'ત્રણ દિવસ બાદ જુવાનજોધ ભાઈનો મૃતદેહ ઘરે તણાઈ આવ્યો', 17 વર્ષ પહેલાં આવેલું એ પૂર જેમાં સુરત ડૂબી ગયું હતું

ઇમેજ સ્રોત, બીબીસી ગુજરાતી
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી સંવાદદાતા
"એ દિવસે સાંજે અમારા એક સંબંધીને તેમના મકાનના પ્રથમ માળેથી પૂરનાં ગંદાં પાણી અને કાદવમાં તણાઈ આવતી માનવદેહાકૃતિ કોઈક ઓળખીતાની લાગતાં, તેઓ પાણીમાં ઊતરી મૃતદેહને બહાર લાવ્યા. અને જોયું તો એ મારો નાનો જિતેન્દ્ર પટેલ હતો."
"વર્ષ 2006ની આઠ ઑગસ્ટની રાતે એકાએક પૂરનું પાણી ધસી આવતાં મારો નાનો ભાઈ અડાજણ ચાર રસ્તે એક ઍપાર્ટમેન્ટની છત પર ફસાઈ ગયેલો."
"બે દિવસ ત્યાં જ જેમતેમ કાઢ્યા બાદ જ્યારે 10 ઑગસ્ટે પાણી થોડું ઊતરતાં એ ઘરે આવવા નીકળ્યો. જોકે, હજુ વિસ્તારમાં સાત ફૂટ જેટલું પાણી તો ભરાયેલું હતું જ. ઘરે આવતી વખતે અચાનક તેના હાથમાંથી લાકડું છટકી ગયું. એને તરતા આવડતું ન હોઈ પૂરનું પાણી ફેફસાંમાં ઊતરી ગયું. અને અમુક સમયમાં જ તેનું મૃત્યુ થઈ ગયું."
વર્ષ 2006માં સુરતમાં આવેલા ‘ભયાવહ’ પૂરને કારણે પરિવારે વેઠવી પડેલી ખોટ અંગે સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા 53 વર્ષીય ટ્રાવેલ એજન્ટ ભાસ્કર પટેલ કંઈક આવી વાત કરે છે.
સુરતના પૂરની એ ‘દુ:ખદાયક યાદો’ અંગે વાત કરતાં તેઓ આગળ કહે છે કે, "એ દિવસે પૂરમાં મારાં વૃદ્ધ માબાપે જુવાનજોધ દીકરો અને મેં મારા ખભે ખભો મેળવીને ધંધામાં મદદરૂપ થતો ભાઈ ગુમાવ્યો."
સ્થાનિકો, નિષ્ણાતો, પ્રબુદ્ધ નાગરિકો અને સમાચાર સંસ્થાઓએ સુરતમાં આવેલા આ ભયાવહ પૂરનું કારણ સત્તાધીશો દ્વારા ‘ઉકાઈ ડૅમના સંચાલનમાં ગંભીર અવ્યવસ્થા અને ગેરવહીવટ’ને ગણાવ્યું હતું.
નોંધનીય છે કે ગત રવિવાર બાદથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં પડી રહેલા અનરાધાર વરસાદ બાદ ભરૂચ સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.
પૂરના અસરગ્રસ્તોના આરોપ પ્રમાણે સરદાર સરોવર બંધમાંથી એકાએક ભારે પ્રમાણમાં (18 લાખ ક્યુસેક) પાણી છોડી દેવાતાં નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બની ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, bhaskar patel
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એમાં પણ ખાસ કરીને ભરૂચ-નર્મદાનાં લગભગ 50 ગામમાં પાણી ભરાતાં જનજીવન અસ્તવ્યસ્ત થવાની સાથે લાખોની સંપત્તિનું નુકસાન થયું હોવાનું કહેવાઈ રહ્યું છે. ઉપરાંત પૂરમાં તણાઈને એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાના સમાચારેય મળી રહ્યા છે.
ભરૂચમાં પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં લાખોના નુકસાનનો દાવો કરતાં સ્થાનિકોએ સત્તાધીશો પર ‘અવ્યવસ્થા અને આગમચેતીના અભાવ’નો આરોપ કરવાની સાથોસાથ નેતાઓ અને અધિકારીઓ પર જાહેરમાં રોષ ઠાલવ્યાની ઘટના નોંધાઈ હતી.
જોકે, રાજ્ય સરકારે ‘બેદરકારીને કારણે પૂરની સ્થિતિ’ સર્જાયાનો આરોપ ફગાવી દીધો હતો. રાજ્ય સરકારના જણાવ્યાનુસાર નીચાણવાળા વિસ્તાર, ઉપરવાસનો વરસાદ અને અન્ય રાજ્યમાંથી છોડાયેલા પાણીના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું હતું.
હવે જ્યારે ભરૂચમાં કથિતપણે ‘પૂર્વ ચેતવણી વિના એકસામટે ખૂબ ઝાઝા પ્રમાણમાં પાણી છોડવાના સરકારી નિર્ણયને લીધે સ્થાનિકોએ વેઠવાનો વારો આવ્યાનો’ આરોપ કરાઈ રહ્યો છે ત્યારે સુરતના વર્ષ 2006ના પૂર, તેનાં કારણો, ભરૂચ માફક સત્તાધીશો પર થયેલા આરોપો અને ‘જાનમાલના અભૂતપૂર્વ નુકસાન’ની કહાણી ફરી એક વાર પ્રાસંગિક જણાઈ રહી છે.

ઇમેજ સ્રોત, Nirbhay Kapadia
નોંધનીય છે કે એ વર્ષે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી હતી.
એ પૂરનું પ્રમાણ એટલું વ્યાપક હતું કે તેમાં રાજ્યના 20 જિલ્લા, 132 તાલુકા અને આઠ હજાર ગામડાંને અસર થઈ હતી.
પરંતુ તેમાં પણ ‘સૌથી બદતર પરિસ્થિતિ’ સુરતમાં નિર્માણ થવા પામી હતી.
આધિકારિક આંકડા અનુસાર પૂરમાં સુરતમાં 150 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જોકે, કેટલાક રિપોર્ટોમાં આ આંકડો 500 કરતાં વધુ હોવાનું અનુમાન મુકાયું છે.
હોનારત બાદ જાહેર કરાયેલા કેટલાક રિપોર્ટમાં દાવો કરાયો હતો કે શહેરનો મોટો ભાગ લગભગ ચાર દિવસ સુધી જળમગ્ન રહ્યો હતો. મોટા ભાગના વિસ્તારોમાં દસથી 20 ફૂટ પાણી ભરાયેલા રહ્યા હતા. આ સ્થિતિને કારણે 20 લાખ કરતાં વધુ લોકોએ ચાર દિવસ ઘરની અંદર અને અગાસી પર ભોજન, પાણી અને વીજળી વિના પસાર કરવાનો વારો આવ્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા આ હોનારતને કુદરતી ગણાવાઈ હતી, જ્યારે સમગ્ર ઘટનાની તપાસ માટે નિષ્ણાતો દ્વારા રચાયેલી બે નાગરિક સમિતિઓએ પૂર માટે ‘રાજ્ય સરકારને જવાબદાર’ ગણાવી હતી.
આખરે આ ઘટના કેવી રીતે ઘટી હતી? લાખો લોકોના જીવને જોખમમાં મૂકતી આપદા દરમિયાન શું બન્યું હતું? આ પ્રશ્નો અંગે વિગતવાર માહિતી મેળવવા બીબીસી ગુજરાતીએ પ્રયાસ કર્યો હતો.

‘દિવસો સુધી પાણી-કાદવમાં માનવ મૃતદેહો પડ્યા રહ્યા’

ઇમેજ સ્રોત, Getty Images
ભાસ્કરભાઈ પૂરમાં નાના ભાઈને ગુમાવવાની વેદના જાહેર કરતાં કહે છે કે તેમને બીજા દિવસે આ સમાચાર મળ્યા હતા.
આ વાત શહેરમાં એ દિવસો દરમિયાન માહિતીસંચારની દયનીય સ્થિતિની કહાણી જણાવે છે.
તેઓ આગળ કહે છે કે, "પૂરના પાણીને કારણે મૃતદેહ ફૂલી ગયેલો, શરીર પર ચારેકોર કાદવ હતો અને દુર્ગંધ ફૂટવા લાગી હતી. આ દૃશ્ય જોઈને અમારા પર તો દુ:ખનો જાણે પહાડ તૂટી પડ્યો હતો."
સુરતના વેડ રોડ ખાતે યુનિટ ચલાવતા એક ટેક્સટાઇલ વેપારી વર્ષ 2006માં સુરતમાં આવેલા પૂરે સર્જેલી પરિસ્થિતિની ‘ભયાનકતા’ વર્ણવતા કહે છે :
"2006ના પૂર વખતે 8 ઑગસ્ટની રાતે અમે યુનિટમાં હતા. અચાનક પૂરના પાણીનો એવો તો ધસમસતો પ્રવાહ શરૂ થયો કે જોતજોતાંમાં પ્રથમ માળ સુધી પાણી ભરાઈ ગયાં. સાત દિવસ સુધી અમે યુનિટમાં જ ફસાયેલા રહ્યા. એ દરમિયાન અમે દિવસો સુધી માનવ-પશુ મૃતદેહો પાણીમાં તણાતા જોયા. સડતા મૃતદેહો, કાદવ-ગંદા પાણીની દુર્ગંધે જીવતેજીવ નરકનો અહેસાસ કરાવી દીધેલો. ઈશ્વર કોઈનેય આવાં ભયાવહ દૃશ્યો ન બતાવે."
વેપારી પૂર સમયના પોતાના અનુભવો અંગે કહે છે કે, "શરૂઆતના ત્રણ દિવસ સુધી તો અમે માત્ર પાણી પીને જ કાઢ્યા હતા. કારણ કે યુનિટમાં ભોજનના નામે કંઈ નહોતું."
જોકે, તેઓ કહે છે કે ચોથા દિવસથી પ્રશાસન મારફતે ભોજન મળવાની શરૂઆત થઈ ગઈ હતી.
તેઓ એ દિવસોના અનુભવો ભયાવહ ગણાવતાં પોતાને વેઠવા પડેલા નુકસાન અંગે આગળ કહે છે કે, "સાત દિવસ પછી જ્યારે પાણી ઓસરી ગયું ત્યારે ચારેકોર માત્ર કાદવ અને કાદવમાં પડેલા માનવ અને પશુ મૃતદેહો દેખાઈ રહ્યા હતા. વાતાવરણમાં કાદવમાં ફસાઈને સડી રહેલા આ મૃતદેહોની દુર્ગંધ ભળી જતાં ગળેથી કોળિયું નીચે ઊતરવાનું બંધ થઈ ગયું હતું."

ઇમેજ સ્રોત, Nirbhay Kapadia
"સમગ્ર યુનિટમાં પાણી ભરાઈ જતાં બધો કાચો માલ સડી ગયેલો. મારા એકલા યુનિટને જ લગભગ 45 લાખ રૂપિયાની ખોટ થઈ હતીં. આવાં તો વિસ્તારમાં સેંકડો યુનિટ હતાં."
વેપારી પાણી ઓસર્યા બાદની સ્થિતિ અને મુશ્કેલીઓ અંગે દાવો કરતાં કહે છે કે પાણી ઓસર્યા બાદ રોગચાળાનો દોર શરૂ થયો હતો, પરપ્રાંતીય મજૂરોનું રોગચાળાની બીકે પલાયન થવા લાગ્યું. તેમની જેમ સેંકડો લોકોને પૂર, ભરાયેલું પાણી અને ગંદકીને કારણે ઊભી થયેલી ‘માંદગીની સ્થિતિ’નો સામનો કરવા હૉસ્પિટલમાં દાખલ થવું પડેલું.
પૂરને કારણે સુરતના રાંદેરમાંય ભારે તારાજીનાં દૃશ્યો જોવા મળ્યાં હોવાનું કહેવાય છે.
રાંદેરના નિવાસી 37 વર્ષીય શોએબ પૂરના અનુભવોને ‘પીડાદાયક’ અને યાદોને ‘ગોઝારી’ ગણાવે છે.
શોએબ કહે છે કે, "પૂર સમયે અમે મારાં બહેનનાં સાસરિયાંની બહુમાળી ઇમારતના ધાબે ફસાયેલા હતા. પ્રથમ દિવસે અમારી આંખ સામે સામેની ચાર માળની ઇમારત ‘રાબિયા મંજિલ’ પૂરના પ્રવાહને કારણે જમીનદોસ્ત થઈ ગયેલી. એ સમયે લગભગ 45 લોકો ઇમારતના ધાબે હતા. જે પૈકી ઘણાનાં દુ:ખદ મૃત્યુ થયાં હતાં."
તેઓ પૂરે વેરેલા વિનાશનાં દૃશ્યો વર્ણવતાં કહે છે કે, "ચાર દિવસ સુધી અમે છત પર ફસાયેલા રહ્યા. એ દરમિયાન અમે રાબિયા મંજિલને કાળ બની લોકોને ભરખતી જોઈ. સાથે જ મારા જીવનનો સૌથી બિહામણો અનુભવ પણ થયો. જેમાં પૂરનાં પાણી સાથે લોકોના મૃતદેહો વહેતા જોયા."
"પાણી ઘટતાં કાદવમાં ફસાયેલા લગભગ 25 મૃતદેહોને કાઢીને અમે કબ્રસ્તાન લઈ ગયા. જેમાં એક લગભગ એકાદ વર્ષના બાળકનો મૃતદેહ જોયાનું દુર્ભાગ્યપૂર્ણ દૃશ્ય પણ સામેલ છે."

કેવી રીતે આવ્યું હતું પૂર?

ઇમેજ સ્રોત, Nirbhay Kapadia
પૂરના કારણે થયેલી તારાજી અંગે વાત કર્યા બાદ પૂર અને તેના માટે કારણભૂત સ્થિતિ અંગે જાણવાનું કુતૂહલ સર્જાય એ સ્વાભાવિક છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમૅન્ટ, અમદાવાદના એક રિપોર્ટમાં વર્ષ 2006ની ‘પીપલ્સ કમિટી ઑન ગુજરાત ફ્લડ’ સુરતના પૂરનાં કારણો નોંધ્યાં છે.
એ સમયે 3 ઑગસ્ટના રોજ ભારતીય હવામાન વિભાગે નર્મદા, તાપી અને દમણગંગા તટવિસ્તારોમાં 48 કલાક સુધી ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી હતી.
એ દરમિયાન ગુજરાત સરકાર આગામી 15 ઑગસ્ટના રોજ આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત સમારોહની તૈયારીમાં લાગેલી હતી.
4-5 ઑગસ્ટના રોજ તાપી નદીના નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદ થયેલો.
જોખમનો અંદેશો આવી ગયો હોય એમ સુરતના કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરે 4-5 ઑગસ્ટના રોજ ઉકાઈ ડૅમમાંથી અનુક્રમે બે અને ચાર લાખ ક્યુસેક પાણી છોડવા જણાવ્યું હતું.

ઇમેજ સ્રોત, Nirbhay Kapadia
એક ઇજનેરે આ અંગે પ્રતિક્રિયા આપતાં કહેલું કે, "કલેક્ટરો આવા પ્રયાસ કરે તેનો કોઈ અર્થ નથી, કારણ કે તેમની પાસે જરૂરી ટેકનિકલ જ્ઞાન નથી."
નર્મદા વૉટર રિસોર્સ ઍન્ડ વૉટર સપ્લાય (એનડબ્લ્યૂઆરડબ્લ્યૂએસ) વિભાગ અને પૂરનિયંત્રણ નિષ્ણાતો પાસેથી સરકારને આ બાબતે સલાહ અપાય એવી અપેક્ષા હતી.
પરંતુ ઑથૉરિટી દ્વારા મગાયેલી પરવાનગીના જવાબમાં અહેવાલો અનુસાર તારીખ ત્રીજી ઑગસ્ટ, 2006ના રોજ તત્કાલીન ઍનડબ્લ્યૂઆરડબ્લ્યૂએસ મંત્રી નરોત્તમભાઈ પટેલે કહ્યું હતું કે, "હાલ ડૅમમાં પાણીનું સ્તર 334 ફૂટ છે. જે 15 ઑગસ્ટ સુધી એ નિયમ મુજબ 337 ફૂટ થાય એ જરૂરી છે, જો પાણીનું સ્તર 345 ફૂટ થાય તો ડૅમ માટે ખતરો ઊભો થઈ શકે એમ છે. પરંતુ એ પહેલાં પાણી છોડવાનો પ્રશ્ન નથી ઊભો થતો."
છ ઑગસ્ટના રોજ ડૅમમાં પાણીની ભારે આવક થવા છતાં પાણી છોડાયું નહોતું.
તારીખ સાત ઑગસ્ટના રોજ જ્યારે લોકો પોતાના રોજબરોજના કામમાં પરોવાયેલા હતા ત્યારે તાપી નદીનું જળસ્તર હોપ પુલના 8.5 મીટર સુધી પહોંચી ગયું હતું.

‘એકાએક પાણી છોડાયું’

ઇમેજ સ્રોત, Nirbhay Kapadia
પરંતુ 8 ઑગસ્ટના રોજ અચાનક ઉકાઈ ડૅમના સત્તાધીશોએ ડૅમમાંથી બે તબક્કામાં કુલ 17.5 લાખ ક્યુસેક પાણી છોડ્યું.
બપોરે પૂરની ચેતવણી જાહેર કરાઈ, પરંતુ લોકોને પાણીનું પ્રમાણ કેટલું હશે એ અંગે કોઈ માહિતી નહોતી.
બપોરના ત્રણ વાગ્યા સુધી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ. મધરાત સુધી તો શહેરના મોટા ભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા હતા. એ સમયે તાપી નદીનું જળસ્તર હોપ બ્રિજના 12 મીટર સુધી પહોંચી ગયું હતું.
સુરત શહેરના 80 ટકા વિસ્તારમાં પૂરનું પાણી પહોંચી ચૂક્યું હતું. પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાંચથી 20 ફૂટ સુધી પાણી ભરાઈ ગયાં.
આ પરિસ્થિતિને કારણે 20 લાખ મહિલા, પુરુષો અને બાળકો ભોજન, પાણી અને વીજળી વિના ચાર દિવસ સુધી પોતાનાં ઘરોની છત પર ફસાઈ ગયાં.
ચાર દિવસ શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત રહ્યું હતું.
રાહત-બચાવ માટે સેનાય ઉતારાઈ. અંતે 11 ઑગસ્ટની રાત્રે શહેરના મોટા ભાગના વિસ્તારોમાંથી પાણી ઓસરવા લાગ્યું.
અચાનક પાણી વધતાં લોકોએ બધું પડતું મૂકી ઊંચાણવાળી જગ્યાએ સ્થળાંતર કરવું પડ્યું, અને ઘણા કિસ્સામાં તો અમુક દિવસો સુધી સ્વજનો સાથે સંપર્ક પણ સાવ તૂટી ગયો.
એ સમયે ઊંચાં મકાનો અને ઍપાર્ટમૅન્ટમાં રહેતા લોકોએ માનવતા દાખવી મુસીબતમાં ફસાયેલા લોકોને પોતાની છતે આવકાર અને ભોજન-પાણી પૂરાં પાડ્યાંની ઘટનાઓએય નોંધાઈ.
ઘણી સ્વયંસેવી સંસ્થા, સેવાભાવી લોકોએ આ આપદામાં જરૂરિયાતમંદોની મદદ કરવા કમર કસી અને રાહતબચાવમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોવાનું નોંધાયું છે.
સંસ્થાઓ, સત્તાતંત્રો અને ખાનગી માણસોની મદદથી એક લાખ લોકોનું સ્થળાંતર કરાયું હતું.
રાહતબચાવ માટેની અભૂતપૂર્વ જૂથભાવના અને પ્રયાસો છતાં શહેરે એ સમયમાં ઘણું વેઠવું પડ્યું હતું.
પૂરે મચાવેલી તબાહી એટલી બધી વિકરાળ હતી કે 12થી 15 સપ્ટેમ્બર સુધી તો શહેરમાં કચરા અને કાદવ સાફ કરવાનું અભિયાન ચલાવવું પડેલું.
પાણી ઓસરતાં અસરગ્રસ્ત વિસ્તારોમાંથી રોગચાળો ફાટી નીકળવાની બીકે લોકોનું પલાયન શરૂ થયું હતું.

ઇમેજ સ્રોત, Nirbhay Kapadia
ઘણા વીવિંગ યુનિટો અને શૉરૂમોનાં ભોંયરા, ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળ સુધી પાણી ભરાઈ ગયાં હતાં. તેમજ મોટા ભાગનાં યુનિટો પાસે નુકસાની માટેનો વીમો પણ નહોતો.
હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર 400 ડાઇંગ અને પ્રોસેસિંગ યુનિટો તેમજ 40 હજાર જેટલી કાપડની દુકાનોને પૂરને એ સમયે દરરોજ 100 કરોડ રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો.
રિપોર્ટો અનુસાર આ પૂરમાં અંદાજે 1,262 ઘરો ધરાશાયી થયાં હતાં, જ્યારે 6,500 કરતાં વધુ ઘરોને ગંભીર નુકસાન થયું હતું.
હીરાઉદ્યોગ, કાપડઉદ્યોગ, નાની-મોટી દુકાનો, અન્ય ઉદ્યોગોનાં યુનિટો મળીને શહેરને કુલ 22 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે.
આ આપત્તિમાં દોઢ હજાર જેટલાં મૂક પશુનાં પણ મૃત્યુ થયાં હતાં.

ઇમેજ સ્રોત, Nirbhay Kapadia
એ સમયે શહેરની કુલ 77 ટકા જેટલી વસતિનું મળીને કામકાજના દિવસો સંદર્ભે 15-30 દિવસનું નુકસાન થયું હતું.
આમ, દરેક પરિમાણથી ચકાસતાં આ આપત્તિ સુરત તેમજ ગુજરાત માટેય અભૂતપૂર્વ ગણાવી શકાય એવી હતી.
આ ઘટના બાદ કેટલીક સ્વયંસેવી સંસ્થા, નિષ્ણાતો અને પ્રબુદ્ધ નાગરિકો મંડળો દ્વારા જનસમિતિની રચના કરી ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી તેનો રિપોર્ટ રજૂ કરાયો હતો.
પીપલ્સ કમિટી ઑન ગુજરાત ફ્લડ્સ ઑફ ઑગસ્ટ 2006 અને સુરત સિટિઝન્સ કાઉન્સિલ ટ્રસ્ટની સમિતિના રિપોર્ટમાં આ ઘટના માટે સરકારને જવાબદાર ઠેરવી હતી.
જે પૈકી સુરત સિટિઝન્સ કાઉન્સિલ ટ્રસ્ટની સમિતિના અધ્યક્ષપદે ગુજરાત હાઇકોર્ટના ભૂતપૂર્વ કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ આર. એ. મહેતા હતા. આ સમિતિમાં ઇજનેરો, આર્કિટેક્ટ અને સમાજવિજ્ઞાનીઓને સામેલ કરાયા હતા.
જોકે, બંને સમિતિઓના રિપોર્ટની વિપરીત ગુજરાત સરકારે પૂરને ‘કુદરતી આપત્તિ’ ગણાવી હતી.

રિપોર્ટમાં શું હતું?

ઇમેજ સ્રોત, Nirbhay Kapadia
ડાઉન ટુ અર્થના એક અહેવાલ અનુસાર પીપલ્સ કમિટીના રિપોર્ટમાં ઉકાઈ ડૅમનાં કાર્યોની અવ્યવસ્થાને પૂર માટે કારણભૂત ગણાવ્યું હતું.
રિપોર્ટ અનુસાર આ આપત્તિ ટાળી શકાઈ હોત, ઓછામાંં ઓછું તેની તીવ્રતામાં ઘટાડો કરી શકાયો હોત.
રિપોર્ટમાં થયેલી નોંધ અનુસાર,"જો સત્તાધીશોએ આગામી પૂરનાં એંધાણ નોંધ્યાં હોત અને ઝડપથી ડૅમમાંથી પાણી છોડ્યું હોત તો પૂરની આપત્તિ ટાળી શકાઈ હોત."
સમિતિએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, "સરકારે કેન્દ્રીય વૉટર કમિશનની આગાહીથી વિપરીત કામ કર્યું હતું. ડિસ્ટ્રિક્ટ કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરે આપત્તિ તરફ ધ્યાન દોરવાનો પ્રયાસ કરેલો પરંતુ તેમની ચેતવણીની ઉપેક્ષા કરાઈ હતી."
નિષ્ણાતોએ આ આપત્તિને ‘માનવસર્જિત’ ગણાવી હતી.
સુરત સિટિઝન્સ કમિટીના સભ્ય બિશ્વસ્વરૂપ દાસે આ આપત્તિનાં કારણો અંગે વાત કરતાં સંસ્થાને જણાવ્યું હતું કે, "આ આપત્તિનું મૂળ કારણ ભૂલભરેલા શહેરી વિકાસની રીતો છે. શહેરના ડ્રેનેજ નેટવર્કના મહત્ત્વપૂર્ણ ભાગ તરીકે નદીનો અભ્યાસ કરવામાં સત્તાધીશો નિષ્ફળ નીવડ્યા છે. જેના કારણે પૂરનાં મેદાનોનો વિકાસના નામે ઉપયોગ કરી લેવાયો છે. સુરતનો ભૂતકાળ પૂરગ્રસ્ત રહ્યો છે. શહેરના વિકાસની સાથે આ સ્થિતિ વધુ વિકટ બની છે."














