એવા બિનપરંપરાગત પાકો જેનાથી ગુજરાતના ખેડૂતો લાખોની કમાણી કરી શકે છે

ડ્રેગન ફ્રૂટ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રુચિતા
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"મારા પહેલાં મારા પિતા મગફળી, રાયડો અને કપાસની ખેતી કરતા હતા. મેં બિનપરંપરાગત પાકો લેવાના શરૂ કર્યા. હું છેલ્લાં ત્રણ વર્ષથી ડ્રેગન ફ્રૂટની ખેતી કરું છું."

"હું જૂનાગઢથી ડ્રેગન ફ્રૂટના છોડ લાવ્યો હતો. મેં 2.5 એકરમાં તેને લગાવ્યાં છે. ડ્રેગન ફ્રૂટને પાકવામાં એક વર્ષ લાગે છે. ડ્રેગન ફ્રૂટના છોડ પર 4 ડ્રેગન ફ્રૂટ આવે છે. પણ અમે સારી ગુણવત્તાનાં છોડ લાવ્યા હતા એટલે અમારે એક જ છોડ પર 6 ડ્રેગન ફ્રૂટ આવ્યાં છે."

આ શબ્દ છે કચ્છના નખત્રાણામાં રહેતા ખેડૂત અંકિત પટેલના.

તેઓ જણાવે છે કે "ગયા વર્ષમાં તેમના 2.5 એકરના ખેતરમાં 12 ટન ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન થયું હતું અને 17 લાખનો નફો થયો હતો."

આણંદની ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર સી.કે. ટિંબડિયા કહે છે કે, "નવો પાક આવે ત્યારે ખૂબ જ ઓછા ખેડૂતો તેને અપનાવતા હોય છે. તેથી જેણે શરૂઆતમાં આ પાકોને અપનાવ્યા હોય તે ખૂબ જ સારી કમાણી કરી લેતા હોય છે."

બિનપરંપરાગત પાકો મોટા ભાગે વધુ સારો નફો આપવાનો અવકાશ ધરાવે છે કારણ કે આ પાકોની માગ છે પરંતુ સ્થાનિક ખેડૂતો દ્વારા જરૂરિયાત પૂરી કરવામાં આવી નથી. તેથી તેમાં નફાનો વધુ સારો અવકાશ છે.

આવા બિનપરંપરાગત પાકોનું શ્રેષ્ઠ ઉદાહરણ ડ્રેગન ફ્રૂટ છે. છેલ્લાં અમુક વર્ષથી ખેડૂતો દર સીઝનમાં લાખોની કમાણી કરી રહ્યા છે.

આ અહેવાલમાં અમુક બિનપરંપરાગત પાકો વિશે જાણીશું કે જેનાથી ખેડૂતોને વધુ સારું ઉત્પાદન અને તેથી વધુ સારો નફો મેળવી શકે છે.

સ્ટ્રૉબેરી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કચ્છમાં સ્ટ્રૉબેરીની ખેતી કરી રહ્યા છે ખેડૂતો

બિનપરંપરાગત પાક

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સ્ટ્રૉબેરી

હરેશભાઈ ઠક્કર કચ્છના ભુજમાં સ્ટ્રૉબેરીની ખેતી કરે છે. તેઓ કહે છે કે, "હું મહારાષ્ટ્રના લોનાવાલા ગયો હતો. મેં ત્યાં જોયું કે સ્ટ્રૉબેરી માટે ઠંડું વાતાવરણ અને પહાડી વિસ્તાર જોઈએ અને તે ઓછાં પાણીમાં પાકતો પાક છે. તેથી મને લાગ્યું કે કચ્છમાં એપ્રિલ સુધી ઠંડું વાતારણ રહે છે અને પાણી પણ ખાસ નથી જોઈતું તેથી અહીંયા મમનો પાક લઈ શકાય."

"આ વિચારીને મેં ચાર વર્ષ પહેલાં સ્ટ્રૉબેરીનું વાવેતર શરૂ કર્યું. પહેલી વખત અડધા એકરમાં સ્ટ્રૉબેરીનું વાવેતર કર્યું. લોકો માનવા તૈયાર નહોતા કે કચ્છ જેવા વિસ્તારમાં સ્ટ્રૉબેરી થઈ શકે."

"આજની તારીખમાં મારે 7 એકરની જમીનમાં સ્ટ્રૉબેરી પાકે છે. મારે ગયા વર્ષે 40-50 ટન સ્ટ્રૉબેરી થઈ હતી, જેના દ્વારા મને 70 લાખની કમાણી થઈ હતી."

"મહારાષ્ટ્રમાં જયારે માર્ચ મહિનામાં સ્ટ્રૉબેરી પતી જાય છે ત્યારે અમારે ત્યાં એપ્રિલમાં પણ સ્ટ્રૉબેરી રહે છે. તેનું કારણ એ છે કે, મેં ખેતરમાં સ્પ્રીન્ક્લર લગાવ્યાં છે, તેનાથી મેં ખેતરનું તાપમાન 10-12 ડિગ્રી ઓછું રાખ્યું છે."

"સ્ટ્રૉબેરીની બજારમાં માગ છે અને તે માગ અમે પૂરી કરી રહ્યા છીએ તેથી અમારી કમાણી સારી થાય છે."

"બીજું એ કે, જયારે ગુજરાતમાં મહારાષ્ટ્રમાંથી સ્ટ્રૉબેરી આવતી હતી તો તે ગુજરાત આવતા સમય લાગતો અને બગડી જતી, જયારે અમારી સ્ટ્રૉબેરી તરત જ ગુજરાતમાં લઈ જઈ શકાય છે અને તે તાજી રહે છે. તેથી તેની માગ વધારે છે."

ડ્રેગન ફ્રૂટ

કચ્છના અંકિત પટેલે કાયદાનો અભ્યાસ કર્યો છે. પરંતુ તેમણે પાછળથી તેમના પિતાની ખેતીમાં જોડાવાનું નક્કી કર્યું, તેથી તેમણે તેમના ખેતરમાં નવા પાક લાવવાનું નક્કી કર્યું. અંકિત કહે છે કે તેમને નવા પાકોની ખેતીથી સારી કમાણી થાય છે.

તેઓ જણાવે છે કે, "હું જૂનાગઢથી ડ્રેગન ફ્રૂટના છોડ લાવ્યો હતો. મેં 2.5 એકરમાં તેને લગાવ્યા છે. ડ્રેગન ફ્રૂટને પાકવામાં એક વર્ષનો સમય લાગે છે. ડ્રેગન ફ્રૂટના છોડ પર 4 ડ્રેગન ફ્રૂટ આવે છે. પણ અમે સારી ગુણવત્તાના છોડ લાવ્યા હતા એટલે અમારે એક જ છોડ પર 6 ડ્રેગન ફ્રૂટ આવ્યા છે."

"અમારે ગયા વર્ષમાં 2.5 એકરમાં 12 ટન ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન થયું છે અને 17 લાખનો નફો થયો છે."

"શરૂઆતમાં ડ્રેગન ફ્રૂટ માટે 5-6 લાખના રોકાણની જરૂર પડે છે, પરંતુ આ માત્ર એક વખતનું રોકાણ છે, ત્યાર બાદ તેનો નફો ખૂબ જ ઊંચો છે."

તેમનું કહેવું છે કે, "મારે મગફળી કરતા 60-70 ટકા નફો વધી ગયો છે."

ડ્રેગન ફ્રૂટના ખરીદદારોમાં મોટા મૉલમાં વેચાણકર્તાઓનો સમાવેશ થાય છે.

અંકિત પટેલ અનુસાર ડ્રેગન ફ્રૂટ માટે રેતાળ માટી જોઈ છે. તે 45 ડિગ્રી સુધી ગરમ હવામાન સહન કરી શકે છે. તેને સારી ગુણવત્તાયુક્ત પાણીની જરૂર છે જે ખારું ન હોય.

હિંમતનગરના મહેરપુરા ગામના રસિકભાઈ પણ ડ્રેગન ફ્રૂટની ખેતી કરે છે. તેઓ છ એકરમાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરે છે. તેઓ કહે છે, "મને એક એકર દીઠ 10 લાખની કમાણી થાય છે."

રસિક કહે છે કે ડ્રેગન ફ્રૂટની ખાસિયત એ છે કે, તેને ખૂબ જ ઓછું પાણી જોઈએ છે અને તેને બીજી કોઈ જંતુનાશક દવાની પણ જરૂર નથી પડતી. તેથી તેના વાવેતરમાં એવો ખર્ચો નથી થતો.

રસિક કહે છે કે અમારે મહેરપુરામાં 25-30 ખેડૂત ડ્રેગન ફ્રૂટની ખેતી કરે છે અને તેમનાં ખેતરોમાં ખૂબ બ સારું ઉત્પાદન થઈ રહ્યું છે.

તાઇવાન પિન્ક જામફળ - પ્રતીકાત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તાઇવાન પિન્ક જામફળ

તાઇવાન પિન્ક જામફળ

ભુજના નખત્રાણામાં રહેતા અંકિત પટેલ ડ્રેગન ફ્રૂટની સાથે તાઇવાન પિન્ક નામના જામફળની પણ ખેતી કરે છે.

તેઓ કહે છે કે, "હું છેલ્લાં ત્રણ વર્ષથી જામફળની આ જાતની ખેતી કરું છું."

"આ જાતનાં જામફળ વર્ષમાં બે વાર લઈ શકાય છે. એક વાર મે મહિનામાં અને બીજું ડિસેમ્બરમાં."

"મેં ગયા વર્ષ 2.5 એકરમાં તાઇવાન પિન્ક જામફળની ખેતી કરી છે. મારે ત્યારે 19 ટનનો પાક થયો હતો અને તેના દ્વારા 12 લાખ રૂપિયાની કમાણી થઈ હતી. અને આ તો ફક્ત એક ઋતુના પાકની વાત છે. બે પાક લેવાથી નફો બમણો થઈ જાય છે.નો નફો થયો હતો

મોસંબી

સાબરકાંઠાના રસિકભાઈ મોસંબીની ખેતી કરે છે.

તેઓ કહે છે કે, "મેં 12 વર્ષ પહેલાં મોસંબીના છોડ લગાવ્યા હતા અને છેલ્લાં ચાર-પાંચ વર્ષથી મોસંબી આવવાની શરૂ થઈ છે."

"હું 8 એકરમાં મોસંબીની ખેતી કરું છું. મારી પાસે એક એકરમાં 150 મોસંબીનાં રોપાં છે. અને મને એક એકરમાં 1.5-2 લાખ રૂપિયાની કામણી થાય છે. મોસંબીની ખાસ વાત એ છે કે તેનો પાક વર્ષમાં બે વાર લઈ શકાય, તેથી નફો વધી જાય છે."

"પાછો તેમાં ખર્ચો પણ ઓછો થાય છે, 20-35 હઝાર જેવો ખર્ચ વર્ષમાં થાય છે. મોસંબીની ખેતી કરવાથી મારો નફો ડબલ થઈ ગયો છે."

આ સિવાય બીજા બિનપરંપરાગત પાકો વિશે વાત કરતા ડૉક્ટર ટિંબડિયા કહે છે કે, "તાપી જિલ્લા 2007માં ગુજરાતમાં પહેલી-વહેલી વખત મીઠી મકાઈની ખેતી શરૂ કરવામાં આવી હતી. તે સમયે તેની કોઈ માંગ પણ નહોતી."

"પરંતુ આજે 15 વર્ષે તે ઉચ્છલ ગામમાં દરેક ખેતરમાં મીઠી મકાઈની ખેતી થાય છે અને ખેડૂતોને સારી કમાણી થઈ રહી છે."

"આ પાકોમાં ઉત્પાદન વધવાનો એટલો અવકાશ છે કે ખેડૂત 20 ટકા ઊપજ પોતાની પાસે રાખ્યા પછી બાકીના 80 ટકાનું બજારમાં વેચાણ કરી શકે છે."

શું ગુજરાતનું વાતાવરણ નવા પાકો માટે યોગ્ય છે?

મોસંબી - પ્રતીકાત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોસંબી - પ્રતીકાત્મક તસ્વીર

સાબરકાંઠાના બાગાયત વિભાગના નાયબ નિયામક ડી. બી. પટેલ બીબીસી સાથે વાત કરતા કહે છે કે, "સાબરકાંઠામાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર છેલ્લાં બે વર્ષથી શરૂ થયું છે. આ છોડ એક જ વર્ષમાં ફળ આપવા લાગે છે."

"ડ્રેગન ફ્રૂટની એક જ ડાળખીમાં ચાર ફળ આવે છે. એક જ છોડમાં 12-27 કિલો ફળ આવી શકે છે. આથી એવું કહી શકાય કે છોડ દીઠ ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન નફાકારક છે."

"આ સિવાય, ગુજરાત ખારેક માટે ઉત્તમ સ્થાન બન્યું છે. જ્યાં જ્યાં ખારું પાણી છે ત્યાં ત્યાં ખારેકનું વાવેતર શક્ય બન્યું છે."

"ભારતભરમાં ખારેક ફક્ત ગુજરાતમાં જ થાય છે. પહેલાં ખારેક કચ્છમાં થતી હતી પણ હવે સૌરાષ્ટ્રના ખારા પાણીમાં પણ થાય છે."

"ફેર એ છે કે ખારેકમાં જ્યારથી જૉર્ડન અને ઇઝરાયલથી ટિશ્યુ કલ્ચર છોડ આવ્યા છે ત્યારથી ખારેકનું ઉત્પાદન બમણું થઈ ગયું છે. તેથી તેનું ઉત્પાદન વધ્યું છે."

સાબરકાંઠા શાકભાજીના ઉત્પાદન માટે પ્રખ્યાત છે. પરંતુ જેમ જેમ પાણીનું સ્તર નીચું જઈ રહ્યું છે તેમ ખેડૂતો ફળના પાક લેવા લાગ્યા છે. સાબરકાંઠાનું સૂકું વાતાવરણ આવા બહારના પાકોને માફક આવે છે એટલે આવા પાકો ખેડૂતો લેવા લાગ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશનતમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.