Budget 2022 : પાંચ રાજ્યોની ચૂંટણી પહેલાં રજૂ થઈ રહેલા બજેટમાં રાહતની આશા કેટલી ફળશે?

    • લેેખક, આલોક જોશી
    • પદ, અર્થશાસ્ત્રી, બીબીસી ગુજરાતી માટે

હજારોં ખ્વાહિશ ઐસી કી હર ખ્વાહિશ પે દમ નીકલે…

આમ તો કોઈ પણ બજેટની વાત આ પંક્તિથી શરૂ થઈ શકે, પરંતુ આ વખતની વાત જ કંઈક જુદી છે. કેમ કે, જેટલી આશા-અપેક્ષા છે એનાથી ક્યાંય વધારે મજબૂરીઓ છે.

સરકારને પણ ખબર છે કે બધી જગાએ લોકોને કંઈક ને કંઈક જોઈએ છે. અને જે લોકો બીજાને આપવાની સ્થિતિમાં છે એમને પણ સરકાર પાસેથી ઘણું બધું જોઈએ છે.

બજેટ

ઇમેજ સ્રોત, Getty Images

નાણામંત્રી સામે પડકાર એ જ છે કે બધાની અપેક્ષાઓ કઈ રીતે પૂરી કરે અને જેમની પૂરી ના કરી શકાય એમને શું સમજાવે?

બાકીનાઓને તો જાણે સમજાવી પણ લે, પરંતુ જે પાંચ રાજ્યોમાં ચૂંટણી માથા પર છે ત્યાંના લોકોને સમજાવવાનો પ્રયાસ મોંઘો પણ પડી શકે એમ છે.

બજેટ અને રાજકારણનો સંબંધ સમજનારા વિદ્વાનોનું માનવું છે કે લોકસભાની ચૂંટણી ભલે ને હજુ બે વર્ષ પછી છે, પરંતુ આ પાંચ રાજ્યો-ખાસ કરીને બરાબર ઉત્તર પ્રદેશ-ની ચૂંટણીની પહેલાં જે બજેટ રજૂ થવાનું છે એણે કોઈ પણ સંજોગોમાં ચૂંટણીલક્ષી બજેટ તો બનવું જ પડશે.

ચૂંટણીલક્ષી બજેટનું જ બીજું નામ છે, લોક લોભામણું બજેટ. એટલે કે, જનતાને માટે એવી યોજનાઓ અને એવી ઘોષણાઓ જેને સાંભળીને એમનું મન ખુશખુશાલ થઈ જાય.

દેખીતું છે કે, બધાં વર્ગોને લલચાવવાની કોશિશ થશે. ખાસ કરીને એમને જેઓ પોતાની નારાજગી દર્શાવી ચૂક્યાં છે અને તાકાતનો પરચો કરાવી ચૂક્યાં છે.

અને એમને પણ, જેમની ગણના ચૂંટણીપરિણામો માટે મહત્ત્વની ભૂમિકા ભજવવામાં છે.

હવે તમે ગણી લો, ખેડૂત, ગ્રામીણ, યુવાઓ, ગરીબ, મહિલાઓ, દલિત, પછાત, અતિપછાત, સવર્ણો, સરકારી કર્મચારી, નાના ધંધાર્થી, મોટા વેપારી, નાનામોટા ઉદ્યોગપતિ - આવા ઘણા વર્ગો છે જેમને વોટબૅન્ક તરીકે જોઈ શકાય એમ છે.

સ્વાભાવિક જ છે કે, ચૂંટણી પહેલાં સરકાર આ બધા લોકોને ખુશ કરવાના પૂરતા પ્રયાસ કરશે.

line

પરંતુ સરકારની ખુશી શેમાં છે?

બજેટ

ઇમેજ સ્રોત, Getty Images

આ દૃષ્ટિએ જોઈએ તો આ બજેટમાં કોઈ મોટા પરિવર્તનની આશા ન રાખી શકાય. પરિવર્તનનો અર્થ એવા નિર્ણયો છે જેને જોઈને અર્થશાસ્ત્રીઓ ચિંતામાં પડી જાય છે.

એમની ચિંતાનું સૌથી મોટું કારણ એ છે કે સરકાર જેવી કોઈ એક જૂથને રાજી રાખવાની કોશિશ કરે છે તો, કાં તો તેઓ પોતાની આવક ઘટાડે છે અથવા ટૅક્સમાં કોઈક રીતની છૂટ આપે છે કે પછી કશુંક વહેંચવાની જાહેરાત કરે છે.

બંને દશામાં સરકારી ખજાના પર બોજ પડે છે. તેથી, અર્થશાસ્ત્રી એવાં પગલાંથી ખુશ નથી થતા.

પરંતુ આ વખતની સ્થિતિ કંઈક જુદી છે. મોટા ભાગના નિષ્ણાતો માને છે કે સમાજના એક ખૂબ મોટા જૂથને આધારની જરૂર છે અને જો તે સહારો નથી મળતો તો પછી આર્થિક ગાડી ગતિશીલ બનવી મુશ્કેલ થઈ પડશે.

બીજી તરફ એવું પણ લાગે છે કે આ સમયે સરકારે આવકની ચિંતા કદાચ નથી કરવાની.

ઊલટું એણે એ વિચારવાનું છે કે પોતાનો ખર્ચ કઈ રીતે વધારે. આવા સમયમાં, સરકાર વધારે ખર્ચ કરે તે ઇકૉનૉમી માટે ખૂબ જરૂરી છે, અને ખુદ સરકારની આબરૂ માટે પણ.

એવું પણ લાગે છે કે આવકની બાબતમાં તો આ વર્ષે આશા કરતાં કંઈક વધારે જ મળવાનું છે.

એટલે કે, સરકારને બધા સ્રોતોમાંથી કુલ જે આવક થવાનું ગયા વર્ષના બજેટમાં અનુમાન કરાયું હતું, હવે લાગે છે કે એનાથી લગભગ સવા બે લાખ કરોડ રૂપિયા વધારે સરકારના હાથમાં આવવાના છે.

એનું સૌથી મોટું કારણ ટૅક્સ વસૂલાતમાં થયેલી વૃદ્ધિ છે. છેલ્લા છ મહિનામાં પ્રત્યેક મહિને અંદાજે 1 લાખ 20 હજાર કરોડ રૂપિયા તો માત્ર જીએસટી દ્વારા જ મળ્યા છે. એનો સીધો અર્થ એ છે કે વેપારધંધા તેજી પકડી રહ્યા છે. બીજી તરફ, દેશની સૌથી મોટી કંપનીઓનાં પરિણામો જોવાથી પણ લાગે છે કે ક્યાંય કોઈ પરેશાની નથી.

કોરોના પછીથી જ એમના નફામાં રેકૉર્ડ વધારો જોવા મળ્યો છે અને આજે પણ મળી રહ્યો છે. આનું જ પરિણામ છે કે સરકારની કુલ આવક બજેટના અનુમાન કરતાં લગભગ 30 ટકા વધારે થવાના અણસાર દેખાય છે. એમાંનો મોટો ભાગ કૉર્પોરેટ ટૅક્સમાં 60 ટકાના અને ઇન્કમટૅક્સમાં 32 ટકાના વધારાથી મળશે.

line

કોરોનાએ વધારેલી અસમાનતાનો પડકાર

બજેટ

ઇમેજ સ્રોત, MAYUR KAKADE

ઇમેજ કૅપ્શન, કોરોના પછીથી જ એમના નફામાં રેકૉર્ડ વધારો જોવા મળ્યો છે અને આજે પણ મળી રહ્યો છે.

અર્થશાસ્ત્રીઓ બંને ટૅક્સની સંયુક્ત ટકાવારી ડાયરેક્ટ ટૅક્સ વસૂલાતના 13.5 લાખ કરોડ રૂપિયા થવાનો અંદાજ કરી રહ્યા છે, જે બજેટમાં કરાયેલા અનુમાન કરતાં લગભગ 46 ટકાથી વધારે થશે.

હજુ પણ કોરોનાની ત્રીજી લહેરનો ડર અને એના કરતાં વધુ તો એવી આશંકા ઊભી છે કે એ અર્થતંત્રને કેટલો મોટો ફટકો મારી શકે એમ છે! પરંતુ સરકારની આવકમાં 69.8 ટકાનો વધારો એવી આશા તો જન્માવે છે કે સરકારના હાથ એકદમ તંગીમાં તો નથી જ.

મતલબ કે, સરકાર ઇચ્છે તો આવશ્યક ચીજો પર ખર્ચ કરી શકે છે કે વધારી શકે છે. જરૂરિયાતો પણ સામે છે, પરંતુ દેખાય તો એવું છે કે ચાલુ વર્ષે સરકારે જે 34.8 લાખ કરોડ રૂપિયા ખર્ચવાના હતા એનો 60મો ભાગ પણ ખર્ચ નથી કરી શકાયો, જ્યારે આવક લગભગ 70 ટકા જેટલો વધારો સૂચવે છે.

કમાણી વધુ અને ખર્ચ ઓછો અર્થાત્, નુકસાનમાં ઘટાડો. પરંતુ આ સમયે નુકસાન કરતાં મોટી ચિંતા ઇકૉનૉમીને દોડતી કરવાની છે. કદાચ તેથી જ હવે નાણામંત્રી સામે સૌથી મોટો પડકાર પણ એ જ છે કે તેઓ ખર્ચ કઈ રીતે વધારે અને ક્યાં વધારે?

ચિંતા વધવાનું કારણ એ છે કે સરકારના તમામ દાવા અને ખુલાસા છતાં પેલા અર્થશાસ્ત્રીઓ સાચા પડતા દેખાય છે, જેઓ એમ કહી રહ્યા હતા કે કોરોના પછી અર્થતંત્રમાં જે બદલાવ આવી રહ્યો છે એમાં સર્વ કોઈનો સરખેસરખો ફાળો નથી.

એક બાજુ કેટલાંક જૂથો તેજીથી આગળ વધી રહ્યાં છે, તો બીજી બાજુ કેટલાંક આજે પણ મંદીમાં નીચે પછડાતાં દેખાય છે.

આને જ K શેપ્ડ રિકવરી કહેવાય છે. અંગ્રેજી આલ્ફાબેટ Kની બે ડાંડલીની જેમ સમાજનાં કેટલાંક વર્ગો ઝડપી આગળ વધી રહ્યાં છે, જ્યારે કેટલાંક આજે પણ નીચે પછડાતાં દેખાય છે.

પડકાર એ છે કે નીચે તરફનાંને આધાર આપવાનો એવો કયો માર્ગ અપનાવાય કે જેથી આગળ વધનારાઓ પાસેથી મદદ પણ લઈ શકાય અને એમની ગતિને બ્રેક પણ ન વાગે.

line

સરકાર કોની માગ સાંભળશે?

બજેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચિંતા વધવાનું કારણ એ છે કે સરકારના તમામ દાવા અને ખુલાસા છતાં પેલા અર્થશાસ્ત્રીઓ સાચા પડતા દેખાય છે, જેઓ એમ કહી રહ્યા હતા કે કોરોના પછી અર્થતંત્રમાં જે બદલાવ આવી રહ્યો છે એમાં સર્વ કોઈનો સરખેસરખો ફાળો નથી.

અત્યાર સુધીમાં ઉદ્યોગ, વેપાર અને સમાજના બીજા વર્ગો તરફથી માગોની લાંબી લાંબી સૂચિઓ સરકાર પાસે પહોંચી ચૂકી છે કે કોને શું જોઈએ છે.

ઉદ્યોગ સંગઠનો, મોટાં વેપારી જૂથો અને વિશેષજ્ઞો પણ બજેટની પહેલાં પોતપોતાના તરફથી પરિસ્થિતિઓનું વિશ્લેષણ અને એનાથી બહાર નીકળવાનાં સૂચનો સરકાર સમક્ષ રજૂ કરી ચૂક્યાં છે.

માગો અને સૂચનોની એક નહીં અનેક લાંબી લાંબી સૂચિઓ ઊભી છે, પરંતુ, બધાનો સાર એક જ છે કે આ વખતે સરકારે પોતાનો ખજાનો ખોલવો પડશે.

સમાજના જે ભાગો અને જે રોજગારો આ K શેપ્ડ રિકવરીમાં આજે પણ નીચે પછડાતા દેખાય છે એમને મદદ કરવી પડશે અને જો જરૂર પડે તો જે લોકોનાં વેપાર અને કમાણીમાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે એમની પાસેથી કેટલીક મદદ મેળવવાનો કંઈક માર્ગ શોધવો પડશે.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો