'મોરબી પુલનું રિપૅરિંગ એન્જિનિયરિંગ નિષ્ફળતા હતું', ગુજરાત હાઈકોર્ટે આવું કેમ કીધું?

મોરબીનો પુલ

ઇમેજ સ્રોત, AFP

    • લેેખક, બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ગુજરાત હાઈકોર્ટે મોરબીના 100 વર્ષ જૂના ઝૂલતા પુલની દુર્ઘટનાને એન્જિનિયરિંગ ડિઝાસ્ટર એટલે કે એન્જિનિયરિંગ નિષ્ફળતા ગણાવી છે. બુધવારે એક જાહેરહિતની અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આ ટિપ્પણી કરી હતી.

‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ ના અહેવાલ અનુસાર ગોંડલમાં સદી જૂના પુલોની જર્જરિત હાલત મામલે જાહેરહિતની અરજી કરાઈ હતી. એની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ પી. માયીની ડિવિઝન બૅન્ચે ટિપ્પણી કરી હતી કે, મોરબી પુલ દુર્ઘટના એક એન્જિનિયરિંગ ડિઝાસ્ટર હતું અને રાજ્ય સરકારે ધ્યાન રાખવું જોઈએ આવી ભૂલ ફરી ન થાય.

પીઠને માહિતી આપવામાં આવી હતી કે ગોંડલના રાજા ભગવતસિંહજીએ 100 વર્ષથી પણ વધુ સમય પહેલાં રાજકોટ જિલ્લાના ગોંડલમાં બે પુલ બંધાવ્યા હતા. અને સરકારે તેના સમરકામનું કામ હાથ ધર્યું છે.

સરકારે સમારકામ કરવામાં કોઈ કસર બાકી રાખી નહીં હોવાની રજૂઆત કરી હતી. આમ છતાં કોર્ટે ટકોર કરી હતી. ચીફ જસ્ટિસે કહ્યું કે બધું સપાટી પર આવી ચૂક્યું છે.

કોર્ટે એમ પણ સવાલ કર્યો કે તમે એ વાતની તપાસ કરી કે નહીં કે કુંભકર્ણ ક્યાં છે?

સરકારે જણાવ્યું કે 17 કરોડ રૂપિયા નગરપાલિકાને પુલ સમારકામ માટે આપવામાં આવ્યા હતા. જેથી બે નવા પુલ બનાવી શકાય.

‘આઇકોનિક પુલ ડિમોલીશ કરવાની જરૂર નથી’

પુલ

ઇમેજ સ્રોત, GUJARATTOURISM

ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે ગોંડલના પુલનું માળખું તોડી નાખવાની જરૂર નથી પરંતુ તેનું કન્ઝર્વેશન આર્કિટેક્ટની મદદથી સમારકામ કરવાની જરૂર છે.

ચીફ જસ્ટિસે કહ્યું, “તમે આ વાતની ખાતરી કરી છે કે નહીં કે જે રીતે મોરબીમાં થયું એવું ન થાય? અમે ઇચ્છીશું કે તમે સમયે સમયે અમને રિપેર સંબંધિત રિપોર્ટ આપતા રહો કેમ કે હેરિટેજ પુલના સમારકામ માટે એ જ મટિરિયલ વાપરવું પડે છે. તમે એનું મટિરિયલ ન બદલી શકો.”

“મોરબી પુલના કેસમાં તેમણે લાકડાના પાટિયાની બદલે ઍલ્યુમિનિયમની શીટ્સ નાખી દીધી હતી એટલે પુલ તૂટી ગયો. આ એક એન્જિનિયરિંગ ડિઝાસ્ટર હતું.”

કોર્ટે સૂચવ્યું કે કન્ઝર્વેશન આર્કિટેક્ટ્સની મદદથી અથવા ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફૉર આર્ટ ઍન્ડ કલ્ચર હેરિટેજની મદદ લેવી જોઈએ.

ચીફ જસ્ટિસે કહ્યું કે, “હેરિટેજ મિલકતના સમારકામ માટે તમે મોરબીમાં કર્યું એવું ન કરી શકો. આવું મહેરબાની કરીને ન કરતા.”

bbc gujarati line

મોરબીમાં 135 લોકોના જીવ લેનારી એ ભયાનક પુલ દુર્ઘટના કેવી રીતે બની હતી?

મોરબીનો પુલ

ઇમેજ સ્રોત, Bipin Tankariya

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

135 લોકોનાં મોતનું કારણ બનેલી મોરબીની પુલ દુર્ઘટનાનાં વિશે મોરબીની કોર્ટમાં સરકારી વકીલે એફએસએલના રિપોર્ટના આધારે રજૂ કરેલાં કારણોને ઝીણવટભરી નજરે જોઈએ તો જો ઊડીને આંખે વળગે એવું એક જ કારણ જોવા મળે છે અને તે છે 'માનવીય બેદરકારી.'

જોકે, આ કેસમાં આરોપીઓની જામીન અરજીઓની સુનાવણી દરમિયાન સરકારી વકીલે એફએસએલના પ્રાથમિક તપાસના રિપોર્ટને આધારે મોરબીનો ઝૂલતો પુલ કેમ તૂટ્યો એનાં કારણો સ્પષ્ટ કર્યાં હતાં.

30 ઑક્ટોબર, 2022નો દિવસ સ્કૂલોમાં દિવાળી વેકેશનનો છેલ્લો દિવસ અને રવિવાર હતો. જેને કારણે માંડ છ-સાત દિવસ પહેલાં ખુલ્લા મુકાયેલા એ પુલ પર જવા માટે સેંકડો માણસો તેમના પરિવારજનો અને સંતાનો સાથે પહોંચ્યાં હતાં.

લગભગ દોઢસો વર્ષ જૂના ઝૂલતા પુલનું સમારકામ વર્ષોથી થયું નહોતું, જેને કારણે કાટ ખાઈ ગયેલા પુલના કૅબલ અને ઢીલા પડી ગયેલા નટબોલ્ટ એ દિવસે પુલ જોવા પહોંચેલા લગભગ 'ત્રણ હજાર માણસની અવરજવર' સહન ન કરી શક્યો અને તૂટી પડ્યો.

સમગ્ર દેશ અને દુનિયાભરમાં સમાચાર બની ગયેલી આ દુર્ઘટના પાછળના જવાબદાર લોકોને છાવરવામાં આવ્યા હોવાની વાત અને પુલને યોગ્ય મેન્ટનન્સ અને મંજૂરીઓ વિના જ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો જેવા વિવાદો પણ થયા છે.

આ પુલના મેન્ટનન્સ અને સંચાલનનો કૉન્ટ્રેક્ટ મોરબીના જાણીતા ઔદ્યોગિકગૃહ ઓરેવા ગ્રૂપને આપવામાં આવ્યો હતો.

દુર્ઘટના બાદ સરકારે પગલાં ભરતાં નવ લોકોની ધરપકડ કરી હતી. જેમાં ત્રણ સિક્યૉરિટી ગાર્ડ, બે ટિકિટ આપનારા ક્લાર્ક, પુલનો કૉન્ટ્રેક્ટ લેનારા બે કૉન્ટ્રેક્ટર અને ઓરેવા ગ્રૂપના બે મૅનેજરનો સમાવેશ થાય છે.

bbc gujarati line

એ દિવસે ત્રણ હજારથી વધુ ટિકિટો વેચવામાં આવી હતી

મોરબી પુલ દુર્ઘટનાના કેસના સરકારી વકીલ વિજય જાની
ઇમેજ કૅપ્શન, મોરબી પુલ દુર્ઘટનાના કેસના સરકારી વકીલ વિજય જાની

મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનાના કેસમાં એફએસએલ (ફૉરેન્સિક સાયન્સ લૅબ)નો જે પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે, તેને આધાર બનાવીને સરકારી વકીલે 21 નવેમ્બર, 2022ના રોજ કોર્ટમાં રજૂઆત કરી હતી અને જામીન અરજીનો વિરોધ કર્યો હતો.

મોરબી કોર્ટમાં આ કેસના સરકારી વકીલ વિજય જાનીએ જણાવ્યું હતું, “એફએસએલનો જે પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે, તેના પરથી સ્પષ્ટ થાય છે કે ઝૂલતા પુલનો મુખ્ય કૅબલ બદલવામાં આવ્યો ન હતો અને તેનું યોગ્ય મેન્ટનન્સ પણ કરવામાં આવ્યું ન હતું.”

તેમણે જણાવ્યું હતું કે, “રિપોર્ટ મુજબ બ્રિજનો મુખ્ય કૅબલ જે સ્થાનેથી તૂટેલો છે, તેના નમૂનાની તપાસમાં જણાયું હતું કે, એ કૅબલને કાટ લાગી ગયો હતો અને તેને બદલવામાં આવ્યો ન હતો. પુલના મુખ્ય કૅબલને પ્લૅટફૉર્મ સાથે પકડી રાખવા માટેનાં ઍન્કરો ઢીલાં હતાં. ઉપરાંત ઍન્કરના બોલ્ટ પણ લગભગ ત્રણ ઇંચ જેટલા ઢીલા હતા. જેના કારણે બ્રિજ તૂટી ગયો હોવાની સંભાવના છે.”

bbc gujarati line

સરકારી વકીલ વિજય જાનીએ વધુ વિગતો આપતા જણાવ્યું કે, “21 નવેમ્બરે જે સુનાવણી થઈ તેમાં પોલીસે જે પ્રાથમિક તપાસ કરી છે અને એફએસએલ રિપોર્ટ જે આવ્યો છે, તેમાં પ્રાથમિક તબક્કે બે-ચાર બાબતની વિગતો આપવામાં આવી છે.”

“પાંચ અધિકારીઓ દ્વારા આ પ્રાથમિક રિપોર્ટ આપવામાં આવ્યો છે. તેમ તેમણે સ્પષ્ટ લખ્યું છે કે પુલનો જે કૅબલ હતો એ સડેલો હતો. બહુ સમયથી બદલાવેલો ન હતો એટલે પુલ તૂટી જવાનું એક કારણ એ છે. બીજું કૅબલ પછી જે ઍન્કર આવે છે, જે પુલને બંને બાજુથી ખેંચેલો રાખે છે. એ ઍન્કર તૂટેલાં હતાં અને ઍન્કર ઉપરના જે બોલ્ટ છે, એ ત્રણ ઇંચ સુધી બોલ્ટ ખૂલેલા હતા.”

સરકારી વકીલે કોર્ટને માહિતી આપતા કહ્યું હતું કે, પુલ તૂટી પડવા પાછળનાં કારણોમાં વધારે પડતાં લોકોની ભીડ પણ એક હોઈ શકે છે, કારણ કે પુલના મેન્ટનન્સ, સંચાલન અને સુરક્ષા માટેનો કૉન્ટ્રેક્ટ જે ઓરેવા ગ્રૂપને આપવામાં આવ્યો હતો તેમણે આ પુલની ભાર સહન કરવાની ક્ષમતાનો વિચાર કર્યા વિના 30 ઑક્ટોબરના દિવસે પુલ પર જવા માટે 3,165 ટિકિટો આપી હતી.

ગ્રે લાઇન

'માત્ર પ્લૅટફૉર્મ નહોતું બદલવાનું, આખો પુલ તોડીને ફરીથી બનાવવાનો હતો'

મોરબીનો પુલ

ઇમેજ સ્રોત, ANI

વકીલ વિજય જાનીએ વધુમાં કહ્યું, “ઓરેવા કંપનીએ જ્યારે દેવપ્રકાશ સોલ્યુશનને લેબર કૉન્ટ્રેક્ટથી આ કામ આપ્યું એનો જે પરચેઝ ઑર્ડર છે, એમાં મૅનેજર દીપક પારેખની સહી છે તેમાં ટર્મ્સ અને કંડીશન નક્કી થઈ હતી.”

“આ ઑર્ડર સ્વીકારનાર તરીકે દેવપ્રકાશ સોલ્યુશનના દેવાંગભાઈની સહી છે અને અજંતા કંપની તરફથી સહી થઈ છે. આ શરતોમાં ડીસમેન્ટલ શબ્દ લખ્યો છે. મતલબ ડીસમેન્ટલ કર્યા બાદ સમારકામ કરવાનું છે. એટલે કે આખો પુલ ખોલી નાખીને પછી તેનું સમારકામ કરવાનું આવે.”

તેમણે કોર્ટમાં કરેલી દલીલો વિશે વાત કરતા કહ્યું, “અમે નામદાર કોર્ટને કહ્યું કે ડીસમેન્ટલનો મતલબ એવો થાય કે બધું બદલાવવાનું છે, ખાલી પ્લૅટફૉર્મ નહીં."

"એ મુદ્દે પ્રાથમિક તબક્કે જે એફએસએલ રિપોર્ટ આવ્યો છે, એના પરથી લાગે છે કે આમાં લાંબા સમયથી કોઈ ગ્રીસિંગ નથી થયું, કોઈ ઑઇલિંગ નહોતું કરવામાં આવ્યું, ઍન્કર તૂટેલાં હતાં તે રિપૅર નથી થયાં અને જે કાટ ખાઈ ગયેલો કૅબલ હતો તે બદલવાની પ્રક્રિયા હાથ નથી ધરવામાં આવી.”

bbc gujarati line
bbc gujarati line