ગુજરાત પાસે એક સિસ્ટમ, બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બની, વરસાદ હજુ આવશે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત પાસેથી હાલ એક વરસાદી સિસ્ટમ પસાર થઈ રહી છે અને તેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ પેદા થઈ છે.
બંગાળની ખાડીમાં બનેલી આ સિસ્ટમ મજબૂત થઈને આગળ વધી હતી અને ઓડિશાથી લઈને ગુજરાત સુધી તેના માર્ગમાં આવતા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થયો હતો.
આ સિસ્ટમ હજી ગુજરાત પાસેથી આગળ વધી રહી છે એ સમયે બંગાળની ખાડીમાં બીજી સિસ્ટમ સર્જાઈ રહી છે.
હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર બંગાળની ખાડીમાં હાલ સાયક્લૉનિક સરક્યુલેશન બની ગયું છે અને આગામી 24 કલાકમાં તે મજબૂત બનીને લૉ-પ્રેશર એરિયામાં ફેરવાઈ જશે.
આ સિસ્ટમ લૉ-પ્રેશર એરિયા બન્યા બાદ આગળ વધશે અને ફરી મધ્ય ભારતથી લઈને બીજા વિસ્તારોમાં વરસાદ વરસાવે તેવી શક્યતા જણાઈ રહી છે.
આ સિસ્ટમ કેટલી મજબૂત બનશે?
હાલની સિસ્ટમ બંગાળની ખાડીમાં બની હતી અને મધ્ય ભારતથી આગળ વધી ગુજરાત, રાજસ્થાન અને પાકિસ્તાનના વિસ્તારો પરથી થઈને અરબી સમુદ્રમાં પહોંચશે.
આ સિસ્ટમ મજબૂત બની હતી અને ભારતના ભૂ-ભાગો પર આવ્યા બાદ પણ નબળી પડતાં તેને સમય લાગ્યો હતો. જેના કારણે તે બંગાળની ખાડીથી અરબી સમુદ્ર સુધી પહોંચી શકી છે.
ઑગસ્ટ મહિનામાં હવામાનનાં પરિબળો ભારતનાં ચોમાસાને અનુકૂળ ન હતાં પરંતુ હવે સપ્ટેમ્બર મહિનામાં બંગાળની ખાડી સક્રિય થઈ છે અને એક બાદ એક એમ સિસ્ટમો બની રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાલની સ્થિતિને જોતાં બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની રહી છે તે હાલ ગુજરાત પર આવેલી સિસ્ટમ જેટલી મજબૂત નહીં હોય.
આ સિસ્ટમ ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકિનારાની પાસે જ સર્જાવાની હોવાથી વધારે મજબૂત બનવાનો તેને સમય નહીં મળે. જોકે, તેમ છતાં પણ ભારતના ઘણા વિસ્તારોમાં આ સિસ્ટમને કારણે વરસાદ પડશે.
આ સિસ્ટમને કારણે ગુજરાતમાં ફરી વરસાદ આવશે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં હાલ છેલ્લા ચાર-પાંચ દિવસથી નવા વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ છે અને ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે.
આ સિસ્ટમ 20 સપ્ટેમ્બરના રોજ આગળ વધવાની શરૂઆત કરશે. સૌપ્રથમ તેની અસર ઓડિશા, પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારો તથા ઝારખંડના વિસ્તારોમાં થશે.
હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમની અસર ગુજરાત પર વધારે થવાની શક્યતા નથી. આ સિસ્ટમ આગળ વધ્યા બાદ ઉત્તર ભારત તરફ જાય તેવી શક્યતા છે.
સ્કાયમેટ વેધરના અહેવાલ પ્રમાણે આની અસર મધ્ય પ્રદેશના પશ્ચિમ ભાગ સુધી થવાની શક્યતા છે અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તેની અસર થાય તેવી શક્યતા છે.
જોકે, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 25 સપ્ટેમ્બરની આસપાસથી વરસાદી ગતિવિધિમાં થોડો વધારો થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. પરંતુ આ સિસ્ટમ ગુજરાત કે રાજસ્થાન પર આવે તેવી સંભાવના હાલ જણાતી નથી.
ગુજરાતમાં વાવાઝોડું, ભારે વરસાદ અને દુષ્કાળની ભીતિ

ઇમેજ સ્રોત, ANKIT CHAUHAN
ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં ક્યારે ભારે વરસાદ જોવા મળ્યો તો ઑગસ્ટ મહિનામાં એક મહિના જેટલી વરસાદની રાહ જોવી પડી.
સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જૂન મહિનામાં આવેલા બિપરજોય વાવાઝોડાના કારણે સારો વરસાદ થયો હતો અને ઘણા વિસ્તારોમાં ત્યારે જ વાવણી થઈ ગઈ હતી.
વાવાઝોડાના વરસાદ બાદ ગુજરાતમાં સમય કરતાં મોડી ચોમાસાની શરૂઆત થઈ હતી અને જૂન મહિનાના અંતમાં ઘણા વિસ્તારોમાં વરસાદ થયો હતો.
તે બાદ જુલાઈ મહિનામાં બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમો ગુજરાત પર આવતા ભારેથી અતિભારે વરસાદ થયો હતો અને કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા થઈ હતી.
જુલાઈમાં ભરપૂર વરસાદ બાદ ઑગસ્ટમાં બ્રેક મૉન્સુનની સ્થિતિ સર્જાઈ અને વરસાદ બંધ થયો. ગુજરાતમાં ઑગસ્ટ મહિનામાં નહિવત્ જેવો વરસાદ થયો હતો. મોટા ભાગના વિસ્તારોમાં 90 ટકા કરતાં વધારે ઘટ જોવા મળી હતી.
સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી ફરી રાજ્યમાં હવે વરસાદની શરૂઆત થઈ છે અને આ મહિનાના અંત સુધી કદાચ છૂટોછવાયો વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે.














