‘અચાનક પાણી આવ્યું અને બધું તબાહ થઈ ગયું’, ગુજરાતનું એ ગામ જે નર્મદાના પૂરમાં તણાઈ ગયું

ઇમેજ સ્રોત, SAJID PATEL
નર્મદા નદીના આવેલ પૂરના પાણીને પગલે ભરૂચ જિલ્લાના કાંઠાવિસ્તારનાં ગામોમાં ઘણું નુકસાનન થયું છે.
ભરૂચ જિલ્લામાં પૂરની પરિસ્થિતિ કેટલી હદે ગંભીર બની છે કે અંકલેશ્વર તાલુકાના એક ગામમાં દીવા રોડ સ્થિત એક તબેલામાં ખૂંટે બાંધેલાં 60 દુધાળા પશુઓના મોત નિપજતા પશુ પાલકને 70 લાખનું નુકસાન થયું છે.
સરદાર સરોવર નર્મદા ડૅમમાંથી 18 લાખથી વધુ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડી મૂકવામાં આવતા નદીમાં ભારે પૂર આવ્યું હતું જેને પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નદીના સપાટી 41.50 ફૂટ વટાવતા અંકલેશ્વર તાલુકાનાં મોટા ભાગનાં ગામોમાં પૂરનાં પાણી ફરી વળ્યાં હતાં.
રાતના સમયે એકાએક આવી ગયેલા પૂરનાં પાણીને પગલે લોકોને પોતાની ઘરવખરી કે પશુઓને સ્થળાંતર કરવાનો પણ સમય મળ્યો ન હતો.
ત્યારે અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ સંદીપ પટેલના બે તબેલામાં પૂરના પાણી ઘૂસી જતાં પશુપાલક પશુઓને બચાવે તે પહેલાં સમગ્ર તબેલો ગળાડૂબ પાણીમાં તબદીલ થઈ ગયો હતો.
જોકે પશુપાલકનું તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જ્યારે તબેલામાં પાણી ફરી વળતાં જ બાંધેલા ખૂંટે દુધાળા પશુઓ અને ગાય તેમજ વાછરડા મળી કુલ 60 થી વધુ પશુઓ બેમાંથી એક તબેલામાં રહેલાં પશુઓનાં કરૂણ મોત નિપજ્યાં હતાં.

હવે ભરૂચમાં કેવી છે પરિસ્થિતિ?

ભરૂચ અને અંકલેશ્વરમાં પાણી ઓસરવાનું ચાલુ થયું છે પરંતુ હજી પણ ઘણા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયેલાં છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે ત્યાંના શહેરી વિસ્તારોમાં 58 જેટલી સોસાયટીઓમાં 8 હજારથી વધુ લોકો હજુ પણ સૌથી વધુ અસરગ્રસ્ત છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લગભગ 55થી વધુ ગામડાંઓમાં પૂરની અસર થઈ છે.
નર્મદામાં પાણીની સપાટી ધીમે ધીમે ઘટી રહી છે પરંતુ ગોલ્ડન બ્રિજ નીચે નદી 40.47 ફૂટની સપાટીએ વહી રહી છે જે સામાન્ય સપાટી કરતાં 16.47 ફૂટ વધારે છે.
રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલના જણાવ્યા અનુસાર આઠ જિલ્લાઓમાં 12500થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. જ્યારે વિવિધ જગ્યાએ ફસાયેલા 617 લોકોને રૅસ્ક્યૂ કરવામાં આવ્યા છે.

'મારાં 60 પશુઓ મરી ગયાં'
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અસરગ્રસ્ત ખેડૂત સંદીપ પટેલ બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, "હું ખેડૂત અને પશુપાલક છું. મારું ગુજરાન એના પર ચાલતું હતું. મારો તબેલો હતો."
"એમાં 170 ગાય-ભેંસ-વાછરડાં હતાં. તેમાંથી 60 ભેંસો મરી ગઈ અને ચાર ગાયો પણ મરી ગઈ છે. અમે તેમને છોડ્યા છતાં પાણીનો પ્રવાહ એટલો હતો કે એ તણાઈ ગઈ. સરકારે આગોતરી જાણ કરી હતી કાંઠાવિસ્તારને ખાલી કરવા પણ અચાનક પાણીનો પ્રવાહ એટલો બધો હતો કે ભેંસો તણાઈ ગઈ. બધે પાણી જ પાણી છે. મારે 70 લાખનું નુકસાન ગયું છે. સરકાર જો મદદ કરે તો સારું. ખેતાવાડીમાં પણ નુકસાન ગયું છે. તુવેર-કપાસ બધું ખતમ થઈ ગયું. શાકભાજી કરનારને પણ નુકસાન ગયું છે."
ગામના રહીશ નીમીષાબેન જણાવે છે, "ઘરમાં ઘણું નુકસાન થયું. ફર્નિચરની વસ્તુઓ અને અનાજ ખરાબ થઈ ગયું. એમણે અમને પહેલા જાણ ન કરી અને પછી બધા અમને ખસેડવા આવી ગયા. બધું ખરાબ થઈ ગયું. કંઈ જ બાકી નથી રહ્યું. સરકારે કોઈ મદદ નથી કરી."
વિનાશનાં આ દૃશ્યો પરથી કલ્પના કરી શકાય છે કે પૂર કેટલું ભયાનક હશે. અંકલેશ્વર તાલુકામાં આવેલું બોરભાઠા ગામ નર્મદાના પાણીમાં તબાહ થઈ ગયું. ગામના લોકો ત્રણ દિવસ સુધી અહીંતહીં આશરો લેતા ફરતા હતા. જ્યાં જગ્યા મળી ત્યાં લોકોએ આશરો લીધો.
પાલીબેન પણ આ જ ગામનાં રહેવાસી છે. તેઓ પરિસ્થિતિ વર્ણવતાં કહે છે, "બહુ ખરાબ પરિસ્થિતિ છે. ઘરમાં ઓઢવા-પાથરવાનું પણ કંઈ નથી રહ્યું. અનાજ બધું ખરાબ થઈ ગયું. અમને જરા વહેલા જાણકારી આપવી જોઈએ કે નદી કિનારાવાળા ચેતવીને રહે. સરકાર નુકસાની સામે વળતર આપે."

પ્રશાસનની તૈયારી કેવી હતી?

ઇમેજ સ્રોત, SAJID PATEL
પ્રશાસનની કામગીરી પર સવાલ ઉઠાવતા એક અન્ય રહીશ રહેમાનભાઈ કહે છે કે પાણી આવવા વિશેની આગોતરી જાણ થઈ હોત તો ઘણું નુકસાન ટળી શક્યું હોત.
તેઓ કહે છે, "અચાનક પાણી આવી જાય તો લોકો પશુને સાચવે કે ઘર સાચવે? તમે ફળિયે ફળિયે જાવ તો ખબર પડે કેવું નુકસાન થયું. જો ડૅમનું પાણી છોડી રહ્યા હતા તો બે દિવસ પહેલાં કહેવાનું હતું."
"અચાનક પાણી આવી જાય તો લોકો શું કરે? પહેલા કહ્યું હોત તો અનાજ સુરક્ષિત સ્થળે મૂકી દીધું હોત. અમને પૂરતો સમય ન આપ્યો. લાઇટો પણ નથી. થાંભલા તૂટી ગયા છે. તંત્રની મદદ મળશે પણ હાલ તેઓ પણ અહીં નહીં આવી શકે. સરકાર મદદ આપશે પણ વાર લાગશે."
અત્રે ઉલ્લેખનીય છે કે, રવિવારે મીડિયા સાથેની વાતચીતમાં ભરુચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ કહ્યું હતું કે, "16 તારીખે નર્મદા નદીનું ગોલ્ડન બ્રિજ પાસેનું લેવલ 5 ફૂટનું હતું જે આજે 35 ફૂટ છે. તંત્રએ 40 ફૂટ જળસ્તરની તૈયારી કરી છે. જે ગામો વિસ્તારો 40 ફૂટના લેવલથી અસરગ્રસ્ત બની શકે તે ગામોમાં સ્થળાંતરની વ્યવસ્થાઓ કરેલી છે. 2 હજારથી વધુ લોકો અને 400-500 પશુઓનું સ્થળાંતર કરાયું છે. તમામ સુવિધાઓ કરવામાં આવી છે. હજી પણ પાંચ ફૂટ લેવલ વધે તો પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે."

'ગામોને ચેતવણી અપાઈ હતી'

ઇમેજ સ્રોત, SAJID PATEL
જોકે, જૂના બોરભાઠાની મહિલાઓ પણ તેમના ઘરમાં થયેલા નુકસાનથી દુ:ખી છે.
જશુબેન તેમની વ્યથા જણાવતા કહે છે,"પાણી આવી ગયું એટલે વાસણ-કપડાં-અનાજ અને વસ્તુઓ ખરાબ થઈ ગઈ. બધું ફેંકી દેવું પડ્યું. બારણા સુધી પાણી આવ્યું ત્યારે ખબર પડી અને પોલીસ આવીને કહ્યું કે તમે અહીંથી નીકળી જાવ. તેમણે અમને અહીંથી ખસેડી દીધા. અમને કોઈ મદદ નથી મળી. અમારા ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ પણ પાણીમાં જતું રહ્યું."
જ્યારે લક્ષ્મીબેન ઉમેરે છે, "તેલના ડબ્બા અને અનાજ તણાઈ ગયું. ઘરમાં બારણા સુધી પાણી આવી ગયું ત્યારે એ લોકો જાણ કરવા આવ્યા તો પછી કેવી રીતે બધું સરખું મૂકીએ? સરકાર અમને નુકસાની આપે. અમારા ઢોરનો ચારો પણ ખેંચાઈ ગયો છે.”
જોકે, બીબીસીએ ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા સાથે પણ વાતચીત કરીને સ્થિતિ વિશે વધુ જાણવાની કોશિશ કરી.
કલેક્ટર તુષાર સુમેરાએ બીબીસીને જણાવ્યું કે, "ગામોને ચેતવણી અપાઈ હતી. આ ગામને પણ ચેતવણી અપાઈ હતી. અને મદદ પણ તંત્ર દ્વારા પહોંચાડવામાં આવી છે. વધુ રાહત કામગીરી પણ ચાલુ છે."

'રોગચાળો ફાટવાનો ડર'

ઇમેજ સ્રોત, SAJID PATEL
ગામવાસી પ્રેમાભાઈનું કહેવું છે કે બધું અચાનક થયું એટલે કંઈ વ્યવસ્થા કરવાનો સમય જ ન મળ્યો. તેઓ કહે છે કે, "પાણી એટલું અચાનક આવ્યું કે ઘર સાફ થઈ ગયું. આવું પહેલી વાર થયું કે અચાનક આટલું બધુ પાણી આવ્યું. સરકાર અમને મદદ કરે એવી માગણી છે. નહીં તો જીવવું મુશ્કેલ થઈ જશે."
ગામમાં આંગણવાણી કેન્દ્રમાં પાણી ઘૂસી ગયાં છે. કાચાં મકાનોને નુકસાન થયું છે. પશુઓ અને વાહનોને પણ નુકસાન થયું છે. લોકોના ઘરમાં રહેલી ઘરવખરી અને ઉપકરણો પણ ખરાબ થઈ ગયાં. બાળકોના સ્કૂલના પુસ્તકો પણ એમાં ખરાબ થઈ ગયા.
ગામના જ એક રહીશ મદદની અપીલ કરતા કહે છે, "અહીં રોગચાળો ફાટશે તો અમારું શું થશે? લોકો પાસે પાણી પીવાનો ગ્લાસ પણ નથી રહ્યો. સરકારે હજું કંઈ કર્યું નથી. રસ્તામાં ડીડીટી પાઉડર પણ નથી છંટાયો. અહીં કોઈ તપાસ કરવા જ નથી આવ્યું."
"અમારૂં માત્ર ગામ ખાલી કરાવ્યું અને કહ્યું હતું કે પાણી આવી રહ્યું છે. હાલ કોઈક ફૂડ પૅકેટ આવ્યા છે પણ તે કેટલાકને મળ્યા કેટલાને નહીં એ નથી ખબર. જનરેટર ચાલુ કરી પાણી અને ખાવાની વ્યવસ્થા કરી છે. પોલીસ લાવીને ખાલી કર્યું. કોઈ નેતા પણ ફરક્યા નથી."
દરમિયાન, કેટલીક સ્વયંસેવી સંસ્થાઓએ તેમને પાણી અને ભોજન આપ્યા ત્યારે તેમની આંતરડીને ટાઢક વળી છે.
બોરભાઠા ગામની વસ્તી 1800ની છે. ગામમાં જે કાચાં મકાનો હતાં તે ક્યાં તો નષ્ટ થયાં તો કેટલાંકને ભારે નુકસાન થયું છે. પૂરમાં કોઈ જાનહાની નથી થઈ પરંતુ ગામનાં ઘણાં ઢોરને નથી બચાવી શકાયાં.















