ગરમ અને સૂકો રણપ્રદેશ ગણાતા દુબઈમાં ગાડીઓ ડૂબી જાય તેવું પૂર કઈ રીતે આવ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
સૂકા અને ગરમ રણપ્રદેશ ગણાતા દુબઈની ઐતિહાસિક ઇમારતો વચ્ચે રસ્તા પર ફરી વળેલાં પાણી અને તેમાં ફસાઈ ગયેલી કારની અહીં ઉપર દર્શાવેલી તસવીર એ કોઈ ડીપ ફેક ટેકનૉલૉજીથી તૈયાર કરેલી તસવીર નહીં, પણ વાસ્તવિક છે. દુબઈએ છેલ્લાં 75 વર્ષનો સૌથી વધુ અને છેલ્લાં દોઢ વર્ષનો બધો જ વરસાદ 15 એપ્રિલથી 16 એપ્રિલના 24 કલાકમાં જ વરસી ગયો છે.
આવા અભૂતપૂર્વ વરસાદમાં દુબઈ અને આસપાસના અન્ય ખાડી દેશોમાં વિવિધ રસ્તાઓ અને શેરીઓમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને ચોતરફ પાણી ફરી વળ્યાં છે. જેમાં લગભગ 20 લોકોનાં મૃત્યુ થયા હતા. આ પૂરને કારણે દુનિયાના બીજા નંબરનું સૌથી વ્યસ્ત ઍરપૉર્ટ પર અનેક ફ્લાઇટો ખોરવાઈ ગઈ હતી.
દુબઈ હવાઈમથકે બુધવારે કહ્યું કે ખૂબ જ પડકારજનક પરિસ્થિતિઓ છે. અમે પ્રવાસીઓને સલાહ આપીએ છીએ કે તેઓ ઍરપૉર્ટ ન આવે કારણ કે રન-વે પર પાણી ભરાઈ ગયું છે.
ઉત્તરમાં એક કાર અચાનક પૂરમાં ફસાઈ ગઈ તેના કારણે એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું.
અધિકારીઓએ ચેતવણી જાહેર કરી હતી કે ભારે તોફાન, વરસાદ અને તોફાની પવન ફૂંકાય તેવાં અનુમાન છે અને કેટલાક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે.
દુબઈ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટની સ્થિતિ કેવી રીતે કથળી?

ઇમેજ સ્રોત, Reuters/Zaheer Kunnath
દુનિયાના બીજા નંબરના સૌથી વ્યસ્ત ઍરપૉર્ટ પર અનેક ફ્લાઇટો આ પૂરને કારણે ખોરવાઈ ગઈ હતી.
જોકે, મંગળવારે સાંજે વરસાદ ઓછો થઈ ગયો હતો પરંતુ દુબઈ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટે બુધવારે સવારે ચેતવણી આપી હતી કે ઍરપૉર્ટને રાબેતા મુજબ શરૂ થતા થોડોક સમય લાગશે.
દુબઈ ઍરપૉર્ટે મંગળવાર સવારે શરૂ થયા બાદ આખો દિવસ ચાલુ રહેલા તોફાનને કારણે 25 મિનિટ માટે કામગીરી સ્થગિત કરવી પડી હતી. ઍરપૉર્ટ પર આવનારાં કેટલાંક વિમાનોને પોતાનો રસ્તો બદલવો પડ્યો અને ઍરપૉર્ટથી જનારી કેટલીક ફ્લાઇટોને રદ કરવી પડી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા વિડિયોમાં એક વિમાન કેટલાંક ઇંચ પાણીમાં તરતું જોવા મળ્યું હતું. ઍરપૉર્ટ ઍપ્રોચ અને ટેક્સી-વે પર પાણી ભરાઈ ગયાં હતાં.
દુબઈ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટે સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર જણાવ્યું, “અમે હાલમાં હવામાનને કારણે નોંધપાત્ર વિક્ષેપ અનુભવી રહ્યા છીએ અને શક્ય તેટલી ઝડપથી સામાન્ય કામગીરી પુનઃસ્થાપિત કરવા માટે અમારી ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમો સાથે સતત કામ કરી રહ્યા છીએ.”
"પૂર અને રસ્તાના અવરોધને કારણે આવનારા અને જનાર પ્રવાસીઓ માટે મર્યાદિત પરિવહન વિકલ્પો બાકી છે. ફ્લાઇટ્સ મોડી પડી રહી છે અથવા તેમને ડાઇવર્ટ કરવામાં આવી રહી છે અને વિસ્થાપિત ક્રૂને અસર થઈ રહી છે."

ઇમેજ સ્રોત, Atif Bhatti
સંયુક્ત અરબ અમીરાતમાં પૂર કેવી રીતે આવ્યું?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઍમીરેટ્સ, યુએઈની બે મુખ્ય ઍરલાઇન પૈકી એક અને વિશ્વની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય ઍરલાઇન છે. ઍમીરેટ્સે ગ્રાહકોને કહ્યું કે ઍરપૉર્ટ પર મધ્યરાત્રિ સુધી તમામ ફ્લાઇટ્સ માટે ચેક-ઇન સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.
ઍમીરેટ્સની લો-કૉસ્ટ ઍરલાઇન 'ફ્લાય દુબઈ'એ જણાવ્યું હતું કે કેટલીક આઉટબાઉન્ડ ફ્લાઇટ્સ મધ્યરાત્રિ બાદ એક ટર્મિનલ પરથી ઑપરેટ થશે.
ફ્લાય દુબઈના ચીફ એક્ઝિક્યુટિવ પૉલ ગ્રિફિથ્સે સ્થાનિક રેડિયો સ્ટેશન 'દુબઈ આઈ'ને કહ્યું,"મને નથી લાગતું કે કોઈએ ક્યારેય આવી પરિસ્થિતિઓ જોઈ હોય."
યુએઈની નેશનલ ઇમર્જન્સી ક્રાઇસિસ મૅનેજમૅન્ટ ઑથોરિટીએ તોફાન પહેલાં ચેતવણી જારી કરી હતી અને લોકોને ઘરમાં જ રહેવા કહ્યું હતું. સરકારે તેના કર્મચારીઓને ઘરેથી કામ કરવાનું પણ કહ્યું હતું અને ખાનગી શાળાઓને પણ રિમોટ લર્નિંગ કરવાની સલાહ આપવામાં આવી હતી.
ભારે વરસાદને કારણે દુબઈના શેખ જાયદ રોડ પર ડઝનો વાહનોમાં પાણી ભરાઈ ગયાં હતાં. આ ઉપરાંત 12-લેનના રાજમાર્ગ પર અનેક જગ્યાઓ પર લાંબા ટ્રાફિક જામનાં દૃશ્યો પણ જોવા મળ્યાં હતાં.
દુબઈમાં કોઈના મોતની સૂચના નથી પરંતુ રસ અલ-ખૈમામાં અચાનક આવેલા પૂરને કારણે એક વૃદ્ધ વ્યક્તિની ગાડી વહી જતા તેમનું મૃત્યુ થયું.

સંયુક્ત અરબ અમીરાતમાં મંગળવારે વરસાદે 75 વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો.
રાષ્ટ્રીય હવામાન વિજ્ઞાન કેન્દ્રની જાહેરાત પ્રમાણે 24 કલાકથી પણ ઓછા સમયમાં અલ-એન અમીરાતમાં આવેલા ખતમ અલ-શક્લામાં 254.8 મિમી (9.7 ઇંચ) વરસાદ પડ્યો.
દેશમાં સામાન્ય રીતે 140-200 મિમી વરસાદ પડે છે, જ્યારે દુબઈમાં સામાન્ય રીતે માત્ર 97 મિમી વરસાદ પડે છે. એપ્રિલ મહિનામાં સામાન્ય રીતે માત્ર લગભગ આઠ મિમી વરસાદ આવે છે.
કેટલાક અહેવાલો પ્રમાણે હાલમાં જ સંયુકત અરબ અમીરાતની ઉપર આકાશમાં “ક્લાઉડ-સીડિંગ” રેકર્ડ તોડનારી આ ઘટનાનું કારણ બની શકે છે. જોકે, 'બીબીસી વેધર'નાં હવામાન વૈજ્ઞાનિક મૈટ ટેલરે કહ્યું કે પૂર્વ અનુમાન મૉડલ થકી તોફાનની ભવિષ્યવાણી પહેલા જ કરવામા આવી હતી.
તેમણે જણાવ્યું કે અરબી પ્રાયદ્વીપની દક્ષિણમાં ઓછા દબાણને કારણે ભારે વરસાદ પડ્યો. આ કારણે ઓમાનની દક્ષિણે આવેલા હિન્દ મહાસાગરથી ગરમ ભેજવાળી હવાઓને આ તરફ ખેંચાઈ.
સાઉદી અરેબિયા અને બહેરીનમાં પણ ભારે વરસાદની અસર જોવા મળી હતી. ભારે વરસાદને કારણે અહીં રસ્તાઓ પર ગાડીઓ ફસાયેલી જોવા મળી રહી હતી.
ઓમાનમાં પણ ભારે વરસાદને કારણે 1,400 લોકોને આશ્રયસ્થાનો પર ખસેડવામા આવ્યા હતા. સાવચેતીના ભાગરૂપે સ્કૂલ અને સરકારી કાર્યાલયોને બંધ રાખવામાં આવ્યાં.
ઓમાનના પાટનગરથી લગભગ 115 કિલોમીટર દક્ષિણમાં શરકિયા વિસ્તારના અલ-મુદાબીમાં એક બસ પૂરના પાણીમાં ફસાઈ ગઈ હતી, જે કારણે 10થી 15 વર્ષની ઉમરના 10 બાળકો અને એક વ્યક્તિનું મોત થયુ હતુ. જ્યારે ત્રણ અન્ય બાળકો અને ડ્રાઈવરનો જીવ બચાવી લેવામાં આવ્યો.
નેશનલ ઇમર્જન્સી મૅનેજમૅન્ટ કમિટીએ જણાવ્યું, “ઓમાનના બે ઉત્તરના પ્રદેશોમાં રવિવારથી મંગળવાર સાંજ સુધીમાં 180 મિમી (7 ઇંચ) વરસાદ નોંધાયો હતો, જ્યારે અન્ય આઠ પ્રદેશોમાં 120 મિમીથી વધુ વરસાદ થયો હતો.”
ઓમાનમાં સામાન્ય રીતે ઓછો વરસાદ પડે છે. ઉત્તરમાં વાર્ષિક સરેરાશ વરસાદ 150 થી 300 મિમી જેટલો હોય છે, જેમાં મોટા ભાગનો વરસાદ પૂર્વ અને ચોમાસા પછીના વાવાઝોડા સમયે પડે છે.
ઘણાં પરિબળો પૂરમાં ફાળો આપે છે, પરંતુ આબોહવા પરિવર્તનને કારણે ગરમ વાતાવરણ ભારે વરસાદની સંભાવનાને વધારે છે.
ઔદ્યોગિક યુગની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધી પૃથ્વીના તાપમાનમાં લગભગ 1.1 સેલ્સિયસનો વધારો થયો છે. જ્યાં સુધી વિશ્વભરની સરકારો ઉત્સર્જનમાં તીવ્ર ઘટાડો નહીં કરે ત્યાં સુધી તાપમાન વધતું રહેશે.












