નેપાળ : ઍસિડ ઍટેકનાં પીડિતા મુસ્કાન ખાતૂનને મળ્યો 'ઇન્ટરનેશનલ વુમન ઑફ કરેજ ઍવૉર્ડ'

ઇમેજ સ્રોત, U.S. EMBASSY IN NEPAL
- લેેખક, કમલેશ
- પદ, બીબીસી સંવાદદાતા
નેપાળનાં મુસ્કાન ખાતૂન 15 વર્ષની નાની ઉંમરે જ મોટી લડાઈ લડી ચૂક્યા છે - તેમણે ઍસિડ ઍટેકના વિરોધમાં લડાઈ લડી છે.
મુસ્કાન પોતે પણ ઍસિડ ઍટેકનો ભોગ બન્યાં હતાં અને તેમણે આ જઘન્ય અપરાધ સામે સખત કાયદા બનાવવા માટે ઝુંબેશ ઉપાડી હતી.
મુસ્કાન કહે છે, "મારી સારવાર ચાલી રહી હતી ત્યારે હું વારંવાર વિચારતી હતી કે પૈસા ક્યાંથી આવશે. મારા ઘરવાળા શું કરશે. આ તકલીફો વચ્ચે મને એ છોકરીઓનો પણ વિચાર આવ્યો જે મારી જેમ આ જ તકલીફમાંથી પસાર થઈ રહી છે."
મુસ્કાનની મહેતન રંગ લાવી અને નેપાળમાં આ અપરાધ વિરુદ્ધ વટહુકમ જાહેર કરીને નવો કાયદો અમલમાં મૂકી દેવાયો છે.
ઍસિડ ઍટેકના વિરોધમાં ચલાવેલી લડત અને તેમાં યોગદાન બદલ મુસ્કાન ખાતૂનને અમેરિકાનો ઇન્ટરનેશનલ વુમન ઑફ કરેજ (આઈડબ્લ્યૂઓસી) ઍવૉર્ડ આપવામાં આવ્યો છે.
8મી માર્ચે અમેરિકામાં ઍવૉર્ડ અર્પણ માટેનો વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાશે, જેમાં અમેરિકાનાં ફર્સ્ટ લેડી જિલ બાઇડન અને વિદેશ મંત્રી ટૉની બ્લિંકન હાજર રહેશે.
આઈડબ્લ્યૂઓસી ઍવૉર્ડનું આ 15મું વર્ષ છે. શાંતિ, ન્યાય, માનવાધિકાર, સ્ત્રીપુરુષ સમાનતા અને મહિલા સશક્તિકરણની બાબતમાં અસાધારણ સાહસ દાખવીને અભિયાન ચલાવ્યું હોય તેવી દુનિયાભરની સ્ત્રીઓને દર વર્ષે આ અવૉર્ડ આપવામાં આવે છે.
આ અગાઉ પાકિસ્તાનની મલાલા યૂસુફઝઈને સ્ત્રીઓ અને કિશોરીઓના અધિકારો માટે અભિયાન ચલાવવા બદલ આ સન્માન મળી ચૂક્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

14 વર્ષની ઉંમરે અસહ્ય પીડા

ઇમેજ સ્રોત, MUSKAN KHATUN
મુસ્કાન ખાતૂન નેપાળના બીરગંજનાં રહેવાસી છે અને ત્યાંની એક શાળામાં ભણતાં હતાં.
મુસ્કાને એક છોકરાને ના કહી તેની સજા મુસ્કાને 6 ડિસેમ્બર 2019ના રોજ ભોગવવી પડી. તે વખતે મુસ્કાન નવમા ધોરણમાં હતાં અને તે છોકરો તેમને કાયમ પરેશાન કરતો હતો. આ વિશે તેમણે ઘરમાં પણ ફરિયાદ કરી હતી.
મુસ્કાન કહે છે, "મારા અબ્બૂએ છોકરાને ઠપકો આપ્યો અને તેમાં બોલાચાલી થઈ ત્યારે થપ્પડ મારી દીધી. ત્યારે છોકરાએ કહ્યું કે હવે મને પરેશાન નહીં કરે, પણ ચાર મહિના પછી તે એક દિવસ ફરી આવ્યો."
"તેની સાથે તેનો એક દોસ્ત પણ હતો. તેમના હાથમાં ઍસિડ ભરેલો જગ હતો. તેણે મને ઍસિડ ઍટેક પિવડાવવાની કોશિશ કરી હતી. મેં એવું ના કર્યું ત્યારે તેણે મારા પર ઍસિડ ફેંકી દીધું. તે વખતે હું દર્દથી કણસવા લાગી હતી. આસપાસના લોકો મને હૉસ્પિટલ લઈ ગયા."
હૉસ્પિટલમાં લાંબો સમય સુધી મુસ્કાનનો ઇલાજ ચાલતો રહ્યો. ઍસિડ હુમલાને કારણે તેનો એક તરફનો ચહેરો, બંને હાથ, ગાલ, અને એક કાન બળી ગયા હતા. કાનને બહુ વધારે નુકસાન થયું હતું.

સારવારના ખર્ચની ચિંતા

ઇમેજ સ્રોત, MUSKAN KHATUN
ઍસિડના હુમલાના કારણે મુસ્કાને કેવી અસહ્યય પીડા ભોગવી તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. એટલી જ તકલીફ માનસિક રીતે પણ તે ભોગવી રહી હતી.
મુસ્કાન નવમા ધોરણથી આગળ ભણવા માગતી હતી અને ડૉક્ટર બનવા માગતી હતી. એક જ ઝટકે તેમના બધા સપનાં તૂટી ગયા. સૌ પહેલા તો જીવવા માટેનો સંઘર્ષ હતો. તે પછી ઍસિડના જખમ સાથે આખી જિંદગી કાઢવાની હતી. આ બધી બાબતો તેમના દિમાગમાં તણાવ સર્જી રહી હતી.
તેઓ કહે છે, "મારી સારવાર ચાલતી હતી ત્યારે મને સૌથી વધારે ચિંતા એ હતી કે મારા અમ્મી-અબ્બૂ આટલો ખર્ચ કેવી રીતે કાઢશે. મેં અમ્મીને કહ્યું, તો તેમણે કહ્યું કે, તું ચિંતા ન કરીશ, ગમે તેમ કરીને તારો ઇલાજ કરાવીશું."
સારવારમાં પ્રારંભમાં જે ખર્ચ આવ્યો તે મુસ્કાનના માતાપિતાએ જ કાઢ્યો હતો. બાદમાં ઇલાજ માટે બીજેથી પણ મદદ મળવા લાગી તે પછી થોડી રાહત થઈ હતી. બીરગંજમાં સારવારની પૂરતી સુવિધા નહોતી એટલે મુસ્કાનને કાઠમંડૂ લાવવામાં આવ્યા હતા. હવે તેમનો પરિવાર કાઠમંડૂમાં જ રહે છે.
આ તકલીફો વચ્ચે મુસ્કાનને જીવવા માટેનો એક નવી આશા મળી. તેમણે ઍસિડ ઍટેક વિરુદ્ધમાં કડક કાયદા માટેની માગણી ઉઠાવી. તેમ જ તેની સારવારનો ખર્ચ આવે તેમાં મદદ માટેની ઝુંબેશ પણ ઉપાડી. તેમણે આ બાબતમાં નેપાળના વડા પ્રધાન કે. પી. ઓલીને પણ પત્ર લખ્યો હતો.
મુસ્કાન કહે છે, "પહેલા નેપાળમાં ઍસિડ ઍટેક વિરુદ્ધ કડક કાયદો નહોતો. પીડિતાને મદદ પણ મળતી નહોતી મળતી. મને ખ્યાલ આવ્યો કે ઍસિડ ઍટેકનો ભોગ બનેલી છોકરીની જિંદગી કેટલી કપરી થઈ જાય છે. તેને ન્યાય પણ મળતો નથી. તેથી મેં અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું મને આ બાબતમાં ઘણા લોકોનો સહયોગ મળ્યો. ઘરના અને બહારના બધા લોકોએ મારો જુસ્સો વધાર્યો."
ઍસિડ ઍટેકની બાબતમાં તેઓ ભારતનો પણ ઉલ્લેખ કરે છે.
તેઓ કહે છે, "અમે ભારતમાં પણ આવા કિસ્સા થયા હતા તે સાંભળ્યું હતું. ત્યાં પણ તેના વિરુદ્ધમાં કડક કાયદા કરાયા. નેપાળ હોય કે ભારત ઍસિડ ઍટેકની પીડિતાને હું કહીશ કે હાર ના માનશો અને અવાજ ઊઠાવશો."
મુસ્કાન હજી પણ સપનાં જોઈ રહ્યા છે અને તેમના જીવનમાં હવે બીજા પણ ઉદ્દેશ જોડાયા છે. તેઓ આગળ પણ ઍસિડ ઍટેક પીડિતાઓ માટે કામ કરવા માગે છે.
તેમના પર હુમલા કરનારાની ધરપકડ થઈ છે અને તેની સામે મુકદ્દમો ચાલી રહ્યો છે.

નેપાળમાં નવો કાયદો
મુસ્કાને નવો કાયદો ઘડવાની માગણી સાથે વડા પ્રધાન કે. પી. ઓલીને પત્ર લખ્યો હતો અને તેમની સાથે મુલાકાત પણ કરી હતી.
બાદમાં ઓલીએ ઍસિડ હુમલાખોરો સામે કડક નવા કાયદાનો મુસદ્દો તૈયાર કરવાની જાહેરાત કરી હતી. સાથે જ કૅમિકલના વેચાણને નિયંત્રિત કરવા માટેનો વટહુકમ પણ જાહેર કર્યો હતો.
નેપાળમાં ઍસિડ ઍટેક વિરુદ્ધનો કાયદો હતો ખરો, પણ હવે તેને વધારે કડક બનાવાયો છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર 2020માં આ વટહુકમ જાહેર કરાયો હતો. એસિડ હુમલામાં પીડિતાનું મોત થાય તો જનમટીપની સજાની જોગવાઈ કરાઈ હતી. પીડિતા ઘાયલ થાય અને તેના અંગોને નુકસાન થાય ત્યારે અપરાધીને 20 વર્ષની સજા અને 10 લાખનો દંડ કરવાની જોગવાઈ કરાઈ છે.
નવા વટહુકમથી અપરાધીને સજા અને દંડને વધારે વ્યાપક કરાયા છે. તેમાં પીડિતાને કેટલી ઈજા થઈ છે તે અનુસાર સજા નક્કી થઈ છે. આ ઉપરાંત પીડિતાને મફતમાં સારવાર થાય તે માટે પણ જોગવાઈ કરાઈ છે.
મુસ્કાન કહે છે કે તેઓ નવા કાયદાથી ખુશ છે. તેમને લાગે છે કે આનાથી ઍસિડ હુમલા કરનારા ગભરાશે અને પીડિતાને વધારે ઝડપથી ન્યાય અને સહાય મળશે.
નેપાળ ખાતેના અમેરિકાના દૂતાવાસ તરફથી જણાવાયું હતું કે, "પરિવર્તન લાવવામાં મુસ્કાને અગત્યની ભૂમિકા ભજવી છે. તેમને સમર્થન આપવા બદલ અને નેપાળમાં સ્ત્રીઓ અને છોકરીઓના અધિકારોને વધારવા બદલ દૂતાવાસ ગૌરવ અનુભવે છે."

સપનાં સાકાર કરવા તૈયાર
મુસ્કાન ખાતૂન પોતાને મળેલી ઉપલબ્ધિ માટે પોતાને સમર્થન આપનારાં અને પ્રેમ આપનારાં લોકોનો આભાર માનતા થાકતી નથી. મુસ્કાને નેપાળ, અમેરિકા અને ભારતના લોકોનો દિલથી આભાર માન્યો છે.
મુસ્કાને કહ્યું કે ભારતમાંથી અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, વરુણ ધવન અને અભિનેત્રી કૃતિ સેનન વગેરેએ તેમને સાજી થઈ જવા બદલ સંદેશ પાઠવ્યા ત્યારે તે ખુશ થઈ હતી.
તેમની માતા શહનાઝ ખાતૂન અને પિતા રસૂલ અન્સારીની પણ ખુશીનો પાર નથી. તેમના દુખો હવે ખુશીમાં ફેરવાઈ ગયા છે. તેઓએ પણ મુસ્કાનને મદદ કરનારા લોકોને ધન્યવાદ કહ્યું છે.
હાલમાં પણ મુસ્કાનનો ઇલાજ ચાલી રહ્યો છે અને તેમની કેટલીક સર્જરી કરવાની બાકી છે. તે ફરીથી નવમા ધોરણમાં ભણવા લાગ્યા છે અને હવે કાઠમંડૂમાં જ શાળામાં દાખલ થયા છે.
તેઓ કહે છે, "હું અટકી જવાની નથી. આ દાગ મારું કશું બગાડી શકવાના નથી. જેણે અપરાધ કર્યો છે તેણે અટકી જવાનું છે."
મુસ્કાનના અવાજમાં જે ખુશી અને ઊર્જા દેખાય છે તેના પરથી લાગે છે કે તે ઍસિડ ઍટેકની એક પીડિતાની હતાશામાંથી બહાર નીકળી ગયા છે અને પોતાના સપનાઓ સાકાર કરવા તૈયાર છે.


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














