કર્મચારી સામે પગલાં લેવાશે.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો