'મરીએ ત્યારે બધું સળગી જાય, અમારા પગ સળગતા નથી', કચ્છના અગરિયાની કહાણી

- લેેખક, વિકાસ ત્રિવેદી
- પદ, બીબીસી સંવાદદાતા, ગુજરાતથી

કહાણી સારાંશ
- ભારત વિશ્વનો ત્રીજા ક્રમનો સૌથી મોટો મીઠાનું ઉત્પાદન કરતો દેશ છે.
- ભારતમાં મીઠાનું વાર્ષિક 300-350 લાખ ટન ઉત્પાદન થાય છે.
- ગુજરાતમાં મીઠાના બિઝનેસનું ટર્નઓવર અંદાજે રૂ. 5,000 કરોડનું છે.
- ગુજરાત ઉપરાંત રાજસ્થાન, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં પણ મીઠાનું ઉત્પાદન થાય છે.
- ગુજરાતમાં મીઠાનું ઉત્પાદન કરતા લોકોને અગરિયા કહેવામાં આવે છે.
- અગરિયા મજૂરોની સંખ્યા 50 હજારથી વધુ છે.

અગરિયાઓ વિશેની આ પહેલી કહાણી નથી. અંતિમ પણ નથી. જ્યાં સુધી પાણી છે ત્યાં સુધી નમક એટલે કે મીઠું છે અને તેની કથાઓ છે.
તમે આ વાંચી રહ્યા છો ત્યારે પણ તમારા શરીરમાં લગભગ 200 ગ્રામ ‘મીઠું’ છે.
તમે રોજ આઠથી દસ ગ્રામ એટલે કે બે ચમચી મીઠું રોજ ખાઓ છો, પણ ક્યારેય વિચાર્યું છે કે આ મીઠું કેવી રીતે બનતું હશે અને તેનું ઉત્પાદન કરતા લોકો કેવી હાલતમાં જીવે છે?
આ એવા અગરિયાઓની કહાણી છે, જેઓ નમક સાથે જિંદગી જીવે છે અને કેટલાક તો મૃત્યુ પામે છે ત્યારે પણ નમકમાં જ દફન થઈ જાય છે. મૃત્યુ પામતા કેટલાક અગરિયાઓનું આખું શરીર ચિતાની આગમાં સળગી જાય છે, પરંતુ વર્ષો સુધી ખારા પાણીમાં રહેવાને કારણે તેમને પગ એટલા સખત થઈ ચૂક્યા હોય છે કે તે સળગી શકતા નથી.
ગુજરાતનું કચ્છ આ મીઠાની ખેતી માટે દુનિયાભરમાં જાણીતું છે.
કચ્છના નકશાનો ઉંધો કરીને જુઓ તો કાચબા જેવી આકૃતિ દેખાય. કહેવાય છે કે કાચબા જેવી આ ભૌગૌલિક રચનાને કારણે જ આ પ્રદેશનું નામ કચ્છ પડ્યું છે. અહીંના અગરિયાઓની જિંદગી પણ કાચબાની જેમ ધીમે-ધીમે આગળ વધે છે. તેમનું એક જ લક્ષ્ય હોય છે અને તે છે મીઠાનું ઉત્પાદન.

પોતાનું ઘર છોડીને તમારા માટે પકવે છે મીઠું

દૂર-દૂર સુધી માત્ર સપાટ મેદાન ફેલાયેલાં છે. ક્યાંક પાળા કાપ્યા પછી ખેતરોમાં પાણી ભર્યું છે તો ક્યાંક ઉજાસ દેખાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સફેદ થઈ ચૂકેલા કેટલાંક ખેતરો એટલે કે અગરમાં સ્ત્રીઓ, પુરુષો અને બાળકો ખાંપી (કોદાળી જેવું એક સાધન) વડે કામ કરતા જોવા મળે છે. આ લોકો વર્ષના આઠ મહિના આ રીતે જ કામ કરે છે.
કચ્છના જોગણીનાર વિસ્તારના અગરોમાં મજૂરી કરતા આ અગરિયાઓ સુરેન્દ્રનગર જિલ્લા નજીકના ખારાઘોડા વિસ્તારમાંથી અહીં આવ્યા છે. આ લોકોનાં ઘર સુરેન્દ્રનગર જિલ્લામાં છે. ત્યાં તેમની જમીન પણ છે, પરંતુ પોતાની જમીન હોવા છતાં આ લોકો ત્યાં ખેતી કરી શકતા નથી.
તેનું એક મોટું કારણ કચ્છના નાનું રણ તરીકે ઓળખાતા ખારાઘોડા વિસ્તારમાં પાણીની તંગી છે. ખારાઘોડામાં મીઠાના ઉત્પાદન માટે પૂરતું પાણી મળતું નથી.
અહીં મોટા મેદાનમાં નાનકડી ઝૂંપડીઓમાં તેઓ નવ મહિના ગાળે છે અને બાકીની દુનિયાથી સંપર્ક કપાઈ જવા જેવા પડકારો તેમની સામે હોય છે.
ખારાઘોડા, સુરેન્દ્રનગરની આસપાસના વિસ્તારોમાં રહેતા અગરિયાઓ વર્ષાઋતુ ખતમ થવાની સાથે જ જોગણીનાર, ગાંધીધામ જેવી જગ્યાએ આવી જાય છે. તેઓ અહીં શેઠ એટલે કે બીજાની જમીન અને ત્યાં જ બનાવવામાં આવેલા ઓરડાઓમાં સપરિવાર રહીને મીઠાના ઉત્પાદન માટે મજૂરી કરે છે.

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અહીં એક ટન મીઠાના ઉત્પાદન માટે તેમને લગભગ 50 રૂપિયા મળે છે. 50 રૂપિયામાં આપણે એક કે દોઢ કિલો મીઠું ખરીદીએ છીએ. આટલા પૈસામાં અગરિયાઓ 1,000 કિલો મીઠાનું ઉત્પાદન કરે છે. અગરિયાનો એક પરિવાર સીઝનમાં જમીન તથા વરસાદના પ્રમાણના આધારે હજારો ટન નમકનું ઉત્પાદન કરી શકે છે.
આ કામ માટે પોતાની જમીનમાં નમકની ખેતી કરનારાને 200થી 250 રૂપિયા મળતા હોય છે.
ખારાઘોડાની બહાર આ અગરિયાઓનું જીવન અપેક્ષા મુજબ થોડું આસાન થઈ જાય છે, પરંતુ આ તો નમક છે. તેની પ્રકૃતિ ક્યારેય બદલાતી નથી.
મહાત્મા ગાંધીએ આ જ ગુજરાતમાં 1930માં મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો. મીઠાના ઉત્પાદન પર અંગ્રેજોએ મૂકેલા પ્રતિબંધ અને ટેક્સના વિરોધમાં મહાત્મા ગાંધીએ દાંડી કૂચ કરી હતી.
એ દાંડી કૂચના શરૂઆતના સ્થળ અમદાવાદથી 100 કિલોમીટર દૂર આવેલા આ સ્થળે આજે અનેક અગરિયા મીઠાનું ઉત્પાદન કરી રહ્યા છે. મીઠાના કોન્ટ્રાક્ટર્સ અને એક દિવસમાં 1,000 ટન મીઠું પેક કરતી રિફાઈનરીના માલિકો જેટલા પૈસા કમાય છે તેટલા પૈસા આ અગરિયાઓ કમાતા નથી.
નમક બનાવતા અને તેને પેક કરીને વેચતા લોકોના ઘર જોઈએ તો બન્ને વચ્ચેની કમાણીનો ફરક સ્પષ્ટ દેખાય છે.
મીઠાના ઉત્પાદનનું કામ કરવાને લીધે થતી શારીરિક, સામાજિક અને આર્થિક મુશ્કેલીઓ દરેક જગ્યાએ સમાન છે.

‘ત્યાં પાણી હોત તો અહીં શા માટે આવત?’

માથા પરના સફેદ વાળ અને ચહેરા પરની સફેદ દાઢી જોઈને લાગે છે કે જોગણીનારના ભરતભાઈની ઉંમર 45-46 વર્ષ હશે, પણ તેમને પૂછ્યું તો ખબર પડી કે તેઓ માત્ર 31 વર્ષના છે.
તમારી ઉંમર આટલી નાની લાગતી નથી એવું પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે સફેદ નમકમાં રહેવાને કારણે બધું સફેદ થઈ ગયું છે.
ભરતભાઈ તેમનાં પત્ની તથા ત્રણ બાળકો સાથે જોગણીનારથી અહીં એક શેઠ માટે કામ કરવા આવ્યા છે. શેઠે તેમને રહેવા માટે એક ઓરડો આપ્યો છે.
અમે ભરતભાઈ સાથે વાત કરતા હતા એ સમયે ભરતભાઈની દીકરી અને પત્ની બાલુબહેન ખેતરમાં ખાંપી ચલાવી રહ્યાં હતાં. ગુજરાતના અગરિયાઓની વાસ્તવિક હાલત સમજવા અને તેમની સંખ્યા સમજવા માટે આ દૃશ્યને સમજવું બહુ જરૂરી છે.
સરકાર નમક બનાવતા જે અગરિયાને એક ગણે છે, પરંતુ વાસ્તવમાં તેમનો ચાર-પાંચ લોકોનો આખો પરિવાર કામ કરતો હોય છે. એટલે કે ગણતરી એકની થાય છે, પરંતુ કામ પરિવારના અનેક લોકો કરતા હોય છે.
તમે ખારાઘોડામાં રહીને તમારી પોતાની જમીનમાં જ મીઠાનું ઉત્પાદન કેમ નથી કરતા એવો સવાલ પૂછ્યો ત્યારે ભરતભાઈ કહ્યું હતું કે “ત્યાં પાણી હોય તો અહીં શું કામ આવીએ? ત્યાં મુશ્કેલી છે એટલે તો અહીં આવીએ છીએ. શેઠ રોજ પૈસા આપે છે અને છેલ્લે બધો પગાર આપે ત્યારે જે એડવાન્સ આપ્યું હોય તે કાપી લે છે”
ભરતભાઈનાં પત્ની બાલુબહેન સાથે વાતચીતનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે હસીને કહ્યું હતું કે “મારા પતિ સાથે વાત કરોને. એ કંઈ બોલ નહીં તો હું શું બોલું?”
અનેક સવાલ પૂછ્યા પછી બાલુબહેને કહ્યું હતું કે “હવે તો અહીં થોડું સારું છે. ખારાઘોડામાં પાણીની બહુ તકલીફ છે. અહીં પણ મીઠું બનાવીએ છીએ ત્યારે પગ, આંખમાં બળતરા થાય છે. માસિક આવ્યું હોય કે તાવ, ખેતરમાં જઈને કામ તો કરવું જ પડે. દવા લઈને કામ કરવા જઈએ છીએ. બીજું કરી પણ શું શકીએ?”

‘નમકમાં જીવવું, નમકમાં મરવું’

દિવસમાં અનેક કલાકો સુધી ખારા પાણીમાં રહેવાને કારણે અગરિયાઓના પગ સખત થઈ જાય છે. કેટલાકના પગ તો એટલા સખત થઈ જાય છે કે તેઓ મૃત્યુ પામે પછી તેમને અગ્નિદાહ આપવામાં આવે ત્યારે બાકીનું બધું સળગી જાય છે, પણ પગ સળગતા નથી.
65 વર્ષના નરસીભાઈએ કહ્યું હતું કે “અમે મરી જઈએ ત્યારે અમારા પગ સળગી શકતા નથી. ખાડો ખોદી, તેમાં મીઠું નાખીને પગને દાટવા પડે છે અથવા તો ફરીવાર આગમાં નાખવા પડે છે.”
મશીન તથા ખાસ પ્રકારનાં પગરખાંનો ઉપયોગ શરૂ થવાને કારણ આવા કિસ્સાઓનું પ્રમાણ ઘટ્યું છે, પરંતુ દાયકાઓથી કામ કરતા અગરિયાઓની સ્મૃતિમાં એ યાદ આજે પણ તાજી છે.

સરકારી બૂટ અને કાળા ચશ્મા

સરકારે અગરિયાઓને કાળા ચશ્મા તથા કાળા બૂટ આપ્યા છે, પરંતુ અગરિયાઓએ જણાવ્યું હતું કે બૂટ પાંચ વર્ષ પહેલાં આપવામાં આવ્યા હતા, જે હવે તૂટી ગયાં છે. ઘણા અગરિયાઓએ તેમના તૂટેલા બૂટ અમને દેખાડ્યા હતા. અમને કાળા ચશ્મા પણ જોવા મળ્યાં હતાં.
ગુજરાતના મોટા ભાગનાં શહેરોમાં આજકાલ ચૂંટણી સંબંધી રેલીઓ, બેનર્સ વગેરે જોવા મળે છે, પરંતુ આ અગરિયાઓની આસપાસ કોઈ બેનર કે ચૂંટણી પ્રચાર જોવા મળ્યો ન હતો.
આ વિશે સવાલ પૂછ્યો ત્યારે અગરિયાઓએ કહ્યું હતું કે “કોઈ ગાડી લઈને આવે તો અમે મતદાન કરવા જઈએ છીએ. જે અમારું કામ કરશે તેને અમે મત આપીશું.”
તમારા માટે કોણ કામ કરે છે, એવું પૂછ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે “અત્યાર સુધી તો કોઈએ કર્યું નથી. હવે કોણ કરશે તે જોઈએ.”
ચૂંટણી આવી છે ત્યારે સરકાર પાસેથી તમારી શું માગણી છે, એવા સવાલના જવાબમાં નરસીભાઈ, ભરતભાઈ સહિતના અનેક અગરિયાઓએ કહ્યું હતું કે સરકાર બૂટ આપે છે, પણ તે એક જ વર્ષ ટકે છે. સરકાર અમને બૂટ અને ચશ્મા આપે તો આંખોમાં બળતરા થોડી ઓછી થાય.

કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેની લડાઈ

ઈન્ડિયન સૉલ્ટ મેન્યુફેક્ચરર્સ ઍસોસિયેશનના પ્રમુખ ભરત સી. રાવલે બીબીસીને કહ્યું હતું કે “ગુજરાતમાં મીઠાના બિઝનેસનું ટર્નઓવર લગભગ રૂ. 5,000 કરોડનું છે. અંદાજે પાંચ લાખ લોકો આ કામમાં જોડાયેલા છે. આ લોકોની પાયાની જરૂરિયાત સંતોષવાનું કામ મીઠા ઉદ્યોગનું નહીં, પણ સરકારનું છે. અમારો મીઠા ઉદ્યોગ કેન્દ્ર તથા રાજ્ય સરકાર વચ્ચે લટકી રહ્યો છે.”
તેમણે ઉમેર્યું હતું કે “મીઠું કેન્દ્ર સરકારનો વિષય છે, જ્યારે મીઠાના ઉત્પાદનની જમીન રાજ્ય સરકાર હસ્તક છે. મીઠું કે તેનું ઉત્પાદન કરતા લોકો સરકારની અગ્રતા યાદીમાં નથી.”
ભરત રાવલે એમ પણ કહ્યું હતું કે “દેશમાં વર્ષે 300-350 લાખ ટન મીઠાનું ઉત્પાદન થાય છે. વરસાદની મોસમ શરૂ થતાંની સાથે જ મીઠાનું ઉત્પાદન ઘટવા લાગે છે. કોઈ અગરિયાને કેટલું મહેનતાણું મળે છે તેનો આધાર ઘણી બાબતો પર હોય છે. મીઠાના ઉત્પાદનનું કામ કરતા અગરિયાઓ માટે સરકારે મજૂરીનો લઘુતમ દર અત્યાર સુધી નક્કી કર્યો નથી.”
બીબીસીએ દેશના સૉલ્ટ કમિશનર પાસેથી તેમનો દૃષ્ટિકોણ જાણવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ સ્ટોરી પ્રકાશિત થતાં સુધીમાં તેમનો પ્રત્યુત્તર મળ્યો ન હતો.
કેટલીક ખાનગી સંસ્થાઓ અગરિયાઓના ભલા માટે કામ કરી રહી છે. તેઓ સોલર પેનલ લગાવી આપવાનું, અગરિયાઓનાં સંતાનોને ભણાવવાનું અને તેમના પરિવાર માટે આરોગ્યની સુવિધા ઉપલબ્ધ કરાવી આપવાનું કામ કરે છે.

અગરિયાઓનાં સંતાનોનું શિક્ષણ

ગુજરાતમાં મીઠાનું ભલે ગમે તે વિસ્તારમાં થતું હોય, પણ તેની અસર અગરિયાઓનાં સંતાનો પર જરૂર થાય છે. મીઠું બનાવવાનું કામ વર્ષના નવ મહિના ચાલે છે. ઓક્ટોબરમાં કામ શરૂ થતાંની સાથે જ અગરિયાઓ પોતપોતાના વતનમાંથી મીઠાનાં ખેતરોમાં આવી જાય છે. એ પછીના નવ મહિના તેઓ વેરાન ખેતરોમાં વીતાવે છે.
આ પરિસ્થિતિમાં તેમના બાળકોનું શાળાએ જવાનું બંધ થઈ જાય છે. નવા ઠેકાણે તેઓ અભ્યાસ કરી શકે છે, પરંતુ એકસૂત્રતા જળવાતી નથી.
બાળકોના ભવિષ્યની વાત કરતાં નરસીભાઈએ કહ્યું હતું કે “વધુ પૈસા જ ન મળતા હોય તો બાળકોને ક્યાંથી ભણાવીએ? અમે મજબૂર છીએ. પેટ માટે કામ તો કરવું જ પડે. અમે મીઠું બનાવીએ છીએ, પણ અમારી મુશ્કેલી કોઈ જુઓ તો કામ કરાવે ને? અમારી મુશ્કેલી કોઈ ધ્યાનમાં લેતું નથી.”
ત્રણ સંતાનોના મમ્મી બાલુબહેને કહ્યું હતું કે “અમે જે કામ કરીએ છીએ, તે અમારાં સંતાનોએ પણ કરવું પડે છે. અમે તેમને ભણાવવાની સાથે આ કામ પણ શીખવી રહ્યા છીએ.”

બાલુબહેન પરિવાર સાથે જ્યાં મીઠાનું ઉત્પાદન કરી રહ્યાં છે તેની બરાબર પાછળના ભાગમાં આવેલા એક કાચા ઓરડામાં માનનભાઈ બાળકોને ગુજરાતીમાં ભણાવી રહ્યા છે.
બે બાળકોનાં શર્ટની પાછળના ભાગમાં પુષ્પા ફિલ્મના હીરો અલ્લૂ અર્જૂનની તસવીર દેખાય છે. કોઈ ડાયલોગ બોલતાં આવડે છે કે નહીં, એવું પૂછ્યું ત્યારે પોતાના હાથ ગળા પર ફેરવતાં બાળકોએ કહ્યું હતું કે ઝૂકેગા નહીં.
આ રીલ નહીં, રિયલ લાઈફ છે. અહીં જરૂરિયાત દરેક વયના માણસને ઝૂકાવી દે છે. બાળકોની આ પેઢી, બાળ મજૂરી કાયદો નિરર્થક હોય તેમ, મીઠાના ખેતરોમાં ઝૂકીને કામ કરી રહી છે.
મીઠાના અગરમાં મળેલા ઘણા લોકોના હાથ-પગ પર ખારા પાણીની માઠી અસર સ્પષ્ટ જોવા મળી હતી. આ સ્થિતિમાં અગરિયાઓના આરોગ્ય પર કેવું અને કેટલું જોખમ હોય છે અને તેનું નિરાકરણ શું છે એ સમજવા માટે બીબીસીએ અગરિયાઓ સાથે કામ કરી ચૂકેલા ડૉ. રાજેશ મહેશ્વરી સાથે વાત કરી હતી.
આરોગ્ય પરના જોખમની વાત કરીએ તો બાળકોમાં પોષક તત્વોની ઓછપ સર્જાય છે. તેમના વૅક્સિનેશન પર અસર થાય છે. સમુદ્રના પાણીને કારણે ચામડીના રોગ થાય છે. જોરદાર તાપને કારણે મોતિયો વહેલો આવી જાય છે અને કાર્સિનોમાનું જોખમ પણ સર્જાય છે.
અમે મીઠાના અગરમાંથી પાછા ફરી રહ્યા હતા ત્યારે કેટલાંક બાળકો સ્કૂલેથી ઘરે તથા અગર ભણી જઈ રહ્યાં હતાં.
હજારો અગરિયાઓની જિંદગી નજીકથી જોઈએ તો મનમાં સવાલ થાય છે કે જેમણે બનાવેલું મીઠું દેશ ખાઈ રહ્યો છે, તેમને શું મળ્યું?

કચ્છનું રાજકારણ
ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો છે. કચ્છ લોકસભા ક્ષેત્રમાં કુલ છ વિધાનસભા બેઠકો છે. તેમાં અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ અને રાપરનો સમાવેશ થાય છે.
2017ની ચૂંટણીમાં અહીં ભારતીય જનતા પાર્ટીને છમાંથી ચાર બેઠકો મળી હતી અને કોંગ્રેસ બે બેઠકો જીતી શકી હતી.
અહીંની મોટાભાગની બેઠકો પર 2014 પછી બીજેપી મજબૂત થઈ છે. જોકે, 2007 પહેલાં અંજાર, અબડાસા અને રાપર જેવી બેઠકો કોંગ્રેસનો ગઢ હતી.














