લદ્દાખના 'આઇસમૅન', જેમણે હિમાલયમાં કૃત્રિમ ગ્લૅશિયર બનાવીને ખેડૂતોનું જીવન સરળ બનાવ્યું

લદ્દાખના આઇસમૅન, હિમાલયમાં કૃત્રિમ ગ્લેશિયર, ખેતી

ઇમેજ સ્રોત, KANIKA GUPTA

    • લેેખક, કનિકા ગુપ્તા
    • પદ, બીબીસી ફ્યુચર

લદ્દાખમાં એક સ્થાનિક વ્યક્તિએ ખેતીમાં સિંચાઈ માટે કૃત્રિમ ગ્લૅશિયર(હિમનદી) બનાવ્યાં છે.

તેમણે આ રીતે પાકના વાવેતર દરમિયાન પાણીની અછતને દૂર કરવાનો એક સરળ વિકલ્પ ઉપલબ્ધ કરાવ્યો છે.

લદ્દાખના થિક્સે ગામના ખેડૂત ડોલકરે જૂના દિવસો યાદ કરતાં બીબીસીને કહ્યું હતું, “મને યાદ છે. મારા બાળપણમાં અહીં બહુ બરફ પડતો હતો, જે મારા ઘૂંટણ સુધી પહોંચી જતો હતો, પરંતુ હવે તો વરસાદ પણ નથી પડતો અને એટલી બરફવર્ષા પણ થતી નથી.”

ડોલકરના પૂર્વજો બટાટાની ખેતી કરતા હતા, પરંતુ તેમના શહેરની આસપાસના પહાડો પર જે રીતે બરફના ઢગલામાં ઘટાડો જોવા મળે છે તેમ તેમની પારિવારિક કમાણીમાં પણ ગત વર્ષોમાં ઘટાડો થતો રહ્યો છે.

ડોલકરનું ગામ લદ્દાખની રાજધાની લેહથી પૂર્વમાં 19 કિલોમીટર દૂર છે. તેમણે કહ્યું હતું, “બટાટાના ખેડૂત તરીકે અમારી માસિક કમાણી રૂ. 70,000 સુધીની હતી, જે હવે ઘટીને રૂ. 20,000 સુધી આવી ગઈ છે.”

પીગળતાં ગ્લૅશિયર

લદ્દાખ આઇસમૅન, પાણીની અછત કરી દૂર, કુત્રિમ હિમનદી

ઇમેજ સ્રોત, Getty Images

30 લાખ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા 55,000 હિમાલયન ગ્લેશિયર્સ ‘પોલર કેપ્સ’ની બહાર બરફના સૌથી મોટા પહાડો છે. બરફથી ઢંકાયેલા પૃથ્વીના ધ્રુવોને પોલર કેપ્સ કહેવામાં આવે છે.

જોકે, હવે આબોહવા પરિવર્તનથી હિમાલયની સંવેદનશીલ પર્યાવરણીય વ્યવસ્થા બહુ ખરાબ પ્રભાવના જોખમનો સામનો કરી રહી છે. તેની અસર આ પ્રદેશનાં અર્થતંત્ર, પર્યાવરણ તથા ઇકૉલૉજી પર પણ થશે.

આગામી સદીના અંત સુધીમાં હિમાલયના ગ્લૅશિયર્સનો એક તૃતીયાંશ હિસ્સો ખતમ થઈ જવાની આશંકા વ્યક્ત કરાઈ છે. આવું થવાથી, લગભગ દોઢ અબજ લોકોને પાણી ઉપલબ્ધ કરાવતી એશિયાની નદી-જળ વ્યવસ્થામાં મોટા ફેરફારો થશે.

આ ગ્લૅશિયર્સ પીગળવાથી ખેત ઉત્પાદનને અસર થવાની સાથે સાથે, આ ગ્લૅશિયર્સમાંથી પીગળતા પાણી પર નિર્ભર લગભગ 13 કરોડ ખેડૂતોની રોજીરોટી પણ દાવ પર લાગી જશે.

લદ્દાખની આબોહવા ઠંડી અને શુષ્ક છે. અહીં વાર્ષિક સરેરાશ 86.8 મિલીમીટર વરસાદ થાય છે. તેથી આ પ્રદેશના 80 ટકા ખેડૂતોએ તેમની ખેતીમાં સિંચાઈ માટે ગ્લૅશિયર્સ પર નિર્ભર રહેવું પડે છે.

પાછલાં 30 વર્ષ દરમિયાન બરફવર્ષાના પ્રમાણમાં ઘટાડો થયો છે. તેને લીધે પહાડો પર બરફનું ક્ષેત્ર ઘટ્યું છે. નદીમાંનું પાણી લોકો માટે ઓછું પડી રહ્યું છે અને હિમાલયનાં ગામડાંમાં પાણીની બહુ અછત છે.

બીબીસી ગુજરાતી

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો

પાકની વાવણીમાં ગ્લૅશિયર્સ કેવી રીતે ઉપયોગી છે?

લદ્દાખના આઇસમૅન, હિમાલયમાં કૃત્રિમ ગ્લેશિયર, ખેતી

ઇમેજ સ્રોત, KANIKA GUPTA

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અલબત્ત, ડોલકરના ગામના એક એન્જિનિયરે એક આધુનિક તકનીકનો ઉપયોગ કરીને ગ્લૅશિયર્સના આ સંકટનો સામનો કરવાનો નિર્ધાર કર્યો છે.

ચેવાંગ નોર્ફેલને હવે ‘આઇસમૅન ઑફ લદ્દાખ’ નામે પણ ઓળખવામાં આવે છે. તેમણે થિક્સે પાસે નાંગ ગામમાં એક કૃત્રિમ ગ્લૅશિયર બનાવ્યું છે.

તેમણે પોતાના આ મિશન માટે અનેક ગામોનો પ્રવાસ કર્યો હતો.

એ દરમિયાન તેમને જાણવા મળ્યું હતું કે 80 ટકા ખેડૂતો ગ્લેશિયર પીગળવાથી મળતા પાણી પર વધારે પડતા નિર્ભર હોય છે.

ગ્લૅશિયર્સ પીગળવાથી આવતું પાણી ખેડૂતો માટે મહત્ત્વપૂર્ણ હોય છે, પરંતુ તે જૂનની મધ્યમાં તે વહેવું શરૂ થઈ જાય છે, જ્યારે વાવેતરની મોસમ એપ્રિલથી જ શરૂ થઈ જતી હોય છે.

શિયાળાના લાંબા સમયગાળામાં આ ગ્લૅશિયરનાં પાણીનો ઉપયોગ કરી શકાતો નથી અને તે નદીઓમાં વહી જાય છે.

અલગ-અલગ સમુદાયો માટે આ મહત્ત્વપૂર્ણ સંસાધનને સલામત રાખવા માટે નોર્ફેલે એક કૃત્રિમ ગ્લૅશિયર બનાવવાનો નિર્ણય કર્યો હતો. એ વિચારને આગળ ધપાવીને તેમણે લદ્દાખ વિસ્તારના 10 ગ્રામ્ય પ્રદેશોમાં કૃત્રિમ ગ્લૅશિયર્સ બનાવ્યાં.

નોર્ફેલે કહ્યું હતું, “આપણે જાતે પાણી બનાવી શકતા નથી. તેથી આપણી પાસે જે સંસાધન ઉપલબ્ધ છે તેનો ઉપયોગ કરવાનો એકમાત્ર વિકલ્પ છે.”

ક્યાંથી આવ્યો વિચાર?

લદ્દાખના આઇસમૅન, હિમાલયમાં કૃત્રિમ ગ્લેશિયર, ખેતી

ઇમેજ સ્રોત, KANIKA GUPTA

ઇમેજ કૅપ્શન, ચેવાંગ નોર્ફેલને હવે ‘આઇસમૅન ઑફ લદ્દાખ’ નામે પણ ઓળખવામાં આવે છે

આ ક્ષેત્રના અનેક ગ્રામ્ય વિસ્તારોની માફક નાંગમાં પણ કોઈ સ્થાયી ગ્લૅશિયર નથી અને પાણી ઝરણાં તથા નદીઓમાં વહી જાય છે. વળી એ પાણી ખેડૂતોની જરૂરિયાત સંતોષવા માટે પૂરતું નથી.

ખાસ કરીને એપ્રિલ અને મે મહિનામાં પાકના વાવેતરની મોસમ દરમિયાન પાણીની બહુ અછત સર્જાય છે.

આ સ્થિતિ ખેતી માટે પડકારરૂપ બને છે. ખાસ કરીને વસંતઋતુ દરમિયાન ઘઉં, બટાટા અને બીજા પાકની ખેતી માટે સિંચાઈમાં તેમને પરેશાની થાય છે, કારણ કે બરફ પીગળવાનું ઉનાળાના આગમન પહેલાં શરૂ થતું નથી.

એ સમયગાળા દરમિયાન ખેડૂતો અસમંજસમાં હોય છે કે વાવેતર કરવું કે નહીં.

તેઓ વાવેતર ન કરે તો ઓછી કમાણીનું જોખમ હોય છે અને વાવેતર કરે તો સિંચાઈ માટેના પાણીની અછતની સમસ્યા હોય છે.

આબોહવા પરિવર્તનના પ્રભાવને ધ્યાનમાં લઈને 87 વર્ષના નોર્ફેલે એક આધુનિક તકનીકનો અમલ કર્યો, જે ખેડૂતોને તેમની ઊપજની કમીમાંથી બચાવે છે અને ગ્લૅશિયર્સને તેમના ગામની નજીક પણ લાવે છે.

નોર્ફેલને કહેવા મુજબ, ગ્લૅશિયરનો પાણીનો સંસાધન તરીકે ઉપયોગ કરવાનો વિચાર તેમને, જ્યાંથી સૌથી ઓછી અપેક્ષા હોય તેવી જગ્યાએથી આવ્યો હતો અને એ જગ્યા હતી તેમના ઘરની પાછળના બાગમાંનો નળ.

તેમણે કહ્યું હતું, “શિયાળામાં પાણી આવતું રહે એટલા માટે અમે નળને ખુલ્લો રાખીએ છીએ. અન્યથા પાણી પાઇપમાં જામી જાય છે અને તે ફાટી જવાનો ખતરો હોય છે. તેથી સામાન્ય રીતે એ પાણી વહીને બરબાદ થઈ જાય છે.”

એક દિવસ નોર્ફેલને બરફનો નાનો ટુકડો જોવા મળ્યો હતો. એ ચાલુ નળ પૈકીના એકની નીચે જામેલો હતો. પાણી એક છાંયડાવાળી જગ્યામાં એકઠું થયું હતું અને ત્યાં જ જામી ગયું હતું, કારણ કે તેના પર પ્રકાશ પડતો ન હતો.

તેમને વિચાર આવ્યો કે બરબાદ થતા પાણીને એકઠું કરીને બરફની જેમ જમાવવામાં આવે તો આખા ગામ માટે એક કૃત્રિમ ગ્લૅશિયર બનાવી શકાય.

નોર્ફેલે એક યોજના અનુસાર, અલગ-અલગ ઊંચાઈ પર અનેક ગ્લૅશિયર્સ બનાવ્યાં હતાં અને એ ગામના લોકોને લાભ આપવાનું કામ કરવાના હતા.

તેમના જણાવ્યા મુજબ, ગામની નજીક સૌથી ઓછી ઊંચાઈ પર બનાવવામાં આવેલું ગ્લૅશિયર સૌથી પહેલાં પીગળે છે અને વસંતઋતુમાં વાવેતર માટે જરૂરી સિંચાઈ માટેનું પાણી તેમાંથી મળી રહે છે.

તાપમાન વધવાની સાથે વધારે ઊંચાઈ પરના ગ્લૅશિયર પીગળવા લાગે છે અને નીચે આવેલાં ખેતરોને પાણી સતત અને સમયસર મળતું રહે છે.

શું છે ‘આઇસવૉલ તકનીક’

લદ્દાખના આઇસમૅન, હિમાલયમાં કૃત્રિમ ગ્લેશિયર, ખેતી

ઇમેજ સ્રોત, Getty Images

નાંગ ગામ અત્યંત ઊંચા પહાડોની નીચે વસેલું છે. નોર્ફેલના વિખ્યાત કૃત્રિમ ગ્લૅશિયર્સ તરફ ઇશારો કરતું બૉર્ડ અહીં આવતા મહેમાનોનું સ્વાગત કરે છે.

આ ગ્લૅશિયર સુધી પહોંચવા માટે 30 મિનિટના ખડકાળ રસ્તે ચાલવું પડે છે. તે અહીંના ખાસ પ્રકારના પહાડ પર છે.

સૂર્યનારાયણ બાલાસુબ્રમણ્યમ ‘એકર્સ ઑફ આઇસ’ નામની કંપનીના સ્થાપક છે. આ કંપની કૃત્રિમ ગ્લૅશિયર્સ સહિતના જળ પ્રબંધનની સુવિધા ઉપલબ્ધ કરાવે છે.

સૂર્યનારાયણ સ્વિટ્ઝર્લૅન્ડની યુનિવર્સિટી ઑફ ફ્રીબોમાં કૃત્રિમ બરફના ભંડારો વિશે પીએચ.ડી. કરી રહ્યા છે. ગ્લૅશિયર્સ જળ સંરક્ષણને કેવી રીતે વધારી શકે, એ બાબતે તેઓ આજકાલ સંશોધન કરી રહ્યા છે.

નાંગ ગામના બાલાસુબ્રમણ્યમનું કહેવું છે કે ગામની પહાડ પરની નહેર સહિતની જળસંગ્રહની ખાસ વ્યવસ્થા છે, જે ખીણ સુધી વિસ્તરેલી છે. નહેરની સાથેની ખડકોની દીવાલો પાણીની ગતિમાં નોંધપાત્ર ઘટાડો કરે છે. તેનાથી પાણી ઠંડું પડવાની શક્યતા વધી જાય છે.

આ ખડકાળ દીવાલોનો હેતુ પાણી જામી જવાનું પ્રમાણ વધારવાનો છે. તેના પરિણામે આખો ખીણપ્રદેશ બરફની ચાદર ઓઢી લે છે.

બાલાસુબ્રમણ્યમનું કહેવું છે કે આ ખાસ આધુનિક રીત સફળ થઈ છે. હવે ગામમાં 20 ટકા વધારે પાણી મળવા લાગ્યું છે.

તેમણે કહ્યું હતું, “આ ગ્લૅશિયર મહત્ત્વના એપ્રિલ મહિનામાં અત્યાર સુધીમાં લગભગ 10 ગામોને પાણીની ઉપલબ્ધતાનો લાભ આપી રહ્યું છે. અમે વધુ બે ગ્લૅશિયર બનાવી રહ્યાં છીએ. તે ભૂગર્ભજળના રિચાર્જ કરવાનો એક બહુ સારો ઉપાય પણ છે. લદ્દાખમાં વધુ પર્યટનને કારણે ભૂગર્ભજળનું સ્તર ઝડપથી ઘટી રહ્યું છે.”

મુશ્કિલ કામ પૂર્ણ કરવાની રીત

લદ્દાખના આઇસમૅન, હિમાલયમાં કૃત્રિમ ગ્લેશિયર, ખેતી

ઇમેજ સ્રોત, Getty Images

નાંગના ખેડૂતો ગ્લૅશિયર્સ બનાવવાની આ રીતથી બહુ ખુશ છે. તેમના ગામને વધારે સારી રીતે પાણી મળવા લાગ્યું છે.

નાંગ ગામના 44 વર્ષના ખેડૂત રિગ્ઝેન વાંગયાલે જણાવ્યું હતું કે આવા ગ્લૅશિયર્સ બનાવવામાં આવ્યાં તે પહેલાં પાક માટે જરૂરી પાણી મળવું બહુ મુશ્કિલ હતું.

તેમણે કહ્યું હતું, “કૃત્રિમ ગ્લૅશિયર પહેલાં અમને જરૂર પૂરતું પાણી મળતું ન હતું.”

“બરફવર્ષા બહુ દૂર થતી હતી. તેથી તેને પીગળવામાં બહુ સમય લાગતો હતો અને અમારી પાસે તેનું પાણી આવવામાં તેનાથી પણ વધારે સમય લાગતો હતો. એ વિલંબનો અર્થ એ હતો કે અમારો પાક મોડેથી તૈયાર થતો હતો અને ક્યારેક અમારાં ખેતરો સૂકાઈ જતાં હતાં, કારણ કે અમારી પાસે જરૂરી પાણી ન હતું.”

લદ્દાખના ગામમાં કૃત્રિમ ગ્લૅશિયર્સની યોજનાના અમલ માટે બિનસરકારી સંગઠન લેહ ન્યુટ્રિશન પ્રોગ્રામ (એલએનપી) સક્રિય છે. વાંગયાલ તેની 2013માં બનાવવામાં આવેલી ટીમના એક કાર્યકર્તા છે.

તેમણે કહ્યું હતું, “ઠંડુંગાર તાપમાન હતું ત્યારે અમે જળપ્રવાહને વાળવા જેવા મુશ્કિલ કામ માટે કોદાળી ઉઠાવી હતી. એ વખતે મારી પાસે ઠંડીમાં પહેરવાનાં પગરખાં પણ ન હતાં, પરંતુ મેં મારા સમાજ માટે આ કામ કર્યું. હવે કૃત્રિમ ગ્લૅશિયર્સ અમારા માટે પાણીનો પહેલો સ્રોત છે.”

પોતાની કૃત્રિમ ગ્લેશિયર્સ યોજનાને અસરકારક રીતે અમલી બનાવી શકાય એટલા માટે નાર્ફેલ આ સંગઠનમાં 1995માં સામેલ થયા હતા. તેમની સફળતાને દરેક જગ્યાએ બિરદાવવામાં આવી છે અને તેમના કામ માટે તેમને પદ્મશ્રી સન્માન આપવામાં આવ્યું છે.

તેમની સર્જનાત્મક વિચારધારા બીજા અનેક પ્રોજેક્ટ માટે પ્રેરણાદાયી બની છે, જેમાં લદ્દાખના સોનમ વાંગચૂકના આઇસ સ્તૂપનો પણ સમાવેશ થાય છે.

તેમાં જમા થયેલું પાણી સ્તૂપનો આકાર લે છે અને ખેતીની મોસમમાં પીગળીને સિંચાઈ માટે ઉપયોગી બને છે.

જોકે, વાંગચૂકના આ પ્રોજેક્ટ માટે નોર્ફેલને થોડી ચિંતા પણ છે.

તેમણે કહ્યું હતું, “આઇસ સ્તૂપ પણ એક નિવારણ છે અને તેના માટે ગ્લૅશિયર્સથી વિપરીત સતર્કતાથી જગ્યા પસંદ કરવી પડતી નથી, પરંતુ સરળ અને ઓછા ખર્ચના કૃત્રિમ ગ્લેશિયર્સની સરખામણીએ તે વધારે મોંઘા અને જટિલ છે.”

આંતરરાષ્ટ્રીય સમસ્યાઓનું સ્થાનિક નિરાકરણ

લદ્દાખના આઇસમૅન, હિમાલયમાં કૃત્રિમ ગ્લેશિયર, ખેતી

ઇમેજ સ્રોત, KANIKA GUPTA

નિષ્ણાતોનું કહેવું છે કે કૃત્રિમ ગ્લૅશિયર એ જળ સંસાધન વ્યવસ્થાપનનો અસરકારક ઉપાય છે. તેનાથી ગ્લૅશિયર પીગળવાની વૈશ્વિક સમસ્યાનું નિરાકરણ થતું નથી, પરંતુ તે વિશ્વભરના હિમનદીઓ પર જ નિર્ભર અનેક સમુદાયો જે જોખમોનો સામનો કરી રહ્યા છે, તેનું અસરકારક રીતે નિરાકરણ કરી શકે છે.

અમેરિકાની કાર્નેગી મેલોન યુનિવર્સિટીના સિવિલ ઍન્ડ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ વિભાગના આસિસ્ટંટ પ્રોફેસર ડેવિડ રોસના જણાવ્યા મુજબ, આ બહુ અસરકારક ઉપાય છે.

પ્રોફેસર રોસે તેમના તાજેતરના એક સંશોધનપત્રમાં જણાવ્યું છે કે એકવીસમી સદીના અંત સુધીમાં ગ્લૅશિયરના પ્રમાણમાં 25થી 40 ટકા ઘટાડો થઈ શકે છે.

તેમણે જણાવ્યું હતું કે હિમાલય ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતા આઇસ સ્તૂપ અને કૃત્રિમ ગ્લૅશિયર્સ જેવા ઉપાયો અસરકારક સાબિત થઈ રહ્યા છે.

તેમણે કહ્યું હતું, “આ ઉપાયથી મોટા પ્રમાણમાં પાણીનો સંગ્રહ કરી શકાય છે. ઊંચા પહાડોમાં રહેતા લોકોને મીઠા પાણીનો ઉત્તમ સ્રોત મળે છે, પરંતુ આ સમસ્યા વિશે વિચારીએ ત્યારે આપણને સમજાય છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય તરીકે આપણે પ્રયાસ નહીં કરીએ ત્યાં સુધી તાપમાન સતત વધતું રહેશે.”

હિમાલયમાં આબોહવાના સંવર્ધન માટે કામ કરતા આંતર-સરકારી સંગઠન ઇન્ટરનેશનલ સૅન્ટર ફૉર ઇન્ટિગ્રેટેડ માઉન્ટન ડેવલપમૅન્ટ (આઈસીઆઈએમઓડી)એ તાજેતરમાં એક અહેવાલ પ્રકાશિત કર્યો છે.

આ ક્ષેત્રમાં આબોહવા પરિવર્તનના વધતા દુષ્પ્રભાવને ખાળવા તૈયાર રહેવાની ચેતવણી નીતિ નિર્ધારકોને આ રિપોર્ટમાં આપવામાં આવી છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ પરિવર્તનથી માનવજીવન અને પ્રકૃતિ માટે ગંભીર સમસ્યાઓ સર્જાશે.

કૃત્રિમ ગ્લૅશિયર્સથી લાખો લોકોની રોજીરોટી સલામત

લદ્દાખના આઇસમૅન, હિમાલયમાં કૃત્રિમ ગ્લેશિયર, ખેતી

ઇમેજ સ્રોત, KANIKA GUPTA

આઈસીઆઈએમઓડીનાં ડેપ્યુટી ડિરેક્ટર જનરલ ઈઝાબેલા કોઝીલે કહ્યુ હતું, “એશિયામાં બે અબજ લોકો પાણી માટે ગ્લૅશિયર તથા બરફ પીગળવા પર નિર્ભર હોય છે અને અહીં ક્રાયોસ્ફીયર ખતમ થયા બાદ જે ભયાનક પરિણામ આવશે તેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે.”

જમીનની નીચેના હિસ્સાને ક્રાયોસ્ફીયર કહેવામાં આવે છે. તેમાં એકઠા થયેલા પાણીનો ભંડાર હોય છે.

ઈઝાબેલા કોઝીલે કહ્યું હતું, “આ મહાસંકટને રોકવા માટે આપણા નેતાઓ ધ્યાન આપે તે બહુ જરૂરી છે.”

રૌસ દ્વારા 2023માં હાથ ધરવામાં આવેલો અભ્યાસ પાણીની ઉપલબ્ધતા અને લાખો લોકોની રોજીરોટી સલામત રાખવામાં નાનાં ગ્લૅશિયર્સનું મહત્ત્વને સમજાવે છે. ખાસ કરીને મધ્ય યુરોપ અને ઊંચા પહાડોવાળા એશિયન ક્ષેત્રમાં તેનું મહત્ત્વ ઘણું વધી જાય છે.

રૌસે કહ્યું હતું, “આ નાનાં ગ્લૅશિયર નાંગ અને થિક્સે જેવાં ગામોમાં રહેતા પહાડી સમુદાયો માટે બહુ જ મહત્ત્વનાં છે.”

તેમણે ઉમેર્યું હતું કે “વૈશ્વિક સ્તરે (નોર્ફેલની) તકનીક પર વિચારવું બહુ જરૂરી છે, કારણ કે દુનિયાભરમાં અનેક સમુદાય આવાં જળસંસાધનો પર નિર્ભર હોય છે. તેમાં ચિલી અને મધ્ય યુરોપના દેશોનો પણ સમાવેશ થાય છે. તેથી દુનિયાભરના સમુદાયો જળ સંબંધી જે પડકારોનો સામનો કરી રહ્યા છે તેમના માટે આ એક પ્રભાવશાળી સ્થાનિક ઉપાય બની શકે છે.”

નાના સ્તરે આવા પ્રોજેક્ટ આબોહવા પરિવર્તન સંકટનું નિરાકરણ નથી, પરંતુ તેને ઘટાડવાની એક તકનીક છે, એમ જણાવતાં તેમણે કહ્યું હતું, “તેનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ગ્લૅશિયર્સને થતા નુકસાનને રોકી શકાય, એવું માનવું યોગ્ય નથી. કમનસીબે આવું થશે નહીં.”

નોર્ફેલ માને છે કે તેમની સરળ અને ઓછા ખર્ચની તકનીક લાંબા સમય સુધી કામ આવશે.

તેમણે કહ્યું હતું, “આપણે પાણી પેદા કરી શકતા નથી, પરંતુ ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરી શકીએ. ગામના લોકોને સામેલ કરીને આપણે યોગ્ય લોકોને, તેઓ તેની સારસંભાળ જાતે લઈ શકે તેની તાલીમ આપી શકીએ. આ કૃત્રિમ ગ્લૅશિયર ગામની નદીઓને ફરી પાણીથી ભરવામાં મદદ કરે છે અને નદીઓ પાણીનો બીજો મહત્ત્વપૂર્ણ સ્રોત છે.”

(બીબીસી ફ્યુચરનો મૂળ લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.)