ટાઢ કે તાપની પરવા કર્યા વિના પૈસા માગીને 100 ગાયોની સેવા કરતાં કિન્નરને ઓળખો છો?

ભાવગનર, કિન્નર

ટ્રાન્સજેન્ડર્સ એટલે કે કિન્નરો દાયકાઓથી સામાજિક દ્વેષનો સામનો કરતાં રહ્યાં છે. તેમને પૂરતી તક આપવામાં આવી નથી અને તેમને સમાજની મુખ્યધારાથી અળગાં રાખવામાં આવ્યાં છે. સમાજે તૃતીય પંથીઓના વિકાસના માર્ગમાં અનેક અવરોધ સર્જ્યા છે, પણ અનેક કિન્નરોએ એ બધા અવરોધોને પાર કરીને સમાજમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે.

એવાં કિન્નરોમાં લક્ષ્મીનારાયણ ત્રિપાઠી, ગૌરી સાવંત, સત્યશ્રી શર્મિલા, શાબી ગિરિ પદ્મિની પ્રકાશ અને જોયિતા મંડલનો સમાવેશ થાય છે.

દેશનાં સૌથી વધુ વગદાર કિન્નર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીનાં નામ તથા કામથી બધા વાકેફ છે. કિન્નર ગૌરી સાવંત 'સાક્ષી ચાર ચૌઘી' ટ્રસ્ટનાં અધ્યક્ષ અને મહારાષ્ટ્રના ચૂંટણીપંચનાં ગૂડવીલ ઍમ્બેસેડર છે. કિન્નર સત્યશ્રી શર્મિલા તામિલનાડુનાં સૌપ્રથમ ટ્રાન્સજેન્ડર ઍડવોકેટ છે, જ્યારે શાબી ગિરિ ભારતીય નૌસેનાનાં અધિકારી હતાં. માનબી બંદોપાધ્યાય પી.એચડી સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેવાં પશ્ચિમ બંગાળનાં સૌપ્રથમ કિન્નર હોવા ઉપરાંત દેશનાં સૌપ્રથમ કૉલેજ પ્રિન્સિપાલ કિન્નર છે.

'જો દે ઉસકા ભલા, જો ના દે ઉસકા ભી ભલા,'

આ પાંચ કિન્નરો પરિવારના સહયોગ અને ખંતથી આગળ આવેલાં છે. ગુજરાતમાં એવાં કેટલાંક કિન્નરો છે, જેમને પરિવાર કે સમાજનો આધાર નથી કે તેઓ બહુ ભણ્યાં પણ નથી. તેમ છતાં નાનું પણ નોંધપાત્ર કામ કરી રહ્યાં છે. નયનાકુંવર કૃષ્ણકુંવર ભાવનગર એવાં કિન્નરો પૈકીનાં એક છે.

'જો દે ઉસકા ભલા, જો ના દે ઉસકા ભી ભલા,' એ સૂત્રને અનુસરતાં નયનાકુંવર રોજ સવારે ભાવનગર અમદાવાદ હાઈવે પર પૈસા માગવા નીકળી પડે છે. તેઓ પોતાના નિર્વાહ માટે નહીં, પણ ગૌસેવા માટે પૈસા માગીને એકઠા કરે છે. દિવસ દરમિયાન જેટલા પૈસા એકઠા થાય એ ગૌસેવા પાછળ ખર્ચવાનો નિયમ નયનાકુંવરને બનાવ્યો છે.

સવાલ એ થાય કે આ નયનાકુંવર છે કોણ?

ભાવગનર, કિન્નર

25 વર્ષની વયનાં નયનાકુંવરનું મૂળ નામ દિલીપભાઈ છે. બોટાદ જિલ્લાના જમરાળા ગામના વતની દિલીપભાઈ રત્નકલાકાર તરીકે કામ કરવા ભાવનગર આવ્યા હતા. તેમને પુરુષના ખોળિયામાં ગોઠતું ન હતું એટલે એક દિવસ કિન્નર સમાજમાં જોડાઈ ગયા હતા. નયનાકુંવર કહે છે તેમ કિન્નર સમાજે તેમને ઉદાર દિલે અપનાવી લીધાં છે.

નયનાકુંવર હાઈવે પરના વાહનચાલકો પાસેથી એકઠા કરેલા પૈસા વડે ગૌસેવા કરે છે. તેમની ગૌશાળા લગભગ 100 ગાયોનું ઘર છે. આ ગૌશાળામાં બીમાર, અપંગ કે ઈજાગ્રસ્ત ગાયોને લાવવામાં આવે છે. નયનાકુંવર આ ગાયોની સારસંભાળ લે છે અને સેવા કરે છે.

પોતાના દિનચર્યાની વાત કરતાં નયનાકુંવર કહે છે, "ભાવનગર રોડ પરના ન્યારી પંપ પાસે હું રોજ ગાયો માટે વાહનચાલકો પાસેથી પાંચ રૂપિયા-દસ રૂપિયાની ભીખ માગું છું. સવારે ચાર વાગ્યે જાગી, સ્નાન કરી, માતાજીની સેવાપૂજા કરું. પછી ગૌશાળામાં કામ કરું. રોજ સવારે છ વાગ્યે ગાયો માટે પૈસા એકઠા કરવા હાઈવે પર પહોંચી જઉં. ટાઢ હોય, ત઼ડકો હોય કે વરસાદ હોય, આ મારો રોજનો નિયમ છે."

આ રીતે એકઠા થયેલા પૈસામાંથી નયનાકુંવર ગાયો માટે ખાણ લાવે છે. બીમાર ગાયો માટે દવા લાવે છે અને જે પૈસા બચે તેનો ઉપયોગ ગૌશાળાને વધુ સુવિધાજનક બનાવવા માટે કરે છે.

line

હીરા ઘસવા ભાવનગર આવેલા

ભાવગનર, કિન્નર

"હીરા ઘસવાનું કામ કરવા જાઉં છું," એવું પરિવારજનોને કહીને દિલીપભાઈ 20 વર્ષ પહેલાં જમરાળાથી ભાવનગર આવ્યા હતા. ભાવનગરમાં રત્નકલાકાર તરીકે કામ કરતા અને મફત નગરમાં એક રૂમ ભાડે રાખીને રહેતા હતા.

નયનાકુંવર કહે છે, "મારા ઘર પાસે એક ગાયને મેં બે દિવસ પીડાતા જોઈ હતી. ગાય બીમાર હતી અને કોઈ તેની સારવાર કરતું ન હતું. એ જોઈને મારું દિલ દ્વવી ઉઠ્યું હતું. મને વિચાર આવ્યો કે ભગવાને આપણને માણસ બનાવ્યા છે તો આપણે બીમાર ગાયો માટે કંઈક કરવું જોઈએ. મેં 20 વર્ષ પહેલાં અંદાજે 2,000 રૂપિયા ખર્ચીને એ ગાયના ફરી દોડતી કરી હતી."

અનેક બીમાર ગાયોની સારસંભાળ અને ભરણપોષણ કઈ રીતે કરવું એ વિચાર નયનાકુંવરને આવ્યો હતો અને તેઓ કિન્નર સમાજમાં જોડાયાં હતાં.

સમાજના મહેણાંટોણાંની પરવા કર્યા વિના નયનાકુંવર રોજ લોકો પાસેથી માગીને પૈસા એકઠા કરે છે, માંદી તથા રખડતી ગાયોની સેવા કરે છે અને કોઈ પણ જાતના ભાર વિના મજાનું જીવન જીવે છે.

line
સ્પૉર્ટ્સ ફૂટર ગ્રાફિક્સ
line

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો