'મારા કુટુંબના 50 લોકો એકીસાથે મૃત્યુ પામ્યા...' એ પૂર જેણે અનેક પરિવારો તબાહ કરી નાખ્યા

ઇમેજ સ્રોત, REUTERS
- લેેખક, ઑઇફે વૉલ્શ
- પદ, બીબીસી ન્યૂઝ
લિબિયામાં આવેલા ભયાવહ પૂરમાં સરકારી આંકડા અનુસાર 5,300થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે અને હજારો લોકો હજુ લાપતા છે.
લિબિયાની પૉર્ટ સિટી દેરનામાં ગત સપ્તાહે વાવાઝોડા પછી ભયાનક પૂર આવ્યું હતું.
સ્થાનિક અધિકારીઓના અનુમાન પ્રમાણે મૃત્યુઆંક 18 હજારથી 20 હજાર સુધીનો હોઈ શકે છે.
10 સપ્ટેમ્બરના રોજ લિબિયામાં વાવાઝોડું ત્રાટક્યું હતું, જેના કારણે દેશના પૂર્વ ભાગમાં આવેલાં શહેરો બેનગાઝી, સૌસા અને અલ-મર્જ પણ પ્રભાવિત થયાં હતાં.
બચાવ ટુકડીઓ હજુ પણ ફસાયેલા લોકોને બચાવવામાં લાગી છે અને રાહત કામગીરી ચાલુ છે.
ઘણા લોકોને આશા હતી કે તેઓ હજી પણ બચી જશે, પરંતુ તે આશા લગભગ ઠગારી નીવડી હતી. ઘણા ફસાયેલા લોકો સુધી મદદ પહોંચી શકી ન હતી અને તેમણે દમ તોડી દીધો હતો.
પૂર્વ લિબિયામાં શાસન કરી રહેલી સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રી હિચેમ અબુ ચકીઔતે રોયટર્સ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે પીડિતોની સંખ્યા નોંધપાત્ર રીતે વધી શકે છે કારણ કે "સમુદ્ર હજુ સતત મૃતદેહોને પાછા ફેંકી રહ્યો છે."

ડઝનેક ઇજિપ્તવાસી અચાનક પૂરનો ભોગ બન્યા

ઇમેજ સ્રોત, REUTERS
ઇજિપ્તની બચાવ ટુકડીના સભ્યોને લિબિયામાં અચાનક આવેલા પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં તહેનાત કરવામાં આવ્યા હતા. ત્યાં લગભગ 80 ઇજિપ્તવાસીઓ હતા જેઓ અચાનક પૂરના પરિણામે મૃત્યુ પામ્યા હતા, જેમાંથી એક એલી નામની વ્યક્તિ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમનો મૃતદેહ ઇજિપ્તના અલ શરીફ ગામમાં તેના વતનમાં જ્યારે પરત આવ્યો ત્યારે તેમના પરિવારજનો હજુ બીજા સંબંધીઓના મૃત્યુના શોકમાં ડૂબેલા હતા.

ઇમેજ સ્રોત, REUTERS
એલીના પિતા હસન અલ સાલ્હીન તેમના પુત્રના અંતિમ સંસ્કાર પછી ખૂબ રડ્યા. તેમના ભાઈએ એલીનો ફોટો બતાવ્યો. એલી ત્રણ પિતરાઈ ભાઈ સાથે લિબિયાના પૂરમાં તણાઈને મૃત્યુ પામ્યા હતા.
એક માતા જ્યારે તેના પુત્ર વિશે વાત કરી રહ્યાં હતાં ત્યારે તેઓ દુ:ખથી રડી પડ્યાં હતાં જે હજુ સુધી મળ્યો નથી. તેમનો પુત્ર મોહમ્મદ આતેફ લિબિયામાં અચાનક પૂરના શિકાર બન્યા હોવાનું માનવામાં આવે છે. તેઓ લાપતા છે.

‘મેં મારા પરિવારના 50 લોકો ગુમાવ્યા’

ઇમેજ સ્રોત, Getty Images
લિબિયામાં એવા અનેક લોકો છે જેમણે આ ભયાનક પૂરને કારણે તેમના પરિવારોને ગુમાવ્યા છે.
52 વર્ષીય ઉસામા અલ- હુસાદી એ વ્યવસાયે ડ્રાઇવર છે. જ્યારે આ આફત આવી ત્યારે તેઓ કામ પર ગયા હતા. જ્યારે તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે તેમનાં પત્ની અને પાંચ બાળકો લાપતા હતાં. તેમનાં પત્નીનો મોબાઇલ નંબર પણ બંધ આવે છે.
આંસુ લૂછતાં લૂછતાં તેમણે રોયટર્સ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, “અમારા પરિવારમાં અંદાજે 50 લોકો લાપતા છે અથવા તો મૃત્યુ પામ્યા છે. મને તેમના વિશે કોઈ માહિતી મળતી નથી.”














