મૃત્યુ પામેલા લોકોની અંતિમવિધિમાં મદદ કરનારી એ મહિલાઓ જે નિસ્વાર્થ આપે છે સેવા

લખતર

સંયુક્ત રાષ્ટ્રસંઘના આંકડા અનુસાર, ભારતની કૂલ વસતી 138 કરોડથી વધુની છે. વિશ્વની કૂલ વસતીના 17.7 ટકા લોકો ભારતમાં વસે છે. ગયા વર્ષના આંકડા મુજબ, ભારતમાં મૃત્યુદર પ્રતિ 1000 વ્યક્તિએ 7.3 ટકાનો છે. તેનો અર્થ એ થયો કે દેશમાં દર વર્ષે બે કરોડથી વધુ લોકો મૃત્યુ પામે છે.

ભારતમાં હિંદુ પરંપરા અનુસાર, મૃતદેહને અગ્નિદાહ આપવાની પ્રથા છે. મૃતદેહને અગ્નિદાહ આપવા માટે મોટા પ્રમાણમાં લાકડાંની જરૂર પડે છે અને એ લાકડું મેળવવા માટે દેખીતી રીતે જ વૃક્ષો કાપવાં પડે છે. એ કારણે વનવિસ્તારમાં ઘટાડો થાય છે.

અહીં મૃતદેહના અગ્નિસંસ્કારની પ્રથા યોગ્ય છે કે અયોગ્ય તેની ચર્ચા કરવાનો ઉપક્રમ નથી, પણ સુરેન્દ્રનગર જિલ્લાના લખતરની મહિલાઓ દ્વારા વનની, પર્યાવરણની જાળવણીમાં અજાણપણે આપવામાં આવી રહેલા ભવ્ય શ્રમદાનની વાત કરવી છે.

લખતરના સ્મશાનમાં છાણાંની અછત ન સર્જાય એ માટે મહિલાઓ દર વર્ષે શ્રમયજ્ઞ કરીને હજ્જારો છાણાં થાપે છે. ગયા વર્ષે છાણાંની અછત સર્જાઈ ત્યારે મહિલાઓએ 15,000થી 17,000 છાણાં થાપ્યાં હતાં. આ વર્ષે પણ છાણાંની અછત નિવારવા સંખ્યાબંધ મહિલાઓએ 11 દિવસ સુધી શ્રમયજ્ઞનું આયોજન કર્યું હતું. આ વખતે મહિલાઓએ 20,000થી વધુ છાણાં થાપ્યાં છે.

છાણાં થાપવાના શ્રમયજ્ઞમાં હરખભેર ભાગ લેતાં પિંકીબહેન કહે છે, "અમે 200 બહેનો સ્મશાનમાં રોજ છાણાં થાપવાં આવીએ છીએ. 20,000થી વધુ છાણાં અમે થાપ્યાં છે."

પિંકીબહેનની વાતને આગળ વધારતાં એક અન્ય સેવાભાવી કોકિલાબહેન કહે છે, "અત્યારે સેવાનું કામ કરવું જરૂરી છે અને અમે સેવાભાવથી આ કામ કરીએ છીએ. અત્યારે છાણાં ક્યાંય વેચાતાં મળતાં નથી. તેથી અમે પાંજરાપોળમાંથી છાણ લાવીએ છીએ અને અહીં છાણાં થાપીએ છીએ."

લખતરના સ્મશાનમાં છાણાં થાપવાનું કામ દર વર્ષે શિસ્તબદ્ધ રીતે ચાલતું રહે છે. આ શ્રમયજ્ઞ સાથે સંકળાયેલા ગણેશભાઈ કહે છે, "સ્થાનિક મહાજન તરફથી છાણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને મહિલાઓ કશું મહેનતાણું લીધા વિના આખો દિવસ છાણાં થાપવાનું કામ કરે છે."

લખતરસ્થિત બુટભવાની મંડળ અને ગોપી મંડળની મહિલાઓ છાણાં થાપવાંની આ સેવા નિસ્વાર્થભાવે આપી રહી છે. સ્થાનિક પાંજરાપોળમાંથી રોજ બે ટ્રૅલર ભરીને ગાયનું છાણ લાવવામાં આવે છે. છાણ આવતાંની સાથે જ મહિલાઓ છાણાં થાપવાંના કામમાં વ્યસ્ત થઈ જાય છે.

આટલાં મોટા પ્રમાણમાં છાણાં થાપવાંનો ક્ષમયજ્ઞ શા માટે અને ક્યારે શરૂ કરવામાં આવ્યો એ જણાવતાં ગણેશભાઈ કહે છે, "સ્મશાનમાં મૃતદેહને અગ્નિદાહ આપવા માટે સારા એવા પ્રમાણમાં છાણાંની જરૂર પડે છે. તેથી અમે આ કાર્યની શરૂઆત કરી હતી. લખતરના સ્મશાનમાં મહિલાઓ દ્વારા છાણાં થાપવાનું કામ 2018થી કરવામાં આવે છે. ગામની 200 મહિલાઓ અહીં આવીને રોજ પરિશ્રમ કરે છે. છાણાં થાપવાના આ કામમાં લખતર ગામના આગેવાનો પણ અન્ય સ્વરૂપે સહયોગ આપી રહ્યા છે."

લખતર

મૃતદેહના અગ્નિસંસ્કાર કરવાને બદલે દેહદાન કરીને વૃક્ષોની જાળવણીમાં યોગદાન આપવું જોઈએ કે કેમ એ વિશે છેલ્લા ઘણાં વર્ષોથી ચર્ચા ચાલી રહી છે.

અગ્નિસંસ્કારનો વિરોધ અને દેહદાનની તરફેણ કરતા લોકોની દલીલ એવી છે કે એક મૃતદેહના અગ્નિસંસ્કાર માટે 15થી 20 મણ એટલે કે 300થી 500 કીલોગ્રામ સૂકાં લાકડાંની જરુર પડે છે.

દેશમાં વસ્તી ચાર ગણી વધવાની સ્મશાનમાં લાકડાંની માગ પણ વધી છે. માત્ર ગુજરાતમાં જ અગ્નિસંસ્કાર માટે વર્ષે 400 કરોડ રૂપીયાનાં લાકડાં જોઈએ. એ સંબંધે સમગ્ર દેશની સૂકાં લાકડાંની જરૂરિયાત હિસાબ માંડીએ તો કરોડો રૂપિયાના મૂલ્યનાં હજારો એકર જંગલનો વિનાશ કરવો પડે.

બીજી તરફ અગ્નિસંસ્કારની તરફેણ કરતા લોકો આ પ્રથા સંપૂર્ણપણે અર્થસભર હોવાનું જણાવે છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાતનાં તથા દેશનાં અનેક શહેરોમાં સીએનજીથી તથા ઈલેક્ટ્રિકથી ચાલતી ભઠ્ઠીઓમાં મૃતદેહોને અગ્નિસંસ્કાર આપવાનું શરૂ થયું છે. વન તથા પર્યાવરણની જાળવણીની દિશામાં આ પણ એક ઉત્તમ પગલું છે.

સ્પૉર્ટ્સ ફૂટર ગ્રાફિક્સ
line

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો