ગુજરાત બજેટ : ગુજરાત સરકાર સતત દેવું કેમ વધારી રહી છે?

ગુજરાતના નાણામંત્રી નીતિન પટેલ

ઇમેજ સ્રોત, TWITTER@ALL INDIA RADIO NEWS

ઇમેજ કૅપ્શન, ગુજરાતના નાણામંત્રી નીતિન પટેલ
    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી ગુજરાતી માટે
તમારી ફેવરિટ ભારતીય મહિલા ખેલાડીને વોટ આપવા માટે CLICK HERE

ગુજરાતના નાણામંત્રી નીતિન પટેલે બુધવારે વર્ષ 2021-22નું બજેટ રજૂ કર્યું, જેમાં રાજ્યની પ્રજા પર કોઈ નવા કરવેરા લાદવામાં નથી આવ્યા, પરંતુ ગુજરાતના ઋણના આંકડા ચોંકાવનારા છે. રાજકોષીય વર્ષ 2020-21માં ગુજરાત લગભગ 50,501 કરોડ રૂપિયાનું વધારાનું દેવું કરશે.

કોરોનાના વર્ષ દરમિયાન ગુજરાત સરકારની જીએસટીની આવક રૂપિયા 25,000 કરોડ ઘટી હતી. જીએસટીની આવક ઘટવા માટે મુખ્યત્વે લૉકડાઉનને જવાબદાર ગણવામાં આવે છે, જે દરમિયાન મોટા ભાગના વેપાર-ધંધા બંધ હતા.

ગુજરાતમાં પ્રથમ ક્વાર્ટર દરમિયાન જીએસટી વસુલાતમાં 40 ટકા અને બીજા ક્વાર્ટરમાં 15 ટકાનો ઘટાડો થયો હતો. પરંતુ લૉકડાઉન સમાપ્ત થયા પછી ઑક્ટોબર-ડિસેમ્બરમાં ઉદ્યોગો ધમધમવા લાગ્યા હતા અને જીએસટીની વસુલાત પાંચ ટકા વધી હતી.

જાન્યુઆરી 2021માં જીએસટીની વસુલાત વધીને રૂપિયા 3413 કરોડ સુધી પહોંચી હતી, જે એક વિક્રમ હતો. ફેબ્રુઆરી 2021માં આ વિક્રમ તૂટ્યો અને ગુજરાતે રૂપિયા 3514 કરોડની જીએસટીની આવક મેળવી હતી.

બજેટ રજૂ કરતી વખતે નીતિન પટેલે દાવો કર્યો હતો કે જીએસટીની વધતી આવક આર્થિક રિકવરીના પ્રોત્સાહક સંકેત આપે છે. ગુજરાતે રૂપિયા 25,000 કરોડની જીએસટીની ઘટ સહન કરવી પડી, તેને રૂપિયા 6000 કરોડની સેસની આવક અને રૂપિયા 9200 કરોડની કેન્દ્રિય લોન દ્વારા આંશિક રીતે સરભર કરાશે. છતાં જીએસટીની ઘટ રૂપિયા 9000 કરોડ જેટલી રહેશે.

line

રાજ્યનું દેવું વિક્રમ સ્તરે પહોંચ્યું

નાણામંત્રી નીતિન પટેલે વિધાનસભામાં બજેટ રજૂ કરતી વેળા

ઇમેજ સ્રોત, TWITTER@ALL INDIA RADIO NEWS

ઇમેજ કૅપ્શન, નાણામંત્રી નીતિન પટેલે વિધાનસભામાં બજેટ રજૂ કરતી વેળા

રાજ્ય સરકારની આવકમાં ગાબડું પડ્યું તેના કારણે સરકારે જાહેર દેવામાં વધારો કરવો પડશે. રાજકોષીય વર્ષ 2020-21માં ગુજરાત લગભગ 50,501 કરોડ રૂપિયાનું દેવું કરશે.

31 માર્ચ 2020ના આંકડા પ્રમાણે રાજ્યનું કુલ જાહેર દેવું રૂપિયા 2,67,651 કરોડ હતું. સુધારેલા અંદાજ મુજબ ચાલુ રાજકોષીય વર્ષ દરમિયાન ગુજરાતે જાહેર ઋણ સ્વરૂપે રૂપિયા 61,008 કરોડ એકઠા કર્યા હતા, જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.

આ બધાનો સરવાળો કરવામાં આવે તો 2021-22ના નાણાકીય વર્ષના અંતે ગુજરાત પર રૂપિયા 3.78 લાખ કરોડના જંગી દેવાનો બોજ હશે.

આ દરમિયાન ગુજરાતના બજેટનું કદ પણ રૂપિયા 9,742 કરોડ જેટલું વધીને રૂપિયા 2,27,029 કરોડ થયું હતું.

તેમાં શિક્ષણ માટે રૂપિયા 32,719 કરોડ, આરોગ્ય માટે રૂપિયા 11,323 કરોડ અને શહેરી વિકાસ માટે રૂપિયા 13,493 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

આ વખતના બજેટમાં સ્ટેચ્યુ ઑફ યુનિટી માટે સરકારે રૂપિયા 652 કરોડની વધારાની ફાળવણી કરી છે.

line

વધતા ઋણ અને ખર્ચનો સંબંધ

પ્રતીકાત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસ્વીર

અર્થશાસ્ત્રી પ્રોફેસર હેમંતકુમાર શાહ આ અંગે વાત કરતાં જણાવે છે, "રાજ્ય સરકાર આગામી વર્ષે 50,000 કરોડ રૂપિયાનું વધારે દેવું કરવાની છે. આ વર્ષે સરકાર 2.96 લાખ કરોડનું દેવું કરવાની હતી તેની જગ્યાએ લગભગ 15,000 કરોડનું વધારે દેવું કરી નાખ્યું છે."

તેઓ માને છે કે 'ગુજરાત જેવા રાજ્ય માટે આ રકમ બહુ મોટી છે કારણ કે ગુજરાતનું બજેટ જ રૂપિયા 2.27 લાખ કરોડનું છે અને તેની સામે દેવું બજેટ કરતા દોઢ ગણું છે જે ચિંતાજનક છે.'

આ વર્ષે કોરોનાના કારણે સરકારની મહેસુલી આવક ઘટી હોવાથી દેવું વધારવું પડ્યું તેવું કારણ આપવામાં આવે છે જે એક બહાનું છે તેમ પ્રોફેસર શાહે જણાવ્યું હતું.

તેઓ કહે છે, "અગાઉ આવી સ્થિતિ ન હતી ત્યારે પણ દેવું વધતું હતું." તેમના માનવા પ્રમાણે દેવું વધવાનું કારણ સરકારના બેફામ ખર્ચ છે."

તેઓ કહે છે, "વાઇબ્રન્ટ સમિટના નામે ભપકાબાજી કરવી, આફ્રિકાના નાના દેશોના નેતાઓને આમંત્રિત કરવા, 'નમસ્તે ટ્રમ્પ' જેવા કાર્યક્રમો યોજવા, વિવિધ ઉત્સવોની ઉજવણી, ગરીબકલ્યાણ મેળા વગેરેમાં નાણાંનો વ્યય થાય છે. આવા બધા ખર્ચ ટાળ્યા હોત તો દેવું ઘણું ઓછું હોત."

તેઓ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સિટી (ગિફ્ટ) માટેના રોકાણને અને મહાત્મા મંદિર પર થયેલા ખર્ચને પણ સફેદ હાથી સમાન ગણાવે છે.

12 વર્ષ અગાઉ તેની પાછળ 100 કરોડના ખર્ચનો અંદાજ હતો. વાસ્તવિક ખર્ચ તેના કરતા ઘણો વધારે છે.

તેઓ પૂછે છે કે મુખ્ય મંત્રીએ પણ 191 કરોડનું વિમાન ખરીદવાની શી જરૂર હતી?

સ્ટેચ્યુ ઑફ યુનિટી પાછળ પણ અઢળક ખર્ચ થયો છે. ગુજરાતની સમસ્યા એ છે કે કૅગના રિપોર્ટ પણ વિધાનસભા સત્રના અંતિમ દિવસે રજૂ કરવામાં આવે છે તેથી તેની ચર્ચા નથી થઈ શકતી. અનેક નિગમોના ઓડિટેડ રિપોર્ટ તૈયાર નથી થતા.

line

કોરોનાના કારણે વધુ ઋણ લેવાની જરૂરિયાત

કોરોનાની સ્થિતિ હોવાથી સરકારની આવક ઘટી છે અને દેવું કરવું જરૂરી બન્યું છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કોરોનાની સ્થિતિ હોવાથી સરકારની આવક ઘટી છે અને દેવું કરવું જરૂરી બન્યું છે.

કેટલાક નિષ્ણાતોના મતે આ વર્ષે કોરોનાની સ્થિતિ હોવાથી સરકારની આવક ઘટી છે અને દેવું કરવું જરૂરી બન્યું છે.

'પાથે બજેટ સેન્ટર'ના પ્રોગ્રામ ડિરેક્ટર મહેન્દર જેઠમલાણીએ જણાવે છે, "આ વખતે રાજ્યોએ માર્કેટમાં દેવું કરવું જ પડે તેવી સ્થિતિ છે. બે મહિના સુધી લૉકડાઉનના કારણે આવક બંધ રહી હતી. આ ઉપરાંત રાજ્યોને કેન્દ્ર સરકાર તરફથી મળતી મદદનો હિસ્સો ઘટ્યો છે. કેન્દ્રે ચાલુ વર્ષમાં અસામાન્ય સ્થિતિને ધ્યાનમાં રાખીને જીએસડીપીના ત્રણ ટકા સુધી વધુ દેવું કરવાની છૂટ આપી છે."

જેઠમલાણીના મતે ગુજરાતનું દેવું એટલું બધુ મોટું ન કહી શકાય. વિકાસનાં કામોમાં જંગી ખર્ચ થતો હોવાથી દેવું કરવું પડે.

તેમણે કહ્યું કે, "રાજ્યો દ્વારા દેવું કરવામાં આવે તે ચોક્કસ હેતુસર હોય છે. દેવું કરવામાં રાજ્યો એફઆરબીએમ હેઠળની શરતોનું પાલન કરે છે અને મર્યાદામાં રહીને ઋણ લે છે. આ વખતે દેવું વધારવાની છૂટ મળી છે જેમાં રાજ્યોએ કેટલીક શરતોનું પાલન કરવું પડશે, જેમ કે વન નેશન, વન રાશન કાર્ડ યોજના અપનાવવી, વીજ ક્ષેત્રે સુધારા કરવા અને શહેરી સ્થાનિક સંસ્થાઓમાં ટૅક્સના દર સુધારવા."

તેમણે કહ્યું કે દરેક રાજ્યનું એક કૉન્સોલિડેટેડ ફંડ હોય છે, જેમાં તમામ આવક જમા થયા પછી પ્રાથમિકતા અનુસાર ખર્ચ કરવામાં આવતો હોય છે.

સંસાધનોની અછત હોય ત્યારે પ્રાથમિકતા બદલાતી હોય છે. સરકારે વ્યાજની ચુકવણી, પેન્શન અને પગાર માટે નિશ્ચિત ખર્ચ કરવો જ પડે છે જેને કમિટેડ ઍક્સપેન્ડિચર કહે છે. ત્યાર પછી વિકાસનાં કામોને પ્રાથમિકતા અનુસાર મહત્ત્વ અપાય છે.

જેઠમલાણીનું કહેવું છે કે કલ્યાણ-યોજનાઓ માટે સરકારે એક બજેટ નક્કી કર્યું હોય છે જેના માટે મૂડીની જરૂરિયાત મુજબ દેવું કરવું પડતું હોય છે.

line

2023 સુધીમાં દેવું ચાર લાખ કરોડ નજીક પહોંચશે

પ્રતીકાત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસ્વીર

'આઉટલૂક'ના એક અહેવાલ પ્રમાણે ફેબ્રુઆરી 2020માં જ ગુજરાત સરકારે અંદાજ મૂક્યો હતો કે વર્ષ 2022-23 સુધીમાં તેનું જાહેર દેવું રૂપિયા 3.72 લાખ કરોડને સ્પર્શ કરી જશે. તે સમયે કોરોનાની કટોકટી શરૂ પણ થઈ ન હતી.

રાજ્ય સરકારે દાવો કર્યો હતો કે જાહેર દેવાં અને જીએસડીપીનો રેશિયો 27.1 ટકા સુધી મર્યાદિત રાખવામાં આવશે, પરંતુ સરકારના ઋણકાર્યક્રમમાં સતત વધારો થતો ગયો છે અને ઋણમાં ઘટાડો થવાના કોઈ પુરાવા દેખાતા નથી.

સરકારની કુલ આવકમાં જાહેર દેવાનું પ્રમાણ લગભગ 20 ટકા જેટલું છે અને જાહેર દેવાની ચૂકવણી લગભગ આઠ ટકાની આસપાસ છે.

પ્રોફેસર હેમંતકુમાર શાહ આ માટે ડેટ મૅનેજમૅન્ટની ખામીને જવાબદાર ગણે છે. તેઓ કહે છે કે હાલમાં કરવેરાની વાર્ષિક આવક 1.10 લાખ કરોડ જેટલી છે. ગુજરાતમાં કરવેરાની ઉઘરાણી સારી રીતે નથી થતી અને ધનિકો પર ઊંચો કર લાદવામાં નથી આવ્યો.

તેમના મતે દેવું ઓછું કરવું હોય તો ગુજરાતે કરવેરાની આવક વધારવી જોઈએ. ગુજરાતનો જીડીપી લગભગ 17.5 લાખ કરોડ રૂપિયાનો છે, તેમાંથી કરવેરાની આવક ફક્ત 1.10 લાખ કરોડ છે. તેના કારણે ડેટ ટુ જીડીપી રેશિયો નબળો પડે છે

સરકાર દેવું કરે તેનાથી રાજ્યમાં રોજગારીની તકો પેદા થાય છે તેવી દલીલ સાથે તેઓ સહમત નથી.

તેઓ કહે છે, "દેવું કર્યા પછી તે રકમ ક્યાં ખર્ચ કરવી તે સરકારની મુનસફી પર આધારિત છે. હાલમાં દર વર્ષે લગભગ 15,000 કરોડ રૂપિયાનો વ્યાજનો બોજ છે. આવી સ્થિતિમાં સરકારે ધનિકો પર વધુ કર નાખીને નકામા ખર્ચ બંધ કરવા જોઈએ."

line

અન્ય રાજ્યોની સ્થિતિ

પ્રતીકાત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસ્વીર

ગુજરાતની જેમ દેશનાં અન્ય રાજ્યોમાં પણ દેવું સતત વધી રહ્યું છે. નાણાકીય વર્ષ 2015થી 2020 દરમિયાન રાજ્યોનાં દેવાંમાં 14.3 ટકાના ચક્રવૃદ્ધિદરે વધારો થયો હતો. જુલાઈ 2020ના આંકડા અનુસાર તમામ રાજ્યોનું કુલ દેવું રૂપિયા 52.6 લાખ કરોડ હતું.

'કૅર રેટિંગ્સ'ના અહેવાલ મુજબ છેલ્લાં પાંચ વર્ષમાં રાજ્ય સરકારોનું દેવું બમણું થયું છે. તમામ રાજ્યોનાં કુલ દેવાંમાં ટોચનાં 10 રાજ્યોનો હિસ્સો લગભગ 72 ટકા હતો.

તેમાં ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર સૌથી જંગી દેવાં નીચે દબાયેલાં રાજ્યો છે. ઉત્તર પ્રદેશ પર રૂપિયા 6 લાખ કરોડ અને મહારાષ્ટ્ર પર રૂપિયા પાંચ લાખ કરોડથી વધારે દેવું છે તેમ ફાઈનાસિયલ એક્સપ્રેસનો અહેવાલ જણાવે છે.

ડિસેમ્બર 2020ના આંકડા મુજબ પંજાબ પર અઢી લાખ કરોડ રૂપિયાથી વધારે દેવું છે. નવું દેવું કરનારાં રાજ્યોમાં તામિલનાડુ પણ અગ્રેસર છે.

આ રિપોર્ટ મુજબ કેન્દ્રશાસિત પ્રદેશો સહિત 30 રાજ્યોમાંથી 18 રાજ્ય એવાં છે જેનો ડેટ ટુ જીડીપી રેશિયો 25 ટકા કરતા વધુ છે.

12 રાજ્યોમાં ઋણ અને જીડીપીનો ગુણોત્તર 30 ટકા કરતાં વધુ છે. છેલ્લાં પાંચ વર્ષમાં રાજ્યોનું દેવું વધ્યું તેના માટે માર્કેટ બૉરોઇંગમાં વૃદ્ધિ, ઉદય બૉન્ડ દ્વારા એકત્ર કરવામાં આવેલું ભંડોળ, બૅન્કો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી લેવાયેલું દેવું જવાબદાર છે.

જોકે, આ દરમિયાન કેન્દ્ર સરકારે પણ દેવામાં 10 ટકાના દરે વધારો કર્યો છે.

ઋણ અને જીડીપીનો ગુણોત્તર જેમ વધારે હોય તેમ તે વધુ ચિંતાજનક ગણાય. જીડીપીની તુલનામાં ઋણનો ઊંચો ગુણોત્તર ધરાવતાં રાજ્યોમાં પશ્ચિમ બંગાળ, પંજાબ અને ઉત્તર પ્રદેશ આગળ છે.

line
સ્પૉર્ટ્સ ફૂટર ગ્રાફિક્સ
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો