2015ના પૂરમાં તારાજ થયેલાં બનાસકાંઠાનાં આ ગામોનાં પુન:સ્થાપનમાં એક દાયકો કેમ લાગ્યો? ગ્રાઉન્ડ રિપોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
બનાસકાંઠાના થરાદથી વાવ જતાં નર્મદા કેનાલના શેઢેથી વળો એટલે પહેલાં વનરાજી દેખાય અને થોડાં દૂર જતાં એક બાદ એક ખાનપુર, નાગલા અને ડોડગામની ભાગોળ ડોકાય.
ખાનપુરમાં પ્રવેશો એટલે નવું બનેલું મંદિર, ગ્રામપંચાયત અને ડેરીનાં નવાં બનેલાં મકાનો આવે. આ નવાં મકાનોને પસાર કરો એ સાથે જ વર્ષ 2015 અને 2017માં અહીં આવેલા પૂરનાં નિશાન લગભગ એક દાયકા બાદ પણ દેખાવાનાં શરૂ થઈ જાય.
900 લોકોની વસતિ ધરાવતા ખાનપુરમાં બીબીસીની ટીમ જ્યારે પહોંચી ત્યારે ગ્રામપંચાયતનું કાર્યાલય બંધ જોવા મળ્યું. એની સામે જ લાકડાની કૅબિન પર છૂટક વસ્તુ વેચનારા દુકાનદારને 'ગામમાં તૂટેલાં મકાનો ક્યાં આવેલાં છે?' એવું પૂછ્યું તો જવાબ મળ્યો કે 'ગામમાં જતા રહો.'
ગામમાં અમને કોઈ ખાસ ચહલપહલ ના જણાઈ અને પંચાયતથી થોડા દૂર જતાં જ એક તૂટેલું મકાન દેખાયું. એ તૂટેલા મકાનમાં ઈંટોની પડું પડું થઈ રહેલી ભીંતો વચ્ચે ઊગેલા બાવળ નવ-નવ વર્ષ સુધી આ મકાનની કોઈ ભાળ ના લીધી હોવાની ચાડી ખાઈ રહ્યા હતા. ગામલોકોએ પણ અહીં પહોંચેલી 'અજાણી વ્યક્તિઓ'ને જોઈને એક પછી એક ભેગા થવા લાગ્યા હતા.
2015ના પૂરનો ભોગ બન્યા બાદ 2017માં લોકોની પીડા વધી

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH/BBC
અમે આગળ વધ્યા એટલે વધુ એક તૂટેલું મકાન અને તાડપત્રી થકી એ મકાનમાંથી ઊભું કરાયેલું ઝૂંપડું દેખાયાં. એ ઘરની બહાર રમતાં નવદસ વર્ષનાં બાળકો દેખાયાં. ગંદા કપડાં પહેરલાં અને કેટલાય દિવસોથી ના નહાયાં હોય એવા એ બાળકો સાથે વાત કરી તો તેઓ અમને એમની માતા પાસે લઈ ગયાં. અંદર પ્રવેશ્યાં તો ત્રણ ઈંટ પર બનાવાયેલા ચૂલા પર પાણી ગરમ કરી રહેલાં વનીબહેન ભીલ અમને સરકારી કર્મચારી સમજી બેઠાં. જોકે, હકીકતની જાણ થતાં એમણે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો. લાંબી સમજાવટ બાદ વનીબહેન અમારી સાથે વાત કરવા તૈયાર થયાં.
વનીબહેનનું કહેવું છે કે વર્ષ 2015માં આવેલા પૂરમાં એમનું ઘર પડી ગયું. એ તૂટેલા ઘરમાં માત્ર થાંભલો જ બચ્યો, જેના પર તાડપત્રી નાખીને તેમણે છત બનાવી. એમના ઘરમાં જે થોડુંઘણું બચ્યું હતું એ પણ વર્ષ 2017માં આવેલા પૂરમાં તણાઈ ગયું. એ બાદ એમને સરકારમાંથી કોઈ પણ પ્રકારની સહાય મળી નથી.
વનીબહેન જણાવે છે, "મારા પતિ દિવસરાત મજૂરી કરીને ઘર સરખું બનાવવાની મહેનત કરતા હતા. એવામાં મારા સસરાને આંખોમાં તકલીફ શરૂ થઈ. એમની સારવાર કરાવવાનું નક્કી કર્યું ત્યાં મારા પતિ બીમાર પડ્યા અને એમનું અવસાન થયું. ત્યારથી ખેતમજૂર કરીને બે બાળકો અને અંધ સસરાની દેખરેખ કરું છું. મારા પતિની મોટરસાઇકલ એમની યાદગીરીના રૂપે અમે સાચવી રાખી છે. મારો દીકરો મોટો થઈને એ ચલાવશે."
જોકે, એ મોટરસાઇકલને કાટ લાગી ગયો છે અને એનાં ટાયર સમયની ધૂળ સાથે જમીનમાં દબાઈ ગયાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સરકાર તરફથી સહાય નથી મળી

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આવી જ હાલત ગામનાં 66 વર્ષના વજીર લખધીર રબારીની છે. વજીરભાઈને મળીએ એટલે એના કરતાં વધારે ગરીબી અને લાચારી એમનાં કપડાંમાં ઝળકે. બે જોડી ફાંટેલાં કપડાં સિવાય એમની પાસે કોઈ મિલકત હશે કે કેમ એ કળવું મુશ્કેલ છે. પૂરમાં તૂટી ગયેલા ઘરનો કાટમાળ એમને આંગણે દેખાય. ગામલોકો પાસેથી ઉધાર પૈસા માગીને એમણે નજીકમાં એક ઓરડી બાંધી છે.
વજીરભાઈના પરિવારમાં કોઈ નથી. બીબીસી સાથેની વાતચીતમાં તેઓ જણાવે છે કે એમને સરકાર તરફથી કોઈ સહાય મળી નથી અને સરકાર એમના ગામનું પનર્વસન કરાવી રહી છે ત્યારે એમને પણ નવું ઘર મળે એવી આશા છે.
ગામના પૂર્વ સરપંચ નાગજી પટેલ બીબીસીને જણાવે છે, "2015ના પૂર બાદ મેં ગામના પુનર્વસન માટે અરજી કરી હતી. એ વખતે આખું ગામ બરબાદ થઈ ગયું હતું અને લોકો પાયમાલ થઈ ગયા હતા. ગામ બેઠું થવા મહેનત કરી રહ્યું હતું ત્યાં જ 2017માં ફરીથી પૂર આવ્યું અને ફરી બધું ખતમ થઈ ગયું. એ વખતે મારી પત્ની ગામની સરપંચ હતી અને મેં ફરીથી પુનર્વસન માટેની અરજી કરી હતી પણ આશ્વાસન સિવાય કંઈ જ મળ્યું નહોતું. હવે નવ વર્ષ બાદ પુનર્વસન માટે સરકાર તૈયાર થઈ છે એનો અમને આનંદ છે."
આ દરમિયાન મોડેકથી ગામના સરપંચ બાલુભા સોઢા આવ્યા અને બીબીસી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું, "ગામમાં કેટલાંક વધુ સભ્યો ધરાવતાં કુટુંબો પણ છે અને એમણે પરિવારજનો માટે અલગઅલગ પ્લોટ માગ્યા છે અને અમે એમને સમજાવી રહ્યા છીએ, ઊંચાણવાળી જગ્યાએ પુનર્વસન થઈ શકે."
નવ વર્ષ વીતી ગયાં

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH/BBC
જોકે, ખાનપુર કરતાં વધારે ખરાબ હાલત તેની નજીક આવેલા નાગલા ગામની છે. આ ગામમાં ઠેરઠેર તૂટેલાં મકાનો જોવા મળે છે. 1200 લોકોની વસતી ધરાવતા આ ગામમાં મોટા ભાગના લોકો ગામ છોડીને જતા રહ્યા છે. ગામમાં લગભગ સન્નાટો અનુભવાય છે. વર્ષ 2015 અને 2017માં આવેલા પૂરને પગલે ગામમાં જમીનમાં ખારાશ આવી અને બાદ અહીં ખેતી લગભગ ખરાબ થઈ ચૂકી છે. પશુનો ઘાસચારો પણ ઊગી શકતો નથી.
ગામના શિવરામ પટેલ નામના એક યુવાને બીબીસીને જણાવ્યું કે "જમીનમાં ખારાશ આવી ગઈ છે અને ગામની 400 વિઘા જમીનમાં હવે ખેતી શક્ય નથી. ઘાસચારો ના મળતા પશુપાલન બંધ થઈ ગયું અને મોટા ભાગના લોકો ગામ છોડી ગયા. આજે કેટલાય લોકોના ઘરો ખાલી પડ્યાં છે અને એમાં બાવળ ઊગી નીકળ્યા છે."
તેમણે કહ્યું, "લોકો ગામ છોડીને જઈ રહ્યા હતા ત્યારે સરકારે કોઈ પગલાં લીધાં નહીં, પણ હવે પુનર્વસન થવાથી અમે ખુશ છીએ. નવ વર્ષે અમને ન્યાય મળી રહ્યો છે."
આવી જ હાલત ડોડગામની પણ છે. જોકે, ગામલોકો વાતચીત કરવા તૈયાર નથી. અલબત્ત, નવાં મકાન મળવાની આશા તો એ લોકોને પણ છે.
ગામના પુનર્વસનમાં નવનવ વર્ષ વીતી ગયાં અને ત્રણેય ગામ લગભગ બરબાદ થઈ ગયાં. નવ વર્ષ સુધી સરકારે પુનર્વસનની કામગીરી કેમ ન કરી તેના જવાબમાં થરાદના ઍક્ઝિક્યુટિવ મૅજિસ્ટ્રેટ કે. એચ. વાઘેલા બીબીસીને જણાવે છે, "આ ત્રણેય ગામના પુનર્વસનની કામગીરી શરૂ થઈ ગઈ છે. સરકારી પરિપત્રના આદેશ અનુસાર ગામના લોકોને ઊંચાણવાળા વિસ્તારમાં ફરીથી વસાવવાની કામગીરી હાથ ધરાઈ છે. સર્વેનું કામ પૂરું થઈ ગયું અને આવનારા થોડા દિવસોમાં પુનર્વસન શરૂ થઈ જશે."
વર્ષ 2015ના જુલાઈ માસમાં ગુજરાતમાં આવેલા ભયાનક પૂરમાં સૌથી વધુ બરબાદી બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં થઈ હતી. બનાસકાંઠાના લાખણી, થરાદ અને વાવ તાલુકાનાં કેટલાંય ગામો તારાજ થઈ ગયાં હતાં. એ વખતે અસરગ્રસ્ત ગામોનાં પુનર્વસનની કામગીરી હાથ ધરાઈ હતી. જોકે, થરાદ અને વાવની વચ્ચે આવેલા 900થી 1200 લોકોની વસતી ધરાવતાં ગામોને સહાય નહોતી મળી.
2015ના પૂર વખતે સૈન્ય અને બીએસએફની મદદથી 930 લોકોને બચાવાયા હતા. જ્યારે 2017માં 2300 લોકોને બચાવાયા હતા. ભારત સરકારે 2017માં ગુજરાતના પૂરપીડિતો માટે 500 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી હતી.
ખાનપુર, નાગલા અને ડોડગામની પુનર્વસનની નીતિ આટલાં વર્ષો બાદ ગત વર્ષે 8 નવેમ્બરે નક્કી કરાઈ હોવાનું ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભામાં પુછાયેલા એક તારાંકિત પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું.












