શું હવામાંથી જાતે પાણી બનાવી શકાય? આ ટેકનિક શું છે?

પાણી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, સુસી બેર્ન
    • પદ, ટેકનોલૉજી સંવાદદાતા

કેરળના કાલિકટ તરીકે પણ ઓળખાતા કોઝિકોડ શહેરમાં 2016માં ગંભીર દુષ્કાળ પડ્યો ત્યારે વિદ્યાર્થી સ્વપ્નિલ શ્રીવાસ્તવ સહિતના લોકોને રોજ મર્યાદિત પ્રમાણમાં પાણી મળતું હતું.

સ્વપ્નિલ કહે છે, “અમને દિવસમાં બે ડોલ પાણી જ મળતું હતું. તેને અમે પાણીની ટાંકીમાં એકઠું કરતા હતા.”

પાણી પુરવઠાની સમસ્યા દેશના કેટલાક ભાગોમાં અસામાન્ય બાબત નથી, પરંતુ સ્વપ્નિલ અને પ્રદેશના અન્ય લોકો માટે તે મુશ્કેલ મહિનો હતો. “તે બહુ ભેજવાળો વિસ્તાર હતો. વ્યવસ્થાપન શક્ય ન હતું.”

સ્વપ્નિલને પાણીની અછતના વિષયમાં પહેલાંથી જ રસ હતો અને તેઓ શહેરોમાં પાણીની ભાવિ પરિસ્થિતિ વિશેની વિદ્યાર્થીઓની સ્પર્ધામાં 2012માં પ્રથમ ઈનામ પ્રાપ્ત કર્યું હતું, પરંતુ અનુભવે તેમના પર ઉકેલો શોધવાનું દબાણ આણ્યું હતું.

તેઓ કહે છે, “પ્રેરણાનું એક તત્ત્વ સ્ટાર વૉર્સ ફિલ્મમાંનું હવામાંથી પાણી મેળવવાનું યંત્ર હતું. મેં વિચાર્યું કે તેનો પ્રયાસ શા માટે ન કરવો જોઈએ? તે જિજ્ઞાસા પર આધારિત કામ હતું.”

ઘણાં વર્ષો પછી 2019માં એ વિચાર તેમને ગોવિંદા બાલાજીને તથા વેંકટેશ રાજાને બેંગલુરુસ્થિત સ્ટાર્ટઅપ ઉરાવુ લૅબ્સની સ્થાપના કરવા તરફ દોરી ગયો હતો.

તેમની સિસ્ટમ એટમોસ્ફિયરિક વૉટર જનરેટર્સના ઉપયોગ વડે હવાને પાણીમાં રૂપાંતરિત કરે છે. એટમોસ્ફિયરિક વૉટર જનરેટર્સમાં લિક્વિડ ડેસિકન્ટ હોય છે, જે હવામાંથી ભેજને શોષી લે છે.

સૂર્યપ્રકાશ અથવા અક્ષય ઊર્જાનો ઉપયોગ કરીને તેઓ ડેસિકન્ટને 65 ડિગ્રી સેન્ટિગ્રેડ સુધી ગરમ કરે છે, જે ભેજને મુક્ત કરે છે અને બાદમાં તેને પીવાના પાણીની સ્વરૂપમાં પરિવર્તિત કરી શકાય છે.

પાણીની અછત

બેંગ્લોરસ્થિત સ્ટાર્ટઅપ ઉરાવુ લેબ્સના સ્થાપક સ્વપ્નિલ શ્રીવાસ્તવ, ગોવિંદા બાલાજીને તથા વેંકટેશ રાજા

ઇમેજ સ્રોત, Uravu

ઇમેજ કૅપ્શન, બેંગલુરુસ્થિત સ્ટાર્ટઅપ ઉરાવુ લેબ્સના સ્થાપક સ્વપ્નિલ શ્રીવાસ્તવ, ગોવિંદા બાલાજીને તથા વેંકટેશ રાજા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સ્વપ્નિલના જણાવ્યા મુજબ, આખી પ્રક્રિયામાં લગભગ 12 કલાકનો સમય લાગે છે. આજે દરેક યુનિટ પીવાની લગભગ 2,000 લીટર પાણીનું ઉત્પાદન કરે છે.

તેમનું વિઝન પાણીની તંગીનો સામનો કરતા સમુદાયોને પીવાનું પાણી પૂરું પાડવાનું હતું, પરંતુ તે આર્થિક રીતે પોસાય તેવું ન હતું.

શ્રીવાસ્તવ કહે છે, “અમને સમજાયું હતું કે ટેકનોલૉજીને વિકસાવવા વધારે સમયની અને ખર્ચમાં ઘટાડો કરવાની જરૂર છે અથવા કોઈએ અમને ભંડોળ આપવું પડશે, પરંતુ અમને ભારતમાંથી સપોર્ટ મળ્યો ન હતો.”

હાલ તેઓ હૉસ્પિટાલિટી ઉદ્યોગના 40 ગ્રાહકોને પાણી વેચે છે. એ ગ્રાહકો પીવાનું પાણી પૂરું પાડવા માટે તેનો ઉપયોગ કરે છે.

“અમે નોન-પ્રોફિટ અને કૉર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી વિભાગો સાથે પણ પ્રયાસ કર્યા હતા, પરંતુ અનેક કંપનીઓ ટેકનોલૉજીથી દૂર રહી હતી. તેમને લાગતું હતું કે તે ઉપયોગી સાબિત નહીં થાય. અમારે કૉમર્શિયલ કન્ઝમ્પ્શન ઍપ્લિકેશન્સ ભણી વળવું પડ્યું હતું, કારણ કે તેઓ અમને પૈસા ચૂકવવા તૈયાર હતા અને તેમના માટે એ સાતત્યસભર વિકલ્પ હતો.”

પાણીની અછત કોઈ નવી વાત નથી, પરંતુ ખાસ કરીને ગ્લોબલ સાઉથમાં ઘણા દેશો આબોહવા પરિવર્તન સંબંધી તીવ્ર દુષ્કાળનો અને પૂરનો સામનો કરી રહ્યા છે. તે પાણીના સ્રોતોને દૂષિત કરે છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘના ફૂડ ઍન્ડ એગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશન (ફાઓ)ના જણાવ્યા મુજબ, વૈશ્વિક વસ્તીના 50 ટકાથી વધુ એટલે કે ચાર અબજ લોકો મહિનામાં ઓછામાં ઓછા એક વખત પાણીની અછતનો સામનો કરે છે. 2025 સુધીમાં 1.8 અબજ લોકો એવા દેશો અથવા પ્રદેશોમાં રહેતા હશે, જ્યાં પાણીની ‘સંપૂર્ણ’ અછત હોય.

તેનો જવાબ એટમોસ્ફિયરિક વૉટર જનરેશન ટેકનોલૉજી હોઈ શકે? તેને અક્ષય ઊર્જા વડે સંચાલિત કરી શકાય છે. ઊર્જા કાર્યક્ષમ હોવાને લીધે તે પરંપરાગત જળ માળખાકીય સુવિધાઓની જરૂરિયાત વિના પાણીનો તાજો સ્રોત પ્રદાન કરવાની એક રીત છે, જે તેને અંતરિયાળ વિસ્તારોમાં એક આકર્ષક વિકલ્પ બનાવે છે.

ટેકનોલૉજી માટેનું માર્કેટ ઉપલબ્ધ હોય તેવું લાગે છે. ગ્લોબલ માર્કેટ ઇન્સાઇટ્સના એક અહેવાલ મુજબ, 2022માં 3.4 અબજ ડૉલરનું મૂલ્ય ધરાવતું એટમોસ્ફિયરિક વૉટર જનરેશન માર્કેટ 2032 સુધીમાં 13.5 અબજ ડૉલરનું થવાની ધારણા છે.

આખી પ્રક્રિયા શું છે?

સ્થાનિક રીતે પાણીનું ઉત્પાદન કરવાથી ટ્રાન્સપોર્ટના ઝંઝટથી બચી શકાય છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સ્થાનિક રીતે પાણીનું ઉત્પાદન કરવાથી ટ્રાન્સપૉર્ટના ઝંઝટથી બચી શકાય છે

તેમના જણાવ્યા મુજબ, એટમોસ્ફિયરિક વૉટર જનરેશન માટે બે મુખ્ય પદ્ધતિ છે. સૌપ્રથમ કૂલિંગ અને કન્ડેન્સેશન પ્રક્રિયા છે, જે ભેજવાળી હવાને તે ઝાકળ બની જાય તે બિંદુ સુધી ઠંડી કરે છે. તેને લીધે પાણીની વરાળ પ્રવાહી જળમાં રૂપાંતરિત થાય છે.

બીજી પદ્ધતિ ડેસિકન્ટ આધારિત સિસ્ટમ છે, જે હવામાંથી ભેજને શોષવા માટે હાઇગ્રોસ્કોપિક સામગ્રીનો ઉપયોગ કરે છે અને પછી તેને હીટિંગ પ્રોસેસ દ્વારા મુક્ત કરે છે.

પોતાના સામાજિક ઉદ્યોગ સાહસ માજિક વૉટર દ્વારા સહ-સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ બેથ કોઈગી કેન્યાના શુષ્ક તથા અર્ધ-શુષ્ક પ્રદેશોમાં લગભગ 40 એટમોસ્ફિયરિક વૉટર જનરેટર્સ એકમોનું સંચાલન કરે છે. હવામાંથી ભેજ મેળવવા તેઓ કૂલિંગ અને ઘનીકરણ પર આધારિત તકનીકોનો ઉપયોગ કરે છે.

તેમણે 2017માં કંપનીની સ્થાપના કરી હતી. 2016માં નૈરોબીમાં અભ્યાસ કરતી વખતે બેથ કોઈગીએ દુષ્કાળ દરમિયાન પાણીની અછતનો અનુભવ પહેલી વખત કર્યો હતો અને તેમને માજિક વૉટર શરૂ કરવાની પ્રેરણા મળી હતી.

ઘણા લોકો રસોઈ, પીવા અને સ્નાન માટે પાણી લાવવા નજીકની નદીએ જતા હતા. બેથ કોઈગીના જણાવ્યા મુજબ, તેઓ દૂષિત પાણી પીવા તૈયાર ન હતા.

તેઓ કહે છે, “મને સમજાયું હતું કે આપણે પાણીનું મૂલ્ય સમજતા નથી, કારણ કે કાયમ ઉપલબ્ધ હોય છે.”

તેમણે પાણીના અન્ય સ્રોતો વિશે વિચારવાનું શરૂ કર્યું હતું અને ઍર-ટુ-વૉટર સિસ્ટમ વિકસાવતા પહેલાં વૉટર ફિલ્ટર કંપનીની સ્થાપના કરી હતી.

માજિક વૉટર બિન-સરકારી સંગઠનો અને માનવતાવાદી સંસ્થાઓ સાથે કામ કરે છે તેમજ તેનું વેચાણ સ્ટોર્સમાં પણ થાય છે.

માજિકનું સૌથી મોટું યુનિટ 24 કલાકમાં 500 લીટર પાણીનું ઉત્પાદન કરે છે અને તેને શાળાઓ તથા નાના સમુદાયોમાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે.

તેમની કંપનીની સિસ્ટમની મોટી માગ છે, પરંતુ બેથ કોઈગી તેને કાયમી ઉકેલ ગણતા નથી.

તેઓ કહે છે, “મને પ્રામાણિકપણે લાગે છે કે તે પાણીની અછતનો ઉકેલ નથી. તે એક અસ્થાયી ઉકેલ છે. તેનું મુખ્ય કારણ એ છે કે તે સસ્તું નથી.”

ટેકનોલૉજી આપણને શું મદદ કરી શકે?

માજિક વોટર કેન્યાના શુષ્ક તથા અર્ધ-શુષ્ક પ્રદેશોમાં લગભગ 40 એટમોસ્ફિયરિક વોટર જનરેટર્સ એકમોનું સંચાલન કરે છે

ઇમેજ સ્રોત, Majik Water

ઇમેજ કૅપ્શન, માજિક વોટર કેન્યાના શુષ્ક તથા અર્ધ-શુષ્ક પ્રદેશોમાં લગભગ 40 એટમોસ્ફિયરિક વોટર જનરેટર્સ એકમોનું સંચાલન કરે છે

ગ્લોબલ માર્કેટ ઇનસાઇટ્સના રિસર્ચ તથા કન્સલ્ટિંગ વિભાગના ઍસોસિએટ ડિરેક્ટર અવિનાશ સિંઘના કહેવા મુજબ, ઉત્પાદકો ઍર-ટુ-વૉટર જનરેશન સિસ્ટમ્સને વધુ ઊર્જા કાર્યક્ષમ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

“દાખલા તરીકે, કોમ્પ્રેસર્સ, હીટ એક્સચેન્જર્સ અને ડેસિકન્ટ્સમાં નાવીન્ય લાવવાથી આવી સિસ્ટમની ઊર્જા કાર્યક્ષમતામાં સુધારો થયો છે.”

તેઓ ઉમેરે છે કે સરકારી સમર્થન, સબસિડી અથવા પર્યાવરણીય નિયમો વડે ટેકનોલૉજી અપનાવવાનું પ્રમાણ વધી શકે છે.

તાજેતરની એક ઘટના આવી વૉટર સિસ્ટમ્સને અપનાવવામાં મદદરૂપ થઈ છે અને તે છે ડિજિટલ પેમેન્ટ્સ.

ઈટાલીમાં વડુંમથક ધરાવતી વેરાગોનનું વડુંમથક ઈટાલીમાં છે. તે મધ્ય-પૂર્વ એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકામાં વૉટર પ્રોડક્શન યુનિટ્સ ધરાવે છે.

વેરાગોન ગ્લોબલ બિઝનેસના ડિરેક્ટર સ્ટીફન વ્હાઇટ કહે છે, “અમે ઓફ-ગ્રીડ સમુદાયો સાથે શરૂઆત કરી હતી. તે રોકડ આધારિત સમાજ હતો, જે ખરેખર વ્યવહારુ ન હતો. આજકાલ તે ડિજિટલાઇઝ્ડ થઈ રહી છે.”

“દાખલા તરીકે, કંબોડિયાનો મોટા ભાગનો વિસ્તાર 4G હેઠળ આવરી લેવામાં આવ્યો છે અને કોવિડ દરમિયાન ત્યાં ઈ-વોલેટ્સમાં જબરો ઉછાળો નોંધાયો હતો. ત્યાં ઘણું સારું પ્રાઇવેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાર્ટનરશિપ છે. સરકારે તેમાં સામેલ થવાની જરૂર નથી અને અમે બહુ ઓછી કિંમતે ત્યાં પાણી વેચીએ છીએ.”

તેમનું કહેવું છે કે આગામી થોડા મહિનાઓમાં તમામ યુનિટ્સને ડિજિટલ બનાવવામાં આવશે.

જોકે, તે યુનિટ્સની કિંમત સસ્તી નથી. વેરાગોનના કહેવા મુજબ, કૂલિંગ અને કન્ડેન્સિંગ સિસ્ટમનો ઉપયોગ કરતા તેના યુનિટ્સની કિંમત 60,000થી 70,000 ડૉલરની વચ્ચે છે.

દરમિયાન, બેથ કોઈગી જણાવે છે કે તેમના એક મોટા યુનિટની કિંમત 18,000 ડૉલર છે.

દક્ષિણ એશિયામાં ઘણા દેશો આબોહવા પરિવર્તન સંબંધી તીવ્ર દુષ્કાળનો અને પૂરનો સામનો કરી રહ્યા છે
ઇમેજ કૅપ્શન, દક્ષિણ એશિયામાં ઘણા દેશો આબોહવા પરિવર્તન સંબંધી તીવ્ર દુષ્કાળનો અને પૂરનો સામનો કરી રહ્યા છે

જોકે, શ્રીવાસ્તવ જણાવે છે કે સિટુમાં પાણી બનાવવાનું ખર્ચની દૃષ્ટિએ ફાયદાકારક છે, કારણ કે પાણી બહુ ભારે હોય છે અને આસપાસમાં તેનું પરિવહન આસાન નથી.

આગામી સમયના સંદર્ભમાં ઉરાવુ લેબ્સ એ શોધી રહી છે કે ભૌતિક વિજ્ઞાનમાં પ્રગતિથી ડેસિકન્ટ્સની કાર્યક્ષમતામાં સુધારો કેવી રીતે કરી શકાય અથવા હવામાંથી વધુ ભેજને શોષવા માટે અલગ સામગ્રીનો ઉપયોગ કરીને પ્રક્રિયાને વધુ અસરકારક કેવી રીતે બનાવી શકાય.

શ્રીવાસ્તવના કહેવા મુજબ, આવા સંશોધનથી ગરમીની જરૂરિયાત 60 ડિગ્રી સેન્ટિગ્રેડમાંથી 40 ડિગ્રી સેન્ટિગ્રેડ સુધી ઘટાડી શકાશે.

તેઓ ભારત અને સિંગાપુરના ડેટા સેન્ટર્સમાં પોતાના યુનિટ્સ લગાવીને પાઇલટ પ્રોજેક્ટ પણ હાથ ધરવા ઇચ્છે છે.

ડેટા જનરેટર્સમાં મોટા પ્રમાણમાં ગરમીનું ઉત્પાદન થતું હોય છે, જેનો સામાન્ય રીતે કોઈ ઉપયોગ થતો નથી, પરંતુ ઉરાવુ તેનો ઉપયોગ તાજું પાણી બનાવવા માટે કરવા ઇચ્છે છે.

શ્રીવાસ્તવ કહે છે, “આ પ્રક્રિયાને પરિણામે (ડેટા સેન્ટર્સના) પાણીના વપરાશમાં 95 ટકા સુધીનો ઘટાડો થશે, કારણ કે ઉરાવુની સિસ્ટમ મોટા ભાગની ઊર્જાને એકત્ર કરે છે અને ઠંડું પાણી આપે છે. તેથી ટૉપ-અપ માટે બહુ ઓછાં તાજાં જળની જરૂર પડે છે.”