ગાર-માટીથી બનેલાં આ ટકાઉ શહેરોની શું છે ખાસિયતો?

ઇમેજ સ્રોત, Alamy
- લેેખક, ઈસાબેલ ગેરેત્સેન
- પદ, બીબીસી ફ્યૂચર પ્લૅનેટ
ગાર-માટી વડે બનાવવામાં આવેલી ઇમારતો આપણને ઉનાળામાં ઠંડક અને શિયાળામાં હૂંફ આપે છે, તેમજ વિષમ હવામાન સામે ઝીંક ઝીલવામાં મદદરૂપ થાય છે.
વધારે ટકાઉ ઇમારતો શોધી રહેલા આર્કિટેક્ટ ભવનનિર્માણની આ સદીઓ જૂની અને મહત્ત્વહીન ગણવામાં આવેલી સામગ્રીને ફરી અપનાવી રહ્યા છે.
યમનના પ્રાચીન કોટવાળા શહેર સનામાં ગાર-માટીમાંથી બનાવવામાં આવેલી ઇમારતો આસમાનને સ્પર્શી રહી છે. આ ગગનચૂંબી ઇમારતો સંપૂર્ણપણે માટીમાંથી બનાવવામાં આવી હતી અને તેને આકર્ષક ભૌમિતિક પૅટર્ન વડે શણગારવામાં આવી છે.
માટીની આ ઇમારતોનો રંગ નજીકના ઓકર કલરના પર્વતોમાં આસાનીથી ભળી જાય છે.
સનાનું માટીનું સ્થાપત્ય એટલું અનોખું છે કે આ શહેરને સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનો) દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો છે.
સનામાંની આ ઇમારતોનું વર્ણન કરતાં યુનોએ લખ્યું છે કે, "ઇસ્લામનાં પ્રારંભિક વર્ષોની લાક્ષણિકતાઓને પ્રતિબિંબિત કરતી આ ઇમારતો સમાનધર્મી સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ છે. તેના લૅન્ડસ્કેપમાંનું શહેર અસાધારણ રીતે કળાત્મક અને ચિત્રાત્મક ગુણવત્તા ધરાવે છે. આ ઇમારતોના નિર્માણમાં સ્થાનિક સામગ્રી તથા ટેકનિકોનો ઉપયોગ અસાધારણ કૌશલ્ય દર્શાવે છે."
યમનના દવાં મડ બ્રિક આર્કિટેક્ટર ફાઉન્ડેશનના સહ-સ્થાપક અને ધ આર્કિટેક્ચર ઑફ યમન ઍન્ડ ઇટ્સ રિકન્સ્ટ્રક્શન નામના પુસ્તકનાં લેખક સલમા સમર દામલુજી કહે છે કે, "સનામાંની ઇમારતો હજારો વર્ષ પુરાણી હોવા છતાં અત્યંત સમકાલીન બની રહી છે."
પુરાણી ઇમારતોમાં આજે પણ લોકો રહે છે અને એ પૈકીની મોટા ભાગનીમાં ખાનગી રહેઠાણો છે. દામલુજીના જણાવ્યા મુજબ, માટીની આ ઇમારતો સતત આકર્ષક બની રહી છે તેનું કારણ એ છે કે તે સારી રીતે ઇન્સ્યુલેટેડ છે. ટકાઉ છે અને આધુનિક ઉપયોગ માટે તૈયાર છે. તે ભવિષ્યનું સ્થાપત્ય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિશ્વભરના આર્કિટેક્ટ્સ ફરીથી માટી-રેતી વડે ભવનનિર્માણ ભણી વળી રહ્યા છે, કારણ કે તેઓ પૂર તથા તીવ્ર ગરમી જેવી હવામાનની વિષમ પરિસ્થિતિનો સામનો કરી શકે તેવી ટકાઉ ઇમારતોનું નિર્માણ કરવા ઇચ્છે છે.
આપણાં ભાવિ ઘરો અને શહેરોની ડિઝાઈન પર સ્થાપત્યની જૂની શૈલીનો પ્રભાવ હવે જોવા મળશે? પ્રતિકૂળ આબોહવાની પરિસ્થિતિ સામે આ પુરાતન ટેકનિક મહત્ત્વનું નિરાકરણ પુરવાર થશે?

ગાર-માટીમાંથી બનેલ ઇમારતો કેમ છે ખાસ?

- યમનના પ્રાચીન કોટવાળા શહેર સનામાં ગાર-માટીમાંથી બનાવવામાં આવેલી ઇમારતો આસમાનને સ્પર્શી રહી છે
- વિશ્વભરના આર્કિટેક્ટ્સ ફરીથી માટી-રેતી વડે ભવનનિર્માણ ભણી વળી રહ્યા છે
- કારણ કે તેઓ પૂર તથા તીવ્ર ગરમી જેવી હવામાનની વિષમ પરિસ્થિતિનો સામનો કરી શકે તેવી ટકાઉ ઇમારતોનું નિર્માણ કરવા ઇચ્છે છે
- વૈશ્વિક કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જનમાં બાંધકામ ઉદ્યોગનો હિસ્સો 38 ટકા છે
- નિષ્ણાત માને છે કે માટી કૉંક્રિટનો ટકાઉ પર્ફેક્ટ વિકલ્પ બની શકે છે, માટી-કાદવ વડે બાંધકામ કરવાથી તેની પર્યાવરણ પર બહુ ઓછી અસર થાય છે

કન્સ્ટ્રક્શનથી આબોહવાને નુકસાન
વૈશ્વિક કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જનમાં બાંધકામ ઉદ્યોગનો હિસ્સો 38 ટકા છે.
વિશ્વને 2050 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જનના સ્તરે પહોંચાડવાનો લક્ષ્યાંક હાંસલ કરવો હશે અને વૈશ્વિક ઉષ્ણતામાન દોઢ ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટાડવું હશે તો બાંધકામ ક્ષેત્રે નિર્ણાયક ભૂમિકા ભજવવી પડશે.
વિજ્ઞાનીઓ ચેતવણી આપે છે કે આબોહવા સંબંધી લક્ષ્યાંકને હાંસલ કરવા માટે કૉંક્રિટને બદલે ઓછી પ્રદૂષણકર્તા સામગ્રીનો ઉપયોગ કરવો બહુ જરૂરી છે.
આધુનિક બાંધકામ ઉદ્યોગમાં અત્યંત મહત્ત્વની ગણાતી કૉંક્રિટની કાર્બન ફૂટપ્રિન્ટ બહુ મોટી છે.
વૈશ્વિક કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જનમાં કૉંક્રિટનો હિસ્સો લગભગ સાત ટકા છે, જે ઉડ્ડયન ઉદ્યોગના અઢી ટકાના પ્રમાણ કરતાં પણ વધારે છે. સિમેન્ટ બાંધકામમાં કૉંક્રિટ સાથેનું મુખ્ય ઘટક છે અને વિશ્વભરમાં દર વર્ષે ચાર અબજ ટન સિમેન્ટનું ઉત્પાદન કરવામાં આવે છે.
દામલુજી કહે છે કે, "આપણે આ કૉંક્રિટના જંગલમાં હવે રહી શકીએ નહીં. આપણે પર્યાવરણ તથા જૈવવિવિધતાને ધ્યાનમાં લેવાં પડશે. આપણે એ બધાને ભૂલીને બાંધકામ ચાલુ રાખી શકીએ નહીં."
દામલુજી માને છે કે માટી કૉંક્રિટનો ટકાઉ પર્ફેક્ટ વિકલ્પ બની શકે છે. માટી-કાદવ વડે બાંધકામ કરવાથી તેની પર્યાવરણ પર બહુ ઓછી અસર થાય છે અને તે સામગ્રી સંપૂર્ણપણે રિસાઇકલ કરી શકાય છે.

પ્રાચીન પરંપરાનો પુનરુદ્ધાર

ઇમેજ સ્રોત, Michele Cattani / Getty Images
જેન્ને શહેર સેન્ટ્રલ માલીના નાઇજર ડેલ્ટા પ્રદેશમાં આવેલું છે. ઈસવીસન 800માં સ્થાપવામાં આવેલું આ શહેર સહરાથી સુદાન તરફ જતા વેપારીઓ માટે મુલાકાતનું એક મહત્ત્વનું સ્થળ હતું.
જેન્ને તેના માટીના ભવ્ય સ્થાપત્ય માટે વિખ્યાત છે. ખાસ કરીને તેની ભવ્ય મસ્જિદ. આ મસ્જિદ માટી વડે બનાવવામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે.
66 ફૂટ ઊંચી આ ઇમારત 300 ફૂટના પ્લૅટફૉર્મ પર બાંધવામાં આવી છે.
લંડનની સ્કૂલ ઑફ ઑરિએન્ટલ સ્ટડિઝ ખાતે સોશિયલ ઍન્થ્રોપોલૉજીના પ્રોફેસર અને મેસન ઑફ જેન્ને નામના પુસ્તકના લેખક ટ્રેવોર માર્ચંડ જણાવે છે કે જેન્નેના રહેવાસીઓ દર વર્ષે મસ્જિદના સમારકામ તથા પુનરુદ્ધાર માટે એકઠા થાય છે. વરિષ્ઠ કુશળ કડિયાઓના મંડળની દેખરેખમાં આ કામ કરવામાં આવે છે. આ વરિષ્ઠ કડિયાઓને તેમના કૌશલ્ય તથા કુશળતા માટે માલિયન સમાજમાં ભારે આદર આપવામાં આવે છે.
માર્ચન્ડ કહે છે કે, "માસ્ટર બિલ્ડરો આ ઇમારતો અને તેમાં રહેતા લોકો માટે રક્ષણાત્મક તત્ત્વો લાવે છે. આ અલૌકિક શક્તિ બદલ તેમને બહુ આદર આપવામાં આવે છે."
ઇમારતોનો પુનરુદ્ધાર સામાજિક એકતાનું મહત્ત્વનું પ્રતીક છે, એમ જણાવતાં માર્ચન્ડ કહે છે કે, "તેમાં દરેક નાગરિક ભાગ લે છે. છોકરા-છોકરીઓ માટી તથા કાદવનો મિક્સ કરે છે, સ્ત્રીઓ પાણીની વ્યવસ્થા કરે છે, જ્યારે કુશળ કડિયાઓ સમગ્ર પ્રવૃત્તિને દોરવણી આપે છે."
જેન્નેનું મડ આર્કિટેક્ચર સતત બદલાતું રહે છે, કારણ કે અહીંના રહેવાસીઓ તેમનાં ઘરોનો વખતોવખત પુનરુદ્ધાર કરતા રહે છે.
માર્ચન્ડ કહે છે કે, "તેમાં ગતિશીલતા પણ છે. કાદવને ટીપીને આકાર આપી શકાય છે અને તે ઘરની દરેક બદલાતી જરૂરિયાતનો પ્રતિસાદ આપે છે. પરિવાર મોટો થાય તો ઇમારતમાં વધુ એક ઘર ઉમેરી શકાય છે અને પરિવાર નાનો થાય તો ઇમારત ખાલી થાય છે, સડી જાય છે અને ફરી માટીમાં ફેરવાઈ જાય છે."

ટકાઉ બાંધકામ

ઇમેજ સ્રોત, Michele Cattani / Getty Images
બાંધકામની પ્રાચીન પદ્ધતિઓ સર્બિયન ડ્રેગાના કોજીસિક જેવા આધુનિક આર્કિટેક્ટોને પ્રેરણા આપે છે.
રેતી- માટી વડે ભવનનિર્માણના નિષ્ણાત કોજીસિક કહે છે કે, "આપણા પૂર્વજો ખરેખર હોશિયાર અને વ્યવહારુ હતા. તેઓ તેમની આસપાસ જે સામગ્રી હતી તેનો ઉપયોગ કર્યો હતો. માટી બધે હતી અને તેનો ઉપયોગ દીવાલો, ફરસ, છત અને ચૂલા એમ બધા માટે તેનો ઉપયોગ કરી શકાય."
કોજીસિકે સેન્ટર ફૉર રિસર્ચ ઍન્ડ ઍપ્લિકેશન્શ ઑફ અર્થ આર્કિટેક્ચર ખાતે તાલીમ લીધી છે અને તેઓ સમગ્ર સર્બિયામાં માટીનાં મકાનોના પુનરુદ્ધારનું કામ પુરાણી ભવનનિર્માણ પદ્ધતિ વડે કરે છે.
કોજીસિક કહે છે કે, "ગારો ચેપી હોય છે. તેની સાથે પ્રથમ સ્પર્શે જ પ્રેમ થઈ જાય છે. માટી-કાદવ સાથે કામ કરતી વખતે કોઈ રક્ષણાત્મક ગ્લોવ્ઝ કે એવું કંઈ પહેરવું પડતું નથી અને માટી વડે તો તમે ઇચ્છો એ કરી શકો."
એન્ના હેરિંગર એક ઑસ્ટ્રિયન આર્કિટેક્ટ છે અને તેઓ માટી તથા વાંસ જેવી કુદરતી સામગ્રી વડે ઇમારતો બનાવે છે. કોજીસિકની વાત સાથે સહમત થતાં એન્ના કહે છે કે, "માટીને સ્પર્શવાથી અદભુત અનુભૂતિ થાય છે. તેના વડે બાંધકામ કરવા માટે બીજા કોઈ સાધનની જરૂર પડતી નથી. તમારા હાથ પૂરતા થઈ પડે."
હેરિંગર વીસેક વર્ષથી બાંધકામ માટે ગારાનો ઉપયોગ કરતાં રહ્યાં છે અને તેમણે બાંગ્લાદેશના રુદ્રપુર ખાતેની એમઈટીઆઈ હેન્ડમેઈડ સ્કૂલ સહિતની માટીની ઘણી નોંધપાત્ર ઇમારતો ડિઝાઇન કરી છે.
એમઈટીઆઈ સ્કૂલ માટે તેમને 2007નો આર્કિટેક્ચર માટેનો આગા ખાન ઍવૉર્ડ મળ્યો હતો.
તેઓ કહે છે કે, "ગારો સર્વસમાવેશક સામગ્રી છે. ગરીબો અને તવંગરો બન્ને તેના ઉપયોગ વડે નિર્માણ કરી શકે છે."
એમઈટીઆઈ હેન્ડમેઈડ સ્કૂલનું નિર્માણ માટી, સૂકાં ઘાસ અને વાંસ જેવી સંપૂર્ણપણે સ્થાનિક સામગ્રી વડે કરવામાં આવ્યું હતું. સ્થાનિક બિલ્ડરો, કારીગરો અને વિદ્યાર્થીઓની ટીમે તેનું નિર્માણ જાતે કર્યું હતું.
હેરિંગર કહે છે કે, "ગારો ટકાઉ બાંધકામનો ભાવિ ચૅમ્પિયન છે. આ એકમાત્ર એવી સામગ્રી છે, જેને આપણે ઊર્જાના કોઈ વપરાશ વિના અનેક વખત રિસાઇકલ કરી શકીએ છીએ. વાસ્તવમાં દરેક વપરાશ સાથે તે બહેતર થતી જાય છે. તે કણક જેવું છે. તમે તેને જેટલું વધારે ગૂંદો એટલો તે વધારે બદલાય છે."
અલબત્ત, બાંધકામ માટે માટીનો ઉપયોગ વિચારપૂર્વક કરવો જોઈએ. માટીનો બાંધકામમાં ઉપયોગ કરવાથી પાક ઉગાડવા માટેની જમીનની ઉપલબ્ધતામાં ઘટાડો ન થવો જોઈએ, એમ જણાવતાં માર્ચન્ડ કહે છે કે, "તે ચોક્કસ રીતે એક ઉકેલ છે, પણ મર્યાદિત પ્રમાણમાં છે."
તેઓ નોંધે છે કે 2050 સુધીમાં વૈશ્વિક વસ્તી વધીને 9.7 અબજનો આંકડો પાર કરી જવાની આશા છે. તેને લીધે જમીન પર દબાણ વધશે.

સ્વસ્થ, લવચીક ઇમારતો

ઇમેજ સ્રોત, Benjamin Staehli
આર્કિટેક્ટ્સ જણાવે છે કે ગારા-માટીની ઇમારતોનો સૌથી શ્રેષ્ઠ ગુણ એ છે કે તે શિયાળામાં હૂંફ અને ઉનાળામાં ઠંડક આપે છે.
ગારાની દીવાલોમાં થર્મલ માસ વધારે પ્રમાણમાં હોય છે. તેનો અર્થ એ થાય કે તેઓ ગરમીને ધીમે-ધીમે શોષી લે છે અને તેનો સંગ્રહ કરે છે. પરિણામે ઘર વધુ ગરમ થતું અટકે છે.
અમેરિકાનાં આર્કિટેક્ટ અને આર્કિટેક્ચરલ પ્રિઝર્વેશન સ્ટુડિયોનાં પ્રમુખ પામેલે જેરોમ કહે છે કે, "ગારાની દીવાલો દિવસ દરમિયાન સૂર્યનાં કિરણોમાંથી ગરમી એકત્ર કરે છે અને રાત્રે એ જથ્થો મુક્ત કરે છે. તેમાં તાપમાનમાં ક્યારેય વધઘટ થતી નથી. હંમેશાં આરામદાયક સ્તરે રહે છે."
આ રીતે ઍર-કન્ડિશનિંગ એકમોની જરૂરિયાત ઘટે છે. આવા એકમો મોટા પ્રમાણમાં વીજળીનો વપરાશ કરે છે અને તેમાં ગ્રીનહાઉસ ગૅસના ઉત્સર્જન માટે જોખમી ગણાતા રેફ્રિજરન્ટ્સ હોય છે.
બ્રિટનની પર્યાવરણીય ઓડિટ સમિતિએ તેના 2021ના અહેવાલમાં ઘરોના ઈન્સ્યુલેશનને સુધારવા માટે માટી, ચૂના આધારિત પ્લાસ્ટરો તથા કુદરતી રેસાઓ જેવી ટકાઉ, બાયો-બેઝ્ડ અને બ્રિધેબલ સામગ્રીના ઉપયોગની ભલામણ કરી હતી.
માર્ચન્ડ કહે છે કે, "કૉંક્રિટ કે કોરુગેટેડ મેટલ વડે બનાવવામાં આવેલી ઇમારતોની સરખામણીએ માટીની ઈંટો વડે બનાવવામાં આવેલી ઇમારતોમાં આંતરિક તાપમાન 24 કલાક એકસરખું જળવાઈ રહે છે અને તેમાં રહેતા લોકોને સર્વોત્તમ થર્મલ કમ્ફર્ટ મળતી રહે છે. વધારાનો લાભ એ છે કે ગારા-ઈંટની જાડી દીવાલો તો બાજુના ઘરમાંથી આવતા અવાજનું પ્રમાણ પણ ઘટાડે છે."
ગારાની પ્રકૃતિના અન્ય ફાયદા પણ છે. ગારો છિદ્રાળુ હોય છે અને તેથી ઘરમાં ભેજ પ્રવેશી શકે છે. પરિણામે ઘરની અંદરની હવાની ગુણવત્તા સુધરે છે.
કોજીસિક કહે છે કે, "પૃથ્વી હવામાંથી વધારાનો ભેજ શોષી લેવાની અને જરૂર પડ્યે તેમાં ઉમેરવાની ક્ષમતા ધરાવે છે. તેથી જ અમે કહીએ છીએ કે આવાં ઘર શ્વાસ લઈ શકે છે."
દામલુજી કહે છે કે, "આ સ્વસ્થ ઇમારતો છે. આપણે જે રીતે શ્વાસ લઈએ છીએ, એ જ રીતે આ ઇમારતો શ્વાસ લે છે. તેમની પાસે પણ ગરમી અને ઠંડી સાથે અનુકૂલન સાધી લે તેવી ત્વચા હોય છે. માનવ શરીરની રચનાને ધ્યાનમાં રાખીને આવી ઇમારતોનું નિર્માણ કરવામાં આવે છે."
ગાર-માટી વડે બનાવવામાં આવેલી ઇમારતો સખત ગરમી, પૂર અને દુષ્કાળ જેવી હવામાનની આત્યંતિક પરિસ્થિતિ સામે ઝીંક ઝીલી શકે તેટલી મજબૂત તથા લવચીક હોય છે.
વિજ્ઞાનીઓ કહે છે કે હવામાનમાં વ્યાપક ફેરફાર થશે અને હીટવેવ્ઝ, પૂર અને દુષ્કાળના પ્રમાણમાં વધારો થતો રહેશે. જળવાયુ પરિવર્તન વિશેની અમેરિકાના આંતરસરકારી સમિતિએ તેના આ વર્ષના અહેવાલમાં ચેતવણી આપી હતી કે શહેરો અને વસાહતો વિષમ હવામાનો સામનો કરવા તૈયાર નથી.
વ્યાપક નુકસાન ટાળવા તથા લોકોને બચાવવા માટે આબોહવાને અનુકૂળ હોય તેવી ઇમારતો તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવું જોઈએ.
દામલુજીના જણાવ્યા મુજબ, ગાર-માટીની ઇમારતો ધરતીકંપ અને વાવાઝોડાં જેવી વિષમ પરિસ્થિતિનો સામનો કરી શકે છે, કારણ કે કૉંક્રિટ અથવા સિમેન્ટથી વિપરીત, આવી ઇમારતોમાં તેની સપાટી પરના ભારને અન્યત્ર ફેલાવવાની ક્ષમતા ધરાવતી હોય છે.
જોકે, ધરતીકંપ સામે ઝીંક ઝીલવાની ગાર-માટીનાં મકાનોની ક્ષમતાનો આધાર ધરતીકંપની તીવ્રતા તથા તે મકાન જે માટીમાં બાંધવામાં આવ્યું છે તેના પર હોય છે, એમ જેરોમ જણાવે છે.
દામલુજી કહે છે કે બહારના ભાગમાં તેમજ પ્લાસ્ટરમાં રિફાઇન્ડ માટી, રાખ અને ચૂનાના રક્ષણાત્મક આવરણને લીધે ગાર-માટીની ઇમારતો ચોમાસામાં અને અચાનક પૂર આવે તો પણ સલામત રહે છે.
જેરોમના જણાવ્યા મુજબ, ગાર-માટીનાં મકાનો પર પૂરની અસરનો આધાર, તે જે જમીન પર બાંધવામાં આવ્યાં છે તેના પર અને મજબૂત પાયા પર હોય છે.
જેરોમ જણાવે છે કે 2008માં આવેલાં પૂરમાં પૂર્વ-મધ્ય યમનના હધરામૌત પ્રદેશમાંના ગાર-માટીનાં 5,000 મકાનોને નુકસાન થયું હતું. એ પૈકીનાં મોટાં ભાગનાં મકાનો પૂરના પ્રવાહના માર્ગમાં બાંધવામાં આવ્યાં હતાં અને તે પાયા વગરનાં હતાં અથવા તો તેમનો પાયો અત્યંત નબળો હતો. યમન નજીકના ડેઝર્ટ વેલી વાડી દવાનને પૂરમાં બહુ ઓછું નુકસાન થયું હતું, કારણ ત્યાં બનાવવામાં આવેલાં ગાર-માટીનાં મકાનોનો પાયો દોઢ મીટર ઊંડો હતો અને તેમાં ડ્રાય સ્ટોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેનો અર્થ એ થાય કે પાણી જમીનમાં પ્રસરી શક્યું ન હતું. ડેઝર્ટ વેલીમાંના માર્ગો બ્રેકવૉટર્સ સ્વરૂપે ડિઝાઇન કરવામાં આવ્યા હતા, જેથી પાણી સિંચાઈ ચેનલો મારફત ખજૂરના બગીચામાં પહોંચી શકે. સમગ્ર વાડી દવાનમાં 25 મકાનોને જ પૂરની અસર થઈ હતી.
આર્કિટેક્ટો કહે છે કે આધુનિક, આરામદાયક ઘરમાં રહેવા ઇચ્છતા લોકોએ ગાર-માટીના ઘરમાં રહેવા વિચારવું જોઈએ.
દામલુજી કહે છે કે, "ગાર-માટીની ઇમારતો અત્યંત અનુકૂલનશીલ હોય છે. દીવાલ પાડી નાખવી હોય અથવા ડિઝાઈનમાં ફેરફાર કરવો હોય તો અગાઉની બધી સામગ્રીને રિસાઇકલ કરી શકાય છે."
જેરોમ કહે છે કે, "એકંદરે તે અત્યંત આધુનિક અને ટકાઉ ડિઝાઇન આપે છે. ગાર-માટીનું દરેક ઘર આરામદાયક હોય છે. તેને નવો ઘાટ આપી શકાય છે અને તેમાં અગાઉની માફક ઇલેક્ટ્રિસિટીની વ્યવસ્થા અને પ્લમ્બિંગ પણ આસાનીથી કરી શકાય છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













