બિપરજોય વાવાઝોડું : કુદરતી આપદાથી થતાં માળખાકીય નુકસાનને અટકાવી શકાય?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
1998માં ગુજરાત ઉપર વાવાઝોડું ત્રાટક્યું ત્યારે સત્તાવાર રીતે લગભગ એક હજાર 200 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે 1,800 લોકો ગુમ થઈ ગયા હતા. જ્યારે બિનસત્તાવાર રીતે આ આંકડો લગભગ દસ હજાર જેટલો હતો.
25 વર્ષ બાદ ગુરુવારે મોડી સાંજે ગુજરાત પર બિપરજોય વાવાઝોડું ત્રાટક્યું. સરકાર દ્વારા આપદા પૂર્વે 'ઝીરો કૅઝ્યુઆલિટી'નું લક્ષ્યાંક મૂકવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક માહિતી પ્રમાણે, કોઈ મોટી જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી. જોકે, ઝાડ પડવાં, પતરાં ઊડવાં કે વાહનોને નુકસાન જેવા વિશેના અહેવાલો મળી રહ્યાં છે.
જોકે, સૌથી વધુ નુકસાન રાજ્યના વીજમાળખાને થયું છે. ગુજરાતના લગભગ એક હજાર કરતાં વધુ ગામડાંમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. આ સિવાય કચ્છના બંદર પર ભારે તારાજીનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.
રોજનું રોજ રળી ખાનારાં તથા ગરીબ વર્ગને આ પ્રકારની આપદાથી મોટું નુકસાન થતું હોય છે. આપદા પૂર્વે ગુજરાતની કંપનીઓએ પણ કરારપાલનમાં અસમર્થતા વ્યક્ત કરી હોવાના અહેવાલ છે.
નિષ્ણાતો ગ્લોબલ વૉર્મિંગને કારણે આવી રહેલી કુદરતી આપદાઓ સામે ન કેવળ ગુજરાત પરંતુ ભારતને સાવચેત અને તૈયાર રહેવા માટે ચેતવે છે.

વાવાઝોડું, વીજળી અને વિપદા

ઇમેજ સ્રોત, Paresh Padhiyar
વિકસિત દેશોમાં કુદરતી આપદા સમયે પણ વીજળી, ઇન્ટરનેટ, વાહનવ્યવહાર જેવી માળખાકીય સુવિધાઓ મહદંશે જળવાઈ રહેતી હોય છે, પરંતુ ગુજરાત કે ભારતમાં આવું કેમ નથી થઈ શકતું? આ અંગે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઑથૉરિટીના પૂર્વ પદાધિકારીના કહેવા પ્રમાણે:
"માત્ર ભારતમાં જ આ પ્રકારની સમસ્યા છે એવું નથી, અમેરિકાના ફ્લૉરિડા ઉપર વાવાઝોડું ત્રાટક્યું હતું, એ સમયની સ્થિતિ યાદ કરો. દેશના પૂર્વ સમુદ્ર કાંઠાના વિસ્તારો ઉપર જ નહીં, પરંતુ ઉત્તરમાં હીમપાતને કારણે પણ વીજલાઇનો ઉપર બરફ જામી જવાને કારણે વીજપુરવઠો ખોરવાઈ જાય છે. આ કુદરતી ક્રમ છે."
"ભારતમાં ઑવરહેડ લાઇન્સ મારફત વીજવિતરણ થાય છે, જેને વાવાઝોડાં દરમિયાન નુકસાન થાય છે. થાંભલા વળી જાય છે. આનો એક ઉકેલ અંડરગ્રાઉન્ડ લાઇનો નાખવાનો છે. જોકે, તેનો ખર્ચ ખૂબ જ વધુ આવે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
"જેવું ઘરનું અર્થશાસ્ત્ર છે, એવું જ વીજઉત્પાદન અને વિતરણનું છે. અંડરગ્રાઉન્ડ વાયર દ્વારા જો પાંચ ગામડાં સુધી વીજળી પહોંચી શકે, તો ઓવરહેડ લાઇનો દ્વારા કદાચ 20 ગામડાંને વીજળી મળે."
"આ સિવાય આરોગ્ય અને બીજી પણ કલ્યાણલક્ષી યોજનાઓ માટે ફાળવણી કરવાની હોય છે."
આ અધિકારીએ તેમની કારકિર્દી દરમિયાન વીજઉત્પાદનથી (એનટીપીસી) લઈને વિતરણ જેવી અલગ-અલગ ભૂમિકાઓ ભજવી છે.
ભારત સરકારે જૂન-2020માં ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવ્યું હતું. જેનો અહેવાલ મે-2021માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે દેશની કુલ સાત હજાર 500 કિલોમિટરના દરિયાકિનારામાંથી પાંચ હજાર 700 કિલોમિટરની દરિયાઈપટ્ટી ઉપર વાવાઝોડાંનું જોખમ તોળાતું રહે છે.
ટાસ્ક ફોર્સે તેના અહેવાલમાં ગૅલ્વેનાઇઝ્ડ સ્ટીલના 'H' આકારના થાંભલા નાખવા, જ્યાં વાવાઝોડાંની સંભાવના હોય ત્યાં જરૂરી સામગ્રીઓનો પુરવઠો જાળવવો. પવનની ઝડપ 60 કિલોમિટર પ્રતિ કલાક આસપાસ પહોંચે એટલે વીજપુરવઠો બંધ કરી દેવો.
132 કેવીનાં મોબાઇલ સબસ્ટેશન વસાવવાં, નીચાળવાળા વિસ્તારમાં વીજફિડરને કૉંક્રિટના પિલર ઉપર બેસાડવા વગેરે જેવી ભલામણો કરવામાં આવી હતી.
આ અહેવાલમાં તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ગુજરાતના વીજવિભાગ અને ખાનગી વીજ કંપનીઓના અભિપ્રાય લેવામાં આવ્યા હતા.

આપદા, આયાત-નિકાસ અને અવરોધ

ઇમેજ સ્રોત, Bipin tankariya
વીજ ઉપરાંત ગુજરાતના દરિયાઈ પરિવહન માળખાને પણ અસર પહોંચી છે. કોલસો, કુદરતી ગૅસ, પેટ્રોલિયમ પેદાશોની આયાત તથા નિકાસ માટે ગુજરાતનાં બંદરોનો વ્યાપક ઉપયોગ થાય છે.
વર્ષ 1998ના વાવાઝોડાં વખતે કંડલા પોર્ટ ઉપર વ્યાપક નુકસાન થયું હતું. અપૂરતી તૈયારીઓને કારણે શ્રમિકોની વસતિમાં વ્યાપક નુકસાન થયું હતું. તેલની ટાંકીઓને નુકસાન થયું હતું અને માલની હેરફેર માટેના રેલવે ટ્રેકને પણ નુકસાન પહોંચ્યું હતું.
વાવાઝોડાં પૂર્વે સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજરના ભાગરૂપે પેટ્રોલિયમ પેદશોની આયાત-નિકાસ અટકાવી દેવામાં આવે છે, જેથી કરીને દરિયામાં તેલ ફેલાવા કે જમીન ઉપર આગ લાગવા જેવા બનાવ ન બને.
ન્યૂઝ એજન્સી રૉયટર્સના રિપોર્ટ મુજબ, દેશની સૌથી મોટા ખાનગી તેલઉત્પાદક રિફાઇનરી રિલાયન્સે કરારના અનુપાલનમાં અસમર્થતા વ્યક્ત કરી છે. કંપનીએ આને માટે 'ફોર્સ મજ્યુરે'ની કલમ આગળ કરી છે, જે કંપનીની કાબૂ બહારના કુદરતી કે અસામાન્ય પરિબળોમાં કરારનું પાલન નહીં થવાથી થનારી કાયદાકીય કાર્યવાહીમાંથી મુક્તિ આપે છે.
વર્ષ 2020માં અનેક કંપનીઓએ કોવિડ-19ને કારણે આ કલમનો ઉપયોગ કર્યો હતો.
અલંગ ખાતે વહાણવટા અને જહાજ ભાંગવાના વેપાર સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ મુકેશ પટેલના કહેવા પ્રમાણે, "જ્યારે કોઈ ક્રેન, જેટી, ગોદામ, જે અન્ય કોઈ દરિયાઈ પરિવહન માળખાનાં ડિઝાઇન અને નિર્માણ એવી રીતે કરવામાં આવે છે કે જે-તે વિસ્તારમાં જોવા મળતાં વાવાઝોડાંની ગતિ કે ભૂકંપના આંચકા સહન કરી શકે."
"જ્યારે વાવાઝોડાં, ભારે વરસાદ કે બીજી કોઈ આપદા વિશે આગોતરી માહિતી હોય, ત્યારે ક્રેનોને સાંકળથી બાંધી દેવી, જોખમી માળખાં ઉતારી લેવાં, લોકો-વાહનોને સલામત સ્થળે ખસેડી લેવાં વગેરે જેવી કાળજી લેવામાં આવે છે. છતાં કુદરતની તાકત સામે માણસ લાચાર છે."
પટેલનું આકલન છે કે બિપરજોયને કારણે ગુજરાતના દરિયાકિનારેથી થતી આયાતનિકાસને ચોક્કસપણે અસર પહોંચશે અને તેને પુનઃસ્થાપિત કરવાની પ્રાથમિકતા હોવી જોઈએ.
અગાઉ દેશના પૂર્વ દરિયાકિનારામાં બંગાળની ખાડીના કિનારાવિસ્તાર પર જ મુખ્યત્વે વાવાઝોડાંનું જોખમ તોળાતું રહેતું, પરંતુ તાજેતરનાં વર્ષોમાં ગુજરાતના દરિયાકિનારે પણ વાવાઝોડાંની સંખ્યા અને તીવ્રતામાં વૃદ્ધિ જોવા મળી છે.

અનેક આપદા, એક કારણ

ઇમેજ સ્રોત, tejas Vaidya/BBC
તાજેતરનાં વર્ષો દરમિયાન ભારત પર દુષ્કાળ, હિમસ્ખલન, હીટ વેવ, ભૂસ્ખલન, અતિ વરસાદ, વાદળ ફાટવાં, ત્વરિત પૂર અને વાવાઝોડાં જેવી આપદાઓનું જોખમ વધ્યું છે. આ બધાને માટે જળવાયુપરિવર્તનને (ક્લાઇમેટ ચેન્જ) જવાબદાર માનવામાં આવે છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ અર્બન અફેર્સના ક્લાઇમેટ સ્માર્ટ સિટી ઍસેસમઍન્ટ ફ્રેમવર્કના (ડિસેમ્બર-2022) અહેવાલ પ્રમાણે, વર્ષ 2021ના ગ્લોબલ ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સમાં ભારત સાતમા ક્રમે છે. ક્ષતિયુક્ત શહેરી આયોજન અને વ્યવસ્થાપનને કારણે દેશના શહેરી વિસ્તારોમાં વર્ષે બે અબજ 60 કરોડ ડૉલરથી 13 અબજ ડૉલર જેટલું નુકસાન થાય છે.
ગત બે દાયકા (2000-2019) દરમિયાન સમગ્ર વિશ્વમાં સાત હજાર 350 જેટલી આપદા નોંધાઈ હતી, જેમાં સૌથી વધુ સંખ્યા પૂરની હતી અને વાવાઝોડાં બીજા ક્રમે હતાં. તમામ આપદાને કારણે વિશ્વભરના અર્થતંત્રને ત્રણ ટ્રિલિયન ડૉલર જેટલું નુકસાન થયું હતું. આ અરસામાં ભારતમાં 321 આપદા નોંધાઈ હતી. એ પહેલાંના બે દાયકાની (1980-1999) સરખામણીમાં આ બંને આપદાની સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો થયો હોવાનું અહેવાલ નોંધે છે.
પુણેસ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રૉપિકલ મિટિયૉરૉજિકલ ખાતે દરિયાઈ તાપમાનના અભ્યાસુ વરિષ્ઠ વિજ્ઞાની ડૉ. રૉક્સી મૈથ્યૂ કોલે આ પહેલાં બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું :
"વાવાઝોડાંના સર્જન અને દરિયાની સપાટીના તાપમાન વચ્ચે સીધો સંબંધ છે. તાજેતરના દાયકામાં અરબ સાગરના તાપમાનમાં 1.2થી 1.4 ડીગ્રી જેટલો વધારો થયો છે, જેના કારણે ગુજરાત ઉપર આવનારા વાવાઝોડાંની સંખ્યા અને તીવ્રતામાં વધારો થવા પામ્યો છે."
"અગાઉ અરબ સાગરની સપાટી ઠંડી હતી જેના કારણે દરિયામાં લો પ્રેશર એરિયા, ડિપ્રેશન કે ડીપ ડિપ્રેશન સર્જાતાં હતાં, પરંતુ પશ્ચિમ-મધ્ય તથા ઉત્તર અરબ સાગરની જળસપાટીનું તાપમાન નીચું રહેતું હોવાને કારણે તે વાવાઝોડાંનું સ્વરૂપ ધારણ કરી શકતાં ન હતાં, પરંતુ દરિયાઈ સપાટીના ઉચ્ચ તાપમાનને કારણે ન કેવળ ડિપ્રેશન વાવાઝોડાંનું સ્વરૂપ ધારણ કરે છે, પરંતુ તેની તીવ્રતા પણ વધુ હોય છે."
રાજ્યમાં સામાન્ય રીતે મે-જૂન મહિના દરમિયાન ચોમાસું બેસતું હોય ત્યારે અને ઑક્ટોબર-નવેમ્બરમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું પૂરું થાય ત્યારે વાવાઝોડાં જોવા મળતાં હોય છે.
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના અનુમાન પ્રમાણે, ભારતની માળખાકીય સુવિધાઓને ક્લાઇમેટ ચેન્જને અનુરૂપ બનાવવા માટે વર્ષ 2030 સુધી દર વર્ષે જીડીપીના અઢી ટકા જેટલી ફાળવણી કરવી પડશે. કુલ્લે રૂ. 85 લાખ 60 હજાર કરોડની (વર્ષ 2011- '12ના બજારભાવ પ્રમાણે) જરૂર પડશે.
વાવાઝોડાંને કારણે પાકને નુકસાન, ખાદ્યાન્નના ભાવોમાં વૃદ્ધિ, પેટ્રોલિયમ પેદાશોના ભાવોમાં વૃદ્ધિ અને પુરવઠામાં વિક્ષેપ, માર્ગપરિવહનમાં વિક્ષેપ, રોડ-પુલને નુકસાન, આરોગ્યસેવા પર ભારણ વગેરે જેવી બાબતો પણ તેના સાથે જોડાયેલી હોય છે, જેનો નક્કર આંકડો કાઢવો મુશ્કેલ છે.














