લોકસભાની ચૂંટણીમાં આ વખતે 'હિટ વેવ' મુશ્કેલી સર્જશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઋષિ બેનરજી
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતમાં 18મી લોકસભાની ચૂંટણીઓની જાહેરાત થઈ ગઈ છે અને કુલ સાત તબક્કામાં આ સમગ્ર દેશમાં મતદાન થશે. આ મતદાન એવા સમયે થવાનું છે, જ્યારે ભારત વર્ષના સૌથી ગરમ દિવસોનો અનુભવ કરી રહ્યો હશે.
19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થાય તે પહેલાં જ એટલે કે એપ્રિલની શરૂઆતથી જ ભારતનાં અનેક રાજ્યો ભારે ગરમીનો સામનો કરી રહ્યાં છે. અનેક વિસ્તારોમાં હિટ વેવની સ્થિતિ પ્રવર્તી રહી છે. કેટલાક વિસ્તારોમાં એપ્રીલ મહિનામાં જ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ચૂક્યું છે.
એપ્રિલ, મે અને જૂન મહિનામાં સમગ્ર દેશમાં ગરમીનો પ્રકોપ હોય છે. ખાસ કરીને ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણ ભારતનાં કેટલાંક રાજ્યોમાં લૂ અને હિટ વેવ દર વર્ષે જોવા મળે છે. ઉનાળાના મધ્ય સમય એટલે કે એપ્રિલના અંત અને મે મહિનામાં ઘણા વિસ્તારોમાં તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે.
નિષ્ણાતો ચેતવણી આપી ચૂક્યા છે કે સમગ્ર દુનિયામાં આ વર્ષનો ઉનાળો સૌથી વધારે ગરમ રહેશે. એવામાં આ ગાળા દરમિયાન જ દેશમાં લોકસભાની ચૂંટણી યોજાશે અને જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં તેનાં પરિણામ આવશે.
આવી સ્થિતિમાં ભારતમાં યોજાનારી લોકસભાની ચૂંટણીઓમાં હિટ વેવ અને ક્લાઇમેટ ચેન્જ પડકારરૂપ બની રહે તેવી શક્યતાઓ છે. ભારતના હવામાન વિભાગે પણ આ ગાળા દરમિયાન સરેરાશ કરતાં વધારે દિવસો માટે હિટ વની આગાહી કરી છે.
ચૂંટણી સમયે ગરમી વિશે IMDએ શું ચેતવણી આપી છે?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ભારતીય હવામાન વિભાગે (IMD)ચેતવણી આપી છે કે વર્ષ 2024માં પણ એપ્રિલથી જૂન મહિનામાં આકરી ગરમી રહેશે.
હવામાન વિભાગ અનુસાર એપ્રિલથી જૂનના સમયગાળામાં ભારતમાં સરેરાશ કરતાં તાપમાન વધારે રહેશે અને દેશના ઘણા વિસ્તારોમાં હિટ વેવ જોવા મળશે. ખાસ કરીને દક્ષિણ, મધ્ય અને પૂર્વ ભારતમાં અને ઉત્તરપશ્ચિમનાં મેદાનોના વિસ્તારોમાં આવી સ્થિતિ જોવા મળશે.
ભારતીય હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મોહાપાત્રા અનુસાર આ વખતે ઉનાળામાં ગુજરાતના સૌરાષ્ટ્ર–કચ્છ, મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારો, ઉત્તર કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં દિવસ દરમિયાન તપામાન ઊંચું રહેશે. ઉપરાંત કેટલાક વિસ્તારોને હિટ વેવનો સામનો કરવો પડશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સામાન્ય રીતે ઉનાળાના ત્રણ મહિના દરમિયાન સરેરાશ 4થી 5 દિવસ સુધી હિટ વેવ જોવા મળતા હોય છે. પરંતુ આ વર્ષે તેના દિવસો વધીને વિવિધ વિસ્તારમાં 10થી 20 થવાની શક્યતા છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં પણ તાપમાનમાં વધારો જોવા મળશે.
2023ના વર્ષ બાદ 2024ના ઉનાળામાં પણ પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની સ્થિતિ રહેવાની છે. સામાન્ય રીતે જ્યારે પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની સ્થિતિ હોય ત્યારે દુનિયાભરમાં તાપમાન ઊંચું રહે હોય છે. જોકે, પ્રથમ વખત એવું બન્યું છે કે 2023ના દરેક મહિના દરમિયાન સરેરાશ કરતાં વધારે ગરમી નોંધાઈ છે.

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મોહાપાત્રાનું કહેવું છે, 'વર્ષ 2023ના જૂન મહિનામાં અલ નીનો સ્થિતિ શરૂ થઈ હતી અને ડિસેમ્બર મહિનામાં તેની અસરમાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ તેના કારણે વૈશ્વિક તાપમાનમાં વધારો નોંધાયો છે. તાપમાનમાં વધારો માત્ર અલ નીનોના કારણે થાય છે એ દાવો ન કરી શકાય, પરંતુ અલ નીનો હોય એ વર્ષે હિટ વેવની સંખ્યા અને તેની તીવ્રતામાં વધારો જોવા મળે છે.'
અલ નીનો જળવાયુમાં થનારા પરિવર્તનનો એક હિસ્સો છે અને આ ઘટના ભારતથી હજારો કિલોમીટર દૂર પ્રશાંત મહાસાગરમાં થાય છે. અલ નીનો મોસમ પર ખૂબ ઊંડો પ્રભાવ પાડે છે અને ભારતમાં સામાન્ય રીતે તેના કારણે ચોમાસામાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થાય છે.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં ભારતીય હવામાન વિભાગનાં વૈજ્ઞાનિક ડૉ. સોમ સેન રોય કહે છે, 'સામાન્ય કરતાં વધુ તાપમાન એ હવે નવી વાત નથી રહી. લઘુતમ અને મહત્તમ તાપમાન સતત વધી રહ્યા છે જે ચિંતાજનક બાબત છે. આ વર્ષે હિટ વેવની સંખ્યા વધશે અને હિટ વેવનો ગાળો પણ લાંબો હશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે દિવસની સાથેસાથે રાત્રે પણ તાપમાન વધી રહ્યું છે. દિવસનું ઊંચુ જઈ રહેલું તાપમાન અને ગરમ રાત્રીઓની વધતી સંખ્યાને કારણે સરેરાશ તાપમાન વધી રહ્યું છે.'
હિટ વેવ કેવી રીતે ચૂંટણીમાં અસર કરશે?

લોકસભાની પ્રથમ બે તબક્કાનું મતદાન એપ્રિલ મહિનામાં યોજાશે, જેમાં કુલ બેઠકોમાંથી 191 બેઠકો ઉપર મતદાન થશે.
ચૂંટણીના સાત તબક્કામાંથી ચાર તબક્કાનું મતદાન મે મહિનામાં 7, 13, 20 અને 25 મેના રોજ થશે. સાતમા તબક્કાનું મતદાન 1 જૂનના રોજ થશે. જો બેઠકોની રીતે જોઈએ તો 296 લોકસભા બેઠકોની ચૂંટણી મે મહિનામાં યોજાશે.
57 લોકસભા બેઠકોની ચૂંટણી 1 જૂને થશે. ચૂંટણી ભલે 1 તારીખે હોય પરંતુ રેલીઓ, જાહેર સભાઓ, કાર્યક્રમો અને ચૂંટણી સંબંધિત બધી ગતિવિધિઓ મે મહિનામાં થશે. આમ જોવા જઈએ તો 353 લોકસભા બેઠકોની ચૂંટણી એવા સમયે થશે જ્યારે દેશના અનેક વિસ્તારો તેમના સૌથી ઊંચા તાપમાનના ગાળામાંથી પસાર થઈ રહ્યા હશે.
- 7 મેના રોજ ત્રીજા તબક્કામાં 12 રાજ્યોમાં 94 બેઠકો પર મતદાન થવાનું છે.
- 13 મેના રોજ ચોથા તબક્કામાં 12 રાજ્યોમાં 96 બેઠકો પર મતદાન થશે.
- 20 મેના રોજ પાંચમાં તબક્કામાં 8 રાજ્યોમાં 49 બેઠકો પર મતદાન થશે.
- 25 મેના રોજ છઠ્ઠા તબક્કામાં 7 રાજ્યોની 57 બેઠકો પર મતદાન યોજાશે.
- 1 જૂનના રોજ સાતમાં તબક્કામાં 3 રાજ્યોની 57 બેઠકો પર મતદાન થશે.
મહત્ત્વની વાત છે મે મહિનામાં જે રાજ્યોમાં મતદાન થવાનું છે તે રાજકીય અને બેઠકોની દૃષ્ટિએ ઘણાં મહત્ત્વનાં છે. ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીર, ઓડિશા અને ઝારખંડમાં મોટાભાગની લોકસભા બેઠકોની ચૂંટણી મે મહિનામાં યોજાશે. ગુજરાતમાં સહિત આંધ્ર પ્રદેશ, તેલંગણા, કેરળ, ગોવા, દિલ્હી અને હરિયાણામાં એક જ તબક્કામાં મે મહિનામાં ચૂંટણી યોજાશે.
આ રાજ્યોમાં મે અને જૂન મહિનામાં ભીષણ ગરમી પડે છે. કેટલાક વિસ્તારોમાં મે મહિનામાં તાપમાન સરેરાશ 41થી 42 ડિગ્રી હોય છે. જ્યારે કેટલીક વખત તાપમાન 45થી 47 ડિગ્રી સેલ્સીયસ સુધી પણ પહોંચી જાય છે.

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતના ગાંધીનગરમાં સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થના પૂર્વ ડિરેક્ટર દિલીપ માવળંકર કહે છે, 'મે મહિનામાં ગરમી સૌથી તીવ્ર હોય છે અને એટલે સ્વાભાવિક છે કે ચૂંટણી પ્રક્રિયામાં પણ તેની અસર જોવા મળશે. સભાઓ અને રેલીઓમાં એટલી સંખ્યામાં લોકો ન જોડાય જેટલા પહેલા જોડાતા હતા. આવી સ્થિતિમાં મોટાભાગની રેલીઓ, રોડ-શૉ અને જાહેર કાર્યક્રમો સાંજના સમયે કરવામાં આવે તેવી શક્યતા છે જેથી દરેક માટે અનુકૂળ રહે.'
- ત્રણ તબક્કામાં મતદાન – છત્તીસગઢ, આસામ
- ચાર તબક્કામાં મતદાન – ઓડિશા, મધ્ય પ્રદેશ, ઝારખંડ
- પાંચ તબક્કામાં મતદાન – મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીર
- સાત તબક્કામાં મતદાન – ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ
અત્રે નોંધનીય છે કે આ વર્ષે એપ્રીલ મહિનાથી ગુજરાત સહિત દેશનાં ઘણાં રાજ્યોમાં આકરો તાપ પડી રહ્યો છે. બેંગલુરુ શહેરમાં 37.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે જે ત્રણ વર્ષેમાં સૌથી વધુ છે. હૈદરાબાદમાં પણ માર્ચ મહિનામાં 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર એપ્રિલથી જૂન દરમિયાન દક્ષિણ ભારતમાં ‘તીવ્ર હિટ વેવ’ની આગાહી કરવામાં આવી છે.
2023માં લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે જૂન મહિના સુધી હિટ વેવના કારણે 14 રાજ્યોમાં 264 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
2023માં સમગ્ર ઉત્તર ભારતમાં માર્ચ મહિનાથી જ હિટ વેવની શરૂઆત થઈ ગઈ હતી. ઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હીમાં રૅકર્ડ તાપમાન નોંધાયાં હતાં. સમગ્ર વર્ષમાં 49 દિવસ એવા હતા. જ્યાં લોકોએ સખત ગરમી અને હિટ વેવનો સામનો કરવો પડ્યો હતો.
ભારતીય હવામાન વિભાગ અનુસાર 2003થી લઈને 2022ના સમયગાળામાં 9675 લોકોના હિટ વેવ અને આકરા તાપના કારણે મૃત્યુ થયાં હતાં. પાછલાં વર્ષોનાં રૅકર્ડ બતાવે છે કે દર વર્ષે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. 2024માં પણ ગરમીની વધારે ગંભીર અને વધુ અસર દેખાશે.
એપ્રિલ 2023માં નવી મુંબઈના ખારઘર ઇન્ટરનૅશનલ કૉર્પોરેટ પાર્ક ગ્રાઉન્ડમાં આયોજિત ઍવૉર્ડ કાર્યક્રમમાં હિટસ્ટ્રોકના કારણે 12 લોકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે ઘણાને સારવાર માટે હૉસ્પિટલે લઈ જવા પડ્યા હતા. આ એક સરકારી કાર્યક્રમ હતો જેમાં લોકોને બળબળતા તાપમાં બેસાડવામાં આવતા આવી પરિસ્થિતિ ઉદ્ભવી હતી.
ચૂંટણી પર અસર પડશે?

ઇમેજ સ્રોત, @ECISVEEP
હાલમાં જ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના ચૂંટણી પ્રચાર રથનો એક વીડિયો વાઇરલ થયો હતો. પ્રચાર કરતી વખતે રથમાં ફીટ કરવામાં આવેલા સ્પ્રિંકલર્સમાંથી પાણીની સ્પ્રે થતું હોવાનું વીડિયોમાં જોઈ શકાય છે.
કાળઝાળ ગરમી અને હિટ વેવ વચ્ચે લોકસભાની ચૂંટણી યોજાશે જેમાં રાજકીય પક્ષો, નેતાઓ, વહીવટી તંત્ર અને ચૂંટણી પંચની પણ કસોટી થશે. જન-સભાઓ, રેલીઓ અને મતદાનમથક સુધી લોકોને લઈ આવવા માટે ખાસ વ્યવસ્થાઓ કરવી પડશે.
દિલીપ માવળંકર કહે છે, "સ્વાભિવક છે કે આ સમયગાળામાં લોકોની સક્રિયતા ઓછી રહેવાની જે કારણે રાજકીય કાર્યક્રમો જ નહીં પરંતુ મતદાનમાં પણ અસર પડે તેવી સંભાવના છે. અપેક્ષા કરતાં ઓછા લોકો ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે. સવારે અને સાંજે મહતમ મતદાન થાય અને મતદાનની સરેરાશ જળવાઈ રહે તે માટે ચૂંટણીપંચ અને રાજકીય પક્ષોએ પણ મહેનત કરવી પડશે."
તેઓ વધુમાં જણાવે છે કે મતદાનમથકોની બહાર સામાન્યતઃ જોવા મળતી લાઇનો દિવસ દરમિયાન જોવા નહીં મળે અને બૂથની અંદર પણ પાંખી હાજરી હશે. બપોરના સમયમાં મતદાન ધીમું રહેશે અને એટલા માટે ચૂંટણીપંચે પણ તે માટેની તૈયારીઓ કરવી પડશે.
'સેન્ટર ફૉર સ્ટડીઝ ઑફ ડેવલપિંગ સોસાયટીઝ' (સીએસડીએસ)ના નિદેશક પ્રોફેસર સંજય કુમાર અનુસાર મતદાનની ટકાવારી મુખ્યત્વે સવારે અને સાંજે વધુ હશે. દિવસ દરમિયાન ટકાવારી ઓછી રહેશે.
પ્રોફેસર કુમાર કહે છે, "2014 અને 2019ની લોકસભાની ચૂંટણી પણ ઉનાળામાં થઈ હતી અને ત્યારે મતદાનની ટકાવારી સારી રહી હતી. લોકસભાની ચૂંટણી હોવાના કારણે રાજકીય પક્ષો, પોલિંગ ઍજન્ટો અને મતદારો પણ ગરમી અને તાપ હોવા છતાં સક્રિય રહેશે. રેલીઓ અને જાહેર સભાઓ માટે રાજકીય પક્ષોએ વ્યવસ્થા કરવી પડશે, જેમાં શેડ, પીવાનું પાણી અને અન્ય વસ્તુઓ છે. લોકોને સભા અને રેલી સુઘી લઈ જવા માટે વ્યવસ્થા કરવી પડશે. સામાન્ય રીતે આવી વ્યવસ્થાઓ પક્ષો કરતા હોય છે. સવારે 11થી સાંજે 4 સુધી મતદાન ધીમું રહેશે પરંતુ ત્યારબાદ વધે તેવી શક્યતા છે.'
નિષ્ણાતો અનુસાર હિટ વેવ અને આકરી ગરમી હોય ત્યારે રાજકીય ગતિવિધિઓ, જનસભાઓ અને રેલીઓમાં ભાગ લેવાથી તબિયત ઉપર અસર પડી શકે છે.
ચૂંટણી પંચ દ્વારા કેવી તૈયારી કરવામાં આવી છે

ઇમેજ સ્રોત, @ECISVEEP
લોકસભા ચૂંટણી દરમિયાન ગરમી અને હિટ વેવનો સામનો કરવો પડશે તેનો અંદાજ ચૂંટણીપંચને પણ છે. જેથી પંચ ભારતીય હવામાન વિભાગ અને નૅશનલ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ સાથે મળીને કામ કરી રહ્યું છે.
સાત તબક્કામાં મતદાનનો પ્લાન જાહેર કરવાની સાથેસાથે ચૂંટણીપંચે એક ઍડ્વાઇઝરી પણ બહાર પાડી છે.
ઍડ્વાઇઝરીમાં દરેક રાજ્યના ચૂંટણી અધિકારીને હિટ વેવને અનુલક્ષીને યોગ્ય પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે. ઍડ્વાઇઝરી અનુસાર તમામ મતદાનમથકો પર ઍશ્યોર્ડ મિનિમમ ફેસિલિટીઝ (નક્કી થયેલી લઘુતમ સુવિધાઓ) હોવી જોઈએ.
ઍડ્વાઇઝરીની મહત્ત્વની બાબતો
- મતદાનમથક ગ્રાઉન્ડ ફ્લોર પર હોવું જોઈએ
- દરેક મતદાન મથકમાં રૅમ્પ હોવી જોઈએ
- મતદાન મથકો પર પીવાનું પાણી, પર્યાપ્ત ફર્નિચર, લાઇટિંગ, સાઇનેજ અને શૌચાલય જેવી સુવિધાઓ સુનિશ્ચિત કરવી
- મતદારો માટે ટેન્ટની વ્યવસ્થા કરવી
ચૂંટણીપંચે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને મતદારો માટે ગાઇડલાઇન બહાર પાડી છે. જે આ મુજબ છેઃ
- પૂરતાં પ્રમાણમાં પાણી પીવો અને પાણીની બૉટલ પણ સાથે રાખવી
- ઓઆરએસ અને ઘરે બનાવેલા પીણાં થકી શરીરને રી-હાઇડ્રેટ કરતા રહો
- હળવાં અને ઢીલાં કપડાં પહેરો અને છત્રી અથવા ટોપી સાથે રાખો
- સૉફ્ટ ડ્રિંક પીવાનું ટાળો
- બાળકોને મતદાન મથકમાં લાવવાનું ટાળો
- બાળકો અથવા પાળેલાં પ્રાણીઓને પાર્ક કરવામાં આવેલ વાહનમાં રાખવાં નહીં
ડૉ. સોમ સેન રોય કહે છે, ‘‘મેમાં લોકસભા ચૂંટણીના મહત્ત્વના તબક્કા હોવાના કારણે ચૂંટણી પંચ હવામાન વિભાગ અને નૅશનલ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથોરિટી સાથે મળીને કામ કરી રહ્યું છે. જેથી વધુને વધુ લોકો મતદાન પ્રક્રિયામાં ભાગ લઈ શકે. આ માટે વિવિધ સ્તરે કામ થઈ રહ્યું છે, જેથી ચૂંટણી પ્રક્રિયામાં લોકોને ઓછામાં ઓછી તકલીફ થાય.’'
હિટ વેવ શું છે?

કોઈ પણ પ્રદેશમાં સ્થાનિક હવામાન વિભાગ દ્વારા નક્કી કરેલા નિયત તાપમાનથી તાપમાન ઊંચું જાય અને ચોક્કસ દિવસો સુધી તે જળવાઈ રહે તો તેને હિટ વેવની ઘટના કહે છે.
ભારતના હવામાન વિભાગની ગાઇડલાઇન પ્રમાણે હિટ વેવ માટે સરેરાશ તાપમાન 40 ડિગ્રી સેલ્શિયસથી તાપમાન વધુ હોવું જોઈએ અને કોલ્ડ વેવ માટે સરેરાશ તાપમાન 10 ડિગ્રીથી ઓછું હોવું જોઈએ. સામાન્ય રીતે આ પરિસ્થિતિ પાંચ દિવસ સુધી રહેતી હોય છે.
હિટ વેવ અથવા લૂ માણસ સહિત અનેક જીવોને અસર કરે છે. હિટ વેવના કારણે શરીરમાં પાણીની ઘટ, થાક લાગવો, નબળાઈ, ચક્કર, માથાનો દુખાવો, ઊલટી, આંતરડાંમાં દુખાવો, પરસેવો થવો, હાઇપરથર્મિયા અથવા હિટ સ્ટ્રોક થઈ શકે છે.
જે વ્યક્તિઓને હૃદય સબંધિત બીમારીઓ હોય તેમને અસહ્ય ગરમીથી સ્ટ્રોક કે હૃદયરોગના હુમલાનું પણ જોખમ રહે છે.
દિલીપ માવળંકર કહે છે કે, ‘‘જો લોકો સભા અથવા જાહેર કાર્યક્રમમાં હાજરી આપવા માગતા હોય તો પૂરતી કાળજી લેવી પડશે. તડકામાં જાય તો સાથે પાણી અને છત્રી રાખવી જોઈએ. જો ખુલ્લામાં ઊભા રહેવું હોય ત્યારે માથું ઢંકાયેલું રહે તેની તકેદારી રાખવી પડશે. લાંબા સમય સુધી તાપમાં રહેવાથી ડિહાઇડ્રેશન અને અન્ય કૉમ્પલિકેશન પણ થઈ શકે છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને કોમોર્બિડીટી ધરાવતાં લોકોને જોખમ છે.’’












