ઇકૉનૉમી : નરેન્દ્ર મોદીનું પાંચ ટ્રિલિયન ડૉલરની ભારતીય અર્થવ્યવસ્થાનું સ્વપ્ન પૂર્ણ થશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, નિધિ રાય
- પદ, બીબીસી સંવાદદાતા
23 જાન્યુઆરી 2018એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2024-25 સુધી ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડૉલર સુધી લઈ જવાની પોતાની મહત્ત્વકાંક્ષા વિશે પહેલી વખત લોકોને જણાવ્યું હતું.
તેમણે આ વાત દાઓસમાં આયોજિત વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમની મીટિંગમાં આંતરરાષ્ટ્રીય નેતાઓને સંબોધનમાં કહી હતી.
2018-19નો આર્થિક સરવે વડાપ્રધાનના વિઝનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં આશા રાખવામાં આવી હતી કે 2020-21થી લઈને 2024-25 સુધી ભારતની અર્થવ્યવસ્થા આઠ ટકાની ઝડપે આગળ વધશે. એવું આકલન કરવામાં આવ્યું હતું કે જી.ડી.પી.નો (ગ્રૉસ ડૉમેસ્ટિક પ્રૉડક્શન, કુલ ઘરેલું ઉત્પાદન) સરેરાશ વુદ્ધિદર 12 ટકાની આજુબાજુ રહેશે, જ્યારે ફુગાવો ચાર ટકા રહેશે.
માર્ચ 2025 સુધી એક અમેરિકન ડૉલરની કિંમત 75 રુપિયા સુધી જવાનું અનુમાન મૂકવામાં આવ્યું હતું. વસ્તુઓ અને સેવાઓની હાલની કિંમતના આધારે જીડીપીની વુદ્ધિ દરનો આંકલન કરવામાં આવે છે જ્યારે વાસ્તવિક જીડીપીનું આંકલન ફુગાવોને ઘટાડીને કરવામાં આવે છે.
આ જ કારણ છે કે લાંબાગાળે વાસ્તવિક જીડીપીના આંકડા થકી અર્થવ્યવસ્થાનો ખરો અંદાજ મેળવી શકાય છે. જો ભારત પોતાનું લક્ષ્ય સાધવામાં સફળ થઈ જાય તો તે જર્મનીને પછાડીને અમેરિકા, ચીન અને જાપાન બાદ વિશ્વની ચોથા નંબરની અર્થવ્યવસ્થા બની જશે.
અત્યારે ભારતની અર્થવ્યવસ્થાનું કદ 2.7 ટ્રિલિયન યુ.એસ. ડૉલર છે.
પરંતુ ભારતની અર્થવ્યવસ્થામાં અપેક્ષા મુજબ વધારો થતો નહોતો અને માર્ચ 2020માં કોરોનાની મહામારી શરૂ થઈ ગઈ.
એવું નથી કે કોરોના વાઇરસ પહેલાં દેશની અર્થવ્યવસ્થા બહુ સારી સ્થિતિમાં હતી. આપણી અર્થવ્યવસ્થા કોરોના વાઇરસનો તબક્કો શરૂ થયો તે પહેલાંથી જ સુસ્ત હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર


ઇમેજ સ્રોત, Getty Images
રાષ્ટ્રીય આંકડાકીય સંગઠન (એન.એસ.ઓ. નેશનલ સ્ટેટસ્ટિકલ ઑર્ગેનાઇઝેન)ના રિપોર્ટ અનુસાર 2018-19માં જીડીપીમાં 6.1 ટકાના દરે વૃદ્ધિ થઈ હતી, જ્યારે 2019-20માં જીડીપીમાં 4.2 ટકાની વુદ્ધિ નોંધાઈ હતી.
કોવિડ-19 તથા લૉકડાઉનના ઓછાયા હેઠળ પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન 24 ટકા જેટલો 40 વર્ષનો સર્વાધિક ઘટાડો જોવાયો હતો. તે પછીના ત્રિમાસિક ગાળા દરમિયાન 7.5 ટકાનો નકારાત્મક વૃદ્ધિદર જોવાયો હતો.
આ એ સમયગાળો હતો જ્યારે કોરોના વાઇરસની અસર અર્થવ્યવસ્થા પર દેખાઈ રહી હતી અને સમગ્ર દેશમાં લૉકડાઉનની સ્થિતિ હતી.
શુક્રવારે નાણાકીય વર્ષ 20-21ના ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન દેશના જી.ડી.પી.માં થયેલી વૃદ્ધિના આંકડા બહાર પાડવામાં આવ્યા હતા.
ન્યૂઝ એજન્સી પી.ટી.આઈ.ના રિપોર્ટ મુજબ આ ગાળા દરમિયાન દેશનું અર્થતંત્ર 0.4 ટકાના દરે વૃદ્ધિ પામ્યું હતું, જે અનુમાન કરતાં ઓછું રહ્યું હતું.
અનેક રૅટિંગ ઍજન્સીઓ અને અર્થશાસ્ત્રીઓએ આશા વ્યક્ત કરી હતી કે ત્રીજા ત્રિમાસિક ગાળામાં ભારતીય અર્થવ્યવસ્થામાં આશિંક વૃદ્ધિ જોવા મળશે. તેમનું માનવું છે કે દેશમાં આર્થિક પ્રવૃત્તિએ વેગ પકડ્યો છે અને ગતિનો તબક્કો ચાલુ રહેશે.
આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઈ.એમ.એફ. ઇન્ટરનેશનલ મૉનિટરી ફંડ)એ પણ આશા વ્યક્ત કરી છે કે 2022-23માં 6.8 ટકા સુધી નીચે આવતા પહેલાં આવનાર વર્ષમાં દેશની જીડીપીમાં 11.5 ટકાના દરે વૃદ્ધિ થશે. આઈએમએફના અનુમાન અનુસાર આ 2021-22 અને 2022-23 દરમિયાન ભારતીય અર્થવ્યવસ્થા વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા રહેશે.

'ભારતીય અર્થવ્યવસ્થા અત્યારે પણ પાટા પર છે'

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી સાથે એક ઇમેઇલ ઇન્ટરવ્યૂમાં પૂર્વ કેન્દ્રીય આર્થિક સલાહકાર ડૉ. અરવિંદ વિરમાની કહે છે કે, સપ્ટેમ્બર 2019થી જ સ્થાનિક બજારોમાં સ્પર્ધાત્મકતા અને ઉત્પાદકતાની સ્થિતિમાં સુધારો કરવા માટે સરકારે અનેક જોગવાઈઓ કરી છે, જેના કારણે ભારતના જીડીપીમાં 2021-30 દરમિયાન સરેરાશ સાતથી આઠ ટકાનો વધારો થવાની અપેક્ષા છે."
આ હિસાબે જોઈએ તો આ દાયકાના અંત સુધી ભારતીય અર્થતંત્ર પાંચ ટ્રિલિયન ડૉલર સુધી પહોંચવાની ધારણા છે.
બીબીસી સાથેના ઍક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં ભારતના મુખ્ય આર્થિક સલાહકાર સંજીવ સાન્યાલએ પણ આઈએમએફ સાથે પણ સંમત થતા જણાવ્યું કે બની શકે કે એક વર્ષનું નુકસાન થયું હોય, પરંતુ ભારતનું અર્થતંત્ર હજી પણ પાટા પર છે.
તેઓ કહે છે, "આપણે બધા જાણીએ છીએ કે દરેક દેશની દરેક અર્થવ્યવસ્થા પર કોરોના વાઇરસની અસર થઈ છે. કોઈ પણ દેશ તેનાથી બાકાત નથી. જોકે હવે આર્થિક પ્રવૃત્તિઓ વધી રહી છે અને આવનાર નાણાંકીય વર્ષમાં, અમારી અપેક્ષા મુજબ વાસ્તવિક જીડીપીમાં 11 ટકાનો વધારો થશે જ્યારે સામાન્ય જીડીપીમાં 15.5 ટકાનો વધારો થવાની શક્યતા છે. તેના કારણે કોરોના વાઇરસની મહામારી પહેલાં અમે જ્યાં હતા બરાબર એ જ જગ્યાએ પહોંચી જઈશું."
સાન્યાલ વધુમાં જણાવે છે કે, "આપણે કદાચ એક વર્ષ ગુમાવ્યું હશે, પરંતુ મારા મતે ભારત વિશ્વની એ ગણી ગાંઠી અર્થવ્યવસ્થાઓમાં સામેલ છે કે જે પાટા પર છે. પાંચ ટ્રિલિયન ડૉલર સુધી પહોંચવામાં સમય લાગી શકે છે, પરંતુ કોરોના રોગચાળાના ઝાટકાને જોતાં આ પ્રશંસનીય રહેશે. મને લાગે છે કે દુનિયાભરમાં કોરોના વાઇરસની અસર વચ્ચે પણ ભારતનું અર્થતંત્ર તેમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યું છે.
જોકે બીજા અર્થશાસ્ત્રીઓ તેને લઈને ખાસ ઉત્સાહિત નથી.
એમકે ગ્લોબલ ફાઇનાન્સિયલ સર્વિસીસના મુખ્ય અર્થશાસ્ત્રી માધવી અરોરા કહે છે કે મૂડી અને નફાની દૃષ્ટિએ તો અર્થવ્યવસ્થામાં સુધારો આવી રહ્યો છે, પરંતુ તે મજૂરી અને વેતનની બાબતમાં આવી સ્થિતિ નથી.
બીબીસી સાથેની વાતચીતમાં માધવી જણાવે છે કે, "એ વાત સમજવી પડશે કે કોરોના વાઇરસના પ્રસારને અપેક્ષા કરતાં વહેલાં અટકાવી શકાયો છે, જેના કારણે લોકોની અવરજવર વધી ગઈ છે. જોકે આપણે આ વૃદ્ધિદરના ઉત્સાહથી આગળ વધવાની જરૂર છે. કોરોના વાઇરસ પછીના સમયગાળામાં વુદ્ધિદરનો ગ્રાફ સામાન્ય છે. તે ભયજનક છે અને શ્રમ બજારનું વિભાજન કરે છે. "

'2029-30 સુધીમાં પાંચ ટ્રિલિયન ડૉલરનું લક્ષ્ય હાંસલ કરવું અશક્ય લાગે છે'

ઇમેજ સ્રોત, Getty Images
પૂર્વ નાણાં સચિવ સુભાષચંદ્ર ગર્ગ માને છે કે ભારતની અર્થવ્યવસ્થાને બે વર્ષનું નુકસાન ગયું છે અને પાંચ ટ્રિલિયન ડૉલરનું લક્ષ્ય 2029-30 સુધીમાં હાંસલ કરવું અશક્ય લાગે છે.
તેઓ કહે છે કે, "આ લક્ષ્યને પૂર્ણ કરવામાં માત્ર ચાર વર્ષ બાકી છે અને તે માટે 18 ટકાના દરે જીડીપીમાં વુદ્ધિની જરૂર રહે, જે અસામાન્ય લાગે છે. જો તમે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટેનો સમય વધારીને 2026-27 પણ કરી નાખો, તો પણ જીડીપીને 11 ટકાના દરે વૃદ્ધિ કરવી પડે. જીડીપીમાં આ દરે વધારો થાય, તે અત્યારે અશક્ય લાગી રહ્યું છે, જેથી લક્ષ્ય હાંસલ કરવું મુશ્કેલ થઈ જશે. "
ગર્ગ વધુમાં જણાવે છે કે, "જો સારી માળખાકીય નીતિઓ લાગુ કરવામાં આવે અને પરિસ્થિતિ ઝડપથી થાળે પડે, તો 2029-30 સુધીમાં લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે. જે રીતે સરકારે ખાનગીકરણ કરવાની જાહેરાત કરી છે, કોલસા ક્ષેત્રના નકશા અને ખાણોના ખાનગીકરણની પ્રક્રિયાને પૂર્ણપણે લાગુ કરવામાં આવે અને સરકાર જો તેનો અસરકારક રીતે અમલ કરે તો 2023-24 સુધીમાં ભારત ફરી એક વાર સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની જશે."
ગર્ગ કહે છે કે, "સરકારે ખાનગીકરણના ઍજન્ડાને ઝડપીથી અમલમાં મૂકવો પડશે. માળખાગત સુવિધાઓ અને ટેકનૉલૉજી ક્ષેત્રની નીતિગત સમસ્યાઓ દૂર કરવી પડશે અને ખાનગી ખેલાડીઓ માટે આકર્ષક બનાવવી પડશે. સરકારે બૅન્કો અને એમ.ટી.એન.એલ. (મહાનગર ટૅલિકોમ નિગમ લિમિટેડ) સિવાય રસ્તા, પર્યાવરણ અને બંધ જેવી જાહેરસુવિધાઓમાં રોકાણ કરવું રહ્યું."

ઇમેજ સ્રોત, Reuters
બીજી બાજુ જે.એન.યુ.ના (જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના) પૂર્વ પ્રોફેસર અરૂણ કુમાર કહે છે કે જ્યારે આ લક્ષ્યને જાહેર કરવામાં આવ્યું, ત્યારે પણ તેને પૂર્ણ કરવું શક્ય નહોતું.
તેઓ કહે છે કે, "કોવિડ વગર પણ છેલ્લાં બે વર્ષથી અર્થવ્યવસ્થામાં કોઈ તેજી જોવા મળી નહોતી. કોરોના રોગચાળાના કારણે મોટા પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો છે, તેથી આ વર્ષે વધુ વૃદ્ધિ જોવા મળશે, પરંતુ કોરોના રોગચાળા પહેલાંની સ્થિતિ પર પહોંચી નહીં શકીએ."
"મને લાગે છે કે નાણાકીય વર્ષ 2021ના ત્રીજા ત્રિમાસિકમાં પણ વૃદ્ધિ નહીં નોંધાય. સરકારી આંકડામાં અસંગઠિત ક્ષેત્રનો સમાવેશ થતો નથી, જ્યારે કોવિડની કટોકટીની સૌથી મોટી અસર અસંગઠિત ક્ષેત્ર પર થઈ છે. સરકારના આંકડા યોગ્ય નથી."
"આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ એ આંકડા એકઠા કરનાર કોઈ સ્વતંત્ર એજન્સી નથી. તે સરકારના ડેટા પર આધાર રાખે છે. તેઓ કોઈપણ રીતે ગભરાટ પેદા કરવા માંગતા નથી, તેથી તેઓ ફક્ત ગુલાબી ચિત્ર રજૂ કરી રહ્યા છે. પરંતુ તેમના પર વિશ્વાસ કરી શકાય નહીં. 2024-25 સુધીમાં પાંચ ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા સુધી પહોંચવાનો અંદાજ કોઈ પણ સંજોગોમાં પૂર્ણ થઈ શકે નહીં."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












