ભારતમાં આ વર્ષે ચોમાસામાં ખૂબ સારો વરસાદ થશે, ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે? હવામાન વિભાગે જારી કર્યું પૂર્વાનુમાન

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં જૂન મહિનાથી શરૂ થતા ચોમાસામાં ખૂબ સારો વરસાદ થવાનું પૂર્વાનુમાન હવામાન વિભાગે જારી કર્યું છે. ભારતીય હવામાન વિભાગે 2024ના ચોમાસાનું પૂર્વાનુમાન જાહેર કરીને કહ્યું છે કે દેશમાં આ વખતે સરેરાશ કરતાં વધારે વરસાદ થશે.
દર વર્ષે હવામાન વિભાગ બે તબક્કામાં ચોમાસાનું પૂર્વાનુમાન જારી કરે છે. પ્રથમ પૂર્વાનુમાન એપ્રિલ મહિનાની મધ્યમાં અને બીજું પૂર્વાનુમાન મે મહિનાના અંતમાં જારી કરે છે.
હવામાન વિભાગનું કહેવું છે કે હાલ પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની પરિસ્થિતિ છે, જે ચોમાસું શરૂ થતાંની સાથે જ નબળી પડશે અને પછી લા-નીના સર્જાશે.
ગુજરાત સહિત દેશમાં વર્ષ 2023માં ચોમાસામાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો હતો અને ચોમાસાના છેલ્લા બે મહિનામાં ખૂબ ઓછો વરસાદ પડ્યો હતો.
ભારતમાં ચોમાસું કેવું રહેશે, કેટલો વરસાદ પડશે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતના હવામાન વિભાગે ચાર મહિનાના લાંબાગાળાનું ચોમાસાનું પૂર્વાનુમાન રજૂ કરતાં કહ્યું છે કે આ વર્ષે દેશમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થશે.
ચાર મહિનાના લાંબાગાળાની સરેરાશમાં દેશમાં 106% વરસાદ થવાની શક્યતા છે. આ પૂર્વાનુમાનમાં ભૂલ થવાની સંભાવનાનું પ્રમાણ 5 ટકા વધારે અથવા ઓછું રાખવામાં આવ્યું છે.
ભારતમાં ચોમાસાની શરૂઆત જૂન મહિનાથી કેરળમાં થાય છે અને ગુજરાત સુધી પહોંચતા તેને 15 દિવસ જેટલો સમય લાગે છે. જૂન મહિનાથી શરૂ થયેલું ચોમાસું સપ્ટેમ્બર મહિના સુધી ચાલે છે.
હવામાન વિભાગના વડા મૃત્યુંજય મોહાપાત્રાના કહેવા પ્રમાણે પ્રશાંત મહાસાગરમાં હાલ અલ નીનોની સ્થિતિ છે અને ઑગસ્ટ-સપ્ટેમ્બર સુધીમાં તે લા નીનામાં પરિવર્તિત થાય તેવી શક્યતા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રશાંત મહાસાગરમાં જ્યારે અલ નીનો હોય ત્યારે સામાન્ય રીતે ભારતમાં ચોમાસું નબળું રહે છે. જ્યારે લા નીનાની સ્થિતિ હોય ત્યારે ભારતમાં ચોમાસામાં સારો વરસાદ પડે છે.
મોહાપાત્રાએ કહ્યું કે જ્યારે અલ નીનોનીમાંથી લા નીના બનતું હોય તેવા સમયે 1951થી 2023ના ગાળામાં 9 વર્ષ એવાં રહ્યાં છે જ્યારે દેશમાં ખૂબ સારો વરસાદ થયો હોય.
ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે?

ઇમેજ સ્રોત, IMD
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હવામાન વિભાગે હાલ જે પૂર્વાનુમાન જારી કર્યું છે તે માત્ર ચાર મહિનાના લાંબાગાળાનું પૂર્વાનુમાન છે, જેમાં દર મહિને કેટલો વરસાદ પડશે તેની વિગતો નથી. આ વિગતો મે મહિનાના અંતમાં જારી કરવામાં આવશે.
ઉપરાંત, કયા રાજ્યમાં કેટલો વરસાદ પડશે તે પ્રમાણે કોઈ આંકડા આપવામાં આવ્યા નથી. પરંતુ હવામાન વિભાગે લાંબાગાળાની સરેરાશનો એક નક્શો જારી કર્યો છે.
આ નક્શા પ્રમાણે ગુજરાતમાં આ વર્ષનું ચોમાસું ખૂબ સારું રહે તેવી સંભાવના છે. નક્શા પ્રમાણે રાજ્યમાં ચાર મહિનાની લાંબાગાળાની સરેરાશ પ્રમાણે સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે.
દેશમાં ચાર મહિના દરમિયાન સરેરાશના 96%થી 104% વરસાદ થાય તો તેને સામાન્ય ચોમાસું ગણવામાં આવે છે એટલે કે સારો વરસાદ થાય છે. જ્યારે 104%થી વધારે વરસાદ થાય તો ચોમાસું ખૂબ સારું ગણવામાં આવે છે.
નક્શા પ્રમાણે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વધારે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સરેરાશ કરતાં વધારે વરસાદની શક્યતા છે.
ભારતની વાત કરીએ તો પૂર્વોત્તરનાં રાજ્યો, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થવાની શક્યતા છે.
ચોમાસું સારું રહેશે કે નહીં તે કેવી રીતે ખબર પડે?

ઇમેજ સ્રોત, Getty Images
ચોમાસાનું પૂર્વાનુમાન રજૂ કરતાં પહેલાં ભારતનો હવામાન વિભાગ અનેક પરિબળોને ધ્યાનમાં રાખે છે. તેમાં ત્રણ પરિબળો મુખ્ય છે.
પ્રથમ પરિબળ છે કે પ્રશાંત મહાસાગરમાં અલ નીનો છે કે લા નીના. હાલ અહીં અલ નીનોની સ્થિતિ છે પરંતુ ભારતમાં ચોમાસું શરૂ થશે ત્યારે અહીં લા નીના બનશે. જેથી આપણે ત્યાં ચોમાસું સારું રહેશે.
બીજું પરિબળ છે ઇન્ડિયન ઓશન ડાયપોલ (IOD) જેને મિની અલ નીનો અને લા નીના કહેવામાં આવે છે. જ્યારે IOD પૉઝિટીવ હોય ત્યારે દેશમાં સારું ચોમાસું રહે છે એટલે કે સારો વરસાદ થાય છે. આ વર્ષે હાલ IOD તટસ્થ સ્થિતિમાં છે અને ચોમાસું શરૂ થતાં તે પૉઝિટીવ બને તેવી શક્યતા છે. જેથી આ વર્ષે વરસાદ સારો પડે તેવી શક્યતા છે.
ત્રીજું પરિબળ છે ઉત્તર ગોળાર્ધમાં બરફની સ્થિતિ. જો ઉત્તર ગોળાર્ધ અને યુરોશિયામાં બરફનું કવર ઓછું હોય એટલે કે જાન્યુઆરીથી માર્ચ મહિના દરમિયાન અહીં ઓછો બરફ પડ્યો હોય તો ભારતમાં ચોમાસું સારું રહે. જો બરફનું કવર વધારે હોય તો દેશમાં ચોમાસું નબળું રહે છે. આ વર્ષે અહીં બરફ ઓછો પડ્યો છે. જેથી સારું ચોમાસું રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગ સિવાયની એજન્સીઓ ચોમાસા વિશે શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
એશિયા પૅસિફિક ઇકૉનોમિક કૉઓપરેશન ક્લાઇમેટ સેન્ટરે જે પૂર્વાનુમાન રજૂ કર્યું છે તે પ્રમાણે ભારતમાં જુલાઈથી સપ્ટેમ્બર મહિનાની વચ્ચે સામાન્ય કરતાં વધારે વરસાદ પડે તેવી શક્યતા છે.
એટલે કે જૂન મહિના બાદ બાકીના ત્રણ મહિનામાં ભારતના મોટા ભાગના વિસ્તારોમાં અને ખાસ કરીને મધ્ય તથા પશ્ચિમ અને દક્ષિણ ભારતના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડવાની સંભાવના છે.
'સ્કાયમેટે' પોતાના પૂર્વાનુમાનમાં કહ્યું છે કે લાંબાગાળાની સરેરાશ પ્રમાણે ભારતમાં 102 ટકા વરસાદ થવાની શક્યતા છે. જેમાં 5 ટકા એરર માર્જિન રાખવામાં આવ્યું છે. જેનો અર્થ એ કે 102 ટકા કરતાં 5 ટકા વધારે અથવા ઓછો વરસાદ થઈ શકે છે.
સ્કાયમેટનું કહેવું છે કે જૂનથી લઈને સપ્ટેમ્બર સુધીના ચોમાસાના ચાર મહિનાના લાંબાગાળાની સરેરાશ પ્રમાણે દેશમાં 886 મિલિમીટર વરસાદ થવાની શક્યતા છે. સામાન્ય રીતે ભારતમાં ચાર મહિનાના લાંબાગાળામાં 868.6 મિલિમીટર વરસાદ થાય તો ચોમાસું સારું કહેવાય.
સ્કાયમેટ પ્રમાણે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના ચોમાસા પર આધારિત વિસ્તારોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે. જ્યારે બિહાર, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ચોમાસામાં જ્યારે સૌથી વધારે વરસાદ પડે છે તે જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થવાની શક્યતા છે.












