કચ્છના નાના રણમાં વર્ષોથી મીઠું પકવતા અગરિયાને જતાં કેમ રોકાઈ રહ્યા છે?

મીઠાનાં અગરિયાઓની સમસ્યા

ઇમેજ સ્રોત, JITENDRA RATHOD

    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી ગુજરાતી

મજબૂર થઈ જીવવું રહ્યું, મને રણમાં નિંદર ન આવતી

ગરીબીએ છોડાવેલું ગામડું, મને યાદ નિશાળ આવતી

મોરબી જિલ્લાના માળિયા તાલુકાના જૂના કાંટિલા ગામના અગરિયા કેશુભાઈ સુરાણી એક કવિતા દ્વારા મીઠું પકવતા અગરિયાઓનો સંઘર્ષ બયાન કરે છે.

કેશુભાઈ સુરાણી સરકાર સામે પોતાની હૈયાવરાળ ઠાલવતા કહે છે, “સરકારી વિભાગો અમને કચ્છના નાના રણમાં મીઠું પકવતા રોકીને નમક પકવતા લોકો સાથે નમકહરામી કરી રહ્યા છે.”

“જો અમને કચ્છના નાના રણમાં મીઠું નહીં પકવવા દે તો અમે ભૂખે મરીશું.”

હળવદ તાલુકાના ઇંગોરાડા ગામના ગુણવંતભાઈ ઠાકોર પણ પોતાની વ્યથા જણાવતા કહે છે, “જો અમને નાના રણમાં મીઠું પકવવા નહીં દે તો અમારી રોજી-રોટી છીનવાઈ જશે. અમારી પાસે રોજી માટે બીજાં સંસાધનો નથી. અમારા પરિવારનું પૂરું કઈ રીતે થશે?”

કચ્છના નાના રણમાં મીઠું પકવતા 95 ટકા અગરિયાઓ હવે મીઠું નહીં પકવી શકે તેવી ભીતિ પેદા થઈ છે. વનવિભાગે એવી જાહેરાત કરી છે કે સરકાર દ્વારા સરવે અને સૅટલમૅન્ટ થયું હોય તેવા અગરિયાઓને જ નાના રણમાં મીઠું પકવવા માટે જવા દેવામાં આવશે.

જેમના સરવે અને સૅટલમૅન્ટ નથી થયા અને જેઓ પરંપરાગત રીતે મીઠું પકવતા નથી તથા જેમનું નામ ઘુડખર અભયારણ્યના અધિક કલેક્ટરના સર્વે અને સૅટલમૅન્ટના હક્ક અને દાવાના રજિસ્ટરમાં નથી તેમને પોતાની રોજગારી છીનવાઈ જવાનો ભય પેદા થયો છે.

શું છે આખો મામલો, અગરિયાઓના વિકાસ સાથે જોડાયેલાં વિવિધ સંગઠનોનું શું કહેવું છે, સરકારનું શું કહેવું છે અને વનવિભાગનો શો મત છે? તે જાણવા માટે બીબીસીએ સંબંધિત લોકો સાથે વાત કરી.

મીઠાનાં અગરિયાઓની સમસ્યા

શું કહેવું છે અગરિયાઓનું?

મીઠાનાં અગરિયાઓની સમસ્યા

ઇમેજ સ્રોત, CHAKUBHAI KUDECHA

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ઘુડખર અભયારણ્યના (વન વિભાગ) અધિકારીઓ દ્વારા જેના નામ સરવે અને સૅટલમૅન્ટમાં હક્ક અને દાવાના રજિસ્ટરમાં નથી તેમને કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓને પ્રવેશતા રોકવામાં આવી રહ્યા છે.

અગરિયાઓનો આરોપ છે કે વન વિભાગના અધિકારીઓ દ્વારા તેમને, પરિવાર સહિત બહાર નીકળી જવા દબાણ કરવામાં આવી રહ્યું છે.

અગરિયાઓનો આરોપ છે કે તેમને રણમાંથી મીઠું બહાર લઈ જવાની પણ મનાઈ ફરમાવાઈ છે.

ગુણવંતભાઈ ઠાકોર બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે, “કચ્છના રણમાં પાંચ પેઢીથી અમે મીઠાના પાટા કરીએ છીએ. આ રણ અમારું અન્નદાતા છે. અચાનક અમને રોકવામાં આવી રહ્યા છે.”

ગુણવંતભાઈ 51 વર્ષના છે અને તેમના પરિવારમાં આઠ સભ્યો છે. તેઓ કહે છે, “મારે હજુ બે દીકરીને પરણાવવાની છે. જો મીઠું પકવવાનું બંધ થઈ જશે તો તેમનાં લગ્નનો ખર્ચો કેવી રીતે નીકળશે?”

45 વર્ષના કેશુભાઈ સુરાણી પણ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, “અમને રણમાંથી કાઢી મૂકવાનું કાવતરું છે.

કેશુભાઈના પરિવારમાં પણ સાત સભ્યો છે. તેઓ 10 એકર જમીનમાં મીઠું પકવે છે. મીઠા પર જ તેમનો પરિવાર નભે છે.

અગરિયા હિતરક્ષક મંચના અધ્યક્ષ હરિણેશ પંડ્યા બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, “આ સવાલ માત્ર કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓનો જ નહીં, પરંતુ મીઠાના ઉદ્યોગ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી મેળવતા 2.5 લાખ લોકોની રોજીનો સવાલ છે.”

હરિણેશ પંડ્યાએ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને વિનંતી કરતા કહ્યું છે કે વન વિભાગની કામગીરી તાત્કાલિક અટકાવીને અગરિયાના જમીનના સવાલને ઉકેલવાની દિશામાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.

અગરિયાઓનાં બાળકોના શિક્ષણ સાથે જોડાયેલી સંસ્થા અનુબંધ સાથે જોડાયેલા સ્વયંસેવી નિરૂપા શાહ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, “ભલે, સરકાર લાંબા ગાળાની લીઝ ન આપે પણ આ અગરિયાઓને તેમના મીઠા પકવવાનો અધિકારથી વંચિત ન કરે. કાયદાઓ કડક છે સમજી શકાય તેમ છે, પણ આ અગરિયાઓના માનવાધિકારને પણ ધ્યાને લેવા જોઈએ, કારણ કે તેમની પાસે રોજીનાં બીજાં કોઈ સંસાધનો નથી.”

સામાજિક કાર્યકર્તા જિતેન્દ્ર રાઠોડ કહે છે, “2017 સુધી મીઠાના ઉદ્યોગમાં મંદી હતી. ત્યાર બાદ જ્યારે ગુજરાત સરકારે સોલર પૅનલ માટે 80 ટકા સબસિડી આપવી શરૂ કરી કે તરત જ અગરિયાઓ પોતાના હક્ક-દાવાઓ કરવા લાગ્યા. તે પહેલાં ઘણાએ ધ્યાન નહોતું આપ્યું. તેને કારણે આ સ્થિતિ સર્જાઈ છે.”

“સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો 2498 અગરિયાઓએ તેમના દાવા કર્યા હતા, પણ માત્ર 398 અગરિયાઓનાં નામ જ લિસ્ટમાં છે.”

મીઠાનાં અગરિયાઓની સમસ્યા

શા માટે અગરિયાઓને કચ્છના નાના રણમાં પ્રવેશતા રોકાઈ રહ્યા છે?

મીઠાનાં અગરિયાઓની સમસ્યા

ઇમેજ સ્રોત, HARINESH PANDYA

ઇમેજ કૅપ્શન, મીઠાના અગર

આ મામલાને સમજવા માટે આપણે ભૂતકાળમાં જવું પડશે. કચ્છના નાના રણને 12 જાન્યુઆરી, 1973ના રોજ ગુજરાત વન્ય પ્રાણી અને પક્ષીઓના સંરક્ષણ અધિનિયમ 1963 અને 13 જાન્યુઆરી, 1978ના વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ ઘુડખર અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું.

આ અભયારણ્યમાં આ વિસ્તારની કુલ 4953.70 ચોરસ કિલોમીટર જમીન હતી. જ્યારે અભયારણ્ય જાહેર કરાયું ત્યારે ઘુડખરની વસ્તી લગભગ 715 હતી, આજે તે વધીને સાત હજારની પાસે પહોંચી ગઈ છે.

એટલે અગરિયાઓનો એ પણ દાવો છે કે મીઠાના ઉત્પાદનની પ્રવૃત્તિને કારણે વન્ય જીવોને કે વનસંપત્તિને નુકસાન થાય છે તે વાત અહીં સાચી ઠરતી નથી.

હવે અભયારણ્ય હોય ત્યાં સર્વે-સૅટલમૅન્ટ થાય છે. આ કાર્યવાહી 1997માં શરૂ થઈ. જે અંતર્ગત આવતાં 108 ગામોમાં જાહેરાત કરવામાં આવી કે તેઓ તેમના દાવા પુરાવા સાથે સર્વે-સૅટલમૅન્ટ અધિકારીઓને રજૂ કરે. આ માટે તેમને 60 દિવસનો સમય આપ્યો હતો.

હવે ઘણા અગરિયાઓ આ વિશે અજાણ હતા. કોઈક રણમાં મીઠું પકવવા ગયા હોય તમને આ બાબતની ખબર નહોતી. તેથી મોટા ભાગના અગરિયાઓ સર્વે-સૅટલમૅન્ટની પ્રક્રિયામાંથી છૂટી ગયા છે.

અગરિયા હિતરક્ષક મંચના દાવા પ્રમાણે આ વિસ્તારમાં કુલ 45 હજાર અગરિયા છે અને તે પૈકી માત્ર 1776 અગરિયા જ પોતાનો દાવો રજૂ કરી શક્યા છે.

હરિણેશ પંડ્યા કહે છે, “જેના હક્કો માન્ય રાખવામાં આવ્યા હતા તે પૈકીના મોટા ભાગના અગરિયા આજે હયાત નથી. ઉપરાંત જે સહકારી મંડળીઓના દાવા મંજૂર કરવામાં આવ્યા હતા તે પૈકી પણ ઘણીનું આજે કાનૂની અસ્તિત્વ નથી. કેટલાકની ગુજરાત હાઈકોર્ટના હુકમને આધીન તેમની લીઝની મુદત પૂર્ણ થઈ ગઈ છે. એટલે મંજૂર થયેલા કેસનો અર્થ સરતો નથી અને આવી મંડળીઓનું અસ્તિત્વ ન રહેતા અને મોટા ભાગના સભાસદો હયાત ન હોવાથી વિષમ કાનૂની સ્થિતિ પેદા થઈ છે.”

સરકાર સમક્ષ આ મામલે રિપોર્ટ સોંપવામાં આવ્યો. દરમિયાન જ્યારે ગુજરાતમાં મુખ્ય મંત્રીપદે નરેન્દ્ર મોદી હતા ત્યારે 2007માં આ મામલે ઘટતું કરવાની રજૂઆતો થઈ હતી.

ત્યારે તત્કાલીન મુખ્ય મંત્રીની કચેરીએ ખાણ અને ઉદ્યોગ વિભાગને આ પરંપરાગત અગરિયાઓને સર્વે-સૅટલમૅન્ટમાં સમાવેશ કરવાનો નિર્દેશ કર્યો હતો.

આમ છતાં, અગરિયાઓના વિકાસ માટે કામ કરતા કર્મશીલોનું કહેવું છે કે ઘણા અગરિયાઓ તેમના મીઠું પકવવાના પરંપરાગત સામુદાયિક અધિકારોથી વંચિત રહી ગયા છે.

હવે, અભયારણ્યમાં ચાલતા મીઠું પકવવાના ધંધાને કારણે કેટલાક પર્યાવરણવાદીઓએ વાંધો ઉઠાવ્યો. મામલો ગ્રીન ટ્રિબ્યુનલમાં પહોંચ્યો. ગુજરાત હાઈકોર્ટમાં પણ અરજી દાખલ થઈ.

પર્યાવરણવાદી અને ગુજરાત વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યૂરોના સ્વયંસેવક તરીકે કામ કરતા કનૈયાલાલ રાજગોર બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, “અભયારણ્ય જાહેર થાય એટલે તેમાં પરંપરાગત વસવાટ કરતા હોય તેને ખસેડી ન શકાય. વપરાશીને તેના હક્કો આપવા જોઈએ અથવા તો તેમનું પુનર્વસન થવું જોઈએ. પણ આવા સંજોગોમાં પણ જે તે કલેક્ટરોએ મીઠાની લીઝ આપવાની ચાલુ રાખી અને સૅટલમૅન્ટ પણ ન કર્યાં.”

કનૈયાલાલનો ગંભીર આરોપ છે કે કચ્છના નાના રણમાં જે પરંપરાગત અગરિયા નથી તેવા લોકો પણ ઘૂસી ગયા છે.

તેઓ કહે છે, “મીઠાના ઉદ્યોગ સાથે ન હોય તેવા લોકો પણ રણપ્રદેશમાં ઘૂસી ગયા છે અને તેમણે આડેધડ દબાણો ઊભાં કર્યાં છે.”

હવે સર્વે-સૅટલમૅન્ટનો જે રિપોર્ટ છે તેના પર કોઈ નિર્ણય લેવાયો નથી અને સરકારમાં પેન્ડિંગ છે.

ત્યાં અચાનક તાંજેતરમાં અભયારણ્યના અધિકારીઓએ રણપ્રદેશના આસપાસનાં ગામોમાં બે-ત્રણ જગ્યાએ બેઠકો કરીને માહિતી આપવામાં આવી હતી કે જે અગરિયાઓનાં નામ સરવે-સૅટલમૅન્ટના રજિસ્ટરમાં નથી તેમને સપ્ટેમ્બરમાં કચ્છના નાના રણમાં પ્રવેશવા નહીં મળે.

મીઠાનાં અગરિયાઓની સમસ્યા

શું કહેવું છે વન વિભાગનું?

મીઠાનાં અગરિયાઓની સમસ્યા

ઇમેજ સ્રોત, JITENDRA RATHOD

ઇમેજ કૅપ્શન, ઘુડખર અભયારણ્યના નાયબ વન સંરક્ષકની કચેરી, ધ્રાંગધ્રા

વન વિભાગે એવા અગરિયાઓને જ નાના રણમાં પ્રવેશ આપવાનું નક્કી કર્યું છે જેમનું નામ સરવે-સૅટલમૅન્ટના રજિસ્ટરમાં હોય.

આવા અગરિયાઓને તેમણે અગરિયા કાર્ડ ઇસ્યૂ કરવાનું નક્કી કર્યું છે.

આ માટે તેમણે 23 જેટલા નિયમો પણ બનાવ્યા છે.

  • સરવે સૅટલમૅન્ટમાં નિયત કરેલ વ્યક્તિએ જ માન્ય કરેલા વિસ્તારમાં જ પાટો કરવો. જો વ્યક્તિ હયાત ન હોય તો તેમના વારસદારે એટલા જ વિસ્તારમાં મીઠાનું ઉત્પાદન કરવું.
  • મીઠાનો પાટો બનાવતા પહેલાં વન વિભાગની કચેરીએ આધાર પુરાવા તથા વિગતો સાથેનું રજિસ્ટ્રેશન કરાવવું.
  • મીઠાના પાટા માટે ફાળવેલી જમીન વન વિભાગના પરામર્શમાં રહી નિયત કરેલી જમીન વિસ્તારમાં મીઠું પકવવું. પાટાનું સ્થળ બદલાશે નહીં.
  • કાર્ડધારક વ્યક્તિ જ મીઠું પકવી શકશે. તેને ભાડાપેટે આપી નહીં શકાય.
  • પાટાથી કૂઈનું અંતર 50 મીટરથી વધુ ન રાખવું. વધુમાં વધુ બે જ કૂઈ બનાવવી. કૂઈમાં પાણી ન આવે તો વન વિભાગને જાણ કરવી. નવી કૂઈ બનાવવી નહીં.
  • પાલતુ પ્રાણી રાખવા નહીં અને બળતણ માટે લીલાં ઝાડ કાપવાં નહીં.
  • કુદરતી પાણીના વહેણને ખલેલ ન પહોંચે તેવી જગ્યાએ જ પાટો બનાવવો.
  • મીઠાના પાટા ઘાસના પ્લોટ કે બાવળની ઢસી વિસ્તારથી 1 કિમી દૂર બનાવવા.
  • મીઠા સિવાયની આડપેદાશોનું ઉત્પાદન કરવું નહીં.
  • હથિયાર, જ્વલનશીલ પદાર્થ, દારૂગોળો વગેરે લઈ જવા પર પ્રતિબંધ.
  • વન્ય પ્રાણીઓને ખલેલ પહોંચાડવી નહીં.
  • હેવી મશીનરીનો ઉપયોગ કરવો નહીં.
  • પાકું બાંધકામ ન કરવું.
  • મીઠાના પાળાની ઊંચાઈ મહત્તમ બે ફૂટ રાખવી.
  • 10 એકરના પાટામાં વધુમાં વધુ 16 સોલાર પૅનલ રાખવી. સોલાર પૅનલ માટે પાકું બાંધકામ કરવું નહીં.

ઘુડખર અભયારણ્યના આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ (ACF) જિગર મોદી બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, “અમને જે સર્વેનો રિપોર્ટ મળ્યો છે, અમે તે મુજબ કાર્યવાહી કરીશું.”

અમે તેમને પૂછ્યું કે જો જેમની પાસે અગરિયા કાર્ડ નહીં હોય અને તે નાના રણમાં પ્રવેશવાનો પ્રયત્ન કરશે તો?

આ પ્રશ્નના જવાબમાં જિગર મોદી કહે છે, “અમે તેમની સામે વન્ય જીવ ધારા મુજબ કાર્યવાહી કરીશું.”

તેઓ કહે છે અમે માત્ર સરકારના નિર્દેશનો અમલ કરીએ છીએ. જો સરકાર બધાને અંદર જવાની પરવાનગી આપે તો અમને કોઈ વાંધો નથી.

જોકે, અગરિયા કેશુભાઈ સુરાણી કહે છે, “વન વિભાગે કાર્ડ માટેના જે નિયમો બનાવ્યા છે તે નિયમોનું પાલન કરવા જઈએ તો મીઠું પાકી શકે તેમ જ નથી.”

અગરિયાઓના વિકાસ માટે કામ કરતી સંસ્થા અગરિયા ડેવલપમૅન્ટ ગ્રૂપ એટલે કે અડગ સાથે સંકળાયેલા ચકુભાઈ કુડેચા બીબીસી સાથે વાત કરતા કહે છે, “કાર્ડનો હેતુ પર્યાવરણને બચાવવાનો છે. પરંતુ આટલા કડક નિયમોની જરૂર નથી. તેને કારણે માથાકૂટ વધી છે.”

મીઠાનાં અગરિયાઓની સમસ્યા

સરકારનું શું કહેવું છે?

મીઠાનાં અગરિયાઓની સમસ્યા

ઇમેજ સ્રોત, HARINESH PANDYA

હાલ સરવે-સૅટલમૅન્ટનો રિપોર્ટ ગુજરાત સરકારના વિચારણાને આધીન છે તેના પર અમલ માટેની મંજૂરી મળી નથી.

દરમિયાનમાં સુરેન્દ્રનગરના કલેક્ટર કે. સી. સંપત બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે, “સરવે-સૅટલમૅન્ટ રિપોર્ટ રજૂ થયો છે. કેટલાકનાં નામ રહી ગયાં છે. પણ રિપોર્ટ ફાઇનલ નથી. આ પ્રશ્ને જે રજૂઆતો મળી છે, તેને ધ્યાને લેવામાં આવશે.”

“અમે આ મામલે અભયારણ્યના અધિકારીઓ સાથે બેઠકો કરીને વિસ્તૃત અહેવાલ સરકારને મોકલીશું. સરકાર જે નિર્ણય લે તે ખરું.”

જ્યારે અમે પૂછ્યું કે શું જેમનાં નામ સરવે-સૅટલમૅન્ટમાં રહી ગયાં છે તેમનો પ્રશ્ન ઉકેલાશે ખરો?

તો આ પ્રશ્નના જવાબમાં કલેક્ટરે જણાવ્યું, “મને લાગે છે કે ચોક્કસપણે આ પ્રશ્ન ઉકેલાઈ જશે.”

હવે, અગરિયાઓ રણમાં જઈને મીઠાની ખેતી કરી શકે તે માટે રણની જમીન પર મીઠું પકવવાના સામુદાયિક સિઝનલ યૂઝર રાઇટ્સ આપવાની માગ કરી રહ્યા છે.

હરિણેશ પંડ્યા કહે છે, “સામુદાયિક પારંપારિક સિઝનલ યૂઝર રાઇટ્સ આપવાથી જમીન અભયારણ્ય પાસે જ રહે છે અને અગરિયાઓને માત્રી સિઝન પૂરતા રણમાં જઈને મીઠું પકવવાના અધિકાર મળે છે. બૅન્કો અગરિયાને ધિરાણ પણ આપશે અને અગરિયાઓ તેમનો રોટલો રળી શકશે.”

મીઠાનાં અગરિયાઓની સમસ્યા
મીઠાનાં અગરિયાઓની સમસ્યા