ધ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા : ભારતની આ કંપનીએ કેવી રીતે આખી દુનિયાને કોરોના રસી આપી?

ઇમેજ સ્રોત, REUTERS/FRANCIS MASCARENHAS
- લેેખક, ચિયો રૉબર્ટસન
- પદ, બિઝનસ રિપોર્ટર, બીબીસી ન્યૂઝ
વિશ્વમાં કોરોના વાઇરસ સામેની રસી બનાવવા માટે ફાર્મા કંપનીઓ ધોમ ઉત્પાદન કરી રહી છે અને આ બધા વચ્ચે એક કંપની ઘણી આગળ નીકળી ગઈ છે.
દેશમાં ભલે બહુ લોકપ્રિય કે જાણીતી ન હોય પણ ભારતની કંપની 'સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા' (એસઆઈઆઈ) રસી બનાવનાર દુનિયાની સૌથી મોટી કંપની છે.
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા પૂણેમાં દર વર્ષે 1.5 અબજ ડોઝનું ઉત્પાદન કરે છે.
ઍસ્ટ્રાઝેનેકાના લાઇસન્સ હેઠળ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા કોવિડની રસીનું ઉત્પાદન કરી રહ્યું છે. કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી અદાર પૂનાવાલાએ બીબીસીને કહ્યું, " અમે ગણતરીપૂર્વક બહુ મોટું જોખમ લીધું."
વર્ષ 2020માં રસીને સરકાર તરફથી મંજૂરી પણ નહોતી મળી તે પહેલાં તેમણે આ જોખમ ખેડ્યું હતું.
તેઓ કહે છે, "જોકે, એ અંધારામાં મારેલો ભૂસકો નહોતો કારણ કે અમે મલેરિયાની રસી વખતે ઑક્સફોર્ડના વૈજ્ઞાનિકો સાથે થયેલા અનુભવના આધારે નિર્ણયો લીધા હતા."
એસઆઈઆઈ એક ખાનગી કંપની છે જેના સીઈઓ અદાર પૂનાવાલા અને વૈજ્ઞાનિકો વચ્ચે જલદી નિર્ણયો લઈ શકાયા હતા.
જોકે આના માટે તોતિંગ ભંડોળ ક્યાંથી આવશે, એ પ્રશ્ન હતો. કંપનીએ આ રસી માટે 260 મિલિયન ડૉલર (26 કરોડ ડૉલર)નું રોકાણ કર્યું અને બિલ ગેટ્સ જેવા દાતાઓ તથા અન્ય દેશો પાસેથી મદદ મેળવી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ કોરોના વાઇરસની રસીઓ બનાવવા માટે મે, 2020 સુધી 800 મિલિયન ( 80 કરોડ ડૉલર)ની વ્યવસ્થા કરી લીધી હતી.

કેવી રીતે શરૂ થયું ઉત્પાદન?

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ કેવી રીતે ઉત્પાદન વધાર્યું?
એપ્રિલ 2020માં અદાર પૂનાવાલાએ ગણતરી કરી કે કંપનીને શેની-શેની જરૂર પડશે, કેટલાં વાઇલ્સ અને ફિલ્ટરની જરૂરિયાત ઊભી થશે.
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા ભારતમાં રસીકરણના સૌથી મોટા કાર્યક્રમમાં મહત્ત્વનો ભાગ ભજવી રહ્યું છે.
અદાર પૂનાવાલા કહે છે, "મને સમય પહેલાં જ 600 મિલિયન (60 કરોડ) ડોઝ માટે કાચની વાઇલ્સ ( શીશીઓ) મળી હતી અને સપ્ટેમ્બર 2020 સુધી અમારા ગૉડાઉનમાં તે રાખાવામાં આવ્યી હતી."
"જાન્યુઆરી મહિના સુધી 70-80 મિલિયન ( 7-8 કરોડ) ડોઝ અમે તૈયાર કરી શક્યા, એ સૌથી મહત્ત્વની વાત છે. અમે આવું એટલે કરી શક્યા કારણ કે અમે ઑગસ્ટ મહિનામાં ઉત્પાદન શરૂ કરવાનું જોખમ લીધું હતું."
"મને લાગે છે કે અન્ય કંપનીઓએ પણ આ જોખમ લીધું હોત તો તેનાથી વિશ્વને રસીના વધારે ડોઝ મળી શક્યા હોત."
જોકે અદાર પૂનાવાલાએ વૈશ્વિક સ્તરે રૅગ્યુલેટરી સિસ્ટમ (નિયામકતંત્ર) અને ઉત્પાદનમાં થતા વિલંબ સંદર્ભે સંગતત્વના અભાવની ટીકા કરી હતી.
તેમણે કહ્યું કે યૂકેની મેડિસિન અને હેલ્થકેર પ્રૉડક્ટ્સ રૅગ્યુલેટરી એજન્સી (એમએચઆરએ) યુરોપિયન મેડિસિન એજન્સી (ઈએમએ) અને યૂએસ ફૂટ ઍન્ડ ડ્રગ્સ ઍડમિનિસ્ટ્રેશને (એફડીએ) સાથે મળીને ગુણવત્તાનાં ધોરણો પર એકમત થવાની જરૂર હતી.
તેમણે રાષ્ટ્રસરકારોની પણ ટીકા કરી અને કહ્યું કે જે દેશોમાં રસીનું ઉત્પાદન ચાલી રહ્યું છે, ભારતથી લઈને યુરોપમાં, ત્યાંની સરકારોએ એક આંતરરાષ્ટ્રીય ધોરણ પર સહમત થવા માટે એક સાથે આવવું જોઈતું હતું.
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ કોરોના વાઇરસની અનેક રસી બનાવવા માટે મે, 2020 સુધી 800 મિલિયન ( 80 કરોડ) ડૉલર ભેગા કર્યા હતા.
તેમણે કહ્યું, "આપણે આ બધામાં સંગતતા લાવીએ તો સમય બચાવી શકીએ છીએ. નવી રસીના ઉત્પાદનમાં પણ સમયની બચત થઈ શકે છે. મને ફરીથી આ બધી પ્રક્રિયાઓમાંથી પસાર થવું નહીં ગમે."

નવો પ્રકાર

કોરોના વાઇરસના નવા પ્રકાર વિશે વાત કરતા અદાર પૂનાવાલાએ કહ્યું કે "કોઈને પણ ઑક્સફર્ડ ઍસ્ટ્રાઝેનેકાની રસી લીધા પછી હૉસ્પિટલ નથી જવું પડ્યું કે વૅન્ટિલેટર પર નથી મૂકવા પડ્યા કે પછી કોઈનું જીવન ખતરામાં નથી મૂકાયું."
"એ લોકોએ અન્યોમાં કોરોના વાઇરસે ફેલાવ્યો હોય એ ખરું, એ આદર્શ પરિસ્થતિ નથી પરંતુ રસીથી જીવ તો બચ્યા છે."
ભારતમાં ચાલી રહેલા દુનિયાના સૌથી મોટા રસીકરણ કાર્યક્રમમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા પણ સામે છે જેમાં ઑગસ્ટ મહિના સુધી 30 કરોડ લોકોને રસી આપવાનું લક્ષ્ય છે.
પરંતુ બ્લૂમબર્ગ પ્રમાણે ભારત સરકારના રસીકરણ કાર્યક્રમના નિયમો પ્રમાણે રસી લેવા માટે લાયકાત ધરાવતા માત્ર 56 ટકા લોકો જ રસી લેવા માટે આગળ આવ્યા છે.
અદાર પૂનાવાલા કહે છે, "પરંપરાગત રીતે જોવાયું છે કે સેલેબ્રિટી અથવા નિષ્ણાત ન હોય એવા લોકો દ્વારા રસી સુરક્ષિત નથી એવું કહેવાથી રસી સામે ખચકાટ ઊભો થાય છે. "
"મેં સેલેબ્રિટી અને પ્રખ્યાત લોકોને હંમેશાં વિનંતી કરી છે કે જેમની પાસે સોશિયલ મીડિયામાં ઘણી તાકાત છે તેમણે જવાબદાર રહેવું જોઈએ અને કંઈ પણ કહેતા પહેલાં તથ્યો ચકાસી લેવાં જોઈએ."



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













