ખારેકના રસમાંથી ગોળ બનાવીને કચ્છના ખેડૂતે કરી ગજબની કમાલ

શેરડીના રસમાંથી ગોળ બનાવવામાં આવે છે એ તમે સાંભળ્યું હશે-જોયું હશે, પણ ખારેકમાંથી ગોળ બની શકે એવું ક્યારેય સાંભળ્યું-જોયું છે?
કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના માધાપરમાં રહેતા એક ખેડૂતે આ કમાલ કરી છે. એ ખેડૂતનું નામ છે વેલજીભાઈ મુળજીભાઈ ભુડિયા.
વેલજીભાઈ કહે છે, "કચ્છમાં જુન-જુલાઈના બે મહિનામાં ખારેકનું ઉત્પાદન થાય છે. ખારેકનો પાક આવે ત્યારે તેના ઠળિયા કાઢીને બાકીના હિસ્સાનો રસ કાઢી લઈએ."
"રસને કપડા વડે ગાળીને તેને 18-20 કિલોના ડબ્બા ભરી લઈએ. એ ડબ્બાને માઈનસ 24-25 ડિગ્રી તાપમાનમાં કૉલ્ડ સ્ટૉરેજમાં મૂકી દઈએ."
"કૉલ્ડ સ્ટૉરેજમાં રાખેલો ખારેકનો રસ બબ્બે વર્ષ સુધી બગડતો નથી. હા, કૉલ્ડ સ્ટૉરેજમાંથી બહાર કાઢો ત્યારે તેમાંથી ગોળ બનાવી લેવો પડે."

ગોળ સિવાય પણ ખારેકમાંથી બનાવે છે બીજાં ઉત્પાદન
વેલજીભાઈ ખારેકમાંથી પ્રવાહી ગોળ બનાવીને અટક્યા નથી. તેઓ ખારેકનો જ્યૂસ બૉટલમાં પૅક કરીને વેચે છે. તેમણે ખારેકના જ્યૂસમાં મસાલા નાખીને એક પીણું તૈયાર કર્યું છે.
એ પીણાને તેમણે 'મહાદેવ શૅક' એવું નામ આપ્યું છે. તેઓ ગાયનું દૂધ અને ઇલાયચી નાખીને ખારેકનો બીજો શૅક પણ બનાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખારેકમાં જે કુદરતી મીઠાશ હોય છે તેને કારણે પોતે આટલી પ્રોડક્ટ્સ બનાવી શક્યા હોવાનું વેલજીભાઈ જણાવે છે.
વેલજીભાઈ કહે છે, "કચ્છમાં પહેલાં દેશી ખારેકનું ઉત્પાદન થતું હતું. પછી ઈઝરાયલની ખારેક આવી."
"અમે દેશી ખારેકનો જ્યૂસ બનાવ્યો હતો, પણ તેનો રંગ અલગ-અલગ આવતો હોવાથી વિષમતા સર્જાતી હતી, પણ 2010થી અત્યાર સુધીનાં વર્ષોમાં કચ્છની બારાઈ ખારેકના જ્યૂસમાં એકસરખો અને એકસરખો સ્વાદ મળે છે."
"ગમે તે વાડીની ખારેક હોય તેમાં કોઈ ફરક પડતો નથી, કારણ કે તેના રોપા ટિસ્યુ કલ્ચરનાં હોય છે."
વેલજીભાઈ શેરડીના રસમાંથી ગોળ બનાવવાની કળા જાણતા હતા. કચ્છની ખારેકમાં અદભુત મીઠાશ હોય છે તેને ધ્યાનમાં લઈને તેમણે ખારેકમાંથી ગોળ કઈ રીતે બનાવવો તેની બે વર્ષ વિચારણા કરી.

કેવી રીતે શરૂ થઈ ગોળ બનાવવાની પ્રક્રિયા?

વેલજીભાઈ કહે છે, "2018માં મેં મારા દીકરાઓને કહ્યું હતું કે આટલી મીઠી ખારેકમાંથી તો ગોળ બનાવવો જોઈએ. ગોળ બનાવવાની કળા હું જાણું છું."
"ખારેકના ફળની મીઠાશનો ઉપયોગ કરીને 1968 પછીનાં 50 વર્ષ બાદ આ વર્ષે ફરી ગોળ બનાવવાનું શરૂ કર્યું. ખારેકનો ગોળ બનાવ્યો અને પરિવારજનોને એ ગોળ ચખાડ્યો."
વેલજીભાઈ આ ગોળમાં એકેય કૅમિકલનો ઉપયોગ કરતા નથી. એ ખારેકનો શુદ્ધ રસ જ છે.
તેમના જણાવ્યા મુજબ, ખારેકમાં એટલી મીઠાશ હોય છે કે તેના રસનાં બે-ત્રણ ટીપાં ચા-કોફીમાં નાખો તો ખાંડ જેટલી જ મીઠાશ આવી જાય. આ પ્રયોગ પણ તેમણે કર્યો છે.
વેલજીભાઈને યુવા અવસ્થાથી જ ખેતી પ્રત્યે આકર્ષણ હતું. સાત ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ તેમણે ખેતી કરવાનું શરૂ કરી દીધું હતું.
15 વર્ષની વયે તો તેમણે શેરડીના રસમાંથી ગોળ બનાવીને વેચવાનું શરૂ કરી દીધું હતું. એ પછી તેઓ શાકભાજીની ખેતી તરફ વળ્યા હતા.
દસ વર્ષ સુધી શાકભાજીની ખેતી કર્યા બાદ તેમણે કશુંક નવું કરવાનું વિચાર્યું હતું. 2004માં ઓર્ગેનિક ખેતીનો અભ્યાસ કર્યો અને આંબા ઉગાડવાનું શરૂ કર્યું. એ રીતે ભુડિયા બ્રાન્ડનો ઉદય થયો હતો.
વેલજીભાઈ કહે છે, "2004માં તો મારે ત્યાં આંબામાંથી કેરીના આવક શરૂ થઈ હતી. એક આંબામાંથી એક કિલો કેરી ઊતરે."
"એ હિસાબે મારે ત્યાં 10,000 કિલો કેરી થાય. આટલી બધી કેરીનું વેચાણ ક્યાં કરવું તેની સમસ્યા સર્જાઈ."
"સમસ્યા સામે હારી જાઉં એ મારો સ્વભાવ જ નથી. મારા બાગની કેરીને ભુડિયા બ્રાન્ડના નામ હેઠળ સારી રીતે પૅક કરીને વેચવા માટે હું દિલ્હી સુધી ગયો હતો."
"એ ઉપરાંત કેરીનો રસ કાઢીને ઘરના ફ્રીજમાં સાચવી રાખ્યો. એક વર્ષ સુધી તેનું ટેસ્ટિંગ કર્યું. તેને વાપર્યો અને વધ્યો તે રસ ફરી ફ્રીજમાં મૂક્યો."
"એ રસ બે વર્ષ સુધી બગડ્યો નહીં. એ 2004 અને 2005ની વાત. એ પછી મેં કેરીના એ રસનું ભુજની લોકલ લૅબૉરેટરીમાં ટેસ્ટિંગ કરાવ્યું."
"લૅબૉરેટરીએ સર્ટિફિકેટ આપ્યું કે કેરીનો રસ બહુ સારો છે. એ પછી મેં મારા પરિવારને કહ્યું કે આપણે ત્યાં આટલા મોટા પ્રમાણમાં કેરી થાય છે તો તેનો રસ વેચવા બાબતે આપણે વિચારવું જોઈએ."

કેરીનો રસ વેચવા હોટલ બનાવી

વેલજીભાઈએ 2006માં તેમના દીકરા સાથે મુંબઈ જઈને ફ્રૉઝન લાઈસન્સ મેળવ્યું હતું. એ પછી સાત ટન કેરીનો રસ બનાવ્યો હતો. કેરીનો રસ વેચવા ભુજ-અંજાર હાઈવે પર પોતાની હોટલ બનાવી.
તેમાં પુરી-શાકની સાથે કેરીનો રસ પણ પીરસતા હતા. સ્વાદના શોખીનો ત્યાં રસ ચાખીને ખરીદતા હતા. એ પછી ગામડે-ગામડે ફરીને વેલજીભાઈએ કેરીના રસનું વેચાણ કર્યું.
વેલજીભાઈ લીંબુ તથા આંબળાની ખેતી પણ કરતા હતા. તેમણે કેરીના રસ ઉપરાંત આંબળાનો અને લીંબુનો રસ પણ વેચ્યો.
ચણીબોર તથા જાંબુનો જ્યૂસ બનાવ્યો. ફળના જ્યૂસની તેમણે કુલ 45 આઇટમો બનાવી છે.
વેલજીભાઈ કહે છે, "આ રીતે હું ધીરેધીરે આગળ વધ્યો. ખારેકમાંથી ગોળ બનાવ્યાનો મને સૌથી વધુ આનંદ પણ છે. મેં તેની પૅટન્ટ ભુડિયા બ્રાન્ડથી કરાવી છે. દુનિયામાં કોઈ નથી કરી શક્યું એવું કામ મેં કર્યું છે."
વેલજીભાઈ ખરા અર્થમાં પરિવર્તન સાથે કદમ મિલાવીને પ્રગતિના પંથે આગળ ધપેલા ખેડૂત છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












