ભયંકર વાવાઝોડા સામે ટક્કર ઝીલી શકે એવું ગામ, 240ની ગતિએ પવન ફૂંકાય તો પણ ચિંતા નહીં!

ગામની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બેબકોક રેન્ચ ગામની તસવીર
    • લેેખક, લૂસી શેરિફ
    • પદ, બીબીસી ફ્યૂચર

ફ્લોરિડાના દક્ષિણ-પશ્ચિમ દરિયાકાંઠે જ્યારે ઇયાન વાવાઝોડું ત્રાટક્યું ત્યારે 241 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયા અને 24 કલાકમાં 43 સેન્ટિમિટરનો વરસાદ પડ્યો. તથા 18 ફૂટનું તોફાન સર્જાયું હતું.

ફ્લોરિડાના ઇતિહાસનું આ સૌથી વધુ આર્થિક નુકસાન કરનારું વાવાઝોડું પુરવાર થયું. જેમાં 150 લોકોનાં મોત અને 112 બિલિયન અમેરિકી ડૉલર્સનું આર્થિક નુકસાન થયું.

પરંતુ એક ગામ એવું નીકળ્યું જે તોફાનમાં અડીખમ રહ્યું. આવું કઈ રીતે થયું?

ખરેખર વર્ષ 2022માં 28મી સપ્ટેમ્બરે ફ્લોરિડામાં કૅટેગરી 4નું તોફાન આવ્યું હતું. રાજ્યમાં 40 લાખથી વધુ લોકો અંધારપટમાં આવી ગયા હતા અને વાવાઝોડાથી ભયંકર પૂર સર્જાયું હતું.

જોકે, અમેરિકામાં ઑગસ્ટના અંતમાં ઇદલિયા વાવાઝોડું પસાર થવાનું હતું ત્યારે તે તેના સીધા માર્ગમાં નહોતું અને આ વર્ષે આ ગામે તેની ક્ષમતા પુરવાર કરવાની હતી.

વર્ષ 2023ની વાવાઝોડાની સિઝન વધુ વિનાશક રહેવાની શક્યતા વર્તાઈ છે. જે 2022 કરતા પણ વધુ શક્તિશાળી વાવાઝોડાં લાવશે.

અમેરિકાની સંસ્થા યુએસ નેશનલ ઓશેનિક ઍન્ડ ઍટમોસફેરિક એડમિનિસ્ટ્રેશને આ વર્ષની સિઝન સામાન્ય કરતાં વધુ તીવ્ર ભાખી છે. જેમાં 5 શક્તિશાળી વાવાઝોડાંની શક્યતા છે અને તે 111 માઇલ પ્રતિ કલાકની ઝડપના પવનો સાથે આવવાની આગાહી છે.

ફ્લોરિડાની ભૂગોળ એવી છે કે તેનો વિસ્તાર મેદાની છે એટલે કે અમેરિકામાં અન્ય રાજ્યો કરતાં અહીં પૂરની તીવ્રતા વધુ રહેવાની શક્યતા છે.

જોકે આમ છતાં ફ્લોરિડામાં માત્ર 18 ટકા ઘરોનો જ વીમો છે. અહીં વસ્તીવધારો પણ અતિશય થયો છે. આવતાં 50 વર્ષમાં ફ્લોરિડાની વસ્તી વધવાની આગાહી છે અને તેમાં વધુ 1.2 કરોડ લોકો ઉમેરાશે આવો અંદાજ આંકવામાં આવ્યો છે. જેથી વસ્તીગીચતા 18 ટકાથી 28 ટકાની થઈ જશે.

આને કારણે ફ્લોરિડામાં એવી વસાહતો તૈયાર કરવી જરૂરી છે જે ક્લાઇમેટ ચેન્જ સામે ટકી શકે.

અહીં વાવાઝોડાની લાંબી 6 મહિનાની સિઝન છે. બેબકોક રેન્ચ આવી પરિસ્થિતિમાં ટકી શકે એ રીતે તૈયાર કરાયું છે. આશા છે કે તે આ હેતુ પાર પાડી શકશે.

ગ્રે લાઇન

વાવાઝોડામાં પણ ટકી શકે એવું ગામ કઈ રીતે તૈયાર કર્યું?

ફ્લોરિડા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફ્લોરિડાના અન્ય ભાગોમાં થયેલું નુકસાન. પરંતુ બેબકોકમાં વધુ નુકસાન ન થયું
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઇયાન વાવાઝોડું ફ્લોરિડામાં ત્રાટકે એના 5 દિવસો પહેલાં કિટસને તેમની એન્જિનિયર, કૉન્ટ્રાક્ટરોની ટીમ સાથે પ્રયાસ કર્યો કે ગામની સુરક્ષા નક્કી કરી લેવામાં આવે. તેમણે વધારાનો ખર્ચ કરીને માળખાં તૈયાર કર્યાં.

તેમણે કહ્યું, “મેં પર્યાવરણ અને હોનારતોનો સામનો કરી શકે એવા ધારાધોરણો અનુસાર યોજના બનાવી અને આ સમસ્યા સામે ટકી રહેવાય એ જ અમારો મુખ્ય હેતુ હતો.”

અસલમાં બેબકોક એક ખેતર હતું. જ્યાં તેમણે પોતાની યોજનાને આકાર આપ્યો હતો. ખેતર 2018માં ખુલ્લુ મુકાયું હતું અને તે મેનહટ્ટન ટાપુ કરતા 5 ગણું છે. તેમાં લીલુંછમ ઘાસ, ગોલ્ફકોર્સ, જંગલનો પટ્ટો અને સાઇકલનો માર્ગ પણ છે.

રહેવાસીઓ સૌરઊર્જાથી ચાલતા ગોલ્ફકાર્ટ્સ એટલે કે નાની બગીમાં આંટા મારતા, તળાવમાં કાયાકિંગ એટલે કે બોટ ચલાવતા, પક્ષીદર્શન કરતા અને સામુદાયિક પૂલમાં તરણ માટે ભેગા પણ થતા.

આ માત્ર સુંદરતા માટે તૈયાર નહોતું કરાયું. ખરેખર તળાવ એટલું મોટું હતું કે પૂર સમયે ઘરોને બચાવી શકે, વધુ પડતા વરસાદના પાણીને શોષી લેતા રોડ-રસ્તાઓ, સામુદાયિક ખંડ તોફાનના સમયે આશ્રયઘર બની શકે એવી વ્યવસ્થા કરાઈ હતી.

તથા વીજપુરવઠો ખોરવાય તો 870 એકરમાં ફેલાયેલી સોલર પૅનલથી આખા ગામને વીજળી પૂરી પાડી શકાય એવી ગોઠવણ હતી. આ અમેરિકાનું પહેલું સૌરઊર્જા સંચાલિત ગામ બન્યું.

કિટસન કહે છે, “ઇયાન વાવાઝોડું પહેલી પરીક્ષા હતી. આશા હતી કે બધું હેમખેમ પાર પડે પરંતુ તમે કંઈ કહી ન શકો જ્ચાં સુધી પરિણામ નજર સામે જોવા ન મળે. અમે વિચાર્યું હતું કે જો આ પરીક્ષામાં પાસ થઈશું તો આ એક ઉત્તમ ઉદાહરણ બની જશે.”

બન્યું પણ એવું જ. વાવાઝોડા પછી ગામના એક પણ ઘરમાં અંધારપટ નહોતો, ઇન્ટરનેટ અને પીવાના પાણીનો સપ્લાય ચાલુ હતો. એટલું જ નહીં પણ આજુબાજુનાં ગામોના રહીશોએ પણ અહીં આવીને શરણું લીધું હતું. બીજા દિવસે કિટસન જ્યારે ગામનું નિરીક્ષણ કરવા ગયા તો તેમણે જોયું કે ગામમાં કંઈ જ નથી થયું અને માત્ર કેટલાંક વૃક્ષો પડી ગયાં છે.

તેમણે જણાવ્યું, “ખૂબ જ નજીવું નુકસાન થયું હતું. અમે જે ખર્ચ કર્યો હતો એણે બિલિયન ડૉલર્સના નુકસાનથી બચાવ્યા. મારા માટે આ ખૂબ જ ભાવુક ક્ષણો હતી.”

ગ્રે લાઇન

વર્ષોનું પ્લાનિંગ રંગ લાવ્યું

મહિલા
ઇમેજ કૅપ્શન, રેની સ્મિથ અને તેમના લકવા અને કૅન્સરગ્રસ્ત પતિ ક્રિસ્ટોફર માટે ઇયાન વાવાઝોડું ત્રાટક્યું તે સમયે ફ્લોરિડાના તેમના ઘરેથી અન્ય સ્થળે જતાં રહેવું એ વિકલ્પ નહોતો

બેબકોક ગામને તૈયાર કરવા માટે વર્ષો લાગ્યાં છે. તેની ડિઝાઈન ખૂબ જ રચનાત્મક તૈયાર કરાઈ હતી. કિટસનની ટીમ 1940ની સાલના નકશા પણ ફેંદી વળી હતી. જમીન પર પાણીનો પ્રવાહ કઈ રીતે કઈ દિશામાં રહે છે તેનું તેમણે સંસોધન કર્યું. જોકે આ પ્રવાહને બદલવામાં આવ્યા હતા. જરૂરિયાતો અનુસાર પ્રવાહ ફંટાવવામાં આવ્યો હતો.

કિટસન ઉમેરે છે, “મેં ટીમને કહ્યું કે આ બધું ભૂલી જાવ. પ્રકૃતિ એનો રસ્તો કરી જ લે છે. એટલે જ્યાં કુદરતી પ્રવાહ છે એ માર્ગો ખુલ્લા રાખવા પડશે. અમે એમ જ કર્યું.”

આનો અર્થ એ હતો કે ગામની એ જમીન જે પાણીને શોષી લે અને વરસાદી પાણીને જાળવી શકે એનું સંવર્ધન કરવું. ભારે વરસાદના સમયે અહીં આવતું પાણી નીચે વહેતું અને નદીમાં જતું રહે જેથી પૂર ન સર્જાય.

ફ્લોરિડાની યુનિવર્સિટીના સંસોધક જેન્નિસન કીપ પણ આ કામથી ઘણા ખુશ હતા, કેમ કે ક્લાઇમેટ ચેન્જ સામે ટકી શકે એવું કંઈક તૈયાર કરવાનું આ કામ હતું. વાવાઝોડામાં પણ ગામ ટકી ગયું એ જાણી તેઓ ઘણા ખુશ હતા.

ગ્રે લાઇન

ગામનું લૉકેશન બન્યું મદદરૂપ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

કિટસનની ટીમે ગામનું લૉકેશન પણ ધ્યાને લીધું હતું. બેબકોક રૅન્ચ હાઈવેની બાજુમાં છે અને ટાપુથી 45 મિનિટનું અંતર છે. આમ બાકીની આજુબાજુની જમીન ઉપયોગી બની.

ગામને દરિયાની સપાટીથી 30 ફૂટની ઊંચાઈ પર બાંધવામાં આવ્યું હતું. જેથી આજુબાજુ પૂરતા પ્રમાણમાં જમીન હોય અને વરસાદનું પાણી એ રીતે ગામની આજુબાજુ નીચે વહી જાય અને વાવાઝોડાના સમયે આ જમીન એક બફર સિસ્ટમ તરીકે ઉપયોગી રહે.

કિપ કહે છે કે ગત વર્ષે વ્હાઇટ હાઉસે એક અંદાજ મૂક્યો હતો કે અમેરિકી સરકારને સદીના અંત સુધીમાં ક્લાઇમેટ ચેન્જના લીધે પ્રતિ વર્ષ 2 ટ્રિલિયન ડૉલરનું નુકસાન થઈ શકે છે.

ગ્રે લાઇન

ક્લાઇમેટ ચેન્જ સામે લડનારાં ગામો બનાવવાનો ટ્રૅન્ડ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ગામમાં પહેલા રહેવાસી 5 વર્ષ પહેલાં રહેવા આવ્યા હતા. તેઓ આ ગામની યોજનાથી આકર્ષિત હતા. તેમણે 2018માં મિલકત ખરીદી હતી.

રિચાર્ડ કિનલે એટલાન્ટા, જ્યૉર્જિયાથી અહીં આવ્યા હતા. તેઓ કહે છે, “હોનારતો સામે ટકી શકે એવા ગામની વાત મને આકર્ષી. અમે પહેલા હતા જે અહીં આવ્યા. અમે કરેલું રોકાણ સફળ રહ્યું. અમારી પાસે બધી જ સુવિધા છે. આ ગામ એક બ્લ્યૂપ્રિન્ટ બની ગયું છે. જે ક્લાઇમેટ ચેન્જની સમસ્યા સામે પ્રતિરોધક ક્ષમતા ધરાવે છે.”

અમેરિકામાં ક્લાઇમેટ ચેન્જથી સર્જાનારી આફતો સામે ટકી શકે એવાં ગામો તૈયાર કરવાનો ટ્રેન્ડ ઊભરી રહ્યો છે.

ઉટાહમાં એક એવું ગામ તૈયાર કરાયું છે જે દુષ્કાળમાં ટકી શકે. દક્ષિણ કૅલિફોર્નિયામાં દાવાનળ સામે ટકી શકે એવી વસાહત, લૂસિયાનામાં આખુંય ગામ બાજુની જમીન પર સ્થળાંતર થઈ ગયું, જેથી વધતી દરિયાઈ સપાટીની અસર તેમને ન થાય. ફ્લોરિડામાં એક દરિયાકાંઠેનું શહેર વધતી દરિયાઈ સપાટી સામે ટકી શકે એવી યોજના તૈયાર કરી રહ્યું છે.

બેબકોકની વાત લઈએ તો તેમનો 74.5 મેગાવોટ સોલર પ્લાન્ટ આશીર્વાદ પુરવાર થયો. તેના બેટરી બૅકઅપ સિસ્ટમે વીજપુરવઠો જાળવી રાખ્યો.

કિનલે વાવાઝોડા સમયની ક્ષણો વર્ણવતા કહે છે, “એ ખૂબ જ વિચિત્ર હતું કે એક તરફ ઝડપી પવનો છે, તોફાન છે, વરસાદ વરસે છે અને બીજી બાજુ તમે ઘરમાં ટીવી જોઈ રહ્યા છો અને લાઈટો પણ ચાલુ છે. કેમ કે આવા સમયે અંધકાર હોય છે પણ આ વખતે નહોતો.”

બિલ્ડરોએ પાવર સપ્લાયની લાઇન અન્ડરગ્રાઉન્ડ રાખી હતી અને પોતાનો વોટર પ્લાન્ટ બનાવ્યો હતો. જેથી પીવાનું સ્વચ્છ પાણી મળી રહે. કેમ કે જો પાણીની સામાન્ય લાઇન પ્રદૂષિત થાય તો પુરવઠો ખોરવાતો હોય છે.

કિટસન કહે છે કે અમેરિકા સરકાર ગ્રામીણ અમેરિકામાં અને દરિયાકાંઠાના વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ અપગ્રેડ કરવા માટે ભંડોળ ફાળવીને કામ કરી રહી છે. જેમાં વેર્માઉન્ટમાં પૂર સંકોચી લેતાં મેદાનોને ફરી તૈયાર કરવાની યોજના પણ સામેલ છે તથા ટેક્સાસમાં કૉંક્રિટના દરવાજા તૈયાર થઈ રહ્યા છે.

ક્લાઇમેટ ચેન્જ સામે જે સમુદાયો લડી નથી શકતા અને જેમના પર વધુ જોખમ છે તેમના માટે કંઈક કરવું જરૂરી છે.

તેઓ વધુમાં કહે છે, “સમાજમાં વિભાજન છે. એક વર્ગ પાસે ક્લાઇમેટ ચેન્જની અસર સામે લડવાનાં સંસાધનો છે, જ્યારે બીજા વર્ગ પાસે નથી. આપણે એવો વિકાસ કરવો પડશે કે તમામ સમુદાયોને રક્ષણ મળી રહે.”

ગ્રે લાઇન

આવા ગામમાં ઘર લેવું સસ્તું કે મોંઘું?

પ્રતીકાત્મક તસવીર

મિયામીની એક એનજીઓ ક્લિયો ઇન્સ્ટિટ્યૂટના વરિષ્ઠ ડાયરેક્ટર જોઆન પેરોડિન કહે છે, “રિન્યૂએબલ ઍનર્જી, હરિયાળી અને આધુનિક ઇન્ફ્ર્રાસ્ટ્રક્ચર કઈ રીતે ઉપયોગી થઈ શકે તેનું આ ઉદાહરણ છે. પરંતુ આ ઘટનાથી એક એ બાબત પણ સામે આવી છે કે એક વર્ગ છે જેને આ પરવડી નથી શકતું. આવી વસાહતો સસ્તી હોવી જોઈએ. દરેક લઈ શકે એવું હોવું જોઈએ. તમામ માટે આવી જ વ્યવસ્થાઓ હોવી જોઈએ.”

જોકે કિટસન તેમની વાત સાથે સંમત નથી અને કહે છે કે તેમના ગામમાં ઘરો ઘણાં સસ્તાં છે. તેની રૅન્જ 2 લાખ ડૉલર સુધીની છે. તેઓ કહે છે કે ગ્રાહક પાસે વિવિધ કિંમતોના ઘરના વિકલ્પ હોવા જોઈએ.

છતાં પેરોડિન કહે છે, “આવાં ઘરો કેટલી કિંમત કે ભાડામાં મળી રહેશે એ બાબત મહત્ત્વની રહેશે. નહીં તો ત્યાં ફુગાવો પણ ખૂબ વધી જશે.”

રેડ લાઇન
રેડ લાઇન