International Women's Day : મહિલાઓ ઘરકામ કરવાનું બંધ કરી દે તો શું થશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અનંત પ્રકાશ
- પદ, બીબીસી સંવાદદાતા
ચીનની એક અદાલતે તાજેતરમાં જ છુટાછેડાને લગતા એક કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. અદાલતે એક વ્યક્તિને હુકમ કર્યો છે કે પાંચ વર્ષના લગ્નજીવન દરમિયાન તેની પત્નીએ જે ઘરકામ કર્યું તેના બદલામાં તે પત્નીને વળતર ચુકવે. આ કેસમાં મહિલાને લગભગ 5.65 લાખ રૂપિયા ચુકવાશે.
પરંતુ આ ચુકાદા બાદ ચીન સહિત સમગ્ર વિશ્વમાં એક મોટી ચર્ચા શરૂ થઈ છે. ચીનની સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર આ અંગે લોકો મતમતાંતર ધરાવે છે.
કેટલાક લોકોની દલીલ છે કે મહિલાને ઘરકામના બદલામાં કોઈ વળતર આપવું ન જોઈએ. બીજી તરફ કેટલાક લોકો માને છે કે મહિલા પોતાની કારકિર્દીનો ભોગ આપીને દરરોજ કલાકો સુધી કામ કરતી હોય ત્યારે તેને ચોક્કસ વળતર મળવું જોઈએ.
અગાઉ જાન્યુઆરીમાં ભારતની સુપ્રીમ કોર્ટે પોતાના એક ચુકાદામાં જણાવ્યું કે, "પરિવારની આર્થિક સ્થિતિમાં ઘરકામ વાસ્તવિક રીતે યોગદાન આપે છે તથા રાષ્ટ્રના અર્થતંત્રમાં પણ તેનું યોગદાન હોય છે."
અદાલતોએ 'ઘરકામ'ને આર્થિક પ્રવૃત્તિ તરીકે સ્વીકૃતિ આપી હોય તેવું આ પ્રથમ વખત નથી થયું. ચીનથી લઈને ભારત અને પશ્ચિમી દેશોની અદાલતોએ અનેક વખત મહિલાઓનાં અવેતન શ્રમ (અનપેઇડ લેબર)ને આર્થિક ઉત્પાદનના સ્વરૂપમાં સ્થાપિત કરતા ચુકાદા આપ્યા છે.
આમ છતાં ઘરકામને જીડીપીમાં યોગદાનના સ્વરૂપમાં જોવામાં આવતું નથી. એટલું જ નહીં, સમાજ પણ નોકરી કે વ્યવસાયને જે મહત્ત્વ આપે છે એટલું મહત્ત્વ મહિલાઓનાં ઘરકામને આપતો નથી.
તેથી સવાલ એ પેદા થાય છે કે મહિલાઓ ઘરકામ છોડીને નોકરી કે વ્યવસાય શરૂ કરે તો શું થશે?

ઘરકામનું શું મહત્ત્વ છે?

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વમાં મોટા ભાગની મહિલાઓની ફરિયાદ છે કે પુરુષો કોઈ કામ કરે તો સમાજ તેને મહત્ત્વ આપે છે, જ્યારે એક ગૃહિણી તરીકે તેમણે કરેલા ઘરકામને સમાજ બહુ મહત્ત્વ આપતો નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક ગૃહિણી તરીકે મહિલા આખા દિવસમાં જે કામ કરે છે તેને કલાકોની દૃષ્ટિએ જોવામાં આવે તો પુરુષો કરતા ગૃહિણી ઘણા વધુ કલાક કામ કરે છે.
વર્ષો સુધી પત્રકારત્વની સાથે સાથે ઘરેલુ કામની જવાબદારીઓ પણ ઉઠાવનારાં કૃતિકા સ્વયં આ સવાલનો સામનો કરે છે.
તેઓ કહે છે, "મને ક્યારેય નથી સમજાયું કે લોકો ઘરકામને એટલું મહત્ત્વ શા માટે નથી આપતા? ઘરકામનું કોઈ મહત્ત્વ નથી હોતું એવું માનવામાં આવે છે. હકીકતમાં ઘરકામ આસાન નથી હોતું. ઘરે કોઈને સમયસર દવા આપવાની હોય તો આપવી જ પડે છે, રસોઈ બનાવવાની હોય તો બનાવવી જ પડે છે. તેમાં કોઈ પ્રકારની રાહત નથી મળતી."
"આ ઉપરાંત સાંજે કોઈને ભૂખ લાગે તો તેમના માટે કંઈને કંઈ બનાવવું પડશે. સાચું કહું તો ઘરકામ કરતી મહિલાઓને 'અલાદ્દીનનો ચિરાગ' સમજવામાં આવે છે. મારી પાસે આનાથી વધારે સચોટ બીજી કોઈ ઉપમા નથી. ક્યારેક મદદ માંગીએ તો કહી દેવામાં આવે કે આટલું કામ શા માટે કરે છે?... મમ્મી પણ કરતી હતી. તેમણે તો ક્યારેય ફરિયાદ નથી કરી."

ભાગીદારીમાં ભારે અસમાનતા

ઇમેજ સ્રોત, Getty Images
આંકડા પરથી જાણવા મળે છે કે ભારતમાં ઘરકામ કરતી મહિલાઓ પુરુષોની સરખામણીમાં ઘણું વધારે કામ કરે છે.
તાજેતરના ટાઇમ યુઝ સરવે મુજબ મહિલાઓ દરરોજ ઘરકામ (વેતન વગરનું કાર્ય)માં 299 મિનિટ ગાળે છે. બીજી તરફ ભારતીય પુરુષો દિવસમાં માત્ર 97 મિનિટ ઘરકામ કરે છે.
એટલું જ નહીં, સરવેમાં એવું પણ જાણવા મળ્યું કે મહિલાઓ ઘરના સભ્યોની સારસંભાળ રાખવામાં દરરોજ 134 મિનિટ ગાળે છે જ્યારે પુરુષો આ કામ માટે માત્ર 76 મિનિટ ફાળવે છે.
ઘરકામનું આર્થિક મૂલ્ય જાણવું મુશ્કેલ છે?
ધ્યાનથી જોવામાં આવે તો દરેક કામનું કોઈને કોઈ મૂલ્ય હોય છે. તો પછી મહિલાઓ ઘરમાં જ રહીને જે કામ કરે તેનું કોઈ આર્થિક મૂલ્ય ન હોય તેવું કઈ રીતે બને?
કોઈ પણ કામનું મૂલ્ય જાણવા માટે તે કામગીરીનું યોગ્ય રીતે મૂલ્યાંકન કરવું જરૂરી છે. મહિલાઓના અવેતનિક કામ, એટલે કે ઘરકામનું મૂલ્ય જાણવાના ત્રણ ફોર્મ્યુલા છેઃ
•ઓપોર્ચ્યુનિટી કોસ્ટ મેથડ,
•રિપ્લેસમેન્ટ કોસ્ટ મેથડ
•ઇનપુટ/આઉટપુટ કોસ્ટ મેથડ
પ્રથમ ફોર્મ્યુલા પ્રમાણે જો કોઈ મહિલા બહાર કામ કરીને મહિને 50 હજાર રૂપિયા કમાઈ શકતી હોય, અને આમ છતાં તે ઘરકામ કરતી હોય તો તેના કામનું મૂલ્ય 50,000 રૂપિયા ગણવું જોઈએ.
બીજી ફોર્મ્યુલા પ્રમાણે મહિલાના ઘરકામનું મૂલ્ય તે સેવાઓ માટે કરવામાં આવતા ખર્ચના આધારે નક્કી થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો એક મહિલાની જગ્યાએ ઘરમાં બીજું કોઈ કામ કરે તો તેની સેવાના બદલામાં જે ખર્ચ થાય તે પ્રમાણે તે મહિલાના ઘરકામનું મૂલ્ય ગણવામાં આવશે.
આવી જ રીતે ત્રીજી ફોર્મ્યુલામાં મહિલાએ કરેલા ઘરકામની માર્કેટ વેલ્યૂ શોધવામાં આવે છે.
પરંતુ તેમાંથી કોઈ ફોર્મ્યુલા ભાવનાત્મક રીતે આપવામાં આવેલી સેવાનું યોગ્ય મૂલ્ય નહીં કાઢી શકે.

અર્થતંત્રમાં મહિલાઓનું યોગદાન

ઇમેજ સ્રોત, MARJI LANG/LIGHTROCKET VIA GETTY IMAGES
આંતરરાષ્ટ્રીય સંસ્થા ઓક્સફેમના એક અભ્યાસ પ્રમાણે મહિલાઓ દ્વારા કરવામાં આવતા ઘરકામનું મૂલ્ય ભારતીય અર્થતંત્રના 3.1 ટકા જેટલું છે.
વર્ષ 2019માં મહિલાઓએ કરેલા ઘરકામનું મૂલ્ય 10 ટ્રિલિયન ડોલર, એટલે કે 10 લાખ કરોડ ડોલર કરતા વધારે હતું. ફૉર્ચ્યુન ગ્લોબલ 500 લિસ્ટ પરની વોલમાર્ટ, એપલ, એમેઝોન જેવી સૌથી મોટી કંપનીઓની કુલ આવક કરતાં પણ આ રકમ વધારે મોટી હતી.
આમ છતાં ભારતીય અદાલતોએ વારંવાર ગૃહિણીઓના કામનું આર્થિક મહત્ત્વ સમજાવવા માટે ચુકાદા આપવા પડે છે.
સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ એક ચુકાદામાં જણાવ્યું કે, "ગૃહિણીની આવક નક્કી કરવાનો મુદ્દો ઘણો મહત્ત્વનો છે. તે એવી તમામ મહિલાઓનાં કામને માન્યતા આપે છે જેઓ વિકલ્પ તરીકે અથવા સામાજિક/સાંસ્કૃતિક માપદંડોના કારણે આ પ્રવૃત્તિ કરી રહી છે. તે સમાજને એક મહત્ત્વનો સંકેત આપે છે કે ગૃહિણીઓની મહેનત, સેવાઓ અને બલિદાનના મૂલ્યમાં કાયદો અને અદાલત વિશ્વાસ ધરાવે છે."
"આ એ વિચારની સ્વીકૃતિ છે કે આ પ્રવૃત્તિઓ પરિવારની આર્થિક સ્થિતિમાં વાસ્તવિક રીતે યોગદાન આપે છે. તે રાષ્ટ્રના અર્થતંત્રમાં હિસ્સો આપે છે. આ હકીકત હોવા છતાં તેમને પરંપરાગત રીતે આર્થિક વિશ્લેષણથી બહાર રાખવામાં આવી છે. તે બદલાતા જતા દૃષ્ટિકોણ, માનસિકતા અને આપણી આંતરરાષ્ટ્રીય કાનૂની જવાબદારીનું પ્રતીક છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે તે સામાજિક સમાનતાની બંધારણીય દૃષ્ટિની દિશામાં એક પગલું છે તથા તમામ વ્યક્તિના જીવનને એક ગૌરવ પ્રદાન કરે છે."

મહિલાઓ જે ઘરકામ કરે છે તે શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ધ્યાનથી જોવામાં આવે તો ગૃહિણી તરીકે મહિલાઓ ત્રણ વર્ગને પોતાની સેવા આપે છે. પ્રથમ વર્ગમાં વરિષ્ઠ નાગરિકો છે જેઓ દેશની આર્થિક પ્રવૃત્તિને પ્રત્યક્ષ રીતે યોગદાન આપી ચૂક્યા છે. બીજો વર્ગ યુવાનોનો છે જે દેશના જીડીપીમાં હાલમાં યોગદાન આપી રહ્યો છે. ત્રીજો વર્ગ બાળકોનો છે જેઓ ભવિષ્યમાં અર્થતંત્રને પોતાનું યોગદાન આપવાના છે.
ટેકનિકલ ભાષામાં તેને 'એબ્સ્ટ્રૅક્ટ લેબર' કહે છે. તે એવો શ્રમ છે જે કોઈ પણ દેશના અર્થતંત્રમાં પ્રત્યક્ષ રીતે થયેલા શ્રમના પુનર્જીવનમાં પોતાનું સીધેસીધું યોગદાન આપે છે.
સરળ શબ્દોમાં કહીએ તો મહિલા પોતાનાં બાળકોના કપડાં ધોવાં અને પ્રેસ કરવાથી લઈને તેમના ખાનપાન, શારિરીક અને માનસિક આરોગ્ય વગેરેનું ધ્યાન રાખે છે જેથી તેઓ ઑફિસમાં જઈને કામ કરી શકે. તે બાળકોને ભણાવે છે જેથી તેઓ મોટાં થઈને દેશના માનવ સંસાધનનો હિસ્સો બની શકે. તેઓ પોતાના માતાપિતા અને સાસુસસરાની તબિયતનું ધ્યાન રાખે છે જેઓ દેશની આર્થિક પ્રવૃત્તિમાં પોતાનું યોગદાન આપી ચૂક્યાં છે.
હવે આ સમીકરણમાંથી મહિલાઓને દૂર કરવામાં આવે તો બધી જવાબદારી સરકાર પર આવશે. સરકારે બાળકોનું ધ્યાન રાખવા માટે બાળકલ્યાણ સેવાઓ, વરિષ્ઠ નાગરિકોની કાળજી રાખવા માટે વૃદ્ધાક્ષમો, કેર ગિવર વગેરે પર ભારે ખર્ચ કરવો પડશે.

મહિલાઓ કામ કરવાનું બંધ કરી દે તો શું થશે?

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES
હાલમાં આ કામ ગૃહિણીઓ કરે છે જે હકીકતમાં સરકારની જવાબદારી હોય છે. કારણ કે કોઈ પણ નાગરિકની સારસંભાળ રાખવાની જવાબદારી રાષ્ટ્રની હોય છે. તેથી સવાલ પેદા થાય છે કે મહિલાઓ મફતમાં સરકાર માટે કામ કરવાનું બંધ કરી દે તો શું થાય?
અસંગઠિત ક્ષેત્ર અને શ્રમને લગતા વિષયોના અભ્યાસુ તથા જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના પ્રોફેસર અર્ચના પ્રસાદ માને છે કે મહિલાઓ ઘરનું કામ કરવાનું બંધ કરી દે તો આ સિસ્ટમ સંપૂર્ણપણે ઠપ થઈ જશે.
તેઓ કહે છે, "મહિલાઓ આ વેતન વગરનું કામ બંધ કરી દે તો સમગ્ર તંત્ર ખોરવાઈ જશે. કારણ કે મહિલાઓનું અવેતનિક કામ જ આ સિસ્ટમને સબસિડાઈઝ કરે છે. જો ઘરકામ અને કેરને લગતા કામનો ખર્ચ સરકાર અથવા કંપનીઓ પર લાદવામાં આવે તો શ્રમનું મૂલ્ય ઘણું વધી જશે."
"મહિલાઓ શ્રમશક્તિને પુનઃજીવંત કરી રહી છે. તેઓ તેને સંભાળી રહી છે. આ રીતે દરેક વ્યક્તિના શ્રમમાં મહિલાઓનું અવેતનિક શ્રમ સામેલ છે. ટેક્નિકલ ભાષામાં અમે તેને એબ્સ્ટ્રૅક્ટ લેબર કરીએ છીએ."
મહિલાઓનાં ઘરકામને જીડીપીમાં યોગદાનના સ્વરૂપે સ્વીકૃતિ અપાવવાના હિમાયતી, અર્થશાસ્ત્રી, લેખિકા અને ન્યૂઝીલૅન્ડના રાજકારણી મર્લિન વેરિંગ માને છે કે જીડીપીમાં મહિલા દ્વારા ગર્ભધારણને પણ એક ઉત્પાદક પ્રવૃત્તિ ગણવામાં આવતું નથી. હકીકતમાં મહિલા ભવિષ્ય માટે માનવસંસાધન પેદા કરતી હોય છે.
પોતાના દેશનું ઉદાહરણ આપતા તેઓ કહે છે કે, "ન્યૂઝીલૅન્ડનો જીડીપી જેના પર આધારિત છે તે નેશનલ એકાઉન્ટમાં ગાય, ભેંસ, બકરીના દૂધનું મૂલ્ય સામેલ છે. પરંતુ માતાનાં દૂધની કોઈ કિંમત સામેલ નથી. માતાનું દૂધ તો વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ ખાદ્ય પદાર્થ છે. તે બાળકનાં આરોગ્ય અને શિક્ષણમાં સૌથી ઉત્તમ રોકાણ છે, છતાં તેનું મૂલ્ય ગણતરીમાં નથી લેવાતું."

આર્થિક ઓળખ કઈ રીતે આપી શકાય?

ઇમેજ સ્રોત, Getty Images
હવે સવાલ એ પેદા થાય છે કે મહિલાઓ દ્વારા કરવામાં આવતા ઘરકામને આર્થિક ઓળખ કઈ રીતે આપવી.
અવેતનિક શ્રમ અંગે ઘણા પુસ્તકોનાં લેખિકા અને અમદાવાદ સ્થિત સેન્ટર ફૉર ડેવલપમેન્ટ ઓલ્ટરનેટિવ્ઝમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર ઇંદિરા હીરવે માને છે કે મહિલાઓ જે ઘરકામ કરે તેને એક ઉત્પાદનની જેમ જોવું જોઈએ.
તેઓ કહે છે, "ઘરમાં મહિલાઓ ખાવાનું બનાવે છે, કપડાં ધુએ છે, બજારમાંથી સામાન લાવે છે, બાળકોની સારસંભાળ રાખે છે, ઘરમાં બીમાર લોકોની કાળજી રાખે છે- આ બધી એવી સેવાઓ છે જે સીધી રીતે ઉત્પાદન સાથે સંકળાયેલી છે. દેશની આવક વધારવામાં અને દેશને તંદુરસ્ત રાખવામાં તેમનું યોગદાન છે."
"એક નર્સની સેવા લેવામાં આવે તો તેને રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવે છે. પરંતુ આ જ કામ કોઈ ગૃહિણી કરે તો તેને રાષ્ટ્રીય સેવામાં ગણવામાં નથી આવતું. આ ખોટું છે. તે પણ એક કામ જ છે. તેને રાષ્ટ્રીય આવકમાં સામેલ ન કરવાનું કોઈ કારણ નથી. એટલું જ નહીં, તે રાષ્ટ્રીય અર્થતંત્રમાં પણ યોગદાન આપે છે. મહિલાઓનાં આ અવેતનિક શ્રમ વગર સરકારી ક્ષેત્રથી લઈને ખાનગી ક્ષેત્ર સુધી કોઈ ચાલી ન શકે."
ઇતિહાસના પાનાં ઉથલાવીએ તો એક સમય એવો આવ્યો છે જ્યારે પ્રોફેસર હીરવેએ જે સંકેત આપ્યા તે મુજબ થયું છે.
વર્ષ 1975માં આઇસલૅન્ડની 90 ટકા મહિલાઓએ 24 ઓક્ટોબરે એક દિવસ રસોઈ બનાવવાનો, સફાઈ કરવાનો અને બાળકોની સારસંભાળ રાખવાનો ઇનકાર કરી દીધો હતો. મહિલાઓની આ જાહેરાતની એવી અસર પડી કે આખા દેશનું કામકાજ અચાનક થંભી ગયું. કામે ગયેલા પુરુષોએ તત્કાળ ઘરે આવવું પડ્યું અને બાળકોને રેસ્ટોરાંમાં જમાડવાં લઈ જવા પડ્યાં. તેના કારણે સામાન્ય રીતે પુરુષો જે કામ કરતા હતા તે બધા કામ અટકી ગયા.
પરંતુ સવાલ એ છે કે હાલના સમયમાં પણ મહિલાઓ આ રીતે અવેતનિક શ્રમ કરવાનું બંધ કરી દે તો શું 1975ની જેમ બધું ઠપ થઈ જશે?

'પરિવાર ખતમ થઈ જશે'

ઇમેજ સ્રોત, Getty Images
પ્રોફેસર હીરવે માને છે કે મહિલાઓ ઘરે કામ કરવાનું બંધ કરી દે તો પરિવાર નામની સંસ્થા જ ખતમ થઈ જશે.
તેઓ કહે છે, "વિકાસનો અર્થ એ થયો કે દરેક વ્યક્તિ પોતાની ઇચ્છા મુજબ કામ કરી શકે. જે મહિલા ડૉક્ટર બનવા માગતી હોય તે ડૉક્ટર બને, જેને એન્જિનિયર બનવું હોય તે એન્જિનિયર બની શકે."
"પરંતુ પુરુષ પ્રધાન સમાજે મહિલાઓ માથે ઘરકામ થોપી દીધું છે. તેના કારણે તેમનાં પગમાં એક પ્રકારનું બંધન છે. તેમનાં પર સૌથી પહેલાં ઘરકામ કરવાનું અને ત્યાર પછી બીજું કામ કરવાનું દબાણ છે. તેઓ ઘરકામ કરવાનું બંધ કરી દેશે તો સૌથી પહેલા પરિવાર નામની સંસ્થા જ ખતમ થઈ જશે. એટલું જ નહીં, ખાનગી ક્ષેત્રથી લઇને સરકારી ક્ષેત્ર સુધીનું કામ અટકી જશે. આપણે એ માનવું પડશે કે વેતનરહિત શ્રમ વગર અર્થતંત્ર ચાલી જ ન શકે."
ઇંદિરા નૂયીનું ઉદાહરણ આપતા હીરવે કહે છે કે ઔપચારિક વ્યવસાયિક તંત્રમાં મહિલાઓનાં ઉત્તમ પ્રદર્શન છતાં ઘર સંભાળવાની જવાબદારી તેમની જ હોય છે.
તેઓ કહે છે, "એક વખત ઇંદિરા નૂયીએ જણાવ્યું હતું કે તમામ સુખ સુવિધાઓ છતાં ઘર ચલાવવાની જવાબદારી તેમની જ છે. તેમણે એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો હતો. એક વખત કંપનીમાં તેમને પ્રમોશન મળ્યું. તેઓ ઘરે ગયાં તો દરવાજા પર જ તેમનાં માતા મળ્યાં. તેમણે કહ્યું કે સૌથી પહેલાં જઈને દૂધ લઈ આવો. તમારા પતિ અને બાળકોને સવારે દૂધની જરૂર પડશે. ઇંદિરા સૌથી પહેલા દૂધ લેવા ગયાં. કહેવાનો અર્થ એ છે કે જવાબદારી તો મહિલાની જ હોય છે. ઘણી મહિલા સીઈઓએ વાત કરી છે કે તેઓ ભલે ગમે તેટલી પ્રગતિ કરી લે, તેમને આ કામમાંથી છુટકારો નહીં મળી શકે કારણ કે આપણે પિતૃપ્રધાન સમાજમાં રહીએ છીએ."
ઇંદિરા હીરવે માને છે કે ભારતે પોતાના જીડીપીમાં મહિલાઓએ કરેલા અવેતનિક શ્રમને પણ સામેલ કરવું જોઈએ.
તેઓ કહે છે, "ભારતીય રાજકોષીય જીડીપીની બીજા દેશો સાથે તુલના કરવી અયોગ્ય છે કારણ કે ભારતીય મહિલાઓ અવેતનિક શ્રમ કરીને રાષ્ટ્રીય આવકમાં જે યોગદાન આપે છે તેને જીડીપીમાં ગણવામાં જ નથી આવતું. વિદેશમાં આ કામ ફોસ્ટર કેર, ઓલ્ડ એજ હોમ, નર્સ, નેની વગેરે કરે છે અને તે રાષ્ટ્રીય આવકમાં સામેલ હોય છે."

તેનો ઉકેલ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વભરમાં ઘણી મહિલાઓ અને પુરુષો એ વાત પર ભાર આપી રહ્યા છે કે અર્થતંત્ર અંગે સમાજમાં પિતૃસત્તાની અસર ઘટવી જોઈએ.
જાગો રી મુવમેન્ટ ચલાવતાં કમલા ભસીન માને છે કે સૌથી પહેલી લડાઈ તો પિતૃપ્રધાન સમાજમાંથી બહાર નીકળવાની છે.
તેઓ કહે છે, "તમે એ સવાલ શા માટે નથી પૂછતા કે પુરુષોને પોતાના મોટાં થતાં પુત્ર કે પુત્રી સાથે ભરપૂર સમય વિતાવવાનો અધિકાર કેમ નથી? તેમને ભણાવવાની કે તેમની સાથે રમવાની તક કેમ નથી મળતી?"
"પુરુષો જે કામ કરે છે તે આજીવિકા પેદા કરવાની દોડધામ છે. તેને જીવન ન કહેવાય. તમારા પત્ની જે જીવે છે તે જીવન છે. તમે થોડો સમય નોકરી નહીં કરો તો તમારા બાળકોનાં જીવન પર કોઈ અસર નહીં થાય. તમારા પત્ની એક દિવસ કામ નહીં કરે તો જીવન અને મૃત્યુનો સવાલ પેદા થઈ જાય છે."
"વિચારી જુઓ કે મહિલાઓ કહી દે કે તમે અમારી સાથે સારો વ્યવહાર કરો, નહીંતર અમે બાળકો પેદા કરવાનું બંધ કરી દેશું. તો શું થશે? તેનાથી સેનાઓ ઠપ થઈ જશે. તમે માનવ સંસાધન ક્યાંથી લાવશો?"
પરંતુ સવાલ એ છે કે ઘરકામને આર્થિક પ્રવૃત્તિનો દરજ્જો અપાવવાની લડાઈ ક્યાંક બહુ લાંબી તો નથી ને?
વનસ્પતિ અંગે સંશોધન કરતા રુચિતા દીક્ષિતા માને છે કે ભૂલ જ્યાંથી થઈ છે, સુધારાની શરૂઆત પણ ત્યાંથી જ થશે.
તેઓ કહે છે, "હું એક વૈજ્ઞાનિક છું. પરંતુ મારી દીકરીનો જન્મ થયો ત્યારે મારી સામે સવાલ હતો કે મારી દીકરીને કોઈ સ્વજન કે નેનીની જવાબદારીમાં સોંપી દઉં કે નોકરી છોડીને તેનાં ઉછેરમાં યોગદાન આપું. મેં બીજો વિકલ્પ પસંદ કર્યો. પરંતુ મેં આ વિકલ્પ પસંદ કરતી વખતે લોકોને એ અનુભવ કરાવ્યો કે આ કોઈ આસાન કામ નથી."
"સુધારાની શરૂઆત આપણાથી જ થશે. મને લાગે છે કે આગામી સમયમાં આપણે આપણી દીકરીઓ-પુત્રવધુઓએ કરેલાં ઘરકામને એટલું જ મહત્ત્વ આપવું પડશે જેટલું મહત્ત્વ છોકરાએ કરેલા કામને આપવામાં આવે છે."
"સંતુલન ત્યારે જ આવશે જ્યારે આપણે સ્વીકારીએ કે 'રેડી ટુ ઇટ ફૂડ' ટૂંકા ગાળાનો ઉકેલ હોઈ શકે છે. પરંતુ તમારે દરરોજ બહાર જઈને કામ કરવું હોય તો તમારા ઘરે સારું ખાવાનું બને તે જરૂરી છે. બહાર જઈને કામ કરવું એ જેટલું મહત્ત્વનું છે, એટલું જ મહત્ત્વ ભોજન બનાવવાનું પણ છે."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













