ગુજરાત : ઓછા પાણીએ લેવાતા ઇસબગોલના પાકથી ખેડૂતો કેવી રીતે તગડી કમાણી કરી શકે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રુચિતા પુરબિયા
- પદ, બીબીસી ગુજરાતી માટે
"મેં બે વર્ષ પહેલાં પાંચ વીઘા જમીનમાં ઇસબગોલની ખેતી કરી હતી. ત્યારે મેં તૈયાર પાકને 1,800 પ્રતિ મણને ભાવે વેચ્યો હતો. જેમાં રૂ. 2.20 લાખની કમાણી થઈ હતી. આ વર્ષે મેં દસ વીઘામાં ઇસબગોલની ખેતી કરી છે. તેથી મને આશા છે કે જો હવામાન સારું રહેશે તો 100 મણ પાક થશે અને મને આજના ભાવે છ-સાત લાખની કમાણી થશે."
મહેસાણાના ગોધાણા ગામના ખેડૂત બચુભાઈ ઇસબગોલના પાક સાથે જોડાયેલી પોતાની આશા કંઈક આ રીતે વ્યક્ત કરે છે.
તેમની માફક ગુજરાતના ઇસબગોલ વાવતા મોટા ભાગના ખેડૂતોને આ વખતે સારી એવી કમાણી થવાની આશા છે.
નોંધનીય છે કે સમગ્ર ભારતમાં ઇસબગોલનો વેપાર સૌથી વધુ મહેસાણાના ઊંઝાથી થાય છે.
ઊંઝા એપીએમસીના ચૅરમૅન દિનેશ પટેલ બીબીસી સાથે વાત કરતા કહે છે કે, “ઇસબગોલનો ભાવ યાર્ડમાં પ્રતિ મણ 3,500 રૂપિયા ચાલે છે. જોકે, આ ભાવ ગયા વર્ષના જથ્થા માટેના છે. આ વર્ષના નવા જથ્થાનો પાક બજારમાં આવતા હજુ બે મહિના લાગશે. તેથી ભાવ વધશે કે ઘટશે એ કહેવું ઉતાવળભર્યું છે, પણ જે પ્રમાણે ઉત્પાદન છે, તેમાં જો વધુ બગાડ ના થયો તો આ વખત બજારમાં ઇસબગોલ પુષ્કળ પ્રમાણમાં આવશે.”
નોંધનીય છે કે ખેતી નિયામકની કચેરીના ડેટામાં પણ આ વખતે ઇસબગોલનું ઉત્પાદન જંગી પ્રમાણમાં થવાની આગાહી કરી છે.
એક તરફ ખેડૂતોની જંગી ઉત્પાદનની સાથોસાથ સારા ભાવ સાથે આ વખત તગડી કમાણી થવાની આશા છે, તો બીજી તરફ માવઠું રમત બગાડે તેવો પણ ભય વ્યક્ત કરાઈ રહ્યો છે.
નોંધનીય છે કે ઇસબગોલના પાક ઉપર હંમેશાં માવઠાનો ડર તો રહે જ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાલ જ્યારે ઇસબગોલના બમ્પર ઉત્પાદન ત્યારે જાણો આ પાક થકી કઈ રીતે ઓછા પાણીએ લેવાતા આ પાકથી ખેડૂતો માલામાલ થઈ શકે છે?
ઇસબગોલના પાકમાં શું ધ્યાન રાખવું?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નોંધનીય છે કે ઇસબગોલ એ ગુજરાતનો એક મુખ્ય રોકડિયો પાક છે.
આઇસીઇએઆરના રિપોર્ટ અને મહેસાણાના જગુદણસ્થિત બીજ અને મસાલા સંશોધન સ્ટેશનના સંશોધક ડૉક્ટર પી. જે. પટેલ ઇસબગોલના પાક અંગે વિસ્તારપૂર્વક માહિતી આપે છે.
યોગ્ય જમીન :
ઇસબગોલ એ શિયાળાનો પાક છે.
આ પાક માટે ગોરાડું, રેતાળ, મધ્યમ કાળી અને સારી નિતારશક્તિ ધરાવતી જમીન યોગ્ય મનાય છે.
તેમાં પણ જો જમીન વરસાદનું પાણી-ભેજ લાંબા સમય સુધી જકડી રાખે તો પાક સડી જાય છે.
ઇસબગોલના પાકને ખૂબ ઓછા પાણીની જરૂર પડે છે, તેમજ પાકને સૂકું અને ઠંડું તાપમાન માફક આવે છે.
તેની સારી ખેતી માટે સારું ડ્રેનેજ જરૂરી છે.
યોગ્ય સમય:
ઇસબગોલની વાવણી ડિસેમ્બરના મધ્ય ભાગથી જાન્યુઆરીના મધ્ય ભાગ સુધી કરવામાં આવે હોય છે.
બિયારણની જાત :
ગુજરાતમાં 'ગુજરાત ઇસબગોલ નં. 4'ની જાત ખૂબ સારી હોવાનું મનાય છે. તેનાથી સારું એવું ગુણવત્તાસભર ઉત્પાદન મળે છે.
પિયત :
અગાઉ જણાવ્યું એમ ઇસબગોલના પાકને પાણીની વધારે જરૂર પડતી નથી.
તેની વાવણી જમીનના પ્રકાર અનુસાર ત્રણથી ચાર અથવા પાંચ-છ પિયતમાં થઈ જાય છે.
રેતાળ અને ગોરાડું જમીનમાં ત્રણ પિયત આપવાની જરૂર પડે છે.
હવામાન:
ઇસબગોલના પાકમાં બગાડનાં મોટાં કારકોમાં માવઠું અને ભેજવાળું વાતાવરણ મુખ્ય છે.
જો વરસાદ પડે તો બધો જ પાક નીચે પડી જાય છે અને આવી સ્થિતિમાં ખેડૂતના હાથમાં કંઈ જ આવતું નથી.
તેથી માવઠું નુકસાનકારક છે. જો બિનમોસમી વરસાદ ન પડે તો ઇસબગોલ માટે બીજો કોઈ મોટો પડકાર હોતો.
જીવાત અને રોગ:
ઉત્તર ગુજરાતની રેતાળ જમીનમાં આ પાક થતો હોઈ, પાકમાં ઉધઈનો ઉપદ્રવ થવાની શક્યતા રહે છે.
તેનાથી બચવા ઉધઈની દવાનો છંટકાવ કરવો જોઈએ.
બીજું, ઇસબગોલમાં મોળો અથવા એફિડ નામનો રોગ થઈ શકે છે.
એફિડ આ પાકની મુખ્ય જીવાત છે. તે વાવણી પછી 50-60 દિવસ પછી દેખાય છે. તેના પર 12-15 દિવસના અંતરે પેસ્ટ કંટ્રોલ સ્પ્રે કામ કરી શકે છે.
ખાતર:
આ પાકને રાસાયણિક ખાતરોની ખાસ જરૂર નથી હોતી. જે ખાતરમાં નાઇટ્રોજન, ફૉસ્ફરસ અને પોટાશ હોય તેનો ઉપયોગ કરવો જોઈએ.
આ છોડને ઓછી માત્રામાં નાઇટ્રોજનની જરૂર હોય છે. તેથી નાઇટ્રોજન માત્ર ત્યારે જ નાખવો જોઈએ જ્યારે જમીનમાં ઉપલબ્ધ નાઇટ્રોજન પ્રતિ હેક્ટર 120 કિલો કરતાં ઓછું હોય. સામાન્ય રીતે 20-30 કિલો પ્રતિ હેક્ટર નાઇટ્રોજન અને 15 કિલો પ્રતિ હેક્ટર ફોસ્ફરસનો ઉપયોગ પૂરતો હોય છે.
ચાલુ વર્ષે સારો પાક ઊતરવાની આશા

ઇમેજ સ્રોત, Getty Images
ઊંઝા માર્કેટ યાર્ડમાં ઇસબગોલનો ભાવ મણ દીઠ 3,250થી 4,125 રૂપિયા ચાલે છે.
ખેતી નિયામકના રિપોર્ટ અનુસાર ઇસબગોલનું વાવેતર ચાલુ નાણાકીય વર્ષમાં સૌથી વધુ નોંધાયું છે.
2024ના નાણાકીય વર્ષમાં 31,208 હેક્ટરમાં કરતાં વધુ વિસ્તારમાં ઇસબગોલનું વાવેતર થયું છે. આ રિપોર્ટ પ્રમાણે 2024માં ઇસબગોલના વાવેતરનો વિસ્તાર 2023માં 13,245 હેક્ટરથી 135% વધ્યો હતો.
ઇસબગોલની નિકાસ

ભારત વિશ્વમાં ઇસબગોલનું સૌથી મોટું ઉત્પાદક છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ તેનું સારું એવું ઉત્પાદન થાય છે.
તે સામાન્ય રીતે ફાર્મા ઉદ્યોગો અને દવા કંપનીઓ દ્વારા દવાની બનાવટ માટે ખરીદવામાં આવે છે.
મોટા ભાગના અગ્રણી નિકાસકારો/પ્રોસેસરો ગુજરાતના મહેસાણા જિલ્લાના સિદ્ધપુર અને બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરસ્થિત છે.
ગુજરાત માહિતી ખાતાના એક ટ્વીટ અનુસાર યુનાઇટેડ સ્ટેટ્સ ભારતના ઇસબગોલનો સૌથી મોટો આયાતકાર દેશ છે.
ભારત સરકારની કૃષિ સંશોધન સંસ્થા - ઇન્ડિયન કાઉન્સિલ ફૉર ઍગ્રિકલ્ચર રિસર્ચના ડિરેક્ટોરેટ ઑફ મેડિસિનલ ઍન્ડ ઍરોમૅટિક પ્લાન્ટ્સ રિસર્ચના સંશોધનપત્રમાં આપેલી વિગતો અનુસાર :
- ઇસબગોલના દાણા પરનું બાહ્ય આવરણ એ ખૂબ જ ફાયદાકારક મનાય છે. તે એક ઔષધિ છે જેનાથી ઘણા બધા રોગનો ઇલાજ કરાય છે.
- તે કબજિયાત જેવા રોગોમાં લાભકારી છે.
- ઇસબગોલ આંતરડાંના સંકોચનને ઉત્તેજિત કરીને મળમાર્ગને ખુલ્લો કરવામાં મદદરૂપ બને છે.
- ઇસબગોલ ફૂડ પ્રોડક્ટ ડિઝાઇનરો માટે લોકપ્રિય તત્ત્વ છે.
- વધુ ફાઇબરવાળા નાસ્તાનાં અનાજ, બ્રેડ અને આઇસ્ક્રીમથી લઈને દવાઓ માટે તે ઉપયોગી છે. તેનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનોના ઉત્પાદનમાં પણ થાય છે.












