ભરૂચ : એ 72 કલાક જેમાં નર્મદામાં આવેલું ઇતિહાસનું બીજું સૌથી મોટું પૂર રોકી શકાયું હોત

ભરૂચ પૂર

ઇમેજ સ્રોત, ANI

    • લેેખક, પારસ જ્હા
    • પદ, બીબીસી ગુજરાતી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ 17 સપ્ટેમ્બર ગુજરાત સહિત દેશનાં વિવિધ રાજ્યોમાં એક ઉત્સવની જેમ ઉજવાયો પરંતુ 17 સપ્ટેમ્બર 2023નો એ દિવસ મધ્ય પ્રદેશ અને વડા પ્રધાન મોદીના જ ગૃહરાજ્ય ગુજરાતના ભરૂચ જિલ્લા અને આસપાસના વિસ્તારોના લાખો લોકો માટે દુ:સ્વપ્ન બની ગયો.

એ દિવસે ભરૂચ જિલ્લાના હજારો લોકો અને પશુઓ નર્મદા નદીમાં અચાનક આવી ગયેલા ઇતિહાસના બીજા ક્રમના સૌથી ઘાતક પૂરનો ભોગ બન્યા.

આ અગાઉ નર્મદા નદીમાં 6 સપ્ટેમ્બર, 1970ના રોજ 41 મીટરની સુધીની ઐતિહાસિક સપાટીનું જળસ્તર નોંધાયું હતું, જે અત્યાર સુધીમાં નોંધાયેલી સૌથી ઊંચી સપાટી છે. જ્યારે 17 સપ્ટેમ્બરે નર્મદા નદીમાં સરદાર સરોવર બંધમાંથી અચાનક છોડવામાં આવેલું 18 લાખ ક્યૂસેક પાણી બંધના નીચાણવાળા વિસ્તારમાં આવેલાં ભરૂચ, અંકલેશ્વર જેવાં નગરો અને સેંકડો ગામડાંમાં પૂર બનીને ફરી વળ્યું. જેમાં હજારો દૂધાળાં પશુઓ, પાલતુ પશુઓના જીવ જવાની સાથે સાથે ખેતીની લાખો હૅક્ટર જમીન અને વેપારીઓની દુકાનોમાં રહેલા લાખો રૂપિયાના માલની ખરાબી થઈ ગઈ.

છેલ્લાં 50 વર્ષમાં ઘટેલી સૌથી ભયાનક પૂરની આ હોનારત છે, જેના પર ગુજરાતમાં વિરોધપક્ષ અને સરકાર વચ્ચે આક્ષેપબાજી ચાલી રહી છે.

જો રાજકીય આરોપ અને પ્રત્યારોપોને એકબાજુ મૂકીને ઘટનાને ઝીણવટથી જોવામાં આવે તો આ ડૅમ અને પાણીના વિશેષજ્ઞોના મતે, "જો સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારીઓએ તેમને વિવિધ એજન્સીઓ પાસેથી મળેલી સૂચનાઓ અને તેમની પાસે રહેલી પૂરનું પૂર્વાનુમાન કરવાની સિસ્ટમનો યોગ્ય ઉપયોગ કર્યો હોત, તો આ વિનાશક પૂરને ચોક્કસ અટકાવી શકાયું હોત."

એટલું જ નહીં વિશેષજ્ઞોના મતે પૂરને અટકાવવા માટે 48થી 72 કલાકનો પૂરતો સમય હતો.

બીબીસી ગુજરાતી

પૂરની સ્થિતિનું નિર્માણ કેવી રીતે થયું?

પૂરની સ્થિતિ

સરદાર સરોવર યોજનાનો પ્રાથમિક ખયાલ મેળવવાથી આ ઘટનાને સમજવી સરળ રહેશે. પાણીનું વહેણ ઉપરથી નીચે તરફ રહે છે એવી સ્વાભાવિક સમજણ દરેકને છે.

સરદાર સરોવર ડૅમ એ નર્મદા નદી પર આવેલા નાના-મોટા ડૅમમાં સૌથી છેલ્લો ડૅમ છે. તેની પહેલા મધ્ય પ્રદેશમાં ઓમકારેશ્વર, ઇન્દિરા સાગર અને બાર્ગી જેવા મહત્ત્વના મોટા ડૅમ છે. આ તમામ ડૅમના વિસ્તારોમાં પડતા વરસાદથી આ ડૅમોથી બનેલાં જળાશયો(રિઝર્વોયર)માં પાણી ભરાતું જાય છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એક પછી એક ડૅમ ભરાતાં જાય અને તેમની પાણી સંગ્રહ કરવાની મહત્તમ ક્ષમતા (એફઆરએલ – ફુલ રિઝર્વોયર લેવલ) સુધી પહોંચી જાય ત્યારે (અથવા વધુ વરસાદ અને પાણીના વધુ જથ્થાની આવકની સ્થિતિમાં અગાઉથી) એ ડૅમના દરવાજા ખોલીને પાણીને આગળ વહાવી દેવામાં આવે છે, જેથી ઉપરવાસમાં રહેતા લોકોને સતત ભરાતા પાણીથી પૂરનો સામનો ન કરવો પડે.

આ ઉપરાંત ડેમની પાણીની આવકના જથ્થામાં સતત વધારો થવાના કિસ્સામાં નિયત જથ્થામાં પાણી સતત છોડવામાં આવે તો નીચેના વિસ્તારોમાં રહેતા લોકોને પણ પૂરથી બચાવી શકાય છે.

ભરૂચ જિલ્લામાં આવેલા આ ભયાનક પૂરમાં આવી સામાન્ય સમજણપૂર્વકની પ્રક્રિયાનું પાલન ન થયું હોવાનું અભ્યાસુઓ અને વિશેષજ્ઞો જણાવે છે.

નવી દિલ્હીસ્થિત 'સાઉથ એશિયા નેટવર્ક ઑન ડૅમ્સ, રિવર ઍન્ડ પીપલ' (એસએએનડીઆરપી - SANDRP) એ દક્ષિણ એશિયામાં વિશાળ ડૅમ અને પાણી સાથે સંકળાયેલા વિવિધ મુદ્દા પર અભ્યાસ અને કાર્ય કરતું એક સંગઠન છે.

આ સંગઠનના સ્થાપક હિમાંશુ ઠક્કર આંકડા, તથ્યો અને સરદાર સરોવર નર્મદા નિગમ લિ.(એસએસએનએનએલ)ના સંદર્ભો ટાંકીને કહે છે કે પૂરની આ દુર્ઘટના કુદરતી નહીં પણ માનવસર્જિત છે

બીબીસી ગુજરાતી

સમગ્ર ઘટનાને ક્રમબદ્ધ રીતે સિલસિલાવાર સમજાવતા તેમણે કહ્યું, "એક તરફ એવી દલીલ થઈ રહી છે કે, 15 સપ્ટેમ્બરથી ઉપરવાસમાં અચાનક વરસાદ પડવા લાગ્યો તેને કારણે ડૅમમાં પાણીની આવક ખૂબ જ વધી ગઈ અને આવી હોનારત કુદરતી રીતે સર્જાઈ. પરંતુ આખી ઘટનામાં સરદાર સરોવર ડૅમ પર ચાલતાં બે જળવિદ્યુત મથકો – રિવર બેડ પાવર હાઉસ (આરબીપીએચ) અને કૅનાલ હેડ પાવર હાઉસ(કેએચપીએચ)ની કામગીરી સમજવાથી આ પૂરને ટાળી શકાયું હોત તે સમજી શકાય છે."

"આરબીપીએચ પાવર હાઉસમાંથી વીજળી ઉત્પન્ન કરવા માટે વપરાતા ટર્બાઇન ડૅમમાંથી છોડાતાં પાણીના પ્રવાહથી ચલાવવામાં આવે છે. આ વર્ષે ઑગસ્ટ મહિનો લગભગ સાવ વરસાદ વિનાનો ગયો હતો. તેમ છતાં ઑગસ્ટમાં આરબીપીએચમાં 842.67 એમયુ (મિલિયન યુનિટ) વીજળી ઉત્પન્ન થઈ હતી, કારણ કે તેને આખો મહિનો ચલાવવામાં આવ્યું હતું."

તેમણે ઉમેર્યું, "એસએસએનએનએલ દ્વારા જાહેર કરવામાં આવેલા ફ્લડ મૅમોરેન્ડમ 2023માં વિગતો આપવામાં આવી છે કે, આ રિવર બેડ પાવર હાઉસમાં વીજળી ઉત્પાદન કરતાં 6 એકમો છે અને જ્યારે આ એકમો તેમની પૂર્ણ ક્ષમતાએ ચાલતાં હોય ત્યારે પ્રત્યેક એકમ વીજ ઉત્પાદન માટે 7 હજાર ક્યૂસેક પાણી છોડે છે. એ રીતે આરબીપીએચના 6 એકમ તેમની પૂર્ણ ક્ષમતાએ લગભગ 42 હજાર ક્યૂસેક પાણી છોડે છે."

આ બાબતનો ઉલ્લેખ અહીં એટલા માટે મહત્ત્વનો છે કે જો સપ્ટેમ્બર 6થી સપ્ટેમ્બર 16 સુધી આ રીવરબેડ પાવર હાઉસ ચલાવવામાં આવ્યું હોત તો તેમાંથી નિયમિત રીતે વીજળી ઉત્પન્ન થવાની સાથેસાથે ઉપરવાસમાંથી આવતા પાણીના જથ્થાને પણ નિયંત્રિત રીતે વહાવી શકાયો હોત.

હિમાંશુ ઠક્કરે જણાવ્યું કે "6 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર સુધી આ આરબીપીએચને બંધ કરી દેવામાં આવ્યું હતું."

બીબીસી ગુજરાતી

'દુર્ઘટનાને રોકવા માટે 20થી 72 કલાકનો સમય હતો'

સરદારસરોવર ડેમ

ઇમેજ સ્રોત, ANI

સરદાર સરોવર ડૅમમાંથી ઉત્પન્ન થતી વીજળીની વહેંચણી મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે થતી હોવાથી આ પાવર હાઉસને બંધ કરવાનો નિર્ણય કોઈ એક તંત્ર કરી શકતું નથી. તેને માટે નર્મદા કંટ્રોલ ઑથૉરિટી(એનસીએ)ને જાણ કરવી પડે છે. અને એનસીએ આ નિર્ણય લે છે.

જોકે, એનસીએ દ્વારા જાહેર કરવામાં આવેલા સરદાર સરોવર ડૅમ ખાતે ઉત્પન્ન થતી વીજળીના દૈનિક રિપોર્ટ હિમાંશુ ઠક્કરની વાત પુષ્ટિ કરે છે કે આ દસ દિવસ દરમિયાન પાવર હાઉસને બંધ કરી દેવામાં આવ્યું હતું અને તેમાંથી કોઈ વીજઉત્પાદન થયું નહોતું.

એનસીએના સભ્ય અને હાઇડ્રોલૉજીના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. તેજરામ નાયક આ અંગે બીબીસી સાથે વાત કરતાં કહે છે, "પાવર હાઉસ બંધ કરવામાં આવ્યું તેની પાછળનું એ કારણ છે કે મધ્ય પ્રદેશના લગભગ 6 કરોડ લોકો અને ગુજરાત તથા રાજસ્થાનના લગભગ 5 કરોડ લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થા એનસીએ દ્વારા થાય છે. એટલે જો ઑગસ્ટમાં વરસાદ ન થયો હોય તો પાછળના દિવસોમાં પાણીની તંગી ન સર્જાય તે માટે પાણીનો સંગ્રહ કરવો જરૂરી હોય છે. આથી પાવર હાઉસને ચાલવા ન દીધું હોય, કારણ કે પાવર હાઉસ ચલાવવા માટે છોડાતું પાણી આખરે તો દરિયામાં જઈને વેડફાઈ જાય છે."

જોકે, ડૉ. તેજરામ નાયકે પણ એ વાતની પુષ્ટિ કરી કે મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં નર્મદામાં આવેલું આ પૂર ભલે માનવસર્જિત ન કહેવાય પણ માનવીય બેદરકારીથી થયેલું તો ચોક્કસ કહી શકાય. એટલું જ નહીં આવડી મોટી દુર્ઘટનાને રોકવા માટે ઓછામાં ઓછો 20 કલાકનો અને વધુમાં વધુ 72 કલાકનો સમય હતો.

તેમણે કહ્યું, "હું હમણાં જ મધ્ય પ્રદેશના પૂરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત કરીને આવ્યો છું. ત્યાં લોકોને બચવા માટેનો સમય ન નહોતો મળ્યો. આકાશમાંથી ભારે વરસાદ થતો હોય અને રાત્રે અચાનક ઘરમાં પૂરનાં પાણી ભરાઈ જાય ત્યારે લોકો પાસે જીવ બચાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો બચ્યો. જેને કારણે લોકોનાં ઘર, પશુઓ, માલસામાન બધુ જ નષ્ટ થઈ ગયું છે."

તેમણે જણાવ્યું, "એ દિવસે હું મેડિકલ લીવ પર હતો તેમ છતાં મેં દ્વારા ફ્લડ સેલને સાતમી સપ્ટેમ્બરે જ વૉટ્સઍપ ગ્રૂપમાં માહિતી આપી દીધી હતી કે બાર્ગી, તાવા, ઇન્દિરા સાગર, ઓમકારેશ્વર અને સરદાર સરોવર આ તમામ ડૅમના હાઇડ્રોપાવર યુનિટ્સ (જળવિદ્યુત એકમો) ચાલુ કરી દેવાં, કારણ કે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હતી અને આ ડૅમોમાં પાણીની આવક વધી રહી હતી."

બીબીસી ગુજરાતી

'સૂચના પર કોઈને ધ્યાન ન આપ્યું'

ભરૂચમાં પૂર

ડૉ. તેજરામ નાયક જણાવે છે કે તેમણે આ મામલે સૂચના આપી હતી, પરંતુ તેમની એ સૂચના પર કોઈએ ધ્યાન આપ્યું નહોતું.

તેઓ કહે છે, "જો મારી આપેલી માહિતી પર ઝડપથી અને યોગ્ય નિર્ણયો લઈને આ તમામ ડૅમનાં પાવર હાઉસને ચાલુ કરવામાં આવ્યાં હોત તો ઇન્દિરા સાગર ડૅમ અને સરદાર સરોવર ડૅમમાં વધારાનાં 2000 એમસીએમ (મિલિયન ક્યૂબિક મીટર) પાણીનો જ સંગ્રહ થઈ શક્યો હોત અને બાકીનું પાણી નદીમાં જ વહી ગયું હોત. તેને કારણે નદીની આસપાસના વિસ્તારોમાં આવેલા પૂર અને તેનાથી થયેલું 75 ટકા નુકસાન ટાળી શકાયું હોત."

"ભારે વરસાદ અને ડૅમમાં પાણીનો ભરાવો થવા દેવાને કારણે ઉપરવાસ અને નીચાણવાળા વિસ્તારોમાં એટલા ટૂંકા સમયની ચેતવણી આપવામાં આવી કે જેનાથી લોકોને બચવાનો પૂરતો સમય પણ ન મળ્યો."

તેમણે કહ્યું, “આવી દુર્ઘટનાને માનવસર્જિત ન કહી શકાય, કારણ કે વ્યાખ્યા પ્રમાણે માનવસર્જિત દુર્ઘટના ત્યારે કહેવાય જ્યારે કોઈ પણ પ્રકારની કુદરતી ઘટના (ભારે વરસાદની સ્થિતિ) ન હોય, અને ડૅમના દરવાજા ખોલવામાં આવે અને પૂરની સ્થિતિ સર્જાય. પરંતુ આ ઘટના એ માનવના ‘મિસમૅનેજમૅન્ટ’ને કારણે સર્જાયેલી દુર્ઘટના જરૂર કહેવાય. જ્યાં તમારી પાસે પૂરતી માહિતી હોવા છતાં તમે આવનારી દુર્ઘટનાને ટાળવા માટેનાં કોઈ આગોતરાં પગલાં ન ભર્યાં."

ડૉ. નાયકે જણાવે છે, "સામાન્ય બુદ્ધિની વાત છે કે જ્યારે ભારે વરસાદ શરૂ થઈ ગયો ત્યારે આ ડૅમના દરવાજા જે સમયે ખોલવામાં આવ્યા તેના ઓછામાં ઓછા 20 કલાક પહેલાં પણ એ ડૅમના સ્પિલવેના દરવાજા ધીમે ધીમે પાંચ મીટરથી આઠ મીટર સુધી ખોલી નાખવામાં આવ્યા હોત તો પણ આવી ભયાનક ઘટના ટાળી શકાઈ હોત."

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી

ડૉ. નાયકના કહેવા પ્રમાણે આ ફ્લેશ ફ્લડ (ધોધમાર વરસાદ અને પાણીના અભૂતપૂર્વ જથ્થાની આવકને કારણે અચાનક સર્જાતું પૂર) હતું એ માનવું મુશ્કેલ છે, કારણ કે ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી જ હતી.

તેમણે કહ્યું, "પૂરને રોકવા માટેના વિવિધ વૈજ્ઞાનિક મૉડલ છે જ. એનસીએ, સીડબ્લ્યૂસી (સૅન્ટ્રલ વૉટર કમિશન) દરેક એજન્સી પાસે એટલી ક્ષમતા અને પોતાનાં મૉડલ છે કે જેનાથી વરસાદ અને પાણીની આવકના આધારે પૂરને ટાળી શકાય તેવી સ્થિતિનું અનુમાન કરીને નિર્ણય લઈ શકાય. આ સાદી ગણતરી છે."

સૅન્ટ્રલ વૉટર કમિશનના ફ્લડ ફોરકાસ્ટિંગ અને ફ્લડ મૅનેજમૅન્ટ વિભાગના નિયામક શરદ ચંદ્રે બીબીસીને જણાવ્યું, "અમારા ફિલ્ડ ઑફિસરોએ નિર્ધારિત કાર્યપ્રક્રિયા (સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર – એસઓપી) પ્રમાણે પાણીના આવકનાં તમામ અનુમાનના રિપોર્ટ જે-તે એજન્સીઓને નિયમિત મોકલી આપ્યા હતા."

જોકે બીબીસીએ સીડબ્લ્યૂસીની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરેલા 13 અને 14 સપ્ટેમ્બરના રિપોર્ટમાં માત્ર સરદાર સરોવર ડૅમ માટે 22 સપ્ટેમ્બર માટેનું પૂર્વાનુમાન દર્શાવાયું છે. જે સીડબ્લ્યૂસીના બીજા દિવસોના રિપોર્ટ કરતાં સાવ અલગ છે. જે પ્રશ્નો ઊભા કરે છે કે આ રિપોર્ટને 13-14 સપ્ટેમ્બર પછી અપલોડ કરવામાં આવ્યા હશે કે કેમ?

બીબીસી ગુજરાતી

72 કલાક પહેલાં કેવી રીતે પૂરથી બચાવી શકાયું હોત?

ભરૂચ નર્મદા પૂર

ઇમેજ સ્રોત, ANI

ડૉ. તેજરામ નાયક ઓછામાં ઓછા 20 કલાક પહેલાંથી પાણી છોડીને પૂરને રોકી શકાયું હોવાનું જણાવે છે ત્યારે હિમાંશુ ઠક્કર કહે છે કે એ સમયગાળો ગુજરાત માટે 72 કલાક જેટલો હતો.

તેમણે જણાવ્યું, "સીડબ્લ્યૂસીના રિપોર્ટ પ્રમાણે 14 સપ્ટેમ્બરથી મધ્ય પ્રદેશના બાર્ગી ડૅમના વિસ્તારમાં ભારે વરસાદ અને પાણીની આવકના કારણે ડૅમના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. ત્યાંથી પાણી ઇન્દિરા સાગર અને ત્યારબાદ ઓમકારેશ્વર ડૅમમાં આવ્યું અને આ બન્ને ડૅમમાં પાણી 15 સપ્ટેમ્બરની મોડી રાતથી તેમના ફુલ રિઝર્વોયર લેવલ (એફઆરએલ) સુધી પહોંચી ગયું હતું. આ ઊંચું સ્તર એ રૂલ કર્વના નિયમનું સ્પષ્ટ ઉલ્લંઘન છે."

હિમાંશુ ઠક્કરે કહ્યું, "બાર્ગી, ઇંદિરા સાગર અને ઓમકારેશ્વર ડૅમમાં ભરાયેલાં પાણી અને તેનું સ્તર એ સરદાર સરોવર પ્રોજેક્ટના સત્તાવાળાઓ માટે આ એક વધુ સંકેત હતો જેમાં તેઓ 14 અને 15 સપ્ટેમ્બરથી જ પાણી છોડવાનું શરૂ કરી શક્યા હોત, કારણ કે આ ત્રણેય ડૅમમાંથી છોડવામાં આવનારું પાણી છેવટે તો સરદાર સરોવર ડૅમમાં જ આવવાનું હતું. પરંતુ સરદાર સરોવરના જવાબદાર અધિકારીઓએ 16 સપ્ટેમ્બર સવારે 10 વાગ્યા સુધી બંધનો એક પણ દરવાજો ખોલ્યો નહીં. જેટલું પણ પાણી છોડાઈ રહ્યું હતું તે આરબીપીએચ અને સીએચપીએચ એમ બન્ને પાવર હાઉસમાંથી જ છોડવામાં આવ્યું જે 400 ક્યૂમેક્સ (ક્યૂબિક મીટર પર સેકન્ડ) કરતાં ઓછું હતું. ત્યારબાદ તેમણે પાવર હાઉસમાંથી બપોરે 12 વાગ્યા સુધીમાં 1600 ક્યૂમેક્સ અને ત્રણ વાગ્યા સુધીમાં 11500 ક્યૂમેક્સ પાણી છોડવાનું શરૂ કર્યું."

તેમણે વધુમાં ઉમેર્યું, "આ વિગતો પરથી જોઈએ તો સીડબ્લ્યૂસી અને એસએસએનએનએલ પાસે 48થી 72 કલાક પહેલાંથી જ એવી માહિતી હતી જેને ધ્યાનમાં લઈને તેઓ પૂરની આવી ઘટના ટાળવા માટેનાં પૂરતાં પગલાં લઈ શક્યા હોત. પરંતુ એવું થયું નથી."

બીબીસી ગુજરાતી

પૂર કેવી રીતે આવ્યું?

ભરૂચ પૂર

હિમાંશુ ઠક્કર કહે છે, "આખરે સરદાર સરોવર નર્મદા નિગમના સત્તાવાળાઓએ 17 સપ્ટેમ્બર સવારે પાંચ વાગ્યાથી 18.76 લાખ ક્યૂસેક (52706 ક્યૂમેક્સ) પાણીનો જથ્થો છોડવાનું શરૂ કર્યું. અને આ પ્રમાણ તેના પછીના કેટલાક કલાકો સુધી એ જાળવી રાખ્યું હતું. જેને પહોંચી વળવું એ ડૅમના નીચાણવાળા વિસ્તારોની ક્ષમતા કરતાં અનેક ગણું વધારે હતું. જેને કારણે આખરે લાખો લોકોને જાન-માલનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.”

જોગાનુંજોમ એ દિવસે એટલે કે 17 સપ્ટેમ્બર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ પણ હતો. જે અંગે હિમાંશુ ઠક્કર જણાવે છે, "આવું પૂર છેલ્લાં 50 વર્ષોમાં પહેલી વખત આવ્યું છે, પરંતુ આ પ્રકારે 17 સપ્ટેમ્બરે મોટી માત્રામાં પાણી છોડવાની ઘટના પહેલી વખતની નથી. આવું આ ચોથી વખત થયું છે. આ અગાઉ વર્ષ 2017, 2019 અને 2020માં આવી જ રીતે 17 સપ્ટેમ્બરે પાણી છોડવામાં આવ્યું હતું. 2020માં પણ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું, જેનો ભોગ ભરૂચ અને આસપાસના વિસ્તારોના લોકો બન્યા હતા."

બીબીસી ગુજરાતી

હાલ અસરગ્રસ્ત વિસ્તારમાં કેવી છે સ્થિતિ?

ભરૂચ

બીબીસીએ હાલ ભરૂચની આસપાસના પૂરગ્રસ્ત વિસ્તારોમાં શું સ્થિતિ છે તે જાણવા માટે ભરૂચના કલેક્ટર તુષાર સુમેરા સાથે વાત કરી.

તેમણે જણાવ્યું, "જિલ્લાતંત્ર સંપૂર્ણપણે સાબદું હતું. અમારા મામલતદારોએ મોડી રાત્રે લોકોનાં ઘરે અને ગામોમાં પહોંચીને તેમને સલામત સ્થળે ખસેડ્યા હતા. સૌથી મહત્ત્વની બાબત એ છે કે જો જિલ્લાતંત્ર સાબદું ન હોત તો લોકોના જીવ ગયા હોત, પરંતુ ભરૂચ જિલ્લામાં પૂરને કારણે એક પણ મોત થયું નથી."

તેમણે કહ્યું, "હાલમાં નુકસાનીનો અંદાજ કાઢવા માટેનું સર્વેક્ષણ ચાલી રહ્યું છે. આ ઉપરાંત અમે પૂરગ્રસ્ત વિસ્તારોમાં સફાઈ, પીવાના પાણીનો પુરવઠો અને વીજપુરવઠાને પુનઃસ્થાપિત કરી દીધો છે. અસરગ્રસ્ત લોકોને ફૂડ પૅકેટ, ફૂડ કીટ અને કેશ ડૉલ્સ આપવામાં આવી રહ્યાં છે."

આ દરમિયાન ગુજરાત સરકારના પ્રવક્તા અને મંત્રી ઋષિકેશ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું છે, "વિરોધીઓ દ્વારા આ આપત્તિને માનવસર્જિત આપત્તિ કહી લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. આ આપત્તિ કુદરતી આપત્તિ છે. કૅચમૅન્ટ વિસ્તાર, ઉપરવાસનો વરસાદ અને અન્ય રાજ્યમાંથી છોડવામાં આવેલું પાણી, આ ત્રણેય કારણો ઉપરાંત છેલ્લા દોઢ દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું."

જોકે, તેમણે એવું પણ સ્વીકાર્યું હતું કે આ આફતને પગેલ રાજ્ય સરકારને અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી 12 હજાથી વધુ લોકોનું સ્થળાંતર કરવું પડ્યું હતું, જ્યારે 600થી વધુ લોકોને રેસ્ક્યૂ કરવા પડ્યા હતા. આ દરમિયાન 200થી વધુ ગામોમાં વીજળી પણ ગુલ થઈ ગઈ હતી.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી