ફારસનું સામ્રાજ્ય : એક વખતનું સુપરપાવર ફારસનું મહાન સામ્રાજ્ય ઇતિહાસમાંથી ભૂંસાઈ કઈ રીતે ગયું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સ્પેન્સર મિઝન
- પદ, બીબીસી હિસ્ટ્રી ઍક્સ્ટ્રા
ગ્રીક લોકો દ્વારા 2000 વર્ષ પહેલાં ચલાવાયેલ અભિયાન પણ પ્રાચીન પર્સિયન સામ્રાજ્યની જોરદાર સિદ્ધિઓને ઝાંખી નથી પાડી શક્યું.
એખેમિનિડ પર્સિયા (ફારસ) અને ગ્રીક સામાજિક-સાંસ્કૃતિક ઇતિહાસના નિષ્ણાત ઇતિહાસકાર અને લેખક લૉયડ લેવેલીન - જૉન્સ અહીં ઈરાનના એ સામ્રાજ્યની કહાણી જણાવી રહ્યા છે, જેણે વિશ્વના અત્યાર સુધીનું સૌથી મહાન સામ્રાજ્યને જન્મ આપ્યો હતો.
1943માં, બ્રિટિશ કવિ અને ઐતિહાસિક નવલકથાકાર રૉબર્ટ ગ્રેવ્સે "ધ પર્સિયન વર્ઝન" કવિતા લખી, જે મૅરેથૉનની લડાઈ અંગે હતી. આ લડાઈ એથેન્સ અને ફારસની સેના વચ્ચે ઇસવીસન પૂર્વે 499માં થઈ હતી.
મૅરેથૉનની આ લડાઈ અને તેમાં એથેનિયન્સનું પ્રદર્શન, જલદી જ ગ્રીક વર્લ્ડમાં એક દંતકથા બની ગઈ.
જ્યારે ફારસીઓને ગ્રીકોની ધરતી પરથી હાંકી કઢાયા, ત્યારે અત્યાચારો સામે આઝાદીની લડતની ગાથા પેદા થઈ હતી.
અને એટલું જ નહીં. તે અંગેના સાહિત્યના અભ્યાસ પરથી કહી શકાય કે યુરોપનો પણ જન્મ મૅરેથૉનની એ લડાઈમાંથી જ થયો હતો.
જોકે, ગ્રેવ્સ આ અંગે પ્રશ્ન ઉઠાવે છે, તેઓ મૅરેથૉન પછીના બનાવોને સફળ થયેલ અને લાંબા ચાલેલ એથેનિયન પ્રોપેગેન્ડા કૅમ્પેનનું પરિણામ ગણાવે છે.

ઇમેજ સ્રોત, Getty Images
ગ્રેવ્સની કવિતા 'સત્ય-પ્રેમી પર્સિયન' દૃષ્ટિકોણથી લખાયેલી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગ્રેવ્સ ભારપૂર્વક કહે છે કે, તેમના માટે મૅરેથૉનની એ લડાઈ એ એક "મામૂલી ઘર્ષણ" કરતાં થોડીક જ વધુ મહત્ત્વપૂર્ણ હતી. જે તેમના વિશાળ સામ્રાજ્યના પૂર્વ છેડાનાં અમુક બિંદુઓ પર થઈ હતી. આ લડાઈ "ગ્રીસ પર કબજો કરવાનો મોટો અને નિષ્ફળ પ્રયાસ" તો બિલકુલ નહોતી. પરંતુ એથેનિયનો દ્વારા તેને આવી જ રીતે રજૂ કરાઈ અને યુરોપિયન શાળાના વિદ્યાર્થીઓને પેઢીઓથી આવી જ રીતે પિરસાયો.
ઈસવીસન પૂર્વેની છઠ્ઠી સદીમાં સાયરસ ધ ગ્રેટના શાસનના ઉદયથી બે સદી બાદ તેમના પુરોગામી ડેરિયસ તૃતિયના મૃત્યુ સુધી, ફારસી (મહાન એખેમિનિડ રાજવંશના નેતૃત્વમાં) વિશ્વના તે સમયનો સૌથી મોટો સામ્રાજ્ય ધરાવતા હતા.
તે એક ઍડ્વાન્સ આંતરમાળખા પર ઊભું કરાયેલ સામ્રાજ્ય હતું, તે જુદી જુદી સંસ્કૃતિઓ અને ધર્મ અંગે સહનશીલતા અને જ્યારે જરૂર હોય ત્યારે બળપ્રયોગ પર ઘડાયેલું હતું.
200 વર્ષ સુધી વિશાળ સત્તા ધરાવનાર આ રાજવંશને જોતાં, એ બાબત અંગે કોઈ આશ્ચર્ય નથી કે ગ્રેવ્સે એવું માની લીધું હશે કે ફારસીઓએ ગ્રીક સાથેના પોતાના ઘર્ષણને ખૂબ જ ક્ષુલ્લક બાબત તરીકે લીધી હશે.
જોકે, એ સમયે કવિ પ્રવાહની વિપરીત જઈ રહ્યા હતા.

ગ્રીક વારસો

ઇમેજ સ્રોત, Getty Images
બે સદી પહેલાં પુન:જાગરણના સમયગાળામાં, બૌદ્ધિકોએ એ વાતનો જવાબ થિયરીમાં શોધી કાઢ્યો હતો કે યુરોપ શું કામ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ શક્તિશાળી બન્યું અને પોતાની સંસ્કૃતિને આગળ વધારવામાં સૌથી વધુ સફળ રહ્યું.
તેમણે એક થિયરી આપી : યુરોપિયન પ્રમુખપણાનો આધાર ખ્રિસ્તી ધર્મ નહોતો, જેવું પહેલાં વિચારવામાં આવતું, પરંતુ તેનો આધાર પ્રાચીન ગ્રીસમાં શરૂ થયેલ સાંસ્કૃતિક રિવાજો હતા.
ગ્રીકોએ ઠરાવ્યું કે તેમણે આઝાદી અને તાર્કિક રીતે વિચારવાની રીત વિશ્વને આપ્યા, તેમજ આ અમૂલ્ય ભેટો યુરોપમાં પ્રસરાવી અને ત્યાંથી તેમના દરેક અભિયાન સાથે તે વધુ પ્રસરતી ગઈ.
ગ્રીસ અને રોમની બહારના તમામ સમાજ 'અસંસ્કૃત' હતા.
અને તેમાં પણ સૌથી ખરાબ અને સૌથી વધુ બિહામણા ફારસી હતા, કારણ કે તેઓ વિશ્વવિજેતા બનવા માગતા હતા.
ગ્રેકો-પર્સિયન યુદ્ધથી અત્યાર સુધી ફારસીઓને મુક્ત વિશ્વના વિચારને અડચણરૂપ જ ચીતરવામાં આવ્યા છે.
આના કારણે પ્રાચીન ફારસના ઇતિહાસના અભ્યાસ પર નકારાત્મક અસર પડી છે.
પર્સિયનો દ્વારા ગ્રીકની જેમ નૅરેટિવ હિસ્ટ્રી ન લખાઈ તે કારણે આ સમસ્યા વધુ વિકરાળ બનતી ગઈ. જોકે, તેમણે નૅરેટિવ હિસ્ટ્રીના સ્થાને મોટા ભાગે મૌખિક નૅરેટિવ, કવિતાપાઠ અને ગીતો દ્વારા જ પોતાનો ઇતિહાસ સંઘરી રાખ્યો.
દુષ્ટતાથી બચાવ

ઇમેજ સ્રોત, Getty Images
તો પછી ઇતિહાસકારો ફારસીઓને આ સાંસ્કૃતિક દુષ્ટતાથી કેવી રીતે મુક્ત કરાવી શકે?
કેવી રીતે આપણે આ સામ્રાજ્યના ઉતાર-ચઢાવ અંગેનો ઇતિહાસ તેમના દૃષ્ટિકોણથી ન લખાયેલા ઇતિહાસમાંથી મેળવી શકીએ?
આ જવાબ કેટલાક ઘસાતા જઈ રહેલા પરંતુ સતત ચળકતા રહેતા સ્રોતો છે.
જૂની ફારસી ભાષામાં કેટલાક શિલાલેખો મળી આવે છે, માટીના દસ્તાવેજો પર લખાયેલ કેટલાક જૂના સ્રોતો મળી આવે છે, જે સામ્રાજ્યના કામકાજની રીતો, અર્થતંત્ર અને નાગરિક સેવા અંગે ખ્યાલ આપે છે. આ સ્રોતોમાં ભીંત પરનું લખાણ, ટેક્સટાઇલ ડિઝાઇનિંગ, ગોલ્ડ-સિલ્વર પરનાં લખાણ અને પુરાતત્ત્વશાસ્ત્રનો ભવ્ય વારસો છે.
ભલું થજો આ તમામ સ્રોતોનું, જેના કારણે ફારસીઓ પાસે હવે કહેવા માટેનો પોતાની અલગ ઐતિહાસિક કહાણીઓ છે.

જ્યારે ફારસી રાજ્ય સુપરપાવર બન્યું

ઇમેજ સ્રોત, Getty Images
આ કહાણીની શરુઆત છઠી સદીના મધ્યથી થાય છે જ્યારે પ્રાચીન વિશ્વના મહાન શાસક સાઇરસ દ્વિતીયનો ઉદય થયો હતો. તેમને 'ધ ગ્રેટ' (મહાન) પણ કહેવામાં આવતા હતા.
જ્યારે તેઓ ઈસવીસન પૂર્વે 559, ઈરાનના દક્ષિણ પશ્ચિમમાં ફારસનું નાનકડું રાજ્ય આવેલું હતું. મેડેસના રજવાડામાં આવેલા જાગીરદારોમાંથી તે પણ એક હતું.
જ્યારે તેઓ સુપરપાવર તરીકે સામે આવી રહ્યા હતા ત્યારે તેમનું ઈસવીસન પૂર્વે 530માં તેમનું મૃત્યુ થયું.
પરંતુ ઈસવીસન પૂર્વે 550માં સાઇરસે દક્ષિણ ઈરાનના કબીલાઓની સાથે મળીને મેડેસ પર હુમલો કર્યો અને તેની પાટનગર એકબાન્ટાને પણ રાજધાની તરીકે રદ કર્યું હતું,
તેમણે એશિયા માઇનરમાં લિડિયાના શક્તિશાળી રજવાડાને પણ લલકાર્યું હતું. સાઇરસની સેનાએ લિડિયાના સમૃદ્ધ પાટનગર સાર્ડિસ પર પણ કબજો કર્યો હતો. અહીંથી અન્ય મુખ્ય શહેરો પર પણ કબજાનો રસ્તો ખૂલી ગયો હતો.
સાઇરસના જીવનમાં અન્ય મહત્ત્વપૂર્ણ તબક્કા ઈસવીસન પૂર્વે 540માં આવ્યો જ્યારે તેમણે મેસોપોટામિયા સંસ્કૃતિ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું અને સમૃદ્ધ શહેર બૅબિલૉનમાં પ્રવેશ કર્યો.
સામ્રાજ્યના પ્રચાર સ્વરૂપ સાઇરસ દ્વારા સ્થાપિત કરાયેલા સિલિંડર આકારના સ્તંભો બૅબિલૉન પર સાઇરસના વિજયને કાયદેસર માન્યતા આપવાનો પ્રયાસ હતો. તેઓ સંકેત હતા કે રાજાને દેવતા મારડુકે પસંદ કર્યા હતા.
હેરોડોટસ અનુસાર સાઇરસ મધ્ય એશિયામાં માસાગેટાઈ કબીલા સામે લડતી વખતે માર્યા ગયા હતા. આ એક મોટો આંચકો હતો પણ સલતનતના વિસ્તરણને રોકવું મુશ્કેલ હતું.

ઇજિપ્ત પર વિજય

ત્યાર બાદ કેમબયાસિસ દ્વિતીય દ્વારા જલદી જ ઇજિપ્ત પર કબજો કરી લેવામાં આવ્યો હતો.
ગ્રીક સ્ત્રોતો કેમબયાસિસ દ્વિતીયને પાગલ સરમુખત્યાર જણાવે છે. તેઓ પોતાની પ્રજા પર અત્યાચાર ગુજારતા હતા અને પરાસ્ત સમૂહોની ધાર્મિક પરંપરાનું અપમાન કરતા હતા પરંતુ ઇજિપ્તમાંથી મળેલા પુરાતત્ત્વને લગતા પુરાવા કંઈક અલગ જ તસવીર રજૂ કરે છે.
તેના પરથી ખ્યાલ આવે છે કે બાદશાહે ધાર્મિક ઉદારતાની નીતિ અપનાવી હતી. મેમ્પફિસમાંથી મળેલી ઇમારતોથી એ વાતની પણ પુષ્ટિ થાય છે. ધાર્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણ તરફ સહનશીલતાનું વલણ ફારસની લાક્ષણિકતા રહી છે.
પરંતુ જરૂર પડે પ્રાચીન ફારસની સલતનત સત્તાનો ક્રૂર ઉપયોગ પણ કરી શકે છે. તેનો પુરાવો ડેરિયસના રૂપમાં જોવા મળ્યો હતો. જેમને સાઇરસ દ્વિતીય બાદના સૌથી સફળ બાદશાહ તરીકે જોવામાં આવ્યા અને તેમણે ફારસની એ સલતનતની પરાકાષ્ઠા દરમિયાન શાસન કર્યું હતું.

નિર્દય અને શક્તિશાળી

ઇમેજ સ્રોત, Getty Images
ડેરિયસે 522 ઈ.સ. પૂર્વે સાઇરસના પુત્ર બર્દિયા પાસેથી લોહિયાળ રીતે સત્તા આંચકી લીધી હતી અને જ્યારે તેમના શાસનમાં બળવો શરૂ થયો ત્યારે તેમણે અત્યંત નિર્દય વલણ અપનાવ્યું હતું.
એકાદ વર્ષના ગાળામાં તેઓ બળવાખોર નેતાઓને હરાવવા, અટકાયતમાં લેવામાં અથવા તો મારી નાખવામાં સફળ રહ્યા હતા. તેમની સત્તાનાં બાકીનાં 36 વર્ષ દરમિયાન તેમણે ક્યારેય અન્ય બળવાનો સામનો કરવો પડ્યો ન હતો.
ડેરિયસની અમર્યાદિત શક્તિ અને તેની તમામ શક્તિ સાથે સુરક્ષાની પુષ્ટિ ઘણાં પ્રાચીન ફારસી પુસ્તકોમાં ઉપલબ્ધ છે.
આવા જ એક સંદર્ભ મુજબ ઝરથુસ્તાનના દેવતા અહોરા મઝદાએ ડેરિયસને એ વિશાળ સલતનતની બાદશાહત આપી હતી, જેમાં અનેક સમુદાયો આબાદ હતા. જેમાં ફારસ, મીદિયા સહિત અન્ય ભાષાઓ બોલનારા સમુદાય સામેલ હતા. તેમને સમુદ્રની એક તરફ પહાડો તેમજ નિર્જન સ્થળો અને બીજી બાજુ રણ બાજુએ પણ સત્તા પ્રદાન કરી હતી.
જોકે, ડેરિયસનો દબદબો માત્ર તેમના લશ્કરી પરાક્રમના કારણે ન હતો. તેમણે એ બાબતને પણ સુનિશ્ચિત કરી હતી કે સમગ્ર સલતનતમાં ઇજનેરી અને નિર્માણની યોજનાઓ પૂરી કરવામાં આવે.
ઇજિપ્તમાં તેમણે નાઇલ નદી અને લાલ સમુદ્ર વચ્ચે એક નહેર બનાવી. ઈરાનના મધ્યમાં તેમણે પેરસેપોલિસમાં એક મોટો નિર્માણ કાર્યક્રમ શરૂ કર્યો.
જ્યારે ઇલામાઇટ શહેર શોશ (પશ્ચિમ ઇરાન)ને નવી વહીવટી રાજધાનીનો દરજ્જો મળ્યો ત્યારે તેને નવું જીવન મળ્યું હતું.
ત્રીસ લાખ વર્ગ કિલોમિટરમાં ફેલાયેલી સલતનત ચલાવવી દારા જેવા યોગ્ય શાસક માટે એક મોટો પડકાર હતો.

ઇમેજ સ્રોત, Getty Images
તેના ઉકેલ માટે તેમણે સલતનતને પ્રશાસનિક રાજ્યોમાં વિભાજિત કર્યાં અને પર્શિયાના સજ્જનોના એક નાનકડા જૂથને ઉચ્ચ હોદ્દા આપ્યા. રાજ્યોની વ્યવસ્થા એ એક મુખ્ય કારણ છે કે તેઓ આ મહાન સલતનતને લાંબા સમય સુધી નિયંત્રિત કરી શક્યા.
પર્શિયાની સલતનતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ તેના માટે ઘણું લાભદાયક સાબિત થયું. રાજ્યોને કેન્દ્ર સાથે રસ્તા સાથે જોડવામાં આવ્યા.
દારાની સલતનતનો વિસ્તાર એ યુગની કલાકૃતિઓથી પણ ઉજાગર થાય છે, જેમાં સલ્તનતના વિવિધ ભાગોનું મિશ્રણ જોવા મળે છે. સાથે જ તેમનાં વિવિધ પાસાં ફારસ સાથે એકતાનો સંદેશ પણ આપે છે.
એક યોદ્ધા અને વહીવટી દૃષ્ટિકોણથી તેમના શાસનને પશ્ચિમના કઠોર વલણ માટે યાદ કરવામાં આવે છે. જેમણે મૅરેથૉનના યુદ્ધ દરમિયાન યુનાન પર અસફળ આક્રમણ કર્યું હતું.
ગ્રીસને પોતાની સલતનતમાં સામેલ કરવું દારાનું સપનું જરૂર હતું પરંતુ યુનાન અને ફારસ વચ્ચે તણાવ પર ગ્રીક ઇતિહાસકાર હેરોડોટસનાં લખાણો ગ્રીક પ્રતિકાર અને ફારસની પ્રતિક્રિયાને અતિશયોક્તિ કરતા જણાય છે.
ઈસવીસન પૂર્વે 480માં દારાનું અવસાન થયું અને તે પછી તેમના પુત્ર ખશ્યાર શાહને સલતનતના વિસ્તરણનું કામ મળ્યું. પિતાની જેમ તેમને પણ ગ્રીક લોકો સાથે વ્યવહાર કરવો મુશ્કેલ બની ગયો હતો.
તેમણે ઈસવીસન પૂર્વે 480માં એથેન્સ પર વિજય મેળવ્યો, પરંતુ તેમને જમીન (પ્લાતી અને મૅકાલી) અને સમુદ્ર (સાલામેસ) બંને પર ગ્રીક લોકોથી મોટી હારનો સામનો કરવો પડ્યો.

સિકંદર મહાન

ઇમેજ સ્રોત, Getty Images
આવનારાં દોઢસો વર્ષો સુધી આંતરિક બળવો જોવા મળ્યો, ઇજિપ્તનો કબજો ગુમાવ્યા પછી ફરીથી કબજો મેળવાયો અને હાલના લેબનોન અને એ સમયના સાઇડોનમાં વિદ્રોહ ડામી દેવાયો.
આ તમામ સંકટો છતાં, ઈસવીસન પૂર્વે 330 સુધી ફારસી સામ્રાજ્યનું પ્રભુત્વ જળવાઈ રહ્યું. તે સમયે ગ્રીસમાં એક વ્યક્તિનો જન્મ થયો જે એકલા હાથે થોડાંક જ વર્ષોમાં એખેમિનિડ સામ્રાજ્યને ધૂળ ભેગું કરવાની હતી, તેમનું નામ હતું, સિકંદર મહાન.
એ સમયે મેસેડોનિયાની આગેકૂચને અટકાવવા માટેની જવાબદારી ડેરિયસ ત્રીજા પર હતી.
પરંતુ તે આવું ન કરી શક્યા અને તે તેમની કારકિર્દી પર હંમેશાં માટે એ ડાઘ લઈને ચાલ્યા, પરંતુ ડેરિયસ એક બહાદુર સૈનિક હતા અને કુશળ વહીવટકર્તા પણ. જેઓ સિકંદરનાં સફળતાનાં સ્વપ્ન માટે એક મોટું જોખમ હતા.
પરંતુ એક પછી એક તેઓ બે યુદ્ધમાં હાર્યા. એક હતું ઈસવીસન પૂર્વે 333માં થયેલ આઇસોસનું યુદ્ધ અને તે પછી ઈસવીસન પૂર્વ વર્ષ 331માં થયેલ ગૌગામેલાનું યુદ્ધ.
બીજી હાર બાદ, ડેરિયસ પૂર્વ ઈરાનમાં એકબટાના પોતાની સેના એકઠી કરવાના આશયે ભાગી ગયા. અને ત્યાંથી બક્ટ્રીયા ગયા. જ્યાં તેમની તેમના જ પિતરાઈ ભાઈ બેસોસે હત્યા કરી હતી.
ઈસવીસન પૂર્વે 330માં ડેરિયસના મૃત્યુથી ફારસી સામ્રાજ્યનું પતન થયું અને વિશ્વના ફલક પર નવા સામ્રાજ્યના ઉદયની શરૂઆત થઈ, આ સામ્રાજ્ય હતું સિકંદરનું, જે ફારસીઓના સામ્રાજ્યને વામણું ગણાવે તેટલું વિશાળ હતું.

શક્તિ કુટુંબ પૂરતી મર્યાદિત

ઇમેજ સ્રોત, Getty Images
વિદ્રોહ, સરહદ વિવાદો, ઉત્તરાધિકારી માટેનાં ઘર્ષણો, રાજહત્યાના બનાવો છતાં આ સામ્રાજ્યે ખૂબ મોટા વિસ્તાર પર 200 વર્ષ સુધી રાજ કર્યું, જેમાં ખૂબ જ અલગ અલગ પ્રકાર અને મૂળના લોકો હતા.
અહીં એ પ્રશ્ન નથી ઊઠતો કે આખરે ફારસી સામ્રાજ્યનો અંત કેવી રીતે થયો? પરંતુ પ્રશ્ન એ છે કે આખરે તે આટલા સમય સુધી ટકી કેવી રીતે શક્યું?
આ પ્રશ્નનો જવાબ છે : એખેમિનિડ પરિવારે ક્યારેય રાજાના પદ પર પોતાની કારોબારી સત્તા ગુમાવી નહોતી
એખેમિનિડે આ સમગ્ર સામ્રાજ્ય એક પારિવારિક બિઝનેસ તરીકે ચલાવ્યું.
આ સત્તાધારી પરિવારમાં પણ વિદ્રોહો હતા, તે સત્ય છે, પરંતુ તે ક્યારેય નવું રાજ્ય સ્થાપવા માટે નહોતા થતા, પરંતુ પરિવારના વડા તરીકે રાજગાદીએ કોણ બેસશે તેના માટે થતા હતા.
વર્તમાન સમયમાં ફારસી સામ્રાજ્ય અંગે વધુ ને વધુ અભ્યાસો કરાઈ રહ્યા છે, જેવું ભૂતકાળમાં નહોતું બનતું.
લેખિત અભ્યાસો અને ફારસના મૂળ સ્રોત સતત બહાર આવતા જ રહે છે, અને 1930થી તો પુરાતત્ત્વવિદો ધારી ન શકાય તેવી શોધો બહાર પાડી છે, જેના કારણે વિદ્વાનો ફરીથી સામ્રાજ્યને વ્યાખ્યાયિત કરવા માટે પ્રેરાય છે.
રોબર્ટ ગ્રેવ્સ અનુસાર કહીએ તો હવે ફારસી દૃષ્ટિકોણથી પણ ઈરાનના સમૃદ્ધ ઇતિહાસની કહાણી કહેવી શક્ય બની છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













