ગુજરાતમાં અગરિયા કરોડોનું ભંડોળ ફાળવાયેલું હોવા છતાં ઝૂંપડામાં રહેવા મજબૂર કેમ?

ઇમેજ સ્રોત, PANKTI JOG
- લેેખક, પંક્તિ જોગ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતમાં હાલમાં વિધાનસભામાં રજૂ થયેલા કેગના અહેવાલમાં અનેક બાબતોમાં સરકારની પ્રતિબદ્ધતા અને ખામીઓ અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
રાજ્યમાં સ્વાસ્થ્યથી માંડીને પર્યાવરણ, પાણી વગેરે મુદ્દાઓની નોંધ લેવાઈ છે. તેમાં એક અગત્યનો મુદ્દો અગરિયા સમુદાયને લગતો પણ છે.
કેગના રિપોર્ટ અનુસાર, અગરિયાઓ માટે રૂપિયા 34.69 કરોડનું ભંડોળ વણવપરાયેલું પડ્યું છે અને અગરિયાઓ ઝૂંપડાંમાં રહેવા મજબૂર બન્યા છે.
ગુજરાત ભારતનું 74% જેટલું મીઠું પકવે છે. મીઠાની ખેતી ચુંવાળિયા કોળી, મિયાણા, સંધી સમુદાય માટે પારંપરિક આજીવિકા છે.
ગુજરાતમાં રણ અને દરિયાકિનારો એમ મળી 18 હજાર જેટલા પરિવારો પરંપરાગત રીતે મીઠું પકવી તેમનું ગુજરાન ચલાવે છે.
પોતાના મૂળ ગામથી દૂર કામના સ્થળે તેઓને આઠ મહિના સુધી રહેવું પડે છે. એટલે કામના સ્થળે આરોગ્ય, શિક્ષણ, પાણી, અને પોષણની સેવાઓ મળે તે અગત્યનું બને છે.

આસપાસનાં ગામોથી રણમાં કામ માટે સ્થળાંતર

ઇમેજ સ્રોત, Getty Images
કચ્છના નાના રણમાં લગભગ 6000 પરિવારો છે, જે સુરેન્દ્રનગર, પાટણ, મોરબી અને કચ્છ જિલ્લાનાં 110 જેટલાં ગામોમાંથી રણમાં સ્થળાંતર કરે છે.
કામના સ્થળે ધાત્રી માતાઓ, કિશોરીઓ અને સગર્ભા માતાઓ છે, પણ આંગણવાડી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગામ 20 કિમીથી લઈને 50 કિમી જેટલાં દૂર હોય છે. એટલે સગર્ભા બહેનોની તપાસ, પૂરકપોષણ આહાર, 0-3 વર્ષનાં બાળકોને તાજું રાંધેલું ભોજન, તેમની સાથે પ્રવૃત્તિ વગેરે કશું જ થતું નથી.
'મમતાદિવસ' ઉજવાતો નથી, પરિણામે કિશોરીઓના હિમોગ્લોબિનની તપાસ પણ થતી નથી.
કચ્છનું રણ એક વિશિષ્ટ જગ્યા છે. ત્યાં 4 મહિના પાણી હોય છે, 8 મહિના સૂકું ભટ્ટ રણ. એટલે પરિસ્થિતિને અનુકૂળ એવી વ્યવસ્થા ઊભી કરવી પડે તે માટે મહિલા અને બાળવિકાસ વિભાગે આયોજન કરવું પડે. જેનો સદંતર અભાવ છે.
અન્ન સલામતી કાયદાની જોગવાઈ મુજબ આ સેવાઓ ફરજિયાતપણે મળવી જોઈએ. પૂરકપોષણ આહારના અભાવે અગરિયા સમુદાયમાં કુપોષણનું પ્રમાણ વધતું જાય છે.
આ અંગે જે તે જિલ્લા કલેક્ટર તેમજ ગાંધીનગર મહિલા અને બાળવિકાસ વિભાગને અનેક વાર રજૂઆતો થયેલી છે.
માનનીય મુખ્ય મંત્રીના "મોકળા મને" કાર્યક્રમમાં પણ અગરિયા સમુદાયે આની રજૂઆતો કરી છે.

આરોગ્યની વિકરાળ સમસ્યા

ઇમેજ સ્રોત, PANKTI JOG
અગરિયાઓની વ્યાવસાયિક આરોગ્યની સમસ્યા ઉપરાંત માતા અને બાળ સ્વાસ્થ્યના પ્રશ્નો અને પ્રજનન સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પણ એટલી જ છે.
ખારાં પાણી, ખારી હવામાં સતત રહેવાનું હોવાથી તેમને ચામડીના રોગો મોટા પ્રમાણમાં થાય છે. આંખોની તકલીફ થતી હોય છે. પગનાં છાલાં એટલાં ઊંડા થતાં હોય છે કે તેમાં ખારું પાણી અંદર જવાથી બીપીની તકલીફો વધે છે.
અગરિયાઓમાં હૃદયરોગના દર્દીઓ પણ વધી રહ્યા છે.
પાણીના અભાવે મહિલાઓ અને દીકરીઓને ઇન્ફેક્શનના કિસ્સાઓ વધતાં જાય છે.
પાણી નિયમિત મળે અને સારી ગુણવત્તાવાળું મળે તે માટે અનેક રજૂઆતો થઈ છે.
રણમાં બ્રિટિશકાળ દરમિયાન ચાઇના ક્લેની પાઇપો હતી પણ અત્યારે સરકાર પાઇપલાઇનથી પાણી પૂરું પાડવાની વ્યવસ્થા કરી શકી નથી.

રણમાં શૌચાલયોની અછત
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
રણમાં હજારો લોકો હોવા છતાં શૌચાલય નથી. દર મહિને માસિક વખતે બહેનોને કેવી યાતનાઓમાંથી પસાર થવું પડે છે તેની કલ્પના પણ કરવી અઘરી પડે.
સરકાર કોઈ એજન્સી દ્વારા અભ્યાસ કરાવી, રણને અનુકૂળ શૌચાલયની ડિઝાઇન કેમ બનાવતા નથી?
નવેમ્બર મહિનામાં જઈને સહેલાઈથી ઊભા કરી શકાય એવાં શૌચાલયો રણમાં શક્ય નથી? તે અંગે સરકારે કશું વિચાર્યું છે?
નેશનલ આરોગ્ય મિશન ગુજરાતમાં કાર્યરત હોવા છતાં રણમાં રહેતા અગરિયાને આરોગ્યની સેવા, સારવાર મળતી નથી. ખારાગોઢા, ઝીંઝુવાડા, સાંતલપુર, ધ્રાંગધ્રા રણ, ઘાટીલા રણ, હળવદ રણ, આડેસર રણ જેવા રણના અલગઅલગ વિસ્તારમાં રહેતા અગરિયાઓની 10થી 15 દિવસે એક વાર એક સુમો અથવા ઇકો વાન વિઝિટ કરે છે, તેમાં કેટલાંક દવાઓનાં બોક્સ મૂકેલાં હોય છે, ક્યારેક ડૉક્ટર, ક્યારેક હેલ્થ વર્કર હોય છે.
આવી મોબાઇલ હેલ્થ વાનના નામે ચાલતી સેવામાં સગર્ભા બહેનની તપાસ ન થઈ શકે. બીજી પ્રાથમિક સારવાર ન મળી શકે.
આ અંગે વખતોવખત ઉગ્ર રજૂઆતો થતાં ઉદ્યોગ વિભાગ દ્વારા 'સંજીવની વાન' બનાવવા ફંડ પણ આરોગ્ય વિભાગને આપવામાં આવ્યું.
એક વર્ષ બાદ આરોગ્ય વિભાગે તે પૈસા પાછા આપ્યા અને કામ થયું જ નહીં. આખરે અગરિયા માટે આરોગ્ય વાન આવી જ નહીં.
ગયા વર્ષે સાંતલપુર રણમાં આરોગ્ય કૅમ્પ જ યોજાયા નથી. આરોગ્ય વિભાગે જિલ્લાને તે માટે બજેટ જ આપ્યું નથી તેવું જાણવા મળ્યું.
રણમાં આશાવર્કર નથી. નિયમ મુજબ 1000ની વસતીએ એક આશાવર્કર હોય, પણ રણમાં હજારો પરિવારો 8 મહિના રહેતા હોવા છતાં એક પણ આશાવર્કર નથી.
પરિણામે અગરિયા બહેનો તેમને પડતી આરોગ્યની તકલીફો વિશે કોઈની સાથે ચર્ચા કરી શકતી નથી. કોઈનું માર્ગદર્શન મેળવી શકતી નથી.
આવી રીતે રણમાં જતાં અગરિયા જાણે કોઈ બીજા દેશના નાગરિક હોય તેવું વર્તન અને બેદરકારી તેમના પ્રશ્નો પ્રત્યે દર્શાવવામાં આવે છે.
અગરિયા ઍમ્પાવર્ડ કમિટી ઉપરાંત નેશનલ આરોગ્ય મિશનમાં પણ મુશ્કેલીવાળી જગ્યાઓ પર નવતર પ્રયોગો થકી આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે જોગવાઈ હોય છે. પણ આ ભંડોળનો ઉપયોગ કરવામાં આવતો નથી.

સુવિધાયુક્ત આવાસની રાહ જોતા અગરિયા

ઇમેજ સ્રોત, Getty Images
રણમાં અગરિયાઓને સુરક્ષિત આવાસ નથી. તેમની મેળે 15 હજાર સુધી ખર્ચીને દર સિઝનમાં ઝૂંપડું બનાવે છે.
રણની આબોહવા, તાપમાન અને અગરિયાની રહેણી-કરણીને અનુકૂળ ઘર કેવું હોય તેના પર અભ્યાસ કરવો જોઈએ.
પ્રોફેશનલ એક્સપર્ટને બોલાવી તે અંગે ડિઝાઇન તૈયાર કરી અને તે મુજબ અગરિયાને સબસિડી આપી આવાં ઘર બનાવવાં માટે ટેકો કરવો જોઈએ. પણ સરકારમાં આ અંગે સંવેદનશીલતાપૂર્વક વિચારનાર કોઈ નથી. ઇચ્છાશક્તિ પણ નથી.
રાજ્યે અગરિયાના કલ્યાણ અને મીઠા ઉદ્યોગના વિકાસના હેતુથી "રાજ્ય ઍમ્પાવર્ડ કમિટી" બનાવી. તેના હસ્તક ફંડ પણ મૂક્યું.
પાણી, શિક્ષણ, આરોગ્ય, મહિલા અને બાળવિકાસ, શ્રમ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ આ કમિટીમાં મેમ્બર તરીકે આવે છે. પણ તેમનું આયોજન માત્ર નામ પૂરતું મર્યાદિત થઈને રહે છે.
રણ અગરિયા, માછીમાર સમુદાય, માલધારી માટે આજીવિકા છે. ઘુડઘર અભયારણ્ય પણ છે. સદીઓથી સમુદાય અને વન્ય પ્રાણી વચ્ચે કોઈ સંઘર્ષ નથી. ત્યારે સમુદાય આધારિત જતન અને સંવર્ધનના અનોખા ઉદાહરણ તરીકે કચ્છના નાના રણને નવાજવું જોઈએ.
જોકે તેના બદલામાં વન અધિકાર કાયદા અંતર્ગત હક્ક બનતા "માત્ર સિઝન પૂરતા રણની જમીન"ના વપરાશના અધિકારો આપવા પણ સરકાર ટૂંકી પડે છે તે જાહેર થયું છે.
ઉત્પાદનનાં સાધનો સમુદાયનાં હાથમાં ન હોય તો તેમનું સશક્તીકરણ શક્ય નથી. તેથી રણની જમીનના વપરાશના અધિકારો અગરિયા અને અન્ય સમુદાયને મળે તે માટે સરકારે વિચારવાનું રહ્યું.
અગાઉ જસ્ટિસ એમ. બી. શાહ કમિશને પણ અગરિયાના મુદ્દે સરકારને અહેવાલ આપ્યો હતો.
હાલમાં કેગના અહેવાલમાં પણ આંગણવાડી અને અન્ય પ્રશ્નોની ગંભીર રીતે નોંધ લેવાઈ છે. પણ સરકાર તેના પર કેટલું ધ્યાન આપે છે, અને તેમનો અગત્યાનુક્રમ શું છે તે એક મોટો સવાલ છે.
ભૌગોલિક, સામાજિક અને આર્થિક રીતે હાંસિયામાં રહેતા અગરિયા જેવા સમુદાયનો અવાજ સાંભળવા માટે સરકારે તેમના સુધી પહોંચવું પડ્શે.
દરિયાકિનારો હોય કે રણ લોકો જે જગ્યાએ હોય તે જગ્યાએ આ પાયાની સેવાઓ મળે તો જ માનવવિકાસ થશે.
(લેખિકા અગરિયા હિતરક્ષક મંચ સાથે જોડાયેલાં છે અને ગુજરાતમાં અગરિયાની પરિસ્થિતિ પર કામ કરે છે)
(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












