વિશ્વમાં સૌથી ખતરનાક વાવાઝોડાં લાવતી અને સતત બદલાતી પૅટર્ન કઈ છે?

વાવાઝોડું હવામાન દીપક ચુડાસમા બીબીસી વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વાવાઝોડ દ્વારા સર્જાતી આફતોની આગાહી કરવી એ એટલું સરળ નથી.
    • લેેખક, ઇન્ડિયા બોર્કે
    • પદ, બીબીસી ફ્યુચર

'અરાજકતા ફેલાવવા માટે ખોટી જગ્યાએ ખોટા સમયે તોફાનની જરૂર હોય છે.'

ફ્લોરિડાના રહેવાસીઓ આ વાત શીખ્યા જ્યારે ગયા વર્ષે અમેરિકાના ઇતિહાસમાં સૌથી ભયંકર ઉષ્ણકટિબંધીય ચક્રવાતો પૈકીના એક વાવાઝોડું ઇયાન સર્જાયું.

પોર્ટો રિકોમાં હરિકેન ફિયોનાએ વેરેલા વિનાશ સાથે તે રેકોર્ડ પરની ત્રીજી સૌથી વધુ નુકસાન કરતી સિઝન સાબિત થઈ હતી.

આ પ્રકારની આપત્તિઓની આગાહી કરવી સરળ નથી. ઉષ્ણકટિબંધીય વાવાઝોડાની તીવ્રતા અને તે ક્યાં ત્રાટકશે તે હવામાનની પેટર્ન દ્વારા નક્કી કરવામાં આવે છે. તે અત્યંત અણધારી હોય છે, પરંતુ દરેક વાવાઝોડા સમયે શું થઈ શકે તેનો આછેરો ખ્યાલ વિજ્ઞાનીઓ જરૂર આપી શકે છે.

એકમેકની સાથે સંકળાયેલી સમુદ્રી તથા વાતાવરણીય પૅટર્ન કેવી રીતે આગળ વધી રહી છે તેને ટ્રૅક કરીને દાયકાઓ દરમિયાન જે ડેટા મેળવવામાં આવ્યા છે, તેના આધારે સંશોધકો આગાહી કરી શકે છે.

અમેરિકાના નેશનલ ઑસેનિક ઍન્ડ ઍટમૉસ્ફિયરિક ઍડમિનિસ્ટ્રેશન (એનઓએએ)ના વિજ્ઞાનીઓએ 2023ના ઍટલાન્ટિક વાવાઝોડા સંબંધી આગાહીને આ મહિનાની શરૂઆતમાં અપડેટ કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે આ સિઝન અપેક્ષા કરતાં વધારે લાંબી હશે. તેમાં સામાન્ય વર્ષ કરતાં વધારે તોફાન તથા વાવાઝોડાં જોવા મળશે.

વિક્રમસર્જક સમુદ્રી તાપમાન અને વાતાવરણમાં પવનની અસામાન્ય પૅટર્ન, એક એવી જટિલ પુશ-પુલ ઇફેક્ટમાં યોગદાન આપી રહી છે, જે વાવાઝોડાને વેગ આપે છે.

વાવાઝોડાં ઋતુના પૂર્વાનુમાનને નિર્ધારિત કરવામાં મદદગાર બની શકે તેવી એક અન્ય ઘટના પ્રત્યે પણ સંશોધકોએ ધ્યાન દોર્યું હતું.

વિષુવવૃત્તીય આફ્રિકાના પશ્ચિમ કિનારા પરના પાણીના વિશાળ વિસ્તારમાં ઍટલાન્ટિક નીનો અથવા ‘અલ નીનોના નાના ભાઈ’ તરીકે ઓળખાતા તાપમાનમાં સમયાંતરે વધઘટ અનુભવાતી હોય છે.

નવા સંશોધન સૂચવે છે કે ઍટલાન્ટિક મહાસાગરની સપાટીના તાપમાનમાં ફેરફારનું આ ચક્ર, કેટલાંક સૌથી શક્તિશાળી વાવાઝોડાંને કેરેબિયન અને અમેરિકા પર ત્રાટકવાનું બળ આપી શકે છે.

અલ નીનો ઈફૅક્ટ શું છે?

વાવાઝોડું

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઍટલાન્ટિક મહાસાગરમાં ઉષ્ણકટિબંધીય તોફાનોના જન્મને આકાર આપતી હવામાનની ઘણી પ્રણાલીઓ પૈકીની બે જરાક અલગ છે.

અલ નીનો સર્ધન ઑસિલેશન (ઈએનએસઓ) એક વૈશ્વિક હવામાન પૅટર્ન છે, જે પેસિફિકમાં રચાય છે અને અલ નીનો વૉર્મિંગના તબક્કામાં તથા લા નીના ઠંડકના તબક્કામાં તેમાં વધઘટ થાય છે.

અલ નીનો દરમિયાન પેસિફિક મહાસાગરનું સરેરાશ કરતાં વધુ ગરમ તાપમાન વૈશ્વિક વાતાવરણીય સર્ક્યુલેશનને આગળ ધપાવે છે અને ઍટલાન્ટિકમાં લંબરૂપ પવનના દબાણમાં વધારો કરે છે.

વાવાઝોડાની પ્રણાલી સામાન્ય રીતે ટટ્ટાર, સીધી રહેતી હોય છે. તેથી વિન્ડ શીયર (વિવિધ ઊંચાઈએ ફૂંકાતા પવનની ગતિ અને દિશા વચ્ચેનો તફાવત) વધારે હોય છે. એ વખતે તેમના ઉપરથી ત્રાટકવાનું અને તેમાં ફાંટા પડવાનું જોખમ હોય છે.

તેનાથી વિપરીત અલ નીનો ઉત્તર-પૂર્વ પેસિફિકમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાતનું જોખમ પણ વધારે છે.

મૅક્સિકો અને દક્ષિણ કૅલિફોર્નિયાના પશ્ચિમ કિનારે ઉષ્ણકટિબંધીય તોફાન હિલેરીનું આગમન હવામાન પૅટર્નના વર્તમાન તબક્કાને આભારી છે.

ઍટલાન્ટિક પર હવે પાછા ફરીએ. વાવાઝોડાનો તાગ મેળવવાનું બીજું નિર્ણાયક પરિબળ ઍટલાન્ટિક મૅરિડિયોનલ મોડ (એએમએમ) છે, જે નીચા સ્તરના પવન અને સમુદ્રમાં ઉષ્ણકટિબંધીય સમુદ્ર સપાટીના તાપમાનમાં વધઘટ માટે જવાબદાર છે.

તેથી ડબ્લ્યૂએમએ સકારાત્મક સ્થિતિમાં હોય ત્યારે સમુદ્રનું તાપમાન સામાન્ય કરતાં ગરમ હશે અને વધુ ગરમી આપશે. એ ગરમી ઉપરથી પસાર થતા તોફાનને વેગ આપે છે.

વાવાઝોડાં કેવી રીતે રચાય છે, તે શક્તિશાળી કેવી રીતે બને છે, તે કેટલો સમય ચાલે છે અને તે ક્યાં લૅન્ડફૉલ કરશે તે ઘણાં પરિબળો નક્કી કરે છે.

બીબીસી ગુજરાતી

બીજું સંતાન - ઍટલાન્ટિક નીનો

વાવાઝોડું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2017માં વાવાઝોડું ઇરમા જ્યારે માયામીના કિનારે ટકરાયું હતું.

એનઓએએના સમુદ્રશાસ્ત્રી હૉસ્મે લોપેઝે જણાવ્યું હતું કે ઈએનએસઓ અને એમએમએ બંનેમાં સમુદ્રી તથા વાતાવરણીય પરિભ્રમણની ક્રિયા-પ્રતિક્રિયાનો સમાવેશ થાય છે તેમજ દરિયાની સપાટીના તાપમાન પર તેમની અસર માપવાથી વાવાઝોડાની પ્રકૃતિની આગાહી કરવામાં મદદ મળે છે, પરંતુ બંને હવામાન પ્રણાલીના અલગ-અલગ સ્થાન પણ છે, ત્યાં તે પ્રભાવશાળી હોય છે.

કેન્દ્રીય ઉષ્ણકટિબંધીય ઍટલાન્ટિક બેસિનમાં વાવાઝોડાની રચના પર ડબ્લ્યૂએમએની જોરદાર અસર હોય છે, જ્યારે ઈએનએસઓ સામાન્ય રીતે કેરેબિયન અને મૅક્સિકોના અખાતમાં આકાર પામતાં વાવાઝોડાં પર વધુ પ્રભાવ ધરાવે છે.

તેનાથી વિપરીત ઍટલાન્ટિક નીનો તરીકે ઓળખાતી હવામાનની પૅટર્ન પશ્ચિમ આફ્રિકાના દરિયાકાંઠે આવતાં તોફાનો પર મોટો પ્રભાવ પાડી શકે છે.

વાવાઝોડાંની ઍક્ટિવિટીની સંભવિત આગાહીના આ ત્રીજા સંકેતમાં ઈએનએસઓ જેવી ગતિશીલતા સામેલ હોય છે.

જોકે, તે નાના ઍટલાન્ટિક મહાસાગરમાં આકાર પામતાં હોવાથી તેની વૈશ્વિક અસર પેસિફિકમાં તેના મોટાભાઈ કરતાં પ્રમાણમાં ઓછી હોય છે અને ઍટલાન્ટિક વાવાઝોડા પરની તેની અસરનો અત્યાર સુધી ઓછો અભ્યાસ કરવામાં આવ્યો છે.

લોપેઝે કહ્યું હતું, “અલ નીનો ડેલ ઍટલાન્ટિકોના અસ્તિત્વ વિશે અમે ઘણાં વર્ષોથી વાકેફ છીએ.” વાવાઝોડના વિકાસમાં તેની ભૂમિકાનો જે ટીમે અભ્યાસ કર્યો હતો તેમાં લોપેઝ પણ સામેલ હતાં.

ખાસ કરીને સાહેલમાં વરસાદ અને ઉત્તર આફ્રિકામાં ચોમાસા જેવી મહત્ત્વની વૈશ્વિક આબોહવાની ઘટનાઓ પર તેનો પ્રભાવ જોવા મળ્યો પછી જ “તેમાં વધુ વૈજ્ઞાનિક જિજ્ઞાસા તાજેતરમાં જ જોવા મળી છે.”

સહરાના રણ તથા કિનારા પરના વાતાવરણીય વિક્ષેપ સંદર્ભે ઘણાં સૌથી વધુ વિનાશક વાવાઝોડાંનું ઉદ્ગમસ્થાન અણધાર્યું હોય છે એ પહેલેથી જ જાણીતું છે.

તે પશ્ચિમ આફ્રિકાના દરિયાકિનારે કેપ વર્ડે દ્વીપસમૂહ નજીક ઍટલાન્ટિક મહાસાગરમાં ચક્રાકારે ફરતાં વાવાઝોડાં પેદા કરી શકે છે. ત્યાં તે ગરમ ઉષ્ણકટિબંધીય પાણીને, એ વાવાઝોડું ન બની જાય ત્યાં સુધી ત્યાં સુધી ઉત્તેજિત કરતું રહે છે અને સમુદ્ર જેટલો ગરમ હોય છે તેટલી વધુ ઊર્જા વાવાઝોડું સંગ્રહિત કરી શકે છે.

અહીં ઍટલાન્ટિક ચાઇલ્ડ ભૂમિકા ભજવી શકે છે. ઉષ્ણકટિબંધીય તોફાનો મૅક્સિકોના અખાતમાં રચાય અને આસપાસની જમીનને ઘેરી લે છે. તેનો અર્થ એ થાય કે તેમનો લૅન્ડફૉલ થવાની શક્યતા પ્રબળ હોય છે, પરંતુ શક્તિશાળી વાવાઝોડું બનવા માટે જરૂરી ઊર્જા એકત્ર કરવા માટે તેમને ઓછો સમય મળે છે.

જોકે, કથિત કેપ વર્ડે વાવાઝોડાને સમુદ્ર પરથી પસાર થવામાં અને તેની ગરમીનું શોષણ કરવા માટે પુષ્કળ સમય મળે છે. પરિણામે અમેરિકા તથા કેરેબિયન પર ત્રાટકતા તમામ મોટા વાવાઝોડામાં કેપ વર્ડેનો હિસ્સો 80-85 ટકા હોય છે.

તેથી અલ નીનો ડૅલ ઍટલાન્ટિકો વાવાઝોડાની વિનાશક સિઝનની વિનાશક સંભાવના પર મોટો પ્રભાવ પાડી શકે છે, કારણ કે તે ઍટલાન્ટિક મહાસાગરમાં કેટલાંક સૌથી તીવ્ર તોફાનોને બળ આપે છે.

અલ નીનો હવામાન પૅટર્ન વૈશ્વિક આબોહવાની અસરના સંદર્ભમાં સૌથી વધુ પ્રભાવશાળી હોય છે, એમ જણાવતાં લોપેઝે ઉમેર્યું હતું, “તેની સાથે ત્રણેય વાવાઝોડાનું પૂર્વાનુમાન કરવાની પ્રણાલીઓમાં સુધારાના સંદર્ભમાં કશુંક ઉમેરે પણ છે. તે વધારે મહત્ત્વનું છે તેમ અમે કહી શકતા નથી, કારણ કે એવું કહીશું તો આપણને નવી વસ્તુઓ શીખવાની જિજ્ઞાસા નહીં રહે.”

બીબીસી ગુજરાતી

‘મહારથીઓની ટક્કર’

વાવાઝોડું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વાવાઝોડાંના નિર્માણ પાછળ હવે ક્લાઇમેટ ચેન્જની અસર ચોક્કસપણે વર્તાય છે.

આ સંદર્ભમાં સવાલ થાય કે વર્તમાન વાવાઝોડાની આગાહી માટે ઍટલાન્ટિક ચાઇલ્ડના નવા સમજાયેલા પ્રભાવનો અર્થ શું છે?

આ વર્ષે ખાસ નહીં. ઍટલાન્ટિક અલ નીનો હાલમાં ‘તટસ્થ તબક્કા’ તરીકે ઓળખાય છે, એટલે કે તે ઠંડી અને ગરમી વચ્ચેની વધઘટના વચ્ચેના સંક્રમણમાં છે.

સંશોધનમાં સામેલ એનઓએએના અન્ય વિજ્ઞાની ડોંગમિન કિમે કહ્યું હતું, “ઍટલાન્ટિક ચાઇલ્ડની સ્થિતિ આ વર્ષે વિકસિત થશે કે કેમ તે અત્યારે સ્પષ્ટ નથી.”

તેનો અર્થ એ છે કે વિજ્ઞાનીઓ ઈએનએસઓ અને એમએમએ દ્વારા પૂરા પાડવામાં આવેલા સંકેતો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ઈએનએસઓ અને એમએમએ આ વર્ષે સમુદ્રી સ્તરની ખેંચતાણમાં છે.

કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટી, કૉલોરાડોના વાતાવરણીય વિજ્ઞાની ફિલ ક્લૉટ્ઝબૅકના જણાવ્યા મુજબ, માર્ચ-એપ્રિલમાં વાવાઝોડાની ઋતુ સામાન્ય કે સામાન્યની નજીક રહેવાની આગાહી કરવામાં આવી હતી, કારણ કે અલ નીનો વિન્ડ શીયરની નુકસાનકારક અસર નોંધપાત્ર હોવાની ધારણા હતી.

જોકે, અલ નીનો ઝડપથી વિકસી રહ્યું છે ત્યારે તેને પૂર્ણ આકાર પામવામાં થોડો સમય લાગે છે અને એ દરમિયાન ઍટલાન્ટિકમાં સમુદ્રની સપાટીનું તાપમાન રેકર્ડ સ્તરે છે.

તેને લીધે વાવાઝોડાની સિઝન સામાન્યથી ઉપર રહેવાની શક્યતા 60 ટકા છે, એવું એઓએએની ઑગસ્ટની આગાહીમાં જણાવવામાં આવ્યું હતું.

ક્લૉટ્ઝબૅકે કહ્યું, “હું આને મહારથીઓ વચ્ચેની લડાઈ માનું છું. તેમાં લા નીના પણ ઉમેરાયું હોત તો આપણે એક ઉન્મત, ઝડપી ગતિવાળી સિઝન તરફ આગળ વધ્યા હોત, પરંતુ આ પરિબળો એકમેકની સામે ટક્કર લેતા હોવાથી ઋતુ મધ્યમ રહેવાની આશા છે.”

વાવાઝોડાની રચના પર આબોહવા પરિવર્તન પણ પોતાની છાપ છોડી રહ્યું છે.

સંશોધકોએ આગાહી કરી છે કે ઍટલાન્ટિક અલ નીનો વૈશ્વિક ગરમાટાના પ્રતિભાવમાં નબળું પડી શકે છે ત્યારે માનવસર્જિત વૈશ્વિક વાતાવરણે પણ વધુ તીવ્ર વાવાઝોડું આકાર પામે તેવી પરિસ્થિતિ સર્જી છે.

પૃથ્વી પર આવા ગરમાટાની અસરને સંપૂર્ણપણે સમજવા માટે વધુ સંશોધન જરૂરી છે અને ઉપગ્રહો મારફત મળતી માહિતી તેમાં મદદરૂપ થઈ રહી છે. એ ઉપરાંત ઉષ્ણકટિબંધીય ઍટલાન્ટિકમાંનું પાયલટ રિસર્ચ નેટવર્ક ઑફ બૉય્સ (પિટારા) પણ ઍટલાન્ટિકમાં થતા સમુદ્રી તથા વાતાવરણીય પરિવર્તનનું અવલોકન કરી રહ્યું છે.

જોકે, વાવાઝોડાથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકોને આ વર્ષે અતિ-સક્રિય ઋતુ માટે તૈયાર રહેવાની ચેતવણી આપવામાં આવી છે.

વધુ વાવાઝોડાંની આગાહી સાથે તેમના જમીન પર ત્રાટકવાની શક્યતા પણ વધી જાય છે. કૉલૉરાડો સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોનો અંદાજ છે કે વાવાઝોડાં અમેરિકાના દરિયાકાંઠે ક્યાંક લૅન્ડફૉલ થવાની શક્યતા લગભગ 48 ટકા છે, જે 43 ટકાની લાંબા ગાળાની સરેરાશથી થોડી વધારે છે.

ક્લૉટ્ઝબૅકે કહ્યું, “તમે ટાર્ગેટ પર 300 તીર ફેંકો તો તમે લક્ષ્યને ભેદી શકો તેવી શક્યતા હોય છે.”

એનઓએએના આગાહીકર્તાઓનો સંદેશ સ્પષ્ટ છેઃ તૈયાર રહો.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી